Chhappar Pagi - 11 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 11


લક્ષ્મી પોતાની ખોલીમાં જાય છે, પણ એક મોટી દ્વિધા લઈને કે શું કરવું હવે …?
પ્રવિણને આવવાની હજી થોડી વાર હોય છે. લક્ષ્મી દડ દડ પડતા આસુની ધારા સાથે એની કુળદેવી મા હરસિદ્ધીના ફોટા સામે માથું મુકીને સુઈ રહે છે. એ સતત વિચારી રહી છે, ગડમથલ એનાં દલોદિમાગ પર હાવી થઈ જાય છે… ક્યારેક વિચારોમાં દિલનું આધિપત્ય તો ક્યારેક દિમાગનું આધિપત્ય સામ્રાજ્ય જમાવી બેસે છે. એનું દિલ તો માનતું જ નથી કે માત્ર પોતાનો સ્વાર્થ વિચારીને કોઈ નિર્ણય કરે, પણ હવે એનો દિમાગ પણ એવોજ વિચાર કરે છે…
‘લક્ષ્મી…. તને ઘરેથી કાઢી મૂકવામાં આવી તો ચાર ડગલાં આગળ ક્યાં ભરવા એની પણ ખબર ન હતી, તે ચાલતી પકડી તો ટ્રેન મળી… પ્રવીણ…આશરો…તેજલબેન… કામધંધો… ધીમે ધીમે બધું મળતું જ ગયુ ને… આ મળ્યું તે ટકાવવા કેમ વલોપાત કરી રહી છું… આ સઘળું જશે તો કંઈ નવું નહીં મળે એ કેમ નથી વિચારતી તું…? ખુદ નિયતિ અને ખુદ નિયંતા..! તો સાક્ષાત મા પર ની તારી આસ્થા ક્યાં ગઈ ?
નહી… લક્ષ્મી… નહી….તુ જે વિચારે છે એજ બરોબર છે… પછી જે કંઈ બને તે નિયતિ… કરજે સામનો પુરી મક્કમતાથી..!’
આ પ્રકારનાં વિચારો સતત આવ્યે જાય છે…પણ મનોમન એ પોતાનો નિર્ણય કરી જ લે છે કે મારે હવે શું કરવું ?
બીજી બાજુ…તેજલબેન પણ ઘરે એકલા જ હતા.. એમના પતિ પણ સાંજે સાડા સાત - આઠ આસપાસ જ આવે..એટલે ગાજ બટનનું કામ પડતું મુકી રસોઈ બનાવવવા જ લાગી ગયા હતા. એ છોલે ચણા ખૂબ સરસ બનાવતા અને લક્ષ્મીને પણ ખૂબ ભાવતા એ ખબર હતી જ અને ડોકટર પાસે બતાવવા ગયા એ પહેલાં થોડી તૈયારી કરીને જ ગયા હતા… એ હવે રસોઈ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા હતા, પણ એના મનમાં પણ સતત લક્ષ્મી વિશે જ વિચારો ઘુમરાયા કરતા હતા…એ પણ હવે વિચારતા હતા કે મે પ્રેક્ટીકલ રસ્તો અપનાવ્યો અને લક્ષ્મીને એવી જ સલાહ આપી દીધી..મે તેની આ પરિસ્થિતિનો બીજો વિકલ્પ શું હોય શકે તે વિચાર જ ન કર્યો. એને એવો પણ વિચાર આવ્યો કે લક્ષ્મીનું વર્તમાન એની જોડે જ છે… પ્રવિણ એનું ભવિષ્ય હોય પણ શકે અને ન પણ હોઈ શકે..! કાલ્પનિક ભવિષ્ય માટે લક્ષ્મીનો વાસ્તવિક વર્તમાન કેમ ઉજાડી નાંખવો ..!? તોજલબેનને હવે મનમાં થોડો અફસોસ પણ થાય છે કે મેં માત્ર એક જ વિકલ્પ ખૂલ્લો છે એવું વિચારીને મારો અભિપ્રાય આપ્યો..! એ પોતે સ્વગત વિચારે છે કે છેલ્લા દોઢ-બે મહિનામાં તો લક્ષ્મીએ એના દિલમાં જગ્યા કરી જ લીધી હતી અને મનોમન પોતે લક્ષ્મીને પોતાની દિકરી જ મનોમન માનતા થઈ જ ગયેલ ને..! તો લક્ષ્મી માટે એક જ વિકલ્પ છે એવુ કેમ વિચારી લીધો..હવે જ્યારે પોતે હકારાત્મક રીતે વિચારવા લાગ્યા તો એનાં મનમાં એક વિચાર આવ્યો અને પોતે મક્કમ રીતે તેને અમલમાં મૂકવા નિર્ધાર કરી લે છે..પણ એ વિક્લ્પ માટે એને પોતાનાં પતિના સહયોગની જરુર પડશે… એનાં પતિને લક્ષ્મી સાશે ખાસ કોઈ મુલાકાત થયેલ નહી..એ ઘરેથી નિકળે પછી લક્ષ્મી એનાં ઘરે જતી અને નોકરીથી પરત આવે એ પહેલાં પોતાનાં ઘરે પરત ફરી જતી..એને લક્ષ્મી માટે જે કંઈ થોડું ઘણું એટેચમેંટ હતુ તે પણ તેજલબેને એમના વિશે જે કંઈ વાતો કરી હોય તેના કારણે પરોક્ષ રીતે જ હતુ…. પણ તેજલબેનને વિશ્વાસ હતો કે મારા પતિ મારી વાત પર વિચાર તો ચોક્કસ કરશે જ એટલે એણે નક્કી કર્યુ કે આજે રાત્રે જમવા બેસે ત્યારે એ આ વાત કરશે જ…હવે આ નવા વિચારે તેજલબેન થોડા સ્વસ્થ અને મનોમન રાજી થયા હતા. એમણે ઝડપથી રસોઈ પુરી કરી..લક્ષ્મી અને પ્રવીણ બન્ને ને પુરુ થાય એ રીતે તેના ઘરે આપવા જાય છે એ વખતે લક્ષ્મીને કહે છે, ‘ લે..બેટા પ્રવિણ આવે એટલે સરસ રીતે જમી લેજે.. તારું ભાવતું જ છે…અને ચિંતા જરાય ન કરતી આવતી કાલનો સૂરજ તારે માથે ચિંતાનો નહીં હોય..! તને મનમાં હોય એવું જ મા ગોઠવી આપશે.. બસ મને આજની રાત દઈ દે..’
એ જમવાનું મુકી, આવુ કહી પરત પોતાનાં ઘરે જઈ રહ્યા હતા તો લક્ષ્મી એને ભેટી પડી અને બોલી,
‘આજે એક જ દિવસે મને સંતાન અને મા બન્ને મળી ગયા હોય તેવું લાગે છે..’
‘ હા.. દીકરી હું તારી મા જેવી જ છું અને આપણાં બેવ ની મા પણ અહીં જ બેઠી છે ને..! હવે સરસ જમી લેજે અને બહુ કંઈ વિચાર્યા વગર સુઈ જજે.’
તેજલબેન ઉતાવળે પગલે પોતાનાં ઘરે પરત ફર્યા અને દરરોજ કરતા પણ આજે વિશેષરુપે પોતાનાં પતિની રાહ જોઈ રહ્યા હતા…. સમય જાણે સ્થિર થઈ ગયો હોય તેમ જલદીથી એના આઠ પણ નહતા થતા..! ટીવી ચાલું કરે છે પણ મન નથી ચોંટતું.. બહાર આવીને ચાલીની બહાર લાંબે નજર કરી આવે છે પણ પોતાના પતિ નજરે નથી ચડતા. હવે તો સવા આઠ.. સાડા આઠ પણ થયા.. પોતે વિચારે છે કે નક્કી એ ટ્રેન ચૂકી ગયા હશે અથવા કંઈ કામથી વચ્ચે રોકાયા હશે. પોતે જેવાં ઘરમાં અંદર જઈ ફરીથી ટીવી સામે ગોઠવાયા એટલી વારમાં તો બારણુ ખખડ્યું. બની શકે એટલી ત્વરિતતાથી તેજલબેન દરવાજો. ખોલ્યો, ઝડપથી એમની બેગ અને પાણીની બોટલ હાથમાં લઈ લીધી અને બોલ્યા, ‘ જલ્દીથી હાથ મોઢું ધોઈ લો, ભગવાનને પગે લાગીને આવી જાવ હું ત્યાં સુધીમાં ડીશ તૈયાર કરુ… આપણે જમી લઈએ.’
તેજલબેને ડીશ તૈયાર રાખી હતી, બન્ને જોડે જ જમવા બેસી જાય છે… બન્ને એ થોડી ઓફિસ અને ઘરની વાત કરી.. પછી તેજલબેન બોલ્યા મારે તમને એક વાત કરવી છે.. અત્યારે જ કઉં કે પછી સુતી વખતે..?
મોઢામાં કોળીઓ ચાવતાં ચાવતાં માત્ર હાથનાં ઈશારે કહી જ દીધું જાણે કે અત્યારે જ..!
તેજલબેને જૂના દિવસો યાદ કરાવીને પોતાનાં પતિને કહ્યું કે એ લોકો એ કેવી ભૂલ કરી હતી.. શરુઆતનાં સંઘર્ષનાં દિવસોમાં બાળક માટે પ્લાન જ ન કર્યો , વિચાર્યું કે પોતાની ખોલી કે નાનું ઘર લેવાય જાય પછી વિચારીએ.. કામમાં ને કમાવવામાં, પોતાનાં સપનાનું નવુ ઘર તો ન થયુ પણ રહે છે તે ખોલી માંડ ખરીદી શક્યા હતા.. એ પછી બંને એ બાળક માટે વિચાર્યું હતું પણ એક વાર મિસકેરેજ થઈ ગયા પછી બીજી વાર કંઈ ખૂશ થવાય એવો દિવસ જ ન આવ્યો…. પણ પછી બન્ને ‘જેવી ઈશ્વરની મરજી’ એ ન્યાયે આ વાતને ભૂલી ગયા હતા. આજે આટલાં વર્ષો પછી કેમ યાદ કર્યું એવો સામેથી જવાબ આવ્યો તો તેજલબેને લક્ષ્મીની બધી જ વાત કરી.. પોતે શું વિચારે છે , લક્ષ્મી શું અનુભવે છે.. એ બધુ જ..! પછી તેજલબેને પોતાના પતિને પુછ્યુ, ‘હે…આપણે લક્ષ્મીને દત્તક લઈ લઈએ તો..! આ વિચાર આવ્યા પછી જ મને થોડી શાંતી થઈ હતી , લક્ષ્મીને પણ હુ કહી આવી કે આવતીકાલે સુખનો સૂરજ ઉગશે… તુ ચિંતા ન કરતી… ‘પણ તમે શું ક્યો છો ? તમારો શું વિચાર છે એ મને કહો ને જલ્દી…!!!

(ક્રમશ: )
લેખકઃ રાજેશ કારિયા