the bone books and stories free download online pdf in Gujarati

હડ્ડી

હડ્ડી

- રાકેશ ઠક્કર

ફિલ્મ હડ્ડીજોઈને એવું જરૂર લાગશે કે OTT પર નવાઝુદ્દીન સિદ્દીકીના નામને જ નહીં એની પ્રતિભા અને જે વ્યવસાયિક કિંમત છે એને પણ ફરી વટાવવાની કોશિશ કરવામાં આવી છે. ફિલ્મમાં બીજા જાણીતા જ નહીં સશક્ત કલાકાર લેવાનું પણ ટાળવામાં આવ્યું છે. નિર્દેશક એમ માને છે કે નવાઝુદ્દીનને અલગ પ્રકારના રૂપમાં રજૂ કરીશું એટલે દર્શકો ફિલ્મ જરૂર જોવાના છે. અલબત્ત ઘણા કલાકારો કિન્નર બની ચૂક્યા હોવાથી નવી વાત નથી. કિન્નરની જિંદગી પર અગાઉ અક્ષયકુમારની લક્ષ્મીઅને વિજય સેતુપતિની સુપર ડિલક્ષની ચર્ચા રહી છે.

નવાઝુદ્દીનની પણ કેટલીક મર્યાદા છે. એ રૂપ બદલે છે અને પોતાના તરફથી ભૂમિકાને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કરતો હોય છે. ઘણા દ્રશ્યોમાં એવું લાગતું જ નથી કે આ નવાઝુદ્દીન છે. ખૂંખાર પાત્રમાં પણ તે ડર અને સહાનુભૂતિ બંને મેળવે છે. જોકે, એની અદા અને અંદાઝ ચિરપરિચિત લાગે છે. પ્રયોગાત્મક ભૂમિકા કરવામાં એ ક્યારેય પાછો પડતો નથી. કોઈ જગ્યાએ એવું લાગતું નથી કે કિન્નરની ભૂમિકા એક પુરુષ નિભાવી રહ્યો છે. નવાઝુદ્દીન હડ્ડીમાં કિન્નરની ભૂમિકામાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરે છે. છતાં એવું લાગે છે કે એની વાર્તા જલદી ગળે ઉતરે એવી નથી. વાર્તા વિખેરાયેલી છે.

ટ્રેલર જોઈને દર્શકોમાં જે ઉત્સુકતા ઊભી થઈ હતી એ પૂરી કરવામાં ફિલ્મ નિષ્ફળ રહે છે. નિર્દેશક અક્ષત અજય શર્માએ કિન્નરોની જિંદગી વિશે ઊંડાણથી વાત કરવાનું રાખ્યું નથી. વાર્તા એના મુખ્ય મુદ્દાથી ભટકતી રહે છે. દર્શકોની ધીરજની કસોટી કરતી આ ફિલ્મ અડધી પૂરી થયા પછી થોડી રસપ્રદ બને છે. ફિલ્મમાં હડ્ડી નામના એક ટ્રાન્સજેન્ડરની વાર્તા છે. જેને પરિવાર અને સમાજ તરફથી ધિક્કાર મળે છે. હડ્ડીનો જીવ બચે છે અને ઇલા અરુણની મદદથી જિંદગી બની જાય છે. પણ એક રાજકારણી અનુરાગ કશ્યપના પ્રવેશ પછી એની જિંદગી બદલાઈ જાય છે. પછી હડ્ડી અને અનુરાગ વચ્ચે લડાઈ ચાલુ થાય છે. કેમકે એ ગેંગના એક સભ્યમાંથી એક ડોન બની જાય છે અને એમાં કોઈ બદલાની ભાવના વધુ હોય છે.

નવાઝુદ્દીનની સામે વિલન તરીકે અનુરાગ નબળો લાગે છે. દરેક દ્રશ્યમાં ચહેરા પર એકસરખા જ ભાવ દેખાય છે. એ નિર્દેશક જેટલો જ સારો અભિનેતા હોવા છતાં છાપ છોડી શક્યો નથી. નવાઝુદ્દીન અને એના પ્રેમી તરીકે મોહમ્મદ જીશાનની કેમેસ્ટ્રી જામતી નથી. તેનું પાત્રાલેખન અધૂરું લાગે છે. બીજા પાત્રો રહસ્ય ઊભું કરે છે એના કરતાં દર્શકોને ભ્રમમાં નાખવાનું વધારે કરે છે. નવાઝુદ્દીન અને ઇલા અરુણને બાદ કરતાં મોટાભાગના પાત્રો પોતાની અસર મૂકી શકતા નથી.

નબળી પટકથાને લીધે નવાઝુદ્દીનની મહેનત લેખે લાગતી નથી. આખી ફિલ્મમાં હળવી પળો બહુ ઓછી હોવાથી હાસ્યની કમી વધારે લાગે છે. લેખકે સંવાદ અને પ્રસંગો પર મહેનત કરી નથી. ફિલ્મની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે કિન્નરોનો આશીર્વાદ બહુ તાકાતવર હોય છે પણ શ્રાપ ભયાનક છે અને એમનો બદલો એનાથી વધારે ભયાનક હોય છે. ફિલ્મમાં એમના જીવન કરતાં બદલાની જ વાત વધારે છે.

ફિલ્મના પહેલા ભાગની વાર્તા કઈ તરફ જાય છે એ સમજવાનું મુશ્કેલ બને છે. નિર્દેશક કિન્નર સમુદાયના સંઘર્ષને બતાવી શક્યા નથી. બસ વાર્તા આગળ વધારી દેવામાં આવે છે. ક્યારેક વર્તમાનમાં તો ક્યારેક ભૂતકાળમાં જતી રહે છે. સંપાદન એવું છે કે ગમે તે દ્રશ્ય ગમે ત્યાંથી શરૂ થાય છે અને અચાનક પૂરું થાય છે. થોડા મહિનામાં હડ્ડી પોતાનો રાજકીય પક્ષ બનાવીને પ્રભાવશાળી કેવી રીતે બની જાય છે એનો કોઈ ખુલાસો જ થયો નથી. આવા અનેક પ્રશ્નોનાં જવાબ ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી મળતા જ નથી.

છેલ્લે ફિલ્મ એટલી ઝડપથી ભાગે છે કે ક્યારે પૂરી થઈ ગઈ એનો ખ્યાલ જ રહેતો નથી. તેથી એક સારી અને મનોરંજક ફિલ્મ બની શકે એવી હડ્ડીસાથે દર્શકો ભાવનાત્મક રીતે જોડાઈ શકતા નથી. એક વાત સારી છે કે ફિલ્મમાં કિન્નરોને લાચાર બતાવવામાં આવ્યા નથી કે પોતાના હક માટે લડતા બતાવવામાં આવ્યા નથી. સામાન્ય માણસની જેમ જ એમની જિંદગી બતાવી છે.

**