Ishq Impossible - 25 in Gujarati Love Stories by Jwalant books and stories PDF | ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 25

The Author
Featured Books
Categories
Share

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 25

મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો.
શરૂ માં તો મને ખ્યાલ જ ન આવ્યો કે હું ક્યાં છું.પછી અચાનક મને યાદ આવ્યું કે હું ઈશાનથી બચવા માટે ભાગી રહ્યો હતો અને અચાનક એક કારની સામે આવી ગયો હતો.
મેં મારી આસપાસ જોયું તો સૌપ્રથમ મને મારા બેડની બાજુમાં બેઠેલી આભા અને શીલા દેખાઈ.
"કેવું લાગે છે હવે?" આભાએ ચિંતિત સ્વરમાં પૂછ્યું.
"તૂટા તૂટા એક પરિંદા એસે તૂટા કે વો જુડ ના પાયા."મેં મારું દુઃખ વ્યક્ત કર્યું.
આભામાં ચહેરા પર સ્મિત આવ્યું,"તને મારી જ કાર મળે છે દર વખતે સામે આવવા માટે?"
એટલે આ વખતે પણ મારો એક્સિડન્ટ આભાની કાર સાથે જ થયો હતો! ગજબ યોગાનુયોગ કહેવાય!
"તેરે ચહેરે મે વો જાદુ હે, બિન ડોર ખીંચા જાતા હું. જાના હોતા હૈ ઔર કહી, તેરી ઓર ચલા આતા હું."
"અરે પણ કાર હું નહી પણ પપ્પા ચલાવી રહ્યા હતા."
"મેરા સસુરા બડા પૈસેવાલા."
"બસ હવે ચૂપ થઈ જા. નહીં તો હું જતી રહીશ."
"અભી ન જાઓ છોડકે દિલ અભી ભરા નહી."
આભા હવે ખરેખર ઊભી થઈ ગઈ.હું તાત્કાલિક ગંભીર થઈ ગયો," ના,જઈશ નહિ.થોડી વાર બેસ."
આભા બેઠી અને કહ્યું,"તને મલ્ટીપલ ફેક્ચર થયા છે. સાચું કહું તો થોડા સમય માટે અમે ગભરાઈ ગયા હતા. તારો જીવ જોખમમાં હતો. જોકે ત્યારે વાંધો નથી."
હવે શીલા બોલી,"ઈશાનની તરફથી હું માફી માગું છું. અને આભા મારે તારી પણ માફી માગવી જોઈએ. ઈશાને જે રૂપ આજે દેખાડ્યું તેના વિશે મને સહેજ પણ અંદાજો ન હતો. નહિતર તેના બાબતમાં હું તને ફોર્સ કરત જ નહીં."
હું પડખું બદલવા ગયો અને અચાનક મને દર્દનો જોરદાર ઝટકો લાગ્યો.
"ધીરેથી.હલનચલન ઓછું રાખ." આભા બોલી.
"મારા એક્સિડન્ટ પછી શું થયું?" મેં પૂછ્યું.
"અરે બહુ હોબાળો થઈ ગયો!તું ઈશાનથી બચવા ભાગી રહ્યો હતો તેના પ્રત્યક્ષદર્શી બહાર આવ્યા.ઈશાને પહેલાં જે લોકો પર દાદાગીરી કરી હતી તે પણ આગળ આવ્યા. પરિણામસ્વરૂપે ઈશાન અઠવાડિયા માટે સસ્પેન્ડ થઈ ચૂક્યો છે.ઘરે તેના પર ખૂબ વીતી છે અને આશા છે કે તે હવે લાઈન પર આવી જશે."
મને તોડી ફોડી ને લાઈન પર આવે એમાં મને શું ફાયદો!જોકે ભવિષ્ય માટે મારે જોખમ ઘટતું હતું તે ફાયદો ખરો.
"પણ તું અહી કેમ બેઠી છે? તારું કામ તો પતી ગયું છે ને?" મેં કહ્યું.
આભા મારી સામે આહત ભાવથી જોઈ રહી," તું મને એટલી મતલબી સમજે છે?"
"તો પછી તે મારો ફોન કેમ ન ઉપાડ્યો?"
"અરે! બાઘા! ફોન ચાર્જ થતો હતો.અને હું બીજા રૂમમાં હતી.મને ખબર જ નહોતી કે તારી કૉલ આવ્યો છે.તે એવું વિચારી પણ કેમ લીધું કે હું તારો ફોન જાણી જોઈને ન લઉં.શીલા પછીનો મારો બેસ્ટ ફ્રેન્ડ હવે તું જ છે!"
મેં માથું પીટી લીધું.સાચેજ એટલા જલદી નિષ્કર્ષ પર પહોંચી જવું તે મારી ભૂલ હતી.
થોડી વાર બંને બંને સખીઓ મારી પાસે બેસી અને પછી તેમણે વિદાય લીધી.
હું આભાને એવી રીતે જતા જોઈ રહ્યો જાણે તે મારા જીવનમાંથી જઈ રહી હોય!

