adi yogi ane nandi hills books and stories free download online pdf in Gujarati

આદિ યોગી અને નંદી હિલ્સ

આજે વાત કરીશ બેંગલોર શહેર નજીક એક આખા રવિવારનાં પેક આઉટિંગની.

અમે આદિ યોગી શિવ સ્ટેચ્યુ, પ્રાચીન ભોગનંદેશ્વર શિવ મંદિર, તે જ પ્રાંગણમાં આવેલ અન્ય મંદિરો અને નંદી હીલ્સ ની મુલાકાત લીધી.

આદિ યોગી સ્ટેચ્યુ જતાં બેંગલોર થી બે કલાક થાય છે. તે આપણાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની જેમ ખૂબ ઊંચી મૂર્તિ છે. એ સ્ટેચ્યુ બાર માળનાં મકાન જેટલું, 115 ફૂટ ઊંચું છે છતાં સંપૂર્ણ સપ્રમાણ છે. શિવજીના એક થી બીજા ખભા સુધીની પહોળાઈ 85 ફૂટ છે. છતાં, મોં પરના આનંદિત ભાવો, બંધ આંખો, શાંત મુખમુદ્રા, બેય કાન અને કુંડળ , ગાલ, માથાં પર ચંદ્ર, જટા - બધું એકદમ સપ્રમાણ. અરે, ગાળામાં પહેરેલી વિશાળ રુદ્રાક્ષ માળા જે સાચા રુદ્રાક્ષો માંથી બનાવેલ વિશાળ દોરડું કહી શકાય તેવી છે એ પણ શરીર સાથે સપ્રમાણ છે.
ઈશા ફાઉન્ડેશન દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અહીં જવા બેંગલોર અને નજીકથી ખૂબ ધસારો થાય છે.

અમે સવારે અમારા ઘેરથી પોણા દસે કાર મેઇન રોડ લીધી અને એરપોર્ટનું બાજુમાં, પછી નંદી હિલ્સ નજીકથી થઈ 12 વાગે ત્યાં પહોંચ્યા.

રસ્તો બેય બાજુ નારિયેળીઓ અને પાણી ભરેલાં એટલે કદાચ ડાંગર નાં ખેતરો વચ્ચેથી ગયો.

તે મૂર્તિ છે તે ટાઉન 'ચિક્કાબલ્લાપુર' (એક સાથે બોલી જુઓ, ફાવે છે?) જે એક ડીસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર છે, તેની નજીક છે. અમુક રસ્તો ટેકરીઓ વચ્ચેથી ગોળાકાર વળાંકો પરથી થઈને જાય છે. બેય બાજુ ટેકરાઓ સંપૂર્ણ લીલા છમ્મ હતા. ગામ છોડી સ્થળ નજીક આવતાં ફૂલો નાં ખેતરો આવ્યાં. હજારી ગલગોટા, ભૂરાં કે સફેદ કે લાલ લવંડર, એ લોકો ખૂબ વાપરે તે સફેદ અને અન્ય રંગોની સેવંતી વગેરેનાં ખેતરો.

મૂળ સ્થળ પાસે એક તળાવ છોડી સીધાં ચડાણ વાળો રસ્તો પકડવો પડે. સામેથી બીજી કાર આવે એટલે રોકાઈ જવાનું. શરૂમાં પાર્કિંગ ના એરો આવે એ પ્રાઇવેટ પાર્કિંગ છે, એ છોડી ટ્રસ્ટ નાં પાર્કિગમાં A 1.. C 4 તો જોયાં, એ પાર્કિગમાં કાર રાખવાની. ત્યાંથી આશરે 250 મીટર ચાલી રેલીંગમાં લાઈનમાં ઊભી જવાનું એટલે પહોંચો મૂર્તિ સમક્ષ. વીસેક ખૂબ પહોળાં, સોનેરી રેતીના પથ્થરો થી બનેલાં પગથિયાં ચડીને જાઓ. મૂર્તિ એક વિશાળ મંડપ પર સ્થિત છે. ચારે બાજુ પ્રદક્ષિણા કરી નીચે ઉતરી દૂર જઈ ફોટાઓ પાડ્યા કરો, દરેક એન્ગલ થી અલગ લાગે.

મંડપમાં પણ બહાર થી ફૂલોની ટોપલી કે પુજાપો લઈ અંદર લાઈનમાં જઈ પૂજા કરો, ત્યાં વિશ્રામ પણ લો. એક ખૂણે બૂંદી લાડુ વગેરે પ્રસાદ પણ રકમ લખાવતાં મળે છે.

મંડપ સામે વિશાળ મેદાન કે કંપાઉન્ડ પથ્થરોની લાદીઓથી બનાવ્યું છે તેમાં ઊભી લોકો મૂર્તિના અને અલગ અલગ મુદ્રાઓથી પોતાના ફોટા લેતા હતા.

સામે, બીજે છેડે બીજા 250 મીટર ચાલીને શેષ નાગ મંદિર જાઓ. ત્યાં અમુક મોટી તાંબાની શેષનાગની મૂર્તિઓ છે. નવ ગ્રહ વગેરે પણ છે. ત્યાં પણ બેસવાની વ્યવસ્થા છે.

બહાર નીકળી એકદમ તાજી શેરડીનો તાજો જ કાઢેલો ખૂબ મીઠો રસ પીધો.
અમુક અલગ રાખેલા વિસ્તારમાં આવો એટલે લાઇનબંધ eateries રાખી છે જેમાં પ્લાસ્ટિકની ખુરશીઓ પર બેસી ખાઈ શકાય. ભેળ, ચાયનીઝ, ઢોંસા, છોલે પૂરી એવું બધું જ મળે. ચા કોફી વગેરે પણ. બપોર થઈ હોઈ પેટપૂજા કરી લીધી.
આ મોટાં સ્ટેચ્યુ ની replica એવી નાની પથ્થરની મૂર્તિઓ 450, 250 , 100 વગેરેમાં સંસ્થાના સ્ટોરમાં વેંચાતી હતી તે લીધી.

પાર્કિંગ છોડી બહાર આવતાં હવે તો બેય બાજુ તાજી લાલ દ્રાક્ષના ટોપલાઓ લઈને વેંચતા લોકો હતા. એ થોડી જાંબલી, લાલ ટબ્બા જેવી દ્રાક્ષ વાઇન બનાવવા વપરાય છે. અમે 175 ના કિલો ના ભાવે લીધી!
એકદમ સુગંધી જામફળ પણ લીધાં.
પર્વતીય ઢાળ ઉતરી, આખું ટાઉન ચિકકાબલ્લાપુર (જ્યાં ટ્રાફિક સિગ્નલ, થિયેટર, શોરૂમો વગેરે પણ હતું) ચીરી આગળ જતાં ગયાં ભોગાનંદીશ્વર.

તે એક ખૂબ પ્રાચીન મંદિર છે. કહે છે સાતસો ઉપરાંત વર્ષો જુનું છે. ચોગાનમાં પથ્થરની લાદીઓ જ ખૂબ જૂની હતી જે ચાલો એટલે ઘસાઈને આપોઆપ પોલિશ થતી રહે.

ત્યાં શિવમંદિર, બાજુમાં ઉમા મહેશ્વરની એટલે કે શિવ પાર્વતી ની જોડેલી મૂર્તિઓ, બહાર બીજું વિરભદ્રેશ્વર મંદિર જે બીજે દિવસે અહીં ની નાગપાંચમ હોઈ ખૂબ શણગાર્યું હતું તે જોયું. બધાં મંદિરો ચોક્કસ દક્ષિણી શૈલી નાં, ઊંચા શંકુ જેવા ગોપુરમ અને બહાર ઊંચા દંડ વાળાં.

મંદિરોની બહાર મોટું ચોગાન હતું તેમાં બે ખૂબ પહોળાં થડ વાળાં વડનાં ઝાડ હતાં જે પણ અતિ પ્રાચીન હતાં.

એ મોટાં premises ની ફરતે ઊભા થાંભલાઓ વાળી પરસાળ ચારે તરફ હતી. તે એક જમાનામાં ખુલ્લી બજાર હતી અને આ થાંભલાઓ વચ્ચે પરસાળમાં એમાં આવેલી દુકાનો.

એક મોટો જુનો લાકડાંનો વિશાળ રથ પડેલો જોયો. અહીં પણ હમ્પી જેવાં સંપૂર્ણ પથ્થરનાં બનેલાં પૈડાં, વચ્ચે કાણાં વાળાં હતાં એટલે ક્યારેક રથ ખેંચતાં હશે.
અહીં 1000 વર્ષ જૂનો મોટો નંદી છે.

તે ગામમાં જ એક કાફેમાં કોફીઓ પી હજુ સમય હોઈ નજીકમાં નંદી હીલ જવા નક્કી કર્યું .

નંદી હિલ્સ ના રસ્તે અમુક એ લાલ દ્રાક્ષ ના વેલાઓ સાથેનાં ખેતરો સાથે જ બે બ્રૂઅરી આવી જ્યાં વાઇન બને છે.

એ ગામની શેરીમાં લાઇનબંધ કાફે હતાં. અમે પાર્કિંગ અને વોશરૂમ વાળું પસંદ કર્યું. બહાર એનો માણસ ગ્રાહકો આકર્ષવા સતત સીટીઓ માર્યે જતો હતો. કોફી પીતાં કાન ત્રાસી ગયા!

નંદી હીલ નજીક ઘણા રિસોર્ટ પણ છે. લોકો સારા પૈસા ખર્ચી રાત્રે તંબુમાં રહેવા આવે છે. અહીં ટેકરી પર થી સૂર્યોદય જોવાનું ખાસ મહત્વ છે. અમે ફરીથી, હવે તો કારમાં એકદમ steep ઢાળ ચડી નંદી હિલ્સ પહોંચ્યાં. દરેક વળાંક પાસે અરીસાઓ અને ઢાળ નંબર આપેલા છે. ફૂલ 40 વળાંકો છે. પછી હજી તો હિલ્સ નું પાર્કિંગ આવે. ત્યાં પાર્ક કરી ટિકિટ લઈ ઉપર જવાનું. એક મીની બસ 20 રૂ. ટિકિટ માં ઉપર લઈ જાય છે જે ઉપડતી હતી પણ અમે જવા દીધી.

ચડવાનું બે બાજુથી છે. એક બાજુ જંગલ જેવી વનરાજી વચ્ચેથી, વચ્ચે વચ્ચે વોચ ટાવરો પણ આવે એમ જવાનું. આ રસ્તે અમે 2015 માં સવારના ગાઢ ધુમ્મસ વચ્ચેથી ગયેલાં. અમે બીજી બાજુથી એ સનરાઈઝ પોઈન્ટ ને બદલે સનસેટ પોઇન્ટ જવાનું નક્કી કરી ત્યાં ચડ્યાં.

વચ્ચે એક ટીપુ ડ્રોપ પોઇન્ટ આવ્યું. ટીપુ સુલ્તાન અહીંથી લોકોને જીવતા ફેંકી દેતો અને તળેટીમાં રહેતા ચિત્તા કે વાઘ તે માણસને ખાઈ જતા. કોઈ કહે છે એ ગુનેગારોને ફેંકતો, કોઈ કહે છે ક્યારેક મોજ માટે નિર્દોષ વ્યક્તિને પણ ફેંકતો, એ વ્યક્તિ જીવતો જંગલ ઓળંગી શકે તો બચ્યો. no comments.

ઘણું ચડ્યાં એમ લાગ્યું. અત્યારે ગૂગલ કર્યું તો 1200 પગથિયાં ચડવાનું છે.

ઉપર બેસવા માટે બાંકડા, પોઇન્ટ આડી રેલીંગ વગેરે છે. પથ્થરનું મેદાન પણ બેસી શકાય એવું છે. અમે ખૂબ ઊંચેથી ત્યાં થી વિમાનમાં થી જોતા હોઈએ એવું બેંગલોર જોયું, ઊંચે વાદળમાંથી નીચે આવી ખીણમાં અસ્ત થતો સૂર્ય જોયો અને અંધારું થતા પહેલાં જંગલ છોડી બેંગલોર એરપોર્ટ નજીકથી જતો રસ્તો પકડી ઘેર આવ્યાં. થોડા ફોટા મુકું છું. રસ હોય તેમને આલ્બમની લીંક મુકું છું.
https://photos.app.goo.gl/j5kgwMaUu23BcoTC9