Barbrakjishnu - Jaisingh Siddhraj - 31 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 31

Featured Books
Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 31

૩૧

ખેંગારની ખુમારી રૂંધાય છે!

ખેંગારના પ્રશ્ને મંત્રણાસભામાં એક પ્રકારનું ગંભીર વાતાવરણ પ્રગટાવ્યું હતું. રાજદરબારમાં સોરઠી મંડળ આવ્યું ત્યારે હજી કોઈ નિર્ણય થઇ શક્યો ન હતો. સાંતૂએ બે દિશાના એકીસાથે આવનારા ભય સામે સાવધાનીનો સૂર મૂક્યો હતો. મુંજાલ તક જોવાની તરફેણમાં હતો. આ ત્રિભુવન અનિવાર્ય હોય તો તાત્કાલિક યુદ્ધ ઉપાડવાના અને અનિવાર્ય ન હોય તો જ રાહ જોવાની રાજનીતિમાં માનતો હતો. મુંજાલનો સાવધાનીનો સૂર પણ ગૌરવ જળવાય એવી રીતે જ રાહ જોવાની વાતો કરતો હતો. રાજમાતાએ જૂનોગઢના અજિત કિલ્લાની વાત સાંભળી હતી: ‘તારા કોટકિલ્લા હજી થાય છે, જયદેવ! માલવાની રાજનીતિ સ્પષ્ટ નથી, લાટ વિષે ત્રિભુવન શંકામાં છે, એવે વખતે એટલું તાણવું કે છેવટે તૂટે નહિ.’

‘આપણે ખેંગારને આંહીં રોક્યો. રાયઘણને બોલાવ્યો. એ અંદરઅંદર સમજતા હોય તો ભલે સમજે. માત્ર આપણે એને નમતું આપ્યું એમ ન ગણાવું જોઈએ.’ મુંજાલે કહ્યું.

‘પણ નહિ સમજે તો?’ સિદ્ધરાજે કહ્યું, ‘એય જાણે છે એના દુર્ગનું બળ. આપણને તાવવાની રીત એનેય આવડતી હશે, મા! એ નહિ સમજે, જાણીજોઈને આપણું મન માપવા નહિ સમજે ને તે માટે જ દેખાવ કરશે – તો?’

‘તો-તો પ્રભુ! આપણે પણ એણે પાણી બતાવવું રહ્યું, બીજું શું?’

તાત્કાલિક અનિવાર્ય હોય તો આપણે યુદ્ધ ઉપાડ્યે જ છૂટકો છે. એ જાણશે કે આપણે એના કોટકિલ્લાથી ડરીએ છીએ. તો એ ધણી થાતો આવશે... પણ એનો ગજ ન વાગે ને આપણને એ અચાનક ઘા મારીને પાછો ભાગી ન જાય એ જોવાનું છે. નમતું કોઈ આપવાનું નથી. આ આવ્યા!’

‘પ્રભુ! નરવર્મદેવના બહુ સારા સમાચાર નથી હોં!’ સાંતૂએ ઉતાવળે પણ ધીમેથી કઈ દીધું.

સિદ્ધરાજે કાંઈ જવાબ ન વાળ્યો. રાયઘણ, દેવુભા, ખેંગાર – સૌ અંદર આવી પહોંચ્યા હતા. તેઓ નમીને ત્યાં બેઠા. મુંજાલે સાંતૂના કાન કરડયા: ‘તમે કહ્યું... પણ ખેંગારના લક્ષણ જુઓ! એ જાણે યુદ્ધ લેવા આવ્યો છે! એની બેસવાની ઢબ જ જુઓ ને!’

ખેંગાર યુદ્ધ લેવા આવ્યો હતો એ સિદ્ધરાજ કળી ગયો. તેણે ક્ષણ-બે-ક્ષણ વિચાર કર્યો, પછી ત્રિભુવન સામે જોયું: ‘ત્રિભુવન! ખેંગારજી આવ્યા છે. આપણે રા’ નવઘણનું ગૌરવ જોયેલું, એટલે જરાક લાગી આવે!’

‘કેમ, પ્રભુ! એમ કેમ બોલ્યા?’ ત્રિભુવને હાથ જોડ્યા. સિદ્ધરાજની વાતનો મર્મ કોઈ સમજ્યું નહિ; પણ સૌને લાગ્યું કે મહારાજ યુદ્ધનું આહ્વાન કરી રહ્યા છે. નમતું ન જોખવું ને ગૌરવ ખોયા વિના વાત કરવી એ વાત નક્કી કરી હતી. એક મુંજાલને એમની વાણીમાં જુદો જ ટંકાર સંભળાયો ને તને આશ્ચર્ય પણ થયું.

