fankdi books and stories free download online pdf in Gujarati

ફાંકડી

ફાંકડી
ડોક્ટરનું દવાખાનું ખુલી ગયેલું પણ ડોક્ટર હજુ આવ્યા ન હતા. ફાસ્ટ ફરતા પંખા સાથે ડેટોલની વાસ તાજા કરેલા પોતાં સાથે વેઇટિંગ લાઉન્જમાં ફરતી હતી. અત્યારે ન હોય પણ નાક દવાની કલ્પિત ગંધ લેતું હતું. હું અને શ્રીમતી રિસેપ્શનિસ્ટ ગર્લ પાસે ગયાં અને નામ લખાવ્યું. એ મારી સામે જોઈ મીઠું હસી. થોડી ગોરી ત્વચા, ટ્યુબલાઈટમાં ચમકતા ગાલ, કાજળ આંજેલી ઘેરી કાળી આંખો, પાછળ ખુલ્લા, છુટા અને લાંબા, ઘટ્ટ કેશ, કેસરી ટોપ સાથે મેચ કેસરી બક્કલથી બાંધેલા કદાચ આજે જ ધોયેલા કેશ સદ્યસ્નાતાની આછી સુગંધથી ફોરતા હતા. ચમકતાં બ્રેસલેટ યુક્ત ગોરા પાતળા હાથે એણે પેન ઉઠાવી અમારું નામ લખ્યું. ‘બેસો. સાહેબ દસ વાગ્યા પછી આવશે.’ એણે ધીમા કર્ણપ્રિય અવાજે કહ્યું.

ઋગ્ણ પેશન્ટ આના દર્શનથી જ અર્ધો સાજો થઈ જાય. એ ઉભી થઈ, ઊંચી થઈ અભરાઈએથી કોઈ નોટ લેવા ગઈ. કાળા લેગીન્સમાંથી પાતળા ઘાટીલા પગ અને નીચે રંગેલા નખ સાથે કુમળા પંજાઓ દેખાયા. આકારબદ્ધ પાતળી પીઠ, આગળ પાછળ બેય બાજુથી ધ્યાનાકર્ષક દેખાવ.

હું આવું વર્ણન કેમ કરું છું? હું સુંદરતા માણનારો છું. ભલે હું પત્નીને બતાવવા આવ્યો છું પણ આવી સુંદરતાનાં દર્શન કરી મારી સવાર સાચે જ ગુડમોર્નિંગ થઈ ગઈ.

એકાદ ફોન રણક્યો. “ગુડ મોર્નિંગ. … હોસ્પિટલ હીયર” એ મંજુલ સ્વરે, (અલબત્ત, લતા મંગેશકર કે નૂતન જેવો નહીં, ધીમો ગળ્યો લગે એવો) બોલી.
“એપોઇન્ટમેંન્ટ લખી લઉં છું. સાડાદસે. હા. જરૂર. હા. સાહેબના હાથમાં જાદુ છે. થઈ જ જશે. બાય..”
બસ, ક્યાં પેલા કોલસેન્ટરવાળાઓનું ‘આપકા દિન શુભ હો’ વાળું કૃત્રિમ વાક્ય, અને ક્યાં સામે આ. કુદરતી મીઠાશ. શું મેનર્સ ? આ પેઢીમાં પણ બધા પાસે આવી ન હોય.
એણે ડેસ્ક નીચેથી કોઈ પેડ લઈ તેમાં એપોઇન્ટમેન્ટ ટાંકી. એ સાથે એ નીચી ઝૂકી. મારે જે રસપાન કરવું હતું તે અનાયાસે જ થઈ ગયું.

શ્રીમતી ધીમા અવાજે ચાલતાં ટીવી સામે દ્રષ્ટિ કરી આસપાસ જોઈ રહ્યાં. મેં એક જૂનું છાપું લીધું અને પાના ફેરવવાં શરૂ કર્યાં પણ રહીરહીને ધ્યાન એ રિસેપ્શનિસ્ટ સામે જતું હતું. ખૂણામાં શો પીસ મુકો એ કરતાં આ લાઈવ શો પીસ વધુ આંખો ઠારતો હતો.
હું લોલુપ માણસ નથી. સ્ત્રીઓનું પૂરું સન્માન જાળવું છું. મને બીજા કોઈ કામુક કે આડાતેડા વિચાર ન આવે પણ નારીને ફેર સેક્સ અમસ્તી જ નથી કહેવાતી. ઈશ્વરે આવી સુંદર દેહ્યષ્ટિ અને મુખાકૃતિ બનાવી હોય તો જોઈને ચિત્ત તો પ્રસન્ન કરીએ જ ને?
મારી ફેર સેક્સ, ‘બેટર હાફ’ ની સિક્સથ સેન્સ જાગૃત થઇ.
“..., શું વાંચો છો?” શ્રીમતીએ પૂછ્યું.
હું ધ્યાન ભંગ થયો.
“કેટલા વાગ્યા?” તેણે ફરી પૂછ્યું.
“સવા દસ” મેં કહ્યું.
“ડોક્ટર કેટલી વારમાં આવશે?”
શ્રીમતીએ રિસેપ્શનિસ્ટ ને પૂછ્યું.
“આંટી, આવવા જ જોઈએ.” એ આંટી સાથે અંકલ સામે પણ ફરીથી એ જ મધુરું હસી.
“આના વાળ ખૂબ સરસ છે, નહીં?”
આખરે મેં શ્રીમતીને કહ્યું.
“હા. કોરા છુટ્ટા. એ એમ ને એમ ન રહે, જેલનો ઉપયોગ કરવો પડે.”
“ તે જેલ વાળું માથું રોજ ધોતી હશે?”
“તમે રોજ ક્યાં જોવા આવ્યા છો?
(આવવા મળે તો જરૂર આવું, મેં મનમાં કહ્યું)
ફરી શ્રીમતી ઊંચે શેલ્ફ પર રાખેલાં નાનાં ટીવી તરફ ડોક ઊંચી કરી આજતક જોવા લાગ્યાં. હું જૂનાં છાપાંનાં પાનાં ફેરવતો ત્રાંસી આંખે ‘સૌંદર્ય નું રસપાન’ કરવા લાગ્યો.

સિક્સથ સેન્સ.. મેરા પતિ સિર્ફ મેરા હૈ. બીજે જુએ તો બીજાનો થઈ જાય તો?
“એઈ, શું વાંચો છો?”
શું જવાબ દઉં?
આખરે મેં કહ્યું “આ રિસેપ્શનિસ્ટ સુંદર, દેખાવડી છે, નહીં?”
“હં.. તમે શું વાંચતા હતા એ મને ખબર તો પડી ગયેલી."
“દેખાવડી અને સ્માર્ટ લાગે છે.” શ્રીમતીએ મારી વાતનો વિચારવિસ્તાર કર્યો.
“મોં પરથી ભણેલી લાગે છે. ડ્રેસ સેન્સ સરસ છે.” મેં ઉમેર્યું.
“પબ્લિક સામે રજુ થવાનું હોય એનામાં બધું ધીમે ધીમે આવી જાય.”
“દવાખાના કરતાં કોર્પોરેટ ઓફિસ કે હોટેલના કાઉન્ટર પર આ વધુ શોભે. ફાંકડી લાગે છે.” મેં કહ્યું. શ્રીમતીએ મને રેડ હેન્ડેડ પકડી પાડ્યો પણ એ મારી સાથે હતી એટલે મેં હિમ્મત કરી.
“એ માટે હોટેલ મેનેજમેન્ટ કે પબ્લિક રિલેશનનો કોર્સ કરવો પડતો હશે.”
“આ શું ભણી હશે? સારું ભણી હશે.”
“એ, તમે એના માટે આપણા કોઈ સગા મુરતીયાનો વિચાર કરતા નથીને?”
હેં? ફરી ગયું છે? મારી આંખો જ આસ્વાદ લઈ રહી છે. મને જ લેવા દે. મેં મનમાં કહ્યું.
"તું કહેતી હોય તો મગજમાં રાખ.”
“ના ના. એવું તો નહીં. ન ઓળખાણ ન પાળખાણ..”
“એ તો તમે લેડીઝ એમાં પાવરધાં! ડોક્ટરને પૂછીને પણ કઢાવો”
“સારું, જુઓ જુઓ હોં! લોકો જુએ એટલે તો એ બેઠી છે. એમ પણ શાંતિથી લોકો વેઇટ કરતા હોય તો.” શ્રીમતીએ ગોલ કરી લીધો.
ડોક્ટર આવ્યા. એ એટલા હેન્ડસમ તો ન હતા, ન કદરૂપા. ચળકતી અર્ધી તાલ, રૂપેરી ફ્રેમવાળાં ચશ્માં, બ્રાન્ડેડ શર્ટ પેન્ટ. કેમ ન હોય? આ સ્ટેજ પર પહોંચતાં એને વર્ષો ગયાં હશે. દેખાવથી વધુ તો એની કુશળતા વિશે સાંભળી અમે દુરથી સવારના પહોરમાં અહીં આવેલાં.
શ્રીમતીને વિગતે તપાસી આગલી પાછલી હિસ્ટ્રી જોઈ એમણેે દવા લખી, રિપોર્ટ કાઢવા નીચેની લેબમાંથી આવશે અને દવા ક્લિનિકની અંદરના સ્ટોરમાંથી મળી જશે એમ કહ્યું. એ તો સ્પેશિયાલિસ્ટને ત્યાં એવું જ હોય. તો જ આવી ફાંકડી રિસેપ્શનિસ્ટ પોસાય.
મેં ડોક્ટરને પુછ્યું, “સાહેબ, રિસીટ લઈ શકું રિપોર્ટ અને કન્સલ્ટેશન ની?”
“સ્યોર. બહાર કહી દઉં છું.”
જે બે મિનિટ આખરી સૌન્દર્યપાન કરવા મળ્યું.
હું કાઉન્ટર પર ગયો. એ ગોરા ગાલ વચ્ચે કાળી આંખોમાં આંખ પેરવી કહ્યું કે રિસીટ જોઈશે.
“ અફકોર્સ. બેસો.”
એણે રિસીટ બુક કાઢી.બાજુના મેડીકલ સ્ટોરમાં બેઠેલી સહેજ મોટી છોકરીને બોલાવી. એણે જ બુક ખોલી આંકડા અને શબ્દોમાં રકમ અને પૈસા લખ્યા. મારું ધ્યાન એપોઇન્ટમેન્ટના કાગળ પર પડ્યું. નાનું બાળક લખે એવા મોટા અને ગરબડીયા અક્ષરે ખોટી જોડણીઓથી નામો લખેલાં!
દેખીતી રીતે એ સૌંદર્યથી ભરપૂર, પરંતુ માંડ લખી શકતી છોકરી હતી અને અંગ્રેજી લખતાં એને આવડતું ન હતું. એક રિસીટ પણ નહીં.
ખૂબસૂરત સાથે ખૂબશિક્ષિત હોય તો એ પોશ હોટેલનાં કાઉન્ટર પર કે પ્રાઇવેટ કોર્પોરેટ ઓફિસમાં જ હોય ને?
મેં શ્રીમતીને એ કહેવા પાછળ જોયું. એ તો ક્યારની નીચે પહોંચી ગયેલી.
એણે રિસીટ આપી. ફરી સ્માઈલ, રિસીટ આપતાં એનો હળવો સુંવાળો સ્પર્શ. પણ મને કોઈ ઉત્તેજના ન થઈ. સૌંદર્ય પામતા પહેલાં સ્ટેટસ તો જોવું પડેને?
-સુનીલ અંજારીયા