Runanubandh - 42 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ.. - 42

પ્રીતિ આજ કોલેજ ગઈ ત્યારે સૌથી પહેલા આસ્થાને મળી હતી. બન્ને ઘણા સમય પછી મળ્યા એટલે મળીને ખુબ જ ખુશ થઈ ગયા હતા. પ્રીતિને આસ્થા બોલી,"જે પતી ગયું એ ફરી યાદ ન કરજે. થઈ ગયું એ ગયું, આથી ભૂતકાળ યાદ કરી હાલની સ્થિતિને બગાડીશ નહીં."

બહુ જ ટૂંકમાં ખુબ ગહન વાત આસ્થાએ કરી હતી. અને સાચો મિત્ર એને જ કહેવાય ને કે, જે સાચી વાત અને સાચી સલાહ આપે. મિત્ર ભલે ઓછા હોય પણ એવા જ રાખવા જે સાચો માર્ગ અને હકીકત રજુ કરવાની ખેવના રાખતા હોય. બાકી અસંખ્ય મિત્ર હોય પણ અવળા રસ્તે ચડાવે અથવા સાચી વાત સ્વીકારવાની એમનામાં હિમ્મત જ ન હોય એવા મિત્ર શું કામના? અહીં પ્રીતિને આસ્થાએ ખુબ સરસ વાત કરીને મિત્રધર્મ નિભાવ્યો હતો.

અજય કોલેજે પહોંચ્યો એટલે સીધો જ રઘુકાકાને મળ્યો હતો. રઘુકાકાને પ્રીતિ આવી ગઈ એ સમાચાર આપ્યા હતા. રઘુકાકા ખુબ ખુશ થઈ ગયા હતા, એમણે અજયને કહ્યું પણ ખરું કે, અજય લગ્નજીવનમાં પ્રવેશ કર્યાબાદ આપણી ફરજ ફક્ત રૂપિયા કમાવાની જ નહીં પણ પોતાની પત્નીને એના દરેક સુખદુઃખમાં સાથ આપવાની પણ છે. આ વખતે જે ભૂલ થઈ એ ફરી ન થાય એ ધ્યાન રાખજે. અજયે કાકાની વાતને સહમતી આપતા હા પાડી હતી.

પ્રીતિને ઘરે આવ્યે અઠવાડિયું થવા આવ્યું, અજયે પ્રીતિને ભાવિનીની સગપણ માટે જે વાત ચાલી હતી એ જણાવી હતી. પ્રીતિ આ વાત સાંભળીને ખુબ ખુશ થઈ ગઈ હતી. એને તો એ પણ ખ્યાલ ન આવ્યો કે આ અજયે એટલે જ સામેથી પહેલ કરી હતી. એને ખુશ જોઈને અજય પણ ખુશ થયો અને મનમાં જ બોલ્યો, પ્રીતિ ખરેખર ખુબ નિર્દોષ છે, હું એને ખરેખર જાણી જ શક્યો નથી. ક્ષણિક અજયને પોતાના પર ખુબ ગુસ્સો આવ્યો હતો.

સીમાબહેન રજાઓમાં ઘરે આવ્યા ત્યારે એમણે પ્રીતિને ભાવિનીના સગપણ માટે જે વાત થઈ હતી એ રજુ કરી હતી. એમણે કહ્યું કે, "અમદાવાદના એક પરીવારમાંથી ભાવિની માટે સગપણની વાત ચાલી હતી. એક જ ભાઈ અને બહેનનો નાનો પરિવાર છે. છોકરાએ MBA કર્યું છે, એમના પપ્પાની જ કંપની સંભાળે છે. ગારર્મેન્ટની કંપની છે. બેન મોટી છે સાસરે છે. છોકારાનુંનામ સુજલ છે. ખુબ ધનાઢ્ય પરિવાર માંથી છે. બસ, એમનો ફોન આવે એટલે વાત આગળ વધે. આપણી ભાવિનીને તો સુજલ પસંદ જ છે. હજુ આપણે જવાબ આપ્યો નથી. તારી રાહ જ જોતા હતા."

"વાહ, આ તો ખુબ જ સરસ કહેવાય." ટૂંકમાં જ હરખ કરતા પ્રીતિએ કહ્યું હતું.

આ વાત થતી હતી ત્યારે જ હસમુખભાઇના ફોનમાં રિંગ રણકી હતી. ફોન સુજલના પપ્પાનો હતો.

"હેલ્લો હસમુખભાઈ, કેમ છો?"

"હું એકદમ મજામાં, તમે કેમ છો?"

"હું પણ મજામાં. મેં ફોન એટલા માટે કર્યો હતો કે, સુજલને ભાવિની પસંદ છે, તો જો ભાવિની પણ આગળ વધવા ઈચ્છતી હોય તો તમે બધા અહીં અમારા ઘરે આવો, ઘર જોઈ જાવ, અને જો ભાવિનીને બધું પસંદ પડે તો સુજલ અને ભાવિનીનું સગપણ કરીએ."

"અરે વાહ સરસ સમાચાર આપ્યા તમે. અમારી ભાવિનીને પણ સુજલ પસંદ જ છે. અમે નક્કી કરીને તમારે ત્યાં આવશું. જે નક્કી કરીયે એની હું તમને થોડા દિવસોમાં જ જાણ કરું છું. ઘરે બધાને યાદી આપજો."

"હા ચોક્કસ. તમે પણ અમારી યાદી બધાને આપજો."

હસમુખભાઈ ઘરે બધાને ખુશી સમાચાર આપ્યા, સાથોસાથ એમ પણ બોલ્યા, "પ્રીતિ તું આ ઘર માટે ખુબ નસીબદાર છે. તું આવી અને વાત પાકી થઈ ગઈ!"

"ના ના પપ્પા, ભાવિનીબેન છે જ એટલા સરસ તો હા તો આવવાની નક્કી જ હતી." સહસ્મિત પ્રીતિ બોલી હતી.

અજયે આવતા રવિવારે જ અમદાવાદ સુજલને ત્યાં જવાનું નક્કી કર્યું, જેથી બધા જ એ દિવસે ફ્રી હોય તો આરામથી થોડીવાર વાત પણ થાય!

હસમુખભાઈનો પરિવાર સુજલના ઘરે પહોંચ્યો હતો. ખુબ જ આલીશાન ફાર્મહાઉસ જેવા બંગલામાં ગાડી પ્રવેશી હતી. સીમાબહેન તો પહોળી આંખ કરીને બધું જોઈ જ રહ્યા હતા. ખુબ ધનાઢ્ય પરિવાર હતો આથી આગતાસ્વાગતામાં તો શું કમી રહે? સુજલના મમ્મીએ તો ભાવિનીને શુકનનો એક પાર્ટીવેર ડ્રેસ અને સોનાનો સિક્કો કે જેને ગીની કહે એ આપી જ દીધા હતા. ખુબ જ મોટો વહેવાર જોઈને સીમાબહેન ખુબ ખુશ હતા. સગાઈનું મુરત પણ આ મુલાકાત દરમિયાન જ કાઢી લેવામાં આવ્યું હતું. બધું જ એટલું જલ્દી થઈ રહ્યું હતું કે ભાવિનીને તો આ એક સુંદર સપના સમાન જ લાગતું હતું.

ભાવિની અને સુજલની સગાઇ એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં જ રાખી હતી. બધી સગવડથી પરિપૂર્ણ એ રેસ્ટોરન્ટ હતું, જ્યાં બધી જ જાતના ફૂડ કોર્નર, ગેમ ઝોન, જિમ એરિયા, કિડ્સ કોર્નર પણ હતું. એકદમ સુંદર જગ્યાએ ભાવિની અને સુજલની સગાઇ થઈ ગઈ હતી. સીમાબહેન તો એમનો વહેવાર જોઈને જ છક થઈ ગયા હતા. પોતાની દીકરી માટે એટલા ખુશ રહેતા હતા કે, હવે પ્રીતિને હેરાન કરવાનો એમની પાસે સમય જ નહોતો.

પ્રીતિ અને અજયનો આ સમય ખુબ જ સરસ વીતી રહ્યો હતો. બંને એકબીજાને સમય પણ આપી શકતા હતા, અને સ્ટડીમાં પણ ધ્યાન આપતા હતા. એ બંને ખુશ હતા આથી ખુબ સરળતાથી સ્ટડી યાદ રહેવા લાગ્યું હતું. પ્રીતિને ફાઇનલ પીએચડી ની પરીક્ષા અને ભાવિનીના મેરેજની તૈયારી બધું જ એકસાથે હતું. છતાં પ્રીતિ બધું જ સેટ કરી લેતી હતી. ભાવિની અને પ્રીતિ વચ્ચે પણ સરસ સેતુ બંધાય રહ્યો હતો. એકંદરે બધું જ અનુકૂળ લાગવા લાગ્યું હતું.

પ્રીતિ ની પરીક્ષા પણ સારી ગઈ હતી. આથી સ્ટડીની ચિંતા હવે નહોતી. પ્રીતિ ભાવિનીના લગ્નનું બધું જ કામ હસતા મોઢે કરી રહી હતી.

પ્રીતિ આજ ઘરે એકલી હોવાથી એણે પોતાના મમ્મીને ફોન કર્યો હતો. પ્રીતિના વાત કરવાના અંદાજથી ખરેખર એ ખુબ જ ખુશ હતી એ જણાઈ રહ્યું હતું. બહુ સમયબાદ પ્રીતિની વાત કરવાનો લહેકો જેવો હતો એવો જ સંભળાઈ રહ્યો હતો. કુંદનબેન આજ પ્રીતિ સાથે વાત કરીને ખુબ જ ખુશ થઈ રહ્યા હતા.

પ્રીતિ ભાવિનીની બધી જ ખરીદીમાં સાથે ગઈ હતી. પ્રીતિની અનુકૂળતા જોઈને જ ભાવિની ખરીદીનો સમય સેટ કરતી હતી. આ વાતનું દુઃખ સીમાબહેનને થતું જ હતું પણ એમની જોબ ગામડે હોવાથી એમનું બધી જ જગ્યાએ આવવું શક્ય નહોતું જ. બધી જ ખરીદી થઈ ગઈ હતી, ઘરેણાંની ખરીદી માટે સીમાબહેન ભાવિની જોડે ગયા હતા. બધું જ મેરેજનું પ્લાનિંગ થઈ ગયું હતું.

ભાવિનીના મંડપમૂહર્તમાં સીમાબહેને પ્રીતિને છાબમાં આપેલ સોનાનો સેટ ભાવિનીને પહેરાવ્યો હતો. એ સેટ કાયમ સીમાબહેન એમની પાસે જ રાખતા હતા. આજ એમણે પ્રીતિને પહેરવા આપવાના બદલે ભાવિનીને પહેરવા કહ્યું, આ વાતનું દુઃખ પ્રીતિને ખુબ થયું હતું. એ દુઃખી થઈ રડી જ પડી હતી. પણ કઈ બોલી શકી નહીં. અજય પ્રીતિનો મૂડ બગડેલો જોઈને પૂછવા લાગ્યો કે, શું થયું? પ્રીતિએ એના મનમાં જે હતું એ કહ્યું હતું. અજય કહે એમાં શું? આટલી નાની વાતમાં દુઃખ લગાડે છે. પ્રીતિ કહે એ મને છાબમાં આપેલ હાર છે મેં ક્યારેય પહેર્યો જ નથી, તો મમ્મીએ એકવાર મને પૂછવું તો જોઈએ જ ને!

અજયને થયું કે, હું મમ્મી જોડે વાત કરી ને પ્રીતિના મનનું સમાધાન કરાવું પણ સીમાબહેને તો અજયની વાત સાંભળી ન સાંભળી કરીને જવા દીધી હતી. પ્રીતિના કાકીજી સાસુનું એમાં ધ્યાન ગયું, એ તો પ્રીતિને બોલ્યા, આ તારો હાર તે કેમ નથી પહેર્યો? પ્રીતિ પાસે એનો કોઈ જવાબ જ નહોતો. આ બાબતની અસર પ્રીતિને એટલી થઈ કે, એને એમ જ લાગ્યું કે, મારા ઘરેણાં ફક્ત દેખાડવા માટે જ આપ્યા હતા. મારો એમાં કોઈ હક જ નથી. સીમાબહેનનું આવું પ્રસંગમાં વર્તન સારું નહોતું છતાં પ્રીતિ બધું ભૂલીને ભાવિની માટે હસતા ચહેરે જ હતી.

લગ્ન એટલી ધૂમધામથી થયા હતા કે, ત્યાં હાજર લોકો વખાણ કરતા થાકતા નહોતા. આજ ભાવિનીની જયારે વિદાય થઈ રહી હતી ત્યારે એને સમજાણું કે, ભાભી કેટલી આશા સાથે સાસરે આવ્યા હશે! ભાવિનીએ જે ભાભી સાથે ગેરવર્તન કર્યું એ આજ સમજાઈ રહ્યું હતું. વિદાઈ વખતે ભાવિની પ્રીતિને ભેટીને રડી જ પડી હતી. હા, આ આંસુઓ વિદાયની પીડાના નહીં પણ પોતાનાથી ભાભીને જે અજાણતા જ પીડા આપી હતી એ અફસોસના હતા.

ભાવિનીની વિદાય બાદ કેવી હશે પ્રીતિ અને અજયની જિંદગી?
શું થશે પીએચડીની થીસીસ લખવામાં પ્રીતિને અડચણ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