Tribhuvan Gand - 10 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 10

Featured Books
Categories
Share

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 10

૧૦

ત્રિભુવનપાલ ઝાંખો પડે છે

સોનેરી ઘંટડીઓનો આકાશમાંથી આવી રહેલો રણકાર કાને પડતાં એક ઘડીભર તો સૌ સ્તબ્ધ જ થઇ ગયા. કોઈને કાંઈ સમજ પડી નહિ. આ શું છે – ને અટકળ પણ થઇ શકી નહિ. ‘આ અવાજ શાનો? શું આવા ભયંકર કળજુગમાં પણ દેવલોકમાંથી કોઈ આંહીં આવી ચડ્યું છે કે શું?’ – દરેકના મનમાં આ પ્રશ્ન આવી ગયો અને કૂતૂહલના માર્યા સૌ ક્ષણભર એકકાન થઇ ગયા.

પણ દંડનાયક ત્રિભુવનપાલ એનું રહસ્ય પામી ગયો. તે ઝાંખો પડી ગયો. બર્બરકની જે સિદ્ધિ વિશે લોકવાયકા ચાલી રહી હતી – હમણાં જ દેવુભાએ જે વિશે ટોણો માર્યો હતો – તે જ આ સિદ્ધિ હોય, ને મહારાજ જયદેવ એનો અત્યારે ઉપયોગ કરી રહ્યા હોય તો ક્ષણભર એ વિહવળ થઇ ગયો. મુંજાલે એ જોયું. એનો તો એમાં ઇષ્ટાપત્તિ હતી. પણ જ્યાં સુધી હજી દેશળને પૂરેપૂરો નાણી જોયો ન હતો, ત્યાં સુધી દંડનાયક આ મોરચો તજી જાય એ ઠીક પણ ન હતું. એને સાંભરી આવ્યું, કહો ન કહો પણ, આ કરામત છે તો બર્બરકની જ. મહારાજ પાસે આવીને કૃપાણ ઉભો રહી ગયો હતો, તે એને સાંભર્યું. એનું ઊભું રહેવું સહેતુક હતું. એ હેતુ આ મહારાજ આંહીં કેમ ન આવ્યા અને મીનલદેવી સાથે છેક છેલ્લી ઘડીએ ગંભીર વાત થઇ હતી – આ સઘળી પરિસ્થિતિનો પ્રત્યુત્તર હવે એને મળી ગયો. મહારાજ પોતાના વેણે કેમ વળ્યા તે પણ સમજાયું. આ સિદ્ધિના નવતર પ્રયોગમાં એ એટલા તલ્લીન હતાં કે બીજા વિષય વિશે વિચાર કરવા એમને તક જ ન હતી.

એ ગમે તેમ હોય, પણ આનો પ્રત્યાઘાત ભયંકર થવાનો. આનાથી રા’ની બહાદુરી ઉજ્જવળ ગણાશે. સોલંકીઓ પ્રત્યે લોકનું માન ઘટશે. અને જો દેશળને મેળવી ન લેવાય તો યુદ્ધ ઉપર પણ આની અસર થશે. આ સાંભળ્યા પછી તો  અનેક જણા રણક્ષેત્રમાં દોડશે. તેણે દેશળની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવી. ખેંગાર હવે પડવાનો જ – અને રાજ તમારું જ છે. જો લેતાં આવડે તો – એવી સૂચના કરતો હોય  તેમ એ એક ક્ષણ એની સામે જોઈ રહ્યો. પછી એણે આકાશીગમન વિશે આંખ વડે સહેજ ઊંચી ઇશારત કરી. દેશળ એ સમજ્યો હોય તેમ લાગ્યું. મુંજાલને યુદ્ધનો વિજયમાર્ગ સ્પષ્ટ દેખાયો. આ માણસ, આને દગો ને એને પણ સામો દગો – એ જ વિજયનો પંથ હતો; બાકી ફીફાં ખંડવાની વાત હતી. તેને દંડનાયકના પ્રત્યાઘાત ઉપરથી, પરમારનો પ્રત્યાઘાત નિહાળવા, ત્યાં દ્રષ્ટિ કરી તો પરમાર ખંડમાંથી બહાર જતો દેખાયો.

કુતૂહલથી પ્રેરાયા હોય તેમ સૌ પરમારની પાછળ જઈ રહ્યા હતા. મુંજાલે પણ ત્વરાથી બહાર જવા માટે પગ ઉપાડ્યો.

બહાર, મેદાનમાં જઈને સૌએ આકાશ સામે મીટ માંડી. થોડીવારમાં જ જગદેવ પરમારનો અવાજ સંભળાયો: ‘ઓ હો હો હો! મહાઅમાત્યજી! આ તો આપણને મર્ત્ય માનવીને મળે એવો મોંઘો લહાવ મળી ગયો છે: મારી મા જગદુદ્ધારિણી ત્રિલોકમોહિની મા જગદંબા પોતે ફરવા નીકળ્યાં છે!’

‘પરમાર! ખરેખર? લાગે છે તો એવું હોં? ઓ હો હો હો... માનો મહિમા – અંબાભવાની...’ મુંજાલે વાતમાં ટેકો પુરાવ્યો.

પરમારનો શ્રદ્ધાભર્યો ઘેરો મીઠો અવાજ આવ્યો: ‘લાગે છે. શું? મા જુગદંબા પોતે જાણે ફરવા નીકળ્યાં છે. માએ ખેચરીરૂપ ધાર્યું છે. જુઓ ને, હંસની સવારી છે. સોનેરી-રૂપેરી ઘૂઘરમાલ આ ગાજે! જય મા! જય જુગદંબે! જય જગન્મોહિની!’ પરમાર જગદેવના શ્રદ્ધાભર્યા અવાજે સૌને વધારે સૂક્ષ્મતાથી આકાશમાં મીટ માંડતા કરી દીધા.

આકાશમાં એક વિશાળકાય હંસ જાણે અજવાળા-અંધારાના મહાસાગરમાં તરતો હોય તેમ, તરી રહેલો સૌની દ્રષ્ટિએ પડ્યો. લાલરંગી બે સુંદર તારા, જાણે અદ્ધર આકાશમાં વિચરી રહ્યા હોય તેમ, અગ્નિબિંદુ જેવા એના બે નેત્રોમાંથી પ્રકાશ આવી રહ્યો હતો. હવાને મધુર ટંકારથી ભરી દેતો અવાજ સંભળાતો  હતો. વચ્ચેવચ્ચે જાણે હંસની જ વાણી હોય એવો શબ્દ પણ કાને પડતો હતો. આ રોમાંચક કલ્પનાતીત દ્રશ્યે એક ઘડીભર તો સૌનો બુદ્ધિ-વ્યાપાર જ જાણે થંભાવી દીધો હોય તેમ, સૌ સ્તબ્ધ બનીને જોઈ જ રહ્યાં. આ અદભુત દ્રશ્ય નિહાળી જ રહ્યા. કોઈ કાંઈ બોલી શક્યું નહિ; બોલી શકાય તેમ લાગ્યું નહિ. અચિંત્ય અદભુત વસ્તુનું અણચિંત્યું  પ્રત્યક્ષ દર્શન થતાં માનવીની જે અવસ્થા થાય એવી – નહિ જાગ્રત, નહિ સુષુપ્ત એવી – અવસ્થામાં સૌ પડી ગયા. મારી મા! જુગદંબે! જગજનની!’ જગદેવ પરમાર બે હાથ જોડીને આકાશ તરફ ઊંચે પ્રણમી રહ્યો હતો.

પરમારે અસીમ શ્રદ્ધાથી હાથ જોડ્યા હતાં. મુંજાલે હેતુપૂર્વક એનું અનુકરણ કર્યું. લોકોના આઘાત-પ્રત્યાઘાતનો ખ્યાલ એને આવી ગયો હતો. સોઢલ, દેશળ, સૌ એને અનુસર્યા પણ જમાનાનો ખાધેલ ભા દેવુભા, એને આમાં શંકા પડી હતી, તે કાંઇક સંભારતો હોય તેમ માથું ખંજવાળી રહ્યો હતો. બાબરાની વાત ચાલે છે એ તો આ ન હોય? તે મનમાં ને મનમાં વિચારી રહ્યો.

એટલામાં તો વનનાં વન જગવતો, ખડકેખડકમાંથી પડઘા પ્રગટાવતો, આકાશી શંખનાદ સંભળાયો, સૌ ચમકી ગયા, પણ એની પાછળ તરત જ ઠંડી ઠેકડી ભરેલું, ગાત્રેગાત્રને ઉકાળી નાખે એવું, છાના કાતિલ ડંખનાર જેવું, ભા દેવુભાનું ઝીણું, ધીમું, ખડખડ ખખડતા પોલા કાંકરા જેવું હાસ્ય સંભળાયું:’જગદેવજી! પરમાર!’ તે દરેકેદરેક અક્ષર છુટ્ટા પાડતો બોલ્યો: ‘ત્યાં જુગદંબા કેવાં , ને વાત કેવી! ગાંડા કાઢો મા, ભા! ગાંડા! આ તો પાટણની રજપૂતી પ્રગટી નીલી છે.’ તેણે કટાક્ષ કર્યો. ‘બાબરું ઊડતું લાગે છે – બાબરું! વાત તો મલકમાં થાતી’તી નાં! તે આજ તમે નજરોનજર જોઈ, ભા! માં જુગદંબા તો ત્યાં બેઠાં છે ગરનારી ડુંગરમાળા ઉપર! અમે તંઈ હવે રજા લેશું ભા! લ્યો, સોઢલજી! હાલો તંઈ, ભા!’ તેણે ત્રિભુવનપાલ તરફ ફરીને કહ્યું: ‘અમારા દુર્ગપાલ સોઢલજીને રઢ લાગી’તી, રજપૂતોનો ખરો રંગ જોવા સાટું થઈને, દંડનાયકજીને નજરોનજર નિહાળવાની, તે આજ પૂરી થઇ ગઈ. હવે તમારી સગી આંખે રજપૂતીનો રંગ જોયો નાં, ભા? કેમ બોલ્યા નહિ, સોઢલજી?’

સોરઠી દુર્ગનો દુર્ગપાલ સોઢલ થોડાબોલો અટંકી નર હતો. એનું વીરત્વ માન મુકાવે તેવું હતું. તે કાંઈ બોલ્યો નહિ. પણ પોતે સેવેલું કોઈ મહાસ્વપ્ન છિન્નભિન્ન થઇ ગયું હોય તેમ, એ જરાક ત્રિભુવનપાલ દંડનાયક તરફ દ્રષ્ટિ કરીને, પછી નીચે ધરતી ઉપર નજર કરી રહ્યો. ભા દેવુભા, દંડનાયકની રગેરગનો જાણકાર હતો. તેણે આ તક પકડી લીધી: ‘મહાઅમાત્યજી! લ્યો ત્યારે ભા! અમે અમારો સંદેશો તમને પહોંચાડી દીધો. તમારી રજપૂતી પણ જોઈ અને દંડનાયકજીએ હમણાં રાજપૂત માત્રની જનેતા જેવી સમશેરને, બે વેણ કહ્યાં એ પણ સાંભળ્યાં. હિમાચળ જેમ દુનિયામાં એક છે, મુંજાલજી; તેમ જૂનાગઢના અટંકી રા’ની રાજપૂતી પણ એક જ છે. બીજા તો મફતના ચોરની વાદે ચણા ઉપાડવા નીકળી પડે એવી વાતું કરી જાણે. ઈ તો જેનો, પેઢી દર પેઢીનો અણિશુદ્ધ લોહીમહિમા જળવાણો હોય, એનાં ઈ કામ છે. રાજપૂતવટ જાળવવી ઈ કાંઈ ગાંગલી ઘાંચણના ખેલ નથી! જાળવવી ને રાખવી તો ઠીક હવે, ઈ સમજાય તોય ઘણી વાત! લીલાં માથાં બાપ! રા’એ ટાણે ટાણે વાઢી આપ્યાં છે, તંઈ ઈ સચવાણી છે. લ્યો ભા, દંડનાયક! હવે કાં સોમનાથને આરે મળશું – ને નકર અમરાવતીમાં તો છે જ. આ અમારા સોઢલજી બચારા મૂંઝાઈ ગયા – એ આંહીં આવ્યા’તા કાં’ક જોવા ને મળ્યું કાં’ક જોવા!

ત્રિભુવનપાલ ઝંખવાણો પાડી ગયો. એને રજપૂતીનું અપમાન રગેરગમાં બેસી ગયું. એનું હાલે તો આકાશી વિમાનને અત્યારે ને અત્યાર ધરતી ઉપર પછાડી પાડે. એની કાયાને જાણે ઠેરઠેર દામ દેવતા હોય એવું એને લાગી આવ્યું. શો પ્રત્યુત્તર આપવો એ એને સૂઝ્યું નહિ. આકાશમાંથી હજી હંસના શબ્દો આવી રહ્યા હતા. અને એના અંગેઅંગને જાણે ડામી રહ્યા હતાં. ‘ભા! દેવુભા!’ ધ્રુજારી અનુભવતા વીરસ્વરે તેણે કહ્યું, ‘જુઓ રજપૂતવટની તમે વાત કરી એટલે કહું છું!’

‘હા, ક્યો ને ભા! ક્યો!’ ભા દેવુભાનો અવાજ મીઠો પણ કાતિલ હતો.

‘ત્રિભુવનપાલનાં વેણ કાંઈ કોઈ રાંડીરાંડનાં વેણ નથી કે આ બોલ્યા ને ફોક થાય!’

‘દંડનાયકજી!’ ભા દેવુભાએ કરડાકીથી કહ્યું, ‘તમારા વેણ ફોક થાય કે રે’ એની અમારે બૌ પડી નથી, આવી મલેખાંની રમતું તો અમારે ત્યાં નાનકડી છોકરીયું કરે છે છોકરીયું! તમારે મન એ મોટી કરામત હશે, અમારે મન તો એ મલેખાનું માળખું છે!’

મુંજાલે તો એ બંનેના સંવાદને સાંભળવાનું છોડી દીધું’તું, તેણે આ તકનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં લાભ જોયો. તે જરાક દેશુભા તરફ સર્યો. કોઈ ન દેખે તેમ એણે ધીમેથી એનો હાથ પકડ્યો. એટલોજ પ્રત્યુત્તર વાળ્યો: ‘હું તો નહિ ભૂલું, તમે ભૂલતા નહિ!’

‘સંદેશો આપનારો તમને ત્યાં મળશે – સોમનાથમાં કેદારના મંદિરમાં.’

એટલું કહીને મુંજાલ તરત આઘો ખસી ગયો ને દંડનાયક તરફ વળ્યો. ત્રિભુવનપાલના ઉત્તેજિત સ્વભાવને ભા દેવુભાનો પ્રત્યુત્તર ભારે પડી ગયો. ને મોટેથી જવાબ વાળી રહ્યો હતો: ‘ભા! દેવુભા! તમતારે સો મણની તળાઈમાં સૂઈ રેજો, પણ આટલું નોંધી રાખજો. ત્રિભુવનપાલ જે દી ચઢશે, તે દી ગિરનારી ખડગ નહિ હોય,  રા’ ખેંગાર નહિ હોય, અને આ બાબરાવાળું જોણું પણ નહિ હોય. આવી રાંડીરાંડની રમતનો આધાર લઈને ત્રિભુવનપાલ રણક્ષેત્રમાં ન ઉતરે!’

ભા દેવુભા રંગમાં આવી ગયો. એણે મોટેથી પડઘો પાડતું હાસ્ય કર્યું: ‘હા હા હા હા, ઈ તો ભા! દંડનાયકજી! નાક શરીરમાં કેવડુંક હોય? બુંદથી ગઈ હવે હોજથી પાછી વાળો તો’ય કાંઈ વળે, બાપ? ઈ હવે નો વળે હોં! લ્યો હાલો સોઢલભા! હાલો મહાઅમાત્યજી! હવે તમતારે ચોકી પે’રા બરાબર મૂકજો, ભા! રા’એ તો સામે મોંએ જુદ્ધ કરતાં-કરતાં જ સોમનાથની જાત્રા કરવાનું પણ લીધું છે, લ્યો ભા, જય સોમનાથ!’

ભા દેવુભા ને એનું મંડળ તરત ત્યાંથી ચાલી નીકળ્યું.