Barbrakjishnu - Jaisingh Siddhraj - 14 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 14

Featured Books
Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 14

૧૪

હિંગળાજ ચાચરનો આરો

ખરી અવદશા તો બિચારા સીંધણની થઇ. એ શિવમંદિરે ગયો તો ખરો, - પણ ત્યાં રા’ કેવો? એના હાંજા જ ગગડી ગયા. કોને કહેવું એની એને પહેલાં તો સમજણ જ પડી નહિ. રાજમહાલયના ભોંયરામાં રા’ રહેતો – એટલે વધુ ચોકીપહેરો રાખવાની કોઈને જરૂર લાગી ન હતી. મુખ્ય દ્વાર ઉપરના પહેરેગીરો તપાસ્યા વિના કોઈને બહાર જવા જ ન દે એ આશ્વાસન લઈને એકીશ્વાસે ખર્પરકને ખબર કરવા દોડ્યો, પણ ખર્પરક જ મળે નહિ. એને હવે સાંભર્યું કે બે પળ માટે પાલખી થોભી તો હતી. તે રાજમહાલયના મુખ્ય દ્વાર પાસે પહોંચ્યો. ખબર મળ્યા કે એક પાલખી બહાર ગઈ, પણ એમાં તો ધિજજટ હતો ને એને તો કેશવ નાયકની આજ્ઞાથી બહાર જવા દેવાનો હતો.

કેશવ નાયક એકસહસ્ત્રી દળ સાથે કિલ્લા બહાર નીકળી ગયો હતો. કોને ખબર કરવા – એની ચિંતામાં જ સીંધણ પડી ગયો લાગ્યો. પ્રભાતની રાહ જોવાનો નિશ્ચય કર્યો. એટલામાં તો એને ખબર પણ પડી કે મહારાજ રાજમહાલયમાં જ નથી. એ સમાચારે એને થોડો પ્રાણ આપ્યો. એણે બહાનું ગોઠવી કાઢ્યું. એ મહારાજને કહેવા ગયો ને મહારાજ મળ્યા નહિ એટલે પાછો ફર્યો. અને બીજાને કહેવાની તો એ હિંમત જ રાખી શક્યો નહિ. એટલામાં એને અચાનક સાંભર્યું કે એની પાસે સોનામહોરો હતી. હવે જખ મારે છે – કદાચ કાલે કોઈ કાઢી મૂકશે તો પોતાની પાસે સોનામહોરો તો છે! એ સોનામહોરો ગણવામાં પડી ગયો. કાંઈ ઓછી ને અદકી, સોનામહોરો પણ ખાસ્સી ત્રણસો ને સાઠ હતી! થયું ત્યારે! હંમેશની એકએક સોનામહોરનો તો એ રાજા હતો! હવે એ સોનામહોરો સાચવીને ગુપચુપ બેસી ગયો. પ્રભાતની વાત પ્રભાતે. આવી ઉપેક્ષાવૃત્તિએ એને હિંમત આપી લાગી અને નહિતર પણ આજે અત્યારે – ચૌદશની આવી ભયંકર રાત્રિએ – સીંધણ બહાર જવા તૈયાર થાય એ બને નહિ. અને આજે તો એને જિંદગી વધારે વહાલી બની ગઈ હતી. એની પાસે ત્રણસોસાઠ મહોરો હતી – અત્યારે કોઈને ખબર કરે ને કનસડે દરવાજેથી બહાર હિંગળાજ ચાચરને આરે રા’ની કે કોઈની તપાસ કરવા એને પોતાને જ દોડવું પડે – એ કલ્પનાથી એ ધ્રૂજી ઊઠ્યો.

પણ જ્યારે આ પ્રમાણે સીંધણ હિંગળાજ ચાચરની કલ્પનાથી ધ્રૂજતો હતો ત્યારે એ કલ્પનાથી ઉત્તેજિત થઇ કનસડા દરવાજાની બહારની ગઢીમાં જગદેવ ત્યાં જવાની તૈયારી કરતો હતો. એણે પાટણમાં આવીને હિંગળાજ ચાચરના આરા વિષે ઘણી વાતો સાંભળી હતી.

