Sparks (Heart Touching Story) books and stories free download online pdf in Gujarati

તણખો (હૃદય સ્પર્શી વાર્તા)

તણખો


સવારથી ધીમો ધીમો વરસાદ પડી ને રોકાય ગયો હતો. સૂરજની કિરણો કાનજીના ફળિયા માં ફેલાયેલા લીમડાના ઝાડ પર પડતાં જ લીલાછમ પાન સોનેરી લાગી રહ્યા હતા, પણ કાનજી સવારથી ઉઠ્યો ત્યારથી ક્યાંય ચેન પડતું ન હતું. કોણ જાણે ગામમાં કંઈ નવા જૂની થઈ હોય.ત્યાં જોનબાઈ ચા ની કીટલી લઈને આવી અને ઓસરીના કોરે મૂકી ઓરડાની માલીપા જતી રઈ.


"એ સાંભળો છો ચા મૂકી છે પી લેજો"


કાનજીએ વળતા જવાબ આપ્યો.


"એ હા હારું"


કાનજીએ હળવેકથી ચા ની કીટલી રકાબી તરફ વાળી અને ચા ભરી હોઠે અડાડવાની ભાડે જ હતો ત્યાં ડેલીએથી અવાજ આવ્યો.


"કાનજીભાઈ….કાનજીભાઈ…. રતન ડોશી પરલોક સિધાવી ગયા છે. તમે તરત તૈયાર થાવ હો.. વેલા..વેલા… કાઢી જવાના છે. વેલજીએ ફોન કરી કહેડાવ્યું છે કે ગામના લોકો અને સગા વ્હાલાઓને તરત તૈયાર રે હો. સ્મશાને લઈ જવાની બધી તૈયારી થઈ ચૂકી છે,તમેય ઉતાવળ રાખજો"



અચાનક જ કાનજીના કાન સતેજ થયા. ભરેલો શ્વાસ પણ થોડી વાર માટે અટકી ગયો, હળવેકથી શ્વાસ છોડતા બોલ્યો : "ભલે ભલા તું જા હુયે નીકળું હું.."


રતનનો દીકરો વેલજી જ્યારેથી વિદેશ ગયો છે બિચારી બહુ દુઃખી રહેતી, મનજી અને તેની પેલી પત્નીનું અકાળે મૃત્યુ થયું એટલે બીજું ઘર કર્યું અને રતનને ઘરે લાવ્યો ત્યારથી ઉપાધિના દિવસો રતનની માથે ભટકતા રહેતા. વેલજી ને ભણી ગણાવી મોટો કરી મોકલ્યો પણ ઉંમરની હારે રતનનું મગજ સાથ ના આપતું એટલે હારે ના લઈ ગયો. ગામના લોકો પણ પણ અર્ધી ગાંડી જ ગણાતા એટલે બહાર પણ ઓછી નીકળતી.


કાનજી ને હજીય માનવામાં નતું આવતું કે રતન હવે આ દુનિયામાં નથી. જટ દઈને ઉપડતાં પગ આજે ભારી ભારી લાગતા હતા તો પણ હળવેકથી ઉભો થઈ કાચીની દીવાલ ખિટીએ ટાંગેલુ ફારિયું ખંભે નાખી વાટ પકડી.


ચાલતા ચાલતા કાનજી ને રતન ડોશીના એ હંધાય દિવસો યાદ આવવા લાગ્યા. જ્યારે વેલજીની આંગળી પકડી એને નિહાળે લઈ જતી, મનગમતું રમકડું ના મળે તો હંધીય બજાર ફરી વળતી.


જોકે છેલ્લે વેલજી મોટો થતા ઘણો મનાવ્યો છતાં પણ માન્યો નહીં અને રતને છેવટે હાર માની વિદેશ મોકલ્યો.


રતનની ડેલીએ પગ મુકતા જ કાનજીના કાન સોરબકોરથી ભરાઈ ગયા. ત્યાં અવાજ આવ્યો. "વેલજી હજીય ના આવ્યો, નીકળ્યો એને પણ ઘણી વેળા ગઈ.."


કોઈક બોલ્યું : "એ આવ્યો એટલી વાર.. બાકી સંધાય ને એક વાર તો જાવુંનું જ છે હો, થોડી ધીરજ રાખો”


ખંભે નાખેલું ફારિયું માથે ઓઢી આમ તેમ નજર કરી જ્યાં જણ લોકો બેઠા હતા ત્યાં બેસી ગયો. નજરની સામે રતનની લાશ લાલ કપડામાં વીંટાયેલ પડી હતી.બાજુમાં દીવો સંળગ બળી રહ્યો હતો.


બાજુમાં બેઠેલો એક ડોશો બોલ્યો : "બિચારી મરતા મરતા પણ વેલજી નું ભલું કરતી ગઈ." વેલજીને પોતાના પેટના દીકરાની જેમ મોટો કર્યો છે."


ડેલીયે થી વાહનનો અવાજ આવ્યો.વેલજી ફટફટ કરતો ઘરમાં આવ્યો પણ મોઢામાંથી મા નામનો પોકાર પણ નીકળ્યો નહીં.


"ભલાભાઇ બધી તૈયારી થઈ ચૂકી હોય તો આપણે નીકળીએ મારે પછી કાલે સવારે જ નીકળવાનું છે ઘણું બધું કામ બાકી રાખીને આવ્યો છું."


વેલજીની આંખોમાં માઁ મૃત્યુ પામવાની થોડી પણ ઊણપ દેખાતી ન હતી.


"રામ બોલો ભાઈ રામ .. રામ નામ સત્ય છે." ના નારા લાગવા લાગ્યા ને અંતિમયાત્રા આગળ વધવા લાગી. દોણી માંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા. જ્યાં જ્યાંથી અંતિમયાત્રા નીકળી ત્યાં સાવ સોંપો પડી જતો. વેલજી ના પગ જલ્દી જલ્દી ઉપડતા હોય એવું લાગતું હતું. ગામના ચાર રસ્તે રતનને છેલ્લો વિસામો આપવામાં આવ્યો.


વેલજી ના હાફતા ફાફતા શરીર સાથે અંતિમયાત્રા સ્મશાને પહોંચી. રતનની ચિતા પહેલેથી જ ખડકી રાખવામાં આવી હતી. ગામના લોકો અંદરો અંદર વાતું કરી રહ્યા હતા.


"આ વેલજી આવ્યો છે તો દાળો કરીને જાય તો સારું મરનાર ની આત્માને શાંતિ મળે."


ગામના લોકોની વાતું પરથી દાળો ખાવાની ગંધ આવતી હતી. ગોર મહારાજે પોતાની વિધિ પૂર્ણ કરી અને વેલજીના હાથમાં સળગતું લાકડું આપ્યું અને પ્રદક્ષિણા કરવા કહ્યું. વેલજી એક બે ત્રણ અને છેલ્લી પ્રદક્ષિણા પૂરી કરવા જઈ રહ્યો હતો ત્યાં સળગતા લાકડા માંથી એક તણખો નીચે પડ્યો અને એવામાં વેલજી નો જમણો પગ તેના ઉપર પડતા જ "ઓય માઁ " નામનો અવાજ નીકળી ગયો.


ત્યાં અચાનક વેલજીનાં કાનમાં એક અવાજ પડ્યો. "ખમ્મા મારા દીકરા ને ખમ્મા… ખમ્મા… વેલજી આમતેમ નજર નાખી પણ કોઈ બોલતું હોય એવું નજરે ના ચડ્યું. વેલજી ચિતાને આગ આપી દૂર ખસી ગયો. ભળ ભળ કરતી ચિતા બળવા લાગી. થોડી વારમાં બધું શાંત થવા લાગ્યું. કાનજીના મનમાંથી આ દ્રશ્ય આજીવન દૂર નહીં થાય કારણકે વેલજી પછીનો બીજો માણસ એ હતો જેને રતનનો છેલ્લો અવાજ સાંભળ્યો હતો.


સમાપ્ત