Visamo - 13 books and stories free download online pdf in Gujarati

વિસામો.. 13

 ~~~~~~~

વિસામો - 13 - 

~~~~~~~

 

 

હવેલી માંથી જતા જતા પૂનમ તરફ કરેલી એ છેલ્લી નજર એને યાદ આવી ગઈ,...  

"પૂનમ,.... "  -   એ માત્ર એટલું જ બોલી શક્યો હતો,... જયારે એ આઠ વર્ષ પહેલા ભાગ્યો હતો,..

 

~~~~~~~~~

 

"પૂનમ,... " 

આઠ વર્ષ પહેલા ભાઈના આ શબ્દ સાથે જ બેહોશ થઇ ગયેલી પૂનમ જ્યારે ભાન માં આવી ત્યારે એ હવેલીમાં પૃથ્વીના પલંગ ઉપર આસ્થા પૃથ્વી ગોરલબા, વિક્રમસિંહ, લીલી અને ડોક્ટરની વચમાં હતી,... 

 

કોઈ પણ મર્દ ને જોઈ ને સહેમી જતી પૂનમ માત્ર વિક્રમસિંહ અને પૃથ્વી સમક્ષ જ સુરક્ષિત હોવાનો અનુભવ કરતી.. 

 

ડોક્ટર ને આસપાસ જોઈ ને એ પોતાની મુઠ્ઠી માં પોતાનો દુપટ્ટો મસળવા લાગતી,.. 

 

"ભાઈ ક્યાં છે પૃથ્વી,.. ?? - ભાઈ ને બોલાવને પ્લીઝ,.. બાપૂ બહુ તાકાતવર છે પૃથ્વી,.. હું શું કરીશ, ભાઈ વગર,.. ? આ લોકો મને ... " 

 

એના મોં ઉપર હાથ મૂકતા પૃથ્વીએ સાંત્વન આપ્યું,

"હું છું ને ? ... કશું જ નહિ થવા દઉં તને,.. "

 

"પણ બાપૂ,... ? આ એમનું ઘર છે,... મને બહુ જ બીક લાગે છે,.,.. " 

 

"બાપૂ તને કશું જ નહિ કરે પૂનમ,.. ભરોસો રાખ મારી ઉપર,.. " બોલીને પૃથ્વીએ ગોરલબા  સામે જોયું,.. 

 

ગોરલબા એ એની સામે ડોકું હલાવ્યું એટલે પૃથ્વીએ પૂનમ નો ચહેરો પોતાના હાથમાં લઈને એની આંખમાં આંખ નાખીને કહ્યું, " પૂનમ, આ ઘર હવે બાપૂનું નથી,.. મારા દાદાજી નું છે,.. મારું છે,.. બાનું છે,.. બાપૂ હવે આ ઘરમાં ક્યારેય પગ નહિ મૂકી શકે,.. "

 

"પ્રોમિસ,.. ?" - પૂનમે પૂછ્યું,.. 

 

હવે પૃથ્વીએ વિક્રમસિંહ સામે જોયું,.. 

જાણે પરવાનગી અને સધિયારો એક સાથે આપતા હોય એમ વિક્રમસિંહે એક જ પળમાં પોતાની બંને આંખો બંધ કરીને ખોલી અને ઈશારામાં જણાવ્યું કે એમનું પીઠબળ હંમેશા રહેશે, એટલે એણે પૂનમને માથે હાથ મૂકીને કહ્યું,

"આઈ પ્રોમિસ પૂનમ,..." 

 

આજ સુધી હાથ પકડીને સાથે રમતા ફરતા આ બંને છોકરાઓ બધાં જ સામે હોવા છતાં એ દિવસે એકબીજાને ભેટીને રડી પડ્યા,.. 

 

~~~~~~~

 

પૂનમને થોડી હૂંફ નો અહેસાસ તો થયો, પણ ડર એના મનમાંથી પાંચ વર્ષ સુધી ગયો જ નહોતો,.. બાપૂ નો ભય એને રાતના સપનામાં પણ ડરાવ્યા કરતો,..  

 

 

ક્યારેક ક્યારેક એ લપાઈ ને કલાકો સુધી પોતાના ઘરના કોઈ ખૂણામાં ભરાઈ રહેતી,.. તો ક્યારેક એ પોતાની અગાશીના ખૂણામાં પડેલાં કુંડાઓ ની પાછળ સંતાઈ રહેતી,.. નજર ચૂકાવીને ગાયબ થઇ ગયેલી પૂનમને આસ્થાએ કેટલીયે વાર એની અગાશી માં પડેલા પલંગ ની નીચે થી શોધી હતી,..  

 

ઘણી વાર તો લીલી અને આસ્થા કલાક સુધી એને શાંત પાડવાના સતત પ્રયત્નો કરતા,.. પણ એના ભારે થઇ ગયેલા શ્વાસ હળવા થતા જ નહિ,.. 

 

પૃથ્વી સાથે નદી કિનારે જતા રસ્તામાં કોઈ મળે તો એ પોતાના બન્ને હાથ વડે પૃથ્વી નો હાથ જોરથી પકડી લેતી,..  

 

ક્યારેક જમવા બેસે તો આઠ-દસ રોટલીઓ ખાઈ જતી અને ક્યારેક ચાર દિવસ સુધી માત્ર પાણી ઉપર જ રહેતી,.. 

 

એકાદ વાર તો આસ્થાના હાથમાંથી છટકી ગયેલા પાણીના ગ્લાસ ના અવાજ થી એ એટલી સહેમી ગઈ હતી કે લગભગ બેહોશ જેવી થઇ ગઈ હતી,... 

 

પૂનમની આ હાલત ગોરલ બા થી જોઈ શકાતી નહોતી ,... એક દિવસ અચાનક એ આસ્થા ને ત્યાં જઈ ચઢ્યા,.. રજવાડી ઠાઠ સાથે એમણે વિશાલના ઘરમાં પ્રવેશ કર્યો. એમણે ગરીબ અમીર નાનું મોટું કદીયે કોઈની પણ માટે ગણ્યું નહોતું. ગોરલબાએ આસ્થાને હાથ જોડીને કહ્યું  - "આસ્થા,.. હું માનતી હતી કે દુઃખનું ઓસડ દહાડા,.. પરંતુ,. પૂનમ જો આમાંથી બહાર જ ના આવી શકતી હોય તો કંઈક કરવું પડે,.. "

 

"કંઈક એટલે શું બા ?" - ગોરલબાના બન્ને હાથ પકડી લેતા આસ્થાએ સામે પૂછ્યું 

 

"છેલ્લા પાંચ વર્ષથી હું એને જોઉં છું એ જયારે પૃથ્વી ની આસપાસ હોય છે ઘણી શાંત રહે છે,"

 

"વાત તો સાચી છે બા,.. એ તો હું પણ જોઉં છું,.. " આસ્થાએ કહ્યું. એ સમજવા લાગી હતી કે ગોરલબાની વાત કઈ દિશા પકડવાની હતી.  

 

અને થયું પણ એમ જ. એની ધારણા મુજબ જ ગોરલબાએ હળવેથી આસ્થા સામે પ્રસ્તાવ મુક્યો,.. - "મને લાગે છે હવે આપણે પૂનમ અને પૃથ્વીના લગ્ન કરી દેવા જોઈએ,..  કમ-સે-કમ એ ચોવીસ કલાક પૃથ્વી ની નજર સામે તો રહી શકે,... " -

 

"બા,.. તમારી વાત ને હું માન આપું છું,.. અમારા સૌભાગ્ય કે ઠાકૂર ખાનદાન સાથે જોડાઈ શકીએ, પરંતુ મારે અમુક વાતો ની સ્પષ્ટતા તો કરવી જ રહી,.. એ દરબાર ની દીકરી છે,.. અને જો તમે એની ઉપર દયા ખાઈને પૃથ્વી સાથે પરણાવવાની વાત કરતા હોવ તો એના ભાઈ ને ક્યારેય અનુકૂળ નહિ આવે." - આસ્થાએ સન્માન સાથે જણાવ્યું 

 

"હું સમજુ છું આસ્થા,.. પરંતુ એવું કશું જ નથી,.. પૂનમ મારા દીકરાની આંખો છે,.. શ્વાસ વસે છે પૃથ્વીનો એનામાં,.. આ તો થઇ મારા દીકરાની વાત,... પરંતુ એ સિવાય હું એ પણ માનું છું કે જો પૂનમ મારી દીકરી હોત, તો એના સુખનો વિચાર મેં ના કર્યો હોત ,. ?? આખું ગામ જાણે છે પૂનમ ના શ્વાસે શ્વાસે  પૃથ્વી નું નામ નીકળે છે,.. અને એટલે જ એમને એક કરવાના મનસૂબા સાથે તારી સામે આવી છું,.. યકીન માનજે આસ્થા આજે જેટલી વિશાલ ની ગેરહાજરી મને સાલે છે એટલી પહેલા ક્યારેય સાલી નથી,.. " ગોરલબાએ આસ્થા સામે ચોખવટ કરી,.. 

 

"બા, એ જ વાત હું તમને પૂછું છું, જો પૃથ્વી અમારો દીકરો હોત  તો એના સુખનો વિચાર અમે ના કર્યો હોત ?" 

 

"હું સમજી નહિ આસ્થા,.. " 

 

"સાચો જવાબ આપજો બા,... તમે બાપૂએ કરેલા કાંડ માટે તમને ગુનેગાર ગણીને એના બદલામાં પૃથ્વીના સાથી તરીકે પૂનમ ને પસંદ નથી કરતા ને ? પૂનમને અપનાવીને બાપૂ ના દુર્વ્યવ્હારનો બદલો ચુકવવાની તમારે કે પૃથ્વીએ જરાયે જરૂર નથી.. તમે ગુનેગાર છો જ નહિ. પૃથ્વી માટે તમે કોઈ ખાનદાની ઠાકુરાઇન લાવશો તો પૃથ્વીના એ હક સામે અમને ક્યારેય કોઈ વાંધો નહિ હોય એની ખુશી અમે એટલાજ ભાવથી માથે ચઢાવીશું,.. "  

 

"બિલકુલ નહિ,.. આસ્થા,.. પૃથ્વી અને પૂનમ એકબીજાથી દૂર જઈને ક્યારેય ખુશ નહિ રહી શકે, તું ક્યાં નથી જાણતી ? અને એ સિવાય પૂનમ અને પૃથ્વી સાથે હું પહેલા જ વાત કરી ચુકી છું,.. તેમ છતાં વિશાલની ગેરહાજરીમાં તારી સંમતિ હોય એ મારા માટે ખુબ અગત્ય નું છે.. " 

 

"તો કરો કંકુનાં બા,.. જો પૂનમ અને પૃથ્વી રાજી હોય તો હું એમની ખુશી સિવાય કશું જ ઇચ્છતી નથી,.. એમને એક કરીને એના ભાઈ ના દિલને થોડી ઘણી ટાઢક આપી શકું તોયે જીવતર સફળ સમજીશ બા,.. " આસ્થાએ ભીની આંખે સંમતિ આપી,.. અને વિશાલને યાદ કરીને રડી પડી,.. 

 

"શાંત થઇ જા આસ્થા,.. તારે હિંમત હાર્યે નહિ ચાલે બેટા,.. વિશાલનું કામ હવે તારે જ કરવાનું છે દીકરા,.."  ગોરલબાએ એના આંસૂ લૂછતાં કહ્યું 

 

આસ્થાએ બે હાથ જોડી ને એમની વાતનો મૌન સ્વીકાર કર્યો..  અને ગોરલબા ને ભેટી ને વિશાલને યાદ કરતા ક્યાંય સુધી રડતી રહી..

એને શાંત પાડતા ગોરલબાએ આશ્વાસન આપ્યું અને કહ્યું - "લગ્ન ની ચિંતા જરાયે નહિ કરતી. વિક્રમસિંહ બધું જ જોઈ લેશે.." 

 

"પણ બા,.." 

 

"રજા લઉ આસ્થા.." ગોરલબાએ બે હાથ જોડ્યા. જે આડકતરી વિનંતી કરતો ઈશારો હતો કે વડીલ તરીકે મારા નિર્ણય ને માન્ય રાખજે. 

 

આસ્થા માટે પણ આગળ કોઈ ચર્ચા બાકી રહેતી નહોતી..  

 

ગોરલબા બે હાથ જોડીને ભીની આંખે ઉભા થયા અને આસ્થા એમને જતા જોઈ રહી,.. 

એક રાજરાણી ને શોભે એવી છટા થી ચાલતી આ સ્ત્રીની સમજદારી ઉપર આસ્થાને માન  થઇ આવ્યું,.. 

 

"બા,... " 

આસ્થાનો અવાજ સાંભળી દરવાજા સુધી પહોંચેલા ગોરલબાના પગ થંભી ગયા,.. એમણે પાછું વળીને જોયું,.. 

 

આસ્થાએ કહ્યું,..

"આખું ગામ તમારો પડ્યો બોલ ઝીલે છે, ગામના કોઈ પણ વ્યક્તિને તમે  હૂકમ કરી શકો એવો હોદ્દો ધરાવો છો,.. તેમ છતાં, પૂનમ નો હાથ માંગવા આ ઘર સુધી આવ્યા અને જે રીતે તમે મારી સંમતિ માંગીને મને સન્માન આપ્યું છે એ હું ક્યારેય નહિ ભૂલી શકું,.. ખાસ ત્યારે જયારે તમે સારી રીતે જાણો છો કે હું આ ખાનદાન ની છું જ નહિ,..  " 

 

ગોરલબા માર્મિક હસ્યાં,.. અને ડોકું એકતરફ નમાવીને પોતાનો ડાબો હાથ નજીક આવી ગયેલી આસ્થાના માથે ફેરવતા કહ્યું, - 

"તારું ખાનદાન અને તારી ખાનદાની મારાથી વધારે કોણ જાણે છે આસ્થા,.. ??" 

 

ફરીથી હાથ જોડીને ગોરલબા દરવાજાની બહાર નીકળી ગયા,.. આ વાત નો મર્મ આસ્થા જરાયે સમજી નહોતી શકી અને એમની જીપ ને આગળ વધતી જોઈ રહી હતી,... 

 

~~~~~

 

દાગીના નો થેલો અને સૂકામેવાનો પ્રસાદ વિશાલ ના હાથમાં આપતા આસ્થાએ કહું, " જઈશું  ??  હવેલીએ ??"   

 

વર્તમાન માં પાછા આવતા જ આઠ વર્ષના ગાળા માં એની બહેન સાથે શું શું થઇ ગયું એનો વિશાલને પારાવાર પસ્તાવો થવા લાગ્યો,.. આઠ વર્ષ પહેલા ભાગતી વખતે બોલ્યો હતો એમ જ એ મનમાં ને મનમાં આજે પણ માત્ર એટલું જ બોલી શક્યો,..  - "પૂનમ,.... "  એની આંખો બંધ થઇ ગઈ. હવેલી માંથી જતા જતા પૂનમ તરફ કરેલી એ છેલ્લી નજર અને આજે મળી રહેલી આસ્થા ની નજર વચ્ચે બધું કેટલું બદલાઈ ગયું એને વિચાર આવી ગયો,..  

 

દાગીના નો થેલો અને સૂકામેવાનો પ્રસાદ એના હાથમાં હોવા છતાં શૂન્ય થઈને ઉભેલા વિશાલને ઝંઝોડતા આસ્થાએ કહું, " જઈશું  ??  હવેલીએ ??"  અને વિશાલે ડોકું ધુણાવી હા પાડી ,.. 

  

~~~~~~~~~

 

 

બાદશાહ અને સાથીઓને પ્રભાતસિંહ હવેલીને પાછળને રસ્તે થઈને હવેલીની છત સુધી લઇ આવ્યો. ચારેય સાથીઓ  હવેલીની ચારેય દિશામાં છત ઉપર જ પહેરો જમાવી ગોઠવાઈ ગયા પ્રભાતસિંહ અને બાદશાહ છત ઉપર થઈને હવેલીમાં અંદર દાખલ થયા. 

 

હવેલીના  વિશાળ દીવાનખંડમાં  વિક્રમસિંહ, પૃથ્વી અને ગોરલબા એ ત્રણેય ની હાજરી જોઈને  બાદશાહે પ્રભાતસિંહને કોઈ જ હરકત નહિ કરવા ઈશારો કર્યો,.. 

 

પ્રભાત સિંહે આંખો બંધ કરીને સ્વીકાર કર્યો,.. પરંતુ એ એવી જગ્યાએ જઈને ઉભો રહ્યો જ્યાંથી એ અહીં સુધી પહોંચી ગયો છે એવું નીચે ઉભેલા વિક્રમસિંહને દેખાઈ રહે,..  