પાટણના નાગરિકોની કલ્પનામાં હિંગળાજ ચાચરનો આરો એની ભયાનકતા વડે જીવતો હતો. એ માત્ર પાટણનું મુદડાં બાળવાનું મસાણ રહ્યું ન હતું. અનેકવિધ દંતકથાઓએ સજીવન રાખેલું સ્મશાની ઉપાસકોનું મેદાન બની ગયું. ત્યાં ધોળે દિવસે ચૂડેલની ચૂડીઓના ખણખણાટ સંભળાતા. દિવસે પણ ત્યાં એકલદોકલ નીકળનારો આખું મેદાન વીંધીને સામે પાર જવાની ભાગ્યે જ હિંમત કરતો. હવામાંથી નજરે ન ચડે એવું. એની ભયંકર ઠેકડી કરતું અટ્ટહાસ્ય એને કાને પડતું અને એ અધવચાળે જ મૂઠીઓ વાળીને પાછા ભાગી જવામાં સહીસલામતી જોતો. ત્યાં આગળ સરસ્વતીનાં નીર ઘેરાં, ગંભીર, કાળાંભમ્મર બની રહેતાં. એ નીર અદભુત મનાતાં. એ રડતાં, હસતાં, ભવિષ્યની આગાહી આપતાં, ગંભીર બની જતાં, મહાશોક પ્રકટ કરતાં. ગર્જનકના ભયસમયે એ પાણીમાંથી દિવસો સુધી શોકઘેરા અવાજ નીકળ્યા હતાં એમ લોકવાયકા હતી. એને કાંઠે ઊભા રહીને કાળીચૌદશની રાતે એ પાણીમાં જોનારો કોઈ બહાદુર હજી સુધી તો પાટણે જોયો ન હતો. એ કાળાભમ્મર પાણીમાં ચૌદશની રાતે મોટો કોલાહલ થતો ને મહાભારત મંડાતું. પાણીમાંથી અચાનક ડબકડબક ડોકાં બહાર નીકળવા માંડતા. રાતે એમાંથી કરુણ રુદન સંભળાતાં. ભયંકર ખડખડ ખડખડ હસતાં અટ્ટહાસ્યો કાને આવતા. એમાંથી મર્મર કરતી યુદ્ધની ગર્જનાઓ ઊઠતી. ચૂડીઓ ખખડાવતી ચૂડેલો નીકળી પડતી. હિંગળાજ ચાચરના મેદાનને એક અનોખા પ્રકારની ભયાનકતા વરી હતી. એ ભયાનકતા પોતાની હતી એના કરતાં વધારે લોકકલ્પના હતી. પણ એ છતાં આજ ચૌદશની રાત્રીએ ત્રણ જણાને ક્યાંય આરામ ન હતો. એક તો જયસિંહ સિદ્ધરાજ, બીજો જગદેવ પરમાર, ત્રીજો દંડનાયક મહારાજ ત્રિભુવનપાલ. મહારાજ સિદ્ધપુર ગયા છે એ કેશવ એકસહસ્ત્રી દળ લઈને રાતે ઊપડવાનો છે એવી વાત નગરમાં પ્રકટ થઇ હતી. પણ દંડનાયક ત્રિભુવનપાલને એમાં વિશ્વાસ ન હતો. જયદેવ પાસે જે પૃચ્છા મહારાજે કરી હતી તે પછી, એ જયસિંહદેવ ઘરઆંગણે રહે કે સિદ્ધપુર જાય તે વાત એને અશક્ય લાગી. જયસિંહદેવની માટીમાં જ એ ન હતું. એટલે હિંગળાજ ચાચરને આરે ગુજરાત-આખાનો જેના ઉપર આધાર છે,એ  જયદેવ એકલો જાય, ને તે પણ રાતે, એ કલ્પના જ એને તો અસહ્ય થઇ પડી. તે વિચારમાં પડી ગયો. કાકાના સ્વભાવનો તો એને પૂરેપૂરો પરિચય મળ્યો હતો. ત્યાં જતાં હવે એમને રોકવા – એની ભયાનકતાનું વર્ણન કરીને – એ ધુમાડામાં બાચકા ભરવા જેવું હતું. ‘એ તાંત્રિક વિદ્યાનો વિષય છે. જયદેવને આપણે મોકલીએ છીએ જ એટલા માટે. આપણે એનું શું કામ છે?’ એ દલીલ એની સામે ધૂળમાં લીટા કરવા જેવી હતી. ‘એ વિદ્યા હું પણ હાથ કરીશ. હું પણ રાજા છું. હું જો આ ન કરું તો મારો રાજપદે અધિકાર શો?’ એવો જવાબ જયદેવ આપવાનો. રાજમાતાને વાત કરીને ઘર્ષણ જન્માવવાનો હવે કોઈ જ અર્થ ન હતો. જયદેવ ત્યાં જવાનો ચોક્કસ. અને આ જગદેવ, દેખાય છે તો સારો, પણ કોને ખબર છે, એમાંથી શું નીકળી પડે? એટલે ત્રિભુવનપાલે પોતે જ રાજાની સાથેસાથે, એ ન જાણે તેમ, જવાનો નિશ્ચય કર્યો. કનસડા દરવાજાની બહાર જગદેવની ગઢી પાસે એ પણ સાંજથી છુપાઈ રહ્યો હતો.

મધરાત થઇ. પહેરેગીરોએ આપેલાં અવાજના પડઘા કોટકાંગરા ઉપર થઈને મેદાનમાં શમી ગયા. માનવનો સંચાર બંધ થઇ ગયો. પંખી સૂઈ ગયા. જળ જંપી ગયાં. રેતી પોઢી ગઈ. સ્થળેસ્થળમાં અવાજ વિનાની  બોલતી નિ:સ્તબ્ધતા વ્યાપી ગઈ. એ વખતે કનસડા દરવાજા બહારની ગઢીના પશ્ચિમ દ્વારમાંથી એક કાળો પડછાયો નીકળતો ત્રિભુવને જોયો. તે તૈયાર થઇ ગયો. પોતાની ઢાલ-તલવાર તેણે સંભાળી લીધી. ‘જય મા કાળી! તારી રખવાલી!’ કહીને દંડનાયક અત્યંત સાવચેત પગલે પડછાયાનું પગલેપગલું દબાવવા પોતાના સ્થાનમાંથી આગળ વધ્યો.

જેમજેમ કાળો પડછાયો આગળ વધતો ગયો, તેમતેમ સ્થળની અને સમયની ભયંકરતા વધતી ચાલી. થોડી વાર તો એ એમ ને એમ ચાલ્યો. હિંગળાજ ચાચરના સમશાની ઓવારા તરફ પડછાયાનાં પગલાં મંડાયા અને દંડનાયકને આખે શરીરે એક પ્રકારનો ઝીણો કંપ થઇ આવ્યો. તે હવે પડછાયાની વધુ નજીક ચાલવા માંડ્યો.

બે પળ વીતી ને હિંગળાજ ચાચરનું સ્મશાની મેદાન દેખાયું. વજ્જર છાતીનું પણ પાણી કરી નાખે એવી એક પ્રકારની ભયંકરતા અત્યારે ત્યાં વ્યાપી ગઈ હતી. ક્યાંય કોઈ દેખાતું ન હતું. પણ મેદાન-આખું જાણે અવાજથી ઊભરાતું હોય તેમ લાગતું હતું. અસંખ્ય છાનીછાની ગુસપુસ વાતો થતી હોય તેમ હરપળે એમાંથી દબાયેલા અવાજના પડઘા ઊઠતા હતા. એના કાળાધબ અંધારઘેરા રેતીપટમાંથી એક પણ અચાનક છાનું તીવ્ર દબાયેલું રુદન સંભળાતું, તો બીજી જ ક્ષણે ખડખડ-ખડખડ કરતું મોટું હાસ્ય ઊગી નીકળતું. અંધારામાંથી અચાનક પ્રકટે તેમ ક્ષણેક્ષણે ઝબકી ઠરી જતો હાડકાનો અગ્નિ એક પળભર-મેદાન આંખને સળગાવી દેતો, તો બીજી પળે એવો જ નિબિડ અંધકાર પાછો તરત વ્યાપી જતો. વળી પાછું અંધારું સળગતું, તો દૂરદૂર ઊભેલા ઠૂંઠાં માથા વિનાનાં ખવીસ જેવાં નજરે પડતાં. 

એ અંધારામાં કોણ જાણે કોણ ક્યાં ઊભું હશે એવી શંકા જન્મતી! દંડનાયક પડછાયાની પછવાડે વળતો ગયો. થોડે દૂર જઈને પેલા પડછાયાએ એક જરા જેટલી હળવી તાળી પાડી – ને એના જવાબમાંથી રેતીમાંથી નીકળ્યો હોય એવો કોઈ માણસ સામે આવીને ઊભો રહ્યો. દંડનાયક એક ઠેકડે એક આકડાના ઠૂંઠા પાછળ આવી ગયો. એમની વચ્ચે થતી વાતચીત સાંભળી શકાતી હતી. 

‘પૃથ્વીભટ્ટ! ગયો? તેં પોતે જોયો છે?’ ત્રિભુવનપાલ સડક થઇ ગયો. અવાજ જયદેવનો જ હતો. સામે કનસડાનો દ્વારપાલ પૃથ્વીભટ્ટ પોતે ઊભો હતો. 

‘હા પ્રભુ!’ પૃથ્વીભટ્ટ વધુ કાંઈ બોલી શક્યો હોય તેમ લાગ્યું નહિ.

‘કઈ બાજુ?’ જયદેવે પ્રશ્ન કર્યો.

પૃથ્વીભટ્ટે મેદાન તરફ દ્રષ્ટિ કરી લાગી: ‘સામે – પેલી વનઝાડી છે ને આ કાંઠે ઘેરાં પાણી છે – પ્રભુ! ત્યાં જુઓ, કાંઇક સ્થિર અગ્નિ પ્રગટ્યો છે ત્યાં.’

‘જગદેવ એકલો જ છે કે બીજું કોઈ સાથે છે?’

‘એકલો જ છે, પ્રભુ!’

‘ઠીક. ગઢી બહાર પેલું આમલીનું ઝાડ છે રસ્તા ઉપર, ત્યાં તું ઊભો રહેજે. હું હમણાં પાછો ફરું છું!’

પૃથ્વીભટ્ટને ધ્રુજારી આવી ગઈ હોય તેમ લાગ્યું. એનો અવાજ જરા મંદ પડ્યો.

‘પ્રભુ! કેશવ નાયકની મને આજ્ઞા છે... મારે સાથે આવવાનું છે!’

‘તારે સાથે આવવાનું છે? કોને – કેશવે કહ્યું છે? એમાં કોઈનું કામ નથી. તું તારે મેં કહ્યું ત્યાં ઊભો રહેજે... કેશવ તો સિદ્ધપુર પહોંચી ગયો નાં?’

‘હા, પ્રભુ!... પણ... મને કેશવ નાયકની આજ્ઞા છે. રાતનો સમય છે. કોઈને વાતની ખબર નથી.’

‘એમાં ધ્રૂજે છે શું? મેં કહ્યું ત્યાં ઊભો રહેજે. ચાલ, સમય થોડો છે. તું જ હવે આંહીં ઊભવાની જરૂર નથી!’

