Sailab - 4 books and stories free download online pdf in Gujarati

સૈલાબ - 4

૪ શંકાનાં વમળ...

અનવર હુસેન તથા રૂખસાનાના ચહેરા પર પરમ તૃપ્તિનાં હાવભાવ છવાયેલાં હતા. થોડી વાર પહેલાં જ તેમણે શય્યા સુખ માણ્યું હતું.

ત્યાર બાદ ટી.વી. પર સમાચાર જોયા પછી રૂખસાનાએ ટી.વી. બંધ કર્યું અને પલંગ પર અનવરની બાજુમાં બેઠાં પછી ટેબલ પર પડેલી કીટલીમાંથી કૉફીનાં બે કપ તૈયાર કરવા લાગી. ‘અનવર... !’ તે એક કપ અનવરના હાથમાં મૂકતા બોલી,

‘આ સમગ્ર મામલામાં મને એક વાત ખૂબ જ વિચિત્ર અને અજુગતિ લાગે છે.’

‘કઈ વાત...?’ અનવરે પ્રશ્નાર્થ દૃષ્ટિએ એની સામે તાકી રહેતાં પૂછ્યું.

‘આપણે આપણા મિશનથી ગણપતને વાકેફ કર્યો, એ વાતને વધુ દિવસો નથી થયા. તને યાદ છે ?' પહેલી મુલાકાતમાં ગણપતે આપણને એમ કહ્યું હતું કે પ્રભાતને બેલાપુરની જેલમાંથી ફરાર કરાવવાનું કામ અશક્ય છે. કારણ કે આ કામ પાર પાડી શકે એવો કોઈ અપરાધી એનાં ધ્યાનમાં નહોતો.'

‘હા બરાબર છે... !’ અનવરે સહમતિ સૂચક ઢબે માથું હલાવ્યું, એણે એમ જ કહ્યું હતું.'

‘રાઈટ... આપણે પણ એમ જ માનતા હતા કે આવો અપરાધી મળવો અશક્ય છે... !' રૂખસાના ગંભીર અવાજે બોલી, ‘પરંતુ તેમ છતાંય કોઈક ચમત્કારની આશાએ ગણપતે આપણી પાસે ત્રણ દિવસનો સમય માંગ્યો. અને ત્યાર બાદ ખરેખર એક પછી એક ચમત્કાર થવા લાગ્યા.'

'કેવા ચમત્કાર...?'

‘પહેલો ચમત્કાર એ કે...' રૂખસાનાએ એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું, ‘જે દિવસે ગણપત સાથે આપણી વાતચીત થઈ, એના બે દિવસ પછી જ, આપણને ઉપયોગી લાગે... આપણી કસોટી પર ખરો ઉતરે એવો એક ખૂંખાર અપરાધી વિશાળગઢમાં સક્રિય બની ગયો. એના પરાક્રમો વિશે જાણીને આપણને એમ જ લાગ્યું કે એ શખસ જ આપણા મિશનને સફળતાપૂર્વક પાર પાડી શકે તેમ છે. એ શખસ જ બેલાપુરની અભેદ જેલને તોડીને ત્યાંથી પ્રભાતને ફરાર કરાવી શકે તેમ છે. પરંતુ એ વખતે આપણી સામે એક નવી મુશ્કેલી ઊભી હતી.'

‘કઈ મુશ્કેલી...?'

‘શંકર સુધી પહોંચવાનું સહેલું નહોતું અનવર... !' રૂખસાના પૂર્વવત્ અવાજે બોલી, એ શહેરમાં જાહેર સ્થળે ખુલ્લેઆમ ખૂન કરીને ભૂતના ઓળાની માફક ગુમ થઈ જતો હતો. વિશાળગઢનો સમગ્ર પોલીસ ફોર્સ પણ એને પકડવામાં નિષ્ફળ ગયો હતો. એનું કોઈ ઠામ-ઠેકાણું નહોતું. ગણપત કે તેના માણસોનું શંકર સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ બલ્કે લગભગ અશક્ય જ હતું. પરંતુ પછી ચમત્કાર થયો.'

‘કયો ચમત્કાર... ?’ અનવરે કપમાંથી કૉફીનો ઘૂંટડો ભર્યા બાદ મૂંઝવણથી પૂછ્યું.

‘શંકર પોતાની મેળે જ... કોઈ પણ જાતની ધમાચકડી વગર સહેલાઈથી પોતે જ સામેથી ગણપત પાસે પહોંચી ગયો, એ શું ચમત્કાર નથી...?' અનવરે ધીમેથી સહમતિ સૂચક ઢબે માથું હલાવ્યું.

જ્યારે રૂખસાના ધીમે ધીમે કૉફીનાં ઘૂંટડા ભરવા લાગી. ‘રૂખસાના... !' છેવટે અનવર પોતાનો કપ ખાલી કરીને સાઈડમાં પડેલાં ટેબલ પર મૂકતાં વિચારવશ અવાજે બોલ્યો, ‘તુ જેને ચમત્કાર માને છે, તે વાસ્તવમાં અચાનક જ આપણાં મિશનની સફળતા માટે થયેલો જોગાનુજોગ પણ હોઈ શકે છે... !'

‘ના...’ રૂખસાનાએ નકારમાં માથું ધુણાવ્યું, ‘હું આટલા મોટા ભ્રમનો શિકાર ક્યારે ન જ બનું ! જો આ જોગાનુજોગ એક વાર થયો હોત તો હું ચોક્કસ તેને 'જોગાનુજોગ' તરીકે સ્વીકારી લેત, પરંતુ આવા જોગાનુજોગ બે વખત બન્યા છે. અને મારી જાસૂસીનો અનુભવ એમ જ કહે છે કે કોઈ પણ જોગાનુજોગ બે વખત નથી થતો. એક જ બનાવનાં સંદર્ભમાં જોગાનુૠગનું બીજી વખત પુનરાવર્તન નથી થતું. તેમ છતાં ય જો કોઈ જોગાનુજોગ બે વખત થાય તો એક કુશળ જાસૂસે તરત જ સમજી જવું જોઈએ કે આ જોગાનુજોગ પાછળ ચોક્કસ કોઈક ઊંડો ભેદ છે... !’

'તું કહેવા શું માંગે છે રૂખસાના...?' કહેતાં કહેતાં અનવરની આંખો સંકોચાઈને ઝીણી બની.

‘અનવર... !’આ વખતે રૂખસાના બોલી ત્યારે એનાં અવાજમાં ભયનો સૂર હતો, ‘કોણ જાણે કેમ મને ગભરાટ થાય છે..! મારા મનમાંથી ઊંડે ઊંડે એવો સવાલ ઉત્પન્ન થાય છે કે આ જોગાનુજોગ પાછળ આપણી વિરુદ્ધ ભારત સરકારની કોઈ ચાલ તો નથી ને...?’

‘આ તે શું બકવાસ આદર્યો છે... ?' અનવર ઘૂરકતા અવાજે બોલી ઊઠ્યો, ‘આમાં વળી ભારત સરકારની શું ચાલ હોઈ શકે છે...? આપણે આપણું ખતરનાક મિશન પાર પાડવા માટે અહીં આવ્યા છીએ, એની ભારત સરકારને ક્યાંથી ખબર હોય...?’ ‘ભારત સરકારને ગમે તે રીતે બધી વાતની ખબર પડી ગઈ હોય એ બનાવજોગ છે...!' રૂખસાનાના અવાજમાં શંકાનો સૂર હતો.

‘એ જ તો હું પૂછું છું કે કેવી રીતે ખબર પડી હશે... ?'

‘આ સવાલનો જવાબ તો ભારતની સરકાર જ આપી શકે તેમ છે.'

‘તું માત્ર કલ્પનાનાં ઘોડા જ દોડાવે છે રૂખસાના... !' અનવર ધૂંઘવાતા અવાજે બોલ્યો, ‘નાહક જ ભય પેદા કરે છે.

ખેર, ચાર... ઘડીભર માટે હું માની લઉં છું કે ભારત સરકારને કોઈ પણ રીતે આપણા મિશનની જાણ થઈ ગઈ છે. આપણે પેઇન્ટિંગ તથા ફાઈલ મેળવવા ખાતર પ્રભાતને બેલાપુરની જેલમાંથી ફરાર કરાવવાના હેતુથી અહીં આવ્યા છીએ, એ વાત પણ ભારતની સરકાર જાણી ચૂકી છે.

હવે એક વાતનો જવાબ આપ... ! આટલો મોટો ભેદ જાણ્યા પછી ભારતની સરકાર આપણને અત્યાર સુધી આઝાદ રાખે ખરી...? ના, બિલકુલ નહીં... ! આપણે ક્યારનાંય પકડાઈ ગયા હોત અને અત્યારે કોઈક જેલમાં આપણને યાતનાઓ અપાતી હોત... ! મારી વાત ખોટી હોય તો કહે... !'

રૂખસાના ચૂપ રહી. એ હજુ પણ ધીમે ધીમે કૉફીનાં ઘૂંટડા ભરતી હતી. અનવરની વાત તેને તર્ક સંગત લાગતી હતી.

‘રૂખસાના... !’ એને ચૂપ જોઈને અનવર ફરીથી બોલ્યો, 'આપણે આઝાદ છીએ, એનાં પરથી જ પુરવાર થઈ જાય છે કે ભારત સરકારને આપણા મિશનની કંઈ ખબર નથી. જે કંઈ ચમત્કાર થયા છે, તે જોગાનુજોગ જ થયા છે. એક વાર કોઈ જોગાનુજોગ થયો હોય તો બીજી વખત પણ થઈ શકે છે. હાલ તુરત નસીબ આપણો સાથ આપે છે, એનો આપણને આનંદ હોવો જોઈએ... !' ‘કદાચ તું સાચું જ કહે છે અનવર...!' રૂખસાના શૂન્યમાં તાકી રહેતાં બોલી. મને તો એક બીજી જ વાતનો ભય લાગે છે... !' અનવરે કહ્યું .

‘કઈ વાતનો...?’

શંકર ક્યાંક આ મિશન પર કામ કરવાનો નનૈયો ન ભણી દે તો સારું...! ખેર, જે થશે તે જોયું જશે.' રૂખસાના ધીમેથી માથું હલાવીને રહી ગઈ. દિલીપની ઊંઘ ઊડી ત્યારે સવારના સવા નવ વાગી ગયા હતા અને એ વખતે જ તેને જાણ થઈ કે ગણપતનાં બંગલામાં એક અન્ય શખ્સ પણ હતો. એ હતો ગણપતનો નોકર... ! રાત્રે દિલીપનું આગમન થયું, એ પહેલાં તે બંગલાના પાછળના ભાગમાં આવેલ સર્વન્ટ ક્વાર્ટરમાં સૂવા માટે ચાલ્યો ગયો હતો.

