Barbrakjishnu - Jaisingh Siddhraj - 13 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 13

Featured Books
Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 13

૧૩

ખર્પરક પોતાની યોજના ઘડે છે

કોઈકે વિજયાને ભગવાન શંકરની સખી માની છે. ભગવાન શંકરની તો એ સખી હોય કે ન હો, પણ ખર્પરકની તો એ પ્રિયતમા હતી. જ્યારે-જ્યારે દુનિયાને વિસ્મય પમાડે તેવાં પરાક્રમ કરવાની ખર્પરકને ઈચ્છા થઇ આવતી – અને એવી ઈચ્છા એને વારંવાર થાતી – ત્યારેત્યારે ભગવાન શંકરની આ સખીની એ આરાધના કરતો. એ રા’નો ગુપ્તચર હતો એ તો અકસ્માત – બાકી કોઠાવિદ્યા તે મહાચોરની હતી. હમણાં એવો પરાક્રમ કરવાનો સમય આવ્યો હતો, એટલે ખર્પરકે વિજયાનું વધારે આરાધન શરુ કર્યું. રા’ને તે દિવસે એણે જોયા નહિ ને પોતાને પાટણ પાછું ફરવું પડ્યું, ત્યાર પછી એણે વિજયાની માત્રા વધારી દીધી. એમાંથી એને સ્વપ્ન આવ્યું કે કહો ન કહો, પણ રા’ નવઘણ તો હજી પાટણમાં જ છે – જયસિંહદેવનો અતિથી છે. રાજમહાલયની પાસે ભમતાંભમતાં એને સૂઝી આવ્યું કે રા’ નવઘણ આટલામાં જ છે.

આ બધું તો એને મળ્યું, પણ એમાંથી રા’ને છોડાવવો એ તો સિંહના મોંમાંથી શિકાર ઝડપવા જેવું હતું. પરંતુ નાની ચોરી ખર્પરક કરતો નહિ અને મોટી ચોરી મૂકતો નહિ. એણે મનથી નિશ્ચય કર્યો કે રા’ નવઘણને જો એની નજરકેદમાંથી છોડાવું તો હું ખર્પરક સાચો.

જયસિંહદેવ હવે એને ક્યાંક છોડી મૂકે નહિ, એની ચિંતા ખુદ પાટણના તંત્રવાહકો કરતાં પણ ખર્પરકને વધારે થવા માંડી. દુનિયા-આખી આંગળાં મોંમાં નાખીને એના પરાક્રમ સંભારે એવો આ મોકો હતો. જૂના વખતમાં જ્યારે એના બાલમિત્ર કપર્દક સાથે રહીને ઉજ્જૈનીના મહાકાલમંદિરમાં એ જુગારની અઠંગ ઉપાસના કરતો હતો. ત્યારથી એક વરસોણ ત્યાંથી બાંધી આવ્યો હતો. આખા વરસમાં એક-બે પરાક્રમ ત્યાં ભવાની મને ચરણે મૂકી આવે – ભગવાન શંકરનાં ચરણે નહિ, મા ભવાનીના ચરણે. એ ઉપાસક મા ભવાનીનો. એમ થાય તો જ વરસ સુધરે. ખર્પરક અને કપદર્ક એ ચિંતામાં હતા. દિવાળી તો ઉપર આવી રહી હતી. હજી કોઈ એવું પરાક્રમ થયું ન હતું. વરસ ખાલી જવાનો ભય ઉત્પન્ન થયો હતો. એટલામાં આ પરાક્રમ કરવાની તક આવી તેથી બંનેના અંતર આનંદી ઊઠ્યાં. રાજાના પરાક્રમની તો કવિઓ પ્રશસ્તિ ગાયા કરશે, પણ લોકો ઘેરઘેર બે ઘડી ગમ્મત પણ કરે ને ચોરીચોરી વચ્ચે રહેલાં મહાન ભેદનું જ્ઞાન પણ મેળવે, ને આનંદવિનોદ સાથે ખાપરા કે કોડિયાને સંભાર્યા કરે, એ એમને મન મોટી વાત હતી. એટલે તો એ રા’ખેંગારના અક્સ્માતી સમય પૂરતા ગુપ્તચર ખરા, છતાં કાંઈને કાંઈ પરાક્રમ તો ખાપરા-કોડિયાને નામે આખા વરસમાં ચડાવી લેતા. લોકોના મનમાં કોઈક બે અજાણ્યા મહાચોર તરીકે ખાપરા અને કોડિયાનાં નામ રમી રહ્યાં હતાં. લોકો માનતા કે એ બંને તો ઉજ્જૈનીના મહાકાલમંદિરના ચોગાનમાં બેઠાબેઠા માની સામે આખો દિવસ ચોપાટ ખેલતા. મા મહાકાળીને નામે પરાક્રમ કરવાનું મન થાય ત્યારે જ તેઓ ઊઠતા. આ ખાપરા-કોડિયાને મહાકાલમંદિરમાં ચોપાટ ખેલતા જોનારાઓનો પાટણમાં તોટો ન હતો. કોઈ ને કોઈ પરાક્રમ દર વર્ષે ખાપરો ને કોડિયો કરી જાવાના. આ વર્ષે પણ કરવાના. ક્યારે કરવાના એ નક્કી નહિ. પણ કરવાના એ ચોક્કસ. ગયે વર્ષે જ ખાપરા-કોડિયાએ ભૃગુકચ્છની લાટની રાજકુમારીની મૌતિકમાળા કોણ જાણે કેમ ઊપાડી, પણ જાતી ઉજ્જૈનીના મહાકાલમંદિરમાં ભવાનીની ડોકમાં એ દેખાણી ત્યારે જ સૌને ખબર પડી કે એ તો ખાપરા-કોડિયનાં કામ.

આ ખાપરા-કોડિયાનાં નામે આ વખતે જબરદસ્ત પરાક્રમ ચઢાવવાનું ખર્પરક-કર્પદકને મન હતું. એટલામાં જયસિંહદેવને ખુદને હાથતાળી દેવાનો આ પ્રસંગ આવ્યો.ખર્પરક પોતાની બાળસખી વિજયાનું પાન કરી રહ્યો હતો. હરક્ષણે એ કપદર્કના આવવાની રાહ જોતો હતો. એણે એમનું મળવાનું સંકેતસ્થાન પણ એવું જ ગોઠવ્યું હતું. હિંગળાજ ચાચરના ઓવારા પાછળ, મહાન સ્મશાની મેદાનની પેલી મેર સરસ્વતીના ઘેરાં ગંભીર પાણી વહેતાં હતાં. લોકોની કલ્પનાએ આ નીરને અનેક રંગ આપ્યા હતા. ખર્પરક- કર્પદક ત્યાં મળતા. ત્યાંથી નદીપારનું ઘોર જંગલ શરુ થતું હતું. એટલે સંતાવું હોય તોપણ ત્યાં ફાવતું. ખર્પરક પાટણમાં રોજ રખડતો ને  બેકાર તરીકે દ્રમ્મ મેળવી લેતો. કર્પદક ભાગ્યે જ દેખાતો. પણ એ પાટણમાં જ પડ્યોપાથર્યો રહેતો. કોઈક મોટું પરાક્રમ કરીને પાટણનું નાક કાપવાની કુમાર ખેંગારની ઘેલી ઈચ્છાના આ પણ બે પ્યાદાં હતાં.

કર્પદક આવ્યો. ખર્પરકે એની સામે ભાંગ ધરી: ‘અલ્યા પી, થોડી પી; મદ્ય પીનારા મંદબુદ્ધિ થાય છે, પણ આને સેવનારા તો ત્રિલોકના સ્વપ્નાં નીરખે છે! પી! પી! સરસ્વતીનાં જળ એમાં પણ ભળ્યાં છે!’

પણ કર્પદક ચિંતામાં હતો. ખર્પરક હસી પડ્યો: ‘અલ્યા, તારો આ સોગિયો સ્વભાવ આળસ્યો જ નહિ.’

