Jalpari ni Prem Kahaani - 30 in Gujarati Love Stories by Bhumika Gadhvi अद्रिका books and stories PDF | જલપરી ની પ્રેમ કહાની - 30

Featured Books
Categories
Share

જલપરી ની પ્રેમ કહાની - 30

મીનાક્ષી ના મુખ પર ભેદી રેખાઓ ઉપસી આવી. તેનું મન શંકા કુશંકા થી ઘેરાઈ ગયું. પ્રતિબિંબ ને કેદ કરવાની શક્તિ તો એક જ વ્યક્તિ પાસે છે અને એ છે સમુદ્ર દૈત્ય જાદુગર પિરાન. શું આ માનવ પાસે પણ એવી જ કોઈક શક્તિ છે? મીનાક્ષી પોતાની જાત સાથે વાત કરવા લાગી.


મીનાક્ષી ના મુખ પર આવેલી ભય અને શંકા ની રેખાઓ ને મુકુલ સમજી ગયો. શું થયું રાજકુમારી મીનાક્ષી, તમે કયા વિચાર માં ખોવાઈ ગયા. હ.... હ... કંઈ નઈ. મીનાક્ષી એ વાત ને ટાળવાની કોશિશ કરી. કંઇક તો વાત છે, કે આ તમારા સુંદર ચહેરા ને અચાનક આટલી ગંભીરતા કેમ ઘેરી વળી છે?


શું કહું આ માનવ ને, કેવી રીતે કહું કે મારા મનમાં તેના માટે શંકા ઉદ્દભવી છે કે એ કોઈ માયાવી તો નથી ને. શું થયું તમે કંઈ જવાબ નથી આપી રહ્યા? મુકુલે ફરીથી મીનાક્ષી ના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો.


આ પ્રતિબિંબ ને તમે આટલી નાનકડી ડબ્બી માં કેદ કરીને કઈ રીતે રાખ્યું છે, આ વિદ્યા તો ફક્ત સમુદ્રી દાનવ અને જાદુગર પિરાન જ જાણે છે. તમને આ માયા કોણે શીખવી? મીનાક્ષી ના અવાજમાં ભય સ્પષ્ટ પણે સંભળાય છે.


હા...હા...હા...હા.. માયા, જાદુ? મુકુલ જોર જોર થી હસવા લાગ્યો. આ જોઈ મીનાક્ષી વધારે ગંભીર થઈ ગઈ. મુકુલ ની નજર હસતાં હસતાં મીનાક્ષી પર પડી અને એને વાતની ગંભીરતા નો ખ્યાલ આવ્યો. એણે હસવાનું બંધ કર્યું અને પેન્ડન ને મીનાક્ષી સામે ધરતા કહ્યું આ ઈમેજ છે, આ ઈમેજ એક કેમેરા નામના યંત્ર થી લેવામાં આવે છે. આ કોઈ જાદુ નથી ડરશો નહિ.


મીનાક્ષી ને તો કંઈ સમજાયું જ નહિ. અમારી દુનિયામાં ઘણી બધી એવી વસ્તુ છે જે કોઈ ચમત્કારથી બિલકુલ કમ નથી. મારી પાસે મારો મોબાઇલ નથી નહીંતો હું આપને સમજાવી દેત. પણ હા વિશ્વાસ રાખો આ કોઈ માયા નથી, અને આના થી હું આપને કે આપના રાજ્યના કોઈ પણ વ્યક્તિ ને કોઈ જ પ્રકારનું નુકશાન કે હાની નહિ પહોંચાડું. મુકુલ ના શબ્દો દ્રઢ હતા, એની આંખમાં નિશ્ચલતા હતી. મીનાક્ષી ને મુકુલ ના શબ્દો પર વિશ્વાસ મૂકવાનું યોગ્ય લાગ્યું.


આ પ્રતિબિંબ આપનું છે પણ આ બીજું પ્રતિબિંબ કોનું છે? મીનાક્ષી ને લોકેટ માં રહેલા ફોટા વિશે જાણવાની જિજ્ઞાસા જાગી. આ મારા મમ્મી છે. મમ્મી? હા, મમ્મી એટલે માતા. મુકુલ ના મોઢા થી આ મારી માતા છે એવું સાંભળી મીનાક્ષી ને બહુ ખુશી થઈ. એણે મુકુલ સામે હાથ લાંબો કરી લોકેટ માંગ્યું અને ધ્યાન થી મુકુલ ના મમ્મી નો ફોટો જોવા લાગી.


મીનાક્ષી થોડી વાર આંખનું મટકું ય માર્યા વગર ફોટા સામે એકીટશે જોઈ રહી અને કંઇજ બોલ્યાં વગર લોકિટ ફરીથી મુકુલ ની હથેળી માં પાછું મૂકી દીધું. મુકુલ પણ પોતાની મમ્મી ના ફોટા ને નીરખી રહ્યો છે. મુકુલ ની આંખમાં હેત અને ચહેરા પર ચિંતાનો મિશ્ર ભાવ જોઈ મીનાક્ષી મુકુલ ની વ્યથાને કળી ગઈ.


મીનાક્ષી ત્યાંથી કશું જ બોલ્યાં વગર ચાલી ગઈ. મુકુલ ને થોડી નવાઈ લાગી,શું મીનાક્ષી ના મનમાં મારા માટે કોઈ ભય કે શંકા હજુ પણ બાકી છે? મુકુલ વિચાર કરી રહ્યો હતો ત્યાંજ મીનાક્ષી હવા માં જેમ પતંગિયું લ્હેર થી ઉડે તેમ આમ તેમ લહેરાતી આવી.


મીનાક્ષી નું કમર થી નીચેનું સોનેરી શરીર એવું લાગતું જાણે તેણે કોઈ હજારો આગિયા ટાંકી ને બનાવેલું ચમકદાર વસ્ત્ર પહેર્યું છે, જેમાં આગિયા લપક ઝપક કરે છે. મુકુલ જ્યારે પણ મીનાક્ષી ને જોતો એ મંત્રમુગ્ધ થઈ જતો અને એને લાગતું આ હકીકત નથી પણ એનું કોઈ સુંદર સ્વપ્ન છે.


મુકુલ મીનાક્ષી ની સુંદરતા માં મંત્રમુગ્ધ હતો ત્યાંજ મીનાક્ષી જોતજોતામાં મુકુલ ની પાસે પહોંચી ગઈ. અચાનક મુકુલ ની પલક ઝબકી અને એ જાણે કોઈ સંમોહન માંથી બહાર નીકળ્યો હોય તેમ ઝબક્યો. એની નજર મીનાક્ષી ના હાથ ઉપર પડી. મીનાક્ષી ના હાથમાં એક સરસ મજાનું સોનેરી મોટું છીપ હતું.


મુકુલે પહેલાં ક્યારેય આવું સુંદર અને સોનેરી છીપ જોયું ના હતું. એ છીપ ની ચમક થી મુકુલ ની આંખો અંજાય ગઈ, તે વધારે વાર સુધી એ છીપ સામે જોઈ ના શક્યો. એણે પોતાની આંખો આડે હાથ નો પરદો કર્યો. રાજકુમારી મીનાક્ષી આ શું છે? એમાંથી નીકળતું તેજ મારી આંખો ને આંજી રહ્યું છે. મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો છે, મને કશું જ દેખાઈ નથી રહ્યું આને મારી આંખો સામે થી દુર કરો નહિ તો એ મને અંધ કરી દેશે.


ક્રમશઃ...............