Manushya jivano hetu books and stories free download online pdf in Gujarati

મનુષ્ય જીવનનો હેતુ... 

મોક્ષપ્રાપ્તિ દરેક માનવીનો નહીં, દરેક જીવનો હક્ક છે. કારણ કે દરેક જીવ સુખને ખોળે છે. એ સુખ ‘આમાં મળશે, આમાં મળશે’ એવી આશામાં ને આશામાં અનંત અવતારથી ભટક ભટક કરે છે. તે કાયમનું સુખ ખોળે છે. કાયમનું સુખ, એનું નામ જ મોક્ષ. આ ‘ટેમ્પરરી’ સુખ, સુખ જ ના કહેવાય. આ તો બધી ભ્રાંતિ છે, આરોપિત ભાવ છે. જો શ્રીખંડમાં સુખ હોય ને તમે શ્રીખંડ ખાઈને આવ્યા હો, તો તે ફરી તમે ખાવ ? તમને તે દુઃખદાયી થઈ પડેને ? માટે એમાં સુખ નથી. જેવું આરોપણ કરો તેવું સુખ. એટલે મોક્ષપ્રાપ્તિનો દરેક જીવને અધિકાર છે.

મનુષ્ય દેહ જ મોક્ષ મેળવવાનું મોટામાં મોટું સાધન છે. મોક્ષ તો દેવગતિમાં ય ના થાય, જાનવર ગતિમાં ય ના થાય, બીજા કોઈ અવતારમાં ના થાય. એકલો મનુષ્યનો અવતાર જ એવો છે કે તેમાં પાંચેય ગતિ ખુલ્લી છે. આ મનુષ્ય અવતારમાં જ મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય તેમ છે. આ અવતારમાં ચારેય ગતિમાં જઈ શકે છે અને મોક્ષ પણ આ મનુષ્ય ગતિમાંથી જ મળે એમ છે.

ગમે તેટલી પૂજા કરો, ભક્તિ કરો, પ્રભુસ્મરણ કરો, ધ્યાન કરો, જપ કરો, તાપ કરો, ત્યાગ કરો, ધૂન કરો પણ ધ્યેય નક્કી કર્યા વગર, સમજ્યા વગર કર્યે રાખીએ, તો તે કોના જેવું છે ? અમદાવાદ રેલ્વે સ્ટેશન પર, આંટા માર્યા કરવા જેવું. કારણ કે પોતે નક્કી જ નથી કર્યું કે મારે કયે ગામ જવું છે ? સેંકડો ગાડીઓ આવે ને જાય પણ પોતે એકેયમાં બેસી ના શકે ! કારણ કે પોતે નક્કી જ નથી કર્યું કે મારે ક્યે ગામ જવું છે ? એટલે બિચારો રખડ્યા જ કરે, બસ રખડ્યા જ કરે ! અને જેણે નક્કી કર્યું છે કે મારે આ ગામ જવું છે, તેને ત્યાં જવાનાં બધા જ સાધનો મળી આવે. રેલ્વેમાં હડતાલ હોય કે ગાડીનો એક્સિડંટ થયો હોય ને રેલ્વે વહેવાર ખોરવાઈ ગયો હોય, તો લોક શું કરે ? ત્યાં ને ત્યાં બેસી રહે ? કોઈ મુસાફરને રેલ્વે પ્લેટફોર્મ પર ચાર-આઠ દહાડા સુધી રખડી પડ્યો હોય ને આંટા મારતો જ રહ્યો હોય એવું કદિ જોવા મળ્યું ? ગમ્મે તેવું હોય પણ ટ્રેન બંધ તો બસ, કર, ટેક્ષી કે રીક્ષા અને તે ય ના મળે તો છેવટે ખટારામાં બેસીને ય પોતાને ઘેર પહોંચી જાય છે કે નહીં ? કેમ ? તો ત્યાં અંદર કેવી લ્હાય લાગેલી હોય છે કે મારે ઘેર પહોચવું જ છે, ગમે તેમ કરીને. એવી લ્હાય કદિ મોક્ષ પામવાની લાગી છે ? એવી લ્હાય લાગે તો મોક્ષને પામ્યા વગર રહે જ નહીં. આપણને એવી લ્હાય લગતી નથી, તેથી આ રઝળપાટ છે. નહીં તો આપણી ભાવનામાં તો એટલું બળ છે કે જ્ઞાની સામે ચાલીને ઘેર આવીને આત્મજ્ઞાન આપી જાય. પણ એવી પ્રબળ ભાવના આપણામાં કેટલી જાગી ? એની કદિ તપાસ કરી ? ક્યાં કચાશ રહી ગઈ ? તેને કદિ ખોળી ?

એ મોક્ષનું જ્ઞાન મેળવવા ભવોભવ ઈચ્છા હોય છે, પણ કાચી ઈચ્છા હોય છે એ માટે સાચું નિયાણું કર્યું નથી. જો સાચું નિયાણું કર્યું હોય ને તો બધી પુણ્યૈ આમાં જ વપરાઈ જાય ને એ વસ્તુ મળે જ. નિયાણાનો સ્વભાવ શું છે કે તમારી જેટલી પુણ્યૈ હોય, તે નિયાણા ખાતે જ વપરાય. તો તમારી કેટલીક પુણ્યૈ ઘરમાં વપરાઈ, મોટર-બંગલા, બૈરી-છોકરાનાં સુખમાં વપરાઈ ગઈ છે. તીર્થંકરો કે જ્ઞાનીઓ માત્ર મોક્ષનું જ નિયાણું લઈને આવેલા, તેથી બધું પાંસરું ચાલે છે. એમને મોક્ષમાર્ગમાં કંઈ અડચણ ના આવે. નિયાણાનો અર્થ શું કે એક જ ધ્યેય હોય કે આમ જ જોઈએ, બીજું કાંઈ નહીં ! નિયાણું તો મોક્ષે જવા માટે જ કરવા જેવું છે. ધ્યેય તો પોતાના શુદ્ધાત્મા સ્વરૂપમાં રહેવાનો ને નિયાણું એકલું મોક્ષનું. બસ, બીજું કંઈ ન હોવું ઘટે. હવે તો ભેખ માંડવાનો છે, દ્રઢ નિશ્ચય રાખવાનો કે મોક્ષે જ જવું છે. એ એક જ નિયાણું કરવાનું એટલે લાંબા અવતાર ના થાય. એક-બે અવતારમાં છૂટી જવાય. આ સંસાર તો જંજાળ છે બધી !

મોક્ષ તો એકલા ‘જ્ઞાની પુરુષ’ પાસેથી જ મળે. જે મુક્ત થયા હોય તે જ આપણને મુક્ત કરી શકે. પોતે બંધાયેલો બીજાને કઈ રીતે છોડી શકે ? એટલે આપણે જે દુકાને જવું હોય તે દુકાને જવાની છૂટ છે. પણ ત્યાં પૂછવું કે, ‘સાહેબ, મને મોક્ષ આપશો ?’ ત્યારે કહે કે, ‘ના, મોક્ષ આપવાની અમારી તૈયારી નથી.’ તો આપણે બીજી દુકાન; ત્રીજી દુકાને જવું. કોઈ જગ્યાએ આપણને જોઈતો માલ મળી આવે. પણ એક જ દુકાને બેસી રહીએ તો ? તો પછી અથડાઈ મારવાનું. અનંત અવતારથી આવું ભટક ભટક કરવાનું કારણ જ આ છે કે આપણે એક જ દુકાને બેસી રહ્યા છીએ, તપાસે ય ના કરી. ‘અહીં બેસવાથી આપણને મુક્તિનો અનુભવ થાય છે કે નહીં ? આપણાં ક્રોધ-માન-માયા-લોભ ઘટ્યાં ?’ એ ય ના જોયું. અરે, પૈણવું હોય તો તપાસ કરે કે કયું ફળ છે, મોસાળ ક્યાં છે ? બધું ‘રીયાલાઝ’ કરે. પણ આમાં ‘રીયલાઈઝ’ નથી કરતા. કેવડી મોટી ‘બ્લંડર’ કહેવાય આ ?!

જેને સંસારના સર્વ બંધનોથી છૂટવું જ છે, તેને આ જગતમાં કોઈ બાંધનાર નથી અને જેને બંધાવું જ છે તેને કોઈ છોડાવનારો નહીં મળે ! માટે આપણી છૂટવાની તમન્ના પર આધાર છે. અને મોક્ષે જવાની જેની સચોટ ઈચ્છા છે, તેને ગમે ત્યાંથી માર્ગ મળી આવે. જે ‘સાચું જાણવાનો’ કમી છે, તેને આ કાળમાં મોક્ષમાર્ગ મળી આવશે, તેની ગેરેન્ટી જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાન તરફથી છે જ. કે “તારો એકલો મોક્ષનો જ હેતુ મજબૂત હશે તો તું જરૂર તે માર્ગને પામીશ. મોઢે મોક્ષના ને અંદરખાને સંસારના જાતજાતના હેતુ હોય, તે મોક્ષમાર્ગને ક્યારેય ના પામે.”