Sazish - 10 books and stories free download online pdf in Gujarati

સાજીશ - 10

૧૦. ફોરેન્સિક એક્સ્પર્ટનો રિપોર્ટ... !

સોમચંદ આજે સવારથી જ ટેન્શનમાં હતો. રાત્રે તેને સરખી રીતે ઊંઘ પણ નહોતી આવી.

સવારે નિત્યક્રમ મુજબ એ મોર્નિંગવૉક માટે પણ નહોતો ગયો. કાલે દિલીપે જે રીતે સોમચંદને પકડીને તેને રોક્સી ક્લબના ફોટાઓ બતાવ્યા હતા એ જોઈને મનોમન તે હચમચી ઊઠ્યો હતો. પોતાની જાતને તે પીંજરામાં પુરાયેલા ઉંદર જેવી અનુભવતો હતો.

જો દિલીપ પાસે રોક્સી ક્લબવાળા ફોટાઓ ન હોત તો સોમચંદ ચોક્કસ જ પ્રેસ તથા અન્ય પ્રચાર મિડિયાના માધ્યમથી સી.આઈ.ડી. ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ બખેડો ઊભો કરત એમાં પણ શંકાને કોઈ સ્થાન નહોતું.

પરંતુ એની ફોટારૂપી ચોટલી દિલીપની પકડમાં હતી અને દિલીપ ગમે ત્યારે આ ચોટલી ખેંચીને તેને નીચું જોવડાવી શકે તેમ હતો.

અત્યારે તો સોમચંદ પોતે જ સી.આઈ.ડી. ડિપાર્ટમેન્ટે તેને પૂછપરછ માટે અટકમાં લીધો હતો એ વાત છુપાવતો હતો. જો અખબારવાળાઓના કાને આ વાત પહોંચે અને અધૂરામાં પૂરું કરવું હોય તેમ ફોટાઓની હકીકત પણ બહાર આવે તો એની આબરૂ ધૂળધાણી થઈ જાય તેમ હતું.

એની હાલત ધોબીના કૂતરા જેવી થઈ જાય તેમ હતી. આ બધાં ટેન્શનો વચ્ચે એ પોતાની ઑફિસે પહોંચ્યો. પોતાની ચેમ્બરમાં પહોંચીને એણે બેલ વગાડી કે તરત જ એક ચપરાસી એની પાસે આવ્યો. 'યસ સર……… !' એણે આજ્ઞાંકિત ઢબે કહ્યું.

'જો ... આજે મારી તબિયત સારી નથી... !' સોમચંદ બોલ્યો,

બહારના સ્ટાફને જ્ગાવી દો કે આજે પેઇજ વિગેરેનું મૅટર તેઓ જ ફાઈનલ કરી લે અને મને ડિસ્ટર્બ ન કરે... ! હું થોડો આરામ કરવા માગું છું.'

‘ઓ.કે. સર... !'

ચપરાસી હકારમાં માથું હલાવીને વિદાય થઈ ગયો. સોમચંદે ખુરશીની બેંક સાથે પીઠ ટેકવીને આંખો બંધ કરી દીધી.

એ ખરેખર આરામ કરવા માગતો હતો. પરંતુ આજે કદાચ એના નસીબમાં આરામ નહોતો લખ્યો. કોણ જાણે કેમ જ્યારથી એણે પોતાની ચેમ્બરમાં પગ મૂક્યો ત્યારથી તેને કંઈક અજુગતું લાગતું હતું. ચેમ્બર આજે કંઈક બદલાયેલી છે એવી અનુભૂતિ એને થતી હતી.

એણે આંખો ઉઘાડીને ચેમ્બરમાં આમતેમ નજર દોડાવી. પરંતુ તાબડતોબ તેને ક્યાંય કશુંય અજુગતું ન લાગ્યું.

'બધું પોતાની જગ્યાએ જ છે... !' એ સ્વગત બબડ્યો,

‘કંઈ બદલાયું નથી... !' સોમચંદ આ વાતનો વિચાર કરતાં કરતાં અચાનક જ ચમકી ગયો.

એની નજર પુસ્તકોના કબાટ સામે સ્થિર થઈ ગઈ. કબાટ પર ગોઠવેલી રંગ બેરંગી પ્લાસ્ટિકનાં ફૂલોવાળી ફૂલદાની આજે પોતાના સ્થાને નહોતી. ફૂલદાની હંમેશાં ડાબી બાજુએ પડી રહેતી હતી પરંતુ અત્યારે તે જમણી તરફ હતી.

'આનો અર્થ એ થયો કે કોઈકે ફૂલદાની ખસેડી છે... !' એ ફરીથી બોલ્યો, ‘મારી ગેરહાજરીમાં કોઈક અહીં આવ્યું છે... !'

'કોણ..?'

'શું ઑફિસના કોઈ કર્મચારીનું કે ચપરાસીનું આ કામ હશે ? ના... તેઓ ફૂલદાનીની જગ્યા ન જ બદલે... !'

'તો પછી કોણ આવ્યું હશે...? બીજું કોઈ તો આવી શકે તેમ નહોતું...!'

સોમચંદની શોધપૂર્ણ નજર ચેમ્બરમાં ચારે તરફ ફરવા લાગી. ઝીણવટથી જોતાં તેને ઘણી વસ્તુઓ પોતાનાં સ્થાનેથી થોડી આડીઅવળી લાગી.

પુસ્તકો ખસેલાં હતાં. એક ટેબલ પણ તેને પોતાના સ્થાનેથી સરકેલું લાગ્યું.

ખુરશીઓ પણ વ્યવસ્થિત નહોતી. સોમચંદે ઝપાટાબંધ પોતાના ટેબલનું ખાનું ઉઘાડીને તપાસ્યું. ખાનામાં પડેલી ચીજવસ્તુઓ પણ વેરવિખેર હતી.

'ઓહ ગોડ... ! સોએ સો ટકા પોતાની ચેમ્બરમાં બહારનો કોઈક માણસ ઘૂસ્યો હતો.

'પણ કોણ..?'

સોમચંદ ખુરશી પરથી ઊભો થઈને ચેમ્બરની બીજી જગ્યાઓ તપાસવા લાગ્યો.

પછી પુસ્તકોવાળા કબાટનું નીચેનું ખાનું ઉઘાડતાં જ જાણે એકાએક ધગધગતો અંગારો પગ પર ચોંટ્યો હોય એમ ઊછળી પડ્યો. ખાનામાંથી એની રિવોલ્વર ગુમ થઈ ગઈ હતી. પોતાની ગેરહાજરીમાં કોઈક અહીં આવ્યું હતું એવી સોમચંદની શંકા હવે ખાતરીમાં પલટાઈ ગઈ હતી. એનાં જડબાં વિચારવશ હાલતમાં ભીંસાયાં.

'શું કૅપ્ટન દિલીપ આવ્યો હશે... ? દિલીપનું નામ મગજમાં આવતાં જ એના દેહમાં ખોફભરી ધ્રુજારી ફરી વળી એ ગભરાયેલી મુદ્રામાં ઊભો હતો ત્યાં જ ટેલિફોનની ઘંટડીએ એને વધુ ચમકાવી મૂક્યો.

‘હલ્લો...’ એણે ઝપાટાબંધ આગળ વધીને, રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું, ‘હલ્લો... !'

કદાચ દિલીપનો જ ફોન હશે એવું એણે માન્યું હતું. પરંતુ એની માન્યતા ખોટી પડી. સામે છેડેથી એક સુરીલું અટ્ટહાસ્ય સાંભળીને એણે જોરથી ઊંડો શ્વાસ લીધો.

‘ત... તું... ?’ એ સ્ટેજ રૂક્ષ અવાજે બોલ્યો.

‘હા, ગુપ્તાસાહેબ... !' સામે છેડેથી એક માદક અવાજ એના કાને અથડાયો, ‘હું જુલી બોલું છું.'

'બોલ...'

‘ગુપ્તાસાહેબ, રાત્રે તમે રોક્સી ક્લબમાં ન આવ્યા એટલે અહીં બધું સૂનુંસૂનું લાગતું હતું. તમારી હાજરી વગર ક્લબની રોનક સાવ ફિક્કી લાગતી હતી. એટલે મને થયું કે ચાલ, તમારી સાથે વાતો કરીને જ સંતોષ મેળવી લઉં !'

'જો જુલી... ! આજે મારો મૂડ ઠેકાણે નથી. તું પછી નિરાંતે મને ફોન કરજે... !'

'એવી તે શું નારાજગી છે, ગુપ્તાસાહેબ... ? પ્લીઝ, થોડી વાર વાત તો કરો... !

'મેં કહ્યું તો ખરું કે પછી નિરાંતે મને ફોન કરજે... !’ આજે સાંજે તો તમે ક્લબમાં આવશો ને...?'

'ના... નહીં આવી શકું… ! હવે હું ક્યારેય ક્લબમાં ન આવું એ પણ બનવાજોગ છે !'

સોમચંદની વાત સાંભળીને સામે છેડે રહેલી જુલીને થોડી નવાઈ લાગી. કોઈક ગંભીર મામલો છે એ તે તરત જ સમજી ગઈ. 'શું વાત છે ગુપ્તાસાહેબ... ? મને પણ કંઈક કહો... !'

'ક્યારેક નિરાંતે મળીશું ત્યારે કહીશ...'

'પણ...'

‘અત્યારે મારું મગજ ઠેકાણે નથી... ! તું એક કામ કર... !'

‘હુકમ ફરમાવો... ! ‘

'તું સાંજે સાત વાગ્યે સુંદરનગર કૉલોનીવાળા બંગલે મળ... !'

ત્યાર બાદ સામેથી જુલી કંઈ પૂછે એ પહેલાં જ સોમચંદે રિસીવર મૂકી દીધું.

સામે છેડેથી જુલી ‘હલ્લો... હલ્લો...' કરતી રહી ગઈ. સોમચંદ ધમ્ કરતો પાછો પોતાની રિવૉલ્ડિંગ ચેર પર ફસડાઈ પોતાની ગેરહાજરીમાં કેપ્ટન દિલીપ અહીં આવ્યો હતો એ  વાતની કલ્પના માત્રથી જ એને ધ્રુજારી છૂટી જતી હતી.

એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી હતી.

એ આખો દિવસ એણે માંડ માંડ વિતાવ્યો. ન તો એ કંઈ કામ કરી શક્યો કે ન તો આરામ કરી શક્યો... ! સાંજે સાત વાગ્યે ઑફિસેથી નીકળીને એ પોતાની કારમાં જુલીને મળવા માટે સુંદરનગર કૉલોની તરફ રવાના થયો. કોઈ પોતાનો પીછો નથી કરતું એ વાતની એણે આજે ખાસ સાવચેતી રાખી હતી. પરંતુ કોઈ જ એનો પીછો નહોતું કરતું.

સોમચંદે પોતાનાં કુટુંબીજનોને પણ ખબર ન પડે એ રીતે સુંદરનગર કૉલોનીમાં ત્રણ રૂમનો એક આલીશાન બંગલો લઈ રાખ્યો હતો. આ બંગલાનો ઉપયોગ એ અય્યાશી માટે જ કરતો હતો. બંગલાની એક ચાવી એણે જુલીને પણ આપી રાખી હતી.

સોમચંદ જ્યારે બંગલામાં પહોંચ્યો ત્યારે જુલી અગાઉથી જ ત્યાં હાજર હતી.

‘યસ, સ્વીટ હાર્ટ... !’ એણે સ્મિતભર્યા ચહેરે દરવાજો ઉઘાડતાં કહ્યું .

અત્યારે એ તાજા ખીલેલા ગુલાબ જેવા લાગતી હતી. આ ઉપરાંત અત્યારે એણે જે વસ્ત્રો પહેર્યાં હતાં એમાં તે સ્વર્ગમાંથી ઊતરી આવેલી કોઈક અપ્સરા જેવી લાગતી હતી. એણે આછા ગુલાબી કલરનો સ્લીવલેસ, પારદર્શક ગાઉન પહેર્યો હતો.

એનો ચહેરો ઉત્સાહથી ચમકતો હતો.

સોમચંદ ગમગીન ચહેરે અંદર પ્રવેશ્યો.

સૌથી પહેલાં એ બંગલાના બધા રૂમોમાં ચક્કર મારીને ત્યાં બીજું કોઈ નથી એ વાતની ખાતરી કરી આવ્યો. હવે એ કોઈ જાતનું જોખમ ખેડવા નહોતો માગતો. બંગલાના ત્રણેય રૂમો એકદમ સ્વચ્છ હતા.

જુલીએ કદાચ વ્હેલી આવીને સાફસૂફી કરી નાખી હતી.

ડ્રૉઇંગરૂમમાં‘રૂમ-ફ્રેશનર'ની સુગંધ ફેલાયેલી હતી.

‘આ જુઓ ગુપ્તાસાહેબ... !' જુલી ટેબલ સામે આંગળી ચીંધતાં બોલી, ‘મેં આપની પસંદના ડ્રિંકની બધી વ્યવસ્થા કરી રાખી છે !' સોમચંદે જોયું તો ટેબલ પર બેલ્જીયમ કટના બે ખૂબસૂરત કાચના ગ્લાસ, સોડા સાઇનની બોટલ, આઇસ ક્યુબની ટ્રે તથા જોની વૉકર બ્લેક લેબલની એક સીલપૅક બોટલ પડી હતી.

‘બેસો, ગુપ્તાસાહેબ... ! હું તમારે માટે પેગ તૈયાર કરું છું !'

'ના...' સોમચંદ સોફા પર બેસતાં બોલ્યો, ‘પીવાની મને ઇચ્છા નથી....'

જુલીને ફરીથી એક વાર ચમકવું પડ્યું. આજે તેને એક પછી એક આશ્ચર્યાઘાત થતા હતા.

‘શું વાત છે, ગુપ્તાસાહેબ... ? આજે તમારો મૂડ વધુ પડતો બગડેલો લાગે છે... ! અગાઉ તો ક્યારેય તમે ડ્રિંકની ના નથી પાડી... !'

'આજે તમે કંઈક વધુ પડતા ચિંતા અને મૂંઝવણમાં લાગો છો... !'

‘વાત જ કંઈક એવી છે !'

‘શું ? ' સોમચંદે પોતાની અટકથી માંડીને રોક્સી ક્લબના ફોટાઓ સુધીની બધી વિગતો તેને કહી સંભળાવી.

‘ઓહ ગોડ... !' જુલીની આંખો વિસ્ફારિત બની ગઈ, ‘આટલી મોટી ધમાલ થઈ ગઈ અને કોઈને કંઈ ખબર પણ નથી... !'

'મેં જ બધું છુપાવ્યું છે... !' સોમચંદે એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું, 'જો મારા રોક્સી ક્લબમાં જઈને રંગરેલિયાં મનાવવાની વાત જાહેર થઈ જશે તો હું કોઈને મોં બતાવવાને લાયક પણ નહીં રહું... !' સોમચંદની વાત સાંભળીને જુલીના ચહેરા પર પણ ગભરાટના હાવભાવ ઊપસી આવ્યા. એ પણ સોમચંદની બાજુમાં બેસી ગઈ.

‘ગુપ્તાસાહેબ... !' એ ભયભીત અવાજે બોલી, જો કૅપ્ટન દિલીપ આપણા બંનેના શરમજનક ફોટાઓ અન્ય અખબારવાળાઓને સોંપી દેશે તો શું થશે ?’

'ચિંતા ન કર... ! તારા કરતાં મને મારી આબરૂની વધુ પરવાહ છે... !'

સોમચંદની વાત સાંભળીને જુલી ખડખડાટ હસી પડી. ‘ઓહ, ગુપ્તાસાહેબ... !' હસવાનું બંધ કરીને એ ગંભીર થતાં બોલી, ‘તમારી સોબતમાં રહીને હું પણ મારી જાતને શરીફ સમજવા લાગી હતી. હું એક ક્લબમાં નોકરી કરતી કૉલગર્લ છું તથા મારી કોઈ આબરૂ નથી, એ વાત તો સાવ ભૂલી જ ગઈ હતી... ! મારી કોઈ આબરૂ જ નથી તો પછી શું લૂંટાવાનું હતું ? ચાલો, હવે થોડી વાર માટે બધુ ભૂલીને રિલેક્સ થઈ જાઓ... !'

‘હું હવે ક્યારેય રિલેક્સ થઈ શકીશ એવું મને નથી લાગતું …!'

‘ગુપ્તાસાહેબ, સાચા અર્થમાં મારા જેવી સ્ત્રી જ કોઈ પુરુષને રિલેક્સ અને ટેન્શનમુક્ત કરી શકે છે... ! કોઈ પણ પુરુષની સામે જ્યારે શરાબ અને શબાબ હાજર હોય ત્યારે એ આપોઆપ જ પોતાનાં બધાં દુ:ખદર્દ ભૂલી જાય છે.'

વાત પૂરી કરીને જુલી ફરીથી હસી.

ત્યાર બાદ એણે બેઠાં બેઠાં જ આગળ નમીને બે પેગ તૈયાર કર્યા.

‘લો...' એણે એક ગ્લાસ સોમચંદ સામે લંબાવતાં કહ્યું, ‘દવા સમજીને પી લો... !'

સોમચંદે એના હાથમાંથી ગ્લાસ લઈને એક શ્વાસે ખાલી કરી નાખ્યો.

‘બીજો બનાવું... ?’

'બનાવ... !'

સોમચંદ પણ હવે બધું ભૂલીને થોડો આનંદમાં આવી ગયો હતો.

જુલીએ બનાવેલો બીજો પેગ પણ એણે ખાલી કરી નાખ્યો. બંને વચ્ચે પેગ ખાલી કરવાનો ક્રમ ચાલુ થયો અને બોટલ ખાલી ન થઈ ત્યાં સુધી ચાલતો જ રહ્યો.

નશાની ખુમારી બંનેનાં દિલો-દિમાગમાં ફરી વળી હતી. ત્યાર બાદ સોમચંદ જુલીનો હાથ પકડીને બેડરૂમ તરફ આગળ વધી ગયો.

અત્યારે એ બધું જ ભૂલી ગયો હતો. એને કેપ્ટન દિલીપ યાદ નહોતો... !

અજિત મરચંટના ખૂનકેસમાં પોતે ફસાઈ ગયો છે એ વાત યાદ નહોતી... !

એને રોક્સી ક્લબના અશ્લીલ ફોટાઓ યાદ નહોતા... !

એને પોતાની ચેમ્બર તથા ગુમ થઈ ગયેલી રિવૉલ્વર યાદ નહોતી... !

અત્યારે, આ પળે તેને માત્ર એક જ વસ્તુ યાદ હતી. અને એ હતી જુલી... ! જુલીનું મધઝરતું યૌવન... ! જુલીના અનુપમ સૌંદર્યએ એના દિલો-દિમાગ પર સંપૂર્ણ રીતે કબજો જમાવી દીધો હતો.

*

દિલીપ, રજની, માલા અને ધીરજ અત્યારે સી.આઈ.ડી. હેડક્વાર્ટરનાં ફોરેન્સિક વિભાગમાં હતાં. અત્યારે ત્યાં સોમચંદની ચેમ્બરમાંથી મળેલ રિવૉલ્વર પરથી આંગળાંની છાપ લેવાની કાર્યવાહી ચાલતી હતી.

ડાર્કરૂમમાં ગાઢ અંધારું છવાયેલું હતું. આંગળાંની છાપ લેનાર એક નિષ્ણાત પ્રોફેસર પણ ત્યાં મોજૂદ - હતો. પ્રોફેસરની ઉંમર આશરે પંચાવન વર્ષ જેટલી હતી. એની આંખો પર નંબરવાળાં ચશ્માં હતાં. એના હાથમાં પાતળા રબ્બરનાં હાથમોજાં ચડાવેલાં હતાં.

એની આજુબાજુમાં આંગળાંની છાપ લેવા માટેનાં કેટલાંય સાધનો પડ્યાં હતાં.

અત્યારે કેમિકલ ભરેલી ટ્રેમાં ચાર એક્સ-રે પડ્યા હતા અને ધીમે ધીમે ક્લીયર થતા જતા હતા.

‘પ્રોફેસરસાહેબ... ! ખૂબ જ ચીવટથી આંગળાંની છાપ લેજો... !' દિલીપ બોલ્યો, ‘આ રિવૉલ્વર પરથી મળનાર આંગળાંની છાપ કેસ ઉકેલવામાં અમને ખૂબ જ મદદરૂપ થઈ શકે તેમ છો... !'

‘મેં રિવૉલ્વરના બધા ભાગના એક્સ-રે લઈ લીધા છે... !' પ્રોફેસરે કહ્યું, ‘હવે બસ, કઈ કઈ જગ્યાએથી આંગળાંની છાપ મળે છે એટલું જ જોવાનું છે !'

ચારેય ચૂપ થઈ ગયાં.

ખરેખર તેમને માટે આ રોમાંચની પળો હતી.

રહસ્યનો કો દરવાજો ઊઘડવાનો છે એની કોઈનેય ખબર નહોતી.

એ જ વખતે પ્રોફેસરે આગળ વધીને એક સ્વીચ દબાવી. વળતી જ પળે ડાર્કરૂમમાં દૂધિયા પ્રકાશ ફેલાઈ ગયો. એક્સ-રે ક્લીયર થઈ ગયા છે...?' દિલીપે પૂછ્યું.

'હા....'

પ્રોફેસરે એક એક કરીને ટ્રેમાંથી ચારેય એક્સ-રે કાઢ્યા અને તેને પાણીથી ધોઈને સાફ કર્યા. ત્યાર બાદ એણે ચારેય એક્સ-રે અલગ અલગ પ્લેટોમાં ફીટ કર્યા પછી તેમની પાછળ રહેલી લાઇટ ચાલુ કરી. તરત જ ચારેય એક્સ-રે સફેદ પ્રકાશમાં ઝળહળી ઊઠ્યા. દિલીપ વિગેરે આગળ નમીને ધ્યાનથી એક્સ-રેનું નિરીક્ષણ કરવા લાગ્યા. એક્સ-રેમાં રિવૉલ્વરના જુદા જુદા ભાગ હવે સ્પષ્ટ રીતે દેખાતા હતા. પરંતુ એક્સ-રેનું નિરીક્ષણ કરતાં જ ચારેયના ચહેરા પર ઘોર નિરાશા ફરી વળી.

‘મિસ્ટર દિલીપ... !’ પ્રોફેસર હતાશ અવાજે બોલ્યો, ‘ખૂની તમારી ગણતરી કરતાં પણ વધુ ચાલાક છે. એણે અગાઉથી જ રિવૉલ્વર પરથી આંગળાંની છાપ ભૂંસી નાખી છે. અત્યારે રિવૉલ્વર પર ક્યાંય એક ડાઘ પણ નથી. તેમણે જોયું તો પ્રોફેસ૨ની વાત સાચી હતી.

રિવૉલ્વરના કોઈ ભાગ પર એક પણ આંગળાની છાપ નહોતી.

‘મિસ્ટર દિલીપ... !' માલાએ ગંભીર અવાજે કહ્યું, ‘શું આના પરથી જ પુરવાર નથી થઈ જતું કે આ જ રિવૉલ્વર વડે અજિત મરચંટનું ખૂન કરવામાં આવ્યું છે?’

'કેવી રીતે પુરવાર થાય છે?' દિલીપે પ્રશ્નાર્થ નજરે માલા સામે જોયું.

'એટલા માટે કે જો આ રિવૉલ્વર વડે કોઈ ખોટું કામ નથી થયું તો પછી સોમચંદે આ રિવૉલ્વર લૂછીને રાખવાની શું જરૂર હતી... ? પરંતુ રિવૉલ્વર એકદમ સાફ કરીને રાખવામાં આવી છે અને એના પર ક્યાંયથી રોમચંદનાં આંગળાંની છાપ નથી મળી એટલે સ્પષ્ટ છે કે આના વડે જ અજિત મરચંટનું ખૂન થયું છે... !'

દિલીપના દિમાગમાં ખળભળાટ મચી ગયો. માલાના તર્કમાં વજન હતું.

એની દલીલ સચોટ હતી. ‘મિસ્ટર દિલીપ... !' માલા ફરીથી બોલી, ‘આમેય અપરાધશાસ્ત્રના, અપરાધ મનોવિજ્ઞાન પ્રકરણમાં લખ્યું છે કે જ્યારે કોઈ માણસ જરૂર કરતાં વધારે સાવચેતી રાખવા માંડે ત્યારે એક કુશળ ઇન્વેસ્ટીગેટરે સમજી જવું જોઈએ કે એણે એટલે કે વધુ પડતી સાવચેતી રાખનારે ચોક્કસ જ કોઈક ખોટું કામ કર્યું છે... !'

‘ઓહ... તો સોમચંદની સાવચેતીભરી હિલચાલ ઉજાગર થવા લાગી છે એટલે ચોક્કસ એણે કંઈક ખોટું કર્યું છે એમ તું કહેવા માગે છે...?'

‘હા...' માલાએ હકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો. દિલીપ વિચારમાં પડી ગયો.

સંજોગો વિકટ હતા.

‘તમે ત્રણેય એક કામ કરો... !' છેવટે કશુંક વિચારીને એ બોલ્યો, 'તમે લોકો મારી ચેમ્બરમાં બેસો... ! હું અંકલને મળીને આવું છું.'

ત્યાર બાદ પ્રોફેસરનો આભાર માનીને તેઓ વિદાય થઈ ગયાં.

દિલીપ ત્યાંથી સીધો નાગપાલ પાસે પહોંચ્યો. નાગપાલ એ વખતે પોતાની ચેમ્બરમાં પાઇપના કસ ખેંચતો એક ફાઈલનાં પાનાં ઉથલાવતો હતો.

