Chhappan Pagi - 4 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 4


પ્રવિણે ચા પીધી અને એક પ્યાલી ચાનો કપ પણ લક્ષ્મી માટે લીધો જોડે વેફરનાં પણ બે પેકેટ્સ લઈ લીધા. હવે ફરીથી ટ્રેનની વ્હીસલ વાગી અને ટ્રેન ઊપડવાની તૈયારી હતી જ, પણ પ્રવિણ સતર્ક જ હતો અને ટ્રેન ઉપાડતાં પહેલાંજ પોતાનાં કમ્પાર્ટમેન્ટમાં આવી ને ગોઠવાઈ ગયો. એણે વેફરનુ પેકેટ ખોલીને લક્ષ્મીને આપ્યુ અને ચાનો કપ પણ જોડે ધરી દીઘો. પ્રવીણે પુરતુ સ્ત્રી દાક્ષિણ્ય જાળવ્યુ. લક્ષ્મીને બહુ જ ભૂખ લાગી હતી એટલે એ એકવાર આભારની લાગણી દર્શાવતું હળવું સ્મિત આપી ચા અને વેફર ખાવાં લાગી હતી.
પ્રવિણ હવે ફરીથી લક્ષ્મી બાબતે વિચારવા લાગ્યો હતો. એણે લક્ષ્મી બાબતે કેટકેટલીએ ધારણાઓ કરી પણ એટલું જ માત્ર નક્કી કરી શકયો હતો કે આ સ્ત્રી તકલીફમાં તો છે જ. મારે આને આવી રીતે એકદમ નોધારી ન મુકવી જોઈએ. પણ કોણ છે ? ક્યાંથી આવે ? કેમ , ક્યાં , શા માટે જઈ રહી છે? આવાં બધા પ્રશ્નો એને સતત અકળાતા હતા. એણે વિચાર્યું કે કદાચ સીધી રીતે બધુ પુછીશ તો કદાચ લક્ષ્મી કંઈ જ ન પણ કહે. થોડી વાર પછી તો મુંબઈ આવી જશે. આટલાં મોટા શહેરમાં ક્યાં જશે ? કોઈ સ્ટેશન લેવા આવવાનું હશે કે પછી સાવ આમ જ નીકળી પડી હશે..!
પ્રવિણને થયું કે એકવાર ચા અને વેફર પુરી કરે પછી કંઈક વાત કરું. પણ લક્ષ્મીએ જ સામે થી પુછ્યું, “ તમે પણ હરદાર જ જાવ સો ?”
સહેજ વિચારીને પ્રવિણ બોલ્યો, “ હા… જાવુ તો સે જ પણ હમણાં નઈ મારી બા બાપુને લઈ ને ટેમ મલે ત્યારે”
પછી હળવેથી કહ્યું, “ આ ગાડી તો મુંબઈ જાય સે… તારે મુંબઈ થી કોઈની હંગાથે હરદાર જાવાનું સે ?”
“ નઈ … સીધુ ન્યા જ વય જાવું સે”
“ પણ આ ગાડી તો મુંબઈ જ જાહે… હરદાર તો ઉંધી બાજુ જાવું પડે..!” “ તું તો ખોટી ગાડીમાં બેઠી.” પ્રવિણે થોડા પ્રેમાળ અને હળવા અવાજે કહ્યું.
“ તો મુંબઈમા કાંઈ આશરમ જેવું હઈશે જ ને ? તમે મને તાં મેલી દેહો ?”
લક્ષ્મી થોડુ અટકીને ફરી બોલી, “ તમે માર માટે ભગવાન જેવા સો, મને કોય આશરમમાં પુગાડી દેહો ને તો તમારો પાડ જન્દગી ભયર નય ભૂલું.”
“ તને ઈમ સે કે આશરમમા જાયે તો ન્યાં બધુય હારું જ હોય ? કોઈ આશરમ જોયો કે કોયે કીધું સે ન્યાં કેમ રેવા દેહે?”
“ તુ માને ઈટલુ કાંઈ હેલું નથ ન્યાં રેવાનું. ઈમને ઈમ કોય તને રાખે કાંઈ ?”
લક્ષ્મીની આંખમાં ફરીથી આંસુની ધાર વ્હેતી થઈ અને બોલી, “કાય નઈ… નઈ રાખે તો ઉપરવારો તો સે ને ? ઈની પાહે વય જાઈસ.”
પ્રવીણ હવે થોડો વધુ સતર્ક થઈ ગયો. એણે જરુરિયાત જણાઈ એટલે થોડી છૂટ લઈ હળવેથી લક્ષ્મીનાં માથે હાથ મુકી બોલ્યો,” તન મારા પર ભરોહો બેહતો હોય તો માંડી ને વાત કે… દખ તો બધાયને આવે પણ આમ કાંઈ ભગવાને દીધેલ જન્મારો વેડફી ના દેવાય..! “
લક્ષ્મીને માથે આવો વ્હાલભર્યો હાથ છેલ્લે એનાં બાપે ફેરવ્યો હતો. એ તો જાણે આવા સ્નેહભર્યા સ્પર્શને ક્યારેય પામશે જ નહીં એવું મનોમન હતુ જ. પ્રવિણનો સ્પર્શ એને જરાં પણ ખૂ્ચ્યો એવું ન લાગ્યું એટલે થોડી હિંમત આવી અને બોલી,” તમને નઈ કઉં તો કોને કઉં..!”
પછી થી લગભગ જે કંઈ બન્યું … પોતાનાં પિયર, લગ્ન, સાસરીની વાત, પતિનું મૃત્યુ અને સાસુ રંભાબેન અને અડોસ-પડોસનો તિરસ્કાર અને ખાસ તો આજે સવારે જે બન્યું તે બધું જ પ્રવિણને જણાવ્યું અને પછી બોલી,
“હવે તમે જ ક્યો કે કોય આશરમમાં કે ભગવાન પાંહે ને..બીજે કયાં જાવ? માર તો હાહરી કે માવતર ક્યાંય જઈગા નથ.”
પ્રવિણની આંખોમાંથી પણ હવે ટપ ટપ અશ્રુબુંદો વહી રહ્યા હતા અને લક્ષ્મી પણ હવે એવું અનુભવતી હતી કે પ્રવિણને મારા દુખનો અહેસાસ થયો છે. એણે પ્રવિણને આટલી વાત કર્યા પછી જાણે પહેલીવાર થોડી હળવી થઈ ગઈ એવું અનુભવવા લાગી.
પ્રવિણ થોડી વાર સાવ શૂન્યમનસ્ક થઈ ગયો. થોડી વાર પછી કહ્યું કે,”લક્ષ્મી તારે ઈકને જ દુખ છે એવું નથ… કહોટી તો ભગવાન બધાય ની લ્યે જ. રાજા રામનેય ને સીતામાંનેય તો દખ આઈવું જ તું ને ?” એમ થોડું સમજાવતા અને પછી એક મોટો ઊંડો શ્વાસ લઈને પછી બોલ્યો,
“ મનેય કંઈ ઓસી નથી વિતી.. દખના પાડ તો હુંય માથે લઈને ફરું સુ… પણ ઈમ કાંઈ હામ થોડી હરાય… મારે તો માથે મા બાપુ ય સે… ઈને નોધારાં મુકીને કાંઈ વયુ થોડું જવાય… બાકી મને ય કારનો ઘા તો લાઈગો જ સે.”
લક્ષ્મી પોતાનું દુખ પળભર તો સાવ ભૂલી જ ગઈ હોય તેમ પ્રવિણને ધ્યાનથી સાંભળે જ રાખી અને તો હવે પ્રવિણ સામે જોઈને વાત કરતા સ્હેજ પણ સંકોચ થતો ન હતો.
લક્ષ્મી એ કહ્યું કે ,” તમને જોયને તો લાગતુ નથ કે કાંઈ દખ હોય…!
“તમાર જેવા હારા માણહનેય ભગવાન કેમ દખ દેતો હઈસે… તમને હુ થ્યુ સે?”
પ્રવિણે લક્ષ્મીની સામે જોયું. એને લક્ષ્મીની આંખોમાં લાગણી અને ઉત્કંઠાનાં ભાવ દેખાઈ આવ્યા હતા. પ્રવિણને પણ પોતાની જિંદગીમાંથી જિનલ ગઈ પછી પહેલી વાર જ પોતાનો ઊભરો ઠાલવવાં કોઈ સ્વજન મળ્યું હોય તેમ લાગ્યુ. એણે સહેજ પણ વાર ન લગાડી અને લક્ષ્મીને પોતાની બધી આપવિતી જણાવી દીધી.
આ બધું સાંભળીને લક્ષ્મી બોલી,”તમાર જેવા માણહને આમ પઈસા જોયને જ પડતાં મેલી દેવાય ?”
“ પઈસા કે બાપનું વેણ જે કયો ઈ, પણ જિનલને તે’દી જાતી વખતે કાંઈ દુખ નોતુ થાતુ ઈ મને ખબર સે ને મારાથી ઈ નથ ભૂલાતું…!” પ્રવિણે એક ઊંડો નિસાશો નાંખીને જે ખૂંચ્યુ હતું તે ભારે હ્રદયે લક્ષ્મીને કહી દીધું.
લક્ષ્મીની આંખો પણ ફરીથી ભીની થઈ પણ આ વખતે આવેલ આંસુ પોતાનાં દુખના ન હતા. એણે પણ સ્હેજ પોતાની જાતને સાચવી હળવેથી કહ્યુ,
“તમને દખી કરીને એય સુખી….”
એટલું બોલી ત્યાં તો પ્રવિણે એને અટકાવી ને કહ્યું,
“ ના રે કોયનુ કાંઈ ખરાબ થાય એવાં વેણ બોલવા કે હાભરવાય નથ… હવ હવનું નશીબ લઈને આઈવા હોય… ભગવાન હંધાયનુ હારું કરે બસ… ઈ સુખી તો આપણેય સુખી.”
બન્નેએ એકબીજાની આપવિતી કહ્યા પછી થોડું પોતિકાપણું લાગવા લાગ્યું હતું. હવે લક્ષ્મીને વાત કરવા સંકોચ થતો ન હતો. લક્ષ્મીએ પુરપાટ ઝડપે જતી ગાડીનાં ખૂલ્લા દરવાજે તાકીને બોલી,
“ દિ આથમવાનો થ્યો સે… હમણાં સૂરજ આથમી જાહે.”
“ આઈજ આથમી જાહે તો કાઈલ પાસો ઉગશે જ ને…!?”
પ્રવિણે એ આથમતાં સૂરજ સામે જોઈને પછી લક્ષ્મીને કહ્યુ,
“ મુંબઈ હવે થોડી વારમાં આવી જાહે, માથે રાઈત સે ને તારે કાંઈ જાવાનું ઠેકાણું નઈથ…તને ભરોહો હોય માર પર તો મારા ભેગી આવીજા તો હારું… મારે ન્યાં બીજું કોઈ નથ.”
પછી જે વાક્ય જિનલને કહ્યું હતું એ જ વાક્ય સ્વાભાવિક રીતે બોલાઈ ગયું,
“તને કોય તકલીફ નઈ પડવા દઉં.”
લક્ષ્મીએ એનાં મો તરફ જોયું. એક ઊંડો શ્વાસ સ્વાભાવિક રીતે જ લેવાઈ ગયો અને થોડું મનમાં વિચારીને બોલી…
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા