Runanubandh - 41 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ.. - 41

અજયે કોઈ જ પ્રતિભાવ આપ્યો નહીં. આથી સીમાબહેને ફરી વાત પર ભાર મુકતા કહ્યું, "અજય તે સાંભળ્યું ને?"

"હા, મેં તમારી વાત સાંભળી પણ મને એ બિલકુલ નહોતું ગમ્યું કે, એણે તમારી સાથે ઉંચા અવાજે વાત કરી અને મનફાવે તેમ એ બોલી હતી."

"દીકરા! તારી વાત સાચી છે પણ આ સમયે ભાવિનીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપણે આગળ ચાલવું જ પડશે. કાલ જો ભાવિનીનું નક્કી થશે તો પ્રીતિ નહીં હોય તો સમાજમાં શું ઈજ્જત રહેશે! હું બહુ લાબું વિચારીને કહું છું."

"પણ મમ્મી એકવખત તો સાચું સામે આવશે જ ને! તો પછી ખોટું બોલીને આગળ વધવાનો શો મતલબ?" અજયે વાત ટાળવાની કોશિષ કરી હતી.

"પણ જે થયું એમાં તે પણ એને સરખો જવાબ આપ્યો જ ને! તો હવે એ શું વિચારે છે એ જાણી લે પછી તને જેમ યોગ્ય લાગે એમ વધજે."

"સારું મમ્મી" એમ કહી અજયે પ્રીતિને ફોન લગાડ્યો હતો.

પ્રીતિના ફોન પર અજયના નામની રિંગ રણકી હતી. પ્રીતિ ખુશ જ થઈ ગઈ હતી. બહુ રાહ જોયા બાદ આજ અજયનું નામ ફક્ત દેખાયું તો પણ પ્રીતિ રાજી થઈ ગઈ હતી. સાંજનો સમય હતો આથી કુંદનબેન અને પરેશભાઈ પણ પ્રીતિની સાથે જ બેઠા હતા. પ્રીતિએ કહ્યું કે, "પપ્પા અજયનો ફોન છે. અજય ને હું શું કહું?"

"તું પહેલા સાંભળ કે એ શું કહે છે. પછી મને ફોન આપજે."

પ્રીતિએ ફોન ઉપાડ્યો, "હેલ્લો."
આટલું જ તો પ્રીતિથી માંડ બોલી શકાયું હતું.

અજય પણ ખુબ સમય બાદ પ્રીતિનો અવાજ સાંભળીને થોડો એ અવાજમાં ખોવાય જ ગયો હતો. એને વર્ષો પહેલા એ બંને જે વાતો કરવા તડપતા હતા એ દિવસો યાદ આવી ગયા. પણ તરત વાસ્તવિકતામાં આવી એણે પ્રીતિને પૂછ્યું, "તારો શું વિચાર છે? તારે અહીં આવવાનું છે?"

"પ્રીતિ એટલું જ બોલી હા, પણ તમે પહેલા મારા પપ્પા સાથે વાત કરો. હું એમને ફોન આપું છું."

"ઓકે આપ."

"હેલ્લો કેમ છો અજયકુમાર?"

"હેલ્લો પપ્પા મજામાં છું."

"બેટા પ્રીતિ ત્યાં આવશે જ. પણ એ પહેલા હું ઈચ્છું છું કે આપણે એકવાર બહાર ક્યાંક મળીયે."

"ઓકે પપ્પા ક્યાં મળશું?"

"મારે થોડા કામથી આ રવિવારે અમદાવાદ આવવાનું છે તો તમને ત્યારે ફાવશે?"

"હા, ફાવશે તો મળીયે ત્યારે." ખપ પૂરતી જ વાત કરી બંનેએ ફોન મુક્યો હતો.

પરેશભાઈ જે સ્થળે મળવાનું હતું એની માહિતી અને સમય અજયને મેસેજથી જણાવી દીધા હતા.

પરેશભાઈ અને કુંદનબેન બંને અજયને મળવા માટે ગયા હતા. અજય એમની પહેલા જ આવીને ત્યાં બેઠો હતો. જેવો એ પરેશભાઈ અને કુંદનબેનને મળ્યો કે તરત એમને પગે લાગ્યો હતો. પરેશભાઈ અને કુંદનબેને બંનેએ એને ખુશ રહોનાં આશીર્વાદ આપ્યા હતા.

પરેશભાઈએ વાતની શરૂઆત કરતા કહ્યું, જો પ્રીતિની ભૂલ છે જ અને મેં એને સમજાવી પણ છે કે, સાસરે આમ ક્યારેય વાત નહીં જ કરવાની. તારે જે કહેવું હોય એ તું કહે પણ બધી જ વાત શાંતિથી કરજે. આમ તારે બીજીવાર બોલવાનું જ નથી. એ સમજી જ ગઈ છે. પણ કુમાર તમારે પણ થોડો એને સાથ આપવો, કામ જેવી નાની વાતમાં આમ ઝઘડો એ તમને ડોક્ટરને શોભે? અને પ્રીતિ ઉપર હાથ ઉપાડવાનો વિચાર પણ તમને શોભે ખરો?

ના..પપ્પા ન જ શોભે. મને પણ મારી ભૂલ સમજાણી છે. હું મારી એ ભૂલની માફી માંગુ છું. હું બીજીવાર આવું ક્યારેય નહીં કરું. મને માફ કરી દયો.

પરેશભાઈને અજયના અવાજમાં સચ્ચાઈ છલકતી દેખાણી હતી. પણ કુંદનબેનને આ સત્ય ની પાછળ કંઈક બીજી વાત હશે જ એવી શંકા ગઈ હતી. કુંદનબેન ખુબ હોશિયાર હતા બસ, પ્રીતિના સગપણમાં ધાપ ખાય ગયા હતા.
કદાચ વિધાતાનું લખેલું ઋણાનુબંધ જ ભાગ ભજવી ગયું હતું. પરેશભાઈ અને કુંદનબેને આ પહેલી ભૂલ માફ કરીને એમનું દાંપત્યજીવન સારું રહે એ હેતુથી પ્રીતિને ફરી ત્યાં મોકલવાની ઈચ્છા જણાવી હતી.

પરેશભાઈ અને કુંદનબેન બંને જેમ પ્રીતિને લઈ આવ્યા હતા એમ જ પ્રીતિને ફરી ભાવનગર મુકવા પણ આવ્યા હતા. એ બંનેનો શ્રેય દીકરીને ખુશ જોવાનો જ હતો. એમના વિચાર એવા બિલકુલ નહોતા જ કે દીકરીના પિતા હંમેશા નમતા જ મુકવા આવે. પણ આ પ્રીતિના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા હતા.

ભાવનગર બંને વેવાઈ અને વેવાણે એકબીજાને અનુરૂપ જરૂરી સૂચનાઓ અને માફી માંગીને પ્રીતિ અને અજયના જીવનમાં નવી શરૂઆત લાવવાની કોશિષ કરી હતી. બધાની નજરમાં આજ ફક્ત એક આશા જ હતી કે, બંને બાળકો શાંતિથી પોતાનું જીવન જીવે અને આગળ વધે.

પ્રીતિ પોતાના ઘરમાં આજ એક મહિનાથી વધુ સમય બાદ ઘરે આવી હતી, પ્રીતિને ઘરમાં પગ મુકતા જ જૂનું બધું યાદ આવી રહ્યું હતું, છતાં એ જાત સાચવતા બધા જ વિચારો ખંખેરીને અંદર પ્રવેશી હતી. અજયનો ચહેરો એણે જોયો અને એ ફરી પહેલા જેવી લાગણીમાં જ ખોવાય ગઈ હતી. અજયે પણ પ્રીતિ તરફ નજર કરી અને હળવા સ્મિત સાથે આવકાર આપ્યો હતો.