છ મહિના પછી....

મને ઠીક થતાં ખાસ્સો સમય લાગી ગયો.લગભગ ત્રણ મહિના હું કૉલેજ ન જઈ શક્યો.અને એના પછી બીજા બધાએ કૉલેજ જવાનું બંધ કરી દીધું હતું કારણકે હવે પરીક્ષા સામે હતી.
ટોળકીમાં થી કોઈ ને કોઈ રોજ મને મળવા આવતું.અને રવિવારે આખી ટોળકી ભેગી થઈને ધીંગામસ્તી કરતી.
આભાએ શરૂઆતમાં તો સંપર્ક જાળવ્યો પણ ધીરે ધીરે તેના ફોન ઓછા થવા માંડ્યા અને અંતે સદંતર બંધ થઈ ગયા.
અને તે કહેતી હતી કે શીલા પછી હું જ તેનો બેસ્ટ ફ્રેન્ડ છું!
જોકે હવે મને આ વાતનું દુઃખ નહોતું થતું.જીવનના કેટલાક સત્યો આપણે જેટલી જલ્દી સ્વીકારી લઈએ તેટલું આપણા માટે સારું હોય છે.
આ આખાય પ્રકરણમાં જોકે મને એક ફાયદો જરૂર થયો.ફરજિયાત ઘરે રહેવાના સમયમાં મેં મારા પુસ્તકો પર લાગેલ ધૂળ ખંખેરી અને વાંચવા માંડ્યો.પરીક્ષા હવે માથા પર હતી. આ મહેનતનું ફળ પણ મળ્યું.જીવનમાં પહેલી વાર મેં આત્મવિશ્વાસથી પરીક્ષા આપી અને પરિણામ વખતે મારા મનમાં ગભરાટ નહી પણ ઉત્સુકતાના ભાવ હતો.
નોટીસ બોર્ડ પર ભીડ જામેલી હતી. હું વ્યગ્ર ભાવે પરિણામ તપાસી ગયો.અને મારા આશ્ચર્ય વચ્ચે મારો ક્રમાંક પ્રથમ હતો!!
હું જાણે એક તંદ્રામાં નોટિસ બોર્ડ સામે જોઈ રહ્યો.કહેવાય છે કે જે થાય છે તે સારા માટે જ થાય છે. જો મારો એક્સિડન્ટ ન થયો હોત તો શું મારું આ પરિણામ આવત? શક્ય જ નહોતું!
ત્યાં તો મને ટોળકીની ચિચિયારી સંભળાઈ.મને કંઈ ખ્યાલ આવે એ પહેલાં તો એ લોકો એ મને ખભે ઊંચકી લીધો હતો.
"અલ્યા મારું સરઘસ કાઢશો કે શું?" મેં હસતા હસતા કહ્યું.
ત્યાં મારી નજર આભા પર પડી.તે પણ પોતાની પરિણામ જોઈ રહી રહી.તેના ચહેરાના ભાવ પરથી લાગતું હતી કે તે પોતાના પરિણામથી ખુશ હતી.
તેને ખુશ જોઈને મારા ચહેરા પર સ્મિત આવ્યું.પણ તેનું ધ્યાન મારા તરફ નહોતું.કે પછી તે મારી ઉપેક્ષા કરી રહી હતી?

ક્રમશ: