Barbrakjishnu - Jaisingh Siddhraj - 15 books and stories free download online pdf in Gujarati

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 15

૧૫

જયસિંહદેવ અદભુત દ્રશ્યો જુએ છે

જયદેવ યોગાસન લગાવીને ત્યાં બેઠો હતો. તેની આગળ  હોમવાનાં દ્રવ્યોનો ઢગલો પડ્યો હતો. એક બાજુ લાલધોળાં કરેણના ફૂલનો ગંજ ખડકયો હતો. સરસવ, તિલ, જવ, લીબું વગેરે હવન માટેના જુદાજુદા પદાર્થો આસપાસ પડ્યા હતા. જગદેવની નજર કુંડના અગ્નિ ઉપર સ્થિર થઇ ગઈ હતી. આગળ, પાછળ, પાસે દૂર –  ક્યાંય તે જોતો ન હતો. કોણ આવે છે, જાય છે એની જાણે એને પડી ન હોય તેમ એ પોતાનાં હોમદ્રવ્યોમાં નજર પરોવીને કુંડ ઉપર જ દ્રષ્ટિ રાખીને બેઠો હતો. જયસિંહદેવ નિશ્ચિંત થયો. જગદેવે એને જોયો ન હતો. અત્યારે બીજે ક્યાંય એનું ધ્યાન જાય તેમ ન હતું. તે આમલીના થડને અઢેલી એક બાજુ છુપાઈને ઊભો રહ્યો. જગદેવ શું કરે છે તે જોવા લાગ્યો. જગદેવે પોતાની તલવાર લીધી, ચારે તરફ કુંડને ફરતું એક કુંડાળું દોર્યું, પછી તે કુંડાળાની અંદર બેસી ગયો. થોડી વાર પછી તેણે મંત્રોચ્ચાર શરુ કર્યો, ધીમેધીમે અગ્નિમાં દ્રવ્યો હોમવા માંડ્યાં. 

થોડા સમય સુધી એ ક્રિયા એમ ને એમ શાંત રીતે ચાલી, પણ પછી ધીમેધીમે સ્મશાની મેદાન તરફથી ચિત્રવિચિત્ર અવાજો આવવા માંડ્યા. પાસે શિયાળિયાં રોતાં સંભળાયા. દૂરના ઠૂંઠા ઉપર ચીબરી ને ઘુવડ ડરામણું બોલવા મંડ્યાં. અંધારામાંથી ચાલ્યું આવતું કોઈ બાળકનું અત્યંત કરુણ રુદન કાને પડ્યું. રહીરહીને આવતો કોઈ સ્ત્રીનો હ્રદયભેદી વિલાપ સંભળાયો. હરક્ષણે શંકા, આશ્ચર્ય, ભય ઉત્પન્ન થાય તેવા કાંઈ ને કાંઈ નવાનવા અવાજો ઊઠવા માંડ્યા.

પણ પોતાને જાણે કાન જ ન હોય, જોવા માટે આંખ ન હોય, કોઈ વસ્તુ માટે લેશ પણ આશ્ચર્ય ન હોય, તેમ જગદેવ તો કુંડમાં દ્રવ્યો હોમતો જ ગયો. એક ક્ષણ પણ અટક્યા વિના એ શાંતિથી પોતાનું કામ કરતો રહ્યો. એની નજર પ્રદીપ્ત અગ્નિશિખા ઉપર સ્થિર મંડાઈ ગઈ હતી.

અગ્નિની જ્વાલા ધીમેધીમે ઊંચે જવા માંડી. પળ-બે-પળ વીતી. જગદેવે મોટેથી મંત્રોચ્ચાર શરુ કર્યો – મા કાલિકાના બાવીસ-અક્ષરી મંત્રની એણે ધૂન લગાવી અને તેનાથી વાતાવરણ સભર થઇ ગયું. થોડી વારમાં મેદાન સજીવ બન્યું હોય તેમ સળવળવા માંડ્યું. અવાજ વધવા લાગ્યા. પાસેથી જ ઊઠતી હોય એવી સિંહની ડણક આવતી સંભળાઈ. વાઘના, વરુના, તરસના, જરખના, રીંછના – એમ જુદાજુદા ડરામણા ભેદી અવાજો અંધારું વીંધીવીંધીને આવવા માંડ્યા. ભયંકર વિષધરો જાણે કુંડમાં પડવા માટે દોડતા હોય તેમ અંધારઘેરી છાયામાં કાળા કજ્જલ જેવા એમનાં આકારો નજરે ચડ્યાં. એકીસાથે ઘોર અંધકારને કોઈએ સળગાવ્યું હોય તેમ ઘુવડની ગોળ, ઝેરીલી, ભયંકર, પીળી, ડરામણી આંખો અંધારા-આખાને સળગાવતી ઠેરઠેર પ્રગટી નીકળી. હાડકાંનાં પોલાં માળખાં મેદાનમાં દોડતાં હોય, તેમ લાંબા, પાતળા, બિહામણા, કાળા આકારો અંધારામાં ખડખડ-ખડખડ દોડતા દેખાયા. હવાના અણુએ અણુમાં જાણે જીવ આવ્યો હોય તેમ ચુડેલની ચૂડીઓનો ખણખણાટ જુદીજુદી દિશાએથી આવવા માંડ્યો. અવાજ, આકાર, પડછાયા, શબ્દો – એ સઘળાથી મેદાન-આખું જાણે ભરાઈ ગયેલું લાગ્યું.

પણ જગદેવ પોતાના આસન ઉપર સ્થિર બેઠો રહ્યો. એનો મંત્રોચ્ચાર વધારે સ્પષ્ટ, વધારે ઊંચો, વધારે શુદ્ધ, વધારે નિર્ભય બન્યો, એક ક્ષણ પણ એ અટક્યો નહિ.

જેમજેમ મંત્રોચ્ચાર આગળ વધતો ગયો, તેમતેમ મેદાન જે અત્યારસુધી માત્ર સળવળતું હતું તે જાણે હવે વિચિત્ર પ્રકારની ધ્રુજારી પ્રકટાવવા માંડ્યું. ધરતીના પેટાળમાંથી ઊઠ્યો હોય તેવો મહાભયંકર અવાજ ઊઠ્યો. પશુપંખી, ઝાડ-પાન, જળ, રેતી, જંગલ, ચેતન-અચેતન – તમામેતમામ જાણે એ અવાજથી થરથરી ઊઠ્યાં હોય તેમ એક ક્ષણ તો એકીસાથ સફાળાં જાગી ઊઠ્યાં. ચીબરીઓ બોલવા માંડી. ઘુવડે ઘૂઘૂઘૂ શરુ કર્યું. કાગડા કા-કા-કા કરવા મંડ્યા. નિંદ્રામાંથી ઊઠેલા મોર ગહેકી ઊઠ્યા. ડુંગરાઓએ પડઘા પાડ્યા. નદીના પાણી ખળભળ્યાં. ઝાડવાં ખરખર-ખરખર અવાજે બોલી ઊઠ્યાં. ભયંકર નાગરાજોના સુસવાટા પવનમાં સંભળાયા. સૃષ્ટિ આખી કોઈ શક્તિની શેહમાં આવી ગઈ હોય તેમ ક્ષોભ પામીને બે ક્ષણ પછી પાછી જડ જેવી થઇ ગઈ અને પછી એવી તો શૂન્યતા ફેલાઈ ગઈ, કે જાણે રેતીનો કણ પણ ક્યાંય હાલતો નથી.

પણ ભયંકર અવાજ સંભળાયા ત્યારે દંડનાયક ત્રિભુવનપાલ રહી શક્યો નહિ. જયસિંહદેવને પડખે આવી જવા માટે બહુ જ ધીમેથી નીચે ઊતર્યો અને તે આસ્તેથી તેની પછવાડે આવીને ઊભો રહી ગયો. કાંઇક સ્પર્શ જેવું જણાતાં જયસિંહદેવ જરાક પાછો કૂદ્યો, પણ એટલામાં ત્રિભુવનપાલે એનો હાથ હાથમાં પકડી લીધો ને ત્વરાથી પણ બહુ જ ધીમે અવાજે કહ્યું: ‘કાકા! એ તો હું – ત્રિભુવનપાલ છું. બોલતા નહિ!’

જયસિંહદેવે અવાજ ઓળખ્યો. તેણે આશ્ચર્ય થયું: ‘અરે! ત્રિભુવન, તું? આંહીં ક્યાંથી?’

ત્રિભુવનપાલે તેના નાક પર આંગળી મૂકી. જયદેવ સમજી ગયો. એક ઘડી બંને જણા મૂક બની ગયા. એટલામાં સમગ્ર, વ્યાપક નિઃસ્તબ્ધતાને હચમચાવી મૂકેતેવો કારમો અવાજ થયો અને અદ્ધર અંધારામાંથી હાડકાં પડવા માંડ્યાં. રુધિરનાં છાંટણાં થવા લાગ્યાં. જગદેવની ચારેતરફ અસ્થિ, માંસ મજ્જા, રુધિર વરસવાં શરુ થયાં. પોતાના અચલ આસનથી, એક વાળ પણ આમ કે તેમ ડગ્યા વિના પરમાર જગદેવ તો હતો તેમ જ શાંત રહ્યો. જયસિંહદેવ ને ત્રિભુવનપલ સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. જગદેવ હજી મંત્રોચ્ચાર કરી રહ્યો હતો, કુંડમાં દ્રવ્યો હોમી રહ્યો હતો.

બે પળ બીજી વીતી. અચાનક કુંડના અગ્નિમાંથી પ્રકટ્યું હોય તેવું એક ભયંકર નગ્ન નારીરૂપ એમની નજરે ચડ્યું. એના ભયંકર સ્વરૂપનો ક્રુદ્ધ અગ્નિ જાણે એમને બાળી નાખશે એમ એ બંને જણા એક ક્ષણ તો આંખો મીંચી ગયા. આવું ભયંકર રૂપ એમણે સ્વપ્નમાં પણ જોયું ન હતું. મહાવશીકરણથી જડાઈ ગયા હોય તેમ બંને જણા અચેત જેવા પોતાના સ્થાન સાથે જડાઈ ગયા. મહાભયંકર કાલીના હાથમાં માનવખોપરીનું ખપ્પર હતું. પોલી તુંબડીમાં કાંકરા ખડખડે તેમ એ ખોપરી ભયંકર, ખોટું, પોલું, ગાત્રમાત્રને થંભાવી દે તેવી કૃત્રિમ હાસ્ય હસી રહી હતી. એ હાસ્ય સાંભળતાં જ પરસેવે રેબઝેબ થતા ત્રિભુવનના હાથે રાજાનો હાથ વધારે જોરથી પકડી લીધો. માની ડોકમાં શોણિતભીની નરમુંડની માળા લટકી રહી હતી. ગળામાં ઘડીએ ઘડીએ અગ્નિજીભ કાઢતો સર્પ બેઠો હતો. હાથકંકણને સ્થાને બે નીલાકાચ વિષધર ફૂંફાડા મારી રહ્યા હતા. માથાના રાત, ભૂખરા, પિંગળ, કાળા વિચિત્ર કેશ આડીઅવળી લટમાં. અનેક નાગ લટક્યા હોય તેમ, ચારે તરફ શરીર ઉપર વીખરાયેલા પડ્યા હતા. એના હાથમાં હાડકાનું ભયંકર લોહી નીગળતું શસ્ત્ર હતું. એના પગ પાસે ચર્મનો, માણસનો, લોહીવાળાં અસ્થિનો ઢગલો પડ્યો હતો. એ ઢગલા ઉપર એક પગ સહેજ નમાવીને મા કાળી, એવી રીતે આલીઢા આસને ઊભાં હતાં કે જાણે હમણાં પેલું ભયંકર શસ્ત્ર એમના હાથમાંથી છૂટશે ને ત્રિલોકને સંહારશે! ગમે તેવા વજ્જર માનવીની પણ છાતી બેસી જાય એવું કાલિકાનું રૂપ હતું. એની પાસે વેંતિયા, દોઢવેંતિયા આકારો નાચીકૂદીને કાખલી વગાડતાં ખોખરું, ખોટું પોલું હાસ્ય હસતા હતાં. ભલભલાને ધ્રુજાવે તેવું એ દ્રશ્ય હતું.    