‘પણ, મહારાજ! – સેનાનાયકની આજ્ઞા...’

‘સેનાનાયકની આજ્ઞા છે એમ તારે કહેવું છે નાં? હવે હું તને આજ્ઞા આપું છું. મેં તને કહ્યું ત્યાં તું ઊભો  રહે, જા! એક પળ હવે ગુમાવવી પોસાય તેમ નથી. આંહીં ઊભા રહેવાનું પણ કામ નથી, જા!’

પૃથ્વીભટ્ટ અંધારામાં પાછો ફરી જતો જણાયો. જયદેવ એકલો આગળ વધ્યો. તરત જ ત્રિભુવનપાલે એનો પીછો પકડ્યો.

જેમજેમ તે આગળ ગયો તેમતેમ કાળું અંધારું વધારે કાળું થતું ગયું. એક હાથ શું, એક વેંત છેટે પણ કોણ ઊભું હશે ને કોણ ઊભું નહિ હોય એ કહેવાય તેવું ન રહ્યું. ગુપચુપ જયદેવ આગળ વધતો રહ્યો. દંડનાયક પોતે પકડાઈ ન જાય એટલું છેટું રાખતો એનું પગલેપગલું દબાવતો પાછળ ચાલ્યો. એણે પોતાના હાથમાં ખુલ્લી તલવાર રાખી હતી. હરપળે કોઈ પણ અકસ્માત માટે તૈયાર હોય તેમ એણે પોતાના અંગેઅંગને જાગ્રત રાખ્યા હતાં. એક વખત એ પકડાઈ જતો સહેજમાં બચી ગયો. આગળ ચાલી રહેલો જયદેવ એક કૂદકો મારીને બે હાથ આઘે ઊડી પડ્યો હોય એમ દંડનાયકને લાગ્યું. તે તરત સાવધ થઇ ગયો. ઝબ દઈને સમશેર બહાર કાઢી, પણ કાંઈ બન્યું ન હોય તેમ જયદેવ તો પાછો આગળ વધી રહ્યો હતો. બે ક્ષણ વીતી. ત્રિભુવનપાલ ભડકીને ઊંચે ઊલળ્યો. એક બાજુ ઉપર એ કૂદી પડ્યો. ભયંકર સૂસવાટો કરતો એક નાગ એના પગ પાસેથી ચાલ્યો ગયો હતો. એના કૂદકાનો અવાજ જયદેવે પકડી લીધો. ‘કોણ?’ તેણે અંધારામાં પ્રશ્ન કર્યો. દંડનાયક એકદમ જમીનસરસો લાંબો થઈને સૂઈ ગયો. જયદેવ જરા થોભીને આગળ વધ્યો. દંડનાયક ઊઠીને પાછળ ચાલ્યો.

થોડીવાર પછી પેલો સ્થિર અગ્નિ એમની દ્રષ્ટિએ પડ્યો.

નાની સરખી રચેલી એક વેદિકાની આગળ બેઠેલો જગદેવ નજરે ચડ્યો.

જયદેવે પોતાની ચાલ બદલી. જગદેવની પાછળના ભાગમાં એક આમલીનું ઝાડ નજરે પડતું હતું. જયદેવ એની તરફ વળી ગયો.

જગદેવ પાછળ આવીને આમલીના થડ પાસે તે શાંત ઊભો રહ્યો. દંડનાયક ગુપચુપ બીજી બાજુ ઉપર આવી ગયો હતો. એણે હાથ વડે ઝાડના થડને ખંખોળ્યું. પગનો અંગૂઠો મુકાય એટલી બખોલ શોધતાં એને વાર ન લાગી. તેણે થડને બઠ ભરી. બહુ આસ્તેથી તે ઉપર ગયો; થડ ઉપર જઈને ગુપચુપ બેસી ગયો.