Ishq Impossible - 24 books and stories free download online pdf in Gujarati

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 24

બધું ખતમ થઈ ગયું હતું.
આભાના ઘરે થી વિદાય થયો ત્યાં સુધી મેં સ્વસ્થતા જાળવી રાખી. પણ તેમનાથી દુર નીકળ્યા પછી હું ભાંગી પડ્યો. અત્યારે ઘરે જવાની મારી સ્થિતિ નહોતી એટલે મેં કૉલેજ માટે રિક્ષા પકડી.
આભા સાથેની પહેલી મુલાકાતથી માંડીને આજની ઘટના..જાણે મારા મગજમાં એક ફિલ્મ ચાલી રહી હતી.
હું આભાના વિચારોમાં એટલી હદે ખોવાઈ ગયો હતો કે કૉલેજ આવી ગઈ અને રીક્ષાવાળા એ રિક્ષા ઉભી રાખી મને તેનો પણ ખ્યાલ આવ્યો નહોતો.
"અરે ભાઈ ઉતરો." રિક્ષાવાળાએ મને જાગૃત કર્યો.
"ઓહ હા." કહીને હું રિક્ષામાંથી ઉતર્યો,અને મંથર પગલે કેન્ટીન તરફ આગળ વધ્યો.
અત્યારે હું થોડો સમય એકલો બેસવા ઈચ્છતો હતો,પણ સૌરભ અને પ્રકાશ ત્યાં પહેલાંથી બેઠા હતા.મને જોઈને સૌરભને અંદાજો આવી ગયો કે કોઈ તો ગડબડ છે.
"શું થયું બકા?"તેણે ધીમેથી કહ્યું.
હવે મિત્રોથી છુપાવવાનો કોઈ અર્થ નહોતો.મેં આખી કહાણી ધીરે ધીરે બંનેને જણાવી દીધી.
હકીકત સાંભળીને બંને સ્તબ્ધ થઈ ગયા.
"તો આ બધું એક નાટક હતું?"પ્રકાશે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
જોકે સૌરભે અલગ પ્રતિભાવ આપ્યો હતી," મને આની જ બીક હતી.જે ઝડપથી પ્રવીણ આગળ વધી ગયો હતો તે શંકાસ્પદ હતું.પણ તે અમારાથી પણ છુપાવ્યું? ખેર.હવે જે થયું એને ભૂલી જાવ.કહેવાય છે કે. ....."
મેં હાથ ઊંચો કરીને સૌરભને બોલતા રોક્યો," જો ભાઈ.હવે તું પેલો બસ ટ્રેન અને છોકરી વાળો ડાયલોગ બોલવાનો હોય તો માંડી વાળ.આ ડાયલોગ હવે વાસી થઈ ગયો છે."
સૌરભ હસ્યો,"હું એજ કહેવાનો હતો!"
હવે પ્રકાશ બોલ્યો," વાત પર ધૂળ નાખો. આ પ્રકરણ હવે પતી ગયું છે!"
અને ખરેખર પછી આ વિષય પર કોઈ ચર્ચા ન થઈ. કલાક કેનટીનમાં બેસીને અમે છુટા પડ્યા.
થોડો સમય મિત્રો સાથે વિતાવ્યા પછી મને હવે સારું લાગી રહ્યું હતું.મારા મનમાં છવાયેલ રંજ ધીરે ધીરે ઓછું થવા માંડ્યું હતું.
મેં અંતે સ્વીકારી લીધું કે હવે હું અને આભા છૂટા પડી જવાના હતા.અંતિમ વાર આભા સાથે વાત કરવા મેં તેને કૉલ લગાડ્યો.થોડી વાર રીંગ જતી રહી અને પછી કૉલ ડિસ્કનેક્ટ થઈ ગયો.