સવારે આંખ ઊઘડ્યા પછી દિલીપે તેને કિચનમાં કામ કરતો જોયો. એ આશરે છ ફૂટની ઊંચાઈ તથા મજબૂત શારીરિક બાંધો ધરાવતો યુવાન હતો. જાણે એક સાથે બે-ત્રણ બૉટલનો નશો કર્યો હોય, એમ એની આંખો લાલઘુમ હતી. એના ડાબા ગાલ પર ત્રણેક ઇંચ લાંબા કોઈક ઊંડા ઝખમનું નિશાન હતું. ચહેરા પરથી તે કોઈ રીતે નોકર જેવો નહોતો લાગતો. આ ઉપરાંત એની રહસ્યમય ચુપકીદી તેને વધુ ખતરનાક બનાવતી હતી.

ફ્રેશ થયા પછી દિલીપ તથા ગણપતે સાથે જ નાસ્તો કર્યો. સવારનું અખબાર આવી ગયું હતું.

દિલીપે જોયું તો પહેલા પાના પર મોટાં મોટાં હેડંગોમાં એના જ પરાક્રમના સમાચાર હતા. એટલું જ નહીં, એક અલગ બોક્સમાં એક બીજા પણ સનસનાટીભર્યા સમાચાર છપાયેલા હતા. એ સમાચાર મુજબ શંકરને જીવતો કે મરેલો પકડનારને પચાસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવાની ઘોષણા વિશાળગઢના પોલીસ કમિશ્નર શ્રી તરફથી કરવામાં આવી હતી.

‘જોયું...’ ગણપત અખબાર સામે આંગળી ચીંધતા બોલ્યો, આજે બધાં અખબારોમાં તારા જ નામની ચર્ચા છે... !'

‘ભગવાન બચાવે આવી ચર્ચાથી... !' દિલીપે ગભરાવાનો અભિનય કરતાં કહ્યું, ‘પચાસ હજારની રકમ જોઈને કોઈના મોંમાં પાણી આવી જશે તો તે મારું રામ નામ સત્ય કરી નાંખશે... !'

‘શંકરનું રામ નામ સત્ય કરવાવાળું હજુ સુધી કોઈ પેદા નથી થયું.’

જવાબમાં દિલીપે ભોંઠપભર્યું સ્મિત ફરકાવ્યું. બંને નાસ્તો કરી ચૂક્યા હતા અને હવે ગણપતનો નોકર ડાયનિંગ ટેબલ પરથી પ્લેટો તથા ચાનાં કપ લઈ જતો હતો. હવે હું તને મિશન વિશે જણાવું છું.' એકાએક ગણપત મુદ્દાની વાત પર આવતાં બોલ્યો.

દિલીપ એકદમ સજાગ થઈ ગયો.

એણે ગજવામાંથી સિગારેટનું પૅકેટ કાઢીને તેમાંથી એક સિગારેટ સળગાવી.

‘તે બેલાપુરની જેલ વિશે તો સાંભળ્યું જ હશે ?’ ગણપતે પૂછ્યું.

એનો સવાલ સાંભળીને દિલીપ ખડખડાટ હસી પડ્યો. ‘ત...તું હસે છે શા માટે ?’ ગણપતે ડઘાઈને તેની સામે જોતાં પૂછ્યું.

‘એટલા માટે કે તમે સવાલ જ એવો પૂછ્યો છે મિસ્ટર ગણપત. ભલા માણસ, બેલાપુરની જેલ વિશે ભારતમાં વસતો ભાગ્યે જ કોઈક નાગરિક અજાણ હશે. અને મારા જેવા સજ્જનને બેલાપુરની જેલની ખબર ન હોય, એવું તો બને જ નહીં. હું તો છું જ એ ટ્રેન્ડનો માણસ. મારો તો ધંધો જ જેલમાં આવ-જા કરવાનો છે.'

‘આનો અર્થ એ થયો કે તું બેલાપુરની જેલ વિશે જાણે છે ખરું ને ?'

‘જાણું છું શું, ઘણું બધું જાણું છું.'

‘તું ક્યારેય ત્યાં ગયો છે ખરો ?'

‘તોબા...તોબા... !' દિલીપે પોતાના ગળાના કાકડા પર આંગળી મૂકતાં કહ્યું, ‘ભગવાન બચાવે એ જેલથી તો. હું ક્યારેય ત્યાં ગયો તો નથી, પણ મારા બિરાદર ભાઈઓ પાસેથી એ જેલ વિશે ઘણું બધું મેં સાંભળ્યું છે.'

‘શું સાંભળ્યું છે?’

