Savai Mata - 48 books and stories free download online pdf in Gujarati

સવાઈ માતા - ભાગ 48

મેઘના બહેનની હાજરીમાં જ મનુ અને સમુએ, તેમની માતા બહાર જાય ત્યારે, મળી સંપીને રહેવાનું જાતે જ કબૂલ કર્યું. તેમની સમજદારી જોઈ મેઘનાબહેન અને સવલી, બેયને તેમનાં ઉપર માન થયું. હજી થોડા જ સમય પહેલાં ઝૂંપડપટ્ટીની ધૂળિયા નિશાળમાં માંડ ભણવા જતાં આ ભાઈ બહેન થોડાં જ દિવસમાં કેટલાં બદલાઈ ગયાં હતાં. તે બેય બોલ્યાં કે મા જે ભોજન બનાવી ગઈ હશે તેને તે બેય મળી-સંપીને જમી લેશે અને થોડો આરામ કરી ગૃહકાર્ય કરી લેશે. હવે સાંજે તેમનાં પિતા આવે એટલે તેમની સાથે વાત કરવાની બાકી હતી.

થોડી જ વારમાં સમુ - મનુનાં ટ્યુશન ટીચર આવી ગયાં. તે બેય ખૂબ ધ્યાનથી ભણવા બેઠાં. સરની સમજાવવાની કળા એટલી સરસ હતી કે ભણવાથી દૂર ભાગતો મનુ પણ તેમની પાસે નવાં પાઠ, કવિતા શીખવા બેસી જતો. હદ તો ત્યારે થઈ કે મનુ જે લખવાથી દૂર ભાગતો તેણે સરની સમજાવટથી રોજ એક ફકરો સારા અક્ષરે લખવાનો ક્રમ શરુ કર્યો હતો. આમ પણ તે ધોરણ નવમાં હતો. હવે, તેણે ખાસ ગંભીરતાથી અભ્યાસ કરવાની જરુર હતી. તેને સર સાથે શાંતિથી બેસી ધ્યાનપૂર્વક સાંભળતો જોઈ સવલીને પણ થઈ આવતું, 'આ મારો જ મનિયો છે જે દર બીજે દિ' કો'ક ને કો' કની રાવ લૈ આવતો'તો?'

સાંજ પડતાં સવલીએ રસોઈ તૈયાર રાખી હતી. પતિનાં આવતાં થોડી જ વારમાં બધાં જમવા બેઠાં. રમીલાને ઘરે આવતાં લગભગ સાડા નવ થતાં ત્યાં સુધીમાં આ પતિ-પત્ની તેમનો જીવનભરનો ક્રમ જાળવતાં દસેક વાગ્યે સૂઈ જતાં. વળી, રમીલાનો પણ એ જ આગ્રહ રહેતો કે તેઓ સમયસર જમી જ લે. માત્ર પોતાની સાથે વાતો કરવા ભલે જાગે પણ તેમનાં શરીરનાં સમયપત્રકને બહુ ફેરવે નહીં. જમીને પતિ-પત્ની બેય બેઠકખંડમાં આવ્યાં. મનુ અને સમુ રસોડું સાફ કરવામાં રોકાયાં.

સવલીએ આજની મેઘનાબહેન વાળી વાત માંડી.

સવલી : આજ તો મેઘનાબુન ઘેર આઈવા'તાં. ઈય તે એમની બુનપણીન લઈન.

પતિ : તે પસી?

સવલી : મું કોઈ કામે નથ જતી ન, તે માર હાટુ કામ લાઈવા' તાં.

પતિ : ઈ હારું પણ મું ઈમ કવ, અવ તુંય થોડો આરામ કર. પાસી, આવડું આ મોટું ઘર તો હંભાળે છ ને?

સવલી : આ, પૈહાની તો જરૂર અવ ની મલે. પણ આ કામ જુદું છે. મજા આવે એવું. મુંય તે એકલી પડીન બેહી રવ છું. એવું બેહવાની તો આદત જ ની મલે આપના લોકને. તમન વાંધો ની ઓય તો ઉં જઉં થોડા દા'ડ પછી?

