Tribhuvan Gand - 2 books and stories free download online pdf in Gujarati

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 2

જગદેવ પરમારની વાતે લીધેલું સ્વરૂપ

પરમાર જગદેવને આંહીં જોઇને પરશુરામને ગભરાટ ને આશ્ચર્ય બંને થયાં. જગદેવ આંહીં હતો. એ એને ખબર હતી. ભગવાન સોમનાથના દ્વારે એણે કોઈ ઉપાસના માંડી હતી, એ વાતની પણ એને જાણ હતી. પરંતુ મહાચાણક્ય મુંજાલ મહેતાએ જગદેવ પરમાર વિશે કેટલીક વિચિત્ર વાતો હમણાં-હમણાં મેળવી હતી. જયસિંહદેવ મહારાજના અંતરમાં એની રાજભકિત વિશે કંઈક શંકા ઉત્પન્ન થાય ને જગદેવ વિદાય થાય એવી પેરવી પણ તેમણે માંડી હતી. જગદેવ પરમારથી આ વાત અજાણી ન જ હોય. પરશુરામને પોતાને હાથે ચડેલી અમૂલ્ય સંપત્તિ ઝૂંટવાતી લાગી. પરમાર જગદેવ એકલો પાંચસો યોદ્ધા સામે લડવાનું સામર્થ્ય રાખે છે. – એ વાત એણે સાંભળી હતી. અને એ જ પરમાર આંહીં અત્યારે કેવું વલણ લે એ નક્કી ન કહેવાય તેવું હતું. એણે આ સ્ત્રીને જૂનાગઢના કિલ્લામાંથી બહાર આવતી દીઠી હતી. એ કયે રસ્તે બહાર આવી એ એક મોટો કોયડો હતો. એ રસ્તાની જરા જેટલી માહિતી જો એને મળી જાય તો એનો બેડો પાર પડી જાય તેમ હતું. જૂનાગઢના કિલ્લાની અણનમ ગિરિમાળામાં કેટલાં સાધન ભર્યાં હતાં એની કાંઇજ માહિતી ન હતી. એક વખત ગિરિમાળાના કોટકિલ્લાના કાંગરે-કાંગરે જૂથનાં જૂથ નજરે ચડે, તો બીજી વખત જાણે સૈન્ય જ ન હોય તેમ લાગે! ખેંગાર તો હજી ખડક જેવો અટંકી હતો. દિવસે-દિવસે જાણે યુદ્ધની નવીનવી ભૂમિકા રચતી હતી. ખેંગારના માણસોની અચળ ભક્તિના નવાનવા રણરંગ જોઇને પટ્ટણીઓ છક્ક થઇ ગયા હતા. હજી એમાંથી એક અદનામાં અદનો આદમી પણ ડગ્યો ન હતો; કોઈ ફર્યો ન હતો; કોઈ થાક્યો ન હતો; કોઈ નિરુત્સાહી જણાયો ન હતો. આમ ને આમ તો મહારાજ સિદ્ધરાજ સો વરસ કાઢી નાંખે તો પણ ગિરનારી દુર્ગની એક કાંકરી પણ ખરે તેમ ન હતી. મુંજાલ મહેતાને બળ સાથે કળની મેળવણી અનિવાર્ય લાગી. એવામાં પરશુરામને આ સ્ત્રીની જરા જેટલી ગંધ મળી ગઈ. એણે એનો પીછો છેક જૂનાગઢથી પકડ્યો, પણ પેલી જંગલની કેડીએ કેદીની અદ્બુત રીતે માહિતગાર લાગી. તેણે લીધેલો માર્ગ એવો અટપટો, જંગલ વીંધી જનારો, છૂપો અને છાનો નીકળ્યો, કે પરશુરામને એનાં ફરીને દર્શન છેક સોમનાથના દ્વાર પાસે જ થયાં.

એટલે પરમારની અત્યારની હાજરી એને નાચકણામાં કુદકણાં જેવી લાગી. એણે સાંભળ્યું હતું એ સાચું હોય તો થોડા દિવસ પછી આવનારા ખગ્રાસી ચંદ્રગ્રહણના સ્નાન પછી જગદેવ પરમાર પોતે, સોરઠી સેનાનો એક પ્રબળ હલ્લો, ગિરીદુર્ગના અચળ ખડકોને નમાવવા માટે લઇ જનાર હતો... એક રીતે પરશુરામ અને બીજા તમામ રાજકર્મચારીઓની એમાં ગૌરવહાનિ હતી. એટલે એક બળવાન પ્રતિસ્પર્ધીને જોતાંજ થાય એવો ક્ષોભ પરશુરામને થયો. પરમારના અત્યારના વલણની તો એને ખાતરી જ હતી – છતાં એણે આંધળિયાં કર્યા. ‘જગદેવજી! સારું થયું લ્યો, કે તમે પોતે વખતસર આવી ચડ્યાં. આંહીં મઠપતિજી સાથે એક વાતની કડાકૂડ જાગી છે: એક કોઈ નારી આંહીં આ તરફ ભાગી આવી છે... અમારી નજરચોકી ચૂકવીને.’

‘કોણ છે?’ પરમારે પૂછ્યું.

‘કોણ છે – એ કોણ જાણે છે? પણ તેની પાસે કાં આપણી કાં બીજા કોઈકની અમૂલ્ય માહિતી છે. મહાઅમાત્યજીની આજ્ઞા છે. એને લઇ જવાની ને આંહીં મઠપતિજીને એમાં શ્રદ્ધા બેસતી નથી. કામ ઉતાવળનું છે. સવારે તો મારે ત્યાં પહોંચવું જ જોઈએ... મહારાજને મળવું જોઈએ... ને રાત તો ચાલવા માંડી છે...’

‘પણ એ છે કોણ?’

‘એની તો જેટલી તમને એટલી જ મને ખબર છે!’ જગદેવે રાશિજી સામે જોયું. કૈલાસ એનો ભાવ સમજી ગયો: ‘મૈયા! તુમ કિધર સે આતી હો – તેરા નામ? કુછ પતા દે સકતી હો?’

અત્યાર સુધી અસ્વસ્થ અને વ્યગ્ર જણાવતી પેલી સ્ત્રીએ પોતાની જાતને તદ્દન છુપાવી દેવાં માટે જરાક ગાઢ અંધારાનો વધુ પડતો આધાર લીધો. પરશુરામની અધીરીને વધારી મૂકવા માટે આટલી હિલચાલ તો બસ હતી. એની કલ્પનાની આંખે આ નારી પાસેથી અસાધારણ ઉપયોગી માહિતી મળતી દીઠી – એવી અસાધારણ કે તેને આધારે તો આવતી કાલે સવારે જ ગિરનારી ખડકના વિજયી સેનાપતિ તરીકેનો મંગલ અભિષેક એને પોતાની પાસે આવતો લાગ્યો. પણ પેલી સ્ત્રીએ જાતને સંકેલી લીધી ને પછી તો પ્રત્યુત્તર પણ આવ્યો નહિ. પરશુરામ અધીરાઈથી પ્રતીક્ષા કરતો રહ્યો.

‘મૈયા?’ રાશિજીએ ફરીને કહ્યું.

‘મહારાજજી! હું તો સોમનાથને દ્વારે આવી છું.’ અત્યાર સુધી અસ્વસ્થ જણાતી પેલી સ્ત્રીએ જવાબ વાળ્યો. એના જવાબમાં વીરત્વનો રણકો હતો. ‘મારું કોઈ નામ નથી. મારે કોઈ ખાસ કામ પણ નથી. ભગવાનનું દ્વાર બંધ હોય તો એમ જણાવી દો. હજી તો સોમનાથી દરિયાના અગાધ જળ અમને બાઈ માણસને સાચવી જાણે છે!’

‘ઇશાન!’ રાશિએ સાંભળતાં જ જાણે નિશ્ચય કરી દીધો લાગ્યો: ‘મૈયા કે લિયે ભોજન કા, સોને કા, રહને કા, બંદોબસ્ત કર દો, આંહીં જે કોઈ આવે, શરણે – એનું નામ જાણવાનો ભગવાન મહારુદ્ર સિવાય બીજા કોઈને અધિકાર નથી. જગદેવજી! એનું નામ સોમનાથ પુત્રી – અને બીજું જોતું હોય તો કૈલાસરાશિની મૈયા. ચાલો મૈયા!’ કૈલાસ બોલ્યો અને મંદિરમાં જવા માટે આગળ વધ્યો.

‘અરે...! પણ રાશિજી!... તમે કોનું અપમાન કરો છો... એ તમને ખબર છે? પરિણામ જાણો છો?’

‘પરિણામ કહેનેવાળા તુમ કોણ? પરિણામ તો યેહી જાણતી હૈ...’ રાશિએ ધ્વજ તરફ અંગુલીનિર્દેશ કર્યો: ‘ઇશાન! મૈયા કે લિયે સબ કુછ બંદોબસ્ત કર દો!’ મઠપતિએ પગથિયાં પર પગ મુક્યો. ઇશાન ને જાત સંતાડતી પેલી નારી બંને તેની પાછળ-પાછળ જવા માટે આગળ વધ્યાં.

પરશુરામને એક ક્ષણ તો શું કરવી એની ખબર પડી નહીં. આવો પ્રસંગ એના માટે પહેલો જ હતો. એણે મહારાજ જયસિંહદેવને પણ સોમનાથ વિશે ભક્તિભાવથી બોલતા સાંભળ્યા હતાં. એના મઠપતિને પોતે અત્યારે બળજબરીથી રોકી દે એ બરાબર કહેવાય કે નહિ એનો તાત્કાલિક કાંઈ પણ નિશ્ચય એ કરી શક્યો નહીં. એના મનમાં ગડભાંગ થઇ રહી. જગદેવને એણે આ સ્થિતિમાં આનંદ લેતો કલ્પ્યો.

‘પરમાર, આનું પરિણામ સારું નથી, હોં...! એણે જગદેવને કહ્યું.

‘પણ હું શું કરું ભૈ... હું તો અત્યારે – અર્જુન વિશાદમાં હતો એવો છું – શસ્ત્ર પણ લઇ શકતો નહીં ને આ કોઈ એવો મહાન ધર્મસંકટનો પ્રસંગ પણ નથી....’

‘આ કોઈ પ્રસંગ નથી? મહારાજની આજ્ઞાનું આમ અપમાન થાય તે પ્રસંગ નથી? તમારો પ્રસંગનો ખ્યાલ કાંઇક વિચિત્ર લાગે છે. મહારાજની આજ્ઞા...’

‘તમે મઠાધિપતિને આજ્ઞાપત્ર બતાવોને. હું તો આ બહુ અમસ્તો ફરતો જ આવી ચડ્યો... ક્યાં છે આજ્ઞાપત્ર? મઠપતિજીને બતાવો! બાકી સોમનાથ ભગવાનનું મંદિર તો ભારતવર્ષનું છે, એકલા ગુજરાતનું નથી. એની છત્રછાયામાંથી માણસ જેવું માણસ ઝૂંટવાય એ તો – ન ભૂતો ન ભવિષ્યતિની વાત થઇ. તમે એમ કરો – આજ્ઞાપત્ર બતાવી દો. એટલે તમારું કામ પૂરું થયું!’

પરશુરામ પાસે આજ્ઞાપત્ર તો ન હતો. એ તો એક અનુમાન ઉપર કોઈને પણ કહ્યા વિના, આની પાછળ દોડ્યો હતો. પણ એના મનમાં એને સોએ સો ટકા ખાતરી હતી કે નારીની પાસે કાં જૂનાગઢના કિલ્લાની રજેરજ હકીકત છે અથવાતો પાટણની રજેરજ માહિતી છે, કાં એ માલવા જાય છે, અથવા તો લાટ જવાની છે. એક બહુ અગત્યનું કામ કર્યાનો એનો યશ ઝૂંટવાઈ જતો હતો. એનું કામ અત્યારે તો માર્યું ગયું. તે ચિડાઈ ગયો” ‘જુઓ જગદેવજી! સવારે મહાઅમાત્યને હું આંહીં આવ્યા બતાવું!’

એટલામાં તો ઉપર જઈ પહોંચેલા રાશિએ કાંઈ ન હોય તેમ દ્વારપાલોને આજ્ઞા કરી: ‘દ્વારને ભોગલ લગાવી દો!’

પરશુરામે એક તીક્ષ્ણ ધાર જેવી દ્રષ્ટિ રાશિ પર ફેંકી. તેણે જગદેવને પણ ત્યાંથી ચાલ્યો જતો જોયો: ‘મારો બેટો આ જગદેવ - !’ પરશુરામ મનમાં ઘા ખાઈ ગયો. ‘મહાઅમાત્યજી એને બરાબર કળી ગયા છે. પણ મહારાજને હજી એની રાજભક્તિમાં અડગ શ્રદ્ધા છે – અત્યારે આંહીં બતાવી તેવી રાજભક્તિ! અને સતનું પૂંછડું – મારે હમણાં આ ઉપાસના છે! આને એક વખત સીધો કરવો પડશે – મારો બેટો – પરદેશી – આંહીં મહારાજ પાસે પેસી ગયો છે. ઠીક છે – એને પણ માપી લેશું – ને આ બાવોજી – તે વધુ કાંઈ પણ કર્યા વિના અત્યારે તો મનમાં ધૂંવાપૂંવા થતો પોતાનો ઘોડો સંભાળવા ચાલ્યો ગયો.