ભાવિની પણ ભાભી પાસે આવીને એમને ભેટીને આવકાર આપી ગઈ હતી. નણંદભોજાઇના સબંધની ખટાશ એક જ આલિંગનમાં ઓગાળી ગઈ હતી.

મારુ જ કહેવાતું બધું જ મારુ હતું,
પરિવારમાં નામ મારુ પણ જોડાયું હતું,
સંકોચ હતો કે હતું અધૂરું સમર્પણ?
દોસ્ત! આવકારની રાહે દિલડું ઘણી વાટ જોતું હતું.

સીમાબહેનના હાથની સ્વાદિષ્ટ રસોઈ ખાઈને પરેશભાઈ અને કુંદનબેન પ્રીતિની જવાબદારી ફરી અજયના હાથમાં સોંપીને પોતાને ઘેર જવા નીકળ્યા હતા.

આખો દિવસ પ્રીતિ અને અજય પોતાના કામમાં વ્યસ્ત હતા. રાત્રે બધું જ કામ પતાવીને પ્રીતિ પોતાના રૂમમાં આવી ત્યારે અજય એનું સ્ટડી કરી રહ્યો હતો. પ્રીતિએ રૂમમાં આવીને અજયની માફી માંગી અને બીજી વખત એ આવું ખરાબ વર્તન ક્યારેય નહીં કરે એનું વચન પણ આપ્યું હતું. અજયે એના સ્વભાવ અનુસાર કંઈ જ ન કહ્યું, ફક્ત પ્રીતિને પોતાની બાહુપાશમાં લઈ લીધી હતી. ખુબ લાંબી જુદાઈ બાદનું આજનું મિલન બંનેના મનને ટાઢક આપી રહ્યું હતું. થોડીવાર બંને એમ જ એકબીજાને ભેટી રહ્યા હતા. અજયે સેજ દૂર હટી પ્રીતિનો ચહેરો પોતાના બંને હાથમાં પહેલી રાત્રે જેમ પકડ્યો હતો એમ જ એણે પકડ્યો, અને બંને એકબીજાની આંખમાં પોતાનું વ્યક્તિત્વ ખોળી રહ્યા હતા. અજયે પ્રીતિના હોઠ પર એક પ્રગાઢ ચુંબન કર્યું અને બંને એકબીજાની લાગણીમાં મોહિત થઈ ગયા હતા. ફરીથી નવજીવનની રોમાંચક સફરને માણતા બધી જ તકલીફને દૂર કરી બંને એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયા હતા.

નફરતની છાયાને પ્રેમમાં પરિપૂર્ણ કરી આપું,
આવ જરા સમીપ તને પ્રેમની મીઠાશ આપું,
દર્દે આપ્યો એ જખ્મ ને પ્રેમથી પંપાળું,
દોસ્ત! તારા હોઠને સ્પર્શી સંપૂર્ણ મારુ સમર્પણ આપું.

પ્રીતિ અને અજયે પોતાના મનની કડવાશને દૂર કરી નાખી હતી. આજ બંનેના મનને ખુબ શાંતિ મળી હતી.

પ્રીતિ પોતાના નિત્યક્રમ મુજબ જ સવારે ઉઠીને પોતાનું કામ પતાવી રહી હતી. કામ કરતા એને એના મમ્મીના શબ્દો યાદ આવ્યા હતા, "તું ચિંતા ન કર, જે થાય એ સારા માટે જ થાય છે." આજ પ્રીતિને એ શબ્દો સાચા જ લાગી રહ્યા હતા. પ્રીતિ આજ ખરેખર ખુબ જ ખુશ હતી.

શું થશે ભાવિનીના સગપણ બાદ પ્રીતિના જીવનમાં બદલાવ?
શું પ્રીતિ અને અજયનો આ સમય જીવનમાં કોઈક નવો જ વણાંક લાવશે? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