‘આવ પુત્તર... !' એણે ફાઈલ બંધ કરીને એક તરફ મૂકતાં કહ્યું, ‘શું સમાચાર છે... ?' જવાબમાં દિલીપે તેને બધી વિગતો કહી સંભળાવી.

‘તો અજિત મરચંટનું ખૂન સોમચંદે જ કર્યું છે એ વાતની તને પૂરી ખાતરી છે, એમ ને…?' બધી વાત સાંભળ્યા પછી નાગપાલે ગંભીર અવાજે પૂછ્યું.

‘હા...’ દિલીપ મક્કમ અવાજે બોલ્યો, ‘એમાં તો શંકાને કોઈ સ્થાન જ નથી. હું દાવા સાથે કહું છું કે અજિત મરચંટના ખૂનમાં સોમચંદનો જ હાથ છે...!'

‘હું...’ નાગપાલના ગળામાંથી હુંકાર નીકળ્યો, 'દિલીપ, હું માનું છું ત્યાં સુધી સોમચંદની ધ૨પકડ ક૨વા માટે હજુ તારી પાસે પૂરતા પુરાવાઓ નથી.’

‘તમારી વાત બિલકુલ સાચી છે, અંકલ... !' દિલીપ સહમતિસૂચક ઢબે હલાવતાં બોલ્યો, ‘અને એટલા માટે જ હું હવે સોમચંદના બંગલાની તલાશી લેવા માગું છું. અજિત મરચંટના ખૂનમાં એનો હાથ હોવાનું પુરવાર થાય એવા કોઈક પુરાવાઓ ચોક્કસ ત્યાંથી મળી આવશે એની મને પૂરી ખાતરી છે... !'

'અને આને માટે તારે તલાશીનું સર્ચવૉરંટ જોઈએ છે, એમ ને..?'

‘હા...'

‘પણ ઘડીભર માટે માની લો કે તને બંગલાની તલાશી લીધા પછી પણ કોઈ પુરાવો નહીં મળે તો... ?’ નાગપાલે એક એક શબ્દ પર ભાર મૂકતાં પૂછ્યું.

'તો શું થયું...? એ સંજોગોમાં આપણે બીજી કોઈક રીતે પુરાવાઓ મેળવવાનો પ્રયાસ કરીશું.' એ તો બરાબર છે, પણ એક વાત તું ભૂલી જતો લાગે છે !'

‘કઈ વાત... ?’

જો બંગલાની તલાશી દરમિયાન આપણને કશુંય નહીં મળે તો સોમચંદ અખબારો તથા મિડિયાના માધ્યમથી આપણા ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ જબરો હોબાળો મચાવશે.. !'

'અહીં એક વાત તમે ભૂલી જાઓ છો, અંકલ !' દિલીપ આત્મવિશ્વાસથી ભરપૂર અવાજે બોલ્યો, 'સોમચંદની ચોટલી આપણી મુઠ્ઠીમાં છે... ! જ્યાં સુધી એના રોક્સી ક્લબવાળા પરાક્રમના ફોટાઓ આપણા કબજામાં છે ત્યાં સુધી સોમચંદ કોઈ સંજોગોમાં આપણી વિરુદ્ધ પ્રેસ કે મિડિયામાં જવાની ભૂલ નહી કરે ! તેમ છતાંય તે કદાચ આવું કોઈ પગલું ભરશે તો ઊલટું એની પોતાની જ નાલેશી થશે..! કોઈ પણ પગલું ભરતાં પહેલાં આગળ-પાછળનો વિચાર કરવા જેટલી સમજદારી તો એનામાં છે જ... ! એ કંઈ મૂરખ કે અક્કલનો આંધળો નથી કે વગર વિચાર્યે કોઈ પગલું ભરી બેસે... !'

‘વેરી ગુડ... !' નાગપાલે પ્રશંસાભરી નજરે એની સામે જોતાં કહ્યું, ‘તારી બુદ્ધિને ખરેખર દાદ આપવી પડશે. હું હમણાં જ સોમચંદના બંગલાની તલાશી લેવા માટે સર્ચવૉરંટની વ્યવસ્થા કરું છું.' વાત પૂરી કરીને એ ઊભો થયો. દિલીપે પણ તેનું અનુકરણ કર્યું.

***********