Runanubandh - 32 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ - 32

અજયે પ્રીતિના હાથ પોતાના હાથમાં લઈને પૂછ્યું, "પ્રીતિ મને એવું લાગે છે કે તું કંઈક મનમાં ને મનમાં ઘુંટાયા કરે છે. તને કોઈ તકલીફ છે? તું કોઈ વાત થી પરેશાન છે?"

અજયની વાત સાંભળીને પ્રીતિ એકદમ સ્તબ્ધ થઈ ગઈ, એને કલ્પના નહોતી કે અજય આવું કઈ પૂછશે એ અજયના આમ અચાનક પ્રશ્ન પૂછવાથી ઘડીક મૌન જ થઈ ગઈ. એ ફક્ત અજયના પૂછવા માત્રથી જ ભાવુક થઈ ગઈ હતી.

"પ્રીતિ તું શું ચિંતામાં છે? બોલને!"

પ્રીતિએ પોતાનું મૌન હવે તોડ્યું હતું. એ થોડા ગળગળા સ્વરે બોલી,"હું ખુદ જાણતી નથી તો તમને હું શું જણાવું?"

"કંઈક તો તને પરેશાની છે જ, તો જરા પણ મન પર ભાર રાખ્યા વગર તું કહીશ તો મને ગમશે."

"મને જ્યાં સુધી પુરી વાત શું છે એજ ન સમજાય તો હું કેમ કોઈ વાત કરું?"

"તું તકલીફ શેના લીધે થાય છે એ નહીં પણ શું તકલીફ છે એ તો જણાવ!"

"મને મમ્મીનું વર્તન સમજાતું જ નથી, એ હંમેશા મારી વાતથી ઉંધી જ વાત પર હોય! હું એકલી કામમાં કેટલી જગ્યાએ પહોંચી શકું? કામવાળા ને ગોતી લાવું અને એ કામ પણ બરાબર જ કરે છતાં કોઈ ને કોઈ કારણથી એનું કામ છોડાવી જ દે છે. હું કામથી થાકતી નથી પણ મને સમય તો જોઈએ કે નહીં બધી જ બાબત મેનેજ કરવા માટે! સ્ટડી અને જોબ માટે પણ બધું સેટ કરવાનું બસ આજ બધી પરેશાની મારા મનને ડંખે છે."

"અરે પ્રીતિ! એવું હોય તો કામ બંધાવી જ લે ને! જેથી તને થોડો સમય મળે!"

"બંધાવી લીધું હતું પણ મમ્મીએ ચાર જણાને ના પાડી કામ છોડાવી દીધા છે. અને પાછું જયારે આવે ત્યારે ત્યાંથી પણ કપડાનો મોટો થેલો લઈને આવે, એ ધોવા માટે મશીન પણ નહીં વાપરવાનું, હાથે જ ધોવાનો આગ્રહ રાખે. મને એક સન્ડે જ મળે આરામ કરવા માટે અને એ વધારાના કામમાં જ જતો રહે છે. હું તમને પણ સમય આપી શકતી નથી." એકદમ ફટાફટ એકધારુ બોલીને પ્રીતિએ પોતાના મનમાં રહેલ વેદના ઠેલવી નાખી હતી.

પ્રીતિ ને એકદમ પોતાના આલિંગનમાં લઈને અજય બોલ્યો, "પ્રીતિ..પ્રીતિ.. કેટલું બધું મનમાં ભરીને રહેતી હતી. હું ક્યારેય આવી બાબતો અનુભવી શકું નહીં, કારણકે મેં ક્યારેય મારા મમ્મીનું જીવન જોયું જ નથી. આથી એક સ્ત્રીને શું તકલીફ થાય એ જાણતો જ નથી. હા, પણ એક અધૂરો પરિવાર લાગણી માટે કેટલો તરફડે એ હું જાણું છું. પરિવારને પૂર્ણ અને સુખી રહેવા માટે રૂપિયા ખુબ જરૂરી છે. બસ, એટલું જ જાણું છું. આથી તને ક્યારેય કોઈ તકલીફ થાય એટલે તારે મને જણાવી હું એમ જ નહીં સમજી શકું."

પ્રીતિ અજયનો જવાબ સાંભળીને એકદમ લાગણીશીલ થઈ ગઈ હતી. એની આંખમાંથી આંસુ છલકવા લાગ્યા હતા. અજયે પોતાના હાથ વડે પ્રીતિના આંસુ લૂછ્યાં અને બંને એકબીજાનો સાથ પામીને તૃપ્ત થયા હતા.

અજયે કોલેજ પહોંચીને રઘુકાકાને બધી જ વાત જણાવી હતી. રઘુકાકા અજયની વાત સાંભળીને રાજી થયા કે, સારું એકબીજાને સમજવાની તમે બંનેએ કોશિષ કરી એજ મહત્વનું છે. સબંધમાં જ્યારે કોમ્યુનિકેશન બંધ થાય ત્યારે જ એ સબંધ ખોખલો થતો જાય છે. ખુબ જ નાની પણ અતિ મહત્વની વાત રઘુકાકા સહજતાથી બોલ્યા હતા.

અજયના આગ્રહથી હવે ઘરમાં કામકરવા માટે બેન સીમાબહેને રાખવી લીધા હતા. હા, સીમાબહેનના મનમાં આ વાત ખુંચી તો હતી જ પણ અત્યારે એ ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યા હતા.

પ્રીતિને હવે બધું મેનેજ કરવું સહેલું થઈ ગયું હતું. અજયનો સાથ એને મળ્યો આથી એ ખુબ ખુશ થઈ ગઈ હતી. પ્રીતિ બે કે ત્રણ દિવસે પોતાના મમ્મીપપ્પા સાથે વાત કરી લેતી હતી. આજ જયારે એણે વાત કરી ત્યારે એ બોલી,
"મમ્મી! મારે અજય સાથે થોડા દિવસો પહેલા આ ઘરકામ માટે બેન રાખવા બાબતે વાત થઈ હતી. અજયે મારી વાતને સ્વીકારીને મમ્મીને એ બેન પાસે કામ કરાવડાવાનું પણ કહ્યું હતું. તો એ બેન દસેક દિવસથી આવે જ છે.
હું એટલી રિલેક્સ રહું છું કે વાત જ ન પૂછ! બધું સરળતાથી કરી શકું છું."

"અરે વાહ! સરસ. તારે હવે થોડી નિરાંત રહે ને! મને તો એજ નથી સમજાતું કે, કદાચ કોઈ એક કામ ૮૦૦/૧૦૦૦ માં બંધાવાથી વહુને નિરાંત રહેતી હોય તો એમ કરવું કેમ સાસરીવાળાનાં ગળે ન ઉતરે? અને આમ જોવા જઈએ તો એ ૧૫૦૦૦/૨૦૦૦૦ ની નોકરી કરતી હોય તો એમ સમજીને સાથ આપવો જોઈએ કે, પગારમાં હજાર રૂપિયા ઓછા આવે છે. આ ઘરકામ માટેની પહેલ સાસુએ જ સમજીને કરવી જોઈએ. કદાચ થોડા રૂપિયા વહુ પાછળ બગડે તો પણ ખોટું શું છે? પિતાની દીકરી સાસરે જાય ત્યારે એજ સાસુને કેવી આશા હોય છે કે, મારી દીકરી ત્યાં શાંતિથી રહે! સાસરે આવેલ વહુ દીકરી તરીકે રહેવા જ લાગે છે પણ સાસુસસરા ક્યારેય માતાપિતા બનવાનો પ્રયાસ જ નથી કરતા. આ વલણ જ ઘરમાં દુઃખને અને મનભેદને નોતરે છે. સારું હવે એ કામ છોડાવવા કોઈ ગતકડું કરે તો કહેજે મને, હવે હું પણ થોડી વાત એમના કાને નાખીશ."

"હા, મમ્મી! પણ હવે મને નથી લાગતું કે એ એવું કઈ કરશે. ચાલ મમ્મી હું કોલેજમાં પહોંચી ગઈ છું. પછી વાત કરશું. બાય."

"ધ્યાન રાખજે હો. બાય બેટા."

કુંદનબહેને ફોન મુક્યા બાદ બધી જ વાત પરેશભાઈને કરી હતી. પરેશભાઈએ ઠપકો આપતા કહ્યું, "તું કેમ આટલા સમયથી ચૂપ હતી. એ પ્રીતિને વહુ તરીકે લઈ ગયા છે કે, ઘરના કામ કરવા?" ગુસ્સો ઠાલવતા પરેશભાઈ બોલ્યા હતા.

"હું ચૂપ એટલે હતી કારણકે, આપણે પણ આપણી દીકરીના સાસરે જેટલું બોલાય એટલું જ બોલવું જોઈએ. અને પ્રીતિને ક્યાં સુધી આપણે સાથ આપતા રહેશું? એણે જાતે પરિસ્થિતિ સંભાળતા શીખવું જ પડશે ને! બસ, એજ શીખવી રહી હતી. મને વિશ્વાસ છે કે, મારી દીકરી બધાની લાગણીને સાચવીને જ રસ્તો બનાવવામાં સફર રહી અને રહેશે જ!"

"તારી વાત સાચી પણ એને સ્ટડી પણ ચાલુ છે, તો આવા સમયે આવું શીખવવું તારે જરૂરી હતું? એનું આખું વર્ષ ન બગડે?" સેજ દીકરીના પ્રેમના મોહથી ગુસ્સા સાથે પરેશભાઈ બોલ્યા હતા.

"હજુ કઈ જ બગડ્યું નથી. તમે ચિંતા ન કરો. અને જો બગડત તો એક વર્ષ જ બગડત આખી જિંદગી કોઈ તકલીફ થાય એના કરતા સારું. લાંબુ વિચારીને હું ચૂપ હતી. સીમાબહેનનું વ્યક્તિત્વ હું હવે એકદમ સારીરીતે જાણી ચુકી છું. એ એક એવું વ્યક્તિત્વ છે જે પોતાનાં અહમને લાગણી કરતાં વધું મહત્વ આપે છે. આથી જો હું એમના પરિવારમાં કઈ બોલત તો પ્રીતિને જ તકલીફ વધુ પડત. અને જોવ ને હું ધીરજ રાખી બેઠી તો પ્રીતિ પણ અનુભવે શીખી જ ને!"

"હા, વાત તારી સાચી છે. સારું હવે બધું થાળે પડ્યું હોય તો એથી સારું બીજું શું હોય? ચાલ હું બહુ મોડો પડ્યો છું, હું જોબ પર જાવ છું."

પરેશભાઈ પોતાની જોબ પર ગયા અને કુંદનબેન પોતાના કામમાં મન પોરવવા લાગ્યા હતા.

શું સીમાબહેન પ્રીતિની સાથે દીકરી સાથે વર્તે એમ વર્તી શકશે?
શું થશે ભાવિની અને પ્રીતિના સબંધમાં વણાંક? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