Ishq Impossible - 14 books and stories free download online pdf in Gujarati

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 14

હજી હમણાં તો હું સ્વપ્નસુંદરીને મળ્યો હતો.એટલી વારમાં પાછો એનો ફોન આવી ગયો?
"સાંભળ.મને ખબર પડી છે કે કાલે શીલા તેના પરિવાર સાથે મૂવી જોવા જવાની છે."
"તો આ જાણકારી તું મને શા માટે આપી રહી છે?"
"અરે ભગવાન!!! આપણે પણ એ મૂવી જોવા જઈશું."
"ના.મને મૂવી જોવામાં રસ નથી.એના કરતા મફતમાં વેબ સીરીઝ જોવી સારી."
"અરે બાઘા!!!હું શીલા સાથે જવાનું નથી કહેતી.આપણે એ જ શોમાં જઈશું અને એવો પ્રયત્ન કરીશું કે આપણે શીલાની નજરે ચડી જઈએ."
"ઠીક છે.શો ક્યારનો છે?"
"રાત્રે આઠ વાગે."
"અરે પણ...રાત્રે તો ઇન્ડિયાની t૨૦ મેચ છે."
"અરે તો...ભાડમાં ગઈ મેચ!!કાલે સાડા સાત વાગે મને પિક અપ કરજે."
કહીને વધુ વાતચીત કર્યા વગર સ્વપ્નસુંદરીએ કૉલ કાપી નાખ્યો.
ટોળકી ચાતક નજરે મારી સામે જોઈ રહી હતી.
"કાલે સાંજે મૂવી જોવા માટે કહેતી હતી."હું બોલ્યો.
"શું વાત કરે છે? તેણે સામેથી આ પ્રસ્તાવ મૂક્યો???"સૌરભે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
"કયું મૂવી જોવાના?"નિરવે પ્રશ્ન કર્યું.
"એ તો હજી એણે કહ્યું નથી.એનાથી શું ફરક પડે છે?"મેં કહ્યું.
નીરવ ઉત્સાહમાં આવી ગયો,"ત્યાં તો તું થાપ ખાય છે, બકા! જો અત્યારે એ જગજાહેર હકીકત છે કે હિન્દી ફિલ્મો ફ્લોપ જઈ રહી છે અને સાઉથની અને ઈંગ્લીશ ફિલ્મો ચાલી રહી છે.તો જો તમે હિન્દી ફિલ્મ જોવા જાવ તો પૂરેપૂરી શક્યતા છે કે તમને થિયેટર ખાલી મળે. એટલે ત્યાં વધુ ભીડ ન હોય તો તમે ખાલી થિયેટરનો લાભ ઉઠાવી શકો."
"એમાં લાભ શું?ઉલ્ટા વધુ લોકો હોય તો મૂવી જોવાની મજા આવે."
નીરવ અવિશ્વાસથી મારી સામે જોઈ રહ્યો. તેણે માથું ધુણાવ્યું પણ કંઈ બોલ્યો નહિ.
પણ તેની કસર પ્રકાશે પૂરી કરી દીધી." મેં પહેલાં પણ કહ્યું હતું કે ભિખારીને સોનાનો કટોરો આપશો તો પણ તેનાથી એ ભીખ જ માંગશે."
હવે સૌરભ વચ્ચે પડ્યો,"જો પ્રવીણ આપણો મિત્ર છે.તેનો આ રીતે તિરસ્કાર કરવો તે આપણા માટે યોગ્ય નથી.તેને જે ક્રિયાનું જ્ઞાન નથી તે જ્ઞાન તેને આપવું તે મિત્રો તરીકે આપણું કર્તવ્ય છે.હા,હું સ્વીકાર કરું છું કે એ આપણી સાથે મૂવી જોતો હતો ત્યારે થોડું ધ્યાન આજુ બાજુના લોકો પર રાખ્યું હોત તો આવી કરુણ સ્થિતિ ન સર્જાત.જો બકા, જ્યારે પ્રેમની નવી નવી શરૂઆત હોય ત્યારે તેને વ્યક્ત કરવા માટે ખાલી થિયેટરથી વધુ સારી બીજી કોઈ જગ્યા નથી હોતી.કારણકે ઘરે જવાય નહી.જાહેર જગ્યાએ કોઈના જોઈ જવાની બીક હોય. અને ઘણી સંસ્થાના વ્યક્તિઓ તો આવા જોડાને શોધતા જ હોય છે. એવા કોઈ વ્યક્તિના હાથે તમે ચડી ગયા તો તમારો વિડીયો પણ વાયરલ થઈ શકે છે. યુટ્યુબમાં તમને દેખાડીને કહેવામાં આવશે કે જુઓ ભારતીય સંસ્કૃતિનું નિકંદન નીકળી રહ્યું છે. બગીચામાં પણ સેફટી નથી રહી. એટલે ખાલી સિનેમા થિયેટર એક સરસ જગ્યા છે. જ્યાં તમે મનગમતી પ્રવૃત્તિ કરી શકો છો."
"મનગમતી પ્રવૃત્તિ?"
"જો તું હાથ પકડીને હગ તો આપી જ શકે છે.આગળ તો તારી હિંમત અને સામે વાળી પાર્ટીના રિસ્પોન્સ પર આધાર રાખે છે.આ કેસમાં સ્પોટ ડીસિઝન લેવો જરૂરી છે. સામેવાળી પાર્ટી કેટલી હદ સુધી જવા તૈયાર છે તે તેનું આકલન પણ જરૂરી બને છે. નહિતર જાહેરમાં લાફો ખાવાની પણ તૈયારી રાખવી પડે."
હું સૌરભનું પ્રેરક પ્રવચન સાંભળી રહ્યું હતો અને મનોમન હસી રહ્યો હતો.ટોળકી મારા જેવી કલ્પનાઓ કરી રહી હતી તે ખરેખર રમુજી હતું.તેમને શું ખબર કે એવું તો કશું થવાનું નથી.
ત્યાં તો પ્રકાશે મારો મોબાઈલ બધા સામે ધર્યો," હવે જુઓ આ બીજુ પરાક્રમ.ભાઈ સાહેબે છોકરીનું નામ સ્વપ્નસુંદરી તરીકે સેવ કર્યું છે!"
મેં પ્રકાશના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લીધો."જો હું મોબાઈલમાં લોક નથી રાખતો તેનો ગેરલાભ નહી ઉઠાવવાનો."
"અરે પણ સ્વપ્નસુંદરી? નામ સાથે સેવ કરને?"
હું સહેજ ખચકાયો અને પછી કહ્યું,"વાત એમ છે કે મને એનું નામ નથી ખબર."
ટોળકી મારી સામે એવી રીતે જોઈ રહી જાણે મેં દસ મર્ડર કર્યાંની કબૂલાત કરી હોય.પછી સૌરભે માથું ફૂટ્યું.
"બાઘા!!!" તે ફક્ત એટલું જ બોલ્યો.
પણ શિખામણ નિરવે આપવાની ચાલુ કરી,"એક તો આ વાત જ શરમજનક છે કે તને હજી સુધી એનું નામ નથી ખબર. પણ એ વાત જવા દો. પણ એના નંબર ને સ્વપ્ન સુંદરી તરીકે સેવ કરવાની શું જરૂર છે? પાછો તું તારા મોબાઇલમાં કોઈ લોક પણ નથી રાખતો. અત્યારે પ્રકાશે ખોલીને જોઈ લીધું એવી રીતે કોકવાર બાપા ખોલીને જોઈ લેશે તો તારો વરઘોડો તાત્કાલિક નીકળી જશે. કોઈપણ નામ રાખને? પ્લમ્બર, કાર્પેન્ટર, ઇન્સ્યોરન્સ એજન્ટ! "
ટોળકી હવે બરાબરના મૂડમાં આવી ગઈ હતી. સળંગ એક કલાક સુધી તેમને વારાફરતી મારા ઉપર સૂચનાઓનો મારો ચાલુ રાખ્યો. અંતે સૌરભ બોલ્યો,"બસ આજ માટે એટલું બહુ છે. હવે આપણે છુટા પડીએ. છોટુ ક્યારનો આપણી તરફ જ જોઈ રહ્યો છે. એ આવીને આપણને ઉભા કરે એ પહેલા આપણે વિદાય લઈએ. તો પ્રવીણ બધી વાત યાદ રાખજે અને પરમ દિવસે અમને જણાવજે કે શું થયું."
"ઠીક છે." મેં કહ્યું અને અમે છુટા પડ્યા.

ક્રમશ: