Chhappar Pagi - 16 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 16



કાલે આમાંથી જે યોગ્ય લાગે તે પહેરજો, એમ જણાવી એ ડેકોરેટીવ બે છાબ સોંપી પરત નિકળી જાય છે.
ડ્રાઈવરના ગયા પછી, બધા વચ્ચે તેજલબેન બન્ને છાબ ખોલે છે તો.. લક્ષ્મી માટેની છાબમાં ડ્રાયફ્રુટ્સ, મિઠાઈ અને સોનાની ચેઈન… અને પ્રવિણ માટેની છાબમાં પણ ડ્રાયફ્રુટ્સ, મિઠાઈ અને સોનાની લક્કી.. આ બધુ જ સરસ રીતે સજાવીને મોકલ્યું હોય છે. પ્રવિણ અને ત્યા ઉપસ્થિત બધા તો આવી ગીફ્ટ દ્વારા આવો સરસ સદ્ભાવ મળ્યો એ જોઈને શેઠ પરત્વે મનોમન કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.. સાથે સાથે એવો પણ વિચાર આવે છે કે, આ બધુ જ જે કંઈ બની રહ્યું છે તેના પાછળ લક્ષ્મીનાં પગલા જ શુકનવંતા છે.. લક્ષ્મીનાં આ ઘરમાં પ્રવેશતાં જ જાણે ચમત્કારિક રીતે પોતાની દુનિયા બદલાવા લાગી હોય તેવું જ અનુભૂતિ થાય છે… એને એવું મનમાં થાય છે કે આ લક્ષ્મીને હું થોડીઘણી સહાય કરી રહ્યો છું કે એના પગલાં થયા એટલે સાક્ષાત લક્ષ્મીજી મને આશીર્વાદ આપી રહ્યા છે..!
પ્રવિણ આ વિચારે ચડ્યો હતો.. પણ અચાનક હિતેનભાઈએ એના ખભે હાથ મુકી ને કહે છે, ‘પ્રવિણ… મારો અનુભવ એવું કહે છે કે કોઈ શેઠ આટલું બધુ કોઈના માટે ન વિચારે.. જરુર પડે તો રુપિયા ઉછીના કે એડ્વાન્સ પેટે આપે.. કાં તો તારા માટે શેઠનાં દિમાગમાં કોઈ મોટો પ્લાન છે.. અથવા તો તારે અને એને ગયા જન્મનું કંઈ લેણ દેણ બાકી હશે… પણ મને એમ લાગે છે કે શેઠનો તારા માટેનો સદ્ભાવ જોઈ કંઈ તો ઊંડો વિચાર હશે જ..’
પ્રવિણે પણ કહ્યું, ‘મને પણ એવો વિચાર આવ્યો જ હતો.. પણ હાલ તો મને લાગે છે કે આપણી લક્ષ્મીનાં પગલાં જ શુકનવંતા છે.. એ અહીં આવી પછી જ ભાગ્ય બદલાઈ રહ્યું છે..’
પ્રવિણ થોડું અટક્યો એ વખતે પ્રવિણનાં બાપુ બોલ્યા, ‘પવલા અમી ગણપતિબાપાના મંદિર ગ્યા ન્યા તેજલબુને અમને હંધીય વાત કરી સે.. તી જે કઈરુ આ લખમી માટે ઈ બવ હારું કઈરુ દિકરા..ભગવાને ઈનો ધણી લઈ લીધો..ઈમા આ સોળી હં વાંક ગનો.. ઈનું આયખુ ઈટલું જ હહે.. ઈમાં કંઈ આ સોળી ને નોધારી ન કરાય.. જિ થ્યુ ઈ… અમી બેય બોવ રાજી સયે દિકરા.. ભગવાન હૌ હારા વાના કરહે… કંઈ ચન્તા ન કરજે.. ખમા દિકરી… બસ તુ દિકરી અમારા પવલાનુ ધોન રાખજે… ભાઈગ નુ લઈખુ કુણ ટાળી હગે..તમી રાજી તો અમીયે રાજી.. અમને તો હવે પવલાની ચન્તા નઈ થાય.. હવી સોકરો રોટલે દખી નઈ થાય.’
લક્ષ્મીની અને તેજલબેનની બન્ને ની આંખો ભીની થઈ.
હિતેનભાઈ અવાક બની,આ ભોળા મા બાપની વાત સાંભળી મનોમન વિચારે છે કે આટલી સરળતા, સાહજીકતા, ઉદારતા કે ભોળપણનું ઐશ્વર્ય એમણે કદાચ એ જાણતા હોય તેવા કોઈપણ ક્ષેત્રમાં સફળ થયેલા લોકોમાં પણ નથી જોઈ..અભણ માણસોની જિંદગીમાં આવતા આવા વમળો પ્રત્યે સહજતાથી સ્વિકૃતિ, કદાચ ભણેલા લોકોમાં હોઈ શકે ? હોય તો કેટલાં અંશે હકારાત્મક ? કદાચ ગ્રામ્ય જીવનશૈલીમાં ઓતપ્રોત થયેલ લોકો થી ડિપ્રેશન કે સ્ટ્રેસ હજારો જોજન દૂર એટલે જ રહેતું હશે.. ‘બન્યું તે ન્યાય’ એ જીવનમંત્ર અપનાવી લેવાનાં કારણે જ કદાચ ગ્રામજીવન તણાવ રહિત રહેતુ હશે.
એ દરમિયાન લક્ષ્મીએ ચા બનાવી લીધી હતી..બધાએ ચા પીધા પછી તેજલબેન લક્ષ્મીને પોતાના ઘરે જ લઈ જાય છે અને આવતી કાલની તૈયારી માટે બધાં વળગી જાય છે.
હવે જે મંગલ કાર્ય માટે કદાચ ઈશ્વર પણ રાહ જોઈ રહ્યો હશે એ મંગલ દિવસનો સૂર્યોદય થઈ જાય છે.. બધા જ તૈયાર થઈ આર્યસમાજમાં પહોંચી જાય છે.. વિધિ વિધાન પૂર્વક શુદ્ધ મંત્રોચ્ચાર સાથે લગ્નવિધી સંપન્ન થઈ રહી હોય છે, શેઠ અને શેઠાણી પણ આશિષ આપવા સમયસર પહોંચી જાય છે અને લગ્ન પણ સંપન્ન થઈ જાય છે. આ યુગલ ત્યાં ઉપસ્થિત મહારાજ તેમજ બધાં જ વડિલોને પગે લાગી, સાચા હ્રદયે આપેલ આશીર્વાદ પ્રાપ્ત કરે છે… સાદુ અને સાત્વિક ભોજનને ન્યાય આપી પુનઃ ઘર તરફ પ્રયાણ કરવાની તૈયારી કરતા હોય છે, ત્યારે તેજલબેને સહર્ષ સજલ નયને કહ્યુ,
‘લક્ષ્મી.. તને મારી કૂખે તો જન્મ નથી આપ્યો, પણ તુ મારી જ દિકરી છો.. આગળનુ બધુ જ ભૂલી એક નવા જીવનની શરુઆત કરજે… બાકી તારી હવે પછીની દરેક જરુરિયાત વખતે તારી મા જરુર પડે, તારી સાથે જ હશે.’
શેઠ અને શેઠાણી પોતાની કારમાં બેસી પરત નિકળી જાય છે. બાકીનાનહધા હવે જ્યારે બધા પરત જવા નિકળે છે ત્યારે પ્રવિણે તેજલબેનને કહ્યુ કે, ‘તમે બધા ઘરે પહોંચો.. હુ અને લક્ષ્મી બન્ને મંદિર જઈને તરત ઘરે પહોંચીયે છીએ.
વર વધૂ બન્ને ઓટોરીક્ષા કરી મંદિરે પહોંચે છે. ભગવાનનાં આશિર્વાદ લઈ પ્રવિણ થોડી વાર માટે લક્ષ્મીને મંદિરના ઓટલે બેસવાનું કહે છે..પછી કહે છે, ‘ જો લક્ષ્મી દુનિયાદારીની નજરે આપણે એક થયા છીએ.. આવનાર બાળક પણ આપણું જ છે… પણ મને એ બિલકુલ ખબર છે કે તારા હ્રદયમાં હજી પણ મનુની યાદ જીવંત છે… હું નથી ઈચ્છતો કે તું કે હું એને દૂર કરવાનો કોઈપણ પ્રયત્ન પણ કરીએ… જ્યાં સુધી તારો અંતરાત્મા આગળ વધવાનું ન કહે ત્યાં સુધી મારો એકપણ પ્રયત્ન એવો નહીં હોય કે તને કોઈ ધર્મસંકટ જેવું લાગે… મારા જીવનમાં એક મિત્રની જરૂર હતી એ તે આજે પુરી કરી છે… આગળનાં જીવનમાં મારા તરફથી કંઈ ઓછુ આવે તો તરત મને કહેજે..મને ન કહી શકે એવું કંઈ હોય તો તેજલબેનને કહેજે… એ હવે તારી મા અને બેસ્ટ ફ્રેંડ બન્ને છે…ઈશ્વરે કદાચ આપણને બન્નેને એટલે જ ભેગા કર્યા હશે કે એક બિજાનાં પૂરક બનીએ. હવે આપણે બન્ને આવનાર બાળકનો શક્ય એટલો ખ્યાલ રાખીએ અને એકબિજાનો પણ…આપણાં શેઠે તો મને એક અઠવાડીયાની રજા લેવાનું કહ્યુ છે, પણ કાલે મા બાપુ બન્ને પરત ગામડે જવાનું કહે છે તો એમને ટ્રેનમાં બેસાડી… બિજા દિવસથી હું નોકરી પર જવાનું ચાલુ કરી દઈશ.’
લક્ષ્મી બિલકુલ નિરુત્તર બની જાય છે… એક નજર એકીટશે પ્રવિણ તરફ જોઈ રહે છે અને પછી તરત મંદિરમાં રહેલી મૂરત તરફ…પછી કહે છે, ‘મનુ મારા જીવનમાં માત્ર થોડો સમય આવ્યા ને જતાં પણ રહ્યા… એની યાદગીરી તો આ બાળક સ્વરુપે આજીવન રહેશે જ… મારા માટે હવે પછીનાં જીવન માટે આટલું થયું એ પુરતુ છે. હું જે ઈચ્છતી હતી તે થઈ ગયુ… આપણું આગળનું જીવન હવે તમારા, મારા અને આવનાર બાળક બન્ને માટે જ છે. આગળનો રાહ આ ઈશ્વર બતાવશે અને એમ જીવતા જઈશુ..’
બન્ને પોતાનાં ઘરે પરત ફરે છે. બિજા દિવસે પ્રવિણ અને લક્ષ્મી બન્ને મા બાપુને ટ્રેનમાં બેસાડવા જાય છે…ટ્રેન ઉપાડવાની તૈયારી હોય છે ત્યારે મા એ લક્ષ્મીને પોતાના ગળે લગાડી કહ્યુ,
‘લક્ષ્મી હવી જટ હારા હમાચાર મોકલાવજો તો પાછા જટ અમી મમ્બઈ આવીયે… તારુ ને પવલાનુ ધોન રાઈખજે.. ‘
ટ્રેનની વ્હીસલ હવે વાગે છે… એક બે આંચકા સાથે ટ્રેન ગતી પકડી આગળ વધે છે… પણ આ આંચકાઓ અહીં ઉપસ્થિત ચાર માંથી કોઈના કાળજે નહોતા વાગ્યા.. કદાચ બધા માટે સુખદ હતા…

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા