Greenroom ni vaato books and stories free download online pdf in Gujarati

ગ્રીન રૂમ ની વાતો

 

 

ગ્રીન રૂમ ની વાતો

ભારત મોળકર

 

GREEN ROOM NI VAATO

Bharat Molker

 

 

મંચ પર સંપૂર્ણ અંધકાર છે.. અમુક ક્ષણ સુધી અંધકાર છવાઈ રહે છે. પ્રેક્ષકો માંથી કોઈ બૂમ પાડે છે,

પ્રેક્ષક: નાટક શરૂ થશે કે નહીં??? (જવાબમાં વોઈસ ઓવર/અથવા બેકસ્ટેજ માં થી કોઈ કલાકાર જવાબ આપી શકે)

વોઈસ ઓવર: નાટક તો શરૂ થઈ ગયું છે.

પ્રેક્ષક: તો પછી અંધારું કેમ?

વોઇસ ઓવર: એક સરસ કવિતા માં એવું લખાયું છે કે ગ્રીન રૂમમાં અંધારું જ હોય છે.

પ્રેક્ષક: તો શું આમ અવાજો જ સાંભળી રાખવાના ને અંધારાને જોએ રેહવાનું?

વોઇસ ઓવર: એમ તો ગ્રીન રૂમમાં અંધારું જ…

પ્રેક્ષક: અરે…

વોઇસ ઓવર: અરે પહેલા વાત સાંભળી તો લો… એમ તો ગ્રીન રૂમમાં...

પ્રેક્ષક: હા ભાઈ હા અંધારું જ હોય છે.

વોઈસ ઓવર: પણ જ્યારે અજવાળું થાય છે ને ત્યારે અવનવા, ચિત્ર-વિચિત્ર, નવરસથી ભરપૂર પ્રકાશ પથરાય છે. અને હવે ગ્રીન રૂમ ની એવી રસભર વાતોની એક સતરંગી સવારી બનશે, રોલર કોસ્ટર જેવી, જેના તમે સાક્ષી બનશો. કારણ જે મંચ પર બનતું હોય છે તે તો જગ જાહેર છે પણ ગ્રીન રૂમ તો બંધ મુઠ્ઠી છે ને? અને બંધ મુઠ્ઠી ની અંદર કશુક સંતાડેલું છે કે દબાવી રાખ્યું છે કોને ખબર? (આ વોઇસ ઓવર ચાલતો હોય છે તેની સાથે જ મંચ પર એક પછી એક લાઈટ ચાલુ થાય છે અને બધી મંચ સજ્જા પ્રદર્શિત થાય છે. સ્ટેજ સેન્ટરમાં એક મોટો અરીસો છે અને બે ખુરશીઓ મૂકેલી છે. સ્ટેજ લેફ્ટ અપ માં ગ્રીન રૂમમાં પ્રવેશવા માટે દરવાજો છે. સ્ટેજ રાઇટમાં પાર્ટીશન કરી એક ભાગ ચેન્ગીંગ રૂમ બનવામાં આવ્યો છે ઓડિયન્સ તરફ ખુલ્લો છે. એની અંદર જવા માટે દરવાજો છે જે ખોલી બંધ કરી શકાય છે. સ્ટેજ લેફ્ટ ડાઉનમાં એક નાનો કક્ષ જે ટોયલેટ છે, તેનો દરવાજો સ્ટેજ રાઈટ ના ચેન્ગીંગ રૂમ ની દિશા માં ખુલે છે.  ગ્રીન રૂમ નો મુખ્ય દરવાજો ખોલી એક્ટર પ્રવેશે છે, ઉંમર 25-26 વર્ષ, પેન્ટ શર્ટ પહેર્યા છે, ખભા પર બેગ લટકાવેલી છે. અંદર આવતા પોતાની બેગ એક ખુરશી પર મૂકે છે. થોડીક વાર આમ તેમ ગ્રીન રૂમમાં આંટા મારે છે. અરીસામાં જોઈ માથાના વાળ સરખા કરે છે વગેરે વગેરે પછી સ્ટેજ સેન્ટરમાં આવી)

એક્ટર: સાલુ ક્યારે કોઇ ટાઇમ પર આયુ છે? રિહર્સલ હોય કે શો સમય પર ના આવવાની બાધા છે બધાની. પણ હમણાં જ્યારે કોઈ નથી ત્યારે કેવું મસ્ત વાતાવરણ છે અહીં. હમણાં એક પછી એક બધા આવશે એટલે આ મસ્ત માહોલ મચ્છી બજારમાં ફેરવાઈ જશે. લશ્કર સાથે નાટક ભજવાય તો ગ્રીન રૂમમાં એવું જ થતું હોય છે. ટોળે વળીને બેસવાનું, કારણ વગરની અહીંની-ત્યાંની ફાલતું વાતો, કો-એક્ટરની મશ્કરી, ખોદણી…. પોલિટિક્સ અને ફિલ્મો ઉપર તો જાણે એક્સપોર્ટ ઓપીનિયન ચાલતા હોય સામસામે. એવું લાગે કે દુનિયાની કંઈ ખબર જ નથી આપણને. સિગરેટના ધુમાડા, આ ગ્રીન રૂમ ની મા…. માહોલ ગંદો કરી દે છે…. કેવા કેવા લોકો હોય છે, અકળામણ કરી મૂકે છે. શ્વાસ લેવા માટે હવા પહેલેથી જ શુદ્ધ નથી એની સાથે પણ ચેડા કરવાના, બીજાનો વિચાર જ નહીં ને. કંઈક બોલીએ કે સામે વિરોધ કરીએ તો તરત બદનામી શરુ…. સાલાઓ લાગે જ શોધતા હોય છે…આ તો સાલો આવો જ છે! બહુ ગુસ્સાવાળો માણસ. આજ સુધી કોઈની સાથે હળી મળીને કામ જ નથી કર્યું ને. જ્યાં જાય ત્યાં આને કંઈક ને કંઈક વાંધો તો હોય જ છે. વાંધો ઉઠાવો ખરેખર વાંધાજનક સાબિત થાય છે આપણા ચરિત્ર માટે…નાટક જગતમાં એવી માન્યતા પ્રવર્તે છે કે સિગરેટ પીવાથી અવાજ ભારે થઈ જાય છે બેઝ વાળો બચ્ચન… રઝા મુરાદ જેવો. આ માન્યતા નું ઈમ્પલિમેન્ટેશન/અમલીકરણ કેટલી હદ સુધી સાચું છે એ મને નથી ખબર ભાઈ. કોઈને કદાચ એવું લાગશે કે હું પેલા ટોળાનો ભાગ નથી એટલે હું એ ટોળાની નિંદા કરું છું. માણસને સંગાથ ની જરૂર હોય છે પણ ટોળામાં પોતાના અસ્તિત્વનું શું? આ મારો સવાલ છે એમને. બહુ બોલું છું હું નહીં… એ પણ બધી ડાહી ડાહી વાતો… એ પણ પોતાની સાથે જ.. કદાચ એટલે જ એક્ટર છું…(ત્યારે મોબાઇલમાં મેસેજ ટોન નું સાઉન્ડ ઇફેક્ટ એક્ટર પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ કાઢી ખુરશી પર બેસી મોબાઈલ જોતો હોય છે ત્યારે એક્ટર ૨ પ્રવેશે છે)

એક્ટર ૨: આવ ને કેતનીયા……

એક્ટર ૧: ઓહ ચેતનીયા! (ઉભો થઇ, બંને જણા ભેટે છે)

ચેતન: મને હતું કે સૌથી પહેલા તું જ આયો હોઈશ.

કેતન: આદત થી મજબૂર બીજું શું. ના… મજબૂરીને લીધે આદત પાડવી પડી છે.

ચેતન: હા યાર, દૂરથી આવવા વાળાઓને સમયની આવી ગણતરી રાખીને જ ચાલવું પડે.

કેતન: એ તો છે, સૌથી પહેલા હાજર અને સૌથી છેલ્લે ઘરે પહોંચવાનું. ક્યારેક રાતે શો કે રિહર્સલ પછી સુમસામ રસ્તા પરથી ઘરે જતો હોવ ને ત્યારે વિચાર આવે (થાય) છે કે હું આ બધું કેમ કરું છું?

ચેતન: જેનો તારી પાસે જવાબ નથી. બરાબર.

કેતન: હા.. ઘણી બધી વખત આવું તને કીધું છે મેં નહીં?

ચેતન: મેં બહુ વખત તારા મોઢે આવું બધું સાંભળ્યું છે.

કેતન: બહુ હોશિયાર ખબર છે હવે… (ચેતન ઉતાવળે સ્ટેજ લેફ્ટ ડાઉનમાં બનેલા ટોયલેટ ની અંદર જાય છે. કેતન ખુરશી પર બેસી મોબાઇલમાં જોતો હોય છે. ચેતન ટોયલેટ ના અંદરથી કેતનને અવાજ લગાવે છે)

ચેતન: કેતનીયા….!

કેતન: શું?

ચેતન: એક કામ કરને..

કેતન: શું થયું અંદર પાણી નથી આવતું? પાણી બાણી હું નહીં લાવું કહી દઉં છું.

ચેતન: ના બે…. મારી બેગ ના આગળ ના ખાનામાં પેપરસોપ છે એ આપ. (કેતન બેગમાંથી પેપર સોપ કાઢે છે)

કેતન: હવે?

ચેતન: આ દરવાજોનો ખાંચો છે ને એમાં ભરાવી દે (કેતન પેપર સોપ ટોયલેટના દરવાજામાં ભરાવી દે છે એમ કરતાં એ હસતો હોય છે) કેમ હસે છે લા?

કેતન: એક કિસ્સો યાદ આવી ગયો.

ચેતન: તો કેહને!

કેતન: સંડાસ કરતા કરતા સાંભળીશ?

ચેતન: મારે તો સાંભળવાનું જ છે ને!

કેતન: આપણો મેકઅપ વાળો મિતેશ છે ને એણે કહેલી આ વાત. એ અને એના બે આસિસ્ટન્ટ કોઈ નાટક ના મેકઅપ માટે ગ્રીન રૂમમાં બેઠાતા…

ચેતન: પછી?

કેતન: તો પછી… (બ્લેકઆઉટ થાય છે. લાઈટ્સ. મિતેશ એના બે આસિસ્ટન્ટ સ્ટેજ પર છે. મિતેશ ખુરશી પર બેઠો છે, એક આસિસ્ટન્ટ ઉભો છે, બીજો બેગમાંથી મેકઅપનો સામાન ટેબલ પર ગોઠવતો હોય છે. આ બીજો આસિસ્ટન્ટ દેખાવમાં વિચિત્ર છે. મીઠો મસાલો મસળતા મિતેશ બોલે છે)

મિતેશ: તમે બંને! કેતકી સિવાય બધા એક્ટરનો મેકઅપ તમારે કરવાનો. કેતકી નો મેકઅપ હું કરીશ અને જ્યારે હું એનો મેકઅપ કરતો હોવ ને ત્યારે તમને બંને જણા ગ્રીન રૂમની બહાર. બીજું કોઈ મેકઅપ કરવા માટે આવે તો બારોબાર પાછું મોકલી દેવાનું, કે મિતેશભાઇ બોલાવશે… શું કીધું! (બંને આસિસ્ટન્ટ માથું હલાવી ના પાડે છે એટલામાં કેતકી જે ખૂબ જ સુંદર ઉંચી નમણી છે ટાઈટ જીન્સ ને ટીશર્ટ પહેર્યા છે પ્રવેશે છે)

કેતકી: હાય મિતેશ! કેમ છે?

મિતેશ: અરે આવને! એકદમ મજામાં, તને જોઈને મજામાં વધારો થયો… આવ આવ…બેસ. એ ખસ (પેલા વિચિત્ર દેખાવ વાળા આસિસ્ટન્ટને કહે છે કેતકી એને જોઈને)

કેતકી: આ કોણ છે?

મિતેશ: મારો નવો આસિસ્ટન્ટ છે.

કેતકી: થોડો વિયર્ડ/wierd નથી લાગતો? તું ફટાફટ મેકઅપ કરી દેને પ્લીઝ.

મિતેશ: હશે… હું છું ને! પછી ટેન્શન કેમ લે છે. બાકી બોલ કયું નવું નાટક કે ફિલ્મ કરી રહી છે?

કેતકી: હમણાં તો…

મિતેશ: શું થયું?

કેતકી: કંઈ નહીં…અં એક હિન્દી પ્લે છે એના પછી…

મિતેશ: પછી?

કેતકી: પછી છે ને… ફિલ્મ…(ઉભી થઈ જાય છે ખુરશી પરથી)

મિતેશ: કોઈ તકલીફ છે? (કેતકી ખુશી પર પાછી બેસી જાય છે)

કેતકી: ના…ના…છેને એક બોલીવુડની ફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો છે.

મિતેશ: ક્યા બાત હૈ! રોલ તારો પાક્કો લખી રાખ… હું કહું છું ને! (કેતકી પાછી ઊભી થઈ જાય છે) અરે બેસને શું થયું?

કેતકી: મિતેશ જલ્દીથી મેકઅપ કરી દે ને પ્લીઝ!

મિતેશ: અરે જલ્દી જલ્દી માં કામ બગડે (મજા ના આવે) એવો મસ્ત મેકઅપ કરું ને કે આજે તને સ્ટેજ લાઈટની પણ તને જરૂર નહીં પડે… બેસ..(કેતકી મેકઅપ કરવા માટે ખુરશી પર બેસે છે. મિતેશ મેકઅપનો સામાન કાઢતો હોય છે. કેતકી પાછી ઊભી થાય છે એક ક્ષણ પછી તરત દોડીને ટોયલેટમાં ઘૂસી જાય છે. અંદરથી વિચિત્ર અવાજો આવે છે [એનું પેટ ખરાબ થયું હોય છે એવો sound effect] મિતેશ અને એના આસિસ્ટન્ટ એકબીજા સામે જોવે છે) ભાઈ આનો મેકઅપ આજે તું કર હું આવું છું (કહી મિતેશ ગ્રીન રૂમ ની બહાર નીકળી જાય છે. બીજો આસિસ્ટન્ટ પેલા વિચિત્ર દેખાવ વાળા આસિસ્ટન્ટ ને સામે જોઈ રહે છે. ફરીથી વિચિત્ર અવાજો આવે છે[sound effect]. બીજો આસિસ્ટન્ટ પેલા વિચિત્ર દેખાવાળા આસિસ્ટન્ટને)

આસિસ્ટન્ટ: આવે એટલે મેકઅપ કરી દેજે ને હું આવું છું હં…(ગ્રીન રૂમ ની બહાર નીકળી જાય છે.. ફ્લશ નો સાઉન્ડ ઇફેક્ટ. કેતકી ટોયલેટ માંથી બહાર આવે છે. જાણે થાકી ગયું હોય એમ. મેકઅપ માટે ખુરશી પર જઈને બેસે છે. મેકઅપ કરવા માટે પેલો વિચિત્ર દેખાવ વાળો આસિસ્ટન્ટ પાસે આવે છે)

કેતકી: એ શું છે?

વિ. આસિ: મેકઅપ…

કેતકી: મિતેશ ક્યાં છે?

વિ. આસિ: એ તો ગયા…

કેતકી: ક્યાં?

વિ. આસિ: ખબર નહિ (કેતકી પેન્ટના ખિસ્સામાંથી ફોન કાઢી મિતેશ ને ફોન લગાવે છે) નહીં આવે!

કેતકી: સારું હું જાતે મેકઅપ કરી લઈશ.

વિ. આસિ: મેકઅપના સામાન ને હાથ નહીં લગાવવાનો!

કેતકી: કેમ?

વિ. આસિ: હાથ ધોયા?

કેતકી: હાં ધોયા.

વિ. આસિ: પણ અંદર સાબુ છે ક્યાં? (કેતકી પેલા વિ. આસિ સામે ગુસ્સાથી જોઈ અને પછી ગ્રીન રૂમ ની બહાર નીકળી જાય છે) આઈ મોટી હિરોઈન! (બ્લેક આઉટ. બ્લેકઆઉટ માં ફ્લશ નો સાઉન્ડ ઇફેક્ટ, લાઈટસ, ચેતન ટોયલેટ નો દરવાજો ખોલી રૂમાલથી હાથ લૂછતો બહાર આવે છે)

ચેતન: પેલી બચારી ને ઝાડા થયા'તા ને એ સંડાસ ગઈ એટલે મેકઅપ નહીં કરવાનો? મિતેશિયાને કારણ પૂછવું પડશે.

કેતન: મને પણ એ જ વિચાર થયો કે સંડાસ જવાથી કોઈની સુંદરતાનો ગ્રાફ નીચે કેવી રીતે આવી શકે?

ચેતન: રાજુ શ્રીવાસ્તવ નો જોક યાદ આવી ગયો!

કેતન: પેલો ને, યે અપની ઐશ્વર્યા, બિપાશા, કરીના વગૈરા સંડાસ જાતી હે કે નહી?

ચેતન: કભી ફિલ્મો મેં ઉનોકો સંડાસ જાતે દિખાયા નહી… ઇસલિયે પૂછા…

કેતન: યાર મસ્ત કોમેડીયન હતો રાજુ શ્રીવાસ્તવ.

ચેતન: ભગવાન એની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

કેતન: અમુકને હિરોઈન સંડાસ જાય છે કે નહીં એની ચિંતા થાય..

ચેતન: કોઈના માટે હિરોઈન સંડાસ ગયા પછી હિરોઈન નથી રહેતી. જબરુ ભાઈ. ગ્રીન રૂમમાં સંડાસ હોવું એક્ટર માટે બહુ મોટી સુગમતા તો છે જ. બાકી  વિચાર કર, કે જો ગ્રીન રૂમ માં સંડાસ ના હોય તો?

કેતન: નહીં તો દો કિલોમીટર દૂર રેલવે કી પટરી પે…. એવા હાલ થાય. ગ્રીનની બહાર જવું પડે એટલે ઓડિયન્સને ખબર પડી  જાય કે ભાઈ એક્ટર જઈ આવ્યો છે. એમ તો દરેક ઓડિટોરિયમના ગ્રીન રૂમમાં વગર ચુકે આ સગવડ આપે છે એ સારી વાત છે, બાકી આપણે તો કેવી કેવી જગ્યાએ નાટકો ભજવ્યા છે.

ચેતન: હોવ! ગ્રીન રૂમ તો બહુ દુર ની વાત, ક્યારે કોઈ નિશાળમાં ઘરના ઓટલા જેટલું સ્ટેજ હોય, તો ક્યારેય કોઈ ગામના ખુલ્લા મેદાનમાં રાતોરાત ચણીને બનાવેલું એમ્ફિથિયેટર. ને નાટક ભજવતી વખતે પવન ફૂંકાય તો ધરતીકંપ થતો હોય એમ નાટકનો સેટ ધ્રુજે…

કેતન: અરે એક ગામમાં નાટક ભજવતા હતા એમાં ચાલુ નાટકમાં એવો પવન ફૂંકાયો કે સેટ ઉડી ગયો, સ્ટેન્ડ પર ગોઠવેલી લાઈટ પડી ગઈ, માઇકમાં સિસોટીઓ વાગવા લાગી…કે જાણે કુદરતને એ નાટકની ભજવણી માં મજા ના આવી હોય.

ચેતન: અરે એક વાર જુનાગઢ બાજુ કોઈક ગામમાં નાટક ભજવવા માટે ગયા'તા. એક બગીચામાં લાકડાના પાટિયા પર સ્ટેજ ઉભું કર્યું હતું. અને એની ઉપર ક્રોમા shoot માટે પેલું લીલું કપડું વપરાય ને, એ લગાવી માસ્કીગં કરેલું. સ્ટેજને અડીને ઝાડીઓ હતી (આટલી). ભારતયા ને એન્ટ્રી લેવાની દોડીને. જેવો દોડીને સ્ટેજ પર એન્ટ્રી લેવા ગયો, પેલા કપડા પરથી પગ લપસ્યો અને ભારતયો પડ્યો પેલી ઝાડીઓમાં. ઓડિયન્સમાં બધા હસે. ને પેલો હેમાંગયો સ્ટેજ પર જ, ચાલુ નાટકમાં પેટ પકડીને હસે!

કેતન: કયો? બામણ કે વાણિયો?

ચેતન: બામણ…

કેતન: બરાબર..

ચેતન: બે ઘડી માટે તો ઓડિયન્સ ને નાટકના બદલે એક્ટરના સ્ટેજ પરથી પડી જવાની આકસ્મિક ઘટનામાં વધારે મજા આવી.

કેતન: કોઈકના પડી જવાની લોકો મજા તો માણતા જ હોય છે. નહીં?

ચેતન: હા ભાઈ ફિલોસોફર, તત્વચિંતક!

કેતન: તું જ કહે સાચું કે નહી?

ચેતન: તું બહુ વિચારે છે યાર!

કેતન: કદાચ એટલે જ એક્ટર છું…

ચેતન: પણ વિચારોનો લોડ લઇને કેમ ફરવું? રિલેક્સ! મગજ મસ્ત રહેવું જોઈએ.

કેતન: ને કાંઈક પણ વિચારપૂર્વક ના કરીએ એનું પરિણામ કેવું થાય?

ચેતન: કેવું થાય?

કેતન: હું તને પૂછું છું.

ચેતન: મને તો એટલું જ ખબર છે વિચારો કે ના વિચારો જે થવાનું હોય એ જ થાય ભઈલા!

કેતન: હું ફિલોસોફર ને તું રમતા જોગી!

ચેતન: હમ તો ભાઈ ફકીર હે ચલ દેંગે ઝોલા ઉઠાકે… (કેતનને ફોન કોલ)

કેતન: બોલો બોલો… હા.. હા મને યાદ છે. તમારો મેસેજ જોયો હમણાં… કાલે પાકું. મને યાદ છે. (ફોન કટ) આજે પેમેન્ટ આવે એટલે ઘડીક વાર માટે શાંતિ.

ચેતન: શું થયું?

કેતન: આપણા જેવા એક્ટર્સનો આર્થિક સંઘર્ષ બીજું શું.

ચેતન: બે યાર એક વાત કહું, તું સાઈડમાં કોઈ જોબ કરીલે યાર.

કેતન: તું જોબ કરવાનો છે?

ચેતન: ના.

કેતન: તો પછી મને કેમ કહે છે?

ચેતન: તો તારા ભલા માટે જ કહું છું ને.

કેતન: એ તો મને પણ ખબર છે. પણ હું એવું માનું છું કે બીજા ને સલાહ આપવા પહેલા એ વાત માણસે પોતાના જીવનમાં સાકાર કરેલી હોવી જોઈએ. તો જ એ સલાહ નો યથાર્થ કાયમ રહે.

ચેતન: હા ભાઈ હા, આવા અઘરા શબ્દો ના વાપર. બહુ જલ્દી પારો ચઢી જાય છે તારો.

કેતન: પારો તો દેવદાસમાં હતી ને..

ચેતન: સાલો PJ. મગજ પર જબરો હથોડો માર્યો!

કેતન: મને કહે, શું તારે કરકસર નથી કરવી પડતી?

ચેતન: કરવી જ પડે છે યાર…

કેતન: તો પછી.

ચેતન: અને તો સારું છે કે યાર આપણને કોઈ વ્યસન નથી અને આજે પેમેન્ટ મળશે તેની તો હું પણ રાહ જોઈ રહ્યો છું.

કેતન: આપણી પેમેન્ટ સિસ્ટમ જબરી છે નહી. કવર મળે કવર. અંદર શું એ ખોલ્યા પછી જ ખબર પડે.

ચેતન: મનસુખલાલ સાથે ક્યારે કામ કર્યું છે?

કેતન: ના. એકવાર મળ્યો છું બસ. પણ તને મનસુખ કેમ યાદ આવી ગયો?

ચેતન: તે પેમેન્ટ ની વાત કરીને એના પરથી.

કેતન: અરે એણે એક વાર શું કર્યું’તું ખબર…

ચેતન: પહેલા મારી વાત સાંભળો.

કેતન: અરે પણ…

ચેતન: હવે મારો વારો.

કેતન: સારું ત્યારે ચલાવ આગળ…

ચેતન: હું નવો નવો નાટકોમાં જોડાયેલો મનસુખલાલ સાથે. એમના એ નાટકમાં નાનો રોલ કરતો અને બેકસ્ટેજ પણ. નાટકનું શરૂ-શરૂમાં તો રેગ્યુલર પેમેન્ટ મળી રહેતું. પણ પછી મનસુખલાલ ના નાટક શરૂ થયા.

કેતન: એટલે?

ચેતન: એટલે કે પેલા નાટકના શો તો થયા કરે પણ પેમેન્ટના કોઈ ઠેકાણા નહીં. મનસુખલાલ “આવતા શોમાં પેમેન્ટ કરીશ”, એમ કહી કહીને ઘણા બધા શો ખેંચી નાખ્યા.

કેતન: તો કોઈએ કંઈ કહ્યું નહીં?

ચેતન: સિનિયર એક્ટર્સ એ બધાની સાથે નક્કી કર્યું કે, હવે મનસુખલાલ બોલાવે તો જવાનું નહીં. મનસુખલાલ ને આ વાતની ખબર હતી તો પણ એણે એક શો નક્કી કરી લીધો. પછી જેમ તેમ કરી બધાને ભેગા કર્યા ને કીધું કે આ શોમાં આગલા બધા શોના બાકી પેમેન્ટ ચૂકવી દેશે. પણ આ વખતે બધા એક્ટર્સ એ પણ મનસુખલાલ ને પાઠ ભણાવવાનું નક્કી કરી રાખ્યું હતું, કે થર્ડ બેલ પહેલા જો પેમેન્ટ ના મળે તો સ્ટેજ પર જવાનું જ નહીં. કારણ મનસુખલાલ કેવું કરે, કે એકવાર નાટક શરૂ થઈ જાય પછી ગાયબ. ના હોલ પર હાજર હોય કે ના ફોન ઉપાડે. બધા એક્ટર્સ કોસ્ચ્યુમ મેકઅપ સાથે તૈયાર… પ્રાર્થના કરી. પહેલો બેલ, બીજો બેલ….ત્રીજો બેલ વાગ્યો ત્યાં તો બધાએ ધાર્યું હતું એ કરવાના જ હતા, ત્યારે ગ્રીન રૂમ નો દરવાજો ખોલી મનસુખલાલ અંદર ધસી આવ્યો એના હાથમાં કવર હતા. ઉતાવળે બધાને કવર થમાવાતા કહેવા લાગ્યો,

મનસુખલાલ:  ચાલો.. ચાલો જલ્દી ત્રીજો બેલ વાગી ગયો છે. નાટક શરૂ કરો… ચાલો ચાલો! જેને જેને કવર મળી ગયા હોય એ સ્ટેજ પર જઈ પોતાની એન્ટ્રી માટે ગોઠવાઈ જાઓ. ચાલો…ચાલો ત્રીજો બેલ વાગી ગયો છે નાટક શરૂ કરો…

ચેતન: ત્યારે કોઈ બોલ્યું કે સર વાઉચર સહી કરીને હમણાં જ આપી દઈએ ને.

મનસુખલાલ: ના…ના હમણાં વાઉચરની કોઈ ઉતાવળ નથી. કવર હવે ઘરે જઈને જ ખોલજો. પહેલા નાટક પતાવો. ચાલો…ચાલો. થર્ડ બેલ વાગી ગયો છે. નાટક શરૂ થવાનો સમય થઈ ગયો છે ચાલો… ચાલો.

ચેતન: ત્યાં તો ઓડિટોરિયમ માં એનાઉન્સમેન્ટ શરૂ થઈ ગયું.. મ્યુઝિક શરૂ થઈ ગયું. લીડ એકટર સ્ટેજ પર એન્ટ્રી માટે  વિંગ માં રેડી થઈ ગયા. બધા ગ્રીન રૂમની બહાર નીકળી ગયા હતા. હું ગ્રીન રૂમમાં બેઠો’તો કારણ મારી એન્ટ્રીને હજી વાર હતી. મનસુખલાલએ એવું કીધું કે કવર હવે ઘરે જઈને ખોલજો એ વાત મારા મનમાં ખટકી. રહેવાયું નહીં ને કવર ખુલી જોયું તો..

કેતન: તો શું?

ચેતન: કવરની અંદરથી ફક્ત એક ચિઠ્ઠી નીકળી એમાં લખ્યું હતું કે…

મનસુખલાલ: હમણાં રૂપિયાની સગવડ નથી, આવશે એટલે પેમેન્ટ કરી દેવાશે. ત્યાં સુધી રાહ જોવા વિનંતી અને અસુવિધા માટે ખેદ. લિ. મનસુખલાલ.

કેતન: પછી શું થયું?

ચેતન: જે કાયમ થતું આવેલું મનસુખલાલ હોલમાંથી ગાયબ અને ફોન સ્વીચ ઓફ.

કેતન: નાટકનું શું થયું? હું એ પૂછવા માંગતો હતો.

ચેતન: એક-એક કરી બધાને ખબર પડી ગઈ ઇન્ટરવલ સુધી, કે મનસુખલાલ આજે પણ દાવ મારી ગયો છે બધાની સાથે. પણ બધા એક્ટર્સ મોટા જીગર વાળા ખરા ને અને “શો મસ્ટ ગો ઓન” એ વાતમાં શ્રદ્ધા રાખનારા. એટલે શો તો પૂરો કર્યો કે મનસુખલાલ ની નફ્ફટાઈ માં ઓડિયન્સનું શું વાંક?

કેતન: વાત તો સો ટકા સાચી છે.  પછી મનસુખલાલ નું શું કર્યું?

ચેતન: ભાઈ ત્યારે તો આપણે નવા નવા લબર મૂછ્યા શું કરીએ? એના મોબાઈલ નંબર સિવાય કોઈ પત્તો ઠેકાણું ખબર નહીં. જે લોકોએ ઘર જોયું હતું એ પહોંચી ગયા એના ઘરે. પણ ત્યાં જઈને તારીખ પે તારીખ જ. હું તો ભૂલી જ ગયો હતો, તો એક દિવસ મને કોલ આવ્યો. મેં ઉપાડ્યો નહી, કે આને હવે શું છે. બે ત્રણ વાર એવું થયું તો મેસેજ મોકલ્યો કે ભાઈ ચેતન પેલું પેમેન્ટ લઈ જજે.

કેતન: મોડેથી ખરું પણ પેમેન્ટ આપ્યું. એટલે ચૂકવવાની દાનત હતી તો ખરી. બાકી હશે કોઈ મજબૂરી.

ચેતન: હવે પેમેન્ટ મળી ગયા પછી તો એવું જ કહી શકાય. સમય સમયની કિંમત હોય છે યાર. તે વખતે પેમેન્ટ સમયસર ના મળવાને લીધે જે રીતે હું રૂપિયા માટે હેરાન થયો છું ને, એ હું જ જાણું છું. મારી જેમ બીજા બધા આર્ટિસ્ટને પણ તકલીફનો સામનો કરવો જ પડ્યો હશે ને. હશે મનસુખલાલ ને કોઈ મજબૂરી, પણ બીજા બધાનો સેજ પણ વિચાર કરવાનો જ નહીં?

કેતન: હે ને… વિચાર કરવો પડે ને!

ચેતન:હા હવે વિચારવાળી…બહુ ડાહી ખબર છે.

કેતન: જલીના તેરી ભી જલીના… પછી નાટકનું શું થયું?

ચેતન: નાટક ડબ્બામાં જ જાય ને ડિરેક્ટર જો પેમેન્ટની બાબતમા રેઢિયાળ હોય તો. એ નાટકમાં આપણા દાદુ પણ હતા. દાદુ મનસુખલાલ ને ક્યાંક ભટકાઈ ગયા પેલા શો પછી. તો મનસુખલાલ કહે,

મનસુખલાલ: ઓહો સારું થયું તમે મળી ગયા. તમને ફોન કરવાનો જ હતો. તમારા પેમેન્ટ ની વ્યવસ્થા કરી રાખી છે હો્. આપણા નાટક ના શો માટે ઇન્કવાયરી છે. તમારી ડેટ આપો એ પ્રમાણે રિહર્સલ અને શો ગોઠવીએ.

ચેતન: દાદુએ મનસુખલાલ ને કવર થમાવીને બોલ્યા,

દાદુ: આમાં બધી વિગતો છે વાંચી લેજો..અં..અં કવર ઘરે જઈને ખોલજો કંઈ ઉતાવળ નથી.

ચેતન: દાદુ નિકળી ગયા ને મનસુખલાએ તરત કવર ત્યાં જ કવર ખુલી જોયું, અંદર ચિઠ્ઠીમાં લખ્યું હતું,

દાદુ: અત્યારે એક પણ તારીખ નો મેળ નહીં પડે. તમારી તરફથી જે બાકી પેમેન્ટ છે એ આવે એટલે તારીખ ની જાણ કરી દેવામાં આવશે, ત્યાં સુધી રાહ જોવા વિનંતી અને અસુવિધા માટે ખેદ. લિ. દાદુ.

કેતન: યાર દાદુ ખરેખર દાદુ છે!

ચેતન: સાચે જ યાર..

કેતન: લાગે છે કે દાદુ કવર તૈયાર કરી, જોડે લઇ ને જ ફરતા હતા.

ચેતન: અનુભવ, મનસુખલાલ ની સાથે કામ કરી, એની રગેરગ થી વાકેફ થઈ ગયા હશે ત્યારે જ આટલું લાંબુ વિચારી શક્યા. બધાને ગુસ્સો કઈ વાત પર હતો ખબર, કે મનસુખલાલએ બધાને દૂ બનાવી પોતાનું કામ કરાવી રાખ્યું. આ તો યાર આપણા નાટક જગત નો ખુબ જ ચર્ચાસ્પદ/ચર્ચાયેલો કિસ્સો છે. તને ખબર જ નહિ?

કેતન: ના.

ચેતન: બરાબર. તો તારી જોડે શું દાવ માર્યો હતો?

કેતન: મારા એકલાની સાથે નહીં, કોલેજમાં નાટકની અમારી જે ટીમ હતી ને એ બધાની સાથે.

ચેતન: લાગે છે કે મનસુખલાને લોક ટોળા સાથે ચેડા કરવાની ટેવ છે. શું થયું હતું?

કેતન:  રિહર્સલ પતાવીને અમે બધા બેઠા’તા. તેજસભાઈ અને એમની સાથે કોઈ માણસ હતો એ બન્ને અમારી પાસે આવ્યા.

તેજસ: મિત્રો આ મનસુખલાલભાઈ છે. તેઓ ઘણા વર્ષોથી નાટકોમાં અભિનય કરી રહ્યા છે અને ખૂબ સારા સારા નાટકો એમણે બનાવ્યા છે.

ચેતન: નાટકો ના નામ પર લોકોને બનાવ્યા છે!

કેતન: એ.. વાત સાંભળવી છે કે નહીં?

તેજસ: આપણું રિહર્સલ  જોવા આવેલા. મનસુખભાઈ, શું કહેશો છોકરાઓને.

મનસુખલાલ: અરે શું કહું આમને!  બહુ સરસ.. બહુ સરસ..તમારું રિહર્સલ જોવામાં તો મજા પડી ગઈ. બહુ સરસ કામ કરો છો બધા. ગમ્યું મને…ગમ્યું. તો તેજસભાઈ ક્યારે છે શો? અને હું તમને મદદરૂપ થઈ શકતો હોવ તો નીસંકોચપણે કહેજો.

તેજસ: જરૂર. શો બે દિવસ પછી છે, એટલે આજ થી ડબલ રિહર્સલ રહેશે. સવારે એને રાત્રે પણ.

મનસુખલાલ: એમ, આજે રાત્રે પણ છે રિહર્સલ? તેજસભાઈ મને આ બધાનું કામ બહુ ગમ્યું છે એટલે આજે રાત્રે રિહર્સલ હોય ત્યારે રાતનું જમવાનું મારા તરફથી.

તેજસ: અરે ના..ના તમને શું કામ તકલીફ આપવી.

મનસુખલાલ: એમા તકલીફ શેની? આપણા જ છોકરાઓ છે. આપણા નાટક જગતનું ભવિષ્ય છે. છોકરાઓ આજે રાતનું જમવાનું મારા તરફથી એટલે કોઈ કંઈ લાવતા નહીં. મળીએ રાત્રે.. (મનસુખલાલ સ્ટેજ પરથી એક્ઝિટ લઈ લે છે. લાઈટ ઇફેક્ટ)

કેતન: મનસુખલાલ ની રાહ જોતા જોતા તો રિહર્ષલ પતવા આવ્યું.

ચેતન: પણ મનસુખલાલ નહીં આવ્યો હોય, હે ને? મને ખબરને એ…

કેતન: First impression should not be the last impression always. એ આવ્યો… (મનસુખલાલ સ્ટેજ પર એન્ટર થાય છે હાથમાં પ્લાસ્ટિકનો થયેલો છે)

મનસુખલાલ: સોરી છોકરાઓ આવવામાં થોડું મોડું થઈ ગયું. ભૂખ લાગી હશે નહીં? આ લો.. (પેલા પ્લાસ્ટિકના થેલામાંથી સિંગ ચણાના પડીકા કાઢીને બધાને વહેંચે છે) તેજસભાઈ તમે પણ લો.. આ…લો તમે તો નાટકના ડિરેક્ટર છો આ..લો તમે એક નહીં બે રાખો.. શરૂ કરો.

તેજસ: તમે પણ લો અમારી ભેગા.

મનસુખલાલ: હમણાં જ ઘરેથી જમીને આવ્યો છું. સારું ત્યારે હું નીકળું. ઓલ ધ બેસ્ટ છોકરાઓ! જલસા કરો! (મનસુખલાલ ની એક્ઝેટ)

તેજસ: તો બોલો માણેકચોક જવું છે કે લો ગાર્ડન?

બધા એક્ટર્સ: માણેકચોક!

તેજસ: ચાલો ત્યારે!  (ચેતન અને કેતન સિવાયના બધા એક્ટ્રેસ સ્ટેજ પરથી એક્ઝિટ લઈ લે છે ચેતન જોર જોરથી હસે છે)

ચેતન: સિંગ-ચણા સિંગ-ચણા…

કેતન: સાચે’લા. બોલ બીજા કોઈને પૂછવું છે કે વાત સાચી કે ખોટી.

ચેતન: ભાઈ તું કહે છે તો સાચું જ હશે મને સિંગ-ચણા સાંભળી હસું રહેવાતું નથી.

કેતન: તે દિવસે તેજસભાઈ ની ગેરહાજરીમાં અમે બધાએ મનસુખલાલ ને એટલી બધી ગાળો આપી કે મન ભરાય પણ પેટ ના ભરાય.

ચેતન: મનસુખલાલ આયો બાપા સિંગ-ચણા લાયો કેવો ભરાયો કેતન… કેવો ભરાયો..

કેતન: અરે હું જ નહીં અમારી આખી આખી નાટકની ટીમ. અને તે દિવસે એ પણ શીખવા મળ્યું કે પ્લાન એ સાથે પ્લાન બી રેડી રાખવો.

ચેતન: હવે મને ખાતરી થાય છે કે મનસુખલાલ વિકૃત સ્વભાવવાનો છે . sadist ટાઈપ.

કેતન: હોઈ શકે. કોને ખબર.

ચેતન: લે…બે-બે અનુભવ જાણ્યા પછી પણ કહે છે કોને ખબર? એનું નામ જ એના સ્વભાવની ચાડી ખાય છે. પોતાના મનને સુખ આપવા માટે બીજાની લાલ કરવાની, મનસુખલાલ!  

કેતન: યાર મારે કોઈની બાબતમાં છે ને જજમેન્ટલ/judgemental નથી થવું.

ચેતન: એમ? ને તું જ્યારે બહુ મોટી મોટી નૈતિકાની વાતો કરતો હોય છે ત્યારે? ત્યારે શું હોય છે તું?

કેતન: એટલે હા હું છું જજમેન્ટલ અને નથી પણ.

ચેતન: વાંધો નહીં મને સમજાય ગયું.

કેતન: શું સમજાઈ ગયું?

ચેતન: મનસુખલાલ ની બહુ તરફદારી કરી રહ્યો છે ને, “મજબૂરી હશે”, “રૂપિયા આપવાની દાનત તો હતી”, “એની બાબતમાં જજમેન્ટલ નથી થવું”, હમ્મ.. મનસુખલાલ ની છોકરી ગમી ગઈ લાગે છે.

કેતન: એને દીકરી છે? મને નથી ખબર હો ભાઈ આ વાત.

ચેતન: એમ? દીકરી છે ને એ પણ એકની એક અને ફટાકડી! તારી વાત ચલાવવી છે બોલ?

કેતન: ના ભાઈ! એક જ વાર સામનો થયો છે વ્યક્તિ સાથે અને હવે ક્યારે ના થાય એવી ભગવાનને પ્રાર્થના. એની દીકરી નાટક-એક્ટિંગ કરે છે કે શું?

ચેતન: કરે છે ને ખાસ કરીને કમર્શિયલ નાટકો માં.  સારું હમણાં તે મને સંતવાણી સંભળાવી હતી એ શું? સમજાવ મને.

કેતન: કઈ સંતવાણી ભાઈ?

ચેતન: અરે પેલું તારું પ્રવચન શું કહ્યુ’તું  તે હમણાં first impression…last impression..

કેતન: first impression should not be the last impression always.

ચેતન: હા. કારણ first impression is the last impression ને.

કેતન: એ તો આપણને રટાવી દેવામાં આવ્યું છે. બાકી મારો વિચાર એના કરતાં સાવ વિપરીત છે.

ચેતન: હાં તો એ કેવી રીતે?

કેતન: જો, કોઈપણ વ્યક્તિ સાથે આપણે પહેલીવાર મળ્યા હોઈએ અને પછી એ વ્યક્તિને થોડીક નજીકથી કે ઊંડાણપૂર્વક જાણતા જે અનુભવ થયો હોય, એ પહેલીવારની સરખામણીમાં જુદો હોય છે કે નહીં?

ચેતન: ઉમ્મ…

કેતન: જેમ કે તારો જ દાખલો લઈએ. તારી girlfriendને તું પહેલી વાર મળ્યો હોઈશ તો તને લાગ્યું હશે કે યાર આના જેવી બીજી કોઈ છોકરી જ નથી દુનિયામાં. જ્યારે તારું બ્રેકઅપ થયું પછી એવું લાગ્યું ને કે સારું થયું જીવનમાંથી પનોતી ગઈ. હવે આ બે ઘટનાઓ વચ્ચે જમીન આસમાન નો તફાવત હોય, તો પછી first impression અને last impression સરખા કેવી રીતે? માણસ યાર હંમેશા પરિસ્થિતિના આધારે વર્તતો હોય છે. એટલે પહેલી જ વારમાં આપણા મન પર એની સારી કે ખરાબ છાપ કાયમ માટે ચોંટાડી રાખવી બરાબર નથી. શું થયું?

ચેતન: આ તે દાખલો આપીને સમજાવ્યું એ બરાબર છે, સમજ પડી ગઈ. પણ પછી મારો પર્સનલ દાખલો?

કેતન: અરે એ તો તું એ વાત સાથે રીલેટ કરી શકે એટલે. એવું જ હોય તો મારો દાખલો લેને. તું મને પહેલી વાર મળ્યો હતો ત્યારે તને મારા વિશે શું લાગ્યું હતું?

ચેતન: કે સાલો અકડુ છે.

કેતન: અને હવે?

ચેતન: હજી પણ એ જ લાગે છે.

કેતન: સાલા તારી તો...

ચેતન: એ સાલા ની બોલને કા સાલા…

કેતન: ચેતનયા ફીમેલ ગ્રીન રૂમ માં કેવો માહોલ રહેતો હશે?

ચેતન: ઉ હું... રહા નહિ જાતા હમ્મ.. તડપ હી કુછ એસી હે?

કેતન: શું હશે એ પૂછું છું ખાલી, કદાચ તને ખબર હોય.

ચેતન: ભાઈ જે ગામ જવું નથી એ ગામનો રસ્તો જાણીને કરવું શું? તારે કરવું છે શું?

કેતન: એક વિચાર આવ્યો, પેલી કેતકીની વાત પરથી. ફિમેલ એક્ટર ને મેલ ગ્રીન રૂમ નું એક્સેસ છે પણ મેલ એક્ટરને એ નથી. એમની પ્રાઇવેસી, પ્રાઇવેસી છે અને આપણું જનરલ કમ્પાર્ટમેન્ટ, જેને ઘુસવુ હોય ધુસી જાવ. આપણું ગ્રીન રૂમ છે, કે ગોડાઉન/godown? બધી પ્રોપર્ટીઝ/properties ત્યાં પડી હોય, ઇસ્ત્રી વાળા થી લઈને સેટ વાળા બધા ત્યાં જ ભેગા થયા હોય. આપણે જે પહેલું ફેમિલી ડ્રામા કરીએ છીએ ને, એ નાટકના એક શો વખતે કેવું થયું કે બધા મેલ એક્ટર્સ કોસ્ચ્યુમ ચેન્જ કરી રહ્યા હતા. બધા ચડ્ડીમાં હતા’લા. અચાનક પેલી છોકરી જે નોકરાણી નો રોલ કરે છે એ ગ્રીન રૂમનો દરવાજો ખોલી દોડતી અંદર ધુસી અને જે બેગમાં બધી પ્રોપર્ટી હતી તેમાંથી જોઈતી પ્રોપર્ટી ઉઠાવી જતી રહી, કારણ પેલી પ્રોપર્ટી બેકસ્ટેજ જ્યાં હોવી જોઈએ ત્યાં નહોતી મુકાઈ.  હવે આ જ ઘટના ના પાત્રો બદલી નાખ અને વિચારી જો. એ પુરુષના ચરિત્ર નું કેવું ચીરહરણ થશે એ તું વિચારી જ શકે છે. બીજું કે એવું જ કહેવામાં આવશે કે પેલા એ જાણી જોઈને એવું કર્યું.

ચેતન: તો આ ઘટના બની એની મને કેમ ખબર નથી? (મને તો એવું કંઈ યાદ નથી)

કેતન: કેમ કે તું એ નાટકમાં ઘણા બધા શો પછી જોડાયો.

ચેતન: અચ્છા એમ, જો પહેલી વાત તો એ કે તું બહુ વિચારે છે. ઉપરવાળાએ લાગે છે કે તારી સિસ્ટમમાં વિચારોનો એક્સ્ટ્રા કોઠો નાખી દીધો છે. બીજી વાત આવું કશું થાય જ નહીં કારણ એ લોકો ના ફંડા બહું clear છે. ને ત્રીજું કે પેલું તે સાંભળ્યું હશે ને કે અમુકને દંડ છે અમુકને છૂટ. એવી ગોઠવણ છે ભાઈ આતો.

કેતન: બે યાર હું બહુ વિચારું છું એના સિવાય બીજું કોઈ તર્ક જ નથી તારી પાસે?

ચેતન: બીજો કોઈ તર્ક શોધી આપવા માટે મગજ પર લોડ નથી લેવો હો ભઈલા. આ એક જ બરાબર છે.

કેતન: ને આ શું અમુક ને દંડને અમુકને છૂટ. મારી સામે ખુલીને બોલ. શરમાય શેનો?

ચેતન: સમજદાર છે ને યાર તું તો. ઈશારો જ કાફી છે. એમ તો કોઈની બીક નથી પણ ગ્રીન રૂમ ના કાન બહુ તેજ હોય છે.

કેતન: યાર અત્યાર સુધી આપણે જે બધી વાતો કરી ત્યારે ગ્રીન રૂમના કાન તેજ નહોતા?

ચેતન: એ અમુક સમય-સંજોગ પછી જ ઉગી આવતા હોય છે.

કેતન: તારું આ અમુક-અમુક પાછો આવી ગયું. સમય સંજોગની શું અસર છે?

ચેતન: અમુક સમયે... એટલે કે સમજવાનો પ્રયત્ન કર. હવે જો બીજા બધા આવતા જ હશે. એક-એક કરીને કે એક સામટા. ત્યારે કંઈ પણ બોલતા પહેલા ધ્યાન રાખવું. અને જે નાટક ભજવવા માટે ભેગા થયા હોઈએ ને એ નાટક વિષયની તો કોઈ પણ ચર્ચા જ કરવી નહીં. (ચેતન છેલ્લું વાક્ય બોલતા પાદે છે, એનો સાઉન્ડ ઇફેક્ટ)

કેતન: ધડાકો કર્યો ભાઈ તે તો. હમણાં પેટ ખાલી કરી આવ્યો છે તો પણ?

ચેતન: ઘન પદાર્થ નીકળી ગયો, પણ લાગે છે કે વાયુ પદાર્થ નીકળવાનો બાકી રહી ગયો.

કેતન: બટાકા ઓછા ખા અને પાણી વધારે પી.

ચેતન: એ જ તો કરી રહ્યો છું (ચેતન બોટલ માં થી પાણી પીતા બોલે છે) બાકી એકવાર ભરાઈ ગયો હોત.

કેતન: કેવી રીતે?

ચેતન: જવા દેને યાર.

કેતન: અરે બોલને..

ચેતન: યાર ક્યાંથી બોલાઈ ગયું મારાથી (ચેતન દરવાજો ખોલી, બારીની બહાર જોવે છે કે કોઈ છે કે નહીં) આપણા આ નાટકનો સુરતમાં શો હતો.

કેતન: હં તો…

ચેતન: પ્રાર્થના પત્યા પછી હું કોસ્ટ્યુમ ચેન્જ કરવા માટે ગ્રીન રૂમમાં આવ્યો. ત્યારે ગ્રીન રૂમમાં કોઈ જ નહોતું. તોય હું છે ને પેલા ગ્રીન રૂમમાં પાર્ટીશન કરીને જે ચેન્ગીંગ રૂમ બનાવેલો હતો એમાં ચેન્જ કરવા માટે અંદર ગયો અને દરવાજો વાંખી દીધો. (આ ડાયલોગ દરીયાન ચેતન અને કેતન ચન્ગીંગ રૂમ માં પ્રવેશે છે) ગ્રીન રૂમ નો દરવાજો ખોલી કોઈ અંદર આવ્યું હોય એવું લાગ્યું. અવાજ પરથી ખબર પડી ગઈ કે આપણા ડિરેક્ટર અને લીડએક્ટરનો રોલ કરતો એમનો સુપુત્ર છે. (ડિરેક્ટર અને એનો સુપુત્ર સ્ટેજ પર એન્ટ્રી લે છે. સુપુત્ર ફોન પર વાત કરી રહ્યો છે. ડિરેક્ટર ખુરશી પર બેસી એના મોબાઈલ માં જોતો હોય છે)

સુપુત્ર: અરે thank you thank you. આવો ક્યારે નાટક જોવા. Sure! તમને inform કરીશ ને. ઓકે Bye.

ડિરેક્ટર: બેસ અહીં, એક વાત કહેવી છે.

સુપુત્ર: બોલો.

ડિરેક્ટર: તારો જે છેલ્લો મોનોલોગ છે એ તું બરાબર નથી બોલતો. નથી મજા આવતી. નાટક નું ક્લાઈમેસક છે, પકડ રહવી જોઇએ. ને છેલ્લા વાક્ય માં તે કંઇક શબ્દો આગળ પાછળ કર્યા છે. એટલે જે પ્રભાવ પડવો જોઇએ એ નથી પડતો.

સુપુત્ર: પપ્પા હું જે બોલું છું ને એ બરાબર જ છે.

ડિરેક્ટર: તું છે ને હું કહું છું એ માન, ને બેમતલબ ની જીભા જોડી ના કર.

સુપુત્ર: પપ્પા સ્ક્રિપ્ટમાં એ રીતે લખ્યું છે

ડિરેક્ટર: એ રીતે નથી.

સુપુત્ર: એ રીતે જ છે પપ્પા.

ડિરેક્ટર: સારું ચાલ બતાવ મને સ્ક્રીપ્ટ.

સુપુત્ર: સ્ક્રીપ્ટ નથી..

ડિરેક્ટર: ક્યાં ગઈ તારી સ્ક્રીપ્ટ?

સુપુત્ર: ઘરે છે.

ડિરેક્ટર: વાહ! લીડ એક્ટર જ પોતાની સ્ક્રીપ્ટ રીફર ના કરતો હોય તો મારે બીજા એક્ટર પાસે શું અપેક્ષા રાખવી.

સુપુત્ર: પણ પપ્પા હવે તો કેટલા બધા શો કરી નાખ્યા. હવે સ્ક્રીપ લઈને ફરવું કેમ? I am કોન્ફિડન્ટ કે હું એ ડાયલોગ બરાબર જ બોલું છું.

ડિરેક્ટર: શું આવી ટ્રેનિંગ આપી છે મેં તને? તું સ્ક્રીપ્ટ માં અબી હાલ મને બતાવે તો માનું. બાકી ચેતન ને બોલાવીને પૂછવું છે કે કોણ સાચું અને કોણ ખોટું? આખે આખી સ્ક્રીપ્ટ એને મોઢે છે, બાય હાર્ટ. અરે પોતાના ડાયલોગ તો પાક્કા યાદ છે જ બીજા એક્ટર્સ ના ડાયલોગ પણ એને બરાબર યાદ છે. બોલ એને બોલાવી કરવું છે દૂધનું દૂધ અને પાણીનું પાણી?

ચેતન: કેતનીયા બે ઘડી માટે તો યાર મન આનંદવિભોર થઈ ગયું. છાતી ગર્વથી ફુલાઈ ગઈ. થયું કે યાર આપણા ડિરેક્ટર કેવા માણસ પારખું છે. મહેનત કરનાર ની કદર કરે છે. એવું લાગ્યું યાર કે તમે ક્યારે સેજ વધારે મહેનત કરો ને, એનો તમને યશ તો મળે જ છે.

કેતન: તું યાર આખી સ્ક્રીપ્ટ કેવી રીતે ગોખી નાખે છે મને એ નથી સમજાતું. ત્યારે તારા મગજ પર લોડ નથી પડતો?

ચેતન: જો ભાઈ જે જરૂરી છે એ જ લોડ લેવાનો બાકી નહીં.

કેતન: બરાબર. જેવી તારી મરજી. બસ અહીં વાત પતી ગઈ?

ચેતન: ના..લા ડિરેક્ટર છેલ્લું વાક્ય બોલ્યા અને પછી પેલો પ્રેમ કહે છે એમ, લંબી ખામોશી... પછી ડિરેક્ટરનો અવાજ સંભળાયો.

ડિરેક્ટર: ચુપ થઈ જા ચાલ... આવું ના કરીશ ડાહ્યો છે ને.

ચેતન: મને કંઈ ખબર ના પડી પણ પછી મને આપણા લીડ એક્ટર ના ડુસકા સંભળાયા.

સુપુત્ર: તમને તો છે ને હંમેશા ઘર કી મુરગી દાલ બરાબર લાગી છે. મારા કામને ક્યારે તમે એપ્રિસિયેટ કર્યું છે? તમને પેલા ફાલતુ એક્ટર ચેતનીયા પર ભરોસો છે પણ પોતાના દીકરા પર નથી. હે ને? જાવ નહીં કરું હવે પછી તમારી સાથે કામ.

ડિરેક્ટર: બેટા શાંત થતાં.. આમ રડીશ નહીં. શો પહેલાં આવું રોઈશ તો સારું પરફોર્મ કેવી રીતે કરીશ? મારો ડાહ્યો દીકરો… ચાલ છાનો રહે હવે.

સુપુત્ર: હું નથી તમારો ડાહ્યો દીકરો. તમારો વ્હાલો તો પેલો ચેતનીયો છે. એને જ લીડ રોલ આપજો હવે.

ડિરેક્ટર: અરે બેટા ચેતન આપણી સાથે નાટકમાં ફક્ત કામ કરે છે. બાકી કોણે છે એ? ચેતનીયો મારી માટે કોણ? તું તો મારો વ્હાલો દીકરો છે ને. મારો લાડકો, હવે ચાલ છાનો રહે કોઈ જોશે તો શું કહેશે? (ત્યારે જે ચેતન જોરથી પાદે છે એવો સાઉન્ડ ઇફેક્ટ) લાગે છે કે કોઈ છે ચાલ.. (સુપુત્ર જોવા ચેન્ગીંગ રૂમ તરફ આગળ વધતો હોય છે પણ ડિરેક્ટર એનો હાથ પકડીને ગ્રીન રૂમની બહાર લઈ જાય છે)

ચેતન: લસણીયા બટાકા એ દિવસે દાવ કરી દીધો. જોકે એમ તો બચી ગયો કેમ કે જેવા એ લોકો બહાર નીકળ્યા અને બીજા બધા અંદર આવ્યા તો ફટાક કરતો બહાર આવી ગયો. (આ ડાયલોગ દરમિયાન કેતન અને ચેતન બાને ચેન્ગીંગ રૂમ ની બહાર આવી જાય છે) કેતનીયા પેલી ગર્વથી જે છાતી ફુલાઈ ગઈ હતી ને એ બધી હવા બહાર નીકળી ગઈ. જે માણસને મેં જ એક ઉચ્ચ શ્રેણીમાં વિરાજમાન કર્યો હતો એ ક્ષણભરમાં ધડામ કરતો નીચે પડી ગયો. અંગ્રેજીમાં કહેવત છે ને blood is always thicker than water.

કેતન: Nepotism બાપા Nepotism! અને હવે સમજાય છે કે બાપ દીકરો આમ આજકાલ બધાને શંકા ની નજરે કેમ જુવે છે.

ચેતન: તારી પર ભરોસો રાખી, તને વિશ્વાસપાત્ર મિત્ર સમજી આજે આ વાત કહી છે.

કેતન: બાત અબજો નીકળી હે તો દૂર તલક જાયેગી.

ચેતન: સાલો ચુગલચોટી! ચુગલીખોર... બસ આટલો જ ભરોસો રાખી શકું ને તારી પર?

કેતન: કદાચ કોઈ નાટક કે વાર્તા લખું એમાં આ કિસ્સો ઉપયોગમાં લઉ. એ રીતે.

ચેતન: તો વાંધો નહીં પણ નામ બદલીને.

કેતન: એટલી તો ખબર પડે છે ભાઈ.

ચેતન: યાર કેતનીયા, યાર પણ સાવ એવું કે ફાલતુ એક્ટર?

કેતન: હા યાર હું અસહમત છું એ વાત સાથે, કારણ ફાલતુ એક્ટર તો જેકી ભગનાની છે.

ચેતન: હે શું? કેવી રીતે?

કેતન: ના સમજયો?

ચેતન: અચ્છા એમ..સાલા તું PJ, હથોડો  છે તું…

કેતન: વાત ખોટી હોય તો બોલ બાકી સાલા નહીં બોલને કા સાલા..

ચેતન: હા ભાઈ બસ.

કેતન: પણ ચેતનયા તું મને કહે આપણું ભવિષ્ય શું?

ચેતન: ભવિષ્યનું કોને ખબર અને હું ક્યાં જ્યોતિષી છું?

કેતન: એક્ટર તરીકે આપણું ભવિષ્ય શું એમ.

ચેતન: તો પણ યાર કોને ખબર. હાં પણ, we should plan our future

કેતન: બિલકુલ સો ટકા. પરફોર્મિંગ આર્ટસ ભણીને પણ આપણા જેવાની કોઈ કદર નથી. ને નહીં એવા લાડવો લઈ જાય છે.

ચેતન: એવા તો ઘણા છે યાર કે જેમને બગાસું ખાતા પતાસું આયુ.

કેતન: બાકીનાએ ગ્રુપિઝમ અને Nepotism ના લમણા લેવાના? કાં તો તમે કોઈના સગા વ્હાલા હોવ કે પછી કોઈના ચાટુકાર તો જ તમને યોગ્ય ગણવામાં આવશે. નહીં તો જે મળે એ લેવું હોય તો લો નહીં તો ચાલતા બનો. કારણ ડિમાન્ડિસ ઈસ લેસ એન્ડ સપ્લાય ઈસ મોર. યારા એન્ટરટેનમેન્ટની ઈન્ડસ્ટ્રી જ એવી છે જ્યાં ના ઉમ્ર કી સીમા હે ના ક્વોલિફિકેશન કા હે બંધન. કોઈપણ સાલુ મોઠાવી નીકળી પડે છે એક્ટર બનવા માટે. અને દુઃખની વાત એ છે કે એવા લોકોને સાચવવામાં પણ આવે છે. કે જેઓ પાર્ટ ટાઈમ એક્ટિંગ કરતા હોય અથવા ટેલેન્ટ ની કમી હોય. ફુલ ટાઈમ એક્ટર ની કદર ઓછી છે. આ બધું મને બરાબર નથી લાગતું. હું યાર જ્યારે નવો જોડાયા ને ત્યારે મને એવું લાગતું કે યાર કેટલી મસ્ત ઇન્ડસ્ટ્રી છે. લોકો એકબીજાને ગળે મળી કેવી રીતે પોતાની આત્મીયતા દર્શાવે છે, કેટલું સરસ. પણ વખત જતા ખબર પડી કે એ જ લોકો મોકો મળે એકબીજાના ગળા કાપવા આતુર છે. જેટલી એક્ટિંગ એ લોકો મંચ પર કે સ્કિર્ન પર નથી કરતા એટલી એક્ટિંગ તો અસલ જિંદગીમાં કરે છે…

ચેતન: શું? એટલે તારી નજરમાં બધા એવા જ છે?

કેતન: હાં ચાલ બોલતા બોલાય ગયું. બધા તો નહિ પણ ઘણા ખરા એવા છે જ, જેમને તું પણ સારી રીતે ઓળખે છે.

ચેતન: પ્રતિસ્પર્ધા જ્યાં હોય ત્યાં આવું રેહવાનું યાર...

કેતન: પ્રતિસ્પર્ધા નો મતલબ એ નથી કે પછી સાવ વ્યક્તિગત સ્તર પર આવી કોઈને બદનામ કે હેરાન કરવું. પ્રતિસ્પર્ધા હોવ જોઈએ. Healthy competition is must. 

ચેતન: જો ભાઈ..

કેતન: તું બહુ વિચારે છે! એમને?

ચેતન: ના યાર જો આ બધાની શરૂઆત ક્યારથી, ક્યાંથી થઈ એ મને ખબર નથી. પણ હવે આ એક પ્રકારનું પાક્કા પાયા વાળું તંત્ર બની ગયું છે.

કેતન: વાત અહીં સાચા કે ખોટાની છે ભાઈ.

ચેતન: સાચા-ખોટા, નૈતિક-અનૈતિક કર્યા વગર જે પ્રવાહ છે એ પ્રમાણે તરવું પડે યાર.

કેતન: પણ એ પ્રવાહ તમને ખોટી દિશા તરફ લઈ જઈ રહ્યો છે એનું શું?

ચેતન: બે યાર તું નહીં માને. તારી જ વાતને વળગી રહીશ ને.

કેતન: તો તું જોવે છે ને કે નામ ને રૂપિયા કમાવવા માટે આપણી હાલત પેલા બજાજ જેવી થઈ જાય છે. સ્ક્રિપ્ટ ભી મેં હી લીખુંગા, એક્ટિંગ ભી મેં કરુંગા, ડિરેકશન ભી મેં કરુંગા, સાલા પ્રોડ્યુસ ભી હીં કરુંગા.

ચેતન: એમાં વિકાસ પણ તારો જ થયો કહેવાય ને. (ચેતન હસે છે)

કેતન: ગંભીર વાતને તું યાર મજાક ગણે છે?

ચેતન: જો ભાઈ એવા લોકો એ જ નાટકની પોતાની એક દુનિયા ઉભી કરી છે. બીજા શહરો ની વાત જવા દે આપણા અહીના જ ઉદાહરણ લઈએ કે જેઓ unconventional  કે પછી તદન experimental જગ્યાઓ પર સરસ નાટ્ય પ્રયોગ કરી રહ્યા છે. એ લોકો આપણા contemporary (સમવયસ્ક) જ છે ને! અને એમની યથા શક્તિ યોગદાન આપી જ રહ્યા છે આ નાટ્ય યજ્ઞમાં.

કેતન: સંપૂર્ણ રીતે તો નહિ, પણ હાં અમુક અંશે તારા આ ઉદાહરણ સાથે હું સહમતખરો.

ચેતન: યાર બધું જ ખરાબ નથી, ક્યાંક કૈક થોડું ઘણું તો સારું હશે જ. ઉભરતા નાટ્યકારો ને આવી વ્યવસ્તા નો લાભ મળે છે કે નહિ? એમને પોતાનો હુનર બતાવાનો મોકો મળે છે કે નહિ? જે તેમના ઘડતર માટે જરૂરી પાયો પૂરો પાડે છે, પાડે છે કે નહિ? તું જ કહે.

કેતન: હાં, ચાલો એ બહાને નાટકો તો થયા કરે છે. ભલેને પછી નાના પાયે થાય, એક સીમિત દાયરા માં, પણ થાય છે ખરા. જેટલા તમારા પગ એટલી તમે ચાદર પાથરી શકો છો ખરા. અને આ લોકો એક થી એક ઇવેન્ટ લઈને આવતા હોય છે એનું તો શું કેહવું!

ચેતન: Sarcasm હૈ ને?

કેતન: ના તારા સમ! યાર, સાચે જ તારીફ કરી રહ્યો છું કસમ થી... “જો ભી મેં કેહના ચાહું બરબાદ કરે અલ્ફાઝ મેરે” એવું થઇ રહ્યું છે કે શું?

ચેતન: તું કઈ પણ કહે એમનો આ ઉપાય સગવડ તો પૂરી પાડે જ છે ને તારા મારા જેવાને. અને ઓડિયન્સને પણ. એમની પાસે પણ એક ઓપ્શન છે આવી જાય છે પોતાના એન્ટરટેન્મેનટ ડોઝ ને સંતોષવા માટે.

કેતન: હાં, એ તો છે જ, પણ મને કેહ આ ઉપાય એમણે કેમ શોધવો પડ્યો?

ચેતન: Ambition! મહત્વકાંક્ષ‌‍! નાટ્યકાર તરીકે પોતાની ઓળખ, પોતાની કળા અને પોતાની મહત્વકાંક્ષ‌‍ ને જીવીત રાખવા.

કેતન: ભાષણ છોડ મૂળ મુદ્દા પર આયને કે ઓડીટોરીયમ નું ભાડું પોસાતું નહોતું. આ અસલ મુદ્દો છે કે નહિ?

ચેતન: હાં પણ...

કેતન: પણ ને બણ, સો વાત ની એક વાત ઓડીટોરીયમ નું ભાડું પોસાતું નહોતું એટલે આ ઉપાય શરુ કર્યો, પણ હવે હાલ શું થાય છે? કોઈ વખત ગણતરી માંડી છે? ખબર પડશે આકડો ક્યાં જઈ ને પહોચે છે નાટક કરવાનો. બધા ખર્ચા કાઢતા શું હાથ માં આવે છે કહે જો મને? એ તો એક તકલીફ છે જ, અરે પણ સૌથી વધારે અફસોસ એ વાત નો થાય છે કે જયારે sky is the limit, unconventional જગ્યા ના આધીન થવું પડે છે.

ચેતન: જેના જેટલા પગ એટલી ચાદર, હે ને? તને છે ને નેગેટીવ જોવાની આદત લાગે છે. જે ક્ષેત્રમાં તું છે એની જ ટીકા ટિપ્પણી ખોદણી કરે રાખે છે.

કેતન: હું કળા જગત ને ક્યાં ખરાબ કહી રહ્યો છું. જે લોકો ના હાથમાં સંચાલન છે હું તો એમના ઉપર સવાલ ઉઠાવી રહ્યો છું ને.

ચેતન: તું પેહલા તો સકારાત્મકવલણ લાવ જીવન માં. અને કળા જગત ના સારા પાસાઓ વિશે પણ એક કલાકારે ગર્વ લેવો જ જોઈએ.

કેતન: હાં તો હું ક્યાં ના પડું છું.

ચેતન: ના... પણ તું છે ને પેલો છે, “જિસ થાળી મેં ખાતે હૈ ઉસી મેં છેદ કરતે હૈ” એવો.

કેતન: અલા એ બચ્ચન ની વહુ! છેદ તો પેહલા થી જ ત્યાં મોજુદ છે. હું તો ત્યાં આંગળી ચિંધી રહ્યો છું. લ્યા આંગળી ચિંધવાનું પુણ્ય મળે કે માથે દોષ ચડે?

ચેતન: મને તો તું આ મુદ્દા પર આંગળી કરી રહ્યો હોય ને એવું લાગે છે.

કેતન: મને કહે, જો આ જ રીતે જો બ્લેક બોક્ષ માં નાટકો થયા કરશે તો નવા લોકો ને લાગશે કે આ થિયેટર છે! એક ને એક વસ્તુ નું જો પુનરાવર્તન થયા કરે તો એક સમય સેવો આવે જયારે લોકો એને જ સત્ય માનવા લાગે. જે ખરાબ પાસાઓ છે એની અવગણના કરીશું તો શું એ એની મેતે વ્યવસ્થિત થઇ જશે? એ બાજુ પણ ધ્યાન આપવું પડે કે નહિ? કોઈ તો જોઈએ ને કે જે નકારાત્મકતા હાજર છે તેને ઉજાગર કરવાવાળો. ને યાર આ તો આપણા બન્ને વચ્ચે આ ચર્ચા ચાલે છે, બાકી આ જ વિષય પર જો ડીબેટ/debate થાય તો ઘણા ખરા લોકો આવા જ પ્રશ્નો આગળ લાવશે, કારણ કોઈ પણ ચર્ચા નો હેતુ જ એ હોય. ને માણસ સબક આપનાર અનુભવો નો સહારો લઈને જ આગળ વધે છે. આ તો નાટક ની વાત, હવે ને ફિલ્મોમાં જોને શું છે એ.

ચેતન: હવે એમાં શું છે?

કેતન: એમ તો કહેવાય એવું કે એક્ટરની કમી નથી. પણ આપણી ફિલ્મો જોઈને તો એવું જ લાગે છે કે એક્ટરની બહુ કમી છે ગુજરાતમાં. એના એ જ ચહેરાઓ અલગ અલગ ફિલ્મોમાં રીપીટ થતા હોય છે. અને પાછું મુંબઈના ગુજરાતી કલાકારોને તેડું મોકલવાનું એ તો શું કહેવું. આ જે કબીલા કલ્ચર કે ગ્રુપિઝમ જે કહો તે કલા જગતનો ભરડો લઈ રહ્યું છે.

ચેતન: યાર મુંબઈ ના એક્ટર્સની માર્કેટ વેલ્યુ છે. They are sellable. ને બીજી આ કમ્ફર્ટ ઝોન વાત છે.

કેતન: એમ? તો પછી આપણા અહીં ના એક્ટર્સ ની માર્કેટ વેલ્યુ ક્યારે બનશે? ચેતન, કમ્ફર્ટ ઝોન ને આ શબ્દનો વાપર જ એક બહુ મોટો છળ છે. આડકતરી રીતે ના પાડવાની એક કળા. It’s sheer groupism. તને તો ખબર જ છે ને, કે ભાઈ અમારા એક્ટિંગ વર્કશોપ માં રુપિયા ભરી જોડાવો તો જ અમે તમને અમારા નાટકનો હિસ્સો બનાવીશું. આ groupism નથી તો શું છે? હાં હું સમજી શકું છું કે જે લોકો રૂપિયા ખર્ચીને ત્યાં જોડાયા હોય એમનો પહેલો હક બને છે. પણ આ એક પ્રકારનું વૈમનસ્ય ઊભું નથી કરતું?

ચેતન: મને નથી લાગતું. જમાનો માર્કેટિંગ અને નેટવર્કિંગ નો છે. તું પોતાનું એક્ટર તરીકે માર્કેટિંગ ના કરી શકતો હોય તો એમાં વાંક બીજાનો કેવી રીતે?

કેતન: ભાઈ યાર ચેતન હું જે કહી રહ્યો છું એ બધી વાતોને કા તો તું સમજી નથી રહ્યો કા તો બધું સમજીને ચૂપ રહી અથવા વાતને અવળે પાટે ચડાવી રહ્યો છે. હું જે વિચારું છું જરૂરી નથી બધાનો એ જ દ્રષ્ટિકોણ હોય. પણ જે વાત નજરો નજર છે એમાં સંમતિ આપવા તારું મન ખચકાય તો પછી શું કહેવું.

ચેતન: હશે ભાઈ તારો અલગ દ્રષ્ટિકોણ પણ જે ચીલો ચિત્ર્યો હોય ને એમાં ચાલીએ તો જ કંઈક લઈને બહાર નીકળીએ.

કેતન: ચિતરેલા ચિલા પર નથી ચાલ્યો ને, કદાચ એટલે જ એક્ટર છું.

ચેતન: અસફળ એક્ટર.

કેતન: ભલે. પણ આજ સુધી કોઈની જીહુજુરી નથી કરી. સ્વભીમાન થી કામ કર્યું છે અને આગળ પણ કરતો રહીશ. કોઈ કામ આપે કે ના આપે.

ચેતન: શેની જીહુજુરી બે? તને શું લાગે છે કે તારી બહુ ઈજ્જત છે. કોઈને તારી સાથે કામ નથી કરવું. આ જે એકાદ બે નાટકોમાં તું ટકી રહ્યો છે ને એ તારું નસીબ છે. એ પણ એ રીતે કે તું સાવ પહેલેથી એ નાટકોનો હિસ્સો છે. બાકી કોઈ કરે છે તારું કાસ્ટિંગ? નાટક હોય કે ફિલ્મ. કોઈને રસ નથી સત્ય બત્ય સાથે. બધાને કામ કરવું છે અને રૂપિયા કમાવવા છે. અને એના માટે સંબંધો સાચવવા પડે. જીભ ઉપર કાબુ રાખવો પડે. કોઈ ની સહન શક્તિની સીમા હોય કે નહીં?

કેતન: સારું થયું ચાલ જે વાતની મને ફક્ત શંકા હતી આજે તે એનો પાક્કા પાયે ખુલાસો કરી નાખ્યો. ક્યાંક વાંચ્યું હતું કે સામેવાળી વ્યક્તિ જ્યારે ગુસ્સામાં તમને કંઈક કહેશે તે હકીકત જ કહેશે. બીજું કે મારી સહનશીલતા નું શું? હું બધુ સહન કરતો રહું, ને એ લોકો બેહિસાબ રીત મારી ઉપર બોજ લાદતા જ જાય, જેની સીધી અસર મારા કામ અને મારી ક્રિએટિવિટી ઉપર પડે. એક છોડને ઉછેરવા માટે યોગ્ય વાતાવરણ જોઈતું હોય છે અને માણસને પણ.

ચેતન: ટૂંકમાં સમજ કોઈપણ વ્યવસાય હોય ત્યાં જે તંત્ર કામ કરતું હોય છે એ એવી ચક્કી છે કે જે એની વિરુદ્ધ જાય એમાં એ વ્યક્તિ પીસાઈ જાય છે.

કેતન: તો આવું તંત્ર પાંગરવા જ કેમ દેવું?

ચેતન: છોડભાઈ બહુ થયું હવે, કંટાળ્યો.. સાલી ચા પીવી પડશે.

કેતન: સારું ખાલી એક વાતનો જવાબ આપી દે.

ચેતન: હં...

કેતન: અવિનાશની સાથે જે થયું એ બરાબર હતું?

ચેતન: મને નહી ખબર યાર અને મને એ વાતની ચર્ચા પણ નથી કરવી.

કેતન: જો છે ને જ્યારે કોઈ વાત પર સ્ટેન્ડ લેવાની વાત આવેને એટલે છટકી જવાનું.

ચેતન: પણ યાર મારે એ વાત સાથે કોઈ લેવા દેવા જ નથી તો હું શું કરું.

કેતન: સારુ. ભવિષ્યમાં એવી જ કોઈ ઘટના તારી સાથે ઘટે, તો કોઈ તારો સાથ આપે એવું તું બિલકુલ નહીં જ ઈચ્છે? દુનિયાને ભલે કામ કરવું છે અને રૂપિયા કમાવવા છે પણ બધા એટલું તો યાદ રાખે છે કે યાર મારી પડખે કોણ ઉભું રહ્યું’તુ.

ચેતન: મને તો એટલું ખબર છે, “આપ ભલા તો જગ ભલા”. ખોટી મગજમારી કરવાની જ નહિ ને.

કેતન: તો અવિનાશ નો વાંક પણ શું હતું? કલા જગતનું આ તે કેવું તંત્ર કે જે ક્રિટીસીઝમને કચડી નાખે? અને કલાજગતના જે સ્વ ઘોષિત સત્તાધીશ બની બેઠા છે, એમણે કોણે હક આપ્યો કે એ એવું કંઈક કરી શકે. ક્રિટીસીઝમને કચડી શકે. કેમ, એ લોકો વર્ષોથી આ ક્ષેત્રમાં છે એટલે? એમના પોલિટિકલ કનેક્શન છે એટલે? જે કોઈ નવું જોડાય, એના પર આવી બધી વાતો ની ધાક બતાવી એમનો અવાજ દબાવી દેવાનો? અરે જો ધાક ઉભી જ કરવી હોય તો કોઈ સરસ ક્રિએટિવ કામ કરીને તમારી ધાક ઉભી કરો. સમ્માન પણ મળશે અને પ્રેમ પણ. જ્યાં ક્રિટીસીઝમને પચાવી પાડવાની તાકાત નથી ત્યાં ગ્રોથ ની પોસિબિલિટી ઝીરો છે. અને કદાચ એટલે જ આપણી રંગભૂમિ હોય કે સિનેમા જે પ્રમાણે આગળ આવવા જોઈએ એ નથી આવ્યા.

ચેતન: જો યાર અવિનાશ સાથે જે બધું થયું એ મેં થોડી કર્યું છે?

કેતન: તું જે તંત્રનો હિસ્સો હોવાની વાત કરે છે ને એને તો કર્યું છે ને. પણ તું નહીં બોલે. હું ક્યાં કંઈ બોલ્યો હતો. અરે જે લોકો અવિનાશની સાથે દો જીસ્મ એક જાન હતા એ ના બોલ્યા તો આપણે તો કોણ? જ્યારે કોઈની પાસેથી કામ નીકળતું હોય તો તું મારો મિત્ર અને જ્યારે એ જ વ્યક્તિ સંકટમાં ફસાય એટલે ભાઈ તું જાતે ફોડી લેજે.

ચેતન: હમણાં થોડી વાર પેહલા જ તે કહ્યું હતું ને કે માણસ પરીસ્થિતિના આધારે વર્તે છે.ત્યારે એવું, બીજું શું... First impression should not be the last impression always.

કેતન: ખોટી સરખામણીકરી રહ્યો છે તું ચેતન! આ બંને ઘટના સાવ જુદી છે. આ એક વિશ્વાસઘાતની વાત પુરવાર થાય છે જયારે પેલી ચોઈસ(પસંદગી કે વિકલ્પ) ની વાત હતી.

ચેતન: તને કોઈ કેહવા આવ્યું હતું, કે તારો કોઈ હાથ પકડીને તને લઇ ગયું કે નાટકો કર, પેર્ફોર્મિંગ આર્ટસ ભણ હે? જાતે જ નક્કી કર્યુતું ને? જાતે જ પસંદી કરીને તે આની?

કેતન: હાં તો.

ચેતન: તો પછી બીજાને દોષ આપવાનું બંદ કર! હાથ જોડ્યા હવે! ને પોતાનું ભલું થાય એવું કામ કર ને જીવન માં આગળ વધ જરા.

કેતન: પણ આ કેવું હે? કારણ બધાને પોતાની બાજુ તો સાચવી જ છે અને સાથે સાથે ફરિયાદ પણ કરવી છે કે યાર શોષણ તો છે હો. હિપોકેર્સી છે કે નહીં. વાત પાછી ત્યાં જ આવી જાય છે કે આવા તંત્રમાંથી આપણને શું મળશે.. અને ચેતન આપણી આસપાસ કચરો હોય તો કચરો સાફ કરવો પડે, નહીં તો કચરો વધતો જાય ને પછી આપણામાં અને કચરામાં કોઈ ફરક ના રહે.. (આ ડાયલોગ ચાલતો હોય છે ત્યાં એક પછી એક બધા એક્ટર ગ્રીન રૂમમાં પ્રવેશે છે)

ચેતન: સામાજિક-વ્યવસાયિક તંત્ર બગડેલું કે કચરાવાળું હોય, તો મેં ઠકો નથી લીધો સફાઇનો... સારું આપણે પછી ક્યારેક આ ચર્ચા કરીએ (ફેડઆઉટ)

વોઇસ ઓવર: તો પ્રિય શ્રોતાગણ કદાચ તમને એવું લાગતું હશે કે લેખકે અચાનક જ નાટક સમેટી લીધું હે ને? નાટકની ભાષામાં કહીએ તો એબ્રપ્ટ એન્ડિંગ એવું લાગ્યું? તો એમાં એવું છે કે ગ્રીન રૂમ ની આબોહવા કૈંક એવી હોય છે. ક્યારે કઈ વાતનો ફણગો ફૂટી નીકળે અને ક્યારે કોઈક વાત પેલા ઓલવાતા દીવાની જેમ ઓલવાઈ જાય કઈ નક્કી નહીં. અને હા, જે ચર્ચા ગ્રીન રૂમમાં અટકી જતી હોય છે એ પછી ચા ની કીટલી પર જઈ પૂરી થાય છે. તો ક્યારે પધારજો કીટલી પર અધુરી ચર્ચાઓનો અંત સાંભળવા. હવે તો ગ્રીન રૂમની બહાર નાટક શરૂ થશે. એટલે હવે તો ગ્રીન રૂમમાં ધીમે ધીમે અંધારું છે. આભાર.                                                            

The End