Barbrakjishnu - Jaisingh Siddhraj - 30 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 30

Featured Books
Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 30

૩૦

ખેંગારની યોજના

ખેંગાર જ્યારે મંદિરે પહોંચ્યો ત્યારે એણે મંદિર બહાર કેટલાંક ઘોડાં ને સાંઢણીઓ દીઠાં. તાપણું સળગાવીને બે-ચાર ચોકીદાર ત્યાં બેઠા હતા. ખેંગારને દેખીને પહેરેગીરે એણે પડકાર્યો. ખેંગાર અંદર ગયો તો રાયઘણ એની જ રાહ જોતો બેઠો હતો. રાયઘણની પાસે જમાનાનો ખાધેલ, રંગે કાંઈક ગોરો એક વૃદ્ધ બેઠો હતો. એણે ધોળા નિમાણા, વૃદ્ધ છતાં સશક્ત અંગ, જમાનો જોયેલ અનુભવી ચતુર આંખો આટલી ઉંમરે પણ આ ભાર સહેવાની શક્તિ – ખેંગારે એને પ્રથમ બે હાથ જોડ્યા: ‘કાં ભા! દેવુભા! તમે પણ આવ્યા?’ રા’ વંશપરંપરાના બહુ જ જૂના ભાયાત મુત્સદ્દીઓમાં દેવુભા હતા. તેઓ ઘણા ચતુર ગણાતા. ખરી મુશ્કેલીમાં એમને રસ્તો કાઢતા ઘણે જોયા હતા. ‘ગલઢા વિના ક્યાંય ગાડાં વળ્યાં છે, ખેંગારજી? હું ન આવું, તો ગળે ધાનનો કોળિયો શેં ઊતરે? આંહીં તમે લીલાં વઢાવો ને ત્યાં હું ઢોલિયે બેઠો કાંઈ સારો લાગું, ભા? રાયઘણજીને કીધું, હાલો, હુંય ભેગો આવું. વિહુભા છે, દેહુભા છે. હું આવ્યો છું. બીજા પણ બે-પાંચ કટંબી છે. સૌ આવ્યા છે. શું છે આંહીંના સમાચાર?’ દેવુભા બોલ્યો.

‘આંહીં તો મુંજાલ મહેતા છે!’

‘એ તો એ જ હોય નાં – બીજું કોણ હોય? પણ મહારાજ મળ્યા? કાંઈ વાતચીત થઇ?’

‘ના-ના, મહારાજે તો કહેવરાવી દીધું છે કે રાયઘણજી આવે એટલે બંને ભેગા થઈને આવો. કાલે મંત્રણાસભા છે!’

‘આપણે ન્યાં જાવું પડશે?’

‘હા.’

‘આપણે ન્યાં કેવી રીતે માંડવી છે? વિચાર કર્યો એનો કાંઈ? આંહીં કોઈ એનો તો નહિ હોય નાં?’

‘ના-ના, આંહીં કોઈ ન મળે!’

ખેંગારના મનમાં તો દેવડીના શબ્દો રમી રહ્યા હતા. થોડીવાર પછી એ બોલ્યો.

‘દેવુભા! આપણે બીજી શી માંડવી’તી? આપણે તો ત્રંબાળે ઘા દેવો છે! પાટણની ભરબજારેથી સાંઢણી સોનરેખ લેવી છે... ને ધોળે દાડે લેવી છે!’

‘રંગ, બાપ! રા’નાં તે કાંઈ મોળાં હોય? પણ વિચાર કર્યો છે, બાપ! કે એ બધું શી રીતે બનશે? મહીડો ગ્યો કે છે હજી?’ ચતુર દેવુભાએ રા’ને ઉત્સાહ આપ્યો. પણ વાતની અશક્યતા એની નજર બહાર ન હતી.

‘કાલે રાતે એણે મળવું છે!’

‘ક્યાં?’

‘આંહીંથી જોજનવા છે – તલાવડાને કાંઠે વડલા હેઠ. વાટ જોતો હશે. હું આહીંથી જઈશ. મધરાત ભાંગ્યે આવીને પાટણને જગાડવું! તમે સૌ તૈયાર રહેજો ને પરભાતમા પ્રયાણ કરી જાવું!’

