Andhari Raatna Ochhaya - 54 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૪)

ગતાંકથી....

ઉધરસ સાંભળી એ માણસ ચમક્યો : મોઢું ઊંચું કરી બારણા તરફ જોવા લાગ્યો. પણ .... આ શું...!!!! તેનુ મોં જોતા દિવાકર સડક બની ગયો. તેણે વિસ્મય પામી વિચાર્યું કે આ ચહેરો ! આ ચહેરો તો મેં જોયો છે.!!! દિવાકર ને યાદ આવ્યું કે રાજશેખર સાહેબને ઘેર પહેલીવાર આ સજ્જનની મુલાકાત થઈ હતી !હા આ તો એ જ છે પ્રખ્યાત સાયન્ટિસ્ટ આદિત્ય વેંગડું.તેણે તરડ માંથી ફરીથી એ ચહેરો ઝીણવટપૂર્વક જોતા તેને ખાતરી થઈ ગઈ કે આ પ્રખ્યાત સાયન્ટિસ્ટ આદિત્ય વેંગડું હતો.

હવે આગળ....

દિવાકરે ધીમેથી કહ્યું : "આદિત્ય બાબુ ?"
આદિત્ય વેંગડું વિસ્મય પામી બોલ્યો : " કોણ ?"

ટોચૅ હાથમાં લઈ તે એ તરડ પાસે આવી ઉભો રહ્યો.

દિવાકરે મીઠાશથી કહ્યું : "આદિત્ય બાબુ ! હું આપનો શત્રુ નથી મિત્ર છું. આપને હું ઓળખું છું થોડા દિવસ પહેલાં મેં આપને અમારા સાહેબને ઘેર જોયા છે....."

આદિત્ય વેંગડું માથું હલાવી બોલ્યા : " મને નહીં, બીજા કોઈને જોયો હશે . દિલ્હી થી કલકત્તા આવતા જ મને અહીં લાવી કેદ કરવામાં આવ્યો છે. અહીંથી એક ક્ષણ માટે પણ મને છુટો કર્યો નથી. "

દિવાકર અચંબિત બની બોલ્યો : " શું.... શું આ વાત સાચી છે ! ત્યારે આપનું નામ ધારણ કરી આ મકાનમાં રહે છે તે..."

"હા. એ નકલી આદિત્ય વેંગડું છે !બનાવટી છે ! ડુપ્લીકેટ!

એક ક્ષણમાં જ દિવાકરની આંખ સમક્ષ બહુ દિવસથી ભેદી લાગતો પ્રશ્ન ઉકેલાઈ ગયો .બધી જ ઘટનાઓનું સત્ય સૂર્યના કિરણોની માફક ઝગમગવા લાગ્યું . તેણે કહ્યું : " દરવાજાને તો તાળું મારેલું છે આપને અત્યારે તો કોઈપણ રીતે અહીંથી છોડી શકુ તેમ નથી. આપને મુક્ત કરવાનો બીજો કોઈ ઉપાય છે ?"


આદિત્ય વેંગડું એ ઉશ્કેરાયેલા અવાજે કહ્યું : "તમે સાચે જ મને અહીં થી છોડાવશો ?! મને છોડાવવાનો તમારો વિચાર જ મને તમારા વચનોમાં શ્રદ્ધા રાખવાનું મન કરે છે .મને લાગે છે કે તમારું આગમન ઈશ્વરના આશીર્વાદ સમાન છે. તમે મને મદદ કરી શકશો એમ મને લાગે છે. સાંભળો, આ લોકોનો લીડર સાંજના સમય પછી મારી પાસેથી કેટલી રાસાયણિક ચીજોનો ખરડો કરાવી ગયા છે. એ ખરડો આવતીકાલે સવારમાં રવાના કરવાનો છે એમને સાંભળ્યું છે. હું એ વસ્તુઓ વડે મારા પ્રયોગો શરૂ કરીશ. અને તે માટે એ ચીજો અગત્યની હોવાથી તેમને તેમ કર્યા સિવાય ચાલવાનું નથી .તમે જો કોઈ પણ પ્રકારે એક ચિઠ્ઠી ના કવર પર પોલીસ ઓફિસર મિ. રાજશેખર સાહેબને ખબર આપી શકો તો કદાચ કોઈ મદદ પહોંચી શકે."

દિવાકરે હતાશ થઈ કહ્યું : "પરંતુ એ લખાણ એ લોકોના જોવામાં આવે તો.....?"

આદિત્ય વેંગડું એ કહ્યું : "ના, ના ...સાંભળો... હું તમને એક અર્ક આપું છું. એ અર્ક વડે લખજો... છ કલાક પહેલા એના અક્ષરો નહીં ઉઘડે ; ટપાલ છ કલાક પહેલા કલકત્તામાં વહેંચવાની નથી. એટલે જ્યારે એ કવર એ કેમિકલ વાળાના હાથમાં જશે ત્યારે જ તે શબ્દો વાંચી શકાય તેટલા ઉઘડયા હશે ."

તેમણે અંદરથી ઉતાવળે એક ચપટી શીશી જેવું કંઈક લાવી. દિવાકરને બારણા ના નીચેના ભાગમાંથી બહાર સરકાવી.આદિત્યએ શીશી આપતા કહ્યું : " પરંતુ સંભાળજો આ શીશી માં ભયંકર વિષ છે. કોઈપણ પ્રકારે જીભને ન અડકે ! જાઓ છેદીરામ પાસે હજુ એ ખરડો છે. હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે તમે તમારા કાર્યમાં સફળ થાઓ."

શીશી હાથમાં લઇ દીવાકર આશા નિરાશામાં ડોલાં ખાતો એ ગુપ્ત જગ્યાએથી બહાર આવ્યો.

*******************************

સવારના પહોરમાં દિવાકર ને અચાનક તક મળી ગઈ.
ઓરડામાંથી બહાર નીકળતા દિવાકરે જોયું કે છેદીરામ બહાર જવાની તૈયારી કરે છે. દિવાકરે મધુર અવાજે તેને પૂછ્યું : "છેદીરામ આટલો વહેલો ક્યાં ચાલ્યો ?"

છેદીરામે ગંભીર અવાજે કહ્યું : "આ લેટર પોસ્ટ કરવા જાઉં છું."
દિવાકરે પ્રશ્ન પૂછ્યો : "તારા સાહેબની ટપાલ બહુ લાગે છે"

"હા, કોઈ કોઈ વાર ઘણી બધી હોય છે ખરી. પરંતુ કોઈ વખત તો એક જ કાગળ હોય છે.આજે તો આ કોઈ દવા ને કેમિકલ્સ નું લિસ્ટ પણ થવાવાળા ને આપવાનું છે."

તેણે પોકેટ માંથી એક કવર કાઢ્યું......

બરાબર આ જ વખતે ટેલિફોનની ઘંટડી વાગી ઘંટડી સાંભળતા જ છેદીરામ હાથમાંનુ કવર પાસે પડેલા ટેબલ પર મૂકી ટેલીફોન તરફ દોડ્યો. દિવાકરે ધડકતા હૃદયે ખિસ્સામાંથી પહેલી અર્ક ની શીશી બહાર કાઢી, શીશી અને કલમ મુઠ્ઠીમાં પકડી રાખી.

એકાદ ક્ષણ માં છેદીરામ આવી પહોંચ્યો. અને "ટેલિફોન સાહેબનો છે હું તેમને ખબર આપી આવું ."એમ કહી બહાર જતો રહ્યો.

તક બરાબર મળી. દિવાકર આ તક નો લાભ લેવા તૈયાર જ હતો. અર્કની શીશી ખોલી તેમાં કલમ બોળી કાંપતા હાથે કવર પર કંઈક લખ્યું !

કવર હતું ત્યાં મૂક્યું કે તરત જ છેદીરામ આવી પહોંચ્યો. દિવાકરે લાગણીહીન મુખે પૂછ્યું :" આદિત્ય બાબુ આવે છે ? "

"ના ,એક કલાક પછી ફોન કરવાનું કહ્યું છે."

છેદીરામ આ વાત ટેલીફોન કરનારને જણાવી, પત્ર લઈ બહાર જતો રહ્યો. દિવાકર મનમાં ઇષ્ટદેવ નું નામ જપવા લાગ્યો.

થોડીવાર પછી જુલી તૈયાર થઈ નીચે આવી. દિવાકર ને જોઈને તે તેની પાસે આવી કહેવા લાગી : "ઋષિકેશ ! મારે તમને કેટલીક વાતો કરવી છે .બહુ અગત્યની વાત છે."
દિવાકરે કુતુહલ થી પૂછ્યું : "એવી તે શું વાત છે ?"

જુલી ચોમેર દ્રષ્ટિપાત કરી બોલવા લાગી : " કાલે રાતે નવાબ અલ્લી કલકત્તા ગયો છે. શા માટે ? સાંભળવું છે? તમારી વિરુદ્ધ સાબિતીઓ એકત્ર કરવા.
જો તે તેના કાર્યમાં સફળતા મેળવે તો તમારો બચાવ કોઈ કરી શકશે નહીં. હું જાણું છું કે તમે મારી આગળ જે ઓળખાણ આપી છે તે સાચી નથી. કોઈએ એ સંબંધમાં મને કંઈ જણાવ્યું નથી ,છતાં હું એ વાત જાણું છું. સાંભળો ,તમારા મૃત્યુના બ્યૂગલ વાગવા લાગ્યા છે; પરંતુ એ નજીક આવેલા મૃત્યુ માંથી હું તમને બચાવીશ . આપણે બંનેએ અહીંથી ભાગી જવું જોઈએ તે સિવાય તમારો બચાવ બીજી કોઈપણ રીતે થઈ શકે તેમ નથી.


દિવાકર ચિંતાતુર અવાજે કહેવા લાગ્યો : " પરંતુ જુલી, હું ભાગવા માટે તૈયાર નથી."

જુલી પોતાના ભવા સંકોચતા પુછવા લાગી : " પણ, શા માટે "?

દિવાકર સાવચેતી ગુમાવી બોલી ગયો કે : "હું ચાલ્યો જાવ તો ડેન્સી પર વધારે સંદેહ રાખવામાં આવે. તેને મદદ કરનાર બીજું કોઈ ના રહે."

તેના શબ્દો સાંભળતા જ જુલી કાળી નાગણની જેમ છંછેડાય ગઈ તે ક્રૂર અને ઝેરીલું હાસ્ય હસી બોલી : " એમ ! હવે મને બધી ખબર પડી. ત્યારે તો તમે તેને મુક્ત કરાવવા માટે જ અહીં રહ્યા છો ! "

દિવાકર દિગ્મુઢ બનીને ઉભો રહ્યો.

એકાદ ક્ષણ પછી જુલી એ કહ્યું : " ત્યારે તમે ભાગવા તૈયાર નથી ખરું? તમે મને તરછોડો છો?"
"જુલી !"

" હું કોઈ પણ બીજો શબ્દ સાંભળવા તૈયાર નથી. હા અગર નાનો જવાબ આપો."

"જુલી, તું મને ક્ષમા કર."

દિવાકર ધીરે ધીરે ચાલ્યો ગયો
જુલી ત્યાં ઊભી ઊભી ઘવાયેલી નાગણની માફક ફુફાળા મારવા લાગી.

આખરે શું થશે દિવાકર નું?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ......
ક્રમશઃ......