એ જ કે એ જેલમાં એક વખત કોઈ કેદીનાં પ્રવેશ્યા પછી તે સરકારની મંજૂરીથી જ બહાર નીકળે છે. એનાં નાસી જવાની કોઈ શક્યતા નથી હોતી. એ જેલ, જેલ નહીં પણ કોઈક રજવાડીનો મજબૂત કિલ્લો છે. એક તરફ ભયાનક દલદલ... બીજી તરફ ખતરનાક જળચરો વસવાટ કરતા હોય એવી ખતરનાક નદી. માત્ર બે તરફ જ સૂકી જમીન છે. પરંતુ એ તરફથી પણ નાસી છૂટવાના ચાન્સ નથી કારણ કે ત્યાં ચોવીસે કલાક આધુનિક હથિયારોથી સજ્જ ગાર્ડસ શિકારી કૂતરાંઓ સાથે ચોકી કરે છે. આ કૂતરાં પણ એક સાથે દસ-દસ જણને ફાડી ખાય એવાં ખતરનાક છે.'

‘બેલાપુરની જેલ વિશે તે આ જે કંઈ કહ્યું, એ બિલકુલ સાચું છે. ગણપત ખુરશીની બેક સાથે પીઠ ટેકવીને એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, ‘અને આ જેલમાંથી તારે એક કેદીને ફરાર કરાવવાનો છે શંકર.'

‘આ... તમે શું કહો છો ?' દિલીપે ઉછળી પડવાનો અભિનય કરતાં આશ્ચર્યથી પૂછ્યું.

‘હું સાચું જ કહું છું શંકર.' ગણપતના અવાજમાં પૂરેપૂરી ગંભીરતા હતી, ‘આ કામ માટે તે કલ્પના પણ નહીં કરી હોય એટલી રકમ હું તને આપીશ. પૂરા વીસ લાખ.'

‘વ...વીસ લાખ ?’

‘હા... એકદમ રોકડા... હાર્ડ કેશ.'

‘કેદી કોણ છે?'

ગણપતે તરત જ ગજવામાંથી પ્રભાત રાઠોડનો એક ફોટો કાઢીને ટેબલ પર મૂક્યો. અને પછી તેનાં પર આંગળી ટપટપાવતાં બોલ્યો, ‘આ કેદી છે. થોડાં દિવસો પહેલાં જ તેને આજીવન કેદની સજા થઈ છે અને અત્યારે તે બેલાપુરની જેલમાં છે.'

‘શું નામ છે. આનું?’

‘પ્રભાત રાઠોડ.’

‘તમે એને શા માટે જેલમાંથી ફરાર કરાવવા માંગો છો?'

‘કોઈ સવાલ નહીં.' ગણપત હાથ ઊંચો કરતાં પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘તારે માત્ર પ્રભાત રાઠોડ અથવા તો પછી મેં આપેલી વીસ પેટીની સોપારી સાથે જ નિસ્બત હોવી જોઈએ. તારે પ્રભાતને બેલાપુરની જેલમાંથી જીવતો અને સહી સલામત ફરાર કરાવીને અમને સોંપવાનો છે. ત્યાર બાદ અમે પ્રભાતની આરતી ઉતારીએ... એને જીવતો ભૂંજી નાંખીએ કે પછી ગોળી ઝીંકી દઈએ, એની સાથે તારે કશુંય લાગતું-વળગતું નથી. તારું કામ તો ફક્ત પ્રભાતને બેલાપુરની અભેદ જેલમાંથી ફરાર કરાવીને અમને સોંપવાનું જ છે. એને અમારે હવાલે કર્યા પછી તું છૂટ્ટો. તારું કામ ખતમ.'

‘મને આ જ કામ માટે વીસ લાખ તમે આપવા માંગો છો ખરું ને ?’ દિલીપે સિગારેટના ઉપરા ઉપરી બે-ત્રણ લાંબા કશ ખેંચ્યા બાદ પૂછ્યું.

‘હા...'

'મને આ કામ મંજૂર નથી.' દિલીપ બોલ્યો.

‘ક...કેમ ?’ ગણપતે હેબતાઈને એની સામે જોતાં પૂછ્યુ, ‘શું ૨કમ ઓછી પડે છે?'

‘ના.’

‘તો પછી શું વાત છે ?'

વાત એ છે કે બેલાપુરની જેલમાંથી કોઈને ફરાર કરાવવાનું કામ બિલકુલ અશક્ય છે. અને શક્ય જ ન હોય, એવાં કોઈ બખેડામાં હું હાથ નથી નાંખતો.

‘આ કામ અશક્ય નથી.'

‘અશક્ય જ છે.’ દિલીપ હઠ ભર્યા અવાજે બોલ્યો, ‘જો બેલાપુરની જેલમાંથી ફરાર થવાનું શક્ય હોત તો આજ સુધીમાં કેટલાંય કેદીઓ ત્યાંથી ઉડન છૂ થઈ ચૂક્યા હોત. એ જેલનો ઇતિહાસ સાક્ષી છે કે આજ સુધી કોઈ ત્યાંથી ફરાર નથી થઈ શક્યું. કદાચ કોઈએ ફરાર થવાનો પ્રયાસ કર્યો છે, તો પણ તે કૂતરાંનાં મોતે માર્યો ગયો છે.’

એ લોકોને શા માટે નિષ્ફળતાનું મોં જોવું પડ્યું છે, એની તને ખબર છે?'

‘ના.’

‘તો સાંભળ. તેમનામાંથી કોઈ શંકર નહોતું. શંકર જેવી તીવ્ર બુદ્ધિમત્તા તથા દિલેરી એમનામાંથી કોઈનામાંય નહોતી.'

‘તમે મને આટલું માન આપો છો, એ તમારી મહાનતા છે.’ દિલીપ સન્માન સૂચક અવાજે બોલ્યો, ‘બાકી તો એ અપરાધીઓમાં ન હોય, એવી કોઈ ખાસ વાત મારામાં નથી.'

‘અહીં જ તારી ગેરસમજ થાય છે.' ગણપતે કહ્યું, તારામાં જે ખાસ વાત છે, એને હું સ્પષ્ટ રીતે જોઈ તથા અનુભવી શકું છું. હું વિશાળગઢનો ડ્રગ્સ કિંગ કંઈ એમ ને એમ જ નથી બની ગયો. માણસને પારખવાની શક્તિ છે મારામાં છે, સામા માણસ પર નજર પડતાં જ એની શક્તિનો મને અંદાજ આવી જાય છે. તારા જેવી હિંમત અને દેલેરી મેં આજ પહેલાં કોઈ અપરાધીમાં નથી જોઈ. ખુલ્લે આમ જાહેર સ્થળે જઈને એક પછી એક પાંચ પાંચ જણને મોતને ઘાટ ઉતારી શકે, એવી સાહસિકતા મને ફક્ત તારામાં જ જોવા મળી છે. સાધારણ અપરાધી તો એક ખૂન કર્યા પછી તરત જ થોડા દિવસો માટે ભૂગર્ભમાં ચાલ્યો જાય છે. જ્યારે તું તો બીજે જ દિવસે જમશેદનું ખૂન કરવા માટે ‘પનામા બાર'માં પહોંચી ગયો. અને તારી આજ ખાસિયત અન્ય ગુનેગારોથી અલગ પડે છે. તારે માટે આ વાતો મામૂલી હોઈ શકે છે. પરંતુ આ મામૂલી વાતો નથી એની મને ખબર છે. આ ખાસ વાતોને ધ્યાનમાં રાખીને જ મેં તારી સમક્ષ પ્રભાતને બેલાપુરની જેલમાંથી ફરાર કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.'

‘જુઓ, મિસ્ટર ગણપત.' દિલીપ સિગારેટનો અંતિમ કશ ખેંચીને તેનું ઠૂંઠું એશટ્રે માં પધરાવતાં બોલ્યો, ‘તમે મારી પાસેથી બહુ મોટી અપેક્ષા રાખો છો.'

‘જે માણસ અપેક્ષા પૂરી કરી શકતો હોય, એની પાસેથી જ હંમેશા અપેક્ષા રખાતી હોય છે શંકર. તમારી વાત મુદ્દાની છે, પણ બેલાપુરની જેલને આજ સુધી કોઈ નથી તોડી શક્યું.'

દરેક કામની ક્યારેક ને ક્યારેક તો શરૂઆત થાય જ છે શંકર.' ગણપત સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘કદાચ આ શુભકામ તારા હાથેથી પહેલી વાર થવાનું લખ્યું હોય, એ બનવાજોગ છે.

'એક વાત યાદ રાખ.'

‘શું ?'

જો બેલાપુરની જેલને કોઈ તોડી શકશે તો એ ફક્ત તું જ તોડી શકીશ. બાકી તારા સિવાય આ કામ બીજું કોઈ પાર નહીં પાડી શકે.' ગણપતે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું. દિલીપનાં ચહેરા પર ગંભીરતા ફરી વળી.

‘શું વિચારે છે?’ એને ચૂપ જોઈને ગણપતે પૂછ્યું. ‘ઠીક છે.’ દિલીપ ખુરશી પર પાસું બદલતાં બોલ્યો, ‘તમારો

આટલો હઠાગ્રહ છે તો વિચારવા માટે મને થોડો સમય આપો. આટલો મોટો નિર્ણય હું તાત્કાલિક કરવા નથી માંગતો.'

‘ઓ.કે. તું નિરાંતે વિચારી લે.' ગણપતે ખુરશી પરથી ઊભા થતાં કહ્યું, ‘ખેર, હું એક જરૂરી કામસર બહાર જઉં છું. પાછળથી કોઈ ચીજ-વસ્તુ જોઈતી હોય તો પીટરને કહી દેજે.' પીટર ખતરનાક ચહેરો ધરાવતાં શખસનું નામ હતું.

એણે અત્યારે પણ રહસ્યમય ચૂપકીદી ધારણ કરી રાખી હતી.

કોણ જાણે કેમ દિલીપની નજર જ્યારે જ્યારે પીટર પર પડતી, ત્યારે એ તેને વિચિત્ર લાગતો હતો. ગણપતના વિદાય થયા પછી એ ટૉયલેટમાં પૂરાઈ ગયો અને એણે તરત જ ટ્રાન્સમીટર પર નાગપાલનો સંપર્ક સાધ્યો. ‘એક શુભ સમાચાર છે અંકલ.' એ એકદમ ધીમા પણ ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘ગણપતે મારી સમક્ષ પ્રભાતને બેલાપુરની જેલમાંથી ફરાર કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે,'

‘ગુડ... આનો અર્થ એ થયો કે અત્યાર સુધી તો આખું મિશન આપણી યોજના મુજબ જ ચાલે છે ખરું ને?’

‘હા, અંકલ.'

'તે ગણપતને શું જવાબ આપ્યો? એનો પ્રસ્તાવ સ્વીકારી લીધો કે નહીં?'

‘ના, કંઈ જવાબ નથી આપ્યો, તેમ પ્રસ્તાવ પણ નથી સ્વીકાર્યો.

'હાલ તુરંત તો મેં એના પ્રસ્તાવ અંગે બનાવટી અચરજ વ્યક્ત કરીને તેની પાસે વિચારવા માટે થોડો સમય માંગ્યો છે.'

‘વેરી ગુડ. યોજના પર બિલકુલ આવી જ રીતે એક એક ડગલું આગળ વધતો રહે. તું આ જ કામ માટે ખાસ તેના સુધી પહોંચ્યો છે, એ વાતની ગણપતને રજમાત્ર ગંધ ન આવવી જોઈએ.'

‘તમે બેફિકર રહો અંકલ.' દિલીપના અવાજમાંથી ભરપૂર આત્મવિશ્વાસ નિતરતો હતો, ‘ગણપતને આવી કોઈ ગંધ નહીં આવે. હું બહુ ધીમે ધીમે એને મારી જાળમાં લપેટીશ.'

‘હવે એક માઠા સમાચાર પણ સાંભળી લે.'

‘માઠા સમાચાર ?’ દિલીપે ચમકીને પૂછ્યું.

‘હા. પાકિસ્તાની જાસૂસ અનવર હુસેનની સાથે શેરેટોન હોટલમાં રૂખસાના નામની જે યુવતી ઉતરી છે, એને તારા પર શંકા ઉપજી છે.'

‘શું ?’દિલીપ વધુ ચમક્યો.

‘હા... શેરેટોન હૉટલમાં, તેમનાં રૂમમાં જે કંઈ વાતચીત થાય છે, તે માઇક્રોફોનનાં માધ્યમથી સાંભળી લેવામાં આવે છે, એ તો તું જાણે જ છે. રાત્રે પણ સી.આઈ.ડી. ના એક ઍજન્ટે

એ બંને વચ્ચે થયેલી વાતો સાંભળી હતી. વાતવાતમાં જ રૂખસાનાએ તારા પ્રત્યે ખૂબ જ ખતરનાક શંકા વ્યક્ત કરી હતી.'

‘કેવી શંકા ?’

'તે અનવરને એમ કહેતી હતી કે તું ભારત સરકારનો કોઈક જાસૂસ હો, એ બનવાજોગ છે.’

‘પણ...પણ એને આવી શંકા ઉપજી કેવી રીતે ?' દિલીપે નર્યા અચરજથી પૂછ્યું. ‘શંકાનું કારણ કંઈ મોટું કે ગંભીર નહોતું. વિશાળગઢમાં અચાનક તારું સક્રિય બનવું અને પછી એકાએક જ ગણપત સુધી પહોંચી જવું, એ જ એની શંકાનો મુખ્ય આધાર હતો.' ‘રૂખસાનાની શંકા અંગે અનવર હુસેને શું પ્રતિક્રિયા વ્યક્ત કરી છે?' દિલીપે પૂછ્યું.

‘એણે રૂખસાનાની શંકાને ગંભીરતાથી નથી લીધી. એ તેની શંકા સાથે સહમત નહોતો. એણે રૂખસાનાની બધી વાતોનો એક જ જવાબ આપ્યો કે - 'જો ભારત સરકારને આપણી ઉપર શંકા ઉપજી હોત આપણે ક્યારનાય જેલનાં સળિયા પાછળ પહોંચી ગયા હોત. અત્યારે તો એ વાત અભેરાઈ પર ચડી ગઈ છે અને રૂખસાનાની શંકાને બળ નથી મળ્યું. તારાથી કોઈ ભૂલ ન થઈ જાય, એટલા માટે મેં આ વાત તને જણાવી છે. તારી જરા સરખી ભૂલ પણ આપણા મિશનનો ભેદ ખોલી નાંખશે. આ રૂખસાના મને ખૂબ જ ખતરનાક અને પહોંચેલી માયા લાગે છે. એના મગજમાં તારા પ્રત્યે એક વાર શંકાનું બી રોપાઈ ગયું છે એટલે હવે એ કદાચ તારી પ્રત્યેક હિલચાલ પર નજર રખાવશે.’

‘તમારી વાત સાચી છે અંકલ.’ દિલીપ સહમતિ સૂચક અવાજે બોલ્યો.

‘ગણપત ક્યાં છે?' એ હમણાં જ. દોઢ-બે કલાકમાં પાછો આવી જઈશ એમ કહીને બહાર ગયો છે. તે ચોક્કસ જ શેરેટોન હૉટલમાં પેલા પાકિસ્તાની જાસૂસોને મળવા ગયો હશે એમ હું માનું છું.'

'મને પણ એમ જ લાગે છે.'

‘અંકલ, તમે શેરેટોનમાં મોજૂદ આપણા ઍજન્ટને એ ત્રણેયની વાત સાંભળવાની સૂચના આપી દો. જો તેમની વચ્ચે કોઈ ખાસ વાત થાય તો તમે તરત જ ટ્રાન્સમીટર પર મને જણાવજો.'

‘ઓ.કે.'

‘અંકલ, બીજું કંઈ?'

‘ના.’

દિલીપે ટ્રાન્સમીટર ઑફ કરીને ઓવરકોટનાં ગુપ્ત ગજવામાં મૂક્યું.

રૂખસાનાની શંકાએ તેને આશ્ચર્ય ચકિત કરી મૂક્યો હતો. રૂખસાના, જે કોઈ હોય તે. પણ એ ખરેખર અત્યંત બુદ્ધિશાળી હતી.

દિલીપ ટૉયલેટનો દરવાજો ઉઘાડીને બહાર નીકળ્યો તો એણે પીટરને ટૉયલેટની આસપાસ જ આંટા મારતો જોયો. કદાચ એ તેના પર નજર રાખતો હતો. દિલીપને જોઈને તે સહેજ હેબતાયો અને પછી લાંબા લાંબા ડગલાં ભરતો કિચન તરફ આગળ વધી ગયો. એની ક્ષણિક હેબત પારખીને દિલીપના હોઠ પર રમતિયાળ સ્મિત ફરકી ગયું.

જાળ પથરાવાની શરૂઆત થઈ ચૂકી હતી.

દિલીપને રૂખસાના જોખમી લાગતી હતી તો સાથે સાથે પીટર નામનો આ નંગ ભવિષ્યમાં પોતાને માટે ખતરનાક નિવડી શકે તેમ છે, એવો પણ ભાસ થતો હતો. પીટર બંગલાનો માત્ર નોકર તો બિલકુલ નહોતો. એ ચોક્કર જ ગણપતની ગેંગની કોઈક ખાસ અને વિશ્વાસુ સાથીદાર હતો.

બાકી ગણપત માત્ર નોકરના ભરોસે દિલીપને છોડીને જાય એટલો મૂરખ નહોતો. –અને દિલીપનું અનુમાન સો એ સો ટકા સાચું જ કર્યું હતું.

ગણપત સીધો શેરેટોન હૉટરે જ પહોંચ્યો હતો.

ત્યાં ગણપત, અનવર હુસેન તથા રૂખસાના વચ્ચે વાતચીત થઈ. રૂખસાનાએ આજે પહેલી જ વાર તેમની ચર્ચામાં ભાગ લીધો હતો.

‘શંકર આપણા હાથમાં આવી ગયો, તે આપણે માટે ખૂબ જ આનંદની વાત છે. ગણપતનો ઉત્સાહભર્યો અવાજ રૂમના શાંત વાતાવરણમાં ગુંજતો હતો, ‘શંકરના આવવાથી જ આપણી અડધી યોજના સફળ થઈ ગઈ છે. તમે જોઈ લેજો બૉસ. હવે બેલાપુરની જેલમાંથી પ્રભાતને ફરાર થતો કોઈ નહીં અટકાવી શકે.'

'તમે શંકર માટે વધુ પડતા ઉત્સાહમાં આવી ગયા હો, એવું લાગે છે મિસ્ટર ગણપત.' રૂખસાનાએ ઉપેક્ષાભર્યા અવાજે કહ્યું.

'એ છે જ ઉત્સાહિત કરી મૂકે એવો માણસ મૅડમ. દરેક દૃષ્ટિકોણથી આપણી કસોટી પર ખરો ઉતરે, એવો ખતરનાક અપરાધી આટલી જલ્દી આપણને મળી જશે, એની તો મેં કલ્પના પણ નહોતી કરી.’

આપણે જે જેલમાંથી પ્રભાતને ફરાર કરાવવાનું સપનું જોઈએ છીએ, તે બેલાપુરની જેલ છે, એ વાત તમે ભૂલી જતાં લાગો છો !'

‘હું કંઈ નથી ભૂલ્યો.' ગણપત પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘જે રીતે બેલાપુરની જેલ કોઈ મામૂલી જેલ નથી, એ જ રીતે શંકર પણ કોઈ મામૂલી કે સાધારણ અપરાધી નથી. તે શિયાળને પણ બે પાઠ શિખવા મળે એટલો ચાલાક અને કાગડાને પણ સો વાર છેતરી જાય એટલો બુદ્ધિશાળી છે! તે તિહાડની જેલમાંથી નાસી છૂટેલો એક ખતરનાક કેદી છે. જે માણસ તિહાડ જેલને તોડી શકતો હોય, તેનામાં બેલાપુરની જેલ તોડવાનું કલેજું પણ હોય જ. અનવર હુસૈન તથા રૂખસાના ચૂપ રહ્યા. જો તેમણે ધાર્યું હોત તો તેઓ ગણપતની છેલ્લી વાતનો જવાબ આપી શક્યા હોત કે – ભાઈ ગણપત તિહાડની જેલ તથા બેલાપુરની જેલ વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે.

પરંતુ તેઓ કંઈ ન બોલ્યા. સાચી વાત તો એ હતી કે તેમની દૃષ્ટિએ આ મિશન પાર પાડવા માટે શંકર એક કાબેલ અપરાધી હતો.

'ખેર, શંકર સાથે તારે કંઈ વાતચીત થઈ?’ અનવરે એક સિગારેટ પેટાવતાં પૂછ્યું. હા. મારે હમણાં જ એની સાથે વાત થઈ છે.'

‘શું કહે છે એ?’

‘એણે વિચારવા માટે થોડો સમય માગ્યો છે. તે આજે સાંજ સુધીમાં કદાચ પોતાનો નિર્ણય જણાવી દેશે.”

‘શંકર આ મિશન પર કામ કરવા માટે તૈયાર થશે, એવું તને લાગે છે ખરું?'

‘મને આશા તો પૂરેપૂરી છે. હું પણ મારાથી બનતા તમામ પ્રયાસો કરું જ છું. હું તેને તૈયાર કરવામાં સફળ થઈશ એવું મને લાગે છે.'

‘જો ગણપત.’ અનવર સિગારેટનો એક લાંબો કશ ખેંચીને બોલ્યો, ‘આપણે ગમે તે કહીએ... ગમે તે વિચારીએ... પરંતુ પ્રભાતને જેલમાંથી ફરાર કરાવવા માટે આપણને શંકરથી વધુ કાબેલ અપરાધી બીજો કોઈ નહીં મળે, એ વાતમાં કોઈ બે મત નથી. બસ, જરૂર છે ફક્ત એના હકારાત્મક જવાબની.'

‘એ ચોક્કસ હકારાત્મક જવાબ જ આપશે બૉસ.' ગણપતે આત્મવિશ્વાસથી ભરપૂર અવાજે કહ્યું.

‘એક વાત ખાસ ધ્યાનમાં રાખજે ગણપત.’

‘કઈ વાત બૉસ ?’ ગણપતે પ્રશ્નાર્થ નજરે અનવર સામે જોતાં પૂછ્યું.

શંકરને તૈયાર કરવામાં વધુ સમય ન લાગવો જોઈએ. અમે બંને વધુ દિવસો સુધી અહીં રોકાઈ શકીએ તેમ નથી એની તો તને ખબર છે. અમારે માટે અહીં એક એક દિવસ જોખમથી ભરેલો છે.'

‘હું સમજું છું બૉસ.’ ગણપત ચાપલૂસીભર્યા અવાજે બોલ્યો, ‘મારા પર ભરોસો રાખો. હું જેમ બને તેમ જલ્દી બધું સહી-સલામત પાર પડી જાય, એ માટેના તમામ પ્રયાસો કરીશ. હવે રજા આપો તો હું જઉં.'

'એટલી શું ઉતાવળ છે? થોડી વાર બેસ... હું તારા માટે ચા-નાસ્તો મંગાવું છું.’

‘ના, બૉસ.’ ગણપતે નકારમાં માથું હલાવ્યું, ‘હું ચા-નાસ્તો કરીને જ આવ્યો છું. ત્યાં પીટર એકલો જ છે. શંકર એને થાપ આપીને નાસી છૂટશે તો આપણી અત્યાર સુધીની બધી મહેનત પર પાણી ફ૨ વળશે.'

‘ઓ.કે. તો તું જા.'

ગણપત વારા ફરતી અનવર તથા રૂખસાનાનું અભિવાદન કરીને ચાલ્યો ગયો.

ગણપતના વિદાય થયા પછી રૂખસાનાએ દરવાજો અંદરથી બંધ કર્યો અને પછી પીઠ ફેરવીને અનવર સામે જોતાં બોલી, આપણાથી એક ભૂલ થઈ ગઈ હોય એવું મને લાગે છે.' ‘કેવી ભૂલ ?' અનવરે ચમકીને પૂછ્યું.

‘આપણે શંકરની પ્રત્યેક હિલચાલ પર નજર રાખવાનું ગણપતને જણાવી દેવું જોઈતું હતું. કારણ કે તે પોલીસનો કોઈક જાસૂસ પણ હોઈ શકે છે.'

'બેવકૂફો જેવી વાત ન કર રૂખસાના.' અનવર કર્કશ અવાજે બોલ્યો, 'તે ગણપતની સામે આવી કોઈ વાત નથી કરી, એ સારૂ જ થયું છે. ભવિષ્યમાં પણ આવી વાત કહીશ નહીં.' ‘અનવર... !! રૂખસાનાએ દલીલ કરતાં કહ્યું, ‘મારી શંકા નેવું ટકા ખોટી અને નિરાધાર છે, એ હું કબૂલ કરું છું. પરંતુ તેમ છતાંય ગણપતને સાવચેત કરવામાં આપણું શું જાય છે ?'

'જાય છે... ઘણું બધું જાય છે.' અનવર એક એક શબ્દ પર ભાર મૂકીને બોલ્યો, ‘ગણપતને હું તારા કરતાં વધુ સારી રીતે ઓળખું છું. તે એક બિઝનેસમેન છે. પ્યોર બિઝનેસમેન, એ પૈસાનો લાલચુ છે, તો સાથે સાથે પોલીસથી પણ ગભરાય છે. આપણે એને આ કામ માટે જંગી રકમની ઑફર કરી છે, એટલા માટે જ તે આપણને સાથ આપવા માટે તૈયાર થયો છે. પોતે જે શંકરને અપરાધી માનીને પોતાના બંગલામાં આશ્રય આપ્યો છે, તે વાસ્તવમાં પોલીસનો કોઈક જાસૂસ પણ હોઈ શકે છે, એવી આછી-પાતળી શંકા પણ ગણપતના મગજમાં ઉપજશે તો એનો જીવ તાળવે ચોંટી જશે. એ કોઈ કામ વ્યવસ્થિત નહીં કરી શકે બલ્કે આ મામલામાંથી હાથ પાછો ખેંચવાનો પ્રયાસ કરવા લાગશે.’

રૂખસાનાનાં મોં પર તાળુ લાગી ગયું. એનું હૃદય કોઈક અજાણી આશંકાથી ધબકતું હતું.

મિશનની શરૂઆત બરાબર નથી થઈ એવો ભાસ કોણ જાણે કેમ એને થતો હતો.

***********