‘જુઓ, ખેંગારજી!’ દેવુભાએ ગોઠણે બાંધેલી ભેટને જરાક સરખી કરી. ખોંખારો ખાધો, ધોળી લાંબી દાઢીને બે હાથ પસારીને સરખી કરી: ‘બાપદાદે સાતસાત પેઢીથી રા’ના કુળની સેવા બજાવતો આવ્યો છું. રા’ કોઈ મોળો નથી. ને ભગવાન સોમનાથ કરશે તો નીકળવાનો પણ નથી. પણ ખેંગારજી! જમાનો પલટાયો છે. જેણે બાબરાને ભોંભેગો કરી નાખ્યો, એની હારે કામ લેવાનું છે. થોડુંક, બાપ! ડહાપણ નહીં રાખીએ, તો રોળાઈ જાશું. આ તમે વાત તો કરી, પણ પાટણની અગણિત સેનાનું શું? દેવુભાએ ખેંગારને પૂછ્યું. થોડી વાર પછી એ પોતે જ બોલ્યો, ‘અમે તો નક્કી કર્યું હતું કે મુંજાલ મહેતાને કહેવું કે જૂનોગઢની ગાદી ઉપર હક્ક રા’ રાયઘણનો, ખેંગારજીનો હક્ક નહીં. ખેંગારજી તો સર્વનાશને નોંતરે. એમને મહીડો મારવો છે, પાટણનો દરવાજો તોડવો છે – આમ વાતે કરીને વિશ્વાસ મેળવવો. ને પછી કામ કરીને – પાંચે પંદરે નિરાંતે હાલ્યા જાવું.’

ખેંગારની નજર સમક્ષ દેવડીની પરાક્રમી મૂર્તિ ખડી થઇ. એણે ડોકું ધુણાવ્યું.

‘કેમ, ભા? ડોકું કેમ ધુણાવ્યું? મેં એંશી વરસ ખાધાં છે, ખેંગારજી! આ જેસંગ જેવો કોઈ જાણ્યો નથી. કામ ભોરંગ સાથે છે. મોરલી વગાડશો તો આ મણિધરને જાગતો પકડશો. દેહુભા-વિહુભા ત્યાં મદનપાલની હવેલીએ રહેશે. બરાબર તક જોઇને એને ફૂંકશે. એ વખતે અંધાધૂંધી થાય, એ લાગ જોઇને દરવાજો – તોડવો – એ વિના બાપ! કામ  નહિ થાય! દેવડી તૈયાર છે નાં?’ 

‘દેવડી તૈયાર છે દેવુભા! પણ એ તો જોદ્ધા સાથે નીકળે – સોનરેખ ઉપર, ધોળે દીએ, ભરબજારે! એ કાંઈ ચોરીછૂપીથી ન ભાગે!’

‘હું તમને ઉગારવા આવ્યો છું, એટલું સમજો!’

ખેંગાર કાંઈ બોલ્યો નહિ.

‘કેમ કાંઈ બોલ્યા નહિ? રા’નું કુળ આખું ગાંડું. લાખા ફુલાણી ને ગ્રહરિપુના જમાનાથી તમે લડતા આવ્યા છો. તમારી પાસે જૂનાગઢ જેવો દુર્ગ છે. કચ્છ, લાટ કે માલવાને ભેળવીને કોઈ મહાન લડાઈ આદરો ને? આ શી ઘેલછા લાગી છે સૌને – ટપલી મારીને ભાગી જાવાની? એમાં તો, ખેંગારજી, રા’નું કુળ હણાઈ ગયું!’

‘કાલે આપણે મહારાજને મળીશું. તમારે કહેવું હોય એ તમે કહેજો, હું મારો રસ્તો કરી લઈશ!’ ખેંગાર બોલ્યો.

‘અરે, એમ કાંઈ થાય, ભા? આંહીં આવ્યા છીએ તમારા સાટુ થઈને. પણ તમે કાંઈ વિચાર તો કર્યો હશે નાં! તમારી વાત તો કરો. બોલો, હવે તમે કહો.’

‘ત્યારે, દેવુભા, દરવાજો તૂટશે, દેવડી પણ ચાલી નીકળશે, જેસિંગનું નાક વેંત ભરીને કપાશે, જુદ્ધ પણ થાતું જાશે ને જૂનોગઢ પણ પહોંચી જવાશે. ચોરની પેઠે ભાગું તો દેવડીની અપકીર્તિ થાય!’

‘તો ભલે એમ કરો...’ દેવુભા જમાનાનો ખાધેલ હતો. એણે વિચાર્યું કે છેવટે તો દેશુભા-વિશુભા છે. મદનપાલની હવેલી છે. શું કરવું એ દેશુભાને કહી દેવાશે.

‘બીજું કોઈ ઓળખીતું?’

‘ઠારણ નામે છે.... દેવડાના વાડામાં... ને માલવાના મદ્ય વેંચનારાઓ છે એ મદદરૂપ થાશે.’

‘દેશુભા ને વિશુભા કાલે એ કામે ચડી જાશે ને નક્કી કરી લેશે. તમે શું ધાર્યું છે?’

‘મહીડાને રાતે મારવો. વહેલા પ્રભાતે દરવાજો તોડવો. સૂરજનું કિરણ નીકળે ને દેવડીને લઈને નીકળી જાવું!’

‘બરાબર... પણ દરવાજો શી રીતે તૂટશે?’

‘ત્યાં બર્બરકના માણસો રાતે કામ કરે છે. આખી રાત કામ ચાલે છે. એટલે અવાજમાં આપણો અવાજ ડૂબી જાશે! આપણે આંહીં માલવાના મદ્ય વેચનારાઓ છે, તેમને સાધ્યા છે. દેશુભા કાલે ને કાલે એ વાત ગોઠવી દેશે. એ બધા તો ક્યારના તૈયાર છે!’

દેવુભાએ કાન પકડ્યો: ‘આ તો સોળ વાલ ને એક રતી!’ એનું મન મદનપાલની હવેલીએ ક્યારે આગ ચાંપવી એ સમયગણતરી કરી રહ્યું હતું. ‘પણ પાટણનું સેન – એનું શું?’

‘દેવુભા! તમારી ભેગી સાંઢણીઓ છે નાં? કેવીક છે?’

‘ઠેકડા મારીને માંસના લોચા ઝડપે એવી બનાવી દીધી છે!’

‘ત્યારે રા’ના સિંહાસનનો મહિમા થોડાંક સાટુ શું કરવા ગુમાવો છો? રા’ના સિંહાસન તો સાંઢણી ઉપર જ થાતાં આવ્યાં છે. સોનરેખને કોણ પહોંચવાનું છે? જે પહોંચશે તે જુદ્ધ માંડશે નાં? જુદ્ધ માંડશે તો જવાબ મળશે. થઈથઈને બીજું શું થાશે?

દેવુભાએ તો મનની ગાંઠ વાળી લીધી. એમણે સેનને કેમ રોકવું એ વિચાર કરી લીધો. દેવડાની ઘોડારને ફૂંકી હોય તો ઘોડાં પાંચસો-સાતસો છૂટાં થઇ જાય... તેણે ખેંગારને એ વાત ન કરી.

‘કાલે સવારે જ કાં તો બોલાવશે?’

‘હા, કાલે સવારે જ.’

‘થયું ત્યારે; તમે કહ્યું તેમ જ રાખીશું કે અમારે તો ખેંગાર કરે એ સહી છે. બરાબર છે નાં? પછી જ્યાં જેવા રંગ!’

‘બરાબર... ને કાલે સવારે મદનપાલની હવેલીએ જ પહોંચી જજો.’

ખેંગાર ગયો, રસ્તે આખે એણે દેવડી આ વાતને શી રીતે માનશે એ વિચારો આવી રહ્યા હતા. પોતે દેવડીની દ્રષ્ટિમાં ઊતરી પડે, એના કરતાં પણ દેવડીની ઉત્તુંગ કલ્પનાને આઘાત થાય એ વસ્તુ એણે વધારે ખૂંચતી હતી.

પણ એના ગયા પછી દેવુભા તો મોડી રાત સુધી દેશુભા-વિશુભા સાથે અનેક પ્રકારની વાતો કરી રહ્યા હતા.