Chhappar Pagi - 14 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 14


પ્રવિણે હોસ્પીટલથી ફાઈલ લઈ, મેડીસીન કાઉંટર પરથી જરુરી દવાઓ લઈ, લક્ષ્મી પાસે જાય છે.લક્ષ્મીને તેજલબેને હમણાં કંઈ જ કહેવાની ના પાડી હતી, પણ અહિં તો બધુ જ સ્પષ્ટ થઈ ગયુ હતુ..એટલે લક્ષ્મી એ વિચારમાં ગરકાવ હતી… પ્રવિણ બિલકુલ પાસેની ચેર પર બેસી જાય છે, લક્ષ્મીનાં માથા પર સ્વાભાવિક રીતે જ હાશ મુકાઈ જાય છે. લક્ષ્મી એકદમ જ વિચારોમાંથી બહાર આવે છે. લક્ષ્મીની મનોસ્થિતીથી પ્રવિણ બિલકુલ વાકેફ છે એટલે એને કંઈજ બોલવાની તક નથી આપતો અને તરત જ કહે છે,
‘લક્ષ્મી ચિંતા કરવા જેવું કંઈ જ નથી, ડોક્ટરે કહ્યું છે કે બધુ જ બરોબર છે… આ તો ખુશ થઈ જવાય તેવાં સરસ સમાચાર છે.. હવે આ સમય ઉદાસ રહી વિચારે ચડવાનો નથી, પણ સતત ખુશ રહી પા..પા.. પગલીઓ પાડનારની આતુરતાથી રાહ જોવાનો સમય છે. ચાલ હવે તો સરસ લંચ કરવા જવાનું છે, શેઠ અને શેઠાણીએ તો મને બે દિવસ પહેલાં જ કહ્યું હતું કે હવે તમારાં બન્નેની જવાબદારીઓ વધશે.. મને થોડો અણસાર તો હતો જ પણ મને બહુ ખબર ન પડે,એટલે શેઠને બધી જ વાત કરી હતી…. એટલે આપણાં શેઠે જ આ બધી વ્યવસ્થા ગોઠવી આપી… આપણે ખરેખર નશીબદાર છીએ લક્ષ્મી કે આપણને ભગવાને આટલાં માયાળુ શેઠ-શેઠાણી આપ્યાં હે..ને..?’
આ વાત સાંભળી લક્ષ્મીનાં ચહેરા પર જે ચિંતાના વાદળો હતાં તે પળભરમા વિખેરાય જાય છે. લક્ષ્મીથી સહજ રીતે પ્રવિણનાં ખભા પર માંથુ ઢળી જાય છે.. પ્રવિણ પણ થોડી ક્ષણો ત્યાં જ બેસી રહે છે અને પછી કહે છે, ‘અલી.. તારે તો બે જણનું હવે જોવાનું .. તોય ભૂખ નથી લાગી..! મને તો પેટમાં ઉંદરો દોડતા હોય તેવી ભૂખ લાગી છે, ચાલ જલ્દી.. આપણે જમીને ઘરે જઈએ તો ડ્રાઈવર છૂટો થશે અને પછી શેઠને પણ ઘરે જવા મળશે.’
લક્ષ્મી અને પ્રવિણ શેઠનાં મિત્રની રેસ્ટોરાંમા લંચ માટે જાય છે.. લક્ષ્મી અને પ્રવિણ માટે આવી રેસ્ટોરાંમા જમવાનુ સ્વપ્ન જેવું લાગ્યું.. બન્ને ક્યારેય આ પ્રકારની જગ્યાએ ક્યારેય ન ગયા હોવાથી થોડું ડિસકમ્ફર્ટ જેવુ લાગ્યું, પણ ડ્રાઈવર શેઠ સાથે ટેવાયેલ હોવાથી એણે જોડે રહી બધુંજ મેનેજ કરી લીધું. રસ્તામાંથી પ્રવિણે ચાર પેકેટ્સ પેંડાના જોડે લીધા, બે પેકેટ્સ ડ્રાઈવરને આપ્યાં, એક એનાં માટે અને એક શેઠનાં ઘરે મોકલવા… પછી બન્નેને ઘરે ડ્રોપ કરી ડ્રાઈવર ઓફિસ જવા નિકળી જાય છે.
લક્ષ્મી અને પ્રવિણ હવે ઘરે પહોંચી જાય છે. પ્રવિણે કહ્યું ‘લક્ષ્મી તું હવે આરામ કર.. હું તારું ઘર સાફ કરી દઉં.. આજે ઝાડું પોછાં નથી થયા તો તને નહી ગમતુ હોયને..આજથી આ જવાબદારી હવે દરરોજ મારી.. ( પછી હસતા હસતા..) પણ જો સરખુ ન થાય તો ચલાવી લેવાનું તારે હો..!’
લક્ષ્મી બોલી, ‘હું મા બનવાની છું.. માંદી બનવાની નથી..! એટલે આજે કરી લો ( પછી હસતા હસતા ..) પણ દરરોજ મારે આવું નબળું કામ નહી ચાલે.’
પ્રવિણ બહુ સમયે બપોરના સમયે ઘરે રહ્યો હતો.. એને પણ સારુ લાગ્યું હતુ.. બન્ને સુઈ જાય છે અને છેક સાડા છ વાગ્યે લક્ષ્મીની આંખ ખૂલે છે.. એટલે ઝડપથી જાગી બન્ને માટે ચા બનાવીને પીતા હોય છે, ત્યારે તેજલબેને અને હિતેનભાઈે નક્કી કર્યું હોય છે તે મુજબ એ લોકો પ્રવિણનાં ઘરે આવે છે, લક્ષ્મી એમનાં માટે પણ તરત ચા બનાવી દે છે… ચારેય જોડે બેસી થોડી અલપ જલપ વાત કરી… પણ થોડી વાર પછી તેજલબેને એમનાં આવવાનો અસલ આશય હતો તે વાત માંડી.
‘ પ્રવિણ… ગઈકાલે હું લક્ષ્મીની તબીયત સારી ન હતી તો ડોક્ટર પાસે બતાવવા લઈ ગઈ હતી.. ડોક્ટરે કહ્યું કે એ મા બનવાની છે…
આ તમારું બાળક નથી એ અમને ખબર જ છે.. પણ જો હવે લક્ષ્મી અહીંજ રહે તો સમાજ એવું જ વિચારે કે તમારું બાળક છે. લક્ષ્મીને તમે અત્યાર સુધી ખૂબ મદદ કરી.. એક નવજીવન આપ્યું એમ કહું તો પણ ખોટું નથી, પણને થોડા મહિનાઓ પછી તમે પણ ધર્મસંકટમાં મુકવી જશો.. અને આમ પણ લક્ષ્મીને હવે દેખભાળ માટે એક પોતાનુ ઘર અને મા ની જરુર પડશે.. તો અમે બન્ને એવું વિચારીએ છીએ કે લક્ષ્મીને અમારી સાથે જ રાખીએ.. અમારી પણ એક પૂર્ણ પરીવારની વર્ષો જૂની ખ્વાઈશ પુરી થઈ જશે.’
હિતેનભાઈ એ પણ તેજલબેનનો સાથ પુરાવતા કહ્યુ, ‘ હા.. પ્રવિણ બધી બાજુનો વિચાર કરીએ તો આ જ બરાબર રહેશે.. અમારુ ઘર નાનું છે પણ લક્ષ્મીને જરા પણ ઓછું નહીં આવવા દઈએ…અમે તો હવે થોડાં મહિનાઓમાં મા-બાપ અને દાદા- દાદી પણ બની જઈશુ એવા અભરખાં જોવાં લાગ્યા છીએ…જો લક્ષ્મી અને તમે બન્ને હા પાડશો તો અમે એને દિકરી તરીકે અમારી જોડે લઈ જઈએ..! અમને બન્નેને તો આ જ યોગ્ય લાગે છે..! તારું શું કહેવાનું છે, પ્રવિણ…?’
પ્રવિણે કહ્યું, ‘તમે લક્ષ્મી માટે આટલું બધુ વિચારો છો એ જ બહુ મોટી વાત છે… લક્ષ્મી પેટ થી છે એનો થોડો અણસાર મને પણ હતો.. એટલે મેં મારા શેઠને વાત પણ કરી હતી… મને સમાજની કોઈ પરવા નથી કેમકે મારો સમાજ માત્ર મારા મા-બાપ, લક્ષ્મી, તમે બન્ને અને મારા શેઠ-શેઠાણી જે ગણો તે આટલાં જ છે… એટલે મારે બીજા કોઈ માટે વિચારવાનુ નથી…પણ તમે લક્ષ્મીને દિકરી તરીકે ગણતાં હોય તો…હું તમારી દિકરીનો હાથ હવે મારા સાથ માટે માંગુ છું, જો તમે મને લક્ષ્મી માટે યોગ્ય જીવનસાથી ગણતા હોવ તો.’
એ બન્નેમાંથી કોઈ જવાબ આપે એ પહેલાં લક્ષ્મીએ કહ્યું, ‘તમે મારા માટે કંઈ પણ કરી શકો છો.. એ હું સતત અનુભવું છું. તમે ટ્રેનમાં ન મળ્યા હોત તો પરિસ્થિતી શું હોત એની મને કોઈ કલ્પના જ નથી થતી… તમારા જેવા મિત્રની સાથે આગળની સફર કરવી એ કદાચ મારા ગયા જન્મના કોઈ પૂણ્ય અથવા તો કોઈ રૂણાનુબંધ બાકી હશે.. પણ હું તમારો વિચાર કરું તો મને એવું થાય છે કે આટલું તો કર્યુ… હવે મારા સંતાનને નામ પણ…! લગ્ન કરીએ તો પણ હું ક્યારે તમને દિલથી સ્વિકારી શકીશ એ પણ ખબર નથી…’
પ્રવિણે એની વાત કદાચ પુરી થાય એ પહેલાં જ બોલ્યો, ‘લક્ષ્મી… એ સંતાનનું નામ તો આજે જ હોસ્પિટલની ફાઈલમાં આપી જ દીધું છે… તો અત્યારે લગ્ન કરી લઈએ તો એ નામને આજીવન સ્વિકૃતિ મળી જાય..રહી વાત તારી મનુ માટેની લાગણીની..એ હુ જાણું છું..અત્યારે તો આપણે મિત્ર તરીકે જોડાઈ રહ્યા છીએ અને એમ જ રહીશુ…એક જીવનસાથી તરીકે મારો સ્વિકાર તું જ્યારે પણ કરી શકીશ ત્યાર સુધી હું રાહ જોઈશ… જો તમારા બધાની આ વાતે સહમતી હોય તો હું મારા બા બાપુને બોલાવવાની વ્યવસ્થા કરુ.’
તેજલબેન આ બધી વાત દરમ્યાન સતત લક્ષ્મીના ચહેરા અને હાવભાવ જોઈ રહ્યા હોય છે… પ્રવિણની વાત પુરી થઈ કે તરત તેજલબેને લક્ષ્મી સામે જોયું.. એ લક્ષ્મીનાં મનોભાવ તરત જ પામી જાય છે.. લક્ષ્મી સાથે આગલા દિવસે વાત થઈ હતી.. તે બાબતે પણ પ્રવિણનો વિચાર આજે સ્પષ્ટ રીતે જાણવા મળી ગયો હતો.. એટલે હવે ક્યાંય કોઈ બાબતનો વિચાર કરવા જેવો હતો જ નહીં..એટલે એ તરત બોલ્યા, ‘તો જમાઈ રાજા કરાવો મીઠું મોઢું અમને…અને તેડાવો જલ્દી તમારા મા બાપુને…એ લોકો પહોંચે એટલે શુભ મુહૂર્ત જોઈ આર્યસમાજમાં વીધિ કરાવીએ.’ આટલું બોલી એ લક્ષ્મી પાસે જઈને બેસી જાય છે અને લક્ષ્મી પણ એક દિકરી જેમ મા ને હ્રદયસરસી ચાંપી લે એમ વળગીને રડી પડે છે.
પ્રવિણે કહ્યુ, ‘મને તો વિશ્વાસ હતો જ કે લક્ષ્મી ભલે રૂપાળી હોય ને હું શામળો ( થોડું હસી ને ) પણ મને ના નહીં કહે …મારા મા બાપુ તો હવે રાજી રાજી થઈ જશે.. મારા શેઠને તો મેં પહેલાં જ આ બાબતે પુછી લીધું હતું, એમનાં આશીર્વાદ આ બાબતે છે જ..એટલે તો હું પેંડાનું પેકેટ પણ આજે જોડે જ લઈ આવ્યો હતો..જા લક્ષ્મી લઈ આવ એ બોક્ષ અને કરાવ મીંઠું મોઢું.’
લક્ષ્મી તો ઉભી પણ ન થઈ અને કહ્યુ કે, ‘ના….હું…’

( ક્રમશ: )
લેખક: રાજેશ કારિયા