College campus - 88 books and stories free download online pdf in Gujarati

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 88

પરીના ચહેરા ઉપર આછેરું સ્મિત છવાઈ ગયું હતું અને તે સમીરની સાથે મજાક કરતાં બોલી કે, "મિસ્ટર કોઈ છોકરી તમારી સાથે એક કપ કોફી શેર કરે..તેનો મતલબ એવો નથી થતો કે, તે તમને પ્રેમ કરે છે..!!"
"ના ના, હું ક્યાં એવું કહું છું. પણ મને ગુનેગારોની ફાઈલો વાંચવાની સાથે સાથે મારી નિકટના સભ્યોની આંખો વાંચતા પણ આવડે છે.. મિસ પરી..!!"
પરી કંઈ ન બોલી શકી અથવા તો બોલવા નહોતી માંગતી...
"એકવાર તો કહી દે કે તું પણ મને....
બંને એકમેકની આંખોમાં પોતાના માટેનો પ્રેમ વાંચી રહ્યા હતા...
પરંતુ પરી તે સ્વિકારવા નહોતી માંગતી અને એટલે જ તો સમીર આગળ કંઈ બીજું બોલવા જાય તે પહેલા તે બોલી કે, "અને મારી લાઈફનો નિર્ણય મારે એકલી એ નથી કરવાનો મારા મોમ ડેડની જે ઈચ્છા હશે તે જ થશે કારણ કે મને તેમણે જ આ જિંદગી આપી છે અને સખત મહેનત કરીને મને ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવી છે તે હું કઈ રીતે ભૂલી શકું?"
પરીની આંખોમાં પોતાના માટેનો પ્રેમ સમીરને સ્પષ્ટપણે વંચાઈ રહ્યો હતો અને છતાં પણ આવો જવાબ સાંભળીને સમીર જરા ડિસ્ટર્બ થઈ ગયો તે પોઝિટિવ થોટ સાથે આવ્યો હતો કે આજે તો હું પરીની પાસે પોતાના માટેના પ્રેમની કબૂલાત કરાવીને જ રહીશ અને પરી તો લેશમાત્ર કબૂલ કરવાને તૈયાર નથી કે તે પોતાને પ્રેમ કરે છે...!!
સમીર નિરાશ થઈ ગયો. પરી પોતાના નિર્ણય ઉપર મક્કમ હતી. બે મિનિટ માટે બંને ચૂપ રહ્યા.
એટલામાં પરીના સેલફોનમાં રીંગ વાગી જોયું તો, પોતાની લાડકી છુટકીનો ફોન હતો અને તે પૂછી રહી હતી કે, તું કેટલી વારમાં ઘરે આવે છે મોમ પૂછી રહી છે. પરીએ શાંતિથી જવાબ આપ્યો કે, "ફીફટીન મિનિટ્સમાં" અને પરીએ પોતાની બેગ ઉંચકી પાછળ ભરાવી અને બોલી, "ચાલો નીકળીશું મિસ્ટર સમીર?"
"હા પણ તું મને મળતી તો રહીશ કે નહીં?"
"ના, હમણાં હવે મારી એક્ઝામ આવી રહી છે એટલે હું તને ફોન પણ નહીં કરું અને મળવા પણ નહીં આવી શકું."
પરીના શબ્દોથી જાણે સમીરને વધારે દુઃખ થઈ રહ્યું હતું.. તે વિચારીને શું આવ્યો હતો અને થઈ શું રહ્યું હતું?
'મેન પ્રપોઝ એન્ડ ગોડ ડિસ્પોઝ'
"હું તને મૂકી જવું" સમીરે ઉભા થતાં થતાં પરીને પૂછ્યું.
"ના, હું દરરોજ જવું છું તેમ જ ચાલી જઈશ."
આજે થોડું વધારે લેઈટ થઈ ગયું હતું એટલે પરીએ પોતાના મોબાઈલમાંથી ઓલા કેબ બુક કરાવી. પરીની ઓલા કેબ આવે ત્યાં સુધી સમીર તેની સાથે ઉભો રહ્યો અને તેને કહેવા લાગ્યો કે, "હું તને ફોન કરીશ, તું ફોન ઉપર તો મારી સાથે વાત કરીશ કે નહીં કરું?"
"ના, હમણાં મને ડિસ્ટર્બ ન કરીશ. મારી એક્ઝામ પૂરી થશે એટલે હું જ તને સામેથી ફોન કરીશ."
"ઓકે, એઝ યુ વીશ"
અને પરીની ઓલા કેબ આવી ગઈ એટલે પરી સમીરને બાય કહીને તેમાં ગોઠવાઈ ગઈ અને સમીર દુઃખી હ્રદયે પરીની કેબને જતાં જોઈ રહ્યો.
સમીર પણ પોતાની કારમાં ગોઠવાઈ ગયો અને તેણે તરતજ પોલીસ સ્ટેશને ફોન કર્યો કે, "મારી તબિયત જરા બરાબર નથી એટલે હું અત્યારે નહીં આવી શકું અને હવે આવતીકાલે સવારે જ આવીશ" અને તેણે પોતાની કાર પોતાના ઘર ભણી હંકારી મૂકી.

સમીર દરરોજ કરતાં વહેલો ઘરે પહોંચી ગયો અને જઈને તરતજ સોફામાં જાણે ફસડાઈ પડ્યો તેને આમ અચાનક આ રીતે આવેલો જોઈને તેની મોમ સ્મિતાબેન તેની નજીક આવ્યા અને ચેક કરવા લાગ્યા કે તેને તાવ તો નથી આવ્યો ને? અને તેના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા અને તેને પૂછવા લાગ્યા કે, "કેમ બેટા વહેલો ઘરે આવી ગયો, તબિયત બરાબર નથી કે શું ?"
સમીર પોતાની મોમને કહેવા લાગ્યો કે, "કંઈ નથી થયું મોમ એ તો થોડું માથું દુખતું હતું એટલે આરામ કરવા માટે ઘરે આવી ગયો, તું ચિંતા ના કરીશ આઈ એમ ઓકે..!"
અને પોતાની હાલત તો પોતે જ જાણતો હતો અને વિચારવા લાગ્યો કે, હે ભગવાન! આ પ્રેમરોગ જેવો કદાચ જગતમાં બીજો કોઈ રોગ જ નથી..!! પણ આ રોગ મને ક્યાંથી લાગુ પડ્યો અને તરતજ તેની સામે પરી તરવરી ઉઠી અને તે જાણે મનમાં ને મનમાં બબડ્યો કે, "આ પરી છે જ એવી સ્વભાવની શાંત, ડાહી અને બિલકુલ નિર્મળ, દેખાવે ખૂબજ રૂપાળી કોઈને પણ ગમી જાય તેવી... પણ હું તેને મારા હાથમાંથી તો નહીં જ જવા દવું.. તેને મેળવીને જ રહીશ.. તેને મારી બનાવીને જ રહીશ.. અને તેણે એક ઉંડો શ્વાસ લીધો અને પોતાની મોમ પાસે પાણી માંગ્યું અને પાણી પી ને ફરીથી તેણે સોફા ઉપર લંબી તાણી દીધી અને ઈન્સ્ટા ઉપર પરીના ફોટા જોવા લાગ્યો.
બીજે દિવસે સવારે તે દરરોજ કરતાં થોડો વહેલો જ ઉઠી ગયો હતો અને આજે તેનો ઈરાદો ડ્યુટી ઉપર પણ વહેલા જ પહોંચવાનો હતો એટલે રૂટીન એક્સસાઈઝ પતાવીને મિલ્ક અને સાથે બ્રેડબટર ખાઈને પોતાની મોમ અને ડેડને જય શ્રી કૃષ્ણ કહીને પગે લાગીને તે પોલીસ સ્ટેશને જવા માટે નીકળી ગયો.
પોલીસ સ્ટેશને પહોંચ્યો તો ત્યાં કોઈ તેની રાહ જોતું બેઠું હતું જેને જોઈને તે ચોંકી ઉઠ્યો..!!
અને બોલ્યો કે, "તું? અને અહીંયા?"
કોણ હશે જેને જોઈને સમીર ચોંકી ઉઠ્યો હશે?
આ પ્રશ્નનો જવાબ આપે મને કોમેન્ટ માં લખીને જણાવવાનો છે. તો ચાલો જોઈએ આપણે કે કોનો જવાબ સાચો પડે છે....
હું આપના પ્રતિભાવની રાહ જોઈ રહી છું માટે અચૂક જણાવવા વિનંતી. આભાર 🙏
આપની,
જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/9/23