સંસ્કાર ૬
જીવનમાં પહેલી જ વાર ખોટુ. અને અનીતિ નુ પગલું ભર્યું.અને એમાં આટલી મોટી સફળતા મળી.મારુ હ્રદય આટલી મોટી રકમ જોઈને ખુશી થી ઉછળવા લાગ્યુ હતુ.ઝુમવા લાગ્યુ હતુ. બસ.હવે તો આ જ માર્ગ સાચો.
મેં મનોમન નિશ્ચય કરી લીધો.કે હવે આજ ધંધો કરવો છે.કાળી મહેનત મજુરી કરીને કમાયેલા રૂપિયા માંડ પંદર મિનિટ મારા ખિસ્સા મા રહયા હતા. અને આ બે આંગળી ની કરામત થી હૂ બે મિનિટ મા માલામાલ થઈ ગયો હતો.
રૂપિયા ખિસ્સામાં મૂકી હું પાકીટ ફેકવા જતો હતો.ત્યાં મારી નજર પાકીટ માં રાખેલા બે કાગળો ઉપર પડી.એક તો આંતરદેશી પત્ર હતુ.અને બીજું કોઈ જ્વેલર્સ ની દુકાન ની રસીદ હતી.મેં જીજ્ઞાશા વસ આંતરદેશી પત્ર ખોલીને વાંચ્યું.જેમાં ટૂંકમાં લખ્યું હતું.
બેટા કરીમ.
ખુદા તને સુખી.સલામત અને આબાદ રાખે.આમીન.
બીજું દીકરા.તારા પપ્પાની તબિયત દિવસે ને દિવસે બગડતી જ જાય છે. દાકતર મહેતાનું કહેવુ છે કે.એમને જેમ બને એમ જલ્દી ભાવનગર લઈ જઈએ તો કદાચ બચે.મને ખબર છે દીકરા કે તારી પાસે વેંત થાય એમ નથી.પણ અમારું એકમાત્ર સંતાન તું જ છો. એટલે ઘણી જ ઉમેદ સાથે હું તને આ કાગળ લખી રહી છું.દાકતર સાહેબ કહે છે કે રોગ લાસ સ્ટેજ માં છે.અને ઓપરેશન કરવું જરૂરી છે.અંદાજે બાર હજારનો ખરચ છે.પણ તારાથી જેટલા બની શકે એટલા મોકલજે.અને જેમ બને એમ જલ્દી મોકલજે દીકરા.આ તારા બાપની જિંદગીનો સવાલ છે.
એ જ તારી અમ્મી ના
દુઆ આશિષ.
લેટર વાંચતા જ હું સ્તબ્ધ થઈ ગયો. મેં તરત જ જ્વેલર્સ ની રસીદ જોઈ. અને હું સમજી ગયો કે આ માણસે પોતાની પાસેના દાગીના ગિરવી રાખીને આ પૈસાનો બંદોબસ્ત કર્યો છે.મારા આથમી ચૂકેલા સંસ્કાર જાણે પાછા ઉગી નીકળ્યા.
"હે પ્રભુ.મેં આ શું કર્યું?એક એવા માણસના ખિસ્સામાંથી મેં પૈસા કાઢી લીધા કે જેનો બાપ મરણ પથારીએ પડ્યો છે.હે ઈશ્વર તું મને માફ કર."
હુ આંખ મીંચીને પ્રભુને પ્રાથી રહયો. મારું હૃદય ચિત્કારી ઉઠયું.
"મને માર્ગ બતાવો મારા ઈશ્વર.મારા પ્રભુ.આ મારાથી થય ગયેલા પાપ માથી મને ઉગારી લ્યો ભગવન."
અને.બે પાંચ સેકન્ડ માટે મારા શરીરમા એક ઝણઝણાટી પ્રસરી ગઈ.બીજી જ ક્ષણે મે નિર્ણય કરી લીધો.કે મારે શું કરવું જોઈએ.મે રુપિયા પાકીટમાં જેમ હતા તેમ પાછા મુકી દીધા.જવેલર્સ ની રસીદ ઉપર.અને પાકીટમાં રાખેલા રેલ્વે ના પાસ ઉપર એ માણસનું એડ્રેસ લખેલું હતુ.
કરીમ અબ્દુલ ધનાણી.આર.સી.પટેલ ની ચાલ.રૂમ નંબર 119.બહેરામ બાગ. ગોરેગાંવ.વેસ્ટ.
હું ઝડપથી સ્ટેશનની બહાર નીકળ્યો. અને બસમાં બેસીને બહેરામ બાગ પહોંચ્યો.એ માણસના ઘરને શોધતા મને થોડીક વાર લાગી.નાની એવી ચાલી મા એમનો નાનો એવો રૂમ હતો.હું એમના ઘરના દરવાજા પાસે પહોંચ્યો.ત્યારે એ માણસની સ્ત્રી ના રડવાનો અવાજ આવી રહ્યો હતો.અને સાથે સાથે એ બબડાટ પણ કરતી જતી હતી.
"તમે પણ કેવા માણસ છો?આટલી મોટી રકમ કંઈ પાકીટ મા રખાતી હશે? અને કોઈ ખિસ્સામાંથી પાકીટ કાઢી લે તો ખબર પણ ન પડે?હવે પપ્પાને કેવી રીતે બચાવીશું? આ તો આપણી પાસે દાગીના હતા તો ગીરવી રાખીને પૈસા મળ્યા હતા.હવે શું કરશુ?ક્યાંથી કાઢીશું આટલા રૂપિયા?"
એ સ્ત્રી રોતા રોતા પોતાનો બળાપો ઠાલવતી હતી.એ પુરુષ રોતલ સ્વરે બોલ્યો.
"હવે હું પણ મારી માને શો જવાબ આપીશ?ક્યાં મોઢે એની આગળ જઈને કહીશ.કે માં હું તને એક રૂપિયો પણ આપી શકું એમ નથી.હું એમનુ એકનું એક સંતાન.અને કાંઈ જ નથી કરી શકતો.યા ખુદા તે મને કેવા ધર્મ સંકટમાં નાખી દીધો?"
આ બંને ધણી ધણીયાણી નું આક્રંદ સાંભળીને મારી આંખો પણ ભીંજાઈ ગઈ.મે હળવેક થી દરવાજો ઠોક્યો.એ બંનેએ પ્રશ્નાર્થ નજરે મારી તરફ જોયુ. એ માણસે મારી સામે જોતા મને પૂછ્યું.
"શું કામ છે?"
હું તો એને જોઈને જ ઓળખી ગયો હતો.કે આ એ જ છે જેને મે મારો શિકાર બનાવ્યો હતો.જેનુ મેં પાકીટ માર્યું હતુ એ આ જ છે.છતાં પાકી ખાતરી કરવા માટે મેં એમને પૂછ્યું.
"કરીમ ધનાણી તમારું નામ છે."
"હા કેમ.શુ કામ છે?"
એણે ફરીથી મને પૂછ્યુ.જવાબમાં મેં મારા ખિસ્સામાંથી એમનું પાકીટ કાઢ્યુ. અને એમને બતાવતા પૂછ્યુ.
"આ તમારું છે?"
"ઓહ.શુક્ર ખુદાવિંદ."
પાકીટ જોતા જ એક ખુશાલી નો ઉદગાર એમના મુખ માથી નીકળ્યો. એમનો મુરઝાયેલો ચહેરો અચાનક ફૂલની માફક ખીલી ઉઠ્યો.દોડીને એ મારી પાસે આવ્યો.અને મારા હાથમાંથી પાકીટ ખેંચી લીધુ.અને ઝડપ થી પાકીટ ખોલીને અંદર રકમ બરાબર છે કે નહીં એ તપાસી લીધી.મેં સ્મિત કરતા પૂછ્યુ.
"પૈસા બરાબર છે ને?"
જવાબમાં એ ભાઈએ.મારા બંને હાથ પોતાના હાથમાં ઝકડી લીધા.અને ગદગદ અવાજે બોલ્યા.
"તમારો આ ઉપકાર હું કયારેય નહી ભૂલુ ભાઈ?તમે આજે મારી લાજ રાખી છે."
એમના શબ્દો સાંભળી ને હું શરમથી નીચું જોઈ ગયો.હું એને કઈ રીતે કહું કે તારી લાજ લૂટનારો પણ હું જ હતો.
મેં ચૂપચાપ એના હાથમાંથી મારા હાથ છોડાવ્યા.અને જવા માટે મેં મારી પીઠ ફેરવી.ત્યારે મારી પીઠ ઉપર એ પતિ પત્નીએ આશીર્વાદો નો વરસાદ વરસાવ્યો.
"અલ્લાહ તારી પાસે આવાજ નેક કાર્યો કરાવે.તારી ચડતી કળા કરે.તારી પ્રગતિ કરે.તને હંમેશા ખુશ રાખે.બુરી બલાઓ થી તને મહેફૂઝ રાખે."
એ પતિ પત્નીના એ આશીર્વાદો ને હું કદી નહિ ભૂલી શકુ.પાપ કર્યા બાદ એને તરત સુધારી લીધા પછી જે આનંદ હ્રદય ને થયો.જે સંતોષ આત્માને થયો એનુ વર્ણન કરવુ અશક્ય છે.
અને એ જ ઘડીએ મેં શપથ લીધા કે ભલે ભૂખ્યા રહેવુ પડે.ભલે ઓછુ ખાવા મળે.પણ જેટલુ પણ ખાઈશ મહેનત મજૂરી કરીને.પરસેવા નો રોટલો જ ખાઈશ.
સમાપ્ત