Ishq Impossible - 26 - Last Part in Gujarati Love Stories by Jwalant books and stories PDF | ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 26 - છેલ્લો ભાગ

The Author
Featured Books
Categories
Share

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 26 - છેલ્લો ભાગ

હું ઘરે પહોંચ્યો એ પહેલાં તો મારા કૉલેજ ટોપ કરવાના સમાચાર પહોંચી ચૂક્યા હતા. આખો પરિવાર મારું સ્વાગત કરવા દરવાજે ઉભુ હતું. જેવો મેં ઘરમાં પ્રવેશ કર્યો કે એક ગગનભેદી હર્ષનાદ થયો.
મારી પાસેથી એક જ આશા રાખવામાં આવી હતી કે હું ગમે તેમ પડતાં આખડતા પાસ થઈ જાઉં.કારણકે મારું અત્યાર સુધીનો દેખાવ પણ એવો જ હતો.
એટલે મારું કૉલેજ ટોપ કરવું એ ક્રિકેટમાં કોઈ નંબર ૧૧
બેટ્સમેન શતક ફટકારી દે તેવી ઘટના હતી.
સાંજ સુધી મારા ઘરમાં મેળાનો માહોલ રહ્યો.લોકો મુલાકાતે આવતા રહ્યા...ફોન કરતા રહ્યા ..અને તેમને પ્રતિભાવ આપતો રહ્યો. આમાં ને આમાં જ મારો દિવસ પસાર થઈ ગયો.
સાંજે હું નવરો પડ્યો તો મને આભાનો ખ્યાલ આવ્યો.આભાએ હજી સુધી મારો સંપર્ક કર્યો ન હતો. એ તો શક્ય જ નહોતું કે આભાને અત્યાર સુધી મારા પરિણામની જાણ ન થઈ હોય.છતાંય તેણે મને કૉલ કરવાની પણ તસ્દી નહોતી લીધી.
"અલ્યા આજે તો તારો દિવસ છે.આમ લુંટાયેલી હવેલીના ચોકીદાર જેવું મોઢું કરીને કેમ બેઠો છે?"સૌરભ આવી પહોંચ્યો હતો!
"મારી વાત છોડ.તું તો ખુશ લાગે છે!"
"જેમ ખુશીના આંસુ હોય તેમ આ મારું દર્દનું હાસ્ય છે.બાપાએ શું ધોયો છે...શું ધોયો છે... મેં કહ્યું ટેન્શન ન લો પાસ તો થઈ ગયો છું તો બોલ્યા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન કોણ અપાવશે તારો બાપ?"
"પછી તે શું કહ્યું?"
"મેં હા પાડી! છેવટે તો એજ મને એડમિશન અપાવશેને? પણ મારો જવાબ સાંભળીને તો તે વધુ ભડકી ગયા.શું છે કે પેમેન્ટ સીટમાં હવે ખાસ્સી વધારે ફીસ ચૂકવવી પડશે તેનો બાપાને આઘાત લાગ્યો છે.એટલે જ હું ઘરની બહાર નીકળી ગયો. એ ઠંડા પડે ત્યાં સુધી ઘરમાં રહેવું મારા સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું એટલે હું અહી આવી ગયો."
મારા ચહેરા પર એક ક્ષીણ હાસ્ય આવ્યું.
સૌરભ આંખો ઝીણી કરીને મારી સામે જોઈ રહ્યો,"શું થયું છે ભાઈ?કોઈ પ્રોબ્લેમ છે?કૉલેજ ટોપ કરીને એવું મોઢું કરીને બેઠો છે જાણે માંડ પાસ થયો હોય."
"તને તો તારા ખરાબ પરિણામ વિશે કોઈ અફસોસ નથી,પણ તારા મિત્રને ખરાબ લાગી રહ્યું છે એટલે તે આમ ગંભીર છે." મારા પિતાજીનો અવાજ રૂમમાં ગુંજ્યો.
"ઓ અંકલ! ગુડ ઈવનિંગ." સૌરભ બોલ્યો.જોકે પિતાજીનું ધ્યાન મારા પર કેન્દ્રિત હતું,"ફટાફટ તૈયાર થઈ જા.તને છોકરી વાળા જોવા આવી રહ્યા છે."
"અત્યારે?" મને ઝટકો લાગ્યો.
"પણ રાત પડવા આવી છે!"મેં વિરોધ નોંધાવ્યો.
"તો શું થયું?"
"પણ મને કોઈ પૂછો તો ખરા!"
"મીટીંગ ગોઠવી છે તારા લગ્ન નથી ગોઠવી દીધા કે આપ સાહેબની મંજૂરી લેવી પડે.હવે વધારે નખરા દેખાડ્યા વગર તૈયાર થઈને હૉલમાં આવ."
"અરે પણ હું હજી ભણવા માંગુ છું.પછી નોકરીમાં સેટ થયા પછી હું લગ્ન કરીશ."
"તો ના પાડી દેજે! પણ ના પાડવા માટે પણ મુલાકાત તો કરવી પડશેને?"કહીને તે સૌરભ તરફ ફર્યા," તું આને સમજાવ!"
સૌરભ પાસે બીજો કોઈ રસ્તો પણ ક્યાં હતો?"જો બકા..."
પણ મેં તેની વાત કાપી નાખી,"ઠીક છે.ઠીક છે.હું આવું છું."
અને તૈયાર થઈને હું હૉલમાં પહોંચ્યો ત્યારે છોકરી વાળા આવી પહોંચ્યા હતા.
સૌપ્રથમ પહેલા મારું ધ્યાન કન્યાની માતા પર પડ્યું જે મારા માતા પિતા સાથે વાતચીતમાં વ્યસ્ત હતી.
પણ સૌરભનું ધ્યાન પહેલાં કન્યા પર ગયું હતું અને તેની પ્રિતિક્રિયા રૂપે તેના મોંમાંથી રંગીન ઉદગાર સરી પડ્યો,. " ઓ ****"
હું ગિન્નાયો,"શું બોલે છે, આપણે ઘરમાં છીએ."
સૌરભે ચૂપચાપ કન્યા તરફ ઈશારો કર્યો જેને જોઈને હું પણ બોલી ઉઠ્યો," ઓ ****!"
કન્યા અમારી સામે જોઇને લુચ્ચું મલકી રહી હતી.તે આભા હતી!!!
"આવ આવ." મારા પિતાજી એ મારું સ્વાગત કર્યું અને પછી બોલ્યા," પણ મારે અફસોસ સાથે કહેવું પડે છે કે મારા દીકરાને અત્યારે લગ્નમાં રસ નથી."
"કોઈ વાંધો નહિ."કમલેશ મહેતા કમરામાં પ્રવેશતા બોલ્યા,"એ બહાને મુલાકાત તો થઈ!"
"અરે પણ..." હું થોથવાતી જીભે બોલ્યો.
"શું?"મારા પિતા કંટાળાના ભાવ સાથે બોલ્યા.
"અરે પણ મને કોઈ પૂછો તો ખરા!"
પિતાજી લુચ્ચું હસ્યા,"હમણાં ફક્ત પાંચ મિનિટ પહેલા તું કહી રહ્યો હતો કે તારી હમણાં લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. એટલે હું કમલેશભાઈને ઇન્કાર કરી રહ્યો છું. હવે પાછી તે પલટી મારી? તારું મગજ તો ઠેકાણે છે ને?"
હું ડઘાઈને બધા સામે જોઈ રહ્યો.
કમલેશભાઈને મારી દયા આવી,"તમે બે જણ અલગ વાતો કરો ત્યાં સુધીમાં અમે વડીલો વાત કરીએ છીએ."
હું હજી જાણે તંદ્રામાં હતો. મને સમજાયું નહોતું રહ્યું કે આ શું થઈ રહ્યું છે. હું અને આભા મારા સ્ટડી રૂમમાં પ્રવેશ્યા અને આરામખુરશી પર ગોઠવાયા.
"આ બધું શું છે?"મેં પૂછ્યું.
"લે!તને હજી ખબર ના પડી? અમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તેને લગ્ન માટે માગું નાખવું કહેવાય."
"અરે પણ..તું તો મને પ્રેમ નહોતી કરતી ને?"
"નહોતી કરતી.કદાચ અત્યારે પણ નથી કરતી.અથવા કરું છું.હું પોતે જ મારી ભાવનાઓને સમજી નહોતી શકતી.પણ મને એટલો વિશ્વાસ છે કે તારા સાથે લગ્નજીવનમાં હું દુઃખી નહી થાઉં."
"હું હજી ન સમજ્યો."
"સમજાવું.તે દિવસે જ્યારે પપ્પાએ તને મળવા બોલાવ્યો હતો ત્યારે તારા વર્તનથી એ સમજી ગયા હતા કે તું નાટક કરી રહ્યો છે. વળી તેમને આપણે મૂવી જોવા ગયા હતા તે જાણકારી પણ તેમને શીલાએ આપી હતી.આ હકીકત પણ તેમને શંકાસ્પદ લાગી હતી કારણકે તે જાણતા હતા કે શીલા મારી બેસ્ટ ફ્રેન્ડ છે.એટલે તેમણે મારી કડકાઈથી પૂછપરછ કરી. મેં તેમને આખી વાત જણાવી દીધી. તેમને આ વાતનો ગુસ્સો આવ્યો કે મિત્ર હોવા છતાં શીલા આવું કરી રહી હતી.જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે તે શીલા અને ઈશાનને મળવા જ આવ્યા હતા.ખેર! એક્સિડન્ટ પછી જ્યારે તારા માતા પિતા હોસ્પિટલ આવ્યા ત્યારે ઘટસ્ફોટ થયો કે બંને એક બીજાને પહેલાંથી ઓળખતા હતા. પ્રેમ વિશે મારા વિચાર તો તને ખબર જ છે.તો મારા પપ્પા એ પ્રસ્તાવ મારી સામે તારી સાથે એરેંજ મેરેજનો પ્રસ્તાવ મૂક્યો."
"પણ કેમ?એવું તો તે મારામાં શું જોઈ ગયા?"
"કોને ખબર? મેં પણ તેમને આ પ્રશ્ન પૂછ્યો. તેમણે ફક્ત એટલું કહ્યું કે મને માણસ પારખવાની સમજ છે.પણ તેમને ફક્ત એક જ ચિંતા હતી અને તે હતી તારા ભવિષ્યની!
એટલે આજે તારું પરિણામ આવ્યું કે તરત એમણે તારા પિતાને વાત કરી."
"પણ..જો એવું હતું તો તે સંપર્ક કેમ તોડી નાખ્યો હતી?"
"તારા એક્સિડન્ટ પછી આપણે જેટલો સમય સાથે રહ્યા તેમાં તું મને વધુ અને વધુ ગમવા માંડ્યો હતો.પણ મને સમજાતું નહોતું કે આ પ્રેમ છે કે આકર્ષણ! મેં આ મૂંઝવણ પપ્પાને જણાવી તો તેમણે કહ્યું કે હું તારી સાથે મુલાકાત ઓછી કરી નાખું.સંપર્ક તોડવાથી જો હું તને ભૂલી જાઉં તો એ પ્રેમ નથી!સિમ્પલ!"
"અને શું નિષ્કર્ષ નીકળ્યો?"
"કહેવાની જરૂર છે?"આભાએ છણકો કર્યો.
"પણ..અત્યારથી લગ્ન?"
"તને કોણે કહી દીધું કે આપણા લગ્ન હમણાં લેવાશે! હું વધુ અભ્યાસ માટે અમેરિકા મારા કાકા પાસે જઈ રહી છું.હવે આપણી મુલાકાત બે વર્ષ પછી થશે! આ તો તું છટકી ન જાય તેનો પ્રબંધ છે!"
હું થોડી વાર શાંત રહ્યો. પછી મેં મારી જૂની ડિમાન્ડ ફરી થી મૂકી.
"આપણે ચુંબન કરીએ?" હું બોલ્યો.
અને આ વખતે તેણે ના ન પાડી!

સમાપ્ત