Chhappar Pagi - 3 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 3


પ્રવિણને હવે લક્ષ્મી વિશે થોડો ઘણો અંદાજ આવી ગયો હતો કે આ સ્ત્રી વખાની મારી છે અને હવે દિશા વિહિન પણ..!
એને પોતાનાં કોલેજ છોડ્યાનો આવો જ કંઈ સમય યાદ આવી ગયો હતો. પોતે પણ એ વખતે કેવો દિશાહીન હતો..! આર્ટ્સ સાથે કોલેજ કરતો હતો. કોલેજનાં બે વર્ષ પુરા થઈ ગયા હતા. બીજા વર્ષનાં પરીણામની રાહ જોઈ રહ્યા હતા, વેકેશન પુરુ થવાની તૈયારી પણ હતી. એનું સપનું હતું કે કોલેજ પુરી કરી અમદાવાદમાં કોઈ ઢંગની નોકરી શોધી લેશે અને જોડે જોડે એક્સટર્નલ એમ. એ. પણ જોઈન કરી લેશે કેમકે . અને પછી એકવાર પગભર થઈ જાય એટલે જિનલનાં મા-બાપુને મળી જિનલનો હાથ માંગવા જશે. જિનલ અને પ્રવિણ બન્નેનાં પરીવારો સગાંમાં જ થતા હતા. જોડે જ એક ફળિયામાં રમીને મોટા થયા હતા. બન્ને એકબીજાને પસંદ પણ કરતા હતા. બન્ને ને એવું જ હતું કે કોઈનાં મા-બાપ લગ્ન માટે ના તો કહેવાનાં નથી. બન્ને પરીવારો વચ્ચે પેઢીઓથી સારો મેળ પણ હતો. પણ પ્રવિણને એવું કે એની પાસે પોતાની ખેતીવાડી નથી અને ઢંગનું સરખું મકાન પણ નથી તો એકવાર નાની મોટી નોકરી મળી જાય પછી જ લગ્નનો પ્રસ્તાવ મુકવો જોઈએ.
વરસ વિતતા કંઈ વાર નથી લાગવાની,એ વાત પ્રવિણ બરોબર જાણે જ છે. સમયતો ચોમાસાની ગાંડીતૂર નદીનાં વ્હેણની માફક સડસડાટ વહી જાશે. પછીતો પ્રવિણનાં ફૂવા છે જ ને..!
એના ફૂવા અમદવાદનાં એક મોટા ગજાંનાં બિલ્ડર જોડે સુપરવાઝર તરીકે નોકરી કરતા હતા. એમની ઘણી સાઈટ ચાલતી હોય, નવા માણસોની જરુર પડતી જ હોય છે. એટલે એમણે પ્રવિણ માટે નોકરીનું તો લગભગ ગોઠવી જ રાખ્યું હતું. એકવાર અમદાવાદ સેટ થઈ જાય પછી લગ્નની વાત મુકાય તો બેમાંથી કોઈ પરીવાર કે જિનલને પણ કંઈ જ તકલીફ ન પડે.
પણ સમયનાં ખેલ તો કંઈ અલગ જ હોય છે ને..! સમય ભલ ભલાને નાચ નચાવે તો આ પ્રવિણતો સીધો સાદો સામાન્ય અને ગરીબ પરીવારનો છોરું. સમયનાં નિર્ધારણ સામે એની શું વિસાત..!
બન્યું એવું કે જિનલનાં પરીવારનાં નિકટનાં સગા અને ગામનાં સરપંચનાં બનેવી છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાત છોડી હૈદરાબાદ કામ ધંધા અર્થે સ્થાઈ થઈ ગયા હતા. હૈદરાબાદમાં પ્લાયવુડનો ધંધો કરતાં કરતાં બે પાંદડે થયા હતા અને પછી તો બીજી અને ત્રીજી દુકાન એમ ધંધો વિસ્તરતો ગયો અને લાખોપતિ બની ગયા હતા. એમનો પરીવાર તેમનાં કૂળદેવી માતાનાં સ્થાનકે સપરીવાર દર્શને આવ્યા હતા તો સાળાને ઘરે એક દિવસ રોકાવા આવેલ. આ મૂલાકાત દરમિયાન એમણે એનાં દિકરા માટે કોઈ યોગ્ય યુવતિ જોઈ રહ્યા છે અને બે ચાર દિવસ વધારે રોકાઈને પણ છોકરાનું નક્કી કરીને જ હૈદરાબાદ જવું એવું નક્કી કરીને જ આવ્યા હતા.
સરપંચનાં ઘરે એ બધાને બપોરે જમવાનુ હતું અને એમાં જિનલનાં બાપુને પણ જોડે જમવા નોતર્યા હતા. જમતાં જમતાં વાત નિકળી અને સરપંચે ડાહ્યાભાઈને કહ્યું, “ આ લોકો હૈદરાબાદ છે ને પૈસે ટકે સુખી છે. છોકરો રૂડો રૂપાડો ને ધંધામાં હોશિયાર પણ છે. તમારી લક્ષ્મીને આ ઘેર આપો તો દુખી નહીં થાય એની જવાબદારી મારી…”
ડાહ્યાભાઈ ને તો સરપંચ કહે તો કોઈ વાતમાં ના પાડવાની જગ્યા જ ન હતી. આ બાબતે તો સામે થી સારો મુરતિયો અને પરીવાર મળતો હોય તો બહુ કંઈ વિચારવા જેવું જ ન હતું.
“ ભલે… સરપંચ… કોઈ વાંધો નથ પણ ઘેર જરાક વાત કરીને રોંઢે નક્કી કરીએ.” આ જવાબ આપી ડાહ્યાભાઈ જમીને પોતાને ઘરે જવાં નીકળી ગયા.
બપોરે ત્રણ સાડાત્રણ વાગે ડાહ્યાભાઈએ એનાં પત્નીને બાજુમાં બોલાવીને બધી વાત કરી. એમનાં પત્નિને જિનલનાં મનની થોડી વાત ખબર એટલે એણે કહ્યું કે એકવાર જિનલને પુછી જોઈએ.પણ ડાહ્યાભાઈ તાડુક્યાં ને બોલ્યા, “ એ તો સોકરું કેવાય… એને હું પુસવાનું હોય..!”
તોય એનાં પત્નિ હિંમત કરીને બોલ્યા, “ સેક હેદરાબાદ હુધી સોરી ને ક્યાં મોકલવાની… આંય નજર હામે હારી… મન થાય ને સોરી નું મો જોવાય ને ઈને પણ મન થાય તો માવતર પણ પઘડે ઘા…. આઈટલી આધી ના દેવાય.”
ડાહ્યાભાઈ હવે સમજાવતાં હોય તેમ બોલ્યા, “ હું બાપ નઈથ… મને કાઈ નો ખબર પડે ? સ્યાર સ્યાર દુકાનુ સે, મોટું ઘર સે, ઘરમાં મોટર સે, આબરુ વાળું ઘર સે… બીજું હુ જોયે આપણે..”
“ … પણ સોડી નું મન તો જોવું પડે ને”
“ બોલાય એને મારી પાહે..”
“ એ જિનલી આય તો આય બેટા..”
ખબર નહીં કલાક એક જિનલને અને એનાં મા-બાપુંને શું વાત થઈ પણ છેવટે જિનલે હા કહી દીધી હતી અને પછીથી એનાં મોઢા પર પણ અણગમાંનો કોઈ ભાવ ન હતો.
આ બધું ગોઠવાઈ ગયુ હતુ અને બધી વાત પ્રવિણને તે જ રાત્રે ખબર પણ પડી. બીજા દિવસે પ્રવિણે જિનલને મળવાનું બહાનું શોધીને એકલાં મળ્યો હતો.
“ જે કાઈ નક્કી થ્યું એમાં તે કાંઈ નો કીધું ?”
“ માં એ કીધું કે સોડી નું મન બીજે હોય તો પણ બાપુ ના માન્યા…” વાતને સ્હેજ ટાળતા જિનલે જવાબ આપ્યો.
“ તારું મન નો માનતું હોય તો હાઈલ હજી ભાગી જાયે અમદાવાદ… ફૂવા નો મને ફૂલ ટેકો સે…. તને કોઈદી દુખી નઈ થાવા દવ.” પ્રવિણે પુરા આત્મવિશ્વાસથી જિનલને સમજાવવા પ્રયત્ન કર્યો.
“ પણ બાપુ જઈને હા કઈ આઈવા સે ને …હવે ના કે તો એનું વેણ પાસુ પડે..”
“ અને આપણાં વેણનું શું ? આપણે તો કેદીનાં વેણ આપી દીધા સે ને ઈનું શું? ” પ્રવિણે હજી પણ આશાભરી નજરે જિનલ સામે જોઈને એનો હાથ પકડીને સમજાવતાં કહ્યું.
જિનલે એનો હાથ છોડાવતાં કહ્યું, “ બધુય આપણું ધાઈરું નો થાય કાંઈ તો નસીબ પર સોડવું પડે…. હાઈલ હું જાવ કોઈ આમ જોય જાહે તો… મારે હવે હાચવવું પડે. આપણું હવે આઈ હુધી જ હતુ ઈમ માનજે.” આટલું કહીને જિનલ આંખના પલકારામાં અંધારે અદ્રશ્ય થઈ ગઈ.
પ્રવિણ માટે આ આઘાત સહન કરવો કઠણ હતો. એણે ફૂવા પાસે અમદાવાદ પણ નથી જવું અને ગામમાં પણ નથી રહેવું એવું નક્કી કરીને મુંબઈ જે મળે તે નોકરી કરવા જતું રહેવું અને પછી સમય વળે તો માં બાપુને મુંબઈ બોલાવી આખી જિંદગી માં બાપુની સેવા કરવી એવાં નિર્ધાર સાથે મુંબઈ જતો રહ્યો હતો.
વલસાડ હવે આવ્યું હતુ અને ટ્રેન ફરી બે ત્રણ આંચકા સાથે રોકાઈ ગઈ. પ્રવીણ પણ પોતાની જૂની યાદોમાંથી સફાળો જાગી ગયો હતો. બાજુમાં બેઠેલી સ્ત્રીને પુછ્યુ,“નામ શું છે ઈ તો કેશો ને !? કે ઈય નઈ બોલો ?”
“લક્ષ્મી” હવે પુરો ધૂંધટ ઉંચો કરી લક્ષ્મીએ જવાબ આપ્યો. “અને તમારું ?”
“ પ્રવિણ”
“આંય ટ્રેન પાંચ સાત મિનીટ ઉભી રેશે. હું ચા પી આવું ને તારા માટે લાઉ સુ… તું આઈ જ બેહી રેજે નકર જઈગા જાતી રેહે”
લક્ષ્મી સહેજ લાંબી વાર સુધી પ્રવિણ સામે જોઈ રહી આ વખતે અને પછી બોલી, “ કાંઈ ખાવાનું પણ હોય તો જોજો ને…પણ ગાડી સૂટી નો જોય ઈ જોજો.”

( ક્રમશઃ )
લેખકઃ પ્રો. રાજેશ કારિયા