ચર્ચા થોડી લાંબી ચાલી. છેવટે નિષ્કર્ષ એ જ નીકળ્યો કે સવલી રોજ બપોરે ચાર-પાંચ કલાક માટે આ કામમાં જોડાશે. તેમની ચર્ચા પૂરી થતાં સુધીમાં સમુ અને મનુ પણ બેઠકખંડમાં આવી ગયાં. બેય બાળકોએ માતા-પિતાની વાત સાંભળી ખાતરી આપી કે તેઓ હળીમળીને રહેશે અને માતાની ગેરહાજરીમાં અભ્યાસમાં જીવ પરોવી રહેશે.

તેટલામાં બારણે ઘંટડી વાગી. સોફામાંથી લગભગ ઉછળીને મનુ બારણું ખોલવા દોડ્યો. સામે, નિઃશંક, રમીલા ઊભી હતી. તેનાં હાથમાંથી પર્સ અને ટિફીનબેગ લઈ મનુ પાછો વળ્યો. માતા-પિતાને કુશળતાનાં ખબર પૂછી રમીલા બેડરૂમમાં પ્રવેશી. થોડી જ વારમાં ફ્રેશ થઈ બહાર આવી, ત્યાં સુધીમાં સવલીએ તેની થાળી પીરસી દીધી હતી. તે જમવા બેઠી. રમીલા ભાવથી મા નાં હાથનું ભોજન કરતી રહી. તેનાં જમતાં જમતાં સવલીએ મેઘનાબહેનનો પ્રસ્તાવ કહી સંભળાવ્યો.

રમીલા (ખુશ થઈ બોલી) : અરે વાહ! એટલે હવે તારાં હાથની વાનગીઓ બીજાં ઘણાંયને ચાખવા મળશે, એમ જ ને? મોટી મા ને બધાંયનું ધ્યાન રહે છે. પણ, આ સમુ અને મનુનું શું કરીશ?

સવલી : એ બેયનું તો ભણવામાં ધિયાન ચોંટી ગ્યું છે. કે' છે કે બેય મળીન રે'હે ને રોજ ભણહે. ને ઉં બી તો છ વાયગા પેલ્લાં જ ઘેર આવી જવા ને?

રમીલા : ચાલ, એટલું તો સારું છે. એ બે ની તને ચિંતા નહીં રહે. તો ક્યારથી જઈશ?

સવલી : બસ, બે-ત્રણ દિ' પછી.

રમીલા : સારું, સારું. હવે જા આરામ કર. હું ય જમી જ રહી છું. થોડી વાર બેસું છું બહાર, પછી સૂઈ જઈશ.

સવલી સૂવા ગઈ. આખા દિવસનાં કામકાજથી થાકેલ પતિ તો થોડીવાર પહેલાં જ સૂઈ ગયો હતો. સમુ અને મનુની ઈચ્છા હજી થોડી વાર જાગીને રમીલા જોડે બેસવાની હતી. રમીલા બેઠકખંડનાં સોફા ઉપર બેઠી. સમુ અને મનુ તેને પોતાની આખા દિવસની દિનચર્યા કહેવા લાગ્યાં.

પછી મનુએ ઠાવકાઈથી તેને પૂછ્યું : રમુદી, તેં આખોય દિ શું કર્યું એ અમને કહેને?

સમુ બોલી : એ તો મોટાં લોકોની વાત. આપણને રમુદી કહેશે તોય સમજ નહીં પડે.

રમીલા (હસીને) : એવું તો હોય વળી, તુંય ભણી રહીશ પછી આ બધાં કામ કરીશ. હમણાં સાંભળીશ તો જીવનનું ભાથું ભેગું થશે. સાંભળીશ ને?

સમુ : હા, બોલો.