‘દિવાળી આ માથા ઉપર ગાજે છે - માને ચરણે ધરવાનું હજી તો કોઈ આભૂષણ પણ મળ્યું નથી.. હવે તે લેવું પણ શું? અમૂલખ વસ્તુ ક્યાં રહી છે?’

‘એ બધું હવે થઇ રહેશે. પહેલાં તું આ પી લે એટલે તારી બુદ્ધિ કામ કરવા માંડશે!’

કર્પદકે ભાંગની લોટી ઉઠાવી, બે-ચાર છાંટણાં મા મહાકાલીને નામે પૃથ્વી ઉપર છાંટ્યાં પછી આખી લોટી એ ઊડાવી ગયો.

‘જો, હવે સાંભળી લે,’ ખર્પરક બોલ્યો: ‘રા’નવઘણ જયસિંહદેવની નજરકેદમાં છે, એમને છોડાવવાના છે!’

‘અલ્યા, તેં ભાંગબાંગ પીધી છે કે શું?’

‘ભાંગ તો આપણે બંનેએ પીધી છે, ત્યારે તો આ સૂઝ્યું છે.’

‘પણ એમને છોડાવવા સહેલાં છે? તને ખબર છે તેઓ ક્યાં છે? રાજમહાલય પાસે ભોંયરામાં ખડી ચોકી છે. એક પળ પણ એ ચોકી રેઢી રે’તી નથી. ત્યાંથી છોડાવવા એ કાંઈ છોકરાનો ખેલ છે?’

‘રમતાં આવડે તો, કર્પદક! દુનિયા આખી એક પ્રકારની ખેલબાજી છે. સેનાનાયક કેશવ સારસ્વતમંડળમાં જાય છે એ સમાચારે રા’ને થોભાવ્યો અને એમાં એ સપડાયા. એ એક પ્રકારનો ખેલ હતો. હવે આપણે રા’ને છોડાવીએ એ બીજા પ્રકારનો ખેલ થયો.’

‘એ તો બરાબર, એ ખેલ તો થયો, પણ એ રમવો શી રીતે? અને હવે તો આંહીં જગદેવ પરમાર જેવાની કિલ્લેદારી છે એનું શું?’

‘પરમાર જગદેવ આવતી ચૌદશની રાત્રિએ ઘણું કરીને સ્મશાનમાં જ હશે. બરાબર એ તક સાધીને રા’ને નાગવેલ ઉપર જ રવાના કરી દેવાં. નાગવેલ ઉપર રા’ હોય. પછી ભાર નથી કોઈનો કે રા’ને પકડી પાડે. પાટણવાળાની શંકા ટળી જાય, માટે ચંદ્રચૂડજી પાછા ભાલમાર્ગે જૂનાગઢ પહોંચી જાય એમ નક્કી થયું છે. ખેંગારજી પણ મના સરકી ગયા છે. નાગવેલ તો આવી ગઈ છે, માત્ર આપણે ગોઠવવું બાકી છે!’

‘અરે! ત્યારે આ તો જાણ આવી ગઈ ને વર બાકી છે – એના જેવી વાત થઇ!’

‘એ પણ ગોઠવ્યું છે કર્પદક! એમ તો આપણે પણ પડખાં માલવા જેવાનાં સેવ્યાં છે – કંસારાની મીંદડી કાંઈ ઠમકારાથી ભડકશે?’

કર્પદક સાંભળી રહ્યો, યોજના ઘડવાનું કામ સાધારણ રીતે ખર્પરક કરતો, એને પાર ઉતારવાનું કર્પદક રાખતો.

‘ચૌદશની રાત્રિએ જ્યારે જગદેવ હિંગળાજ ચાચરના આર તરફ ઊપડે ત્યારે આપણે એક પાલખી ત્યાં તૈયાર રાખવી. એ પાલખીમાં આપણે અર્પવાનો બલિ લઇ જઈએ છીએ એમ ફેલાવવું!’

‘પાલખીમાં બલિ?’

‘સમજ્યો નહિ? જગદેવ પરમારને હું ભૂખ જેવો ઓળખતો થયો છું. પહેલે દિવસે જ અમે મળ્યા હતા. એને કહેવાનું કે પરમાર! આ ન હોય તો ઉજ્જૈની નગરી – આ તો પાટણ છે આંહીં જો મા ભવાનીને પણ મદ્ય-માંસ ધરાવ્યાં તો નગરી-આખી હાલક-ડોલક થઇ જાશે; ને નહિ ધરાવો તો તમારી ઉપાસના અફળ થશે. માટે પાલખીમાં બકરાને પધરાવીને બહાર લઇ જાઓ!’

‘એ તો બરાબર, પણ બકરો બહાર જાય કે અંદર રહે, એમાં આપણે શું?’

‘અરે! મારા ભાઈ! પાલખીમાં ત્યાં બકરો તો હોય, પણ ત્યાં રા’ પણ બેઠાં હોય. પછી તો નાગવેલ હશે, કચ્છનું રણ હશે ને રાત જેવું ધાબું હશે.’

‘પણ આમાં ગોરિયાને ગમાણ લાવવાનું તો રહી ગયું, એનું શું? રા’ના ચોકીદારનું શું? એ ગોરિયો ગમાણ શી રીતે આવશે? એના વિના કાંઈ વાત થાળે પડશે?’

‘એય થાશે... હવે તું રોતો-રોતો મુંજાલ મહેતા પાસે જા. તારું પાળેલું પશુ જાણે જગદેવે માંગ્યું છે. એને બચાવવું હોય તો રાજમહાલયમાં ક્યાંક બંધાવી દેવાનું કરો. એ પશુ રાજમહાલયમાં જશે ને હું કેશવ પાસે જઈશ. કેશવને જગદેવ પ્રત્યે ઠીક ભાવ લાગે છે. બર્બરક માટે એનો એને ખપ પણ છે, એટલે એને હું કહીશ કે જે વખતે મા કાલી સ્વમુખે શોણિત માગશે, ને ત્યાં કોઈ નહિ હોય, તો જગદેવ આડુંઅવળું જુએ એવો નથી, એ પોતાની જાતને સમર્પી દેશે! પણ એની ઉપાસના બગડશે તો તમારું કામ બગડશે. એટલે કેશવ આ પશુને બહાર લઇ જવાની આજ્ઞા આપશે. એમાંથી આપણો આપણે મેળ ગોઠવી લેવાનો છે. તું પાછો મને મળજે. ત્યાં રા’ના ચોકીદારનું ઠેકાણું પડી જાશે. એય માણસ છે. કાં એને મોં હશે ને કાં પેટ હશે.મોં હશે તો એની છાની વાત બહાર આવશે! પેટ હશે તો આપણી વાત છાની રહેશે. આપણે એમાંથી માર્ગ મળી રહેશે!’

થોડી વાર પછી કર્પદક અને ખર્પરક ત્યાંથી પાછા પાટણમાં અદ્રશ્ય થઇ ગયા. ખર્પરકના કહેવા પ્રમાણે કર્પદક મુંજાલને મળ્યો. મુંજાલે મહારાણીબા પાસે જ વાત મૂકી. 

‘ક્યાં છે મહેતા? શું કહ્યું તમે?’ મહારાણીએ પૃચ્છા કરી: ‘શું તમે એનું નામ કહ્યું? એનું નામ કાંઇક વિચિત્ર છે! જગદેવ એનું પાળેલું પશુ માગે છે એમ? તો-તો આપણે પરમારને જ પૂછીએ.’

‘આ આવ્યો, મહારાણીબા!’ મુંજાલે કર્પદકને બોલાવ્યો, ‘અલ્યા કર્પદક!’

કર્પદક મીનલદેવી પાસે આવ્યો. મુંજાલે જગદેવની ઉગતી સત્તાને ડાંભવાનો લાગ દીઠો, એટલે એણે મહારાણીબા પાસે જ વાત મૂકવામાં ડાહપણ જોયું હતું. 

‘તારું પાળેલું પશુ છે?’ મહારાણીએ કર્પદકને પૂછ્યું: ‘જગદેવ પરમાર પોતે માગે છે એમ તેં કહ્યું? એ સિવાય બીજું જોઈતું નથી, એમ કહ્યું? પણ તને મૂલ્ય તો આપે છે નાં?’

‘મૂલ્યની વાત નથી દેવી! આ તો પાળેલું પશુ છે! એ પશુ નથી, એ તો મારો પુત્ર છે! મેં એનું નામ પાડ્યું છે ધિજજટ!’

‘ધિજજટ!’

‘હા, માતાજી! એ મારો પુત્ર હતો. લાટના યુદ્ધમાં દંડનાયકજી ત્રિભુવનપાલ પાસે એણે યુદ્ધ કર્યું હતું. એ રણમાં પડ્યો. મેં આ પશુ એના નામે પાળ્યું. એના ઉપર હું મારું આયુષ ગાળું છું!’ કર્પદકની આંખ ભીની થઇ ગઈ.’

‘આપણે પરમારને બોલાવો, મહેતા! વાત શી છે એ ખબર પડે. બીજું પશુ કામ ન આવે એવું કાંઈ છે? ને આંહીં પાટણમાં આવી શોણિત-ઉપાસના જ શું કરવા?’

‘ઠીક, તું જા.’ મુંજાલે કર્પદકને કહ્યું, ‘તું ક્યાં – દેવડીના વાડામાં રહે છે નાં? ત્યાં તને રાજસેવક કહી જાશે, જા.’

‘હા, પ્રભુ!’

કર્પદક ગયો એટલે મુંજાલ બોલ્યો, ‘મહારાણીબા! મહારાજ જયસિંહદેવને અમાનુષી પરાક્રમ કરવાં છે. આપણે નાહકના પરમારને અત્યારે બોલાવીએ એમાંથી ઘર્ષણ ઉત્પન્ન થાય. પરમાર આવ્યા છે નવાસવા. આંહીંની રીત નહિ જાણતા હોય. કર્પદકે કહ્યું એ સાચું કે મારું તો પશુ બચી જાય એટલે બસ. આપણે ધિજજટને રાજમહાલયના તબેલે રખાવી દ્યો; પછી વાત થાળે પડશે, ત્યારે પરમારને કહેવાશે. હમણાં ક્યાં નવા આવેલા પરમારને પાછા પાડીએ?’

કર્પદકનો ધિજજટ આ પ્રમાણે ભાગ્યશાળી નીવડ્યો. જ્યાં મહાન અશ્વો બંધાતા ત્યાં ધિજજટને પણ સ્થાન મળ્યું.

ત્યાર પછી આ ધિજજટનું ભાગ્ય ફળ્યું. કોઈ નહિ ને પાટણનો સેનાનાયક કેશવ એને નિહાળી રહ્યો હતો. કેશવ સાથે કોઈક બીજો વિચક્ષણ માનવી પણ હતો. એ ધિજજટને ઓળખતો લાગ્યો. એને ધિજજટની કાવ્યમય પ્રશંસા શરુ કરી: ‘મને તો એને જોતાં જ લાગ્યું હતું કે આ મહાકાલીનો મહાઉપાસક હોવો જોઈએ!’ ખર્પરક લળીલળીને બોલતો હતો, ‘તે વિના પ્રભુ! આવું તેજ ન હોય! પણ મહાકાલીની ઉપાસના એ જેવાતેવાનું કામ નથી. જુઓ ને, એ આવ્યો ત્યારથી બર્બરકનો અવાજ આવે છે?’

‘આ સિવાય બીજું પશુ ન ચાલે, એમ? એમ શું પરમારે પોતે કહ્યું છે?’

‘અરે! ચાલે તો બધું, પ્રભુ! પરમાર પોતે તો મેં સાંભળ્યું છે કે હાજરાહજૂર કાળીને પ્રત્યક્ષ નિહાળે છે!’ ખર્પરક બોલ્યો, ‘એને તો પશુયજ્ઞની જરૂર જ પડતી નથી. મંત્રથી મહાદેવી પ્રકટ થાય છે. પણ આ તો મહાકાલીની ઉપાસના રહી. એનાં જોખમ જાણનાર જાણે છે. વખત છે ને, જે વખતે મા સ્વમુખે શોણિત માગે તે વખતે શું થાય? પરમાર તો મહાપરાક્રમી છે. એ તો કાંઈ પશુ નથી લઇ જવાનો, પણ તે વખતે માને એનાંથી ણા નહિ પડાય!’

‘ત્યારે?’

‘અમે પણ થોડુંથોડું મૂંડાવ્યું છે મહાકાલમાં, ને આ માલવના પરમાર છે એ જાણ્યું એટલે પેટમાં બળ્યું ને તમને મળ્યો. એની ખ્યાતિ કેટલી છે? મા ભવાની જો એમ શોણિત માગે, તો પરમાર પોતાનું માથું ઉતારી દે. એમાં બીજું કાંઈ ન થાય. આ તો મહાકાલીની ઉપાસના! એટલે આવું કાંઈ કોઈક પશુ ત્યાં હાજર રાખો. વખત છે ને, મા માગે! આ ધિજજટનો એકે વાળ ધોળો નથી. આખું શરીર જોઈ વળો. છે એક વાળ ધોળો? નથી. આવો  યોગ્ય બલિ બીજો ન મળે. પછી તો પરમાર પોતે શીર્ષ ઉતારી દે. એ તમને ગમતું હોય તો સવાલ જુદો છે! આ તો બર્બરકને વશ કરવા આવો ઉપાસની આવ્યો છે, એટલે તમને કહું છું!’

કેશવે તરત જ બે-ત્રણ ચોકીદારને બોલાવ્યા. ધિજજટને શી રીતે ગુપચુપ લઇ જાઓ એ નક્કી થયું. ખર્પરકને સગવડ આપવી એ સૂચના થઇ.

રા’નવઘણને શી રીતે એ પાલખીમાં ગોઠવી દેવા એની ખટપટમાં ખર્પરક પડ્યો.

રા’ને સવાર-સાંજ રાજમહેલના ભોંયરાના એક ગુપ્ત દ્વારમાંથી બહાર કાઢતા ને પાસેના શિવમંદિર સુધી દેવદર્શને લઇ જતા. ખર્પરકને એટલી માહિતી મળી હતી. એ શિવમંદિર ખરી રીતે રાજમહાલયની વિશાળ ભીંતના એક ભાગમાં જ હતું. ખર્પરકે એ મંદિર તરફ આંટો માર્યો, પણ એને કોઈ પ્રકારે રા’ને ચેતવવાનો વખત મળ્યો નહિ. અંતે એણે એક યુક્તિ કરી રાજમહાલયની વિશાળ ભીંત ઉપર એક વૃક્ષને ટેકે-ટેકે એ આવી પહોંચ્યો. ત્યાંથી શિવમંદિરનો ઘુમ્મટ પાછળ આવ્યો. રા’ જ્યાં શિવમંદિરને પ્રદક્ષિણા કરતોકરતો જળાધારી પાસેથી જળ લઇ પાછો ફરતો હતો, ત્યાં એણે એક વિચિત્ર અવાજ સાંભળ્યો. એ સમજી ગયો. પણ ઊંચે જોવા જતાં પહેરેગીરની દ્રષ્ટિ પડવાનો ભય હતો. એ જળાધારી પાસે ફરી વાર આવ્યો ત્યારે જરાક વધારે થોભ્યો, ઉપરથી ખર્પરકનો અવાજ આવ્યો: ‘પ્રભુ! કાલે આંહીં આ વખતે એક પાલખી આવશે. એમાં તમારે ઝડપથી બેસી જવાનું છે!’

‘પણ... આ પહેરેગીર, એનું શું?’

‘એનું થઇ રહેશે... કાલે જરા મોડા નીકળજો – મોં સૂઝે નહિ એવે વખતે.’

બીજે દિવસે સાંજે, જ્યારે રા’ દર્શન કરવા નીકળ્યો ત્યારે એણે ચારે તરફ દ્રષ્ટિ નાખી પણ કોઈ ક્યાંય દેખાણું નહિ. રા’ને શંકા પડી. વખતે ખર્પરકના અવાજે એને છેતરવાનો કોઈએ પ્રયોગ કર્યો હોય. પણ શિવમંદિર પાસે એ પહોંચ્યો, એટલામાં ઝડપથી આવતી પાલખી બરાબર એની પાસે જ, જાણે કયો રસ્તો લેવો એ પૂછવા થોભતી હોય તેમ નીચે થોભી ને બે ભોઈઓ ઊભા રહ્યા. રા’એ આડુંઅવળું જોયા વિના જ તરત અંદર પ્રવેશ કર્યો. પણ અંદર એક બકરો બેઠો હતો. રા’ના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. પણ એટલામાં ખર્પરકનો અવાજ આવ્યો, ‘અલ્યા, કેમ ઊભો છો? શિવમંદિર પાસેથી સીધે રસ્તે બહાર નીકળી જાઓ! કનસડે પૃથ્વીભટ્ટને કહી રાખ્યું છે, અલ્યા! શું છે?’

ખર્પરક પોતે આશ્ચર્યચકિત થયો હોય તેમ પહેરેગીર પાસે પહોંચ્યો. પહેરેગીર ત્યાં ધૂળમાં પડેલી સોનામહોર ઉપાડીને ઊભો હતો. ખર્પરક ત્યાં પાસે પહોંચ્યો. ‘સારું થયું નાં! આપણે વખતસર ધિજજટને રવાના કરી દીધો! ભોઈઓ પણ એટલા માટે આપણા વિશ્વાસુ જ રોક્યા છે – શું છે?’

પહેરેગીરે સોનામહોર સામે ધરી. ખર્પરક બે ડગલાં પાછળ ચાલ્યો. ને ધૂળને જરાક પગથી ફંફોસી, બીજી સોનામહોરો શોધી કાઢી. જરાક પાછળ ચાલ્યો. પહેરેગીર પણ એની પાછળ ચાલ્યો. એણે ખર્પરકને કેશવ નાયક સાથે આવતો બે-ત્રણ વખત જોયો હતો. એટલે ખર્પરક ઉપર એને એકદમ અવિશ્વાસ આવ્યો નહિ.

ખર્પરક આગળ વધતો ગયો. પહેરેગીર પાછળ ચાલ્યો. એમની આશ્ચર્યપરંપરા વધતી ચાલી – સોનામહોરો મળતી જતી હતી! ‘આ શું?’ ખર્પરક બોલતો હતો. એ પોતાના મનમાં તો સમયની ગણના કરી રહ્યો હતો. કનસડા બહાર ડાબી બાજુ ઝાંખરામાં નાગવેલને રાખીને કર્પદક ઊભો રહેવાનો હતો.

સોનામહોરનું આશ્ચર્ય વધતું ચાલ્યું. પહેરેગીર છેક રાજમહાલયના ભોંયરા સુધી એમ ને એમ પાછો ફર્યો.

‘સીંધણ! આ શું? કાંઈ દગો થયો છે કે શું? તમે દોડો! દોડો! વખતે રા’ ઘા કરી જાય નહિ!’ ખર્પરકે જ કહ્યું.

સીંધણને હવે સાંભરી આવ્યું. સોનામહોરને પગલેપગલે એ પાછો ફર્યો અને રા’ તો ત્યાં એકલો શિવમંદિરની પાસે ઊભો હતો!

તે એકલો એકદમ દોડ્યો.

એને જતો જોયો એટલે ખર્પરક પણ દોડ્યો. રાજમહાલયના દ્વાર પાસે એને રોક્યો: ‘અરે, મને જવા દ્યો! પેલો ધિજજટ ગયો છે એ બીજે રસ્તે ચડી જાય નહિ!’

ધિજજટનું વિચિત્ર નામ ને એક બકરાની આટલી કાળજી એ હમણાં વાતનો વિષય થઇ પડ્યાં હતાં. ખર્પરકને કેશવ નાયક સાથે આંહીં આવેલો દ્વારપાલે જોયો હતો, એટલે કોઈએ રોકટોક કરી નહિ.

ખર્પરક જાણે પાછો પાટણમાંથી અદ્રશ્ય થઇ ગયો.