soneri shaher jesalmer books and stories free download online pdf in Gujarati

સોનેરી શહેર જેસલમેર

સાવ અચાનક મારી બાકીની રજાનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો તેથી આ લાભકારક મુસાફરીનું આયોજન થઇ ગયું. યોગી ટ્રાવેલ્સની બસ દ્વારા પ્રસ્થાન 10 વાગે રાત્રે અમદાવાદથી કરી સવારે 8.30 કલાકે જેસલમેર પહોંચી ગયા. ગડીસર તળાવ બસ સ્ટોપ ખાતેથી હોટેલ નજીક જ હતી.

મેં booking.com દ્વારા ટુર બુક કરાવી હતી તે હોટેલ જેસલમેર પેલેસ ગયાં. તે હોટેલ સરસ જગ્યાએ બજાર વચ્ચે, જોવા લાયક સ્થળોની નજીક છે. સૌથી સાંરુ - આવવા જવાની સુવિધાઓ માટે બસો ગડીસર તળાવ માટે પાસેથી જ શરૂ થાય છે. હોટેલ સાફસુથરી હતી. અગાશી ઉપર કાફેટેરિયા હતું જેમાંથી શહેરનો વ્યુ જોતાં ખાવા પીવાનો અલગ જ આનંદ આવે. તે રેસ્ટોરાં સારો ખોરાક, ચા વગેરેની સગવડ ધરાવે છે અને હોટેલ WIFI સુવિધા ધરાવે છે. પાસવર્ડ મેળવવામાં તકલીફ ન પડી.

==========

હોટેલની અમારા રૂમની બાલ્કની ખોલતાં જ ઘણી બઘી પીળા પથ્થરથી ચમકતી ઇમારતો જોવા મળી જે મોડી સવારના પ્રકાશમાં સોના જેવી ચમકતી હતી. હળવેથી ફૂંકાતા પવનોમાં ઠંડી હવા સાથે છત ઉપર રૂફ ટોપ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરી પછી બજાર માટે નીકળ્યાં. અમે ગૂગલ કરીને જાણતાં હતાં કે આ સ્થળ સ્થાનિક ખરીદી કરવામાં મુખ્યત્વે ઊંટનાં ચામડામાંથી બનતી વસ્તુઓ માટે પ્રખ્યાત છે. પટ્ટો, ઊંટનાં ચિત્રો વાળી પર્સ વગેરે ખરીદીઓ કરી.

મુખ્ય માર્ગ પર સાલેખાન હવેલી આવી હતી. ત્યાં અમે રાખેલ માર્ગદર્શકે જણાવ્યું કે હવેલી નો અર્થ સારી હવા અને પ્રકાશ આપતી એક ઇમારત છે. તે ઈમારતમાં બધા પથ્થરનાં માળખાં સિમેન્ટ કે મોર્ટાર વગર બનાવવામાં આવ્યા હતા. પથ્થરોનું જોડાણ આપણા પ્લગ પોઇન્ટ જેવી રચના દ્વારા, જેમાં વિસ્તૃત હાથા સાથે એક સ્લોટ હતો. અન્ય પથ્થરમાં અંદરથી બહાર તરફ અને રાઉન્ડમાંથી એક છિદ્ર ચોરસ હતું. પથ્થરને બીજા છેડે કડું (લોખંડની રીંગ) હતું. છિદ્રમાં એક સ્લોટ દાખલ કરો અને અન્ય પથ્થરને ખસેડવા કે રીંગ દ્વારા ગોળ ફેરવી ઊંચકો. દરેક પત્થરો માટે જગ્યા નિશ્ચિત હોય છે પરંતુ કોઈપણ સમયે એ વિશાળ પત્થરોના બ્લોકસને એક બીજાથી દૂર કરી શકાય છે. વત્તા ઓછા અંશે આપણા tubelight ફિક્સિંગમાં હોય તેના જેવી રીતે એક બીજા સાથે જોડેલા હોય છે જે સંભાળપૂર્વક એક થી બીજી જગાએ જુદા કરી, લઇ જઈ ફરીથી જોડી શકાતા હોય છે.

======

એમને ગાઇડે કહ્યું કે ત્યાં ઘરની સ્ત્રીઓ સામાન્ય રીતે પડદામાં રહે છે અને પુરુષો માટેના ભાગો અલગ અને ઘરની મહિલાઓ માટે ઘરમાં અલગ વ્યવસ્થા હોય છે. તે સ્ત્રીઓ ચૂલા પર રસોઈ કરતી. રાંધવામાં ચૂલા પર બેસાડેલા પથ્થરો સ્ટૂલ જેવી નીચે પાયા વાળી રચનાથી નીચેથી કચરો, રાખ વગેરેની સફાઇ માટે ઉપયોગમાં લેવાયા હતા. બહારથી હાથી આકારની દીવીઓ કે જે તમે નીચેથી ઊંધુંચત્તુ ખોલી, તેલ ભરવામાં અને ઉપલી બાજુ પ્રકાશ સાથે દીવા કરવામાં વપરાય. ટીપે ટીપે તેલ હાથી સૂંઢ વડે પાણી પીવે તેમ ઉપર જાય છે અને દીવો પ્રગટેલો રહે છે.

ગોખલાઓમાં દીવા પ્રગટાવવામાં પ્રકાશ આપ્યા પછી જે કાળાશ કાર્બનની બનતી હતી તે મેશ નો ઉપયોગ આંખો માટે કાજલ તરીકે થતો હતો.

એક ઓરડામાં કાચબા જેવા કેટલાક આકાર, બિચ્છુ વગેરે ઊંધેથી ખુલતી અત્તરદાનીઓ હતી, એક કપાસની વાટ લઇ અત્તર(ફૂલનું તેલ)માં બોળી અને બંધ અત્તરદાનીમાં રેડવાની. હવાની આવજાવ સાથે બહારથી તે લાંબા સમય માટે સુગંધ આપશે. કેટલીક અત્તરદાનીઓ માટે ગાઈડે એમ જણાવ્યું હતું કે તે બધી 70 થી 100 વર્ષ જૂની હતી !!

=====

વચ્ચે બે સ્થાનો ઝરૂખામાં એવાં હતાં જ્યાં એક મહીલા હવેલીના એક ઝરૂખામાં ઉભી ઈશારા, ચહેરાના હાવભાવ દ્વારા સામે દુર ઉભેલા પુરુષ સાથે વાત કરી શકે છે. ખાસ કરીને પોતાના પતિ સાથે.

હવેલીના ફૂલો અને પથ્થર જેવા ડેકોરેશન માટેના પથ્થરો બલ્બ જેવી fastening Technology દ્વારા મૂળ ભીંતમાંથી દૂર કરી શકાય છે અને બલ્બ ફિક્સ કરીએ એમ જ નિયત જગ્યા એ કોઈપણ જગાએ જોડી પણ શકાય છે. બે બાજુઓથી બળ લાગુ કરીને લોખંડ સ્ટ્રીપ દ્વારા પત્થરો જેમ એક stapler મારીએ તેમ ઘરની દિવાલો સાથે સીડીઓ જોડી હતી.

આમ ગાઈડના કહેવા મુજબ આખી પ્રચંડ હવેલીને એક એક દીવાલ, સીડી, ડેકોરેશન, ઝરૂખાઓ, બધા સાથે છૂટી કરી એક જગાએથી ઉપાડી બીજી જગાએ ફિટ કરી શકાય! કુટુંબમાં ભાગ પડે ત્યારે હવેલીને આ રીતે છૂટી પડાતી હતી એમ ગાઈડ એ કહ્યું.

નૃત્ય માટેના ખંડમાં રહેલો ફુવારો જે બહારથી આંગણામાંના handpump દ્વારા ઓપરેટ કરી શકાય છે તેવી અદભુત રચના હતી. છતમાં લટકતાં કાચનાં અરીસા વાળાં હેંગરો સાથેના ફાનસો જોયાં જેનાથી પ્રકાશ ગુણાકારમાં અનેક પ્રતિબિંબો રચશે અને શો કરનારી નર્તકી તરફ ફોકસ કરી ફેંકાશે. નર્તકી કે સાજીંદાઓ પર અરીસાઓ થી જ બનતું ફોકસ કરતુ પ્રતિબિંબ હતું જે ચોક્કસ lumination સાથે નર્તકો પર પડે અને આસપાસ પણ. આમ વગર લાઈટે સાઉન્ડ લાઈટ શો રચાતા.

પાણી આજે પણ રિસાયકલ કરવામાં આવે છે. નહાવા માટે વપરાયેલું પાણી કપડાં ધોવામાં ઉપયોગમાં લેવાયેલું અને એ જ ખાળ દ્વારા એકત્રિત થતું, પછી પોતાં કરવા ઉપયોગમાં લેવાતું.

રેતીના પત્થરો અન્ય પથ્થર સાથે જ ઘસાઈને પોલિશ થાય છે અને વધુમાં વધુ હાલચાલ દ્વારા ઉપયોગ થતાં ચળકે છે. તમારા હાથમાંના ડાઘા, વગેરેથી સ્પર્શવામાં આવતાં વધારે ચમકે છે. તેથી પત્થરોની ચમકતી અને પીળા આરસ જેવી સપાટી હતી.

અહીંથી 40 કિ.મી. દૂર પ્રખ્યાત સામ કે શામ ડ્યુન્સ એટલે કે રેતીના ડુંગરો પર જવા માટે એક કાર બુક કરી. કુલ પેકેજ માટે હંમેશા ભાવતાલ કરવા પડે છે. છેલ્લા દિવસે એક રીક્ષા આમતેમ તથા સેમ ડ્યુન્સ 450 રૂ માં આવવા તૈયાર હતી! જીપો ભાડું વધુ વસૂલ કરે છે. મેં 40 કિ.મી. આવવા જવા એસી કાર બુક કરાવી. રણમાં ઊંટોની સવારી, ડ્યુન્સ અને સનસેટ પોઇન્ટ સુધી, નજીકના રિસોર્ટ પર ડાન્સ પ્રોગ્રામ, રાત્રી ભોજન વગેરે માટે સનસેટ પોઇન્ટ અને ફરી પાછા- આટલું 3500 રૂપિયામાં હોટેલ દ્વારા નક્કી કર્યું. સ્થળ બતાવવામાં આવેલ ગાઈડ દ્વારા 5000 થી શરૂ કરી એટલામાં ટુર ઠરાવી.

હોટેલથી સાંજે 4 વાગ્યે શરૂઆત કરી 17 કી.મી. દૂર સુધી પહોંચી એક ગામ જે ભૂતિયા ગામ તરીકે ઓળખાતું તે કુલધરા પહોંચ્યા. કહેવાય છે કે 17મી સદીમાં એક દીવાનને સુંદર કન્યાઓ ઉઠાવી જવાની ખરાબ આદત હતી અને એટલી બધી ચારણ જ્ઞાતિની કન્યાઓનું અપહરણ થયેલું કે તેઓની વસ્તી સ્થળાંતર કરી ગઈ અને તેમનો શાપ સામ્રાજ્યના પતનને નોતરી ગયો. આખું ગામ માનવ રહિત છે. બધા ઘરો ખાલી છે અને છતાં પણ હજુ અકબંધ હાલતમાં છે. એક દેરાસર દૂર ચોરી જવાયેલા દેવતા સાથે ખંડેર હાલતમાં હતું .

તેઓ કહે છે કે અહીં કોઈ સૂર્યાસ્ત પછી રહી શકતું નથી અને જો રહેવા પ્રયત્ન કરે છે તો તેની કોઈ નિશાની પછીના દિવસે જોવા મળતી નથી. સરકારે સાંજે 6 વાગ્યા પછી પ્રવેશ નિષેધ ફરમાવ્યો છે.

કાર પાર્કિંગ રૂ. 50+ વ્યક્તિ દીઠ 20.

જો રસ ન પડે તો આ સ્થળ જવા દઈ શકો છો.

સેન્ડ ડ્યુન્સ થી 5 કી.મી. દૂર કાર ઉભી રહી અને શરુ થઇ ઊંટ સવારી. તેઓ તમારી સાથે ઠંડા પીણું વગેરે રૂ. 40-50 માં વેચી પાણી બોટલ વગેરે લેવા આગ્રહ રાખે છે. ઊંટ સવારી માટે સોદાબાજી શરૂ થાય છે. અમારો જે 3500 રૂ. ના પેકેજ માં સમાવેશ કરવામાં આવ્યો હતો તેનાથી શરૂ કર્યું. સનસેટ પોઇન્ટ યોગ્ય રીતે જોવા વધુ નજીક જવું જરૂરી લાગ્યું. હવે ફરી સોદાબાજી શરુ થઈ. 1000 થી શરુ કરી 2 કિ.મી. ના 250 રૂ. હજુ વધારાના લીધા. તેમણે જણાવ્યું હતું કે તેઓ સીઝનમાં આનાથી બમણા લે છે. ફિલ્મો અને કૅલેન્ડર્સમાં બતાવવામાં આવતા વિશાળ રેતીના મેદાનોમાં રેતીના ડુંગરો પર તેઓ લઇ ગયા. ઊંટ દ્વારા સીધા ઢોળાવ વાળી ટેકરીઓના ચઢાવ ઉતાર પાર કર્યા. રેતી સાંજે સૂર્યપ્રકાશમાં સુવર્ણ જેવી ચમકતી હતી. ખૂબ સુંવાળી અને કરકરી હતી. સમુદ્ર કિનારા પરની રેતીથી વિપરીત. સમુદ્રી રેતી એકદમ ઝીણી, શરીર સાથે ચોંટી જાય એવી હોય છે. આનો તો ખંખેરો એટલે અવશેષ પણ ન રહે. સોના જેવી ચમકતી, હાથની મુઠ્ઠી ભરી નીચે ઢોળી શકાય એવી. અહીં તમે ગોળ ગોળ આળોટી પણ શકો છો અને એ પણ તમારા જીન્સના પેન્ટ પર રેતી ચોંટ્યા વિના.

10 જુલાઈએ સાંજે છેક 7.40 વાગે સૂર્યાસ્ત જોયો! આ છેક પશ્ચિમે આવેલું સ્થળ હોઈ સૂર્યાસ્ત ઘણો મોડો થાય છે.

=====

પરંતુ હજુ પણ આશ્ચર્ય થયું. શા માટે આશરે ફક્ત ¾ કી.મી. વિસ્તારમાં જ આ રેતીના ટેકરાઓ હતા? નક્કર જમીનથી ઘેરાયેલા, ક્યાંક ક્યાંક દેખાતાં ઘાસ સાથેની જમીન વચાળે હતા? આસપાસ બીજે ક્યાંય કેમ નહીં? રેતી તો કદાચ સાગમટે ટ્રેકટરો દ્વારા રણમાંથી 50 કી.મી. દૂરથી લાવીને અહીં ઠાલવીને કોઈ પણ આવા સુનિશ્ચિત, કાપ્યા હોય એવા ઢોળાવો ઉભા કરી શકે.

આશા રાખું તે પ્રવાસીઓના પૈસા કમાવા માટેની યુક્તિ નથી અને ખરેખર રેતીના કુદરતી ડુંગરો છે. કારણ એ કે ટ્રાવેલ પુસ્તકો દ્વારા કહેવામાં આવ્યું છે તે મુજબ એ બધા 100 વર્ષ જૂના, પવન દ્વારા બનાવવામાં ટેકરાઓ છે. પરંતુ એમ હોય તો એના આકાર એક સરખા કેમ હોઈ શકે? અને એ પણ એટલાજ વિસ્તારમાં? પરંતુ હવે આવ્યા એટલે બધું વિચારવાનું છોડી આનંદ માણ્યો.

ચોકી ધાણી રિસોર્ટ આવ્યાં. કંકુ તિલક દ્વારા કન્યાએ સ્વાગત કર્યું. ગાઈડે કહેલાં ‘વેલકમ ડ્રિન્ક’ તરીકે ½ કપ પ્લાસ્ટિક કપમાં ચા, નાસ્તા તરીકે બે ચમચા બટાકા પૌંઆ આપ્યા! શો શરુ થતાં મેં 66 લોકો ગણેલા. લોકો જેસલમેરની હોટેલના પૈસા પણ ભરે અને ત્યાં નાઈટ શો પણ જુએ, ત્યાં રહી ડબલ પૈસા ભોગવે અથવા પૈસા ભરી શો અને ડિનર જતું કરે. મેં તો નક્કી કર્યું કે જેના પૈસા ખર્ચ્યા છે એ ડીનર ને એ શો બેય એટન્ડ કરીને જ જવું.

પૂર્ણિમાના સંપૂર્ણ ચંદ્ર પ્રકાશ સાથે નૃત્ય શો રજૂ થયો જે ખરેખર ઉત્તમ હતો. નૃત્યાંગનાએ આંખની ભમરો દ્વારા વીંટી ઉપાડી લીઘી. તેના ઝડપી ઘુમતા ચણીયા થી સંપૂર્ણ વર્તુળાકાર કર્યો. મોર ની કળાઓ કરી. ઍરોબિક જેવી ટ્રિક્સ પણ કરી અને ઢોલના ધબકારા પર ખૂબ ધીમી થી ખૂબ જ ઝડપી ગતિએ નાચી. ત્યારબાદ ઢોલ અને કરતાલના અદભુત તાલમેલનો શો થયો.

યુવાન લોકોએ અચાનક ઝડપી અને અચાનક બંધ થતા ઢોલના ધબકારાના સૂર સાથે નૃત્યમાં સાથ પુરાવ્યો.

મારે 40 કિ.મી. પાછા જવા હતું અને ડ્રાઈવર આવી ગયો.

તે ખૂબ ઉતાવળમાં હતો. એના આગ્રહથી ન છૂટકે અમે શો અધૂરો મૂકી નીકળી ગયાં ડીનર લેવા.

રાત્રિભોજનમાં દાલબાટી, શુદ્ધ ઘી સાકર નું ચૂરમું, લાક્ષણિક રાજસ્થાની રોટી, પંચ દાળ સાથે એમની સબ્જી હતાં.

જેસલમેર જવા ડ્રાયવર પૂર ઝડપે રવાના થયો. રસ્તો વળતાં આખો સુમસામ હતો. માત્ર બે ત્રણ લશ્કરી ટ્રકો જ મળેલી.

આખરે સાવ એકાંત રસ્તે મુસાફરી કરી જેસલમેર પહોંચ્યાં એટલે ડ્રાઈવરે આકાશ સામે હાથ જોડયા.

સલામત પહોંચવા બદલ ડ્રાઈવરના આગ્રહ પર એક ગુલ્ફીની દુકાન પર ગયાં. માવા કુલ્ફી પાંદડા પર સર્વ કરી હતી. ફોર્ટ ઉપરથી જોતાં જેસલમેરનાં ઘરો ફોર્ટ નીચેથી તારાઓ જેમ ટમટમતાં દેખાતાં હતાં. હોટેલની ટેરેસ પરથી ચાંદનીમાં નહાઇ રહેલું શહેર અને કિલ્લો જોયાં.

ગાઈડે કહ્યું કે રાત્રીના 10 વાગે એ રસ્તેથી પસાર થતા એને ડર લાગતો હતો કેમ કે કુલધારા નજીક ઘણાને ભુતાવળના અનુભવો થયેલા. એની દસ વર્ષની ટુરિસ્ટ ગાઈડ તરીકેની કારકિર્દીમાં એ પહેલી વખત આ સમયે એ રસ્તે પાછો ફરેલો! હવે મને એનાં ટેન્શન કારણ સમજાયું.

દિવસ 2.

હોટેલ સ્ટાફ દ્વારા સૂચવવામાં આવ્યું હતું કે કિલ્લો જોવો શરૂ કરવા માટે સવારે 7 વાગ્યે નીકળી જવું કેમકે બપોર થતાં અસહ્ય ગરમી પડે છે અને ઉપર તો ઉભી જ ન શકાય એટલી હદે ગરમી લાગે છે. તે પહેલાં નીચે આવી જવું જોઈએ.

કોઈ પણ યાત્રાધામ કે ટુરિસ્ટ પ્લેસની જેમ અહીં પણ ચોળાયેલા ‘સરકાર માન્ય’

લખેલા બિલ્લા વાળા ગાઈડો તમને ઘેરી વળે અને સોદાબાજી શરુ કરી દે. અમે એક સફેદ વાળવાળા ગાઇડને પસંદ કર્યો. ફોર્ટ પર રહેવાસીઓ, દુકાનો અને પ્રવાસન સ્થળો, મંદિરોની મિશ્ર વસ્તી રહે છે.

એક પથ્થરનું વાસણ ખરીદ્યું કે જેમાં તમે આપોઆપ વગર મેળવણએ દૂધ માંથી દહીં કરી શકો. રોગોનો ઇલાજ કરતા ફોસિલ્સ જોયા. તેઓના મતે એક ઘર બાંધવા પહેલાં ખરાબ ઊર્જા દૂર કરવા એનો પાયામાં દાટવા ઉપયોગ થાય છે.

એક સંગ્રહાલય જોયું જેમાં એક સુંદર રાણીની જીવંત પ્રતિમા સંપૂર્ણપણે અલંકારો સાથે અરીસામાં પોતાને શણગારેલી જોતી હતી. દરબારની બેઠક વ્યવસ્થા, રાજાઓનાં હથીયારો, યુદ્ધો વગેરે નાં ચિત્રો અને મોડેલો હતાં. તમારે બહાર નીકળતા પહેલાં તમામ 30 વિભાગોની મુસાફરી કરવી જ પડે છે. ક્યારેક મોબાઇલ ટોર્ચ જરૂરી બને એટલું અંદરથી અંધારું છે.

પિત્તળની તોપ અને ત્યાંથી શહેરના દૃશ્ય ઉત્કૃષ્ટ હતાં. પથ્થરના બોલ ટોચ પરથી તોપ દ્વારા ફેંકવા માટે વપરાય તે બતાવવામાં આવ્યા.

ત્યાં કુદરતી રંગો અને હાથથી બનાવેલી બાંધણીઓ વેચતી ઘણી દુકાનો હતી. સુંદર પથ્થરની કોતરણી વાળાં જૈન અને હિન્દૂ મંદિરો જોવામાં આવ્યાં.

મહેલ પર તેઓ વાંસનાં શુભ શુકન સૂચવતાં તોરણો બાંધે છે. ટોચ પર ભગવાન ગણેશની મૂર્તિ છે. એક વિષ્ણુ અને લક્ષ્મીનું મંદિર સોનાના ઢોળ વાળું છે. સોનાના ઢોળ વાળો દરવાજો પણ બનાવવામાં આવ્યો હતો.

===

હોટેલની રૂફ ટોપ પર લંચ લઇ શકાતું હતું. સારું ભોજન હતું. લાલ મટન, રાજસ્થાની સ્પેશિયાલિટી પંચ દાળ વગેરે અને ચવાય તેવી રોટી, લસ્સી. (નાના ઢાબા ખાતે રોટી ખૂબ જાડી હોય છે.)

સાંજે કોઈ એક કાઉન્ટર પર રાજસ્થાન રાજ્યની બસના બુકિંગ માટે ગયા.અહીં કાઉન્ટર ખાલી હતું. ચાના સ્ટોલ વાળો સમય કહેતો હતો તેમ છતાં ગુજરાત જતી સરકારી બસો માટેના સમયની એને ખબર ન હતી.

ત્યાંથી હનુમાન ચોરાહા ગયા.

આખરે ત્યાં પ્રાઇવેટ ઓપરેટર સોઢા ટ્રાવેલમાં ટિકિટ બુક કરી. પ્રવાસ બીજે દિવસે સાંજે 5 PM પર બુક કરાવ્યો. નજીકના મહેલ અને ખાદી ભંડાર જોવા ગયા. સુંદર ભેટ સંગ્રહો હતા. મને ખર્ચાળ લાગ્યું. પેલેસમાં રાજા દ્વારા ઉછેરવામાં આવતી ઘણી તંદુરસ્ત ગાયો હતી.

હોટેલ નજીક ગડીસર તળાવ ગયાં. પેડલ બોટ ½ કલાક સવારી રૂ 100 માં પસંદ કરી. બોટની વિરુદ્ધ સાઈડના કિનારા નજીક કાદવમાં ફસાયા અને અન્ય હોડીએ ઉગાર્યા! બોટ પેડલ મારી ડબલ strength સાથે ખેંચવાની હતી. તેમણે જણાવ્યું હતું કે ઉનાળામાં પાણી સૂકાવા આવ્યું છે.

નજીકમાં આવેલ મ્યુઝિયમ જોવા ગયાં. આધુનિક વખતનો પપેટ શો જોવા મળ્યો. શરૂમાં કઠપૂતળીઓ દ્વારા ગણેશ નૃત્ય અને આશીર્વાદ સાથે ગણેશ વંદના થઈ. પછી પલ્લો લટકે અને લીંબુડા લીંબુડા જેવા નૃત્યો જોયાં. તાજેતરનું પ્રેમગીત અને રમકડા માટે રડતા નાના છોકરાની એક વાર્તા, હિન્દી ફિલ્મી ગીતો અને તેની અભિવ્યકિત જોઈ. એક ઊંટ સવારી બતાવી જેમાં એક સાચાં ઊંટના જેવી કઠપૂતળી ઊંટને સાચાં ઊંટની ચોક્કસ રીતથી બેસવામાં, ઉભા ચાલવામાં વળાકો લેતું દર્શાવ્યું. યુદ્ધ બતાવ્યું.

પછી ત્યાં વિવિધ જૂની સોપારી કાપવાની સૂડીઓ, સંગીતવાદ્યો, લખવાની સામગ્રીઓ વગેરે જોઈ પુણે નું કેલકર મ્યુઝીયમ યાદ આવ્યું. પત્ર લખવાનાં જુનાં સાધનો, પ્રાચીન સ્ક્રિપ્ટો વિષ્ણુપુરાણ, પાઘડી વગેરે જેવી દૈનિક જીવનની વસ્તુઓ, જૂના સ્થાનિક ઘંટી, કોઠી વગેરે જોયાં.

બહાર નીકળતાં આગળ એક દુકાન આવી. ત્યાં એક મોટું લાકડાનું સાંબેલું જોયું. ચણાનો લોટ મોટા જથ્થામાં ફૂટવા માટે વપરાતું હતું. ઘી ની સરસ સુવાસ આવતી હતી. તે મીઠાઈની દુકાન હતી. દુકાનદારે જણાવ્યું કે તે ‘ઘોટવા લાડુ’ નામે મીઠાઈ હતી. તેને તમે પખવાડિયા માટે સાચવી શકો છો.

મોડી રાત્રે ઓપન હોટેલ ટેરેસ પરથી પર્વતીય ઠંડી લહેર માણી. ચંદ્રપ્રકાશથી પરાવર્તિત પીળા પત્થરોનાં મકાનો સોનાના રસ ઢોળેલ લાગતાં હતાં. શાંત મૃદુ રાત્રિમાં રણ મધ્યે આવેલું આ શહેર જોવાનો અંતિમ આનંદ માણ્યો.

દિવસ 3-

બોનસ દિવસ. એક માત્ર બસ સાંજે 5 વાગે હતી. સમય પસાર કરવા માટે ટોસ્ટ, માખણ, જામ, મોટો કપ ચા, નાસ્તો એવો બ્રેકફાસ્ટ મગાવ્યો. અલગ અલગ આઇટમો હતી. તેઓ cornflakes, ફળ, રસ અને લીલી અથવા આયુર્વેદિક ચા સાથે કોન્ટિનેન્ટલ નાસ્તો પણ જો તમને પોસાય તો આપે.

પટવા હવેલી ગયા. છત સોનું, હાથીદાંતના નકશીકામ સાથે ઢોળ ચડાવેલી હતી. બારીઓ પર બેલ્જિયમ કાચ હતા. 200 થી વધુ વર્ષ જુના અરીસાઓ હોવા છતાં સ્પષ્ટ છબી દર્શાવતા હતા.

છત પર ઘણાં ચામાચીડિયાં લટકેલાં. ગાઈડે જણાવ્યું કે શેઠ દ્વારા પાંચ પુત્રો માટે હવેલી બાંધવામાં આવેલી અને એક ખાનગી શેઠ દ્વારા ખરીદવામાં આવેલી. હવે 1974 માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા એ શેઠે સરકારને જાહેર કરી એ કિંમતે સરકાર દ્વારા તરત જ હસ્તગત કરી લેવામાં આવેલી. કહે છે શેઠે કિંમત 25 લાખ કહી, સરકારે 25 લાખ આપી એને રાતોરાત હસ્તગત કરી લીધી, જેની કિંમત કરોડોની છે!!

સ્લાઇડિંગ પત્થરો, જ્વેલરી, હીરા રાખવા ભીંતની અંદર છુપા કબાટો અને માત્ર તેઓ જ જાણતા હતા કે જ્યાં વસ્તુઓ રાખવામાં આવે છે તેવી જગ્યાઓ જોઈ. કોર્ટ રૂમ, કુદરતી રંગો, ચતુર વ્યવહારુ, દૂરદર્શી શેઠની પેઢી, રસોઈ સામગ્રી રાખવા માટે રસોડું, છુપા સ્લોટ્સ થી ખૂલતા છુપા ઓરડાઓ વગેરે જોયાં.

રસોઈની જગ્યા ધુમાડા વગર રસોઈ બને તેવી હતી. સરસ ભીંતચિત્રો સાથે મહેમાન રૂમ, ગુપ્ત ચોપડા, ઓફિસ કમ ટ્રેડિંગ રૂમ રાખવા માટે સ્થળ, શેઠના મુલાકાતીઓને બેસવા માટે જગા વગેરે જોયું અને ખાસ બિચ્છુ તાળાઓ ખાસ ટેકનિક સાથે ખોલી બંધ કરી શકાય તે જોયાં.

તે શેઠનો છેક ચાઇના અને અફઘાનિસ્તાન, ઈરાન સુધી રેશમ, મસાલા અને કાપડ પર જરીકામ જે ‘પટવારી’ કહેવાય છે તેનો વેપાર હતો. પછી સ્વતંત્રતા બાદના નિયમોમાં તેમની ઘણી વસ્તુઓ અટકાવવામાં આવી, તેમને ત્યાં રેડ પડી, દંડ થયા જેથી તેઓ ત્રાસીને જતા રહ્યા હતા. હવે એ હવેલીમાં ચામાચીડિયાંઓ સોનાની છતો પર લટકે છે. લોકો માને છે કે ચામાચીડિયાં કુદરતી મૃત્યુએ નથી મરતાં. બિલાડીઓ વગેરે તેમને ખાય તો જ તેઓ મુક્તિ મેળવે. તે જીવો વર્ષો સુધી પછી પીડાય છે. માનવના પાપોની હજાર જન્મ સુધી આ સજા મળી શકે છે.

===

બહાર સરસ બાંકડાઓ, શીશમહેલ વગેરે જોયાં. ભોજન માટે ‘ચાંદશ્રી’ રેસ્ટોરાં ગયા. ગટ્ટા કા શાક અને કેર સાંગળી - ત્યાંની વિખ્યાત સબ્જી અને રાજસ્થાની થાળીનો છેલ્લો સ્વાદ માણ્યો. પાછા હોટેલ જેસલમેર પેલેસ ગયા. હનુમાન ચોરા જવા માટે હોટેલ છોડી દીધી.

સાંજે 5 વાગે બસ ઉપડી. બસ RTO અમદાવાદમાં પરોઢે 3.30 વાગ્યે આવી પહોંચી.

આમ આ પ્રવાસનો સુંદર અનુભવ લીધો. લોકો સરહદી મારવાડી બોલતા હતા અને ગાઈડ વગેરે ફ્રેન્ચ, ઇંગલિશ વગેરે બોલી શકતા હતા પરંતુ ત્યાં કેટલાક દુકાનદારો પણ હિન્દી સમજતા નથી. તેમને હિન્દી કે અંગ્રેજી કે કોઈ ભાષા આવડતી નથી. એકલી સરહદી જ સમજે. આવાં કોઈપણ પ્રવાસી સ્થળ માટે કિંમતો નક્કી કરવી અને યોગ્ય ગાઈડ કાળજીપૂર્વક પસંદ કરવો જરૂરી છે.

રણ ઉપરનું સરહદી શહેર અને રેતીના 40 કી.મી. દૂર આવેલા ઢૂવાઓ ગમ્યા. યાદગાર, લેવા જેવો અનુભવ.

***

https://photos.app.goo.gl/dmt9U7c7TSJgyPPBA