રમીલા : આજે મેં ત્રણ-ત્રણ મિટિંગ કરી, એક તો સેલ્સ માટે. જેમાં અમારાં સેલ્સ મેનેજર અને તેમની ટીમે મને જૂનાં રિપોર્ટ બતાવ્યાં અને આગામી ત્રણ મહિનાનો સેલ્સ પ્લાન બતાવ્યો. જેમાં સાતથી દસ ટકાનું ડિસ્કાઉન્ટ આપી વેચાણને ચાળીસ ટકા વધારવાનો તેમનો ટાર્ગેટ છે. અમારી ટીમ આખાંય શહેરનાં બધાં જ લેડીઝ અને જેન્ટસ સલૂનને કવર કરશે. બ્યુટિશીયન અને સલૂનનાં માલિકો સાથે મિટિંગ શરૂ થઈ ગઈ છે. વળી, ગયા અઠવાડિયે થયેલ ચુનંદા બ્યુટિપાર્લર અને સલૂનનાં ટેક્નિશિયનની ટ્રેઈનિંગ આજથી જ શરુ થઈ ગઈ છે. તેમનાં સલૂનનો પણ મેઈક ઓવર કંપનીનાં સ્ટાન્ડર્ડ મુજબ કરાશે. સાથે સાથે તેમને કંપનીની થોડી બ્યૂટિપ્રોડક્ટસ ગિફ્ટ સ્વરૂપે અને બીજી ઓછાં ભાવે અપાશે. વળી, આ બધું કામ પહોંચી વળવા સેલ્સમાં બીજી એક ટીમ જોઈશે જેને માટે સેલ્સ મેનેજરને તેમનાં હાથ નીચે એક આસિસ્ટન્ટ મેનેજર અને એક આખી ટીમની નિમણૂક કરવાની સૂચના આપી છે.

મારાં ઉપરી એવાં સૂરજ સરનાં જે ભાણેજને સસ્પેન્ડ કરાયો હતો તેને પણ મેં ગુરુવારે બોલાવી લીધો છે. મારી ઈચ્છા છે તેને માર્કેટિંગમાં થોડી વધુ જવાબદારી આપું જેથી તેને બઢતી ન મળ્યાનો અસંતોષ દૂર થાય. મેં આજે જ સૂરજ સર સાથે વાત કરી. તેઓ હવે પોતાનાં ભાણેજ, મનનની કોઈ જ જવાબદારી લેવા નથી માંગતા એટલે મેં પલાણ સરને ઇ-મેઈલ કરેલ છે. તેમને અને બીજાં કેટલાંક બોર્ડ ઓફ ડિરેક્ટર્સને મનન માટે સહાનુભૂતિ છે.

મનુ બોલી ઊઠ્યો : આ મનનભાઈને સસ્પેન્ડ કેમ કરાયાં હતાં?

રમીલા : તે છે ને થોડો આપણાં મોટાભાઈ, મેવા જેવો છે. તેને ખૂબ ઝડપથી ઘણાં પૈસા કમાઈ લેવા છે. અને બે-ચાર દિવસમાં જ તેને મારાથી ઈર્ષ્યા થઈ આવી. મારાં ટેબલ ઉપરથી મારો સામાન ફંફોસતાં ફસાઈ ગયો. તે સાહેબોએ તેને સસ્પેન્ડ કરી દીધો છે. પણ મારાં કારણે તેને તકલીફ થઈ એ મને જરાય ન ગમ્યું. હું ઇચ્છું છું કે તે પાછો આવી જાય.

સમું : હા, બેન એ તો બરાબર. કોકના લીધે બીજાની નોકરી જાય એ તો ન જ ચાલે ને? તું અપાવી દઈશને તેને તેની નોકરી પાછી?

રમીલા : હા, હા, કેમનહીં. હું પૂરેપૂરું જોર લગાવી દઈશ તેને નોકરીએ પાછો લગાડવામાં. આ નોકરીની તેને જ નહીં, તેના પરિવારને પણ ખૂબ જ જરૂર છે.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા