Tribhuvan Gand - 4 books and stories free download online pdf in Gujarati

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 4

ઘર ફૂટ્યે ઘર જાય

પાછા ફરતાં આખે રસ્તે સિદ્ધરાજના મનમાં ગડભાંગ થઇ રહી હતી. આંહીં આ બર્બરક પાસે અનુપમ સિદ્ધિ હતી. બર્બરકની આ સિદ્ધિનો યુદ્ધમાં ઉપયોગ થાય તેવી જાણ થતાં તો સોરઠ આખાની પ્રજા એકપગે મરવા તૈયાર થાય એ ભય હતો. બીજી બાજુ રા’ના ભાણેજ લોકવાયકા છે તેમ. ફૂટ્યા હોય તો આટલી આ વસ્તુની જાણ રા’ની સાન ઠેકાણે લાવવામાં સહાયરૂપ થઇ પડે એમ હતી. કદાચ એ જુદ્ધ ટૂંકાવી નાખે. રા’ સોરઠ તજીને જતો રહેતો હોય તો એને આ યુદ્ધનો યશસ્વી અંત માની લેવામાં કાંઈ જ વાંધો ન હતો, રાણકનું પછી થાળે પડી જશે. પણ રા’ માનશે ખરો? રા’ ને પણ વાત તો મળી ગઈ હશે કે માળવા પાટણને દાઢમાં રાખીને બેઠું છે. સાંતૂ મહેતાના સંદેશા જેમ આંહીં આવી રહ્યા હતા, તેમ રા’ને પણ કોઈક સંદેશો મળતો હશે નાં? એટલે હવે રા’ માને ખરો? ને ન માને તો શું કરવું? આ યુદ્ધને અધૂરું તજી દેવું, એમ? માળવા – અને પછી તો કર્ણાટક, આબુ કે ચેદિ – કોણ બાકી મુકે? ત્યારે શું કરવું? સિદ્ધરાજના અંતરમાં ભારે મનોમંથન ચાલી રહ્યું. એણે આ જુદ્ધને, કોઈ પણ જોખમે, હવે તો પૂરું જ કરી નાખવાનો સંકલ્પ કરી લીધો. એની પછવાડે પૃથ્વીભટ્ટ આવી રહ્યો હતો. આખે રસ્તે બેમાંથી કોઈ હજી કાંઈ બોલ્યા ન હતા. તેમણે જે જોયું હતું તે કોઈએ જોયું ન હતું. એ વાત એટલી અદભુત જેવી જણાતી હતી. કે હજી એની આશ્ચર્યજનક અસરમાંથી તે મુક્ત થયાં ન હતાં; કદાચ મુક્ત થવાની ઈચ્છા પણ થતી ન હતી. આકાશમાં માણસ ફરી શકે – કેવળ વીર વિક્રમની વાતમાં એ આવતું હતું. સિદ્ધરાજને એક ક્ષણભર તો ગિરનારના ભૈરવી ખડકો ઉપર ઊડતો હંસ દેખાયો. પણ એટલામાં એણે પોતાની પાછળ ચાલ્યા આવતા પૃથ્વીભટ્ટને ઠેકડો મારી આઘો કૂદી પડતો સાંભળ્યો: ‘મહારાજ! મહારાજ! લાંબા થઈને સૂઈ જાઓ -!’ 

‘અરે! પણ છે શું? પૃથ્વીભટ્ટ! કેમ ઘેલા કાઢે છે?’

‘પ્રભુ! આ તીર આવ્યું ને બીજું હમણાં જ આવશે. આપણને કોઈએ જોયા લાગે છે! લાંબા થઈને સૂઈ જાઓ!’

‘આપણે સોરઠની છાવણી તરફ છીએ?’

‘હા, પ્રભુ હા. – લાંબા થઈને સૂઈ જાઓ – હમણાં આવ્યું બતાવું.’

સિદ્ધરાજ લાંબો થઈને સૂઈ ગયો. પણ થોડી વાર સુધી ક્યાંય હિલચાલ સંભળાઈ નહિ. સિદ્ધરાજને શંકા પડી.

‘પૃથ્વીભટ્ટ! એ તીર ક્યાં છે? આંહીં લાવ તો મારી પાસે.’

પૃથ્વીભટ્ટે જમીનમાં ખુંચેલું તીર ખેંચી આપ્યું. સિદ્ધરાજે એને બારીકીથી જોવા માંડ્યું: ‘ચકમક છે તારી પાસે?’

એટલામાં પાસેની પગદંડી ઉપરથી અવાજ આવતો કાને પડ્યો. ‘કોણ અલ્યા?’ પૃથ્વીભટ્ટે આવનારને પડકાર્યો.

‘ઈ તો રબારી – બાપુ!’

‘ક્યાં જઈ આવ્યા – ગોકળી?’ સિદ્ધરાજે પૂછ્યું.

‘આ મેળો કરી આવ્યા.’

‘ચકમક હોય તો કાઢજો જરા –’

‘ચકમક તો હોય બાપા! અમારા વરણ પાસે, ચકમક તો હોય પણ એ સળગાવવા માટે ન હોય!’ 

‘અલ્યા – ચકમક પાડ તો ખરો – હું કહું છું ને!’ પૃથ્વીભટ્ટે એને જરાક દબાવ્યો.

‘તું કોણ મોટો કે’વાવાળો? રબારી જાત પર ગયો. ‘રાજ તો સધરાજેસંગનું કે તારું? ચકમક પાડીને જાવું ક્યાં? સામે ખેંગાર કાકો ડુંગરેડુંગર નિહાળતો ઉભો છે! સરરર કરતું આવશે – દેવતા ઉપર! તે દી મને તો વીંધી નાંખે નાં! લડે પાડેપાડા ને ખો ઝાડનો – તે આનું નામ!’

‘અલ્યા, પણ હું કહું છું. ચકમક પાડે તો આ જરાક જોવું છે.’ સિદ્ધરાજને તીરને છેડે કાંઇક બાંધેલું જણાયું.

‘પણ તું કોઈ જબરો! સધરાજેસંગ કરતાં તું જબરો?’

‘તને ખબર છે, અલ્યા! તું કોની સાથે વાત કરે છે? ભૂતના ભાઈ અમથા કે’વાણા હશો?’ પૃથ્વીભટ્ટ બોલ્યો.

‘હવે એમાં શી મોટી ખબરું રાખવી’તી? આ જેવો હું ગાયું-ભેંશુનો ગોકળી છું, એવો આ સામો ગોકળી છે. તું વળી કો’ક રાજનો નોકર હશે. પણ એમાં ચકમક પાડીને મારે મોત નથી નોતરવું! આ અંદરનું અજવાળું તો છે.’

‘તું અલ્યા! બુડથલ લાગે છે.’ પૃથ્વીભટ્ટે કહ્યું. ‘મહારાજ જયસિંહદેવ પોતે જ તો તારી સાથે વાત કરી રહ્યાં છે – જરાક જો તો ખરો!’

‘હેં!’ રબારી તો રાજાનો ગોકળી વેશ જોઈ જ રહ્યો. ‘એક વાંસળી બાકી રહી છે, બાપુ! બીજું તો ઠીકઠીક છે!’ તેણે કહ્યું. એને રાજાની આ વિચિત્રતામાં આનંદ પડ્યો લાગ્યો: ‘ચકમક તો છે બાપુ!’ તે બોલ્યો.

‘પેલા ઝાડની પછવાડે આવો, ગોકળી!’ ઓથ પણ થાય ને ત્યાં પાંદડાં પણ હોય!’

ગોકળીએ ડુંભારણે ચકમક પાડી પાંદડાં સળગાવ્યાં. થોડો તાપ થતાં જ સિદ્ધરાજે તીરને છેડે બાંધેલ વસ્ત્રલેખ છોડી દીધો. તેની નજર તેના અક્ષરો ઉપર ફરી વળી. તે ક્ષણભર સ્તબ્ધ થઇ ગયો. શું હતું તે પૃથ્વીભટ્ટ સમજ્યો નહિ. પાંદડાં ઠરી જતાં પાછું હતું એવું અંધારું થઇ ગયું. ગોકળીને રાજાએ સુવર્ણ દ્રમ્મ આપ્યો:

‘અલ્યા! આ લેતો જા. તારું નામ!’

‘વીરો!’

‘વીરા! રા’નું ઘર ફૂટ્યું છે એ વાત સાચી!’

‘રા’નું ઘર? ઈ તો, બાપુ! શી ખબર પડે - ? પણ કે’ છે ખરા, કે મામા-ભાણેજ ચડભડ્યા.’

‘તને કોને કહ્યું?’

‘વાની ઊડતી વાતું આવે. કે’વા તો કોણ આવે, બાપુ? અમારું વરણ તો વામાંથી વાતું સાંભળે!’

‘ઠીક, જા તું તારે – આ કોઈને કહેતો નહિ હોં! –‘

થોડી વારમાં વીરો અદ્રશ્ય થઇ ગયો.

‘મહારાજ! શું છે?’

‘પૃથ્વીભટ્ટ! આપણે ઝપાટાબંધ છાવણીમાં ચાલો. ત્રિભુવન પણ આવ્યો હશે!’

રાજા પાસે કાંઇક અગત્યના સમાચાર આવી ચડ્યા છે એટલું જ પૃથ્વીભટ્ટ સમજી શક્યો.

બોલ્યાચાલ્યા વિના બંને જણા એકદમ રસ્તો કાપવા માંડ્યા, રસ્તો તદ્દન નિર્જન એકાંત હતો. 

ઘણો લાંબો સમય જતો હોય એમ બંનેને લાગ્યું. પણ આ જંગલમાં ન બોલવામાં જ સલામતી હતી.

સિદ્ધરાજે જ્યાં કૃપાણને ઉભા રહેવાનું કહ્યું હતું તે રૂખડાનું ઝાડ છેવટે પાસે આવતું લાગ્યું. જયસિંહદેવ ઊભો રહી ગયો. 

પૃથ્વીભટ્ટ! તારે આજ આખો દિવસ બર્બરકની સખ્ત ચોકી કરવાની છે; જરાક પણ હિલચાલ લાગે તો તરત મને કહેવરાવજે. અને રાત્રે આ રૂખડાનું પેલું ઝાડ દેખાય છે – જો પેલું દૂર રહ્યું – ત્યાં એક પાલખી આવશે. આ બાજુ યુદ્ધના શા રંગ છે?’

‘આંહીં સાવચેત તો બહુ રહેવું પડે તેમ છે; રા’ના સૈનિકો ફરતા જ રહે છે, પણ આપણે જે તીર જોયું – એવો બનાવ તો ક્યારેક જ બને છે! રા’ની કોઈ ચોકી એટલી નજીકમાં નથી. આજ તો કોણ જાણે ક્યાંથી આવી પડ્યું!’

‘તું આંહીં આવીને ઉભો રહેજે,’ રાજાએ તેની વાતને ધ્યાન દીધું નહિ: ‘બે પ્રહર રાત્રિ વીત્યે મીનલબા આવશે!’

‘પ્રભુ!’ પૃથ્વીભટ્ટને એમાં સાહસની અવધિ લાગી.

‘પૃથ્વીભટ્ટ! યુદ્ધને મારે ટૂંકાવવું છે – પછી આ માર્ગે કે તે માર્ગે. તું, મેં કહ્યું એ પ્રમાણે, આંહીં ઉભો રહેજે! હવે જા- તું તારે.’

પૃથ્વીભટ્ટ નમીને ચાલતો થયો.

પણ આખે રસ્તે એના મનમાં પેલા તીરના વિચાર આવ્યા કરતા હતાં. એ કોને ફેંક્યું હશે? રા’ની કોઈ ચોકી નજીકમાં તો ન હતી, મહારાજે એના વિશે કાંઈ જ કહ્યું નહિ, એ શું? શા માટે ફેંકાયું હશે? કોઈ જાણભેદુ હશે? મહારાજને કોઈ સંકેત મળ્યો હશે? પણ પૃથ્વી ભટ્ટને એનો ભેદ જડ્યો નહિ.

એણે એનો ભેદ મેળવવા માટે પાછા ફરતાં દરેકેદરેક વસ્તુ પર નજર રાખવાનો વિચાર કર્યો – વખત છે ને ભેદ મળી આવે!