Nathalal's Prison Diary books and stories free download online pdf in Gujarati

નાથાલાલની જેલ ડાયરી


નાથાલાલ પારેખ: મને મારું નામ ખૂબ જ ગમે છે કારણ કે તેનો અર્થ છે: 'શાસક'. કમનસીબે, આખી જીંદગી બીજાના મોઢે મારું વાસ્તવિક પૂરું નામ સાંભળવાની ઈચ્છા, એક તૃષ્ણા બનીને રહી ગઈ. મારી આસપાસની દરેક વ્યક્તિ; મિત્રો હોય કે કુટુંબીજનો, મને મારા અસલ નામ સિવાય બીજા બધા નામથી બોલાવતા. સમજી ગયા ને; જેમ કે, નાથયા, નથ્થુ, નાથયો, અને બીજું કેટલું એ!! આ બાબતથી મને ખૂબ ચીડ ચડતી.

ખેર, અત્યારે હું માચીસની ડબ્બી જેટલા રૂમમાં કેદ થઈને બેઠો છું, જે અંધારિયું, દુર્ગંધયુક્ત અને બારી વિનાનું છે. એક નાનો ઝીરો વોટનો બલ્બ ઉપર લટકી રહ્યો છે જેના લીધે મને દેખાય છે કે હું શું લખી રહ્યો છું. હજી તો માંડ બાર મહિના જ વીત્યા છે. મારે બીજા બે લાંબા નિરાશાજનક વર્ષો સુધી અહીં રહેવું પડશે. હું જેલમાં સજા ભોગવી રહ્યો છું અને જેમ શીર્ષક સૂચવે છે, તેમ, હું મારી જેલ ડાયરી લખી રહ્યો છું; મારા નાણાકીય દુષ્કૃત્યનો ખેદજનક ઘટનાક્રમ.

આ બધું કેવી રીતે શરૂ થયું અને હું કેવી રીતે લોકઅપમાં આવ્યો, તે હું તમને જણાવું. આ છે મારી ગરીબીથી ધનવાન અને પછી સજા સુધીની કહાની!

આઠ સભ્યોના કુટુંબમાં જન્મીને મોટા થતાં, ગરીબી અમારો સતત સાથી હતો; પરિસ્થિતિ એવી હતી કે રોજ કૂવો ખોદો, ને રોજ પાણી પીવો. મારું આખું કૉલેજ જીવન ફક્ત ત્રણ શર્ટ, બે ઝાંખા જીન્સ અને ચાર વખત રિપેર કરેલી ચપ્પલમાં વીત્યું. અમને જન્મદિવસની ઉજવણીનો અર્થ ખબર જ નહોતી. તહેવારોમાં ઘરે ફકત પૂજા થતી.

ડગલે ને પગલે અમને અમારી ઝીણી ઝીણી ઈચ્છાઓને દબાવી પડતી હતી. આ વધતી જતી નિરાશાએ મારામાં આગ સળગાવી અને હું અમારા સંજોગોને તીવ્રતા અને ઝડપથી બદલવા માંગતો હતો. મારું સપનું માત્ર પૈસા કમાવવાનું નહોતું, પણ પૈસા છાપવાનું હતું; અઢળક દોલત અને એ પણ ફટા ફટ.
"દોસ્તો, મારી પાસે અમુક તેજસ્વી યોજનાઓ છે. જો તમે બધા મને સાથ આપશો, તો આપણે ટૂંક સમયમાં એટલા સમૃદ્ધ બનીશું, કે પૈસા આપણા માટે પૈસા બનાવશે."
મેં વિશ્વાસુ મિત્રોના ગ્રુપની સામે મારું હૃદય ખોલ્યું અને અમે મંડી પડ્યા.

હું કમ્પ્યુટર્સમાં માહિર છું અને હેકિંગમાં મારી માસ્ટરી છે. ચાલો, પહેલા હું તમને મારા અપરાધની મહત્વપૂર્ણ પ્રાથમિક બાબતો સંક્ષેપમાં સમજાવવું: ફિશિંગ! ફિશિંગ સાયબર ક્રાઇમનો એક પ્રકાર છે જે લોકોને તેમની અંગત માહિતી જેમ કે પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર વગેરે આપવા માટે છેતરે. સીધી અને સરળ ભાષામાં કહીએ, તો અમે ઘેટાંના વસ્ત્રમાં વરુ હતા; એટલે વિશ્વાસપાત્ર વ્યક્તિનો ઢોંગ કરીને તેમના બેંક ખાતાઓને આખા સાફ કરી નાખતા. પછી શું? તેમના બધા પૈસા અમારા!!

"મિત્રો, આપણે એન્ટી સ્પામ સોફ્ટવેર બનાવીશું અને બેંક ગ્રાહકોને કપટપૂર્ણ ઈમેલ મોકલીશું. પરંતુ તે વાસ્તવમાં વપરાશકર્તાઓને છેતરવા માટે ટ્રોજન વાયરસ હશે."
આ દુષ્કર્મ સંપૂર્ણ રીતે સફળ સાબિત થયું. નાણાં, રોકડા પૈસા, ભારે મોટી રકમમાં પાણીના ધોધની જેમ વહેવા લાગ્યા. મારો પરિવાર મારા ગુનાથી સાવ અજાણ હતો. તેમના માટે હું બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતો હતો. ટૂંક સમયમાં, હું મારા સપનાનું જીવન જીવવા લાગ્યો: મોટું ઘર, વધુ સારા કપડાં અને વૈભવી વસ્તુઓ જેની માલિકીનું અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

“હેલો, શ્રી નાથાલાલ પારેખ? સર, તમારી નવી કાર ક્યારે પહોંચાડીએ?"
મારો મોબાઈલ સ્પીકર પર હતો અને પપ્પાએ તે વાત સાંભળી. "ઓહ હો, શ્રી નાથાલાલ પારેખ હં!?"
મેં હસીને ગર્વથી કહ્યું, “પપ્પા, હવે હું નથ્થુ કે નાથયો નથી રહ્યો. વાસ્તવમાં, મહિમા માણસનો નહીં એમની શ્રીમંતાઈનો હોય છે. ભલે, આ કીર્તિ મારી નથી, આપણી સંપત્તિને લીધે છે, પણ આખરે, કોઈએ તો મને શ્રી નાથાલાલ પારેખ કહીને સંબોધીત કર્યો.”

સર્વશ્રેષ્ઠ વસ્તુઓ અને હું ઇચ્છતો હતો તે બધું હોવા છતાં, મારામાં એક અસ્પષ્ટ શૂન્યાવકાશ સ્થાયી થઈ ગયો હતો. હું દિલથી ખુશ નહોતો, ઊલટું, મારી રાતો નિદ્રાહીન બની ગઈ અને ૨૪/૭ એક વિચિત્ર ડરે મને તેની ગિરફતમાં મજબૂત જકડી રાખ્યો હતો.

હું ક્ષણભર ભૂલી ગયો હતો કે બધી સારી વસ્તુઓનો એક દિવસ અંત આવે જ. જે ખાડો ખોદે તે પડે! લૂંટના સાત વિજયી વર્ષો પછી, મારો પત્તાનો કિલ્લો તૂટી પડ્યો. ભૂલથી, અમારા ગ્રાહકોમાંથી એક પોલીસ અધિકારીનો સંબંધી નીકળ્યો. તેની શંકાને કારણે પદ્ધતિસરની તપાસની સાંકળ ઊભી થઈ અને આખરે કાનૂનના લાંબા હાથ મારી ગરદન સુધી પહોંચ્યા.

"શ્રીમાન નાથાલાલ પારેખ, તમને ફિશિંગ અને અન્ય સંબંધિત સાયબર ક્રાઈમ માટે ગિરફ્તાર કરવામાં આવે છે!”
જ્યારે પોલીસ અધિકારીએ મારું આખું નામ કહ્યું ત્યારે મારી અંદર કેવી ભાવના ઉપડી હશે?

તો...જોયું તમે? આવી રીતે હું અહીંયા પહોંચ્યો, જ્યાં આજે લોકઅપમાં બેસીને હું મારા ગુનાનું વર્ણન મારી જેલ ડાયરીમાં કરી રહ્યો છું. જ્યારે હું અહીંથી બહાર નીકળીશ, ત્યારે નાથાલાલ પારેખ ચોક્કસપણે એક પરિવર્તિત માણસ હશે, અલબત્ત બહેતરી માટે; એક એવી વ્યક્તિ જેના પર તેના માતાપિતા વિશ્વાસ કરી શકે.

જો તમને વાર્તાની નૈતિકતા સમજાઈ ન હોય, તો ચાલો હું તમને જણાવું કે મારા આ યુવાન જીવનમાંથી હું શું શીખ્યો. એક: પૈસા ખુશી નથી ખરીદી શકતો. બે: પ્રામાણિકતા શ્રેષ્ઠ નીતિ છે, સફળતા માટે કોઈ શોર્ટકટ નથી.

પણ….પણ…. આ બધી ડાહી ડાહી વાતો પછીએ, પેલી કહેવત તો સાચી જ રહેશે ને, "નાણાં વગરનો નાથિયો, નાણે....." 😉

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
____________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=