Visamo - 15 books and stories free download online pdf in Gujarati

વિસામો.. 15

~~~~~~~

વિસામો - 15 - 

~~~~~~~

 

 

એના વાળ માં હાથ ફેરવતી, એના કપાળને ચૂમતી, આઠ વર્ષની દૂરીને પોતાની નજરમાં ભરતી એ વિશાલની બાજુમાં જ પડી રહી,.. એને ઉંઘતો જોઈ રહી... 

 

આખી રાતના થાકેલા બન્નેને દિવસ ચઢતા ઉંઘ આવી ગઈ,..   

 

 

~~~~~~~

 

સ્નાન કરીને સાડી પહેર્યા બાદ ગોરલબા આઈના સામે પોતાને જોઈ રહ્યા,.. 

આખી રાતના થાકેલા ગોરલબાએ વર્ષો પછી પોતાને આઇનામાં ધારીને નીરખ્યા હતા..

 

માત્ર બે - ત્રણ કલાક ની જ ઊંઘ કર્યા પછી પણ શરીરમાં થાક હોવા છતાં એમને એમના ચહેરા ઉપર થાક જરાયે દેખાતો નહોતો..

 

પોતાના રૂમ ની ફ્રેન્ચ વિન્ડો ને ખસેડીને એ બહાર આવ્યા..

જયારે જયારે એમને કોઈ મોટા કામ ના પૂરા થઇ ગયાનો અહેસાસ અનુભવવો હોય ત્યારે ત્યારે એ આ અગાશી જેવી બાલ્કનીમાં ટહેલવા વહેલી સવારે પહોંચી જતા,.. 

 

ગોરલબા નું આવી રીતે સવાર સવારમાં એમની બાલ્કનીમાં ટહેલવું એટલે એ એમનો પોતાની સાથેનો પોતાનો સમય એવું સૌ જાણતા હતા.. એમના આ સમયમાં એમને ડિસ્ટર્બ કરવાની વિક્રમસિંહ, પૃથ્વી અને હવે પૂનમ સિવાય ભાગ્યેજ કોઈ હિમ્મત કરતુ..

  

મરુંન કલરની શૉલ ને પોતાની આસપાસ વીંટાળીને સવાર સવાર માં એ મોરના ટહુકા સાંભળી રહયા હતા..  પોતાના મોંને થોડું ઉપર ઉઠાવી એ હરિયાળી થી ભરપૂર એવી તાજી હવા પોતાની અંદર ભરી રહયા હતા.. એમનું મન જાણે શાંતિનો અનુભવ કરતુ હતું.. પૃથ્વી એ એના લગ્ન વખતે પૂનમને આપેલું વચન એમને આજે સાચું થયેલું જોવા મળ્યું હતું.. ભાઈ માટે આઠ વર્ષથી તરસતી પૂનમ ની તૃપ્ત આંખો જોઈને એમને આજે હદપાર સંતોષ થઇ રહ્યો હતો.. પોતાના દીકરા માટે આજે એમને હજાર ઘણું માન થઇ રહ્યું હતું..  

 

પૂનમ માટેનો એમના દીકરાનો મોહ જોઈને એમને એક અજીબ સંતુષ્ટિ નો અહેસાસ થતો હતો.. આવું જ તો એમણે પોતાના જીવનમાં ઝંખ્યું હતું..

 

પોતે જ નહિ, દરેક સ્ત્રી આટલા પ્રેમ, આટલા સન્માન અને આટલી ખુશી ની હકદાર તો હોવી જ જોઈએ એવું એ હંમેશા માનતા હતા.. અને એટલે જ એમણે હીરાપુર ને પોતાના સપનાનું ગામ બનાવવાનું કામ હાથમાં લીધું હતું.. 

 

ગામના સરપંચની વિક્રમસિંહને કરાયેલી પહેલી ફરિયાદના એ દિવસ ની યાદ આવતા આજે પણ એમનું રોમ રોમ ગરમ થઇ જતું હતું.. એ દિવસે પહેલી વાર કોઈએ ઠાકૂર પરિવારની ફરિયાદ કરી હતી. આમતો આટલી હિમ્મત કોઈની હોતી જ નહિ, પરંતુ ગોરલબા એ પણ સમજતા હતા કે ગામવાળાનો ગુસ્સો બેવજહ નહોતો.  

 

ખોટી વાત ને ક્યારેય સહન નહિ કરતા ગોરલબા ની પ્રતિષ્ઠા નો સવાલ તો હતો જ,.. પરંતુ ગિરિજા ઠાકુર ની હરકતો ને લીધે આખા ગામના પોતાના ઉપરથી હલી ગયેલા વિશ્વાસનો સવાલ પણ હતો..  

 

વર્ષો પહેલા વિક્રમસિંહ દરબારે આ જ તો કહ્યું હતું, એમને શબ્દ સહ યાદ આવી ગયું,.. 

"બા, એક પ્રાર્થના હતી,.."

 

"શું દરબાર ?"

 

"તમારા પરિવાર ની સુરક્ષા ની જવાબદારીમાંથી મને મુક્ત કરો.." 

 

"અને એનું શું કારણ ? તમને શસ્ત્રો પૂરતા પ્રમાણમાં મળતા નથી ? કે પછી તમારા માણસો નું ધ્યાન રાખવામાં અમારાથી કોઈ કચાશ રહી જાય છે ? ?? ..  કારણ કે તમે વૃદ્ધ થઇ ગયા હોવ અને નિવૃત થવા ઇચ્છતા હોવ એવા તો કોઈ આસાર અમને જણાતા નથી.. " ગોરલબાએ સ્મિત સાથે કહ્યું હતું,.. 

 

"દરબારને લાજે એવા કામ કરવાની મારી કોઈ તૈયારી નથી બા."

 

"દરબારને લાજે એવા એટલે એટલે કેવા કામ ? અને કોણ કરાવે છે તમને એવા કામ ?"

 

"ઠાકુરની અને એમના પરિવાર ની રક્ષા ની સોગંધ ખાધી છે અમે પિતાજી સમક્ષ. પરંતુ ઠાકુરની એક પણ હરકત એવી નથી કે એમની સુરક્ષા કરવાનું મન થાય."

 

થોડું અટકી ને વિક્રમ સિંહે ફરીથી કહ્યું, "હવેલી નું સંચાલન કરનારા હાથ મેલા થઇ રહ્યા છે બા, યોગ્ય હાથ ની જરુર છે આજસુધી એમની અયોગ્ય હરકતો હોવા છતાં સૌ તમારા માનને ખાતર કાંઈ કહેતા નહોતા,.. પણ એમણે એ વાતનો પોતાના દબદબા ને ખોટી રીતે વધારવા માટે ગેર ઉપયોગ કર્યો છે. ગામના સરપંચ તરફથી આજે મને પહેલીવાર ફરમાન મળ્યું છે - કે  - બાપૂની હરકતો ને લઈને હવેલીમાંથી કોઈ એક તટસ્થ વ્યક્તિ પંચાયત માં આવે." 

 

"હંમમ,.. " ઊંડા વિચારમાં ગોરલબાથી આટલુંજ કહી શકાયું હતું એ દિવસે.. 

 

"આજે પંચાયતમાં તો હું અડીખમ ઉભો રહી જઈશ આ હવેલી માટે, પરંતુ હવેલી તરફથી પંચ સામે હું કોઈ પણ વાત મુકું, તો એ વાતને માન્ય રાખવાની ખાતરી ની અપેક્ષા પણ હવેલી પાસેથી રાખું છું" 

 

"ભરોસો રાખજો દરબાર, અગર પંચાયત ઠાકુરની કોઈ પણ ફરિયાદ કરશે તો હું હવેલીનું સંચાલન મારે હાથ લઇ લઈશ. બસ તમે આ હવેલી ની સુરક્ષાનો ભાર નહિ છોડતા,.. પિતાજીની સામે તમે વચન થી બંધાયા હતા, એ નહિ ભૂલતા,.. બાકી ઠાકૂર ની કોઈ પણ અયોગ્ય હરકતોનો જવાબ હું એમને આપીશ… મારી વાતનો તમે પિતાજી જેટલો જ વિશ્વાસ રાખજો..." 

 

~~~~~

 

ગઈકાલ ની રાત્રે ગોરલબાની આભારવશ આંખો જોઈને વિક્રમસિંહ ને આખી રાત ઊંઘ આવી જ નહોતી. ગોરલબા ની આંખોમાં નીરવ શાંતિ હોવા છતાં કશુંક ખૂંચતું હોય એવું માત્ર વિક્રમસિંહ જોઈ શકતા હતા...  ગઈ રાત્રે હવેલી માંથી નીકળતાંજ એમણે નક્કી કર્યું હતું કે વહેલી સવારે એ આ બાબતે બા સાથે વાત કરશે,.. 

 

એ જ દિવસો ને વિચારી રહેલા વિક્રમસિંહ દરબાર પણ પોતાના ઘરમાં ગોરલબાની કહેલી એક એક વાત ને યાદ કરી રહયા હતા,.. 

 

"ભરોસો રાખજો દરબાર, અગર પંચાયત ઠાકુરની કોઈ પણ ફરિયાદ કરશે તો હું હવેલીનું સંચાલન મારે હાથ લઇ લઈશ. બસ તમે આ હવેલી ની સુરક્ષાનો ભાર નહિ છોડતા,.. પિતાજીની સામે તમે વચન થી બંધાયા હતા, એ નહિ ભૂલતા,.. બાકી ઠાકૂર ની કોઈ પણ અયોગ્ય હરકતોનો જવાબ હું એમને આપીશ... મારી વાતનો તમે પિતાજી જેટલો જ વિશ્વાસ રાખજો..." 

 

ગોરલબાના એ વચન ને ભરોસે એમણે પંચાયત ને એ વિશ્વાસ અપાવ્યો હતો કે બા કોઈ રસ્તો કાઢશે... અને બીજે દિવસે ખુલ્લી જીપ લઈને શહેર જતા સસ્તામાં જ દરબાર વિક્રમસિંહે બાને ઠાકુરની હકીકત જણાવી દીધી હતી.. પંચ ની ફરિયાદ અને ઠાકુરની હરકતોનો ચિઠ્ઠો ખોલતા જ ગોરલબા એ મનમાં જ નક્કી કરી લીધું હતું. કે હવે સમય આવી ગયો છે ઠાકુરનુ કંઈક કરવું જ પડશે..  

 

એટલુંજ નહિ, એ સિવાય ઠાકૂરની આ ફરિયાદ જ હતી જેને લીધે વિક્રમસિંહે વિના વાંકે આખા ગામ સામે પોતાનું સિર ઝુકાવીને વાત કરવી પડી હતી.. જે ગોરલબા જાણતા હતા.. અને એ જ કારણ હતું જેને લીધે એમણે ઠાકુરના દુર્વ્યવહાર ને લીધે બનેલી હવેલીની છબી બદલવા મજબુર થવું પડ્યું હતું.. 

 

પોતાના આંગણામાં જ બહાર પડેલા ખાટલા ઉપર જ વિક્રમસિંહે હળવેથી લંબાવ્યું. પાઘડીને બાજુમાં મૂકતા, એક હાથ પોતાની છાતી ઉપર અને બીજો હાથ થોડો વાળીને પોતાના માથા નીચે મૂકીને મનોમન નક્કી કર્યું, - "આવતી કાલે સૌથી પહેલા વહેલી સવારે હવેલીએ પહોંચી જઈશ,.. "  

 

~~~~~~~~

 

 

જિંદગીના અનેક દ્રશ્ય ગોરલબા ની નજર સામે જાણે વારે વારે આજે ફરીથી ભજવાઈ રહયા હતા.. 

વિક્રમસિંહે કહેલી સરપંચની અને ગામના લોકોની વાતો હથોડાની જેમ એમના કાનમાં પડી રહી હતી.. 

 

"દરબાર, ઠાકુર નો ત્રાસ વધી રહ્યો છે ગામમાં." સરપંચે વિક્રમસિંહ સામે જોઈને  કહ્યું હતું. 

 

"હવે તો બહેન દીકરી એકલી ફરી પણ શકતી નથી,.. અંધારામાં ડાકુઓના ડર કરતા વધારે એમને ઠાકુરનો ડર લાગે છે,.. "  એક બીજા વૃદ્ધે સરપંચની વાતને સમર્થન આપતા કહ્યું હતું..   

 

"હું જાણું છું સરપંચ, .. વિશ્વાસ રાખો બા જરૂર કોઈ રસ્તો કાઢશે,... ઠાકુરની ની વાત મેં ગોરલબાને કાને નાખી દીધી છે,.. " વિક્રમસિંહે સાંત્વન આપ્યું હતું..  

         

"દરબાર વિક્રમસિંહ, .... કાલે રાત્રે ઠાકુરે રાગિણીના નગ્ન ફોટા લીધા છે, વિદેશી કૅમેરાથી, હવે તો ઠાકુર આટલી હદ ઉપર ઉતરી ગયા છે,.. ??  જો રાગીણીના ભાઈને ખબર પડી તો શું થઇ શકે એ જાણો છો તમે,..  ડાકુ છે એ એક નંબરનો,.. " બીજા એક માણસે વિક્રમસિંહને કહ્યું હતું.. 

 

"હું ચોક્કસ કશુંક કરીશ,... ગામની આબરૂની સલામતી ની ખાતરી આપું છું,.. ઠાકુર ઉપર નહિ પણ મારી ઉપર ભરોસો કરો સરપંચ,.. હું રસ્તો કાઢું છું,... " વિક્રમ સિંહે હાથ જોડતા કહ્યું હતું,.. 

 

બસ, આ જ વાત ગોરલબાને અઘરી લાગી ગઈ હતી કે વારે વારે ઠાકૂર ના કૂકર્મો માટે વિક્રમસિંહે વિના વાંકે નમ્ર થઈને ગામના લોકો સાથે વાત કરવી પડી રહી હતી..  

 

એટલું જ નહિ, 

"દરબાર,.. એક  સ્ત્રી જાત,..  શું કરી શકશે એ ઠાકુર સામે,.. ?  ગામ આખું જાણે છે કે હવેલીમાં બાની હાજરી ની પણ અવગણના થવા લાગી છે હવે તો,.. ઠાકૂર રોજ નવી નવી સ્ત્રીઓને શહેરથી બોલાવે છે,.. હવેલીમાં બાની સામે બધું થઇ રહ્યું છે, ગોરલબાને રસ્તો કાઢવો જ હોત તો અત્યાર સુધી કેમ ના કાઢ્યો,.. જે સ્ત્રીનું પોતાનું જ ઘર સળગ્યું છે એ ગામ શું ઠરવાના ?,..  " - બેઠકમાંથી કોઈએ ઉભા થઈને વિક્રમસિંહને આ વાત કહી હતી 

 

વિક્રમસિંહે સાંભળેલી આવી વાતોની જાણ થતાં જ ગોરલબાએ મનોમન નક્કી કરી લીધું હતું કે એ એમના સપનાનું હીરાપુર બનાવીને રહેશે અને એક સ્ત્રી જાત પોતાની બુદ્ધિથી અને કોઈ પણ અડચણો આવે તોયે એ ઘણું બધું કરી શકે છે એનું એ જીવન્ત ઉદાહરણ બનશે..

 

ગિરજાઠાકુરના પિતાએ ગોરલબાને પહેલીવાર જોયા ત્યારે એમની અંદર આ જ વાત જોઈ હતી.. અને એ જોઈને જ એમણે ગિરિજા ઠાકુર નો સબંધ ગોરલબા સાથે નક્કી કરાવ્યો હતો..  

 

 

~~~~~~~~

 

 

સવાર સવારમાં અગાશી ઉપર મોરના ટહુકાની સાથે સાથે ગોરલબાને આજે પિતાજીની હદ પાર યાદ આવતી હતી,..  અગાશીમાંથી બહાર નીચે વરંડામાં એમણે નજર કરી..  પિતાજીની સાથે મળીને ઉગાડેલા આંબાના ઝાડને જાણે પિતાજીની હાજરી આજે પણ મોજૂદ હોય એમ એ અનિમેષ જોઈ રહ્યા હતા,.. 

 

પિતાજીના એક એક વાક્યો એમના કાન માં ગુંજી રહયા હતા,.. 

"ગોરલ વહુ, .. ગિરિજા ને સંભાળી શકે એવી તાકાત માત્ર તમારામાં છે.. આજ સુધી પરંપરામાં ચાલી આવેલી આબરૂ ને નિલામ કરનાર કુપાત્ર દીકરા સાથે તમને પરણાવીને મેં તમારું જીવતર પણ બગાડી નાખ્યું છે,.. માફ કરજો દીકરા.. "

 

બધી જ જૂની વાતો ગોરલબાને રહી રહીને યાદ આવતી હતી.. પોતાના પરિવાર ની એક ની એક સંતાન હોવા છતાં સિપાહીની જેમ ઉછરેલા ગોરલબા એટલું તો જાણતા જ હતા કે જે કિસ્મત માં લખાયેલું હોય એને કોઈ ભૂંસી શકતું નથી.. 

 

જયારે ગિરિજા ઠાકુરના પિતાને ગિરિજા ઠાકુર ઉપરથી સંપૂર્ણ ભરોસો ઉઠી ગયો, ત્યારે એમણે વિક્રમસિંહ દરબારને જે વર્ષોથી ગોરલબાના પિયરની સુરક્ષા સંભાળતા હતા એમને અહીં બોલાવીને ઠાકુર પરિવારની સુરક્ષા ની જવાબદારી સોંપી હતી.. 

 

ગોરલબા એ વાત ક્યારેય ભૂલી શક્યા નહોતા કે વિક્રમસિંહ દરબારે એમનું જીવન ગોરલબાના આ બન્ને પરિવારને સમર્પિત કર્યું હતું..  

 

ગોરલબાની સહી ગલત સારી ખોટી કોઈ પણ આજ્ઞા વિક્રમસિંહ દરબારે એક પણ સવાલ કર્યા વિના આજ સુધી માથે ચઢાવી હતી.. કારણ કે એમને ગોરલબા ઉપર અપાર શ્રદ્ધા હતી કે આ સ્ત્રી કઈ પણ ફેંસલો કરશે એમાં કોઈનું અહિત ક્યારેય નહિ હોય.. કદાચ એટલે જ વિક્રમસિંહ દરબાર ને ગોરલબાની પ્રવૃત્તિઓને ઝીણવટ થી સમજવાની આદત પડી ગઈ હતી. અને એટલે જ ગોરલબાની આભારવશ આંખોમાં આગલી રાત્રે કશુંક ખૂંચતું હોય એવું માત્ર વિક્રમસિંહ દરબાર જ જોઈ શક્યા હતા..    

 

~~~~~~~

 

 

છેલ્લા કેટલાયે સમયથી ચાલી રહેલી ધમાલ પછી આજની સવારે ગોરલબાને માંડ શાંતિનો શ્વાસ નસીબ થયો હતો, એવું જાણતા હોવા છતાં વિક્રમસિંહ એમને મળવા ઇચ્છતા હતા.. 

 

વહેલી સવારે જયારે હવેલીમાં પોતાના ઓરડાની છત ઉપર એક બેઠકમાં આંબાના ઝાડને નિહાળતા અને મોરના ટહુકા સાંભળતા ગોરલબા ચૂપચાપ બેઠા હતા, બરાબર તે જ વખતે વિક્રમસિંહે એમના રૂમની ફ્રેન્ચ વિન્ડો ને ખસેડીને એ અગાશીમાં પ્રવેશ કર્યો,.. 

 

"દરબાર તમે ?" ગોરલબાએ સ્વસ્થ થતા આવકાર આપ્યો 

 

અગાશી માં આવીને થોડું ઝૂકીને એમનું સન્માન કર્યા પછી દરબાર વિક્રમસિંહ એમની સામે પોતાના બન્ને હાથ પીઠ પાછળ બાંધીને અદબથી ઉભા રહી ગયા,.. એ જાણતા હતા કે ગોરલબાની અંદર ભરાયેલો ભાર બહાર નીકળવો જરૂરી હતો.. એટલે એમણે કશુંક કહેવાનો પ્રયત્ન કરતા હોય એમ પોતાનો બાંધેલો એક હાથ આગળ લાવ્યા.

 

બીજી બાજુ, બરાબર એ જ સમયે ગોરલ બા પણ જાણે કંઈક કહેવાનો પ્રયત્ન કરતા હોય એમ પોતાના બન્ને હાથને ભેગા કરીને વાળેલી અદબ છોડતા જાણે કશુંક કહેવા જતા હોય એમ પોતાનો એક હાથ આગળ લાવ્યા,.. 

  

અને ત્રીજી બાજુ, બરાબર એ જ સમયે, ગોરલબાને મળવા એમના ઓરડામાં થઈને છત ઉપર જતા પૃથ્વીએ પણ વિન્ડો પાસેથી એ બન્ને ઉપર નજર કરી,.. 

 

 

વિક્રમસિંહને ગોરલબા સાથે વાત કરતા જોઈને પૃથ્વી ત્યાંજ થંભી ગયો,.. કદાચ કોઈ મહત્વની વાત ચાલી રહી હશે અત્યારે, એમની વાતમાં વિઘ્ન નથી પાડવું એમ વિચારીને એ પાછો ફરી રહ્યો હતો, .. ત્યાંજ એને વિક્રમસિંહ નો અવાજ સંભળાયો,..   

 

"બા, હજીયે આટલા વિચારો આવે છે તમને,.. ? શું કામ આટલો ભાર હૈયે લઈને ફરો છો ?.." - વિક્રમસિંહ જયારે એકાંતમાં બાને મળે ત્યારે લેડીઝ ફર્સ્ટ નો આગ્રહ ક્યારેય ના રાખતા.. એમણે ગોરલબાને જે કહેવું હોય એ સ્પષ્ટ શબ્દોમાં ત્યારે જ કહી દેતા..

 

"એ જ હું તમને પુછુ છું દરબાર.. શું તમને એ વાત નો ભાર નથી ? આજ સુધી તમે પણ એ ભાર હૈયે લઈને જ ફરો છોને ?"  - ગોરલબાએ સામે સવાલ કર્યો.. 

 

આમતો જયારે પણ ગોરલબાને કોઈની પણ સાથે વાત કરતા જોઈને પૃથ્વી ક્યારેય ત્યાં રોકાતો જ નહિ પરંતુ,  એ બન્નેનો આ વાર્તાલાપ સાંભળ્યા પછી પૃથ્વીને મન થઇ આવ્યું એ જાણવા માટે કે શેનો ભાર હૈયે લઈને ફરે છે આ બન્ને  ?? 

 

પૃથ્વીને મનોમન થઇ આવ્યું, શું દરબારને આસ્થા ને ઉઠાવી જવાનું ગિલ્ટ હજી સુધી સતાવે છે ? આસ્થાને ઉઠાવી લાવવાનો હુકૂમ વિક્રમસિંહને આપ્યાનું ગિલ્ટ આજસુધી બા ને પણ એટલું જ છે ? કે પછી બીજી કોઈ સમસ્યા છે ? એવું શું છે જે એકબીજાને સમજાવવું પડે છે,.. 

 

આજ સુધી આખો ઠાકુર પરિવાર માત્ર અને માત્ર વિક્રમસિંહને લીધે અડીખમ ઉભો છે,.. આખું ગામ જાણે છે,.. હંમેશા દરેક વાતનો સમજદારી પૂર્વક નિવેડો લાવતા વિક્રમસિંહને કઈ વાત આટલી બોજારૂપ લગતી હતી ? પૃથ્વીને સમજાતું નહોતું..  અને ઠાકૂર ના હાથમાંથી આસ્થાને ઉપાડી લાવીને આમ જુઓ તો બા એ આસ્થાને બચાવી જ હતી તો ગિલ્ટ રાખવાની ક્યાં જરૂર છે ? પૃથ્વી વિચારી રહ્યો..  

 

"બા, તમને ક્યારેય એવું નહોતું લાગ્યું કે એ પાપ હતું ,... ?" 

પૃથ્વીને વિક્રમસિંહનો અવાજ સંભળાયો 

 

"વિક્રમ, જે મારી સાથે થતું રહ્યું હતું એ પાપ નહોતું ?"

પૃથ્વીને નવાઈ લાગી પોતાની માં ના મોંમાંથી વિક્રમસિંહ કે દરબાર ને બદલે વિક્રમ સાંભળીને,..   

 

વિક્રમસિંહથી કોઈ જવાબ આપી ના શકાયો,.. 

 

ગોરલબાએ આગળ કહ્યું,

"મારા માટે સાચું શું છે અને સારું શું છે એ વાત મારાથી વધારે કોણ જાણી શકે ? 

અને મને મારા માટે જે યોગ્ય લાગ્યું એ કરવા માટે મારે બીજાની બધાની સંમતિ લેવાની જરૂર છે ?"  

 

પૃથ્વીના પગ આગળ સાંભળવા ત્યાંજ થંભી ગયા,.. 

 

"રોજ રોજ મારા શરીરને એક રમકડાંની જેમ મારી મરજી વિરુદ્ધ ભોગવ્યા કર્યું હતું ઠાકૂરે,.. ક્યારેય મારી મરજીની પરવાહ કરી હતી એમણે ? એ પાપ નહોતું ?" 

પૃથ્વીની આંખોમાંથી મોટા મોટા આસું એના ગાલ ઉપર સરકી આવ્યા,..  

 

"મને જરાયે સારું લાગતું નહોતું ઠાકુરનું રોજ રોજ નવી નવી ઔરતો સાથે હોવું,.. એ પણ મારી જ પથારીમાં,.. શું એ પાપ નહોતા કરતા વિક્રમ ?" 

પૃથ્વીએ ગોરલબાનો અવાજ વધુ સ્પષ્ટતાથી સાંભળ્યો... એનું હૃદય મુઠ્ઠીમાં લઈને કોઈએ મસળી નાખ્યું હોય એમ દુખવા લાગ્યું.. 

 

ગોરલબા વિક્રમસિંહ સામે જોઈને આગળ બોલ્યા, - "પત્નિ હતી હું એમની, રખેલ નહિ,.. જે સ્ત્રીઓને એ લઈ આવતા હતા, એમને જોઈને મારે ચૂપચાપ બળતું રહેવાનું,.? અને મને બળતી જોઈને એ ખૂશ થયા કરે એ પાપ નહોતું ?"  -  પોતાના પિતાની એટલી સચ્ચાઈ તો પૃથ્વી જાણતો હતો કે એમનું ચારિત્ર્ય સારું નથી પરંતુ આ બધું એ ગોરલબા ને બાળવા અને જલાવવા કરતા હતા એની જાણ એને અત્યારે થઇ રહી હતી.. એને ગિરિજા ઠાકૂર પ્રત્યે ઘૃણા થઇ આવી.. આવું કોઈ શું કામ કરતુ હોય ? એને વિચાર આવી ગયો.

 

"વિક્રમ, એમના બાપૂજી ને એમના દીકરા કરતા મારી ઉપર વધારે ભરોસો હતો એ મારો ગુન્હો હતો ? અને એ વાત નો બદલો ઠાકૂર મારી પાસે સતત લીધા કરતા હતા એ પાપ નહોતું ? "  -  સાચા કારણ ની જાણ થતા પૃથ્વીનું માથું ભમી ગયું... પોતાની જિંદગી પૂનમ અને દેવી જેવી પોતાની મા ની સામે નજર ઉઠાવનાર ગિરિજા ઠાકુર ને એ ક્યારેય માફ નહિ કરે.. એણે મનમાં ને મનમાં નક્કી કર્યું.. 

 

"મારો દીકરો મોટો થતો હતો, એનામાં શું સંસ્કાર પડત એની પરવાહ ઠાકૂરે નહિ તમે કરી હતી વિક્રમ.." 

 

ગોરલબા હૈયાનો ભાર ઉતારતા હોય એમ બોલી રહયા હતા,.. અને પોતાના પરિવારની અમૂલ્ય સચ્ચાઈને પૃથ્વી હવે શાંતિથી સાંભળી રહ્યો હતો,.. 

 

"વિક્રમ, પાપ તો એ હતું જે ઠાકૂર કરતા હતા,.. " ઊંડો શ્વાસ લેતા ગોરલબાએ કહ્યું,.. 

 

 

થોડું અટકીને એમને  ગળા નીચે થુક ઉતારતા હળવેથી કહેવા માંડ્યું, - "રાગીણી અને પૂનમ જેવી કેટલીયે સ્ત્રીઓ હશે જે એમનો શિકાર બની હશે,.. પાપ એ હોત અગર હું ઠાકૂરને આ બધું કરતા રોકત નહિ વિક્રમ. જેનામાં સ્ત્રી જાત માટે જરાયે માન નથી એવા ઠાકૂર નો અંશ મારે કૂખે જણીને એક ઔર ઠાકુર પેદા કરું તો મેં ધરતી ઉપરનો બોજો જ વધાર્યો ગણાત .." 

 

પૃથ્વી સામે પોતાના પિતાની કડવી સચ્ચાઈ તો ક્યારની આવી ગઈ હતી,.. પરંતુ પોતાની માં એનો સૌથી મોટો ભોગ બની ચૂકી હતી એ વાતથી એ અજાણ હતો,.. આજે એ સ્તબ્ધ થઇ ગયો હતો. પોતાની માને આટ આટલું વીત્યું હતું એનો અહેસાસ એને થઇ રહ્યો હતો.. એનાથી મનમાં ને મનમાં જ બોલાઈ ગયું, - "હે ઈશ્વર, મારી માં ને શાંતિ આપ." 

 

બાના શબ્દો ફરીથી પૃથ્વીને કાને પાડવા લાગ્યા,.. 

 

"વિક્રમ,.. મરી ગયા પછી ઈશ્વર સામે પાપ અને પૂણ્ય નો હિસાબ કરતા હું ડરતી નથી... એ પણ કરી લઈશ,... પહેલા જીવી તો લઉં તારી સાથે,.. "

 

તમામ સચ્ચાઈ પૃથ્વીને પોતાની માના મોંએથી જ સંભળાઈ ગઈ 

થોડે અંતરે ઉભેલો વિક્રમસિંહ ગોરલબા ની નજીક ગયો,.. 

 

પોતાના લટકતા બન્ને પગની આસપાસ પોતાના જ બંને હાથ ને ટેકે બેઠેલા ગોરલબાએ પોતાના બન્ને હાથ નજીક આવેલા વિક્રમસિંહની કમરની આસપાસ  વીંટાળી દીધા,.. 

 

ગોરલબાની પીઠ પાછળ ક્યારના ઉભેલા પૃથ્વીની નજર અને વિક્રમસિંહની નજર એકબીજાને મળી રહી,..  વિક્રમસિંહ દરબાર કશુંયે બોલે એ પહેલા પૃથ્વીની આંખોમાંથી નીચે સરી પડેલા મોતી જેવા આંસૂઓ અને પૃથ્વીના જોડાયેલા બે હાથ જાણે વિક્રમસિંહ દરબાર નો નિઃશબ્દ સ્વીકાર કરી રહ્યા..   

 

થોડી વાર માટે ચોતરફ મૌન પથરાઈ ગયું અને ત્રણેય જાણે પોતપોતાની એ જ અવસ્થામાં સ્થિર થઇ રહયા... 

 

"વિક્રમ, મને માત્ર પૃથ્વીની ચિંતા થાય છે,.. એને આ સચ્ચાઈ ની જાણ થશે ત્યારે એ તૂટી ને વિખરાઈ જશે,.." - ગોરલબાએ પોતાની ચિંતા વ્યક્ત કરતા વીકમસિંહને કહ્યું 

 

અત્યારે માત્ર વિક્રમસિંહ દરબાર જ સમજતો હતો કે પૃથ્વી સચ્ચાઈ જાણી ચૂક્યો છે 

ગોરલબાને સચ્ચાઈ જણાવવા વિક્રમસિંહ એક પણ શબ્દ ઉચ્ચારે એ પહેલા પૃથ્વીએ નકારમાં ડોકું હલાવી ચૂપ રહેવા ઈશારો કર્યો,.. 

 

વિક્રમસિંહ  જોઈ શકતો હતો કે પોતાની માની એના દીકરા સામે ઝૂકેલી નજર પૃથ્વીને જરાયે મંજૂર નહોતી, એ જરાયે ઈચ્છતો નહોતો કે પોતાની સામે ખૂલેલી સચ્ચાઈ ની જાણ ગોરલબાને થાય,.. ,.. 

પૃથ્વીની સમજણ જોઈને વિક્રમસિંહને પોતાની પરવરિશ ઉપર ગર્વ થઇ આવ્યો,.. વિક્રમસિંહ ને લાગ્યું કે સંપૂર્ણ સત્ય જાણવાની પૃથ્વીની સમજણ અને ઉંમર બન્ને પૂખ્ત થઇ ગયા છે,.. એને થયું કે હક છે આખી સચ્ચાઈ જાણવાનો પૃથ્વીને,.. એટલે એણે ધીરેથી કહ્યું 

 

"બા, પૃથ્વીની પરવરીશ તમે મને સોંપી છે,.. મને વિશ્વાસ છે એની ઉપર,..  તમારું માન એની નજરમાં હંમેશા ઉપર જ ઉઠશે,..  મારુ લોહી અને તમારું દૂધ,.. એની રગરગ માં દોડે છે,.. એનામાં ઠાકૂર અને દરબાર બન્ને ખાનદાન ઉજાળવાની ક્ષમતા છે,.. તમે જાણો છો બા, તમારી રક્ષા અને મારા દીકરાનું ઘડતર, આ જ મારી જિંદગીનો એકમાત્ર મકસદ છે, અને જરૂર પડે તો મારા મોતનો મકસદ પણ એ જ હશે,.. તમે જરાયે ચિંતા નહિ કરતા પૃથ્વીની અને આ પરિવારની.. સૌ સૌ વિક્રમસિંહ ની ભારોભાર એક પૃથ્વીસિંહ ના બનવું તો હું દરબાર શેનો બા ?? "  

 

વિક્રમસિંહે કહ્યું તો હતું ગોરલબાને,.. પણ પોતાનું અને ગોરલબાનુ સત્ય પૃથ્વી સામે ગર્વથી સ્વીકાર્યું હતું,.. 

પૃથ્વીએ ભીની આંખોએ પોતાના બન્ને હાથ વિક્રમસિંહ સામે પુરા આદર સાથે જોડી દીધા,.. 

 

બાપ-દીકરાએ ગોરલબાને સાચવવાની જાણે એક સાથે સોગન્ધ લીધી,..

 

પૃથ્વી એ બન્નેને એમની કિંમતી અને અમૂલ્ય ક્ષણો સાથે ત્યાં જ એકલા છોડીને પોતાના ઓરડામાં આવી ગયો,..

 

દૂનિયાભર નો ભાર પોતાના શિરેથી ઉતરી ગયો હોય એમ એ પૂનમ ને વળગીને એક બાળકની જેમ ક્યાંય સુધી સૂઈ રહ્યો,..

પૂનમ એને પોતાની વાતોમાં ઊંડો ઉતારતી એના વાળ સાથે રમતી કઈ ને કઈ બોલ્યા કરતી હતી...  

 

પૂનમની વાતોને અધવચ્ચે કાપીને પૂનમના પેટ ઉપર હાથ મૂકીને એણે પૂનમને કહ્યું,

"દરબાર અને ઠાકૂર બન્નેનું નામ ઉજાળવાની ક્ષમતા હશે આપણા બાળકમાં,.." 

 

એના ગાલ ઉપર હાથ મૂકતાં એ બોલી,

"કેમ નહિ,.. ? સૌ સૌ પૃથ્વીસિંહ ની ભારોભાર હશે મારુ સંતાન.. " 

 

પૂનમ અને પૃથ્વી ભીની આંખે એકબીજાને જોઈ રહ્યા,.. 

 

~~~~~~~~ 

 

જે સ્ત્રીએ  એક અથવા બીજી રીતે હંમેશા પોતાના સિવાય દરેકને મહત્વ આપ્યું હતું એ ગોરલબાની ભાવનાને જાણે વિક્રમસિંહના ખભાનો વિસામો કાયમ માટે મળી ગયો હતો,.. 

 

~~~~~~~

~~~~~~~

 

 

વિશાલની બાહોમાં પોતાની મા રાગીણી અને વિશાલની માં વસુમાંને યાદ કરતી આસ્થાને લાગ્યું કે આઠ વર્ષ પછી એના પ્રેમ ને કાયમ માટે વિસામો મળી ગયો,..  

 

~~~~~~~

~~~~~~~

 

 

પૂનમના વિશાલ ભાઈને,  બેદાગ ગામમાં પાછા લઇ આવવાના, સુહાગરાતે, પૃથ્વીએ આપેલા વચન ને, સાચું કરી બતાવનાર, પોતાના પતિ દ્વારા, એની ચિંતાને કાયમ માટે વિસામો મળી ગયો,..  

 

~~~~~~~

~~~~~~~

 

ગોરલબાનો પડછાયો થઈને રહેનાર વિક્રમસિંહે પોતાના ખભે પૃથ્વીનો બધો જ ભાર લઇને પૃથ્વીના પિતા તરીકેના એના મૌન સ્વીકારથી આજ સુધી ભરાઈ રહેલા પોતાના ગિલ્ટને 

જાણે કાયમ માટે વિસામો મળી ગયો,..  

 

~~~~~~~

~~~~~~~

 

ઇમાનદારીનો રોટલો રળીને ને આસ્થાની સાથે રહેવાનું પોતાનું સપનું સાકાર થતું જોઈને વિશાલને સુનામી ભર્યા જીવનમાંથી બહાર નીકળી પોતાના જ આંગણામાં કાયમ માટે વિસામો મળી ગયો,..   

 

~~~~~~~

~~~~~~~

 


હવેલી નું સંચાલન અને સુરક્ષા યોગ્ય હાથમાં જોઈને દાદાજીની આબરૂ પરંપરાગત વધશે એ વાતના સંતોષ સાથે પૃથ્વીને પણ  કાયમ માટે વિસામો મળી ગયો,..   

 

~~~~~~~

~~~~~~~