Manni Shanti books and stories free download online pdf in Gujarati

મનની શાંતિ

જગત આખું ગૂંચવાડામાં જકડાયું છે. ગૂંચવાડામાંથી કેમનો નીકળે ? એક ગૂંચ કાઢવા જાય ત્યાં બીજી પાંચ નવી વળગે ! ગૂંચવાડો ઊભો કર્યો કોણ ? મને. ગૂંચવાડામાંથી છોડાવે કોણ ? જ્ઞાની. મનની જરૂર ક્યાં સુધી ? સંપૂર્ણ ગૂંચવાડો ના નીકળે ત્યાં સુધી ! અને ગૂંચવાડો ખલાસ થાય ત્યારે મોક્ષ થાય ! મન કોણે ઊભું કર્યું ? પોતે ઊભું કર્યું. જેનું મન ક્યારેય અશાંત થાય તે મુક્ત !

મનને મરાય ? મન તો છે મોક્ષે જવા માટેનું નાવડું ! એને કેમ કરીને તોડાય ? મન વગર તો કેમ કરીને જીવાય ? ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે, મન બંધન અને મોક્ષનું કારણ છે. મારું મન મને પજવે છે ! કરીને મનને મારી નંખાય ? નાવડું ઊંધે રસ્તે જતું હોય તો શું નાવિકથી નાવડાને તોડી નંખાય કે હોકાયંત્રની મદદથી કિનારા તરફ વાળી લેવાય ? જ્ઞાની પુરુષને ખોળે તે તમને હોકાયંત્ર મૂકી આપે, પછી નાવડું કિનારે પુગાડે ! લોકસંજ્ઞાએ ચાલતા ધ્રુવકાંટાને ફેરવી જ્ઞાનીસંજ્ઞાએ ચાલવા માંડે તો, મોક્ષ હાથવેંત છે. જ્ઞાની લોકસંજ્ઞામાંથી જ્ઞાનીસંજ્ઞામાં ફેરવી આપે, એટલે કે આખી દ્રષ્ટિફેર કરાવે !

મનમાં જાતજાતના વિચારો હેરાન કરે છે ? તો મન મનનો ધર્મ બજાવે . એમાં શું ગ્રહણ કરવું ને શું ના કરવું આપણે જોવાનું. મન એક્સિડન્ટ થશે તો એમ ચેતવે છે, કંઈ આપણને ભયભીત કરે છે ? આપણે ભય પામીએ આપણી ભૂલ. ત્યાં તો તેને નોટેડ ઈટસ્ કન્ટેન્ટસ (નોંધ લીધી તારી વાતની, હવે બીજી વાત કર !)’ કરીને આગળ છે જ્ઞાનદશા. વિચાર આવે ને તેમાં તન્મયાકાર થઈ ભોગવે તે અજ્ઞાનદશા.

ધાર્મિક પ્રવૃતિમાં મન સ્થિર રહે છે ? ના રહેતું હોય તો મોટેથી મંત્રો-જપ બોલવા, બાંગ પોકારે ત્યારે મહીં બધું ચૂપ ! પણ મન અસ્થિર કોણે કર્યું ? આપણે . શાથી એમ થયું ? હિતાહિતનું ભાન નહીં રહેવાથી મનનો દુરુપયોગ થયો ને મન ડીકંટ્રોલ્ડ (બેકાબુ) થઈ ગયું ! હિતાહિતનું ભાન થાય એવું જ્ઞાન મળ્યે મન સ્થિર થાય. જેને જ્ઞાનીની કૃપા પ્રાપ્ત થઈ હોય તે તો મનથી છેટા રહે એટલે સ્થિર થઈ જાય ! મન સ્થિર થાય ત્યાંથી ગાડી આધ્યાત્મિકના પાટે ચઢી કહેવાય, ત્યાં સુધી નહીં! અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી તો મન વશ થઈ જાય, ચિંતા-ઉપાધિ તો થાય નહીં પણ સમાધિ વર્તે!

આજકાલ જ્યાં જુઓ તો માનસિક અશાંતિનાં દર્દો ફાટી નીકળ્યા છે ! અશાંતિ જોડે ફ્રેન્ડશિપ (મિત્રતા) કરે છે. તે રાત્રે બાર વાગ્યા સુધી પથારીમાં જોડે લઈને સૂઈ રહે ! અલ્યા, દુશ્મનને તો ઓળખ !

મનને સમાધાન શી રીતે આપવું ? ગાડી માટે ખૂબ રાહ જોવી પડે ત્યારે શું થાય ? વ્યવસ્થિત છે કહેતા મન શાંતતાને પામે. યા તો મંત્રો બોલવા ને મનને વ્યસ્ત રાખવું ! મન જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં સમાધાનને પામે ! ક્યારે ? જ્યારે દેહાભિમાન જાય ત્યારે!

ધર્મ જો પાળ્યો હોય તો મનની શાંતિ થાય . મનની શાંતિ સહેલામાં સહેલી વસ્તુ છે. નાનામાં નાની બાબત છે. કોઈ ગમે તે ધર્મ પાળે ને તો પણ શાંતિ થઈ જાય. સંસારના ધર્મોથી મોક્ષ ના થાય. પણ શાંતિ તો થાય ને ? જેની પાસે બેસતા હોય એને શાંતિ નહીં થયેલી હોય માણસને. તો પૂછવું પડે કે જો તમને શાંતિ થયેલી હોય તો બેસું. નહીં તો નકામું શું કામ બેસું ? બીજી દુકાને જઉં ને !

લોકોને માનસિક શાંતિ શી રીતે મળે ? માનસિક શાંતિ શેમાંથીય મળે નહીં. માનસિક શાંતિ મળે શી રીતે લોકોને ? અશાંતિ ખોળે છે. શોધમાં છે અશાંતિની ! સહજ ભાવે રહે તો બધી શાંતિ રહે. ખાધા પછી ઊંઘ આવતી હોય તો સૂઈ જાય ઘડી વાર. સૂઈ જાય ત્યારે ચાર કલાક સૂઈ જાય. એવું પોતે અશાંતિ કરી વાતાવરણ બધું બગાડી નાખે છે. અહંકારે કરીને બગાડે છે. જો અહંકાર જરા નોર્મલ (સામાન્ય) હોય ને તો દશા ના થાત ! જે અશાંતિ ઊભી કરે તેની આપણે ફ્રેન્ડશિપ (મિત્રાચારી) ના કરવી જોઈએ ને ? તો એના વગર ગમતું નથી. એને ગળે હાથ નાખીને ફરવા જોઈએ અને પથારીમાં જોડે સૂવાડે હં કે ! બાર વાગ્યા સુધી પથારીમાં જોડે સૂવાડે ! એને કહીએ, જા, અહીંથી. મેલ પૂળો ! અશાંતિ થાય ત્યારથી દુશ્મન છે એમ નથી સમજાતું ?! ઓળખવું તો જોઈએ ને આપણે કે કોણ આપણું ને કોણ પારકું, એમ ના ઓળખવું જોઈએ ?

મનની શાંતિ તો, સત્સંગમાં બેસવાથી, સત્સંગનાં બે શબ્દ આરાધન કરવાથી તો શાંતિ થઈ જાય, નહીં તો એમ ને એમ શાંતિ થાય નહીં ને ? મન શાથી અશાંત થયું છે તે તપાસ કરવી પડે આપણે. એની તપાસ કરવી પડે કે ના કરવી પડે ? પૈણ્યા નથી તેથી અશાંત થયું છે કે ભણ્યા નથી તેથી અશાંત થયું છે ? એનું કંઈ તો ખોળી કાઢવું પડે ને ? અણસમજણથી સીધી અશાંતિ છે. દુનિયામાં દુઃખ હોય નહીં. તો દુઃખ તો પોતાના અણસમજણના છે. ગેરસમજણના ઈન્વાઈટેડ (આમંત્રેલું) દુઃખ છે.

મનની શાંતિ ખપે કે પરમાનંદ ? અશાંતિ આવે ત્યારે સંસારનો રાગ છૂટે ! અને પરમાનંદ તો આત્મજ્ઞાન પછી મળે. મનની શાંતિ તો એક જાતનું મન અશાંત નથી થયું એવું લક્ષણ. પણ જ્ઞાન, પરમાનંદની વાત તો જુદી ને ! પરમાનંદી ભગવાન થઈ ગયો. બાકી મનની શાંતિ તો થાય અને પછી વળી પાછું ચઢી બેસે મન. શું કામનું ? ટેમ્પરરી એડજસ્ટમેન્ટ (વિનાશી) કરવાની શું હોય ? પરમેનન્ટ (કાયમી) જોઈએ. કોઈ પણ એડજસ્ટમેન્ટ હોય તો પરમેનન્ટ જોઈએ કે ટેમ્પરરી ચાલે ? ટેમ્પરરી એડજસ્ટમેન્ટ તો ફસામણ. મનની શાંતિ તો જેનું મન વશ થઈ ગયેલું હોય તેની પાસે જઈએ તો મનની શાંતિ થાય. મન વશ થઈ ગયેલું હોવું જોઈએ.