Medicines and Diseases - 4 books and stories free download online pdf in Gujarati

ઔષધો અને રોગો - 4

અતીવીષની કળી: અતીવીષા એ નામ પ્રમાણે બીલકુલ ઝેરી નથી. અતીવીષા એટલે અતીવીષની કળી. એ બાળકોનું ઔષધ છે. અતીવીષની કળી જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, આહાર પચાવનાર તથા મળ બાંધનાર છે. આથી જે બાળકને કાચા, ચીકણા કે પાતળા ઝાડા થતા હોય તેમના માટે એ ઉત્તમ ઔષધ છે. અતીવીષ ઉત્તમ આમપાચક પણ છે. વળી એ કડવાશને લીધે તાવ, પટેના કૃમિ અને કફનો નાશ કરે છે. અતીવીષનું ચૂર્ણ બાળકોને આખા દિવસમાં અડધી ચમચી જેટલાં પરંતુ ખુબ નાના બાળકને તો માત્ર ઘસારો જ આપવો. માના ધાવણ જેવું તે નીર્દોષ ઔષધ છે.

અતીવીષની કળી કાંઈક ગરમ, તીક્ષ્ણ, અગ્નીદીપક, ગ્રાહી-મળને બાંધનાર, ત્રીદોષશામક, આમાતીસાર, કફપીત્તજ્વર, ઉધરસ, વીષ, ઉલટી, તૃષા, કૃમી, મસા, સળેખમ, અતીસાર અને સર્વ વ્યાધીહર ગણાય છે. અતીવીષ સર્વદોષહર, દીપનીય-પાચનીય અને સંગ્રાહક ઔષધ તરીકે સર્વોત્તમ છે.
જે રોગમાં જઠરાગ્નીને પ્રદીપ્ત કરવાની, આહારને પચાવવાની તથા મળને બાંધવાની ક્રીયા કરવાની હોય તથા પ્રકોપ પામેલા વાયુ, પીત્તાદી દોષોને શાંત કરવાની જરુર હોય તેમાં અતીવીષ સર્વોત્તમ છે. આ ઉપરાંત અતીવીષ લેખનીય-ચોટેલા મળને ખોતરીને ઉખાડવાનો- ગુણ પણ ધરાવે છે.

અતીવીષની કળી ધોળી, કાળી અને પીળી એમ ત્રણ પ્રકારની મળે છે. પણ ઔષધમાં ધોળીનો જ ઉપયોગ થાય છે. કળી ભાંગીને સફેદ હોય તે જ લાવીને વાપરવી.

અતીવીષ અતીસાર-ઝાડાનું ઉત્તમ ઔષધ છે. કોઈ પણ પ્રકારના ઝાડામાં દીપન, પાચન અને સંગ્રાહી ઔષધની જરુર હોય છે. અતીવીષની કળીમાં આ ત્રણે ગણુ છે અને તે આમનાશક પણ છે.

અતિસારમાં સુંઠ અને અતીવીષા બંન્ને ૫-૫ ગ્રામ ચૂર્ણ ૧ કીલો પાણીમાં નાખી મંદ તાપે ઉકાળવું. અડધું પાણી બળી જાય ત્યારે ગાળીને ઠંડુ પાડી લીંબુનો કે દાડમનો રસ ઉમેરી પી જવું. એનાથી આમનું પાચન થાય છે, જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને પાતળા ઝાડા બંધ થાય છે. કોઈ પણ પ્રકારના પાતળા ઝાડામાં આ ઉપચાર કરી શકાય. મળ બંધાઈ જવાથી અતીસાર મટે છે. રક્તાતીસાર અને પીત્તાતીસાર સીવાયના ઝાડામાં આ ઉપચારથી ફાયદો થાય છે.

અનાનસ: પાકું અનાનસ મૂત્રલ, કૃમીનાશક અને પીત્તશામક છે. તે ગરમીના વીકારો, પેટના રોગો, બરોળવૃદ્ધી, કમળો, પાંડુરોગ વગેરે મટાડે છે. સગર્ભાને તથા ભૂખ્યા પેટે અનાનસ નુકશાનકારક છે.

(૧) પાકા અનાનસના રસમાં બમણી સાકર ઉમેરી જરુરી પાણી નાખી શરબત બનાવી પીવાથી હૃદયને બળ મળે છે તથા ગરમી, બળતરા શાંત થાય છે.

(૨) અનાનસ મધુર ખાટુ અને પાચક છે. ભારે આહાર ખાધા પછી અનાનસનો રસ પીવાથી આહાર સરળતાથી પચી જાય છે.

(૩) એમાં વીટામીન સી સારા પ્રમાણમાં છે. આથી એ સ્કર્વી નામના રોગમાં તથા પાયોરીયામાં સારું છે.

(૪) રોજ અનાનસનો રસ પીવાથી દાંત સારા રહે છે.

અનાનસમાં સાકર અને પ્રોટીન છે, તથા પ્રોટીનને પચાવવામાં એ ઉત્તમ છે.

અભયાદી ક્વાથ હરડેના સેવનથી કોઈ પણ પ્રકારના નુકશાન કે આડઅસરનો ભય હોતો નથી આથી એને અભયા પણ કહે છે. હરડે સાથે નાગરમોથ, ધાણા, રતાજળી, પદ્મકાષ્ઠ, અરડુસો, ઈન્દ્રજવ, વાળો, ગળો, ગરમાળાનો ગોળ, કાળીપાટ, સુંઠ અને કુડ સમાન વજને લઈ ભેગાં ખાંડી અધકચરો ભુકો કરવો. બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં નાખી અડધું બાકી રહે ત્યાં સુધી ઉકાળી થોડું પીપરનું ચૂર્ણ મેળવી સવાર-સાંજ તાજો બનાવી પીવાથી દાહ-બળતરા, ઉધરસ, દમ, આળસ, સુસ્તી, ત્રીદોષજ તાવ વગેેરે તકલીફો મટે છે. એ ભુખ લગાડનાર, ખોરાકનું પાચન કરાવનાર તથા મળમૂત્રને સાફ લાવનાર ઉત્તમ ઔષધ છે.

અભયારીષ્ટ: અભયા એટલે હરડે સાથે બીજા કેટલાંક ઔષધો મેળવી એક પ્રવાહી ઔષધ બનાવવામાં આવે છે, જેેને અભયારીષ્ટ કહે છે અને બજારમાં તૈયાર મળેછે. ચારથી પાંચ ચમચી અભયારીષ્ટમાં એટલું જ પાણી મેળવી જમતાં પહેલાં કે જમ્યા પછી પીવાથી કબજીયાત, વાયુુનો આફરો, પેટના રોગો, ઉબકા, મોળ અને અગ્નીમાંદ્ય મટે છે. હરસનું એ અકસીર ઔષધ ગણાય છે. નિષ્ણાત વૈદ્યની સલાહ પ્રમાણે તેનો ઉપયોગ કરી શકાય.