‘ખેંગારજી!’ સિદ્ધરાજને એની તોછડી રીત ખૂંચી રહી હતી, ‘હજી રા’પદ છોડ્યા પહેલાં રા’ની રીત કેમ છોડી દીધી? આ વૃદ્ધ આવ્યા છે – ભા દેવુભા તો નહિ?’

‘હા, મહારાજ! હું દેવુભા! મહારાજે નામ બરાબર યાદ રાખ્યું લાગે છે!’

‘નામ તો રા’ નવઘણજીએ એક વખત આપ્યું’તું. રા’ નવઘણ ગમે તેમ પણ રાજની રીતના જાણકાર હતા.’

‘ખેંગારજી, ભા!, દેવુભાએ કહ્યું, ‘મહારાજ બોલ્યા એમાં ઊંડો અરથ છે હો!’

‘તમારું નામ સાંભળ્યું’તું, ભા દેવુભા! એટલે લાગ્યું કે તમારા જેવા જાણકાર ભેગા છે ને રા’ ખેંગારજીએ રા’પદ છોડ્યા પહેલાં રા’ની રીત કેમ છોડી? જુદ્ધ તો ઠીક હવે. જુદ્ધ થાતાં આવે ને શમતાં આવે!’

ખેંગાર શરમાયો. તેણે પોતાની બેસવાની રીત તરત બદલી કાઢી.

‘ત્યારે, ખેંગારજી! અમે તમને એટલા માટે રોક્યા કે અમને પણ તમારો પરિચય થાય! આ તો રા’ રાયઘણજી, આ ભા દેવુભા... આ ભાઈ કોણ છે?’

‘એ મારો ભાણેજ – દેશળભા!’

‘એમ?’

‘મહારાજ, એમનો તો હું ભાણેજ... પણ એક સગપણે મહારાજ મારા કાકા છે!’

‘ત્યારે કુટુંબમેળો છે એમ જ બોલો ને!’ સિદ્ધરાજે કહ્યું. મુંજાલ સાંભળી રહ્યો. વાત હમણાં જ યુદ્ધની કરી હતી ને આંહીં તો શરૂઆત જ સમાધાનવૃત્તિથી થઇ. એને નવાઈ લાગી. પણ  સાંભળી સૌને આશ્ચર્ય થયું. ભા દેવુભા પણ અચંબો પામ્યા. એણે વાત આંહીં જુદી જ ધારી હતી. એણે તો સિદ્ધરાજની આજ્ઞા આવશે એમ ધાર્યું હતું. સૌ એવી જ તૈયારી કરીને આવ્યા હતા.

સિદ્ધરાજ મનમાં હસી રહ્યો. ખેંગારની પ્રતિજ્ઞાની વાત એની પાસે ક્યારની આવી પહોંચી હતી. એણે સૌને વિચાર કરતાં કરી મૂક્યા. રાજાનો અવાજ શાંત, વિનમ્ર એકદમ સમાધાનસૂચક હતો એ શું? રાજમાતા પણ એનો ભેદ કળી શક્યાં નહિ.

હજી તો ગઈ કાલે જ મંત્રણાસભામાં ‘રા’ તરીકે ખેંગાર નહિ રહી શકે!’ એણે એમ કહ્યું હતું. એટલે સાંતૂ કે મુંજાલ પણ આ પરિવર્તનનો તાગ પામ્યા નહિ. 

‘ખેંગારજી! તમારી પ્રતિજ્ઞા છે –’ સિદ્ધરાજ બોલ્યો, પણ એનો અવાજ સ્વસ્થ હતો. ‘પાટણનો દરવાજો તોડવાની. બીજી પ્રતિજ્ઞા છે મહીડાને મારવાની. એ બંને પૂરી થઇ ગઈ? પૂરી થઇ ગઈ હોય તો રા’પદ રાયઘણજી સાચવે; પૂરી ન થઇ હોય, તો ભલે તમે સાચવો! તમે મુંજાલને કહ્યું હતું કે અમારી રજપૂતી સાચવો. અમારે પણ રજપૂતી તો સાચવવી જ છે.’

રાયઘણ, દેવુભા કે ખેંગાર – ત્રણેમાંથી કોઈને કેમ  બોલવું કે શો જવાબ આપવો તે સુઝ્યું નહિ. સિદ્ધરાજનું વેણ એકદમ ન ધારેલું એવું આવ્યું હતું. ઘણે સમયે રહીરહીને મુંજાલ સમજ્યો. ખેંગારને ખુમારી વ્યક્ત કરવાનું મન થઇ આવે એવી કોઈ વાત સિદ્ધરાજે જાણીજોઈને કાઢી ન હતી. ખેંગાર પણ મનમાં સમસમી રહ્યો હતો. રાજાની અત્યંત વિચિત્ર બુદ્ધિ વિષે મુંજાલ ઊંડો વિચાર કરી રહ્યો. એ અતાગ હતો એની આજે એણે બરાબર પ્રતીતિ થઇ. થોડી વારે ખેંગારને જવાબ આપવાની સમજણ પડી.

‘રા’પદને ને પ્રતિજ્ઞાને, મહારાજ, કાંઈ લેવાદેવા નથી!’

‘ખરેખર? ખેંગારજી! સાચું કહો છો?’ ખેંગારને લાગ્યું કે આ તો સૂડી વચ્ચે સોપારી જેવું થાય છે. જે વસ્તુને એ ટેવાયેલો હતો – જુદ્ધને – આહ્વાનને, રણભૂમિને – એની જાણે કોઈ વાત જ સિદ્ધરાજે કાઢી નહિ. એને પાણી ઊંડું જણાતું હતું. સિદ્ધરાજ ખેંગારની મૂંઝવણ ઉપર મનમાં હજી હસતો હતો. ખેંગારને તો ભાષા પણ જડતી નહોતી. બર્બરકને હરાવનાર સિદ્ધરાજ વિશે દેવુભાએ કરેલી કલ્પના ખોટી પડતી હતી. એણે એને આવો વિચક્ષણ નર નહોતો કલ્પ્યો.

‘એમ કરીએ તો, ખેંગારજી! જૂનોગઢનું રા’પદ રાયઘણજી સાચવે. પ્રતિજ્ઞાઓ તમે સાચવો. બંનેને સંબંધ નથી એ તો તમે જ કહ્યું નાં? સિદ્ધરાજ આગળ વધ્યો.

‘મહારાજ! રા’પદ જૂનોગઢનું સતી જેવું છે. એક રા’ જીવતે જૂનોગઢમાં બીજો રા’ થાતો નથી, એનું શું?’

‘તો ભલે... ભલે રા’ એક રહે. પણ રા’ કોણ રહેશે – તમે કે રાયઘણજી?’ મુખ્ય પ્રશ્ન આવી પહોંચ્યો, એક ઘડીભર ગંભીરતા છવાઈ ગઈ.

મુંજાલ, સાંતૂ – સૌએ માન્યું કે હવે મહારાજ યુદ્ધ તરફ જઈ રહ્યા છે. ‘પ્રભુ! જૂનોગઢપંથકમા તો રા’ એક જ – રા’ ખેંગારજી!’ દેવુભા બોલ્યા, ‘ત્યાં તો સૌએ રા’ એમને માન્યા છે.’

‘પણ રાયઘણજી શું કહે છે?’ સિદ્ધરાજે પૂછ્યું.

‘પ્રભુ! એમાં મારે શું કહેવાનું હોય? રા’પદ તો છે જ ખેંગારજીનું!’ રાયઘણ બોલ્યો.

સિદ્ધરાજનો શાંત અને સ્વસ્થ જ રહેલો ચહેરો સૌને આશ્ચર્ય પમાડી રહ્યો. એનો અવાજ હજી પણ સમાધાનકારક હતો: ‘ત્યારે એમ કરો. જૂનોગઢપંથકમાં રા’ખેંગારજી, વંથળીપંથકમા રા’ રાયઘણજી!’ સિદ્ધરાજે એના વાક્યને ફેરવી બતાવ્યું. ‘એમ કરો ભલે!’

‘જૂનોગઢ ને વંથળી જુદાં ન પડે,મહારાજ! એ તો ધડ ને માથાં જુદાં થાય તો બેય જુદાં થાય...’ ખેંગાર બોલ્યો.

પણ સિદ્ધરાજે એની વાણીની ખુમારી પાછી હરી લીધી: ‘ભલે... તો ખેંગારજી જેમ કહે તેમ કરો. રા’પદ – જૂનોગઢ ને વંથળીનું બંને ભલે ખેંગારજી સાચવતા, રાયઘણજી! તમારે આમાં કાંઈ કહેવાપણું નથી નાં?’

‘મારે શું કહેવાનું હોય? રા’ તો રા’ ખેંગારજી જ છે. જૂનોગઢનો કોઈ રા’ બીજો હવે હોય?’

‘મને પણ એમ લાગે છે! ‘ સિદ્ધરાજ બોલ્યો. એના શબ્દના ધ્વનિથી મુંજાલ ને રાજમાતા – બંને ચમકી ઊઠ્યાં. એ દ્વિઅર્થી વાક્યનો ભેદ ખેંગારને તદ્દન અકળ રહી ગયો લાગ્યો. મુંજાલે સાંતૂના કાનમાં કહ્યું: ‘મહારાજે આજે આ શું માંડ્યું છે? કે તમારી માળવાવાળી વાતની અસર થઇ? આ તો ગાજીગાજીને વરસ્યા નહિ એના જેવી વાત થાય છે. સોરઠીઓ પોતે પણ હેબતાઈ ગયા છે. એમણે વીજળીના ધડાકાની આશા રાખી હશે.’

‘આજે તો આંહીં પટ્ટાબાજી થશે એમ ધારીને આપણે તો સૌ કાંઈક વારવા આવ્યા’તા. મહારાજે આ નવાઈનું કાઢ્યું!’ સાંતૂ ધીમેથી બોલ્યો.

‘તો-તો... મહારાજ! અમે રજા લઈએ? કામ તો આટલું જ હતું – રા’પદે કોને સ્થાપવો એ નક્કી કરવાનું જ!’ દેવુભાએ ઉતાવળ કરવા માંડી.

કદાચ હવે જ મહારાજ કાંઈક વ્યગ્ર કરી મૂકે એવું બોલશે એવી આશામાં જ દેવુભા આ બોલી ગયો લાગ્યો, પણ એની આશા ન ફળી.      

‘ભલે...’ સિદ્ધરાજે અત્યંત શાંતિથી કહ્યું, ‘સોરઠ તરફ ક્યારે... કાલે જવું છે?’

દેવુભાને હવે શંકા પડી. સિદ્ધરાજને વાતની ગંધ આવી ગઈ હોય એટલે આવી શાંતિ બતાવી હોય એમ ન બને? સૈનિકોનો બંદોબસ્ત એવો કર્યો હોય કે એક આંગળી ઊંચી થઇ શકે નહિ. તેણે ખેંગાર સામે જોયું. ખેંગારજી પણ એ જ વિચારમાં લાગ્યો. ખેંગારે રાયઘણ સામે જોયું.  રાયઘણને પણ આ ચાલનો અકળ ભેદ મૂંઝવી રહ્યો હતો.

‘ના, પ્રભુ! કાલ તો શું...’ એમ તો હજી અઠવાડિયું ગાળીશું!’ રાયઘણે કહી નાખ્યું. સૌ એમાં સંમત લાગ્યા.

‘વાહવાહ! તો-તો મુંજાલ મહેતા! આમને કાંઈ ઓછું ન આવે... ક્યાં છે કેશવ? એણે બોલાવો ને! ક્યાં –મદનપાલજીની હવેલીએ ઉતારો રાખ્યો છે નાં?’

‘હા, પ્રભુ!’ 

થોડીવાર પછી બધા ઊઠ્યા. પણ સિદ્ધરાજનો અકળ રહેલો ભેદ દેવુભાને હજી મૂંઝવી રહ્યો હોત. આવતી કાલે જ આ ઘા આવી રહ્યો છે એની ખબર પડી છે કે દેવડીની વાતની એને જાણ છે... માટે આ કૃત્રિમ શાંતિ ધારી છે... કે માલવાના કોઈ સમાચાર હોય ને ખરેખર સમાધાન જોઈએ છે એટલે આ કૃત્રિમ સમાધાનવૃત્તિ છે... કે પછી એણે સૈનિકોને મદનપાલની હવેલી આસપાસ મૂકીને અમને હવેલીએ પહોંચતાં જ બંધનમાં નાખી દેવાનો વિચાર કર્યો છે કે શું? દેવુભાને પોતાની ચતુરાઈનું દેવાળું પહેલી વખત મૂંઝવી રહ્યું. એમણે કાંઈક બોલીને પણ ઊંડાણ માપી લેવામાં સલામતી જોઈ. તેણે રા’ખેંગારજીનો હાથ સહેજ દબાવ્યો.

‘જુઓ ત્યારે, મહારાજ! અમે આમ સમજ્યા છીએ કે રા’ ખેંગારજીને રાજની સોંપણી થઇ ગઈ છે...’ દેવુભા બોલ્યો.

‘રાજની ને રા’પદ બંનેની.’ સિદ્ધરાજ બોલ્યો, ‘તમે એમ કહ્યું છે કે હવે જૂનોગઢને રા’ બીજો નહિ ખપે. મને પણ એ વાત ભાવિના અક્ષર જેવી નિશ્ચિત હોય એમ લાગે છે. જૂનોગઢ ઉપર હવે બીજા કોઈને રા’પદ ન હોય!’ સાંતૂ મહેતો એમાં રહેલ યુદ્ધનો ભયંકર અગ્નિ સંચિત થઇ જોઈ રહ્યો અને જૂનોગઢનું આગામી યુદ્ધ જોઈ રહ્યો. પણ સિદ્ધરાજના અવાજે એના વાક્યનો એક જ અર્થ દેવુભાને પકડવા દીધો. એણે રજા લઈને ઘેર જઈ ફરી મસલત કરવામાં ને કાલે ને કાલે ઘા મારીને ભાગી જવામાં સલામતી લાગી. સિદ્ધરાજના સૈન્યની નહિ એટલી સિદ્ધરાજના આ અકળ વર્તનની ભડક સોરઠીઓમા આવી ગઈ લાગી. એકદમ ભાગવા માટે સૌ અધીરા થઇ ગયા હતા.

સિદ્ધરાજ એ કળી ગયો. એટલામાં કેશવ આવ્યો. ‘કેશવ!’ મહારાજે કહ્યું, ‘આ ખેંગારજી, રાયઘણજી – સૌ મદનપાલની હવેલીએ છે, એમને ક્યાંય લવલેશ ખામી ન આવે એ જોતા રહેજો. હજી બેચાર દી... પોતે આંહીં છે. દેવડાની ઘોડાર જોઈ, રાયઘણજી?’

સિદ્ધરાજે બીજું તો ઠીક; મહીડાજીની વાત સંભારી ન હતી! મુંજાલને વિચાર આવી ગયો.

‘ના, પ્રભુ!’

‘ત્યારે આવજો ને, આપણે કાલે સાથે જઈશું. દેવડાજીને ત્યાં નામી ઘોડાં છે. ખેંગારજીને તો ખબર હશે!’

‘કહો-ન-કહો, પણ આપણી તલેતલ વાત આની પાસે છે ને એ શાંતિનો એ જ ભેદ છે.’ દેવુભા વિચાર કરી રહ્યો, ‘આપણે આપણી વાત ફેરવી કાઢવી પડશે.’ દેવુભા ને સૌ રજા લેતા એકદમ ઊઠ્યા. મહારાજની મનોદશા કાંઈ કળી શકાઈ ન હતી. હરેક વાક્યે ઊંડાણ વધારે થતું હતું. એમને હવે ઝટ ઘરભેગું થાવું હતું. વિચાર કરવા માટે શાંતિ જોઈતી હતી. દેવુભાને કેશવની દ્રષ્ટિમા પણ કાંઈક ભેદ દેખાયો. ગમે તેમ પણ આજે ઘા ન કરવો. આજે સૌ જાગ્રત છે – એટલો વિચાર એણે આવી ગયો. એ સૌ રજા લેવા ઊઠ્યા.

મુંજાલ ઘેર પહોંચ્યો ત્યારે એણે પણ હજી આ અણઊકલ્યો ભેદ મૂંઝવી રહ્યો હતો.

એ ઝાંઝણની રાહ જોતો હતો.

આજના મહારાજના પરિવર્તને એની બુદ્ધિનો પણ તાગ લીધો હતો. મહારાજ આવી રીતે વાત કરવાના છે તેની ખબર જ કોઈને ન હતી. સોરઠીઓ પણ તમામ હેબતાઈ ગયા હતા. રાજમાતાને જયદેવની વાતમાં કાંઈ ધડ કે માથું મળ્યું જ નહિ. પણ મહારાજે તો સ્પષ્ટ રીતે જૂનોગઢનો આ રા’ રહેવાનો હોય. તો એ છેલ્લો જ છે એ પોતાની અફર રાજનીતિ પ્રકટ કરી દીધી હતી, પણ એ સમજ્યું કોઈ ન હતું... મુંજાલને પણ આ ભેદના કારણની કંઈ સમજણ પડી નહિ.

એક વાત એણે ઝાંઝણે છેલ્લા વખતની કહી હતી ને એથી એનું મન ગભરાઈ ઊઠ્યું હતું. રાજા પોતે જ પ્રજાજનોમા એવી તો કુનેહથી ભળે છે કે કોઈને કાંઈ ખબર પડતી નથી. એને લાગ્યું કે સિદ્ધરાજ ને કદાચ કોઈ દોરી જ નહિ શકે. ગુપ્તચરો વાત લાવે તે પહેલાં જ સિદ્ધરાજ પ્રજાજનોમાંથી એ વાત મેળવી લેતો. મુંજાલને સિદ્ધરાજના આ પરિવર્તનમા આવો જ કોઈક ભેદ હોય તેમ જણાયું હતું. મહારાજે જે મંત્રણા ચલાવી હતી તેનાથી વિરુદ્ધ દેખાવ કરીને ભલે સોરઠીઓને મૂંઝવી દીધા હોય, પણ અમાત્યમંડળ પાટણનું – એનો તો એમાં ઉપહાસ થઇ રહ્યો હતો. મુંજાલ મનમાં અકળાઈ ઊઠ્યો. આવી રીતે તો અમાત્યમંડળની પ્રતિષ્ઠા નાશ પામે. 

એટલામાં એણે ઝાંઝણને આ બાજુ આવતો જોયો. એની પાસે કાંઈક અગત્યના સમાચાર લાગ્યા. ‘મહીડાને મારીને ખેંગારજી આજે જ પાટણનો દરવાજો તોડવાના હતા...’ એ સમાચાર મહારાજને મળ્યા હતા! ઝાંઝણે આવતાંવેંત કહ્યું: ‘આજે મહારાજે ખેંગારને એ વિષે કાંઈક કહ્યું, પ્રભુ?’

‘ક્યારે એ સમાચાર મળ્યા, ઝાંઝણ? આ સમાચાર વિષે કાંઈ વાત નથી. લાગતું’તું કે ખેંગારજીને બંધન નહિ આપો તો કાંઇક નવાજૂની થાશે, પણ એ વાત આજકાલની જ છે? મહારાજને કોને, તેં કહ્યું?’

‘મહારાજ પોતે એકલા જાણી આવ્યા લાગે છે!’

‘હેં? તેં કેમ જાણ્યું? મહારાજ પોતે એકલા ફરે છે!’

‘કનકચૂડનું નામ સાંભળ્યું છે, પ્રભુ! એ કનકચૂડ નાગ આવ્યો છે – સિંધમાંથી. એનું દુઃખ જાણવા માટે મહારાજ પોતે એકલા ગયેલા. કૃપાણે કહ્યું કે પ્રભાતે મહાલયમા આવ્યા... અને મોડી રાત સુધી બર્બરકની પાસે જ બેઠા હતા...!’

‘બર્બરકની પાસે? ત્યાં શું હતું?’

‘પ્રભુ!’, ઝાંઝણે ચારેતરફ જોયું, પછી ધીમેથી ઉમેર્યું, ‘રાજાને દેવડીની ઘેલછા લાગી છે!’

‘એમાં બર્બરકની મદદ લેવી છે, એમ? અરે! આ તું શું કહે છે? પાટણનું શું થવા બેઠું છે?’ મુંજાલ બોલ્યો.

‘ના-ના પ્રભુ! સાંભળો તો ખરા. ભયંકર વાત છે. તમે કે સાંતૂ મહેતા કે કોઈ મંત્રી હવે સુખે સૂઈ રહ્યા! રાજાને આ કનકચૂડનું દુઃખ ભાંગવાની ઈચ્છા થઇ આવી!’

‘કનકચૂડ નાગ? સિંધનો છે, એની?’

‘હા, પ્રભુ! એના ઉપર વારંવાર યવનનાં અરિદળ આવે છે. મહારાજની સહાય લેવા માટે એ આંહીં ગુપચુપ આવ્યો. બર્બરકનો મિત્ર, એટલે પ્રથમ તો એને મળ્યો. મહારાજને પરદુઃખભંજન વીર વિક્રમનું સ્વપ્ન છે. એણે કનકને મદદ કરવા વચન દીધું. પછી બર્બરકે એમને વાત કરી કે બર્બરક પાસેથી એમને ધીમેધીમે વાત મેળવી કે શું થયું તેની ખબર નથી, પણ એમને ખબર પડી કે બર્બરક પાસે વીરોપાસના છે. રાજાને એ લેવાની લગની લાગી. હજારોના દુઃખ વીર વિક્રમની પેઠે તો ટળે... વીરોપાસનાથી.’

‘વીરોપાસના?’

‘હા, વીરોપાસના બર્બરક પાસે છે એમ કહેવાય છે. એના ખભા ઉપર રાત ને દિવસ વીર બેઠો છે. તમે કે હું કોઈ એ જોઈ શકીએ નહિ. પણ વીર ત્યાં બેઠો હોય એનો અર્થ એ કે રાત ને દિવસ – ચોવીસે ઘડી ને આઠે પહોર, એમ પળની નિરાંત વિના બર્બરકે કામ કરવું રહ્યું. એણે વીરોપાસના સિદ્ધ કરી છે એમ માન્યતા છે. એટલે એ થાકે, પરિતાપ કરે, આંસુ પાડે, ગમે તે કરે... પણ જ્યાં સુધી કોઈ બીજો આ વીરને આહ્વાન આપી, પોતાને આશ્રય આપે નહિ, ત્યાં સુધી બર્બરકને એ છોડે નહિ. અને બર્બરકને નિરાંત પણ એક પળની મળે નહિ! એ ભલે અદ્ભુત કામ કરે, અનેક કામ કરે, કૈંકના દુઃખદારિદ્ર ફેડે – એ બધું એ કરે એ ખરું... પણ નિરાંત એણે એક ક્ષણની નહિ! રાજાને પરદુઃખભંજન થવું હોય, વીર વિક્રમની પેઠે અનેકના દુઃખ ફેડવાં હોય તો.. તો રાજા માને છે કે આ વીરોપાસનાથી એ સિદ્ધ થશે. રાજાએ એટલા માટે એ સ્વીકાર્યું! આમ સાંભળ્યું છે!’

‘કોણે – રાજાએ આ સ્વીકાર્યું? તું શું કહે છે? અરે, ઝાંઝણ! વીરોપાસના સ્વીકારી છે – એમ?’

‘સ્વીકારી નથી... સ્વીકારવાના છે એમ સાંભળ્યું છે. આજ મધરાતે... એ માટે જવાના છે! બર્બરક તો એ ઉપાસના બીજો કોઈ ઉપાડે તો જ મુક્ત થાય!’

‘ઓત્તારીની!’ મુંજાલના મનમાં અજવાળું-અજવાળું થઇ ગયું: ‘ત્યારે...એમ? ખેંગારજીને ભ્રમમાં રાખનારી ચાલનું રહસ્ય એણે સમજાયું. ખેંગારજી પણ એ પણ એ ભેદના ભ્રમમાં આજે થંભી જાય. પછી કાલે તો જોવાઈ લેવાશે – એ વિચારે જ મહારાજનું આજનું વર્તન સ્પષ્ટ થતું હતું. એક ઘડીભર એ અવાક બની ગયો. એટલામાં કેશવ એની સામે ઊભેલો એની દ્રષ્ટિએ પડ્યો: ‘અરે! કેશવ, તને ખબર છે?’ મુંજાલ બોલીને તરત પાછો વાતને ગળી ગયો. મુંજાલે કેશવના ચહેરા સામે જોયું. એણે આ વાત સાંભળી તો નથી નાં? પણ કેશવે ચહેરો કાંઈ જાણતો ન હોય તેમ શાંત રાખ્યો હતો. મુંજાલે વાત પ્રકટ ન કરવામાં સાર દીઠો.

‘પ્રભુ! આજે. ખેંગારજી શાંત કેમ રહ્યા? એની કાંઈ ખબર પડી?’કેશવ બોલ્યો, ‘અને મહારાજે આ પ્રમાણે વાત ઉપાડી એ શું? એમણે પણ શાંતિ રાખી – આ શું?’

કેશવ આંહીં આવ્યો ત્યારે એણે ઝાંઝણને વાત કરતો સાંભળ્યો હતો. એ એક તરફ ગુપચુપ ભીંત આડે શાંત ઊભો રહ્યો હતો, ત્યાર પછી જ પ્રગટ થયો હતો. એણે ઝાંઝણની વાત સાંભળી લીધી હતી. એનું મન વ્યગ્ર થઇ ગયું હતું. એને મહારાજને ઉગારવા હતા. જે એણે લાગતું હતું. એ કોઈને લાગે તેમ ન હતું. એકદમ જગદેવ પાસે જ દોડવા માંગતો હતો. પણ મુંજાલની શંકાને નિર્મૂલ કરવા માટે પળ-બે-પળ ગાળવા માટે એણે આડો પ્રશ્ન કર્યો હતો.

‘તમને કાંઈ મહારાજે આજ્ઞા આપી છે, સેનાનાયકજી?’

‘શાની, પ્રભુ?’

‘આ ખેંગારજી આંહીં છે. વળી કાંઈ ઘા કરી જાય નહિ એની!’

‘ના. એ વિષે મને તો કાંઈ આજ્ઞા નથી. આમ કેમ થયું એ જાણવા માટે તો હું પ્રભુ પાસે આવ્યો!’

‘આ મહારાજની તો, કેશવ નાયક! જેટલી તમને ખબર એટલી જ મને ખબર છે. તેઓ શું પગલું લેશે એની છેવટની પળ સુધી ખબર જ પડતી નથી. આજે વાતાવરણ સમાધાનીનું છે. ખેંગારનું સૈન્ય ક્યાંય આસપાસમાં નથી. તેઓ તો માત્ર સાત-આઠ જણા છે, તે છતાં આપણે તો તૈયાર રહેવું!’

‘સેન પાટણનું સજ્જ છે, પ્રભુ! કોટિધ્વજ જેવો અશ્વ છે... ખેંગારજી ઘા મારીને હવે તો ભાગી રહ્યા!’

‘પણ, મહારાજ... મહારાજે એ વિષે કાંઈ જ કહ્યું નથી?’

‘આજે હવે ખેંગાર હાલેચાલે તેમ લાગતું નથી, કેશવ! આટલું જ મને કહ્યું છે!’

‘હા...’ ઝાંઝણે કહેલી હકીકત સાથે આ વાતનો મેળ મળી જતો મુંજાલે જોયો.

‘તે છતાં આપણે તો સજ્જ રહેવું, બીજું શું? કેમ, ઝાંઝણ?’

કેશવ રજા લઈને ઉતાવળે બહાર નીકળી ગયો. મુંજાલે ઝાંઝણને તૈયાર કર્યો: ‘ઝાંઝણ આજે ખેંગારની ચોકી કરજો! મને લાગે છે કે મહારાજ સિદ્ધરાજને કોઈ દોરી શકે તેમ નથી. મહાઅમાત્યોનો યુગ જાણે આથમી રહ્યો છે. પણ મને લાગે છે કે ખેંગાર ઘા તો આજે જ મારશે! આપણે આપણી તૈયારી રાખજો. એ ઘા મારીને ભાગી જાય પાટણને, તો અમાત્યોની પ્રણાલિકા લાજશે! એટલે તું પૃથ્વીભટ્ટને કહેજે, કનસડે પાંચ-પચાસ માણસ રાખે!’

‘હા, પ્રભુ!’

‘ને તું પણ પાછો સાંજ પડ્યે દરવાજે ફરતો રહેજે. પરમારને પણ કહેવરાવી દેજે! કેશવ તો મહારાજની આજ્ઞા પ્રમાણે કરશે. પરંતુ એને પણ પાછો એક વખત આંટો મારીને સંભારી દેજે – તૈયારી તો રાખવી. કોને ખબર છે? હું આવી જઈશ. બાકી આ પગલું – અમાત્યની પ્રતિષ્ઠા ન રહે તેવું મહારાજે લીધું છે. મેં કહ્યું તે કરીને તું આવી જા. ખેંગારની ખરી ખબર મેળવી લે, પછી મહારાજ પાસે જવું છે. ખેંગાર પોતે ક્યાં છે એ ખબર બરાબર મેળવો – બીજાનું કામ નથી.’ ઝાંઝણે હાથ જોડીને રજા લીધી.

ઝાંઝણના ગયા પછી ઘણી વાર સુધી મુંજાલ વિચાર કરતો રહ્યો. તેણે જયસિંહનો ઈતિહાસ મનમાં તપાસ્યો. એને દોરવો એ કામ અશક્ય બનતું હતું. પાટણના મહાઅમાત્યની પ્રણાલિકા પોતાના સમયમાં તૂટે તો પોતે લાજે. મહારાજે જે કર્યું તેણે વિષે મહારાજને અત્યારે જ મળવાનો નિશ્ચય કર્યો. તે ઝાંઝણની પાછા આવવાની રાહ જોતો બેસી રહ્યો.