Runanubandh - 38 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ - 38

પ્રીતિભાભીને જોઈને ભાવિની ખુશ તો થઈ પણ અંદરખાને એને એ દુઃખ થઈ રહ્યું હતું કે, ભાભીએ મારી જ્યાં સગપણ માટે વાત ચાલી રહી હતી એની ના આવી એ વાત વિષે કોઈજ ચર્ચા ન કરી. મેં ભાભીને કેટલો સાથ આપ્યો છતાં ભાભીને મને સામે વાળાએ રિજેક્ટ કરી એ દુઃખ વિષે વાત કરવી જરૂરી ન લાગી. ભાવિનીની તકલીફમાં પ્રીતિ સામીલ ન થઈ એવું એને લાગ્યું હતું. ભાવિનીએ પોતાના મમ્મીને પણ કીધું કે, "ભાભીને આવ્યે બે દિવસ થયા છતાં એમણે મને કઈ જ ન પૂછ્યું."

"એ પોતાનું જ વિચારે એવી છે. લાગણીશીલ નથી એ આવું એનું વર્તન જ કહે છે. તારે પણ બહુ માથું ન મારવું. એને જેમ ઠીક લાગે એમ કરવા દેવું." આગમાં ઘી હોમવાનું કામ સીમાબહેને કર્યું હતું. સીમાબહેન કોઈ ને પણ પોતાનું હથિયાર બનાવતા સારી રીતે જાણતા હતા. ફક્ત પોતાના અહમને સંતોષવા એમના જ સંતાનોને દુઃખી કરી રહ્યા હતા.

પ્રીતિ સાથે સીમાબહેને કે, ભાવિની કોઈએ સગપણ વાળી વાત કરી જ નહોતી, પ્રીતિ એના પિયર હતી એટલે આ લોકોએ એવું માની લીધું કે, ભાઈએ તો કીધું જ હશે ને? અને ભાઈને પ્રીતિ સાથે વાત કરતી વખતે આવી વાત જણાવવાનું યાદ જ નહોતું. પ્રીતિ આ વાતથી જ અજાણ હતી. પ્રીતિ બધું જાણતી જ હોય એમ અનુમાન કરીને સીમાબહેન અને ભાવિની પ્રીતિને ખોટી સમજી રહ્યા હતા. ખરેખર પ્રીતિ સાવ નિર્દોષ હતી.

પ્રીતિને નાની નાની વાતે ટોકવી, કામની સમજ એને ન હોવી એવું જતાવવું તો વળી, કામ કરવા પણ ન આપવું અને કામ કરતી નથી એવો ડોળ કરવાનું સીમાબહેનનું વલણ હવે ખુબ વધી ગયું હતું. શનિ અને રવિ બે જ દિવસ આવે પણ પ્રીતિનું આખું અઠવાડિયું બગાડી નાખે એવું સીમાબહેનનું વલણ હતું.

મા દીકરીનું આ વલણ ખોટી સમજણના લીધે ઉપજ્યું હતું. ધીરે ધીરે પ્રીતિ પોતાના ગુસ્સાને કાબુ રાખી રાખીને હવે થાકવા લાગી હતી. કોઈપણ બાબતની એક સીમા હોય એ સીમા જયારે પાર થાય ત્યારે કોઈપણ વ્યક્તિ પોતાનો મિજાજ ગુમાવી દે છે. પ્રીતિની પણ સહન કરવાની સીમા હવે પુરી થવા આવી હતી. એ પોતાની ભાવનાઓ અને સ્વમાન સાથે થતા અયોગ્ય વ્યવહારથી કંટાળવા લાગી હતી. પોતાની જાતને સાચવતા અને ઘરમાં અનુકૂળતા રાખતા હવે પ્રીતિને સાસરે ત્રણ વર્ષ જેટલો સમય થઈ ચુક્યો હતો.

પ્રીતિ સાસરે આવી એને ત્રણ વર્ષ થઈ ગયા હતા, છતાં પણ હજુ બધાનું મન એ જીતી શકી નહોતી. અજય, સીમાબહેન અને ભાવિનીની બાળબુદ્ધિ તથા હસમુખભાઈ સાથેના તાલમેળને જાળવીને જોબની સાથોસાથ સ્ટડીમાં પણ ખરું ઉતરવાનું કામ પ્રીતિને માટે ખરેખર ગર્વ ઉપજાવે એવું હતું જ, પણ પ્રીતિને પ્રોત્સાહિત કરવા સાસરીમાં જોઈએ એટલી સહાનુભૂતિ પ્રીતિને મળતી નહોતી.

એકદિવસ રવિવારે સીમાબહેન રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા. પ્રીતિ બીજું જે એ કરવા દે એ કામ પતાવીને સીમાબહેનને બીજી શું મદદ કરાવું એ પૂછી રહી હતી પણ સીમાબહેને કોઈ જ કામ કરવાની ના પાડી હતી. પ્રીતિને થયું, કે કંઈ કામ તો કરવા નહીં જ દે તો કિચનમાં ઉભી રહું એના બદલે ટીવી જોવ. આમ વિચારી એ સોફા પર બેઠી. થોડીવાર પછી ભાવિનીએ પ્રીતિને આરામથી ટીવી જોતા જોઈ એટલે એ બોલી,
"મમ્મી કામ કરે છે અને તમે ટીવી જોવ છો? તમને શરમ નથી આવતી?"

"મારે તો દીકરા.. વહુ આવી તો પણ બધું મારે જ કરવાનું હોય છે." સીમાબહેન ઘી હોમતા બોલ્યા હતા.

"સાચી વાત છે મમ્મી તમારી.."

ભાવિની અને સીમાબહેનના સંવાદો સાંભળીને પ્રીતિ ખુબ રોષે ભરાઈ ગઈ હતી. છતાં એ ચૂપ રહી હતું પણ આજ વિધાતા એ લખેલા લેખ ભાગ ભજવવાના હતા.

"ખરા છો તમે ભાભી! આવું સાંભળીને પણ ચૂપ બેસીને હજી ટીવી જ જોવ છો? કીધા પછી પણ તમને શરમ નથી આવતી?"

"ખરા તો તમે બંને છો... તમને શરમ આવવી જોઈએ, રોજ કોઈને કોઈ ગતકડું શોધીને મને હેરાન કરો છો. હું મમ્મીને પૂછીને જ આવી. એમને મને કોઈ કામ કરવા જ ન દેવું હોય! અને આગ્રહ પણ એવો રાખે કે હું જ કામ કરું. થોડો પણ મારા ઉપર વિશ્વાસ નથી રાખતા, મમ્મી ન હોય ત્યારે બધા ભરપેટ જમે એવું તો હું રાંધી જ લવ છું ને!"

"તો એમાં કઈ નવાઈ નથી કરતા હો.. ભાભી કરીને સંભળાવાય નહીં."

"સંભળાવાની ટેવ મને છે જ નહીં.. પણ તમારી સાથે રહી હું પણ શીખી ગઈ. કંઈક તો તમે પણ સમજવાની કોશિષ કરો. કાલ તમારે પણ સાસરે જવાનું થશે ત્યારે તમને સમજાશે."

"તું ચિંતા ન કર, એક જગ્યાએથી ના આવી એટલે તું સંભળાવે છે મારી દીકરીને? એને પણ સારું સાસરું શોધી જ દેશું. બોલવામાં ધ્યાન રાખ તું પ્રીતિ.."

"મને કોઈ વાતની ખબર જ નથી કે ક્યાંથી ના આવી. તમે મને કઈ કીધું જ નથી. મારો મતલબ કઈ સંભળાવાનો નહોતો, હું ભાવિનીબેનને સમજાવી રહી હતી."

"મારી દીકરીને તારે સમજાવાની જરૂર નથી, તું સાચી છે એવું જતાવવા ખોટું બોલે છે?"

"હું સાચી જ છું. એમ કહું જ છું. મને ખોટું બોલવાની ટેવ નથી." ખુબ જ ગુસ્સામાં અને ક્રોધમાં પ્રીતિ આજ બરાબર વિફરી હતી. પ્રીતિનો આટલો મોટો અવાજ ક્યારેય કોઈએ સાંભળ્યો જ નહોતો. હંમેશા શાંતિથી બોલનાર પ્રીતિ ખુબ ક્રોધમાં જોરથી બોલી રહી હતી.

સીમાબહેનને પણ ક્યારેય આમ ન વર્તનાર પ્રીતિનું આવું રૂપ સહન નહોતું જ થઈ રહ્યું, આથી એ પણ જોરથી જ બોલી રહ્યા હતા. ભાવિનીએ પણ આજ બોલવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. સતત ચાલી રહ્યા વિવાદોને લીધે અજય પણ રૂમમાંથી બહાર આવ્યો.

અજયનો મગજ પણ પ્રીતિ પર ગયો, કે એ આમ મારા મમ્મીનું અપમાન કરે છે. અજયે પણ ક્યારેય મમ્મી સામે બોલ્યું નહોતું અને પ્રીતિ ખુબ ગુસ્સામાં બોલી રહી હતી. આ જોઈને અજય પણ પ્રીતિને મન ફાવે એમ બોલવા લાગ્યો હતો. પ્રીતિએ આજ અજય પણ હંમેશા એની વિરુધ્ધ જ રહેતો હોવાથી એને પણ પ્રીતિએ બધું બોલી જ દીધું. આજ હસમુખભાઈની શરમે પણ પ્રીતિ ચૂપ રહે એવું નહોતું. અજયને થયું કે એને હું એક જાપટ મારુ એટલે બીકના લીધે એ ચૂપ થાય.

અજય જેવો પ્રીતિને એક જોરથી કસીને જાપટ મારવા ગયો, કે ભાવિનીએ એને હાથ પકડી રોકી જ લીધો હતો. પ્રીતિ તો અજયના હાથ ઉપાડવાના લીધે વધુ રોષે ભરાણી અને વધુ ઉગ્ર બની બોલી, "હાથ તો ઉપાડતા જ નહી. એવી ભુલથી પણ કોશિષ ન કરશો. પ્રીતિ એટલા ગુસ્સેથી બોલી કે, પછી એણે હાથ ઉપાડ્યો જ નહીં. પ્રીતિ ચૂપ થવાને બદલે હજુ કહી જ રહી હતી. આજ હું ચૂપ નહીં જ રહું, હું સાચી વાત કહું છું એની તકલીફ છે તમને. હવે મારે અહીં રહેવું જ નથી. હું જ થાકી છું. મારા પપ્પાને ફોન કરી અને બોલાવું છું નથી રહેવું મારે હવે અહીં." એમ કહેતા ફોન કરવા જ જતી હતી ત્યાં ભાવિનીએ ફોન પ્રીતિના હાથ માંથી ખેંચીને લઈ લીધો. એ નહોતી ઈચ્છતી કે, ભાભીના પિયરે આ ચર્ચા પહોંચે.

આજ ગજ્જર પરિવારનો ઝઘડો એટલો વધી ગયો કે શેરીમાં પણ બધા બહાર આવી જોવા લાગ્યા હતા. પ્રીતિ ખુબ રડતા રડતા બોલી રહી હતી.

અજયના ઘરની એકદમ સામેનું ઘર કે ત્યાં ક્યારેક પ્રીતિ જતી આવતી હતી. એ માસીએ બધું જ સાંભળ્યું હતું, એને પ્રીતિની દયા આવી એ અજયના ઘરે આવ્યા અને પ્રીતિને શાંત પાડવાની કોશિષ કરી રહ્યા હતા. પણ આજ જે પ્રીતિ સાથે થઈ રહ્યું હતું એ બધું જ કલ્પના બહારનું હતું. પ્રીતિએ એ માસીને કહ્યુ કે, હું તમારી સાથે તમારા ઘરે આવું છું. હું જ્યાં મારુ માન ન હોય ત્યાં હવે રહી શકું એમ જ નથી. માસી પણ પરિસ્થિતિને જાણીને પ્રીતિને એમની સાથે એમના ઘરે લઈ ગયા હતા.

શું પ્રીતિને પરેશભાઈ અને કુંદનબેન સમજી શકશે?
શું પ્રીતિ અને અજયનું ઋણાનુબંધ તૂટી જશે? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