Sazish - 7 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | સાજીશ - 7

Featured Books
Categories
Share

સાજીશ - 7

૭. શંકાનું વર્તુળ... !

આ કેસ એક પછી એક રંગ બદલતો હતો અને વળાંક પર વળાંક લેતો હતો, એમાં શંકાને કોઈ સ્થાન નહોતું. માલાએ અપરાધશાસ્ત્રના અભ્યાસના તારણ પરથી જે અનુમાન કર્યું હતું કે – અજિત મરચંટ ચોક્કસ જ કોઈક મોટા માણસોના સંપર્કમાં છે, એ બિલકુલ સાચું પડ્યું હતું. બલ્કે અજિતના, ગણતરી કરતાં પણ વધુ મોટા માણસોની સાથેના સંબંધો બહાર આવતા હતા. ખાસ કરીને સોમચંદ ગુપ્તાના નામે સૌને વધુ ચમકાવી મૂક્યાં હતાં. સોમચંદ વિશાળગઢનો અગ્રગણ્ય નાગરિક હતો. પ્રેસ મિડિયાની સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ ઊંચી લાગવગ ધરાવતો હતો.

ચારેય ‘ધર્મજગત’. અખબારની ઓફિસે પહોંચ્યાં ત્યારે ત્યાં રોજિંદી ધમાલ ચાલુ હતી. સવારનું અખબાર તો પ્રગટ થઈ ચૂક્યું હતું પણ બીજા દિવસની તૈયારીઓ ચાલતી હતી. ટેલિપ્રિન્ટર તથા ઇન્ટરનેટ દ્વારા દેશવિદેશમાં સમાચારો આવતા હતા. ન્યૂઝ એડિટરો સમાચારોનું સંકલન કરતા હતા. અલગ અલગ પેઇજની લેઆઉટ તૈયાર થતી હતી. ટેલિફોન તથા મોબાઈલની ઘંટડીઓ રણકતી હતી.

સોમચંદ એ વખતે પોતાની ચેમ્બરમાં જ હતો. એ પણ અમુલખની માફક આધેડ વયનો જ હતો, પરંતુ એનો દેહ સ્થૂળકાય નહોતો. એ મજબૂત અને તંદુરસ્ત બાંધાનો માનવી હતો અને હંમેશાં સૂટ- બૂટમાં સજ્જ રહેતો હતો. આ ઉપરાંત સોમચંદની એક બીજી પણ વિશેષતા હતી. એનો ચહેરો આબેહૂબ ફિલ્મ અભિનેતા નાના પાટેકરને મળતો આવતો હતો. સડક પર આવતાં-જતાં લોકો ઘણી વાર સોમચંદને ‘નાના પાટેકર’ સમજીને તેની પાસે ઓટોગ્રાફ માગી બેસતાં હતાં.

ચારેય ચેમ્બરમાં જઈને સોમચંદને મળ્યાં અને તેમને પોતાના આગમનનું કારણ જણાવ્યું. કારણ જાણીને સોમચંદે કોઈ પ્રતિક્રિયા વ્યક્ત ન કરી. ન તો એ ચમક્યો કે ન તો એણે કોઈ જાતનું આશ્ચર્ય વ્યક્ત કર્યું.. ! એણે દિલીપ વિગેરેને બેસાડીને ખૂબ જ શાંતિથી તેમની વાત સાંભળી.

‘મિસ્ટર દિલીપ... !' છેવટે એ ગંભીર અવાજે બોલ્યો, ‘હું અજિત મરચંટને ઓળખતો હતો એ સાચું છે. મેં જ અમુલખ સાથે એની મુલાકાત કરાવી હતી, એ વાત પણ સાચી છે. પરંતુ તમે મારી તથા અજિતની વચ્ચે જે જાતના સંબંધોની ધારણા બાંધીને બેઠા છો એવા કોઈ સંબંધો અમારી વચ્ચે નહોતા.'

‘તો પછી કેવા સંબંધો હતા...?' દિલીપે પોતાની વેધક આંખો સોમચંદની આંખોમાં પરોવતાં પૂછ્યું.

'અમારી ઓળખાણ સાવ મામૂલી હતી... !' સોમચંદ બોલ્યો, મને બરાબર યાદ છે. અજિત એક વખત મારે ત્યાં નોકરી મેળવવા માટે આવ્યો હતો. એ જાકુબીના ધંધા છોડીને સન્માર્ગે વળવા માગતો હતો. એક શરીફ માણસની જેમ જિંદગી જીવવા માગતો હતો. પહેલી મુલાકાતમાં જ અજિતની એક વાત મને ખૂબ જ ગમી હતી.'

'કઈ વાત... ?’

‘એણે પોતાના વિશે કશુંય ન છુપાવતાં બધું સ્પષ્ટ રીતે મને જણાવી દીધું હતું. એણે ધાર્યું હોત તો તે મારાથી બધું જ છુપાવી શકે તેમ હતો. હું તો કંઈ એના વિશે જાણતો નહોતો. એના નામની પણ મને ખબર નહોતી. પણ ના... એણે મારી સમક્ષ પોતાનો ભૂતકાળ જરાય સંકોચ રાખ્યા વગર ઉજાગર કરી નાખ્યો હતો. વાસ્તવમાં એ મારા અખબારનો તથા મારો ખૂબ જ ચાહક હતો. એના કહેવા મુજબ મારા આર્ટિકલ વાંચી વાંચીને જ એને સુધરવાની પ્રેરણા મળી હતી.’

'પછી... ? શું તમે તેને નોકરીએ રાખી લીધો... ?'

‘ના.'

'કેમ ' દિલીપે ચમકીને પૂછ્યું. બસ, કોણ જાણે કેમ એ માણસ પર મને ભરોસો જ ન બેઠો. જો કે તે મને એક સાચો માણસ લાગતો હતો, પરંતુ તેમ છતાંય એક અપરાધીને અખબારની ઑફિસમાં સ્થાન આપવાનું વ્યાજબી નહોતું. ભવિષ્યમાં ગમે ત્યારે તે કોઈક બખેડો ઊભો કરી શકે તેમ હતો. એટલું જ નહીં, અખબારી આલમમાં અમારા જે હરીફો હતા તેમને પણ અમારી સામે ઓગળી ચીંધવાની તક મળી જાય તેમ હતું અને આવું કંઈ થાય એમ હું નહોતો ઇચ્છતો. મારા અખબારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કોઈ પગલું ભરવાનું મને પોષાય તેમ નહોતું.

'તો તમે અજિતને નોકરી આપવાની ઘસીને ના પાડી દીધી, એમ ને...?' માલાએ ગંભીર અવાજે પૂછ્યું.

'ના... ઘસીને ના પાડવાનો તો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો... !' સોમચંદના અવાજમાંથી ગજબનાક વાક્પટુતા નીતરતી હતી, ‘ગમે તેમ તોય અજિત આટલી ઈમાનદારીથી આવીને મને મળ્યો હતો. ઉપરાંત એ મારો તથા મારા અખબારનો જબરો ચાહક હતો... પ્રશંસક હતો.... ! અને પ્રશંસકો સાથે ક્યારેય અપમાનજક વર્તન ન જ કરાય એટલે એને ના પાડવા માટે મેં એક વચલો માર્ગ કાઢ્યો. મેં તેને હાલતુરત કોઈ જગ્યા ખાલી નથી તથા જગ્યા થશે કે તરત જ તેને બોવવામાં આવશે એમ કહીને તેનું સરનામું આપી જવાનું કહ્યું. એણે ખુશી ખુશીથી પોતાનું સરનામું મને લખાવી દીધું. અજિતના ગયા પછી આ વાત મારે માટે જૂની થઈ ગઈ. હું અજિતને સાવ ભૂલી જ ગયો. પછી એક દિવસ મારા મિત્ર અમુલખે આવીને મને પોતાની યુનિયન લીડરવાળી મુશ્કેલી જણાવી કે તરત જ મને અજિત યાદ આવ્યો. આવી પરિસ્થિતિમાં અજિત અમુલખને મદદરૂપ થઈ શકે તેમ છે એવું મને લાગ્યું એટલે મેં એને અજિત પાસે મોકલી આપ્યો.

‘અર્થાત્ જે માણસ જાકુબીના ધંધા છોડીને શરીફ બનવા માગતો હતો... જેની ઇછા ખરેખર ગુનાના માર્ગેથી પાછા ફરીને સન્માર્ગે વળવાની હતી, અને તમે એ જ ગુંડાગીરીનું કામ પકડાવી દીધું, એમ ને ?' દિલીપના અવાજમાંથી ભારોભાર કટાક્ષ નીતરતો હતો, ‘વાહ સોમચંદસાહેબ વાહ... ! શરીફાઈ અને સમાજસેવાની મોટી મોટી ડંફાસ મારતા તમારા અખબારની ઑફિસમાંથી અજિતને ખરેખર બહુ સારો માર્ગ મળ્યો... ! આ વાતથી ચોક્કસ જ એને કોઇક ને કોઈક સારો પદાર્થપાઠ ભણવા મળ્યો હશે!'

‘તમારો કટાક્ષ હું સમજું છું, મિસ્ટર દિલીપ !' સોમચંદે ખુરશીની બેંક સાથે પીઠ ટેકવી, ઊંડો શ્વાસ ખેંચીને એકદમ શાંત અવાજે કહ્યું,, ‘તમે તમારી જગ્યાએ બિલકુલ સાચા છો..। શરીફાઇ તથા સમાજસેવાની મોટી મોટી વાતોનો પ્રચાર કરવાની એક અખબારના તંત્રીની ફરજનો જ એક ભાગ છે. પરંતુ નારાબાજી કરવી કે શિખામણ આપવી અલગ વાત છે અને પોતે તેનો અમલ કરવો એ પણ અલગ વાત છે... ! એ વખતે મેં લીધેલો નિર્ણય ખોટો હતો તે હું સ્વીકારું છું, પરંતુ અમુલખની પણ પોતાની લાચારી હતી અને એ લાગતી વ્યાજબી હતી... ! એને કોઈ પણ રીતે પોતાની મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવો હતો. ઉપરાંત અજિતને પણ કામની જરૂર હતી. અજિત અવારનવાર જે ગુંડાગીરી કરતો હતો એની સરખામણીમાં અમુલખનું કામ - સત્તર દરજ્જે સારું હતું. અમુલખે અજિતને યુનિયન લીડરની નાગચૂડમાંથી છોડાવવા માટે સારા એવા પૈસા પણ આપ્યા હતા.' તો અજિતે અમુલખ માટે જે કંઈ કર્યું તે ખોટું નહોતું એમ તમે કહેવા માગો છો ?'

‘મારી દૃષ્ટિએ એ ખોટું નહોતું. જો મુશ્કેલીમાં મુકાયેલા માણસને મદદ કરવી ખોટું ગણાતું હોય તો અજિતના કામને જરૂર ખોટું કહી શકાય...! હવે એ વાત અલગ છે કે એની મદદ કરવાની રીત જરા જુદી હતી... !'

દિલીપ એકીટશે સોમચંદના ચહેરા સામે તાકી રહ્યો.

રજની, માલા અને ધીરજ પણ ચૂપ હતાં.

'ખેર, તમે અજિતને કુલ કેટલી વખત મળ્યા હતા... ?' કશુંક વિચારીને દિલીપે પૂછ્યું.

'એક વખત... !'

'માત્ર એક જ વખત... ?’ દિલીપે ભારપૂર્વક પૂછ્યું.

'હા... અજિત જ્યારે નોકરી મેળવવા માટે મારે ત્યાં આવ્યો ત્યારે જ હું એને પહેલી અને છેલ્લી વખત મળ્યો હતો... !' ‘તમે બીજી વખત અમુલખ સાથે એને નહોતા મળ્યા...?’ 'ના...’ સોમચંદે મક્કમતાથી નકારમાં માથું હલાવતાં કહ્યું, ત્યારે તો મેં અમુલખને માત્ર એનું સરનામું ને ફોનનંબર જ આપ્યાં હતાં. અમુલખે પોતે જ એને ફોન કરીને પોતાને ત્યાં બોલાવ્યો હતો. ચેમ્બરમાં થોડી પળો માટે ઘેરી ચુપકીદી પ્રસરી ગઈ. દિલીપે ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢી, સોમચંદની રજા લઈને તેમાંથી એક સિગારેટ પેટાવી. એ ખૂબ જ વ્યાકુળતા અનુભવતો હતો. દરેક નવી કડી તેમની વચ્ચે આશાનું કિરણ બતાવતી હતી, પરંતુ તેઓ કડી પાસે પહોંચતાં જ તેમને ખબર પડતી કે મંઝિલ તો બહુ દૂર છે.

‘વાર, એક વાતનો જવાબ આપો, મિસ્ટર સોમચંદ... !' દિલીપ વિચારવશ અવાજે બોલ્યો, ‘અજિતનું ખૂન ૧૫મી તારીખે સાંજે લગભગ સાડા સાત વાગ્યે થયું હતું. વિલાસરાય હૉસ્પિટલમાં જે સમયે અજિતનું ખૂન થયું એ સમયે તમે ક્યાં હતા... ?'

એ દિવસે હું મીનાક્ષી ટૉકીઝમાં સાંજના છથી નવ વાગ્યાનો ઇવનિંગ શો જોતો હતો.' સોમચંદ તરત જ બોલી ઊઠ્યો.

એનો જવાબ સાંભળીને દિલીપની સાથે સાથે બાકીનાં ત્રણેય પણ ચમકી ગયાં.

ચારેયે પરસ્પર એકબીજાની સામે જોયું.

'શું વાત છે, મિસ્ટર સોમચંદ...?' માલાએ એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું, ‘તમે તો જાણે આ સવાલ તમને પુછાશે જ એટલી જલ્દી જવાબ આપી દીધો... !'

એનું કથન સાંભળીને સોમચંદ હેબતાયો.

પળભર માટે એના ચહેરાનો રંગ ઊડી ગયો.

' ના... ના... એવી કોઈ વાત નથી... !' એ ઉતાવળા અવાજે બોલ્યો.

‘તમે જાણે અગાઉથી જ આ સવાલનો જવાબ આપવાની તૈયારી કરી રાખી હોય એવું જ મને તો લાગ્યું હતું.’

મેં આ સવાલનો જવાબ ઉતાવળથી આપી દીધો એ વાત સાચી છે, પરંતુ એની પાછળ પણ એક કારણ હતું.' સોમચંદે પોતાની હેબત પર કાબૂ મેળવીને સ્વસ્થ અવાજે કહ્યું.

'પણ...?'

‘વાત એમ છે કે ૧૫મી તારીખે મારા લગ્નની ૨૫મી વર્ષગાંઠ હતી... !'

‘તો આ બનાવ સાથે તમારી વર્ષગાંઠને વળી શું સંબંધ છે ?' ‘સંબંધ છે... !' સોમચંદ ગંભીર અવાજે બોલ્યો, ‘બહુ ગાઢ સંબંધ છે... ! વાત એમ છે કે મેં તથા મારી પત્નીએ લગ્ન પછી પહેલી ફિલ્મ મીનાક્ષી ટોકીઝમાં જ જોઈ હતી એટલે લગ્નની પચીસમી વર્ષગાંઠે પણ અમે મીનાક્ષી ટોકીઝમાં જ ફિલ્મ જોવાનો પ્રોગામ બનાવ્યો. બસ, આ રીતે અમે બંને મીનાક્ષી ટૉકીઝમાં ફિલ્મ જોવા પહોંચી ગયાં. અત્યારે ત્યાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય વિગેરેને ચમકાવતી ફિલ્મ ‘ખાકી’ ચાલે છે. આ ફિલ્મ જોવાની મને ખૂબ જ ઇચ્છા હતી. બસ, આ કારણસર જ મેં ૧૫મી તારીખ વિશે જરા જલ્દીથી જવાબ આપી દીધો.'

'અર્થાત્ ૧૫મી તારીખે જે સમયે અજિત મરચંટનું ખૂન થયું, એ સમયે તમે તમારી પત્ની સાથે મીનાક્ષી ટૉકીઝમાં ‘ખાકી’ ફિલ્મ જોતા હતા, ખરું ને... ?' દિલીપે પૂછ્યું.

‘જી, હા….'

'એ વખતે તમે મીનાક્ષી ટૉકીઝમાં હતા એ વાતનો કોઈ પુરાવો છે તમારી પાસે... ?'

'હા, છે…… ! મારી પાસે મજબૂત પુરાવો છે. મીનાક્ષી ટૉકીઝનો મૅનેજર મારો મિત્ર છે. મેં એને જ કહીને ઇવનિંગ શો માટે મારી બે ટિકિટોનું બુકિંગ કરાવ્યું હતું, બલ્કે એ ટિકિટો અત્યારે પણ કદાચ મારા ખિસ્સામાં પડી હશે !'

આટલું કહીને સોમચંદે ટિકિટો શોધવા માટે પોતાનાં ગજવાં ફંફોળવાનું શરૂ કર્યું.

દિલીપ વિગેરે પુનઃ એકબીજાની સામે જોવા લાગ્યાં.

કેસમાં રહસ્યની એક નવી કડી જોડાવાની તૈયારી થતી હતી. એક એવી કડી કે જેના વિશે હજુ કદાચ સોમચંદ પોતે પણ અજાણ હતો.

એણે સૌથી પહેલાં પેન્ટ તથા કોટનાં ગજવાં તપાસ્યાં. પર્સ ચેક કર્યું. છેવટે તેને કોટના અંદરના ગજવામાંથી ટિકિટો મળી આવી.

‘આજુઓ... !' એ સ્હેજ ઉત્સાહભેર બોલ્યો, ‘આ રહી મીનાક્ષી ટોકીઝની ટિકિટો... ! ધ્યાનથી જોઈ લો... આ ૧૫મી તારીખની ઇવનિંગ શોની ટિકિટો છે... !'

જાણે કોઈક નાના બાળકની ભોળીભટાક વાત સાંભળી હોય એવું સ્મિત દિલીપના હોઠ પર ફરકી ગયું. માલાના હોઠ પર બિલકુલ એવું જ સ્મિત ફરક્યું હતું. જ્યારે તેમને સ્મિત ફરકાવતાં જોઈને સોમચંદ સ્હેજ ઝંખવાણો પડી ગયો હતો. બંને ટિકિટો હજુ પણ એના હાથમાં જ હતી. ‘શું વાત છે... ?’ એણે સ્ટેજ ડઘાયેલા અવાજે પૂછ્યું, ‘તમે આ રીતે હસો છો શા માટે... ?'

'ઇન્ટેસ્ટિંગ મિસ્ટર સોમચંદ .. ! વેરી ઇન્ટેસ્ટિંગ... ' દિલીપ એના હાથમાંથી ટિકિટો લેતાં બોલ્યો, ‘કહેવું પડશે. આ ટિકિટ તો ખરેખર ૧૫મી તારીખની જ છે... ! પરંતુ એક વાત મને નથી સમજાતી... !'

સાધારણ રીતે ફિલ્મ જોયા પછી સૌ કોઈ ટિકિટો ફેંકી દે છે, પરંતુ તમારા જેવા મોટા માણસે હજુ સુધી શા માટે આ ટિકિટો સાચવી રાખી છે એ મને નથી સમજાતું !'

‘એટલે... ? તમે કહેવા શું માગો છો, મિસ્ટર દિલીપ...?

‘હું શું કહેવા માગું છું એ તમે બરાબર સમજો છો, (મિસ્ટર, સોમચંદ... !' દિલીપ એક એક શબ્દ પર ભાર મુકતાં વેધક અવાજે બોલ્યો, ‘ખેર, અત્યારે તો હું જઉં છું. પરંતુ ટૂંક સમયમાં જ ફરીથી આપણી મુલાકાત થશે... !'

ત્યાર બાદ સોમચંદ સાથે હાથ મિલાવીને તે ઊભો થયો. રજની, માલા અને ધીરજે પણ એનું અનુકરણ કર્યું. સોમચંદ હજી પણ જાણે કશુંય ન સમજયો હોય એમ સ્તબ્ધ હાલતમાં પોતાની ખુરશી પર બેઠો હતો. ત્યાર બાદ દિલીપ વિગેરે મીનાક્ષી ટોકીઝે જઈને તેના મેનેજરને મળ્યાં. ટૉકીઝનો મૅનેજર આશરે પચાસેક વર્ષની વયનો એક મારવાડી હતો. ચારેય ચેમ્બરમાં મારવાડી મેનેજરને ઘેરીને ઊભાં રહી ગયાં અને તેને પોતાનો પરિચય આપ્યા બાદ આગમનનું કારણ જણાવ્યું, પરિચય જાણીને મારવાડીના છક્કા છૂટી ગયા.

'સાહેબ... !' એણે થોથવાતા અવાજે કહ્યું, ૧૫મી તારીખે સોમચંદ માટે મેં જ ટિકિટ બુક કરી હતી તે વાત સાચી છે અને એ ફિલ્મ જોવા માટે આવ્યો પણ હતો. !'

'પોતાની પત્ની સાથે જ આવ્યો હતો... ?

'હા.. મેં એને માટે બે ટિકિટ બુક કરી હતી... !'

'વારુ, હવે એક વાતનો જવાબ આપો... ! અહીં આવ્યા પછી સોમચંદ પૂરા ત્રણ કલાક સુધી ટૉકીઝમાં બેસી રહ્યો હતો...? શું એણે શરૂથી અંત સુધી ફિલ્મ જોઈ હતી..?' દિલીપનો સવાલ સાંભળીને મારવાડીના ચહેરા પર ખમચાટ મિશ્રિત વ્યાકુળતાના હાવભાવ ઊપસી આવ્યા.

'જુઓ, મિસ્ટર દિલીપ... !' એણે કહ્યું, ‘મારે શા માટે ખોટું બોલવું જોઈએ...? સોમચંદે શરૂથી અંત સુધી ફિલ્મ જોઈ હતી કે નહીં એ બાબતમાં હું ખાતરીપૂર્વક કશુંય કહી શકું તેમ નથી. શો દરમિયાન હું કંઈ એની સાથે નહોતો બેઠો. મેં તો માત્ર એને ટિકિટો જ મોકલી હતી. પછી એ જ્યારે અહીં આવ્યો ત્યારે હું તેનું સ્વાગત કરીને તેને બાલ્કની સુધી લઈ ગયો હતો. ત્યાર બાદ હું મારા કામમાં મશગૂલ બની ગયો હતો. આ સંજોગોમાં તે પૂરા ત્રણ કલાક સુધી ટોકીઝમાં બેસી રહ્યો હતો એવું તો મારાથી કેમ કહેવાય...?'

મૅનેજર સાચું કહે છે એ વાત દિલીપ સમજી ગયો. હકીકતનો તાગ મેળવવા માટે દિલીપે પોતાના દિમાગને કામે લગાડ્યું.

રજની, માલા અને ધીરજ પણ વિચારમાં પડી ગયાં હતાં. ‘મૅનેજરસાહેબ... !’ છેવટે ધીરજ બોલ્યો, ‘મિસ્ટર સોમચંદ પહેલેથી છેલ્લે સુધી ટૉકીઝમાં હાજર હતા એ વાત જણાવી શકે એવો કોઈ માણસ છે તમારા ધ્યાનમાં... ?'

મૅનેજર વિચારમાં ડૂબી ગયો.

'હા...’ છેવટે તે ચપટી વગાડતાં ઉત્સાહભેર બોલી ઊઠ્યો, ‘એક માણસ આ બાબતમાં જરૂર તમને મદદરૂપ થઈ શકે તેમ છે... !'

'કોણ...?'

થિયેટરની અંદર ટૉર્ચ લઈને ટિકિટ તપાસનાર... ! સાહેબ, મેં એને સોમચંદનું ખાસ ધ્યાન રાખવાનું જણાવ્યું હતું. તે આ બાબતમાં કંઈક જણાવે એ બનવાજોગ છે... ! હું હમણાં જ એને બોલાવું છું. એનું નામ રમજાન છે. ત્યાર બાદ એણે ચપરાસી મારફત ટિકિટ તપાસનાર રમજાન નામના યુવાનને પોતાની ચેમ્બરમાં બોલાવીને દિલીપનો પરિચય આપ્યા બાદ તે જે કંઈ પૂછે એના જવાબ આપવાનું જણાવી દીધું, 'પૂછો, સાહેબ...!' કહીને રમજાન પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોવા લાગ્યો.

‘રમજાન... !' દિલીપે કહ્યું, તને યાદ હોય તો પંદરમી તારીખે ઇનિંગ શોમાં મૅનેજરસાહેબના સોમચંદ નામના એક મિત્ર પોતાની પત્ની સાથે ફિલ્મ જોવા માટે આવ્યા હતા. તેમનો દેખાવ આબેહૂબ ફિલ્મ અભિનેતા નાના પાટેકર જેવો છે.’

'અરે... એ સાહેબને તો કોણ ભૂલી શકે... ?' રમજાન બોલ્યો, તેમનો નાના પાટેકર જેવો ચહેરો સૌ કોઈને યાદ રહી જાય એવો છે. બોલો સાહેબ...! એમના વિશે શું જાણવું છે તમારે ?'

‘રમજાન... ! મિસ્ટર સોમચંદ પોતાની પત્ની સાથે ફિલ્મ જોવા માટે આવ્યા ત્યારે તેમણે ફિલ્મ પૂરેપૂરી જોઈ હતી કે પછી તેઓ ફિલ્મ પડતી મૂકીને વચ્ચે ક્યાંય બહાર પણ ગયા હતા...?'

દિલપીનો સવાલ સાંભળીને રમજાનના ચહેરા પર મૂંઝવણના હાવભાવ ઊપસી આવ્યા, આપનો સવાલ તો ખૂબ અઘરો છે, સાહેબ... !' એણે મૂંઝવણભર્યા અવાજે કહ્યું, 'કેમ ?'

સાહેબ, તેઓ પહેલેથી છેલ્લે સુધી થિયેટરમાં હતા કે નહીં એ તો હું કેવી રીતે કહી શકું? મારી ડ્યૂટી પ્રેક્ષકોની ટિકિટ ચેક કરવાની છે. અડધા થિયેટરની ટિકિટો મારે જ તપાસવી પડે છે. આ સંજોગોમાં ફિલ્મ જોવા આવેલ માણસ ક્યાં જાય છે ને શું કરે છે એની મને ક્યાંથી ખબર હોય? હું સતત ત્રણ કલાક સુધી તો કોઈના ૫૨ ધ્યાન ન જ આપી શકું !'

'બરાબર છે, પણ એક વાત તું ભૂલી જતો લાગે છે, રમજાન..!' દિલીપ બોલ્યો, ‘તારા મૅનેજરસાહેબે તને મિસ્ટર સોમચંદનું ખાસ ધ્યાન રાખવાની સૂચના આપી હતી... તેમને કોઈ મુશ્કેલી ન પડે એ વાતનો ખ્યાલ રાખવાની ખાસ તાકીદ કરી હતી.'

‘એ વાત સાચી છે... ! મૅનેજેરસાહેબે મને આ જાતની ભલામણ કરી હતી પણ...'

‘પણ શું... ?’ એને અટકી ગયેલો જોઈને દિલીપે પૂછ્યું. ‘પણ ફિલ્મ જોતી વખતે હું તેમને ડિસ્ટર્બ ન કરું, એવું મને સોમચંદસાહેબે જણાવ્યું હતું. એટલે પછી હું બીજી વાર તેમની પાસે નહોતો ગયો. ‘ઓહ, તો એમણે પોતે જ તને શો દરમિયાન પોતાની પાસે આવવાની ના પાડી હતી, એમ ને?'

‘હા, સાહેબ... !'

દિલીપના મગજમાં હવે શંકાનો કીડો સળવળી ઊઠ્યો.

સોમચંદ ગુપ્તાની વિરુદ્ધ શંકાનો ઘેરો વધુ મજબૂત બન્યો. દિલીપ ખુરશી પરથી ઊભો થઈને વિચારવશ હાલતમાં આંટા મારવા લાગ્યો.

ડગલે ને પગલે અંતરાયો આવતા હતા. પરંતુ દિલીપ એમ સહેલાઈથી હિંમત હારે તેમ નહોતો.

‘રમજાન... !’ એણે રમજાન પાસે પહોંચીને પૂછ્યું, ‘સોમચંદ શરૂથી અંત સુધી થિયેટરમાં હતો કે નહીં, એ વાત પૂરી ખાતરીથી જણાવી શકે એવો કોઈ માણસ છે તારા ધ્યાનમાં...?'

રમજાન વિચારમાં પડી ગયો. તે કશુંક યાદ કરતો હોય એવા હાવભાવ એના ચહેરા પર ઊપસી આવ્યા.

‘હા, સાહેબ... !' થોડી પળો બાદ એ બોલ્યો, ‘એવો એક માણસ મને યાદ આવે છે.

‘કોણ છે એ...?’

'એનું નામ બજરંગી છે અને તે ટૅક્સી ચલાવે છે.. ! એને

‘ખાકી’ ફિલ્મ ખૂબ જ ગમે છે. આ ટૉકીઝમાં ‘ખાકી’ લાગ્યું છે ત્યારથી દરરોજ એ ઇવનિંગ શોમાં ફિલ્મ જોવા આવે છે અને ફિલ્મ પણ બાલ્કનીમાં જ બેસીને જુએ છે. મને બરાબર યાદ છે. બજરંગી ૧૫મી તારીખે પણ આવ્યો હતો અને સોમચંદસાહેબની બાજુમાં જ બેઠો હતો. સોમચંદસાહેબ શરૂથી અંત સુધી પોતાની સીટ પર હતો કે નહીં એ બાબતમાં બજરંગી ચોક્કસ જણાવી શકાશે, એમ હું માનું છું.’ દિલીપની આંખોમાં આશાભરી ચમક પથરાઈ ગઈ.

એક નવી કડી એના હાથમાં આવી હતી. ‘આ બજરંગી અત્યારે ક્યાં મળશે...?' એણે પૂછ્યું.

'એ તો મને ખબર નથી, સાહેબ... ! પણ એટલું તો હું જરૂર કહીશ કે સાંજે ઇનિંગ શો માં એ ફિલ્મ જોવા ચોક્કસ અહીં આવશે !' ઓહ...’ દિલીપે એક ઊંડો શ્વાસ ખેંચ્યો, તો બજરંગીને મળવા માટે અમારે સાંજ સુધી રાહ જોવી પડશે, એમ ને... ?'

દિલીપે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોયો. હજુ તો બપોરના માંડ સવા બાર વાગ્યા હતા.

પોતે સાંજે બજરંગીને મળવા આવશે, એવું મૅનેજરને જણાવીને તેમણે વિદાય લીધી. સાંજે બરાબર છ વાગ્યે ફરીથી એક વાર ચારેય મીનાક્ષી ટોકીઝે પહોંચી ગયાં. સવા છ વાગ્યે રાબેતા મુજબ બજરંગી આવી પહોંચ્યો. મેનેજરે તરત જ રમજાન મારફત તેને પોતાની ઑફિસમાં બોલાવી લીધો.

દિલીપ વિગેરે અગાઉથી જ ત્યાં મોજૂદ હતાં. ઔપચારિક ઓળખાણવિધિ પતાવ્યા બાદ દિલીપ મુદ્દાની વાત પર આવતાં બોલ્યો, 'બજરંગી, તું બરાબર યાદ કરી જો... ! પંદરમી તારીખે પચાસ-પંચાવન વર્ષની વયનો એક માણસ પોતાની પત્ની સાથે બરાબર તારી બાજુની જ સીટ પર બેઠો હતો. એની સૌથી મોટી ઓળખ છે કે તેનો ચહેરો આબેહૂબ ફિલ્મ અભિનેતા નાના પાટેકર જેવો છે... !'

'ઓહ... તો આપ એ નાના પાટેકરની વાત કરો છો, એમ ને..?'

‘હા..’

‘એ માણસને તો હું કેવી રીતે ભૂલું, સાહેબ... ? એક નંબરનો પાજી અને નાલાયક હતો...!' બજરંગીએ મોં મચકોડતાં કહ્યું, ‘સાહેબ, એને જોઈને સૌથી પહેલાં તો મને એમ જ લાગ્યું કે આજે નાના પાટેકર ફિલ્મ જોવા આવ્યા છે...! હું તો એકદમ ખુશ ખુશ થઈ ગયો. ઘડીભર તો એના પગ પકડી લેવાનું પણ મને મન થયું કારણ કે હું નાના પાટેકરનો જબરદસ્ત ચાહક છું...! તેમનો અભિનય ખૂબ જ ગમે છે...! એમની ‘પ્રતિઘાત’ ફિલ્મ મેં સાડા છસો વખત જોઈ હતી...! એ ફિલ્મનો એક એક ડાયલોગ મને યાદ છે, અને ૧૫મી તારીખે જ્યારે મેં એને મારી બાજુમાં બેઠેલા જોયા ત્યારે તો મારા આનંદ અને અચરજનો પાર ન રહ્યો. પણ પછી જ્યારે મને ખબર પડી કે તે નાના પાટેકર નહીં પણ આબેહૂબ એના જેવો જ ચહેરો ધરાવતો કોઈક બીજો માણસ છે, ત્યારે મારા આનંદનું સુરસુરિયું થઈ ગયું...!'

‘તે નાના પાટેકર નહીં પણ કોઈક બીજો માણસ છે, એની તને કેવી રીતે ખબર પડી... ?'

‘તે જે રીતે પોતાની પત્ની સાથે વાત કરતો હતો એના પરથી જ ખબર પડી. આ ઉપરાંત તેની પત્ની પણ એને સોમચંદ-સોમચંદ કહીને બોલાવતી હતી.... !'

‘એનું આખું નામ સોમચંદ ગુપ્તા છે... !' દિલીપ બોલ્યો, ‘ખેર, સોમચંદ પૂરા ત્રણ કલાક સુધી પોતાની સીટ પર બેઠો હતો...?

‘ત્રણ કલાક... ? ના રે ના... ! બજરંગીએ નકારમાં માથું ધુણાવતાં કહ્યું, ‘એ તો અડધો કલાક પણ નહોતો રોકાયો. ફિલ્મ શરૂ થયા બાદ વીસ-પચીસ મિનિટ પછી અચાનક એના મોબાઈલની ઘંટડી વાગી હતી. એણે કોઈકની સાથે ધીમા અવાજે એકાદ મિનિટ સુધી વાત કરી હતી. ત્યાર બાદ ‘હું અડધો કલાકમાં આવું છું’ એમ પોતાની પત્નીને જણાવીને તે ચાલ્યો ગયો હતો.

અચાનક માલા ખુરશી પરથી ઊભી થઈને બજરંગી પાસે પહોંચી. ‘તો મોબાઈલ આવતાં જ સોમચંદ પોતાની પત્નીને એકલી મૂકીને ત્યાંથી બહાર નીકળી ગયો હતો એમ તું કહેવા માગે છે...?' એણે બજરંગી સામે જોતાં પૂછ્યું.

‘હા...' ‘સોમચંદ પોતાની પત્નીને એકલી મૂકીને ક્યાં ગયો હતો એની તને કંઈ ખબર છે?' દિલીપે પૂછ્યું.

‘ના, સાહેબ... ! પતિ-પત્નીના મામલામાં પંચાત કરવાની મારે જરૂર પણ શું હતી....? પણ આ સોમચંદ તો નાના પાટેકરના નામ પર પણ કીચડ ઉછાળે એવો હતો... ! ભગવાને કોણ જાણે કેમ એના જેવા નાલાયક માણસનો એરો નાના પાટેકર જેવા ગ્રેટ અભિનેતા જેવો બનાવી નાખ્યો...!'

‘પ્રેમ... ? સોમચંદમાં તને એવું તે શું દેખાયું કે જેને કારણે તું એને નાલાયક કહે છે... ?'

'અરે, શું નહોતું દેખાયું એ પૂછો સાહેબ... ! એ પોતાની પત્નીને પોતે અડધો કલાકમાં આવે છે એમ કહીને ગયો હતો, પણ આવ્યો હતો સવા-દોઢ કલાક પછી... ! એની પત્ની બિચારી ચિંતામાં ને ચિંતામાં અધમૂઈ બની ગઈ હતી... ! એ બિચારીનો ફિલ્મ જોવાના મૂડનો તો સાવ કચરો જ થઈ ગયો હતો... !' દિલીપે વારાફરતી માલા, રજની અને ધીરજ સામે જોયું. એ ત્રણેયના ચહેરા પર પણ મૂંઝવણના હાવભાવ છવાયેલા હતા.

'સવા કલાક એણે સાથે વિતાવ્યો ?'

'એની મને શું ખબર પડે સાહેબ... ! પાછા આવ્યા પછી એણે પોતાની પત્ની પાસે પણ આ બાબતમાં કોઈ ચોખવટ નહોતી કરી.’

દિલીપ વિચારમાં ડૂબી ગયો. સોમચંદ પરની શંકા પ્રત્યેક પળે મજબૂત બનતી જતી હતી. ક્યાંક કોઈક ગરબડ હતી... ! આંટીઘૂંટી હતી. – અને હવે આ ગરબડ તથા આંટીઘૂંટીનો જ પત્તો લગાવવાનો હતો. ત્યાર બાદ બજરંગીનો આભાર માનીને તેઓ ત્યાંથી વિદાય થઈ ગયું.

આ બેહદ અટપટા અને આંટીઘૂંટી ભરેલા કેસ વિશે સી.આઈ.ડી.ના હેડક્વાર્ટરમાં મિટિંગ યોજાઈ જેમાં નાગપાલ પણ હાજર હતો.

'કોણ જાણે કેમ હવે મને એવું લાગે છે કે આપણે હવે અજિત મરચંટના અસલી ખૂની સુધી પહોંચી ગયા છીએ…… !' માલા બોલી, આ બાબતમાં તમે શું માનો છો, મિસ્ટર દિલીપ...?' વાત પૂરી કરીને એણે અભિપ્રાય માગતી નજરે દિલીપ સામે જોયું.

'કદાચ તું સાચું કહે છે.. !' દિલીપે ધીમેથી માથું હલાવ્યું. 'તો વાસ્તવમાં ‘ધર્મજગત' અખબારના માલિક સોમચંદ ગુપ્તાએ જ અજિત મરચંટનું ખૂન કર્યું હતું એમ તમે કહેવા માગો છો... ?’ નાગપાલે પાઇપમાંથી કસ ખેંચતાં પૂછ્યું. પણ મુદ્દાની વાત એ છે કે સોમચંદ જેવા મોટા માણસ અજિત મરચંટનું ખૂન કરવાની શું જરૂર પડી?

‘નાગપાલ સાહેબ... ’ માળાનો અવાજ એકદમ બૉર્ડ ઓ શાંત હતો, ‘અપરાધશાસ્ત્રના સિદ્ધાંતને નજર સામે શીને કહ્યું જ્યારે કોઈ મોટો માણસ કોઈ સાધારણ અપરાધીનું ખૂન કે તેનો એક જ અર્થ નીકળે છે કે અપરાધી આ મોટા માણસની કોઇ પોલ જાણતો હતો. આ પોલ જો છતી થાય તો કથિત મોટા માણસની આબરૂ પર પાણી ફરી વળે તેમ હતું. આખા સમાજમાં એની પ્રતિષ્ઠાને કાળો ડાઘ લાગી શકે તેમ હતો... !'

'બરાબર છે... પરંતુ અજિત મરચંટ સોમચંદની એવી તે કઈ પોલ જાણતો હતો કે જેની કિંમત તેને પોતાના પ્રાણથી ચૂકેલી પડી...?’

'એનો જ તો આપણે હવે પત્તો લગાવવાનો છે. ‘અંકલ... !' દિલીપ બોલ્યો, ક્યાંક ને ક્યાંક ચોક્કસ કઇંક ગરબડ છે એમાં તો શંકાને કોઈ સ્થાન નથી. અજિત મર્ચંટનું ખૂન થયું એ જ સમયે સોમચંદ મીનાક્ષી ટોકીઝમાં ફિલ્મ જોવા ગયો હતો. બરાબર સાડા છ વાગ્યે તે ટોકીઝમાંથી ગુમ થઈ ગયો અને સાથે વાગ્યે અજિત મરચંટનું ખૂન થયું. ટેક્સીચાલકે બજરંગીના કહેવા પ્રમાણે સોમચંદ લગભગ સવા કલાક પછી ટોકીઝમાં પાછા ફર્યા હતો. આ સવા કલાકનો સમય સોમચંદે ક્યાં વિતાવ્યો એની હાલ તુરત કોઈને કંઈ ખબર નથી. આ રીતે ફિલ્મ જોયા પછી કોઇ મામૂલી માણસ પણ આટલા લાંબા સમય સુધી ટિકિટ નથી સાચવી રાખતો...! આ બધી વાતો સોમચંદના જ ખૂની હોવા તરફ સંકેત કરે છે...!' નાગપાલ પાઇપના કસ ખેંચતો કોઇક ઊંડા વિચારમાં ડુબી ગયો.

દિલીપના તર્કમાં વજન છે એવું એને પણ લાગતું હતું,

'પણ એક વાત હું ભૂલી જાય છે, દિલીપ ! છેવટે એણે કહ્યું, ‘સોમચંદ કોઈ રેંજીપેંજી માણસ નહીં, પણ પબ્લિકેશન લાઇનની એક મોટી હસ્તી છે...! રાજકીય સ્તરે પણ તે ઊંચી વગ ધરાવે છે. અજિત મરચંટના કેસમાં સંડોવી શકાય એવો એની વિરુદ્ધ કોઇ પુરાવો આપણી પાસે નથી. બધું તથ્યો સોમચંદ સામે જ આંગળી ચીંધે છે, પરંતુ તેમ છતાંય આ તથ્યોના આધારે આપણે એની ધરપકડ કરી શકીએ તેમ નથી...!

‘તમારી વાત સાથે હું સહમત છું, અંકલ... !' દિલીપ ધીમેથી માથું હલાવતાં બોલ્યો, જો આપણી પાસે કોઈ પુરાવાઓ નથી તો પછી આપણે સોમચંદ વિરુદ્ધ પુરાવાઓ એકઠા કરવા પડશે...!'

'કેવી રીતે...?' નાગપાલે પ્રશ્નાર્થ દૃષ્ટિએ એની સામે તાકી રહેતાં પૂછ્યું. ‘અંકલ... !' દિલીપે જવાબ આપ્યો, ‘જો સોમચંદ કોઈ જાકુબીના કામધંધા કરતો હશે તો હજુ પણ એના આ ધંધા ચાલુ જ હશે એમ હું માનું છું. ચોર ચોરી કરવાનું કદાચ છોડી દે પણ હેરાફેરી નથી છોડતો... ! જાકુબીના ધંધા સહેલાઈથી માણસનો પીછો નથી છોડતા... ! માણસ કદાચ ધારે તો પણ તાત્કાલિક પોતાની કુટેવો નથી છોડી શકતો... ! જો આપણે બે જણને ચોવીસેય કલાક સોમચંદ પર નજર રાખવા માટે ગોઠવી દઈએ તો આપણને એની વિરુદ્ધ કોઈક ને કોઈક પુરાવો જરૂર મળી જશે...!' ભલે... આ કામ કોને સોંપીશુ ?'

‘અંકલ... !' રજની બોલી, 'આ કામ હું અને ધીરજ કરીશું... !' 'ઓ.કે... તો તમે બંને તાબડતોબ કામે લાગી જાઓ...!' ત્યાર બાદ થોડી ઔપચારિક વાતો પછી તેમની મિટિંગ પૂરી થઈ. બીજા દિવસની સવારથી જ રજની તથા ધીરજ કામે વળગી ગયાં. સોમચંદ એ બંનેને ઓળખતો હતો એટલે તેમણે પોતાનો દેખાવ એકદમ બદલી નાખ્યો હતો.

હવે તેઓ સોમચંદની પ્રત્યેક હિલચાલ પર બારીકાઈથી નજર રાખતાં હતાં.

*

સાંજના સાડા છ વાગ્યા હતા. રજની તથા ધીરજની કાર બંદરરોડ પર આવેલ ‘રોક્સી ક્લબ સામે પહોંચીને ઊભી રહી. તેઓ સોમચંદનો પીછો કરીને જ અહીં સુધી આવ્યાં હતાં. સોમચંદ પાંચ મિનિટ પહેલાં જ ક્લબમાં ગયો હતો. રોક્સી ક્લબ વિશાળગઢની એક ખૂબ જ બદનામ ક્લબ હતી, ત્યાં જુગારથી માંડીને દેહવ્યાપાર સુધીના તમામ જાકુબીના ધંધા ખુલ્લેઆમ અને બેધડક થતા હતા. આ ક્લબમાં વિશાળગઢના એવા એવા લોકો આવતા હતા કે જેમના અય્યાશ હોવાની કલ્પના પણ કોઈ કરી શકે તેમ નહોતું. દિવસે બગલાની પાંખ જેવાં સફેદ વસ્ત્રો ધારણ કરીને શરીફાઈ, સજ્જનતા, માનવતા, સેવા અને ધર્મની વાતો કરનારા સફેદપોશ ક્લબમાં પગ મૂકતાં જ આ બધા નીતિ- નિયમોને સિદ્ધાંતો ભૂલીને પોતાના અસલી રૂપમાં આવી જતા હતા. સોમચંદને રોક્સી ક્લબમાં જતો જોઈને બંને એકદમ ચમકી ગયાં. આ નંગ આવી બદનામ ક્લબમાં શા માટે ગયો હશે...?' ધીરજે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘આ ક્લબમાં લોકો અય્યાશી કરવા માટે આવે છે……!' રજનીએ સ્મિતસહ જવાબ આપ્યો, ‘આપણો આ હીરો પણ એટલા માટે જ આવ્યો હશે... !'

'પણ આ ઉંમરે...?

‘કેમ... ? અય્યાશી તો કોઈ પણ ઉંમરે થઈ શકે છે ! અય્યાશીને ઉંમરનાં કોઈ બંધન નથી નડતાં... !'

ધીરજ કંઈ ન બોલ્યો. એ હજુ પણ સ્તબ્ધ હાલતમાં આગલી સીટ પર બેઠો હતો. 'ધર્મજગત' જેવું ધાર્મિક ભાવનાવાળું અખબાર ચલાવતો સોમચંદ આવી બદનામ જગ્યાએ પણ આવી શકે છે એવું કદાચ એણે નહોતું ધાર્યું.

‘રજની... !’કશુંક વિચારીને એ બોલ્યો, ‘આપણને જલ્દી આપણી મંઝિલ મળી ગઈ છે એવું મને લાગે છે !'

‘એટલે... ?'

‘એટલે એમ કે આપણે સોમચંદની ગરદન પર પંજો ઉગામી શકીએ એવો કોઈક જડબેસલાક પુરાવો આપણને આ ક્લબમાંથી મળી જશે...! પુરાવાઓ શોધવા માટે આપણે બહુ નહીં ભટકવું પડે...!'

‘મને પણ એમ લાગે છે... !' રજનીએ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.

'તો હવે આપણે શું કરવાનું છે ?’

‘આપણે પણ ક્લબમાં ઘૂસીએ !’ રજની બોલી, ‘જો સોમચંદ કોઈ શંકાસ્પદ કે અજુગતી હિલચાલ કરે તો આપણે ચોરીછૂપીથી મિનીએચર કૅમેરાથી તેના ફોટા લેવાના છે !' ધીરજે ધીમેથી હકારમાં માથું હલાવ્યું. રજનીએ ક્લબના પાર્કિંગમાં પોતાની કાર ઊભી રાખી. પછી નીચે ઊતરીને બંને ક્લબમાં પ્રવેશ્યાં. ક્લબમાં જબરદસ્ત રોનક હતી. અંદરનું દૃશ્ય જોઈને ત્યાં જાણે દિવાળીની ઉજવણી થતી હોય એવું લાગતું હતું. ચારે તરફ રંગબેરંગી બલ્બનો રંગીન પ્રકાશ ફેલાયેલો હતો. વાતાવરણમાં ધીમું શાસ્ત્રીય સંગીત ગુંજતું હતું. ક્લબમાં પ્રવેશતાં જ કેસીનો નજરે ચડતું હતું. આ કેસીનોમાં રૉબેલ મશીનોથી માંડીને તીનપત્તી સુધીનો જુગાર રમાતો હતો.

કેસીનોમાં ચુસ્ત અને ભડકીલાં વસ્ત્રોમાં સજ્જ થયેલી એક એકથી ચડિયાતી રૂપસીઓ હાથમાં ટોકન ભરેલ ટ્રે સાથે આવજા કરતી હતી. તેમનું કામ ગ્રાહકોને ટોકન સપ્લાય કરવાનું હતું.

ધીરજ તથા રજનીએ ત્યાં પહોંચીને આમતેમ નજર દોડાવી તો તરત જ તેને સોમચંદ દેખાયો. તે એક ગ્રીન ટેબલ પર બેસીને બ્રીજ રમતો હતો.

‘હાય... !’ ધીરજ ધીમેથી ગણગણ્યો, ગ્રેટ... ! ધર્મ અને સમાજવાદની મોટી મોટી ડંફાસો મારનાર આ નંગનું આ રૂપ જોવા જેવું છે... ! રિયલી અનુબિલીવેબલ... !'

'આ તો કંઈ નથી... !’ રજનીએ પણ એવા જ અવાજે કહ્યું, તું જોઈ લેજે...! આ મહાત્માના ચહેરા પરથી તો હજુ કેટલાય નકાબ ઊતરશે...!

બંનેએ પોતપોતાના મિનીએચર કૅમેરા વડે સોમચંદના જુગાર રમતા કોટા પાડી લીધા. આ કામ તેમણે એટલી સાવચેતીથી કર્યું હતું કે ક્લબમાં કોઈને તેની ગંધ સુધ્ધાં નહોતી આવી. ત્યાર બાદ તેઓ પણ સોમચંદની નજીકમાં જ એક ટેબલ પર બેસીને અંદરોઅંદર જુગાર રમવા લાગ્યાં. અલબત્ત, તેમનું સમગ્ર ધ્યાન એક માત્ર સોમચંદ પર જ કેન્દ્રિત થયેલ હતું. થોડી પળોમાં જ તેમને ખ્યાલ આવી ગયો કે સોમચંદ એક કુશળ જુગારી છે. તે બાહોશ ખેલાડીની જેમ એક એક ચાલ ખૂબ જ સમજી-વિચારીને ચાલતો હતો. પરંતુ સોમચંદની સામે બેઠેલો હરીફ કદાચ એનો પણ ગુરુ હતો. એનો તો જાણે કે મુખ્ય ધંધો જુગાર રમવાનો હતો.

જુગાર રમાતો રહ્યો. આ ઉપરાંત ધીરજ તથા રજનીએ એક બીજી વાતની પણ ખાસ નોંધ લીધી.

ટોકન આપવા આવતી યુવતીઓ સોમચંદ સાથે હસી-હસીને વાતો કરતી હતી. જેના પરથી સ્પષ્ટ થતું હતું કે તે નિયમિત રીતે ક્લબમાં આવતો હતો અને યુવતીઓ તેને સારી રીતે ઓળખતી હતી. અર્થાત્ સોમચંદ રોક્સી ક્લબનો કાયમી ગ્રાહક હતો.

‘રજની !' ધીરજ પત્તાં ચીપવાનું નાટક કરતાં એકદમ ધીમેથી બોલ્યો, ‘ચોક્કસ આ હરામખોરે જ અજિત મરચંટનું ખૂન કર્યું હોય એવું મને તો લાગે છે. અજય સકસેના સાચું જ કહેતો હતો કે અજિત મરચંટનો ખૂની હજુ પણ શહેરમાં ખુલ્લેઆમ ફરે છે.. ! જોઈ લે... આ બળદિયો કેવા ઠંડા કલેજે જુગાર રમવા બેસી ગયો છે... ! આ પાજીનું તો મારી મારીને કચુંબર કરી નાખવાનું મન થાય છે...!'

‘ચૂપ રહે... !' રજનીએ પોતાના નાક પર આંગળી મૂકીને તેને ચૂપ રહેવાનો સંકેત કર્યો.

ધીરજ ક્રોધનો ઘૂંટડો ગળે ઉતારી ગયો. ક્ષણિક આવેશમાં આવીને તે ઉશ્કેરાઈ ગયો હતો.

સોમચંદ કેટલીયે વાર સુધી જુગાર રમતો રહ્યો. આ દરમિયાન એક બાજી એ જીત્યો જ્યારે એનો હરીફ ત્રણ બાજી જીત્યો હતો.

‘ગુડ... !’ પોતે હાર્યો હોવા છતાંય સોમચંદ પોતાના હરીફનાં વખાણ કરતાં બોલ્યો, 'તારુંય કહેવું પડશે... ! ખરેખર તું એક કુશળ ખેલાડી છે... ! જુગાર રમવામાં તારો હરીફ મળવો મુશ્કેલ છે... !'

'થેંક યુ, ગુપ્તાસાહેબ... !'

પોતાનાં વખાણ સાંભળીને એ માનવીની છાતી ગજગજ ફૂલવા લાગી. એણે ટેબલ પર પડેલા પોતાના ટોકન એકઠા કર્યા.

‘વધુ નથી રમવું... ?’ ‘ના... આજે હારવાની બસ આટલી જ લિમિટ હતી... !' ખરેખર તમારું હૃદય વિશાળ છે, ગુપ્તાસાહેબ... !' કહીને

એ માનવી હસ્યો. ‘એવી કોઈ વાત નથી... !' સોમચંદ બોલ્યો, ‘હું તો માત્ર ટાઇમ પાસ કરવા માટે જ અહીં આવું છું... !' આટલું કહીને એ પોતાની ખુરશી પરથી ઊભો થયો. ત્યાર બાદ એણે પોતાના ગજવામાંથી એક વસ્તુ કાઢીને માનવી સામે લંબાવી. અને એ વસ્તુ પર નજર પડતાં જ જાણે પગે સાપ વીંટળાયો હોય એમ ધીરજ તથા રજની ચમકી ગયાં. બંનેનાં દિલો-દિમાગ પર જાણે કે વીજળી ત્રાટકી.

એ વસ્તુ પ્લાસ્ટિકનાં ગંજીપત્તાંનાં ત્રણ પાનાં હતાં. ગુલામ, બેગમ અને બાદશાહ...!

‘બહુરૂપી ખુની’ ખૂન કર્યા પછી બનાવના સ્થળે જે જાતનાં ગંજીપત્તાંનાં ત્રણ પાનાં મૂકી જતો હતો એવાં જ આ પાનાં હતાં. પાનાં જોઈને સોમચંદનો હરીફ ખેલાડી પણ સ્હેજ ડઘાયો.

‘આ શું, ગુપ્તાસાહેબ...?'

આ ગંજીપત્તાંનાં પાનાં છે... !' સોમચંદ કોઈક મહાન ફિલોસૉફરની અદાથી બોલ્યો, એક જુગારી હોવાને કારણે તું ગંજીપત્તાંથી તો પરિચિત હોઈશ જ...! હું જે લોકોથી પ્રભાવિત થઉં છું તેમને આ ત્રણ પાનાં જરૂર આપું છું. આપણી જિંદગી પણ ગંજીપોની રમત જેવી જ છે... ! આ રમતમાં ક્યારે કોણ જીતશે ને કોણ હારશે એનું કંઈ જ નક્કી નથી હોતું. આ ગંજીપત્તાં સમયને પણ લાગુ પડે છે... ! એક વરસમાં બાવન અઠવાડિયાં હોય છે તો ગંજીપતાંમાં પણ બાવન પાનાં હોય છે ! વરસમાં જેમ ત્રણ ત્રણ મહિનાના ચાર ભાગ પડે છે એમ ગંજીપત્તાની જોડમાં પણ એક્કાથી બાદશાહ સુધી ચાર ભાગ પડે છે. લાલ, ફુલ્લી, કાળી અને ચોકડી...! એ રીતે એક મહિનામાં પણ ચાર અઠવાડિયાં હોય છે...! માણસ જો ગંજીપત્તાંની જોડ સાથે તાલમેળ સાધીને જીવે તો ઉત્તમ જિંદગી જીવી શકે છે...! હવે જ્યાં સુધી આ પાનાં તારી પાસે હશે ત્યાં સુધી તને મારી વાત યાદ રહેશે..! ગંજીપત્તાં તથા જિંદગીની આ ફિલોસૉફી સમજીશ તો તને ઘણો લાભ થશે..!’

‘વાહ, ગુપ્તાસાહેબ, વાહ... !' એનો હરીફ પ્રશંસાથી બોલી ઊઠ્યો, ‘તમારી સફળતાનો ભેદ હવે જ મને સમજાય છે...!' જવાબમાં સોમચંદે હળવું સ્મિત ફરકાવ્યું.

આ દરમિયાન રજની તથા ધીરજે ગંજીપત્તાંનાં ત્રણ પાનાં સહિત સોમચંદના ફોટા પાડી લીધા. ત્યાર બાદ સોમચંદ ક્લબના બારરૂમ તરફ આગળ વધી ગયો હતો.

'રજની... !' ધીરજ ધીમેથી ગણગણ્યો, ‘હવે તો મને પૂરી ખાતરી થઈ ગઈ છે કે અજિત મરચંટનું ખૂન આ નાલાયકે જ કર્યું છે... !'

‘કેમ..?’

‘શું કેમ... ? તેં જોયું નહીં...? આ પાજી કેટલા રુઆબથી પોતાના ગજવામાં ગુલામ, બેગમ અને બાદશાહનાં ત્રણ પાનાં રાખીને ફરે છે...!'

રજનીના ચહેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા. એ ઝડપભેર ગંભીરતાથી કશુંક વિચારતી હતી.

‘ચાલ...' કશુંક વિચારીને એ બોલી.

'ક્યાં...?'

‘સોમચંદ શું કરે છે એ જોઈએ... !’

બંને કેસીનોમાંથી બહાર નીકળ્યાં.

સોમચંદ બારરૂમ તરફ ગયો હતો.

‘તું અહીં જ થોભ... ! હું દિલીપને રિપોર્ટ આપીને આવું ..!' રજનીએ કહ્યું.

ધીરજે હકારમાં માથું હલાવ્યું. કેસીનોને છેડે ટોઇલેટ હતું,

રજની ઝડપભેર આગળ વધીને ટોઇલેટમાં પ્રવેશી અને દરવાજો દરથી બંધ કર્યા બાદ તાબડતોબ મોબાઈલ પર દિલીપનો સંપર્ક ધ્યો.

‘હલ્લો... !' સામે છેડેથી ઉત્તર મળતાં જ એણે કહ્યું, ‘હું જની બોલું છું.’

'બોલ, રજની... ! શું રિપોર્ટ છે અને અત્યારે તું ક્યાં છો... ?

‘હું અને ધીરજ અત્યારે રોક્સી ક્લબમાં છીએ... !'

‘રોક્સી ક્લબમાં... ?' સામે છેડેથી દિલીપનો આશ્ચર્યસભર અવાજ એને સંભળાયો, તમે બંને વળી ત્યાં શું કરો છો...? ‘દિલીપ, સોમચંદ થોડી વાર પહેલાં જ રોક્સી ક્લબમાં આવ્યો છે... ! અમે એનો પીછો કરીને જ અહીં આવ્યાં છીએ...!'

‘સોમચંદ વળી ત્યાં શું કરે છે...?' દિલીપના અવાજમાં મૂંઝવણનો સૂર હતો. ‘અહીં આવીને સૌથી પહેલાં તો તે જુગાર રમ્યો છે અને હવે બારરૂમ તરફ ગયો છે... !'

‘સોમચંદ જુગાર રમ્યો છે, એમ...?

'હા... અને એના વિશે એક એવી વાત જાણવા મળી છે કે જે સાંભળીને તું પણ ચમકી જઈશ... !'

‘શું ?’

‘સોમચંદે જુગારમાં હાર્યા પછી પોતાના હરીફ ખેલાડીને ગંજીપત્તાંનાં ત્રણ પાનાં – ગુલામ, બેગમ અને બાદશાહ – ભેટ આપ્યાં છે... ! 'બહુરૂપી ખૂની' ખૂન કર્યા પછી બનાવના સ્થળે જે ત્રણ પાનાં મૂકી જતો હતો એવાં જ આ પાનાં છે... !'

‘ઓહ ગોડ... !'

પળભર માટે લાઇન પર સન્નાટો છવાઈ ગયો.

‘શું વિચારે છે, દિલીપ ? આપણે સાચી દિશામાં જ છીએ એવું લાગે છે... ! તમે બંને સોમચંદની પ્રત્યેક હિલચાલ પર નજર રાખો !'

‘ઓ.કે...’

‘તમે સોમચંદની હિલચાલના ફોટા પાડ્યા છે.. ?

'હા... !'

‘ગુડ... ! ફોટા પાડવાનું કામ ચાલુ જ રાખજો... !

'ભલે.. !'

‘બીજું કંઈ... ?’

ના... માત્ર આટલો રિપોર્ટ આપવા માટે જ મેં ફોન કર્યો છે... !'

'ઓ.કે... ગુડબાય.....

‘ગુડબાય... !'

રજનીએ મોબાઈલ ઑફ કરીને જેકેટના ગજવામાં મૂક્યો અને ટોઇલેટમાંથી બહાર નીકળી ગઈ.

*******