હું ફિક્કું હસ્યો.કામ પતી ગયું હતું.ગરજ પૂરી થઈ ગઈ હતી.હવે આભા શા માટે મારો ફોન ઉપાડે?
"કેમ બહુ હસવું આવી રહ્યું છે?" અચાનક એક રુક્ષ સ્વર સાંભળીને હું તંદ્રામાંથી બહાર આવ્યો.સામે ઈશાન ઊભો હતો!
ઈશાનને જોઈને હું ચોંક્યો. તેના ચહેરા ઉપર ગુસ્સાના બહુ જ સ્પષ્ટ ભાવ હતા.
"ગયે વખતે તો આભા અને શીલાએ આવીને તને બચાવી લીધો હતો. આજે તને કોણ બચાવશે?" ઈશાન જાણે બોલી નહોતો રહ્યો પણ આગ ઓકી રહ્યો હતો.
"જો ભાઈ હું તારી સાથે કોઈ ઝગડો કરવા નથી માંગતો.તારી વાત સાચી હતી.આભાએ મને છોડી દીધો છે.હવે આપણી વચ્ચે કોઈ મતભેદ હોવો જોઈએ એવું મને નથી લાગતું."
"આભામાં હવે મને ખુદને રસ નથી! પણ તે મને ભિખારી કહ્યો હતો ને?તો ભીખમાં તને મારી મારીને ભૂત બનાવી દેવાની સગવડ આપને! હું હાથ જોડી રહ્યો છું.મને આ ભીખ આપ.મુક્કા લાતની સાથે આશીર્વાદ પણ આપીશ."
અને ખરેખર ઈશાને મારી સામે હાથ જોડયા!
મેં સાવધ નજરે આસપાસ જોયું.અત્યારે ખાસ ભીડ નહોતી અને જે હતી તેમાં મને મદદ કરે તેવું કોઈ નહોતું.વળી ઈશાન પહેલાં પણ આવા કાંડ કરી ચૂક્યો હતો અને તેના પર કોઈ એક્શન લેવામાં નહોતું આવ્યું.
મેં મારી ચારે તરફ જોયું.દરેક દિશામાં મને કોઈ તો દેખાયો જે રસ્તો રોકી રહ્યો હતો.
ચારે તરફ જોઈને મેં પાછું ઈશાન તરફ જોયું. તેના ચહેરા પર વ્યંગાત્મક સ્મિત હતું.
"છટકવાની કોઈ શક્યતા નથી, બેટા." તે બોલ્યો.
ત્યાંજ તેના એક ચમચાએ ચેતવણી આપી,"ઈશાન,પ્રોફેસર!"
અને સાચેજ મારા માટે દેવદૂતની જેમ પ્રોફેસર સામેથી આવી રહ્યા હતા. હું એક ક્ષણ પણ બગાડ્યા વગર ત્યાંથી વિદાય થઈ ગયો.
મારી પાસે સમય ખૂબ ઓછો હતો.મને આ વાતનો સારી રીતે ખ્યાલ હતો કે આ લોકો સો ટકા મારો પીછો કરવાના હતા.એટલે મેં રીતસર દોટ મૂકી.અત્યારે ઈશાન અને તેના મિત્રોથી હું જેટલો દૂર જાઉં તેટલી મારી સલામતી હતી.
દોડતા દોડતા મેં જોયું કે ઈશાન મારો પીછો કરી રહ્યો હતો.એકાએક હું આતંકિત થઈ ગઈ ગયો અને આંખ બંધ કરીને દોડ્યો.પણ ઈશાનથી છટકવાની ચક્કરમાં મારી નજર રસ્તા પરથી હટી ગઈ હતી.
અને મને ખ્યાલ આવ્યો એ પહેલાં તો એક કાર મારી સામે આવી ચૂકી હતી.અને અઠવાડિયામાં બીજી વાર મારો એક્સિડન્ટ થયો!
ટક્કરના કારણે હું રીતસર ઉછળ્યો.મારા શરીરમાં દર્દની લહેરખી પસાર થઈ ગઈ.અને એ જ ક્ષણમાં હું બેશુદ્ધ થઈ ગયો.

ક્રમશ: