Ghar - Ek Bagicho - 2 books and stories free download online pdf in Gujarati

ઘર, એક બગીચો ! - 2

જ્યાં મતભેદ છે, ત્યાં રઝળપાટ છે. મતભેદ એટલે જુદા જુદા માર્ગ લઈને બેસવા. એડજસ્ટમેન્ટ નથી થતું, એનું કારણ શું ? કુટુંબમાં બહુ માણસ હોય તેથી ને, બહુ માણસ હોય તે બધાની જોડે મેળ પડતો નથી ને ! અને દહીંનો ડખો થઈ જાય પછી, દહીં આખરીયું હોય ને ડખો થઈ જાય સવારમાં.

એટલે એવું છે આ મનુષ્યોનો સ્વભાવ, જે માનવતાનો સ્વભાવ છે ને, તે એક જાતનો નથી. જેવો યુગ હોય ને તેવો સ્વભાવ થઈ જાય છે. સત્યુગમાં બધા એકમતે રહ્યા કરે, સો માણસ ઘરમાં હોય ને, તોય પણ એ દાદાજી કહે એ પ્રમાણે ! તેથી આ કળિયુગમાં દાદાજી કહે તેમને આવડી ચોપડે, બાપ કહે તેનેય આવડી ચોપડે. કળિયુગમાં એવું હોય, અવળું હોય. એનાથી આ યુગનો સ્વભાવ છે. હવે કહે છે, યુગનો સ્વભાવ, પણ બદલાઈ કેમ ગયું ? ત્યારે કહે, માનવ તો માનવ જ છે, મનુષ્ય જ છે. પણ તમને ઓળખતા નથી આવડ્યું. ઘરમાં પચાસ માણસ હોય, પણ આપણને ઓળખતા આવડ્યું નહીં, એટલે ડખો થયા કરે, એને ઓળખવા જોઈએ ને ? કે આ ગુલાબનો છોડ છે કે આ તો શેનો છોડ છે, એવું તપાસ ના કરવી જોઈએ ?

પહેલા શું હતું ? સત્યુગમાં એક ઘેર બધા ગુલાબ અને બીજાને ઘેર બધા મોગરાં, ત્રીજાને ઘેર ચંપો ! અત્યારે શું થયું છે એક ઘરે મોગરો છે, ગુલાબ છે ! જો ગુલાબ હશે તો કાંટા હશે અને મોગરો હશે તો કાંટા નહીં હોય, મોગરાનું ફૂલ સફેદ હશે, પેલાનું ગુલાબી હશે, લાલ હશે. એમ દરેક જુદા જુદા છોડવા છે અત્યારે.

સત્યુગમાં જે ખેતરાં હતા, તે કળિયુગમાં બગીચારૂપે થયું છે ! પણ એને જોતા નથી આવડતું, એનું શું થાય ? જેને જોતા ના આવડે તેને દુઃખ જ પડે ને ? તે આ જગતની દ્રષ્ટિ નથી આ જોવાની. કોઈ ખરાબ હોતું જ નથી. આ મતભેદ તો પોતાના અહંકાર છે. જોતા નથી આવડતું તેના અહંકાર છે. જોતા આવડે તો દુઃખ જ નથી. મને આખી દુનિયા જોડે મતભેદ નથી પડતો. મને જોતા આવડે છે કે ભઈ, આ ગુલાબ છે કે આ મોગરો છે. આ પેલો ધતૂરો છે કે કડવી ગીલોડીના ફૂલ છે, એવું બધું ઓળખું પાછો.

સંસ્કાર તો એવું છે ને, કે સંસ્કાર તો ગુલાબનું બીજ હોય ને, તે ગુલાબ જ થાય. ફક્ત એને માટી, પાણી અને ખાતર આપવાની જરૂર. પછી એને માર માર નહીં કરવાનું રોજ. આપણા લોકો છોકરાંઓને મારે ને વઢે. અલ્યા મૂઆ, ગુલાબને વઢીએ આપણે, કેમ કાંટા છે, તો શું થાય ? કોની મૂર્ખાઈ ?

પ્રશ્નકર્તા : આપણી જ.

દાદાશ્રી : ત્યારે ચંપાને કહીએ, તું કેમ ગુલાબી રંગનો નથી ? તો એ ઝઘડામાં પડે ? એટલે આપણા લોકો શું કરે છે કે એમના છોકરાને એમના પોતાના જેવા બનાવે છે. પોતે ચીકણો હોય તો છોકરાને ચીકણો કરે, પોતે નોબલ હોય તો છોકરાને નોબલ બનાવે. એટલે પોતાના આશય ઉપર ખેંચી જાય છે, એટલે આ ઝઘડા છે. બાકી, એને ખીલવા દો ને છોકરાને. ફક્ત એને સાચવીને પાણી, ખાતર, એ બધું નાખ્યા કરવાનું.

છોકરાં બહુ સરસ છે, એ કોઈ વાર બગડે નહીં, એમાં બીજમાં છે ગુણ એટલા જ બગડવાના, એટલું જ થવાનું. આમ રેડો, આમ ઊંધા કરો કે આમ કરો પણ એનું એ જ થવાનું. તમારે પાણી છાંટવાની જરૂર. તમારામાં સંસ્કાર જો એને દેખાય, તો એને હેલ્પ (મદદ) કરે એ. આ તો એને મારી ઠોકીને, ‘તું ગુલાબ કેમ છું ? આવો કાંટાવાળો કેમ છું?’ બૂમાબૂમ કરી મેલે છે.

એટલે આપણે સમજી જવાનું કે આની પ્રકૃતિ ગુલાબ જેવી છે, એની પ્રકૃતિને તો ઓળખવી પડે કે ના ઓળખવી પડે ?

પ્રશ્નકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : આપણે આ લીમડો દેખીએ, પછી કોઈ મોઢામાં પાંદડા ઘાલે ખરા ? શાથી ? પ્રકૃતિ ઓળખે કે આ કડવો ઝેર જેવો. ફરી લાવ ટ્રાયલ કરીએ કંઈક મોળો થયો હશે કે નહીં થયો ?

પોતપોતાના વ્યુ પોઈન્ટ ઉપર લઈ જાય છે બધા !

પ્રકૃતિ ઓળખો આ કાળમાં.

આ તો એના ધાર્યા પ્રમાણે ના કરે, એટલે છોકરાં જોડે લઢવા આવે. તમારા ધાર્યા પ્રમાણે થતા હશે ! આપણા ધાર્યા પ્રમાણે છોકરાંએ ચાલવાનું ? બાપ લોભિયો હોય એટલે છોકરાને લોભિયો કરવો ? છોકરાં તો નોબલ હોય ને બાપ લોભિયો હોય તો શું થાય ? રોજ લઢવાડ થાય. બાપ નોબલ હોય ને છોકરો લોભિયો હોય તોય લઢવાડ થાય. હવે એ લઢવા જેવી વસ્તુ નથી. એ પહેલાના જમાનામાં હતું, કે લોભિયાના છોકરાં-છોડી બધું લોભી હોય, સત્યુગમાં ! આ તો કળિયુગ છે લોભિયાને ત્યાં મોટા મોટા નોબલ માણસો જન્મે છે !

‘ઘર બગીચો થયો છે. માટે કામ કાઢી લો આ વખતમાં.’ આ પોતે જો નોબલ હોય અને છોકરો ચીકણો હોય તો કહેશે, ‘અલ્યા, સાવ ચીકણો છે, મારો એને.’ એને એ મારી-ઠોકીને એની જેમ નોબલ કરવા માંગે, ના થાય. એ માલ જ જુદો છે. મા-બાપ પોતાના જેવા કરવા માંગે. અલ્યા, એને ખીલવા દો. એની શક્તિઓ શું છે ? ખીલવો. કોનામાં કયો સ્વભાવ છે એ જોઈ લેવાનો. મૂઆ, લઢો છો શેના માટે ?

એટલે આ બગીચો ઓળખવા જેવો છે. બગીચો કહું છું તે ત્યારે લોકો તપાસ કરે છે ને, પછી છોકરાને ઓળખે છે. પ્રકૃતિને ઓળખને મૂઆ ! ઓળખી જાને એકવાર છોકરાને અને પછી એ પ્રમાણે વર્ત ને ! એની પ્રકૃતિ જોઈને વર્તીએ તો શું થાય ? ભાઈબંધની પ્રકૃતિને એડજસ્ટ થાય છે કે નહીં થતા ? એવું પ્રકૃતિને જોવી પડે, પ્રકૃતિ ઓળખવી પડે. ઓળખીને પછી ચાલીએ. તો ઘરમાં ભાંજગડ ના થાય. નહીં તો બધાને, મારીઝૂડીને મારા જેવા જ થાવ, કહે છે. શી રીતે થાય તે પેલા ?

હવે આનો મેળ ક્યારે પડે ? એટલે ત્યાં સુધી એડજસ્ટમેન્ટ આવડે નહીં અને માર ખાયા કરે. આ હકીકતમાં શું છે ? એ સમજવું તો પડશે ને ? બગીચો જાણે તો પછી ફેરફાર ના કરે ? તમારે ત્યાં પાંચ છોડવા હતા, બે મોટા છોડવા ને ત્રણ નાના છોડવા. હવે એ બધા એક જ જાતના હોય ? બધા કંઈ ગુલાબ જ હોય ? આપણા બધા છોડવા કેમ ગુલાબ થતા નથી, એવું લાગ્યા કરે ને પછી ?

પ્રશ્નકર્તા : પણ દાદા, ઠેર ઠેર બધા મા-બાપો કહે છે, કે અમારા છોકરાં ગાંઠતા નથી, એ શું છે ?

દાદાશ્રી : શેના ગાંઠે તે ? આ મોગરો ગુલાબને શી રીતે ગાંઠે ? હવે આપણે ગુલાબ હોઈએ એટલે પેલાને કહીએ, ‘કેમ તું આવું ફૂલ કાઢું છું ! તારું ફૂલ આવું કેમ ?’ એટલે આ ઓળખી અને કશું ઝઘડા કરવા જેવું છે નહીં, બધા પોતપોતાનાં એમાં જ છે. એને ફક્ત ખાતર અને પાણી આપવાની જરૂર છે. આ તો પોતપોતાના આઈડિયા ઉપર લઈ જાય છે, માણસો ઊલટા બગાડે છે. આ છોકરાંને બધા બગાડી નાખ્યા લોકોએ. તમને એવું નહીં લાગતું. ભૂલ થતી હશે એવી ?

પ્રશ્નકર્તા : સંસારમાં ગુલાબ જોઈએ છે અને કાંટાને ગાળો ભાંડવી છે એ કેમ બને ?

દાદાશ્રી : હા, પણ જેને ગુલાબની જરૂર છે તે કાંટાની બૂમ પાડે જ નહીં ને ! દરેક માળીને પૂછી આવો જોઈએ, એ કાંટાની બૂમો પાડે છે ? પાડે જ નહીં. એ તો સાચવીને જ કામ કરે. પોતાને વાગે નહીં એવી રીતે કામ કરે. એ તો જેને ગુલાબની બહુ પડેલી નથી, એ લોકો જ કાંટાની બૂમો પાડે છે. ગુલાબની પડેલી હોય તે તો કાંટાનો દોષ કાઢે જ નહીં ને !

જો વહેલા ઊઠનારા મા-બાપ હોય ને, તે છોકરો જરા સાડા છએ ઊઠે તો એને આળસુ કહે કહે કર્યા કરે રોજ. હવે મા-બાપ જ સાડા છએ ઊઠનારા હોય અને છોકરો પાંચ વાગે ઊઠનારો. ત્યારે કહેશે, બહુ ઉત્પાતિયો ને બહુ ઉત્પાતિયો ને તોફાન.

આવા બધા તોફાન નહીં કરવા જોઈએ. એને ખીલવા દેવો જોઈએ. એને એની પ્રકૃતિમાં ખીલવા દેવો જોઈએ અને આપણે એને ખાતર અને પાણી આપ્યા કરવાનું. ખાતર-પાણીમાં શું ? ત્યારે કહે, આપણે એક મુખ્ય વસ્તુ કહેવી, કે ભઈ દારૂ-માંસાહાર, એ ન કરીશ અને ખોટી ચોરીએ આપણને ન પોસાય.

આ તો છોકરાંને શી રીતે કેળવણી મળે ? એની નર્સરી કેવી હોય ? આ વેજીટેબલના છોડવા હોય ને, તે નર્સરીમાં પાસ થયેલા હોવા જોઈએ. તો જ નર્સરીમાં પેસવા દે. નહીં તો નર્સરી બગાડી નાખે બધી.

તે વેજીટેબલ છોડવાને માટે આટલી બધી સરસ નર્સરી હોય છે, તો આ છોકરાને નર્સરી ના જોઈએ ?!