 

બાદશાહને લઈને હવેલી સુધી પહોંચાડવાનું કામ પ્રભાતસિંહનું આખિરી કામ હતું એ વાત થી અજાણ બાદશાહ આગળની હરકત માટે રાહ જોઈ રહ્યો હતો. બાદશાહ એ તો જાણતો હતો કે એના બે સાથી એકસાથે ઓછા થવાના હતા પણ એને એ વાત નો જરાયે અણસાર નહોતો કે એની શરૂઆત થઇ ગઈ હતી.  

 

ચોતરફ ફરતી વિક્રમસિંહ ની બાજ જેવી નજર જયારે પ્રભાતસિંહ ઉપર પડી ત્યારે બન્નેએ સંતોષનો શ્વાસ લીધો,.. હવે બધું જ પ્લાન પ્રમાણે થશે એની બન્નેને ખાતરી થઇ ગઈ,.. 

 

 

~~~~~~~~

 

 

ઘેરથી ચાલી નીકળેલા  આસ્થા - વિશાલ હવેલીની નજીક પહોંચી ગયા,.. 

હવેલીની રોશની જોઈને આસ્થાને નવાઈ લાગી પણ વિશાલને સમજાઈ ગયું કે ગિરિજાશંકર ભાગીને અહીં સુધી પહોંચી ગયો છે,.. 

 

બન્ને ને આવતા જોઈને મધ્યરાતે પણ પહેરો દેતો એક દરવાન અંદર રહેલા બધાને સમાચાર આપવા પહોંચી ગયો,..  દરવાને આવીને વિક્રમસિંહ સામે જોઈને કહ્યું 

"દરબાર,..  આસ્થા હવેલીમાં આવતી હોય એમ લાગે છે,.. કોઈ માણસ એની સાથે છે, અંધારામાં ચહેરો સાફ નથી દેખાતો એ કોને લઈને આવે છે,... "

 

"રોકશો નહિ એને,.. બન્નેને આવવા દો,.." વિક્રમસિંહે કહ્યું 

 

"આસ્થા અત્યારે,.. ?" પૃથ્વીએ ગોરલબાને પૂછ્યું

 

વિક્રમસિંહે જવાબ આપતા કહ્યું  

"કદાચ વિશાલ ને લઈને આવે છે એ,.."

 

ગોરલબા ને હાશ થઇ,..

પૃથ્વીને થોડી નવાઈ લાગી,..

પરંતુ ઉપર છુપાઈને ભરાઈ રહેલો બાદશાહ મૂંઝાઈ ગયો,.. કે - વિક્રમસિંહ ને કેમની ખબર કે વિશાલ આવ્યો છે? એણે પોતાના મન ને ઔર મક્કમ કર્યું અને સ્વગત કહ્યું, - "આ વિક્રમસિંહ ને હલકામાં લેવાય એમ નથી. મારા અંદાજા કરતા ઘણો શાતીર છે." 

 

એ એક જ વાત વિચારી રહ્યો હતો - કે ગિરિજાશંકર જીવતો જોઈએ છે,..

વર્ષોથી મૂંઝવતો એક સવાલ જેનો જવાબ એણે ગિરિજાશંકર પાસેથી મેળવવાનો હતો,.. અને એટલે જ ઠાકૂર ગિરિજાશંકર મરે એ બાદશાહને કેમેય પરવડે એમ નહોતું,.. 

 

થોડી જ વારમાં આસ્થા અને વિશાલ અંદર આવ્યા,.. 

આસ્થાએ નવાઈ પામતા પૂછ્યું,.. "બા,.. બધું ઠીક છે ? જાગો છો હજીયે,.. પૂનમની તબિયત,.. ?" એણે ચિંતા વ્યક્ત કરી ... 

 

"ના ના, આસ્થા,.. પૂનમ ને સારું છે,.. " 

પૃથ્વીએ કહ્યું અને વિશાલની નજીક જઈને એને ભેટી પડ્યો.. 

 

વિશાલે વારાફરતી ગોરલબાને અને વિક્રમસિંહને વળીને પ્રણામ કર્યા,.. 

 

"આખરે મામો આવ્યો ખરો,.. " પૃથ્વીએ હસીને કહ્યું  

 

"વિક્રમ, બાપૂને લઇ આવો,.." ગોરલબાએ કહ્યું 

 

"એક મિનિટ બા,..... " પૃથ્વીએ બાને રોકતા કહ્યું " હું કોઈથી ડરતો નથી, પણ પૂનમ ની તબિયત જોઈને કહું છું,.. બાપૂને અહીં લાવીને મારે ફરીથી કોઈ ધમાલ કરવી નથી."

 

વિશાલે કહ્યું, - "પૃથ્વી,... મેં બાપૂને માફ નથી કર્યા,.. પણ આજે તો હું  બાપૂનો  વાળ વાંકો નહિ  થવા દઉં,.. .. દરબારનો દીકરો છું વચનથી બંધાયો છું,..  બાપૂને જીવતા હવેલીમાંથી ઉઠાવીને લઇ જવા આવ્યો છું,.. "  પછી એણે વિક્રમસિંહની સામે જોઈને ઉમેર્યું, "દરબાર નું લોહી ના લાજે એટલે હરકત કરતા પહેલા ચેતવું છું કે કોઈનો રોક્યો નહિ રોકાઉં,.. " 

 

વિક્રમસિંહને મનોમન વિશાલ ઉપર ગર્વ થઇ આવ્યો. 

 

ઉપર ઉભેલો બાદશાહ ખૂશ થઇ ગયો,.. એનો એક હાથ એની મૂછોને તાવ દઈ રહ્યો,.. વિશાલ ઉપરનો ભરોસો બમણો થઇ ગયો,.. આઠ વર્ષ પહેલા એને સાથે લેવાના પોતાના નિર્ણય ઉપર બાદશાહને પણ મનોમન  ગર્વ થઇ આવ્યો,..  

 

આમ પણ જયારે જયારે એ વિશાલને જોતો બાદશાહનું દિલ થોડું ગદ્દગદ્દ  થઇ જતું,.. 

પોતાનું સ્વજન હોય એમ એને સાચવતો,.. પ્રભાતને ઘણી વાર લાગતું કે લાલો લાભ જોઈને જ આટલું સાચવે છે વિશાલને .. એણે ઘણી વાર વિક્રમસિંહને જણાવ્યું પણ હતું,.. કારણ નથી સમજાતું પણ વિશાલને આટલી જલ્દીથી આટલો નજીક કેમનો કરી લીધો છે બાદશાહે,.. પરંતુ બોલવા કરતા નિરીક્ષણ કર્યા કરવામાં માહિર વિક્રમસિંહ સ્માઈલ કરીને વાતને મહત્વ આપતો નહિ. 

 

"બા, બાપૂ હવેલીમાં નહિ આવે,... " પૃથ્વીએ કહ્યું 

 

"વિશાલભાઈ,." -  વિશાલનો અવાજ સાંભળીને અર્ધનિંદ્રાવસ્થા માંથી ઉભી થઇ ને ઉપરથી ઉતાવળે પગે પૂનમ નીચે ઉતરી વિશાલને વળગી પડી,..  પછી એણે પૃથ્વી તરફ જોઈને પૂછ્યું,  "પૃથ્વી, .. બાપૂ આવ્યા છે ? .. " જવાબની રાહ જોયા વિના જ ગોરલબાને અને વિક્રમસિંહને વારાફરથી જોતા કહેવા લાગી, "બા, નફરત કરું છું હું એમને ,.. એ ફરીથી આવ્યા છે,.. ? પૃથ્વીને  એ કશું કરશે તો નહીને,... ? એ બાની ઉપર પણ ગુસ્સે હશે,.. અને વિશાલભાઈને પણ નહિ છોડે,.. અને પૃથ્વી, તું તો કહેતો હતો કે બાપૂને હવેલીમાં નહિ આવવા દે તું,... ? " લાલ આંખો કરતા એ પાછી ફરી, અને દીવાર ઉપર લટકેલી મોટી એવી દાદાજીની તસ્વીર સામે હાથ જોડતા બોલી, - "ખાનદાન ની આબરૂ ને આંચ ના આવે અને બાનું સન્માન જળવાઈ રહે એની માટે કાંઈ પણ કરતા મારું મન ના કંપે, આશીર્વાદ આપો.. દાદાજી,.. "   

 

"પૂનમ,.. પૂનમ, ... શાંત થઇ જા, ... બા ને નિર્ણય લેવા દે,... વડીલ છેને એ,.. " પૃથ્વી કોઈ બાળકને સમજાવતો હોય એમ પૂનમને સમજાવી રહ્યો 

 

વિશાલ  પૂનમની આંખોમાં ડરથી વધારે ક્રોધ જોઈ રહ્યો હતો,.. 

પૂનમની અંદર આવી હિંમત જોઈને એ ધ્રુજી ગયો,.. 

 

"જો બાપૂએ આ ગામ માં તણખલા ભાર નું પણ નૂકશાન કર્યું છે તો હું ભૂલી જઈશ કે હું પ્રેગ્નેન્ટ છું" - પૂનમના આ વાક્ય સાથે એક સિંહણ જેવું સાહસ જોઈને વિશાલ નવાઈ પામી ગયો. 

 

"પૂનમ, આજે આખિરી વાર બાપૂનો સામનો કરવાનો છે,.. ઠાકૂર અને દરબાર બન્ને લોહીથી સીંચવાની છે તારી કૂખને,..  તું કમજોર નથી દીકરા, ...  કોઈની હિંમત નથી તારી કે પૃથ્વી સામે આંખ ઉઠાવે જ્યાં સુધી હું જીવું છું ... વિશ્વાસ રાખ,.. " વિક્રમસિંહે ગોરલબાની સામે પુરા આદર સાથે જોતા પૂનમને સમજાવી,..

આસ્થાએ બહુ જ ઝીણવટથી નિરીક્ષણ કર્યું,..  વિક્રમસિંહ જાણે કશુંક કહી રહ્યા હતા ગોરલબાને,..

 

એમણે બે માણસોને પોતાને ઠેકાણે મોકલ્યા જ્યાં એમણે ગિરિજાશંકરને બાંધી રાખ્યા હતા,.. 

 

થોડી જ વારમાં બાપૂને ભૂલીને અને વિશાલની પોતાના ઘરમાં થયેલી આસ્થા સાથેની મૂલાકાતથી તદ્દન અજાણ પૂનમ પોતાના ભાઈને રોકવાના પ્રયત્નો કરવા લાગી,.. 

"ભાઈ,.. તમે હવે ક્યાંય નહિ જાઓને,...?  માં પણ નથી,.. તમે ઘેર આવી જાઓ ભાઈ હવે,.. તમને ખબર છે આસ્થાને પણ એકલું રહેવું પડે છે,.. અમે કેટલું સમજાવી પણ હવેલીમાં નથી રહેતી અમારી સાથે,.. હું દરેક અઠવાડિયે ઘેર જાઉં છું તમારા વિના ઘર બહુ જ સૂનું લાગે છે,...  તમને ખબર છે પેલા તૂલસી,.. કૂંડામાં વાવ્યા હતા આપણે બન્નેએ એક સાથે,.. યાદ છે ?? એ કેટલા મોટા થઇ ગયા છે,.. હું બતાવીશ તમને,.. કાલે,.. નહિ જાઓ ને તમે ભાઈ,.. ?"  - 

 

"પૂનમ, ભાઈ અહીં જ રહેશે,..  તારી તબિયત આવી હોય તો એ ક્યાંય જઈ શકે તને છોડીને,.. ? " ગોરલબાએ વિશાલને આડકતરો રોકવાનો ઈશારો કરતા કહ્યું 

 

બાદશાહને આ તમાશો જોવામાં આમ તો કોઈ રસ નહોતો પણ ઠાકૂર આવે ત્યાં સુધી એને છૂટકો નહોતો. એટલું જ નહિ વિશાલ એની માશુકાને મળ્યા પછી પણ બાદશાને કેટલો વફાદાર છે એ પણ એણે જોવું હતું,.. પ્રભાતસિંહે વિશાલને લઈને જે શંકા દર્શાવી હતી એ કેટલે અંશે સાચી હતી એ પણ એને ચકાસવું હતું,..   

   

"પણ બા,..  "  વિશાલ કશું બોલે એ પહેલા જ વિક્રમસિંહના ચાર માણસો ગિરિજાશંકરને લઈને અંદર આવી ગયા,..

 

 

~~~~~~~