‘હ્રીં હ્રીં હ્રીં તું કોણ છે... અલ્યા? માંસ ક્યાં છે? મદિરા ક્યાં છે? શોણિત ક્યાં છે? મારો બલિ ક્યાં છે... બલિ લાવ... બલિ ક્યાં છે! મને કેમ બોલાવી છે તેં: તું કોણ છે?’

‘મા!’ જગદેવના અવાજનો નિર્ભયતાનો રણકો સાંભળીને જયદેવ છક થઇ ગયો: ‘મા! હું પરમાર જગદેવ. મેં તમને બોલાવ્યાં છે!’

‘શું કરવા?’ 

‘સિદ્ધપુરનું ક્ષેત્ર બાબરો અપવિત્ર કરે છે. મેં એ સાંભળ્યું. સાંભળ્યા પછી ચાલ્યો જાઉં તો મારી વિદ્યા લાજે. મારે એને વશ કરવો છે.’

‘બાબરાને? તારે?’

‘હા, મા!’ જગદેવે ડોકું હલાવ્યું.

જવાબમાં પેલું હાડકાનું વજ્ર મહાકાલીએ જોરથી ફેરવ્યું. તેનો ભયંકર સુસવાટ સંભળાયો – હજારો વિષધરો ફૂંફાડા મારતા હોય તેવો. ત્રિભુવનપાલનો હાથ ધ્રૂજી ઊઠ્યો. ‘ત્રિભુવન!’ જયદેવે અત્યંત ધીમેથી એને કહ્યું: ‘હવે આંહીં ધ્રૂજ્યા તો મર્યા પડ્યા છીએ! જોઈ શકાતું ન હોય તો આંખો મીંચીને પાછા પગે ચાલવા માંડ! મેં સાંભળ્યું છે કે એવી રીતે બચી જવાય. જપ જપતો જાજે!’

ત્રિભુવને એનો હાથ છોડી દીધો: ‘મહારાજ! હું દીકરો દેવપ્રસાદનો... પાછો ફરું? પણ આમાં જગદેવનું શીર્ષ ક્યાંક ઊડી જાય નહિ!’

‘માંસના બલિ વિના?’ કાળી બોલી રહી હતી, ‘નરશોણિત વિના અલ્યા, તું એને વશ કરશે? રાજા જયદેવ આંહીં છે. એ બત્રીસલક્ષણો છે. એનો બલી ધરી દે, હું તને ભારતવર્ષનું એકચક્રી રાજ આપીશ! વીર વિક્રમ જેવો બનાવીશ!’

પણ ‘આંહીં છે’ એ શબ્દનો અર્થ ‘પાટણમાં’ એમ જગદેવ સમજ્યો લાગ્યો.

પણ ત્રિભુવનપાલ તો એ સાંભળતાં ધ્રુજી ઊઠ્યો હતો. એનો હાથ પોતાની સમશેર ઉપર જ ગયો. જયદેવે એ જોયું. એણે તેના હાથ ઉપર હાથ મૂક્યો. એટલામાં જગદેવનો પ્રત્યુત્તર સંભળાયો: ‘ભારતવર્ષનું શું, ત્રિલોકનું રાજ તો મારા ચરણમાં છે. હું રાજને શું કરું? હું તો ક્ષત્રિય છું. આપત્તિમાં ઊભા રહેવું એટલો જ મારો ધર્મ છે. તમારે નરમાંસનો ખપ છે, તો ઉપાડો, ખપ્પરમાં નરમાંસ આપું!’

‘લાવ, ક્યાં છે?’

જગદેવે પાસે પડેલી સમશેર ઉપાડી. તે ઊભો થઇ ગયો. સબ કરતોક ને એણે પોતાના જ ગળા ઉપર એવા તો જોરથી ભયાનક ઘા કર્યો કે જો એનું શીર્ષ ઊડે તો એ ઊડીને લાગલું માના ખપ્પરમાં જ પડે.

ત્રિભુવનપાલ ને જયસિંહદેવ સ્તબ્ધ થઇ ગયા. જડ જેવા હોય તેમ બંને પૃથ્વી સાથે જડાઈ જ ગયા. એમનાં હ્રદય ધડકવા લાગ્યાં. હાથ શિથિલ થઇ ગયા. પળભર આંખો મીંચાઈ ગઈ. એમનાં મોંમાંથી દબાયેલો અવાજ નીકળતો નીકળતો રહી ગયો.

પણ બીજી એક ક્ષણમાં જગદેવનો હાથ જાણે અધ્ધર જ રહી ગયેલો એમણે જોયો. સમશેર એના હાથમાં જ રહી ગઈ હતી. આકાશમાંથી ઊગી નીકળ્યો  હોય તેવો ત્રિલોકમોહિનીનો કંકણવિભૂષિત હાથ એના કાનને પકડી લેતો, એકપળ માત્ર દેખાયો-ન-દેખાયો અને ત્યાં કાંઈ જ નહતું. ખપ્પર ન હતું. મહાકાલી ન હતાં, હાડકાં, ચર્મ, અસ્થિનો ઢગલો ન હતાં. પેલા વેંતિયા આકારો અદ્રશ્ય થઇ ગયા હતા. માત્ર માતાનાં કંકણની સોનેરી ઘૂઘરીઓમાંથી ઊઠતા મંદ, મધુર, સુંદર, ટનન ટનન સ્વરો હજી પણ હવામાંથી આવી રહ્યા હતા. જગદેવ પરમારના અધ્ધર રહી ગયેલા જમણા હાથમાં ચંદ્રબીજ જેવી એક ચૂડી શોભી રહી હતી. એક ઘડીભર તો શું થયું – શું ન થયું એ કાઈ જગદેવ સમજી શક્યો નહિ. આકાશમાં હવે દૂર ને દૂર ચાલ્યાં જતાં હોય તેવાં કોઈના પગલાં સંભળાયા. ઘૂઘરીઓનો ઝંકાર માંડ પડતો ગયો; વચ્ચે બે-ચાર શબ્દો માત્ર જગદેવને કાને પડ્યા:

‘પરમાર! જગદેવ! જા, હવે જા, તને અજિતાસિદ્ધિનું કંકણ પહેરાવ્યું છે. તું બર્બરકને વશ કરી શકીશ – તું ને તારા જેવો નિર્ભય બીજો કોઈ આંહીં રહ્યો હોય તો તે પણ દ્વન્દ્વયુદ્ધથી બર્બરકને વશ કરી શકશે... બીજી કોઈ યુદ્ધ-રીતે નહિ... હવે તું જા!’

પરમાર આતુર બનીને સાંભળી રહ્યો: ‘મા! બીજી કોઈ રીતે નહિ?’

‘ના... બીજી કોઈ રીતે નહિ. પણ પરમાર! તું હવે જા, આ દ્રશ્યો બીજા માટે નથી!’

એક ઘડીકમાં તો વાતાવરણ કાંઈ ન હોય તેમ શાંત થઇ ગયું. પ્રભાતની ઘડીનો સૂચક કૂકડાનો અવાજ સંભળાયો. જગદેવ આંખો મીંચીને ઉત્થાનમંત્ર ભણવા મંડ્યો. એના હાથ ઉપરનું અજીતકંકણ ધીમે ધીમે લુપ્ત થઇ ગયું. જયસિંહદેવ એ જોઈ રહ્યો. તેણે ત્રિભુવનપાલનો હાથ દબાવ્યો. જગદેવને એમના વિષે કાંઈ જાણ હોય તેમ લાગ્યું નહિ.

એ તો ધીમે ધીમે બધું સંકેલી રહ્યો હતો. તેણે પોતાની તલવાર સંભાળી, વેદીને છાંટી, એને ફરતી પાણીની ધારા કરી, કરેણનાં ફૂલ ચડાવ્યા. તેની ભસ્મ પોતાને કાને ને કપાળે લગાવી, બે હાથ જોડી એને પ્રણામ કર્યા.

પછી બગલમાં પોતાની તલવાર મારીને કનસડા તરફ પાછો ફર્યો. પોતાને કોઈએ જોયેલ છે એવી શંકા પણ એના મનમાં થઇ ન હતી. 

Share

NEW REALESED