Sailab - 11 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | સૈલાબ - 11

Featured Books
Categories
Share

સૈલાબ - 11

૧૧.માઇક્રોફોનનો ભેદ... !

ગણપત મોટરબોટ ચાલકની વ્યવસ્થા માટે ખરે ખૂબ જ દોડાદોડ કરતો હતો.

હવે તો એણે આ કામ માટે પોતાનાં કેટલાંય માણસોને પણ કામે લગાડી દીધા હતા.

પરંતુ આટલા આટલા પ્રયાસો પછી પણ એને નિષ્ફળતા જ સાંપડી હતી. શનિવારની રાત સુધી પણ એ કે એનાં માણસો કોઈ મોટરબોટ ચાલકની વ્યવસ્થા ન કરી શક્યા.

ગણપત એકદમ નિરાશ થઈ ગયો.

પોતાનો સંઘ કાશીએ નહીં પહોંચે એવો ભાસ એને થવા લાગ્યો.

પરંતુ રવિવારે સવારે એણે અખબારમાં એક સનસનાટીભર્યા સમાચાર વાંચ્યા.

આ સમાચાર વાંચતા જ એનું અશક્ય કામ અચાનક જ શક્ય બની ગયું.

અખબારમાં છપાયેલા એ સમાચાર મનમોહન નામના એક માણસ વિશે હતા.

મનમોહન એક અત્યંત ગરીબ મોટરબોટ ચાલક હતો. એની ત્રણ ત્રણ જુવાન દીકરીઓ હતી, જેમનાં લગ્ન માટે તે પૈસાની વ્યવસ્થા નહોતો કરી શકતો. આ કારણસર તેને દરરોજ પોતાની પતિ તથા અન્ય સગાં-સંબંધીઓનાં મહેણાં સાંભળવા પડતાં હતાં. છેવટે લાચાર થઈને એણે ન ભરવા જેવું પગલું ભર્યું. એણે પોતાનો બે લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો અને પછી એક ઊંડી નદીમાં ઝંપલાવીને જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો જેથી મર્યા પછી પોતાના કુંટુંબીજનોને વીમાની રકમ મળી જાય.

પરંતુ અહીં પણ એ ગરીબને નસીબે સાથે ન આપ્યો. લોકોએ તેને બચાવીને જીવતો નદીમાંથી બહાર કાઢી લીધો. અને પોલીસને હવાલે કરી દીધો.

પોલીસે આત્મહત્યા તથા વીમા કંપની સાથે છેતરપિંડીનો આરોપ મૂકીને તેની ધરપકડ કરી. હાલ તુરત મનમોહન જેલમાં હતો. પોતાના કુટુંબની ગરીબી દૂર કરવાના ચક્કરમાં એ ગરીબને બેવડો માર પડ્યો હતો. આ સમાચાર વાંચતાં જ ગણપતની આંખોમાં ચમક પથરાઈ ગઈ. એના ચહેરા પરથી નિરાશાનાં વાદળો વિખેરાઈ ગયા.  એ તરત જ અખબાર લઈને પોતાનાં વકીલ પાસે પહોંચ્યો. અને તેને આખો કેસ સમજાવીને મનમોહનને જામીન પર છોડાવવાની કાર્યવાહી શરૂ કરાવી દીધી. જે કામ તેને શનિવારની રાત સુધી અશક્ય લાગતું હતું, તે એકાએક જ શક્ય બની ગયું હતું.

સોમવારે કોર્ટ ઉઘડતાં જ ગણપતના વકીલે મનમોહનને જામીન પર છોડાવી લીધો.

મનમોહન આશરે ચાલીસેક વર્ષની વયનો તથા છ ફૂટ ઊંચો માણસ હતો. એનો શારીરિક બાંધો ત્રીસેક વર્ષનાં યુવાન જેવો સ્ફૂર્તિલો અને શક્તિશાળી હતો. એ જેલમાંથી બહાર નીકળ્યો ત્યારે ગણપત એક મર્સીડીઝ કારની પાછલી સીટ પર એની રાહ જોતો બેઠો હતો. ગણપત અત્યારે પોતાના જૂના-અપંગવાળા મેકઅપમાં જ હતો.

'આવ, બેસ... !' એણે મનમોહનને કહ્યું.

મનમોહન સંકોચભરી હાલતમાં પાછલી સીટ પર એની બાજુમાં બેસી ગયો.

મસીડીઝ તરત જ પૂરપાટ વેગે આગળ વધી ગઈ.

ગણપતનો એક માણસ અત્યારે કાર ચલાવતો હતો. “આપે જ મને જામીન પર છોડાવ્યો છે, એમ જેલર સાહેબ કહેતા હતા.

'મનમોહન હિંમત એકઠી કરીને બોલ્યો.

'હા...' ગણપતે કહ્યું, 'મેં તને જામીન પર છોડાવ્યો છે!

'આપે મને શા માટે છોડાવ્યો સાહેબ...?' મનમોહને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, 'મારે તો આપની સાથે ઓળખાણ કે પરિચય પણ નથી. મેં તો આપને અગાઉ ક્યારેય જોયા પણ નથી. તો પછી આપે મારા પર આ મહેરબાની શા માટે કરી...?

'મહેરબાની...?'

‘હા...'

‘ભાઈ મનમોહન... !' ગણપત ઠાવકા અવાજે બોલ્યો, 'સૌથી પહેલાં તો તું એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લે અને બુધ્ધીનાં બારણાં ઉઘાડીને સમજી લે કે આ દુનિયામાં કોઈ, કોઈનાં પર મહેરબાની કે ઉપકાર નથી કરતું. સૌ સ્વાર્થનાં સગાં છે. બધાંને પોતાના સ્વાર્થ સાથે જ નિસ્બત હોય છે. આજના ઘોર કળયુગમાં મહેરબાન અને ઉપકાર જેવી વાત હાસ્યાસ્પદ લાગે છે. અત્યારે તો એક જ વાતનું ચલણ છે... અને એ છે બિઝનેસ... ! સોદો... ! આજના જમાનામાં ફક્ત 'કંઈક મેળવવા માટે કંઈક ગમાવવાની નીતિ જ ચાલે છે. જો મારા જેવો અજાણ્યો તને કંઈ કામમાં આવે તો તારે તરત જ સમજી જવું જોઈએ કે આ 'મહેરબાની' પાછળ ચોક્કસ કંઈક કારણ હશે.' મનમોહનના ચહેરા પર છવાયેલું અચરજ વધુ ગાઢ બન્યું. એ વિસ્ફારિત નજરે ગણપત સામે જોતો હતો.

‘પણ આપ મારા જેવા ગરીબ માણસ સાથે વળી શો સોદો કે બિઝનેસ કરવા માંગો છો? મારી પાસે તો વેચવા જેવું કશુંય નથી. આપ ખાતરી રાખો... ! જો મારી પાસે એવી કોઈ કિંમતી ચીજ હોત તો મેં ક્યારનીયે એ વેંચીને મારી ત્રણેય દીકરીઓનાં લગ્ન કરી નાંખ્યા હોત... !' કહેતાં કહેતાં મનમોહનનો અવાજ ગળગળો થઈ ગયો..

'તારી પાસે એક ખૂબ જ કિંમતી ચીજ છે મનમોહન... !' ગણપત ઉત્સાહભેર બોલ્યો, 'એક એવી ચીજ, કે જેની તને પોતાને પણ ખબર નથી. તારી પાસે સાહસિકતા છે... હિંમત છે...! મોત જેવી ખોફનાક ચીજને જાતે જ ભેટવાની દિલેરી છે. અને મારે આ બધું જ જોઈએ છે. કાલે મેં તારે વિશે અખબારમાં વાંચ્યું, ત્યારે જ હું સમજી ગયો કે તું જ મારું કામ કરી શકે તેમ છે.'

‘પણ કામ શું છે સાહેબ...?' મનમોહને મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું. 'તારે આજે રાત્રે એક એમ.એક્સ. સેવન્ટીન મોટરબોટ લઈને બેલાપુરની નદીમાં જવાનું છે!'

'બ...બેલાપુરની નદીમાં...!' પળભર માટે મનમોહનનો અવાજ પણ કંપી ઊઠ્યો.

'કેમ ભાઈ, ડરી ગયો...?' ગણપત હસીને બોલ્યો, 'મોતને ભેટવા માટે તૈયાર થયેલો તારા જેવો વીરલો ડરી ગયો..?'

'ના, એ વાત નથી...!' મનમોહને સ્વસ્થતા ધારણ કરતાં કહ્યું, 'મોતનો ભય તો ક્યારનોય મારા દિલો-દિમાગમાંથી નીકળી ગયો છે. મને બસ, એક જ વાતની ચિંતા છે...!'

'કઈ વાતની...?'

'મારી દીકરીઓનાં લગ્નની... ! તેમના લગ્ન માટે મને પૈસાની જરૂર છે... !

'તારે પૈસાં જ જોઈએ છે ને..?'

'હા...'

'તો એ હું તને આપીશ..!' ગણપતે પગ પાસે પડેલી બ્રિફકેસ ઊંચકીને તેન ઊઘાડતાં કહ્યું.

બ્રિફકેસમાં સૌ રૂપિયાવાળી નોટોનાં પચાસ પચાસ બંડલ ગોઠવેલાં હતાં. મનમોહન આશ્ચર્યથી ફાટી આંખે બંડલો સામે તાકી રહ્યો.

'આ પાંચ લાખ રૂપિયા છે મનમોહન... !' ગણપત પૂર્વવત અવાજે બોલ્યો. ‘આ બધા બંડલો તારે માટે જ છે. આ રકમમાંથી તારી ત્રણેય દીકરીઓનાં લગ્ન આરામથી થઈ જશે અને તું એક ઝાટકે ચિંતામાંથી મુક્ત થઈ જઈશ એમ હું માનું છું.'

'પણ બેલાપુરની નદીમાં જઈને મારે શું કરવું પડશે?'

મનમોહને મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.

'એ પણ જણાવીશ... ! પહેલાં તો તને મારી ઓફર મંજૂર છે કે નહીં, એ કહે...!' કહેતાં કહેતાં ગણપતે સૂટકેસનાં ફોલ્ડરમાંથી ત્રણ સાદા-સફેદ કવર કાઢ્યાં અને પછી બોલ્યો, 'તને કદાચ મારી ઓફર મંજૂર ન હોય તો પણ કંઈ મને વાંધો નથી. એ સંજોગોમાં તારે ફક્ત આ ત્રણ કવરથી જ સંતોષ માનવો પડશે. આ દરેક કવરમાં પાંચસો પાંચસો રૂપિયા છે. તારી દીકરીનાં જ્યારે પણ લગ્ન થાય, ત્યારે મારા તરફથી 'શુકન' તરીકે આ કવર તેમને આપી દેજે.’

'મને આપની ઓફર મંજૂર છે!' ગણપતની વાત પૂરી થઈ કે તરત જ મનમોહન ઉતાવળા આજે બોલી ઊઠ્યો. ‘બિલકલ મંજર છે. મારી દીકરીઓનાં લગ્ન માટે તો હું કોઈ પણ કામ કરવા માટે તૈયાર છું.'

'તું હા પાડીશ એની મને ખબર જ હતી... !' ગણપતે સ્મિત સહ કહ્યું, 'એટલા માટે જ તો મેં તને જામીન પર છોડાવ્યો છે. લે આ પાંચ લાખ અત્યારે જ સંભાળી લે... એટલે કામ પુરુ થયાં પછી હું તને પૈસા આપીશ કે નહીં, અગર હું ફરી તો નહીં જઉં ને?' એવી કોઈ શંકા તારા મનમાં ન રહે અને તું નિરાંત જીવે, ટેન્શનમુક્ત થઈને કામ કરી શકે...'

જાણે પોતાનાં વહાલસોયા બાળકને ભેટતો હોય એવાં હાવભાવ સાથે ગણપતે લંબાવેલી બ્રિફકેસને મનમોહને છાતી સરસી ચાંપી અને પછી આનંદનાં અતિરેકથી કંપતા અવાજે બોલ્યો, 'મારે આજે રાત્રે મોટરબોટ સાથે બેલાપુરની નદીમાં જઈને શું કરવાનું છે, એ તો આપે કહ્યું જ નહીં?'

'અત્યારે બે વાગ્યા છે... !' ગણપતે પોતાના કાંડા ઘડિયાળમાં સમય જોતાં કહ્યું, 'ચાર કલાક પછી એટલે કે બરાબર છ વાગ્યે તું મને 'બોટ ક્લબ' નાં દરવાજે મળજે. એ વખતે હું તને બાકીની વિગતો જણાવી દઈશ!

'ભલે...!' મનમોહન હકારમાં માથું ધુણાવતાં બોલ્યો, 'હું છ વાગ્યે ‘બોટ ક્લબ'નાં દરવાજે પહોંચી જઈશ.' એ જ વખતે પૂરપાટ વેગે દોડતી મર્સીડીઝ એક આંચકા સાથે સડકને કિનારે ઊભી રહી ગઈ.

'હવે તું જઈ શકે છે મનમોહન...!' ગણપતે હાથ લંબાવીને મર્સીડીઝનો દરવાજો ઊઘાડતાં કહ્યું, ‘છ વાગ્યે હું બોટ ક્લબ'નાં દરવાજે તારી રાહ જોઈશ.'

'આપનું નામ શું સાહેબ...?'

'હાલ તુરત તું મને તારો દોસ્ત સમજી શકે છે. અને આમેય દોસ્તીને કોઈ નામની જરૂર નથી હોતી.' મનમોહને પળભર માટે ગણપત સામે જોયું

પછી તે શ્રદ્ધાથી માથનમાવીને નીચે ઉતરીને લાંબા લાંબા ડગલાં ભરતો આગળ વધી ગયો. બ્રિફકેસને એણે હજુ પણ નાના બાળકની જેમ છાતી સરસી ચાંપી રાખી હતી. છેવટે તે ગણપતની દૃષ્ટિમર્યાદા ઓળંગીને દેખાતો બંધ થઈ ગયો.

'બોસ... !' ગણપત ડ્રાઈવરને ઉદેશીને બોલ્યો, 'હવે તમે પાછળ આવી જાઓ. આટલી વાર સુધી તો મેં 'સાહેબ'ની ભૂમિકા ભજવી છે. હવે હું કાર ચલાવીશ!

ડ્રાયવરનું રૂપ ધારણ કરેલા અનવર હુસેને પોતાની આંખો પરથી ગોગલ્સ કાઢીને નાંખ્યા અને પછી ગરદન ફેરવીને ગણપત| સામે જોતાં કહ્યું,

'તું બેસી રહે... ! અહીંથી મારી હોટલ બહુ દૂર નથી. ત્યાં પહોંચ્યા પછી તું ડ્રાયવિંગ સીટ પર આવી જ પણ એક વાત હું તને જરૂર કરીશ !'

'કઈ વાત...?'

'તારે મનમોહનને એડવાન્સમાં જ પાંચ લાખ રૂપિયા આપવાની જરૂર નહોતી.”

'કેમ...?'

'એટલા માટે કે રકમ તો એના કબજામાં આવી જ ગઈ છે. એ દગો કરી શકે તેમ છે... ! સાંજે હવે કદાચ તું બોટ ક્લબે એની રાહ જોતો રહી જાય અને તે ન આવે એ બનવાજોગ છે.' અનવરની વાત સાંભળીને ગણપતના હોઠ પર સ્મિત ફરક્યું. એનાં આ સ્થિતિમાં પણ ભરપૂર આત્મવિશ્વાસ હતો.

'બૉસ... !' એ મક્કમ અવાજે બોલ્યો, ‘માણસને ઓળખવામાં હું ક્યારય થાપ નથી ખાતો. હું માણસનો ચહેરો જોઈને જ કહી શકું છું કે કોણ દગાબાજ છે ને કોણ વિશ્વાસુ... ! મનમોહન ગરીબ જરૂર છે, પણ એનો આત્મા નહીં... ! એ પોતે દગાબાજ નથી... ! એનું ખમીર અને ઝમીર, બંને યથાવત છે. ઉલ્ટું એડવાન્સમાં રકમ આપીને કદાચ કરોડો રૂપિયામાં પણ ન ખરીદી શકાય એવો એનો વિશ્વાસ જીતી લીધો છે.'

ગણપતની ફિલોસોફીભરી વાત સાંભળીને અનવરના હોઠ પર પણ હળવું સ્મિત ફરકી ઊઠ્યું.

જ્યારે ગણપતે મર્સીડીઝનો દરવાજો પુનઃ બંધ કરી દીધો હતો. અનવરે કાર સ્ટાર્ટ કરીને પૂરપાટ વેગે દોડાવી મકી.

એ જ બપોરે ચાર વાગ્યે પીતાંબરે બેલાપુરની જેલમાં દિલીપને સમાચાર આપી દીધાં કે મનમોહન નામનાં એક મોટરબોટ ચાલકની વ્યવસ્થા થઈ ગઈ છે અને તે રાત્રે બરાબર બે વાગ્યે 'એમ.એક્સ.સેવન્ટીન મોટરબોટ લઈને જેલરનાં બેડરૂમવાળી બારી નીચે પહોંચી જશે.

આ સાંભળતા દિલીપ અને પ્રભાતે નિરાંતનો શ્વાસ લીધો.

બાકી અત્યાર સુધી તો પોતે આજે રાત્રે જેલમાંથી ફરાર થઈ શકશે કે નહિ એ જ મૂઝવણમાં તેઓ અટવાયેલા હતાં.

પરંતુ પીતાંમ્બરની આ વાત પછી આજની આ સમાચાર સાંભળતાં જ દિલીપ અને પ્રભાતે નિરાંતનો લીધો.

બાકી અત્યાર સુધી તો પોતે આજે રાત્રે જેલમાંથી ફરાર થઈ શકશે કે નહીં, એ જ મૂંઝવણમાં તેઓ અટવાયેલાં હતાં.

પરંતુ પીતાંબરની આ વાત પછી આજની રાત નિર્ણાયક છે, એ નક્કી થઈ ગયું હતું.

ત્યાર બાદ દિલીપ બહાનું કાઢીને ટૉયલેટમાં પહોંચ્યો. એણે ઝપાટાબંધ ટ્રાન્સમીટર કાઢીને નાગપાલનો સંપર્ક સાધ્યો અને ટૂંકમાં તેને બધી વિગતો જણાવી દીધી.

ટૂંકમાં દિલીપ આજે રાત્રે જેલમાંથી પ્રભાત સાથે ફરાર થવાનો હતો. એ વાત નક્કી હતી. પરંતુ માણસ ધારે છે કંઈક ને બને છે કંઈક... !

એ જ રાત્રે સમગ્ર ઘટના ક્રમે એક અનોખો જ વળાંક લીધો.

*

રાતના નવ વાગ્યા હતા.

રૂખસાના પોતાની કાંડા ઘડિયાળ ક્યાંક મૂકીને ભૂલી ગઈ હતી. પોતાના કાંડા પર ઘડિયાળ નથી એ તેને અચાનક યાદ આવ્યું હતું. ઘડિયાળમાં નંબરોના સ્થાને ખૂબ જ કિંમતી હીરાઓ જડેલા હતા.

એ ખૂબ જ વ્યાકુળતાથી શેરેટોન હૉટલના પોતાના રૂમમાં ઘડિયાળ શોધવા લાગી. પછી ઘડિયાળ શોધવાની ઉતાવળમાં અનાયાસે જ એનો પગ ડ્રેસિંગ ટેબલ સાથે અથડાતાં ટેબલ પર પડેલ ચાયનાની ફૂલદાની નીચે પડીને તૂટી ગઈ.

ફૂલદાનીના તૂટવાથી જ એક બખેડાની શરૂઆત થવાની હતી કારણ કે તેમાં એક ખૂબ જ સેન્સેટીવ માઇક્રોફોન છૂપાવેલું હતું. ફૂલદાની તૂટતાં જ એ રૂખસાનાની નજરે ચડી ગયું. માઇક્રોફોન જોતાં જ એના દિમાગમાં વિસ્ફોટ પર વિસ્ફોટ થવા લાગ્યા. આંખનાં પકારામાં જ એ પોતાની કિંમતી ઘડિયાળ શોધવાનું ભૂલી ગઈ. રૂખસાનાએ તરત જ માઇક્રોફોન ઊંચકીને અનવર તરફ દોટ મૂકી.

અનવર એ વખતે પલંગ પર આરામ કરતો હતો. પરંતુ રૂખસાનાનાં હાથમાં માઇક્રોફોન જોતાં જ એ પણ છળીને ઊભો થઈ ગયો.

એણે કશુંક કહેવા માટે મોં ઉઘાડ્યું. રૂખસાનાએ તરત જ એના મોં પર હાથ દબાવી દીધો અને નકારમાં માથુ હલાવીને સાંકેતિક ઢબે તેને કશું ય બોલવાની ના પાડી. કારણ કે માઇક્રોફોન પર તેમની વાતો સંભળાઈ જાય તેમ હતી. ત્યાર બાદ રૂખસાનાએ માઈક્રોફોનને ટેબલ પર મૂક્યું અને અનવરનો હાથ પકડીને તેને ટૉયલેટમાં ઘસડી ગઈ. સૌથી પહેલાં એણે ટૉયલેટનો દરવાજો બંધ કર્યો ત્યાંથી એક એક વસ્તુ ચૅક કરી નાંખી.

પરંતુ ત્યાંથી તેને કોઈ માઈક્રોફોન ન મળ્યું.

‘અનવર... !' છેવટે એ ધીમા પણ સ્પષ્ટ અવાજે બોલી, ‘અત્યારે આપણી પાસે વાતો કરવા માટે આ એક જ સલામત સ્થળ છે કારણ કે દુશ્મન ટૉયલેટ જેવી જગ્યાએ ક્યારેય માઇક્રોફોન નથી રાખતો.'

‘પણ તેને માઇક્રોફોન મળ્યું ક્યાંથી... ?' અનવરે ગભરાટભર્યા અવાજે પૂછ્યું.

‘માઇક્રોફોન ડ્રેસિંગ ટેબલ પર પડેલી ફૂલદાનીમાં છૂપાવેલું હતું.’

‘ઓહ...’

‘મને કંઈક ગરબડ દેખાય છે અનવર... !' રૂખસાના ખોફભર્યા અવાજે બોલી, ‘આપણા રૂમમાં આવા બીજા કેટલાય માઇક્રોફોન છૂપાવેલાં હશે એવું મને લાગે છે. આપણે તાબડતોબ એ બધાં માઇક્રોફોન શોધી કાઢવા પડશે.'

બંને તરત જ ટૉયલેટમાંથી બહાર નીકળીને રૂમમાં આવ્યા અને માઇક્રોફોન શોધવાનાં કામે લાગી ગયા.

એક કલાકની અથાગ મહેનત પછી તેમણે કુલ આઠ માઈક્રોફોન શોધી કાઢ્યા.

માઈક્રોફોન શોધવા માટે તેમણે રૂમની એક પણ વસ્તુ બાકી નહોતી રાખી.

તેમને ગાદલામાંથી પણ બે માઈક્રોકોન મળી આવ્યા હતા. ત્યાર બાદ અનવરે ખૂબ જ સાવચેતથી બધાં માઇક્રોકોનનાં સંપર્ક કાપી નાંખ્યા.

આ અગત્યનું કામ પતાવ્યા પછી બંને ફરીથી ટૉયલેટમાં પહોંચ્યાં. અલબત્ત, રૂમમાં હવે કોઈ માઈકોફોન નથી, એની તેમને પૂરી ખાતરી હતી. પરંતુ તેમ છતાંય તેઓ કોઈ જાતનું જેખમ ખેડવા નહોતા માંગતા.

'યા ખુદા...!' ટૉયલેટમાં પહોંચતાં જ અનવર બંને હાથે પોતાનું માથું પકડતાં બોલ્યો, 'આપણી વિરુદ્ધ કેવી ખતરનાક રમત રમાતી હતી અને આપણને એની કંઈ ખબર નહોતી. આનો અર્થ એ થયો રૂખસાના કે, તારી શંકા શરૂઆતથી જ સાચી હતી. વિશાળગઢમાં પગ મૂકતાં જ ભારતીય જાસુસોએ આપણા પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું.

'હા...'

કહેતાં કહેતાં રૂખસાનાનાં દેહમાં પણ ભયપૂર્ણ ધ્રુજારી ફરી વળી 'એટલું જ નહીં, તેઓ આપણાં મિશનથી પણ વાકેફ હતા. માઈક્રોફોનનાં માધ્યમથી તેઓ આપણી વચ્ચે થતી એક એક વાતો સાંભળતા હતા. અનવર, તું માન કે ન માન... પરંતુ મારો દાવો છે કે આપણને જે બે વેઇટરો એટેન્ડ કરે છે, એ બંને પણ ચોક્કસ જ ભારત સરકારના જાસૂસો જ છે!'

'તારી વાત સાચી છે રૂખસાના... !' અનવર બબડ્યો, 'સાવ સાચી છે. ચોક્કસ એ બંને હરામખોરો ભારતીય જાસસો જ છે. તેઓ આજ સુધી આપણને વેઇટરનું રૂપ ધારણ કરીને મૂરખ બનાવતાં રહ્યા છે. હવે તો મને તારી એક બીજી વાત પણ સાચી ઠરતી દેખાય છે... !'

'કઈ વાત...?' રૂખસાનાએ ઉત્સુક અવાજે પૂછ્યું.

'તે શંકર વિશે કહ્યું હતું... !' અનવર એક એક શબ્દ પર| ભાર મૂકતાં બોલ્યો, 'શંકર પણ કાયદાનો કોઈક રખેવાળ કે સરકારી જાસૂસ હોઈ શકે છે એવી શંકા તે વ્યક્ત કરી હતી. તારી આ શંકા પણ હવે મને સાચી લાગે છે. શંકર કોઈ અપરાધી નહીં, પણ કોઈક સરકારી જાસૂસ છે. આપણે શરૂઆતથી ચાલ રમતાં હતાં પરંતુ આપણી ચાલને નિશાન બનાવીને અસલી ચાલબાજી કોઈક બીજું જ રમે છે એની આપણને ખબર જ નહોતી.'

અનવરની વાત સાંભળીને રૂખસાનાનાં રૂંવાડા ઊભાં થઈ ગયા.

'હવે... હવે શું કરીશું અનવર...?' એ ભયથી કંપતા અવાજે| બોલી, 'હવે તો આપણે બૂરી રીતે ફસાઈ ગયા છીએ!'

'તું સાચું કહે છે... !' અનવરના હોંશ પણ ઊડી ગયા હતા, 'પરંતુ આપણાં હાથમાં હજુ પણ એક તક છે. આપણને સમયસર જ સાચી હકીકતની ખબર પડી ગઈ છે. જો આપણને પ્રયાસ કરીએ તો સરકી ગયેલી બાજી ફરીથી આપણા હાથમાં આવી શકે તેમ છે.’

'કેવી રીતે...?'

'સૌથી પહેલાં તો આપણે એ જાણવું પડશે કે શંકર વાસ્તવમાં કોણ છે...?' તે ખરેખર જ અપરાધી છે કે પછી ભારત સરકારનો કોઈ જાસસ...? આપણા આખા મિશનનો બધો ભાર એના પર જ છે, એટલે તેની વાસ્તવિકતા વિશે જાણવાનું આપણે માટે એકદમ જરૂરી બની ગયું છે.'

'એ તો બરાબર છે. પણ શંકરની વાસ્તવિકતા વિશે આપણને

કોણ જણાવશે?'

'તું બંને વેઈટરોને ભૂલી જતી લાગે છે.'

'વ...વેઇટરો...?'

'હા... હું બંને વેઈટરોની વાત કરું છું કે જેઓ વાસ્તવમાં ભારત સરકારના જાસૂસો છે. અત્યાર સુધી તેઓ આપણી સાથે

રમત રમતા હતા. હવે આપણો વારો છે. હવે આપણે તેની સાથે રમત રમીશું!' કહેતાં કહેતાં કાળઝાળ રોષથી અનવરનો ચહેરો તમતમી ઊઠ્યો.

ત્યાર બાદ બંનેએ બહાર નીકળીને ઝપાટાબંધ રૂમને વ્યવસ્થિત કરી નાંખ્યો.

રૂમની તલાશી લેવામાં આવી છે, એવું હવે કોઈ જ કહી શકે તેમ નહોતું.

રૂમ સરખો કર્યા પછી અનવરે સર્વિસ બેલ દબાવી અને પછી રૂખસાના સાથે બેસીને આરામથી ટી.વી. જોવાં લાગ્યો ટી.વી.નું વૉલ્યૂમ પણ એણે વધારી નાંખ્યું હતું.

પાંચેક મિનિટ પછી દરવાજો ઉઘાડીને એક વેઈટર અંદર પ્રવેશ્યો. આ તેમને એટેન્ડ કરી રહેલાં બે વેઈટરો માંહેનો જ એક હતો.

સૌથી પહેલાં રૂખસાનાએ મેનુ જોઈને ડિનર માટે થોડી વાનગીઓ લખાવી. ત્યાર બાદ વેઈટર જતો હતો ત્યાં જ અનવરે તેને ટોક્યો, 'સાંભળ...!' વેઇટરે પીઠ ફેરવીને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. 'ટોયલેટનો નળ બગડી ગયો છે. જરા જોઈ લે.' અનવરે ભાવહીન અવાજે કહ્યું. 'હું હમણાં જ પ્લમ્બરને મોકલી આપું છું સર...!'

'મામુલી બગાડ છે...! તું પોતે જ જરા જોઈ લે... ! કદાચ તારાથી જ થઈ જશે. વેઈટરનાં રૂપમાં રહેલો સી.આઈ.ડી.નો એજન્ટ ચૂપચાપ ટોયલેટ તરફ આગળ વધ્યો.

એ ટૉયલેટમાં પ્રવેશ્યો કે તરત જ દબાતે પગલે અનવર તથા રૂખસાના પણ એની પાછળ પાછળ જ અંદર દાખલ થઈ ગયા. રૂખસાનાએ અંદર પહોંચતાંવેંત બેહદ સ્ફૂર્તિથી દરવાજો બંધ કરી સ્ટોપર ચડાવી દીધી. જોખમનો આભાસ થતાં જ સી.આઈ.ડી. એજન્ટે ચમકીને પીઠ ફેરવી.

એ જ પળે અનવરના રાઠોડી હાથનો એક વજનદાર મુક્કો પૂરી તાકાતથી એનાં જડબાં પર ઝીંકાતાં તે સીધો ટૉયલેટની દિવાલ સાથે અથડાયો. એણે પોતાના ગજવામાંથી રિવોલ્વર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ એ જ પળે રૂખસાનાએ પીઠ પાછળ જ એનાં બંને હાથ પકડી લીધાં. અનવરે બાજની જેમ તરાપ મારીને એની રિવોલ્વર પોતાનાં કબજામાં લઈ લીધી. એજન્ટ હવે નિઃશસ્ત્ર થઈ ગયો હતો.

ત્યાર બાદ તે કશું ય સમજે એ પહેલાં જ અનવરે એનાં ગાલ પર ઉપરા-ઉપરી ત્રણ-ચાર તમાચા ઝીંકી દીધાં.

'હરામખોર...!' અનવર જોરથી તાડૂક્યો, 'વેઈટર થઈને ગજવામાં રિવોલ્વર રાખે છે...?' રૂખસાનાએ તરત જ પોતાનાં વસ્ત્રોમાં છૂપાવેલી સ્ટીલની લાંબી ચમકારા મારતી છૂરી કાઢીને એની ગરદન પર મૂકી દીધી. અનવરે પણ પોતાની સાયલેન્સર યુક્ત રિવોલ્વર કાઢીને એની સામે તાકી.

'ક...કોણ છો તમે...?' છૂરી તથા રિવોલ્વર જોઈને સી.આઈ.ડી. એજન્ટનાં મોતિયા મરી ગયા, 'આ...આ...શું કરો છો...?'

'નાલાયક... ! અમને પૂછે છે કે અમે કોણ છીએ...?' કહેતાં કહેતાં એનાં જડબાં પર એક વધુ મુક્કો ઝીંક્યો,

'પહેલાં તો તારો પરિચય આપ કે તું કોણ મૂઓ છે...?

'હ...હું આ હોટલનો વેઇટર છું...!'

અનવરે એનાં પેટ પર ગોઠણનો પ્રહાર કર્યો. પ્રહાર એટલો જોરદાર હતો કે એજન્ટ બેવડો વળી ગયો.

'હરામખોર, હવે બીજી વખત બોલ્યો  કે તું હોટલનો વેઈટર છે...' અનવરે હિસક અવાજે કહ્યું, ‘હું એ જ પળે તારાં હડકાં-પાંસળા એક ન કરી નાખું તો કહેજે... ! સાલ્લા પાજી... એક બાજુથી. તારી જાતને વેઈટર તરીકે ઓળખાવે છે ને બીજી તરફ ખિસ્સામાં રિવોલ્વર પણ રાખે છે... ! હોટલનાં રૂમમાં માઈકોફોન ફીટ કરવાનું કામ વેઈટરોનું છે...?

'મ...માઈક્રોફોન... !' સી.આઈ.ડી. એજન્ટનો દેહ સૂકા પાંદડાની માફક થરથરી ઊઠ્યો,

'મ..મેં ક્યાં માઈક્રોફોન ફીટ કર્યા છે...?'

રૂખસાનાએ તરત જ ડિસ્કનેક્ટ કરેલા બધા માઈકોફોન એની સામે મૂકી દીધા.

'આ જો...’ અનવર રોષભેર બરાડ્યો, 'આ છે તારું અને તારા જોડીદારનું પરાક્રમ... ! તમે બંનેએ જ ભેગા થઈને આ ખતરનાક લીલા રચી છે. અમે બંનેએ ઘાસના પૂળામાંથી સોય શોધવી હોય એટલી બારીકાઈથી આખા રૂમની તલાશી લીધી છે અને ત્યારે અમને આ માઇક્રોફોન મળ્યા છે. હવે બોલ, શું આ માઈક્રોફોન તમે બંનેએ ફીટ નહોતાં કર્યા...? શું આ તમારું પરાક્રમ નહોતું...?'

સી.આઈ.ડી.નો એજન્ટ દહેશતભરી નજરે ક્યારેક માઈક્રોફોન સામે, ક્યારેક અનવર સામે તો ક્યારેક રૂખસાના સામે જોવા લાગ્યો. પોતાનો ખેલ ખતમ થઈ ગયો છે, એટલું તો તે બહુ સારી રીતે સમજી ચૂક્યો હતો.

‘હરામખોર...' અનવરે એનાં પેટમાં સાયલેન્સરની નળી સહેજ વધુ ખૂંચાડી, 'હું તને પૂછું છું. મારી વાતનો જવાબ આપ... ! કબૂલ કર તે તું ભારત સરકારનો કોઈક જાસૂસ છો... !'

‘ન...ના...' સી.આઈ.ડી.નો ઍજન્ટ પગથી માથા સુધી ધ્રુજી ઊઠ્યો,

‘હું ... હું સરકારી જાસૂસ નથી. હું તો વેઈટરછું, વેઈટર... !'

આ વખતે રૂખસાનાએ પ્રતિક્રિયા વ્યક્ત કરી.

સી.આઈ.ડી. એજન્ટની વાત પૂરી થતાં જ એનાં હાથમાં જકડાયેલી છૂપી હવામાં લહેરાઈને એજન્ટનાં સાથળમાં મૂઠ સુધી ખૂંચી ગઈ.

એજન્ટે ચીસ નાંખવા માટે મોં ઉઘાડ્યું પરંતુ તે ઉઘાડું જ રહી ગયું. અનવરે સાયલેન્સરની નળી એનાં ઉઘાડા મોંમાં ભગની દીધી હતી.

ઍજન્ટની હાલત હવે એકદમ ખરાબ થઈ ગઈ હતી. 'આજે તારી ખેર નથી હરામખોર...!' અનવર કોપભર્યા અવાજે બોલ્યો, 'આજે અમે બંને ભેગાં થઈને તારા ટૂકડે ટૂકડા કરી નાંખીશું. જો તારે જીવતા રહેવું હોય તો કબૂલ કર કે તું સરકારી જાસૂસ છો... !'

ભય, ખોફ અને દહેશતથી સી.આઈ.ડી. જન્ટનાં રૂંવાડા ઊભાં થઈ ગયા. શું કરવું ને શું નહીં, એ તેને કશું ય નહોતું સમજાતું.

એ જ વખતે રૂખસાનાના હાથમાં જકડાયેલી લોહીથી ખરડાયેલી છૂરી ફરીથી હવામાં લહેરાઈ અને આ વખતે એજન્ટનાં બીજા સાથળમાં ખૂંચી ગઈ.

એજન્ટનો દેહ પાણીમાંથી બહાર કાઢેલી માછલીની જેમ તરફડવા લાગ્યો.

જો સાયલેન્સરની નળી એના ગળા સુધી ખૂંચેલી ન હોત તો ચોક્કસ જ તેનાં મોંમાંથી કાળજું કંપાવતી ચીસ સરી પડી હોત. પરંત આ વખતે અસીમ પીડાને કારણે એની આંખોમાંથી આંસું વહેવા લાગ્યા.

‘ફટાફટ જવાબ આપ... !' અનવર ક્રૂર અવાજે બોલ્યો, 'ક્યાંક એવં ન બને જવાબ આપતાં પહેલાંજ તારો આત્મા તારા શરીરનો ત્યાગ કરી દે... !'

એજન્ટે કંઈ જવાબ ન આપ્યો. એની આંખોનાં ડોળા ખોફથી ચકળ-વકળ થવા લાગ્યા. એને ચપ જોઈને રૂખસાનાને પુનઃપૂરી ક્રૂરતાથી તેનાં સાથળમાં છરી ખુંચાડી એટલું જ નહી, તેને ગોળ ગોળ ફેરવીને એક ઝાટકે બહાર પણ ખેંચી લીધી.

આ વખતે મોંમાં સાયલેન્સરની નળી હોવા છતાં ય એજન્ટનાં ગળામાંથી ગૂંગળાયેલી ચીસ સરી પડી. એનાં સાથળનાં ઝખમમાંથી છૂરીની સાથે સાથે માંસનો લોચોપણ બહાર નીકળી આવ્યો હતો.!

સી.આઈ.ડી. એજન્ટનો સમગ્ર દેહ પરસેવાથી તરબતર થઈ ગયો..

એ જલ્દી જલ્દી હકારમાં માથું હલાવીને પોતે સરકારી જાસૂસ છે, એવું કબૂલવા લાગ્યો. અનવરે એનાં મોંમાંથી સાયલેન્સરની નળી બહાર કાઢી લીધી.

'તો તું સરકારી જાસૂસ છો, એ વાત કબૂલ કરે છે ખરું ને?

એણે હિંસક અવાજે પૂછ્યું.

સી.આઈ.ડી. એજન્ટે પુનઃ સહમતિ સૂચક ઢબે માથું હલાવ્યું.

'ડાચામાંથી ભસ... !' અનવર જોરથી તાડૂક્યો.

'હ...હા...' એજન્ટ થોથવાતા અવાજે બોલ્યો. 'હું... હ. સરકારી જાસૂસ છું... !'

'અને તારો પેલો સાથીદાર...? એ કોણ છે...?

'એ પણ મારી જેમ સરકારી જાસૂસ જ છે... !'

'આ માઈક્રોફોન તમે બંનેએ જ અમારા રૂમમાં ફીટ કર્યા હતા... ?

'હા...હા...'

'કુલ કેટલાં માઈક્રોફોન ફીટ કર્યા હતા... ?'

‘આઠ...’

'ફક્ત આઠ જ...?' એનાથી વધુ નહીં...?

'ના...ના...'

‘શંકર કોણ છે...?' અનવરે લોહીયાળ નજરે એની સામે તાકી રહેતાં પૂછ્યું, ‘શું એ પણ તમારા બંનેની માફક સરકારનો કોઈ જાસૂસ છે...?'

શંકરનું નામ સાંભળતા જ જાણે કદાપિ ન ઉઘડવાનાં હોય એ રીતે સી.આઈ.ડી. એજન્ટનાં હોઠ એકબીજાં સાથે ચોટી ગયા. એનાં બંને સાથળમાંથી સતત લોહી વહેતું હતું.

'હું તને પૂછું છું નાલાયક... ''

અનવર એના માથાનાં વાળ મુઠ્ઠીમાં જકડીને જોરથી ખેંચતા કર્કશ અવાજે બોલ્યો, ‘જવાબ આપ..! કર કોણ છે....

'હું કોઈ શંકરને નથી ઓળખતો!'

વળતી જ પળે અવરની સાયલેન્સર યુક્ત રિવૉલ્વરમાંથી 'ફીસ્'નાં હળવા અવાજ સાથે એક ગોળી છૂટીને ઍજન્ટનાં ખભામાં તરી ગઈ.

એણે ચીસ નાંખવા માટે મોં ઉઘાડ્યું કે તરત જ અનવરે ફરીથી એના મોમાં સાયલેન્સરની નળી ભરાવી દીધી. અને પછી આગ્નેય નજરે તેની સામે જોતાં બોલ્યો, 'મારી ચેતવણીને તું ભૂલી ગયો લાગે છે. હું તારા હાડકાં-પાંસળા એક કરી નાંખીશ, એમ મેં તને કહ્યું હતું. જો તારી ખેર ઈચ્છતો હો તો સીધી રીતે મારા સવાલોનાં સાચા જવાબ આપ... ! અત્યારે મારું મગજ ઠેકાણે નથી. મારા માથા પર સાક્ષાત કાળ ભમે છે, બોલ, શંકર સરકારી જાસૂસ છે કે નહીં...?

સી.આઈ.ડી. એજન્ટ પુનઃ ખોફભરી સ્થિતિમાં સહમતિ સૂચક ઢબે માથું હલાવવા લાગ્યો.

શંકર સરકારી જાસૂસ છે. એ વાત છેવટે એણે કબૂલી જ લીધી. એનો જવાબ સાંભળીને અનવરનું લોહી ઉકળી ઊઠ્યું. એની આંખોમાંથી જાણે કે અંગારા વરસવા લાગ્યા. એણે પળનોય વિલંબ કર્યા વગર રિવૉલ્વરનું ટ્રીગર દબાવી દીધું. આ વખતે રિવૉલ્વરમાંથી છૂટેલી ગોળીએ સી.આઈ.ડી. એજન્ટની ખોપરીનાં ભૂક્કાં બોલાવી દીધાં.

એનો મૃતદેહ કપાયેલાં વૃક્ષની જેમ ત્યાં જ પટકાયો. અનવર અને રૂખસાના ટોયલેટમાંથી બહાર નીકળ્યા. એણે ફરીથી સર્વિસ બેલ દબાવી અને પોતાનાં બીજાં શિકારની રાહ જોવાં લાગ્યા.

પાંચ મિનિટ પછી વેઇટરનાં રૂપમાં રહેલો સી.આઈ.ડી.નો બીજો ઍજન્ટ પણ ત્યાં આવી પહોંચ્યો. ટી.વી.હજુ પૂર્વવત્ અવાજમાં ચાલુ જ હતું.

અનવરે પહેલાં એ ઍજન્ટને પણ ડિનરનો ઓર્ડર લખાવ્યો અને પછી તેને પણ ટૉયલેટમાં જઈને નળ ચૅક કરી લેવાનો આગ્રહ કર્યો. પોતાનાં મોતથી બેખબર ઍજન્ટ ટૉયલેટમાં ઘૂસ્યો કે તરત જ પાછળથી અનવરે તેનું મોં દબાવીને એની ગરદનમાં ગોળી ઝીંખી દીધી. એ બાપડાનાં મોંમાંથી તો અંતિમ ચીસ પણ ન નીકળી શકી. ગોળી વાગતાં જ એનું પ્રાણ પંખેરું ઊડી ગયું. એનો મૃતદેહ પણ પોતાનાં સહકારીનાં મૃતદેહ પર જઈ પડ્યો.

અનવરે ટૉયલેટમાંથી બહાર નીકળીને સૌથી પહેલાં ટી.વી. બંધ કર્યું.

‘હવે શું કરીશું... ?’ રૂખસાનાએ પ્રશ્નાર્થ નજરે એની સામે જોતાં પૂછ્યું.

‘આપણે હવે આ હૉટલમાં એક મિનિટ પણ રોકાઈ શકીએ તેમ નથી.' અનવર સ્ફૂર્તિથી રિવૉલ્વરમાંથી સાયલેન્સરની નળી કાઢતાં બોલ્યો, ‘તું તાબડતોબ જરૂરી ચીજ-વસ્તુઓ સમેટી લે...!'

,'અને કપડાં વિગેરે… ?'

'એ બધું અહીં જ પડતું મૂકી દે...!' અનવર બોલ્યો, ‘જો આપણે સૂટકેસ લઈને હૉટલની બહાર નીકળીશુ તો સ્ટાફની નજરે ચડી જશું. આપણે ચૂપચાપ અહીંથી જાણે ફરવા જતાં હોઈએ એ રીતે વિદાય થઈ જવાનું છે.'

રૂખસાના તરત જ કામે લાગી ગઈ. થોડી વારમાં જ બંને નક્કી થયા મુજબ હૉટલમાંથી બહાર નીકળી ગયા.

*******