Chhappar Pagi - 50 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 50

છપ્પરપગી ( 50 )
———————
બધા જ લોકો બહાર નિકળી ગયા હોય છે, પલ પોતાનાં શોક્સ પહેરવા માટે વાર લાગે છે તો બે ત્રણ મિનિટ મોડી પડે છે અને બિજા બધાથી થોડી પાછળ રહી જાય છે. એ બધા જ પોતાનાં બ્લોક્સ સુધી પહોંચી જાય છે, જ્યારે પલ હવે કુટિર છોડી ગૌશાળા સુધી જ પહોંચી હોય છે, ત્યાં જ વિશ્વાસરાવજી પલ ને પરત બોલાવે છે અને સ્વામીજીને મળવા માટે ફરીથી કુટીરમાં લઈ જાય છે. સ્વામીજી, પલ અને વિશ્વાસરાવજી સિવાય હવે કુટીરમાં કોઈ જ નથી. સ્વામીજીએ પલ ને પુછ્યુ,
‘બેટા તારી જનરેશનમાં આટલાં પરિપક્વ વિચાર ખૂબ ઓછા વ્યક્તિઓમાં જોવા મળે છે.મારે તને પૂછવું છે કે તું લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમા ગ્રેજ્યુએશન કરવા ગઈ હતી ત્યારે પ્રો. ડો. મોહન બિજાપુરિયાના સંપર્કમાં આવી હતી ?’
પલ તો જાણે એક મિનિટ માટે બિલકુલ અવાક્ બની સ્વામીજી સામે જોતી જ રહી… ‘તમે એમને તેવી રીતે ઓળખો છો ? એ તો મારા ફેવરીટ પ્રોફેસર રહ્યા છે.. ઈનફેક્ટ કદાચ એમના કારણે જ હુ આ પ્રકારના વિચારોથી જોડાયેલ રહી છું.. મારે એમની જોડે
જે. ક્રિષ્નામૂર્તિના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતો બાબતે ખૂબ લાંબી ચર્ચાઓ થયેલ છે.’
સ્વામીજી કંઈ જવાબ આપે એ પહેલાં તો વિશ્વાસરાવજીએ કહ્યું કે ગયા વર્ષે પ્રો. મોહનજી અહીં સ્વામીજી પાસે પાંચ દિવસ રોકાવા માટે આવ્યા હતા.. એમની ઈચ્છા તો હજી વધારે રોકાવાની હતી પણ સ્વામીજીનો આગળના દિવસોનો કાર્યક્રમ ફિક્સ હોવાથી સમય ફાળવી શકે તેમ ન હોવાથી પ્રો. મોહનજી અન્યત્ર ગયા અને ફરી નાતાલની રજાઓમાં અહીં આવશે.
પલ ને હવે સ્વામીજી વિષે વધારે જીજીવિષા થઈ પણ એ ચૂપ જ રહી કેમકે હવે અત્યારે કંઈ પણ જાણવું કે પુછવુ અસ્થાને જ ગણાય… પણ મનમાં વિચારવા લાગી કે આ વ્યક્તિ સાવ સામાન્ય સન્યાસી જેવા તો નથી જ.
સ્વામીજીએ કહ્યું, ‘પલ તુ તારા આ નિર્ણય પર આવી ત્યારે મને ચોક્કસપણે લાગ્યું કે તારા વિચારોમાં ક્યાંક જે. ક્રિષ્નામૂર્તિ દ્રઢ થયા છે અને તુ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી ભણી છો એટલે પ્રો. મોહન તને ચોક્કસ મળ્યા જ હશે.. પણ તને પછી થી એકલી બોલાવવાનું કારણ એક જ છે કે તને મારે એકલા પુછવુ હતુ કે આ સ્મશાન વૈરાગ્ય જેવું તો નથી ને..!? તારા નિર્ણયમાં તુ ચોક્કસ છે ને ?’
‘હા.. બિલકુલ સ્પષ્ટ છું સ્વામીજી.’
‘સારુ ત્યારે દિકરી તું હવે જા.’
સામાન્ય રીતે પલ હાથ હલાવીને કે બે હાથ જોડીને સ્વામીજીથી છૂટી પડતી હોય છે, પણ અત્યારે પરત રૂમમાં જતી વખતે સહ્જભાવે એનાથી સ્વામીજીના ચરણસ્પર્શ થઈ રહ્યા છે, તો સ્વામીજીએ તરત જ એને રોકી દીધી અને કહ્યુ, ‘ના.. ના.. દિકરીઓને પગે લાગવાનું જ ન હોય.. બસ આપણે તો બે હાથ જોડી નમસ્કાર કરીએ એ જ વ્યવસ્થા ઉચિત છે.’
પલ સ્વામીજી પ્રત્યે અહોભાવ લઈને પરત જતી રહે છે. સ્વામીજીને હવે વિશ્વાસ થઈ ગયો કે પલ મક્કમ છે, કાબેલ છે, પીઢ પણ છે એટલે પ્રવિણ અને લક્ષ્મીના ભાગનો થોડો હિસ્સો હોસ્પિટલ નિર્માણ માટે વપરાશે તો પલ ને કોઈ પરોક્ષ રીતે પણ અન્યાય નથી થઈ રહ્યો. વિશ્વાસરાવજીએ પોતાના મોબાઈલ પર કેલ્ક્યુલેટર ખોલીને કેટલાંક આંકડાઓ ટાઈપ કરવા લાગ્યા અને પછી તરત કહ્યુ, ‘સ્વામીજી… બન્ને ડોક્ટર્સ કપલ, મારું સેવિંગ્સ જે આશ્રમના એકાઉંટમા છે અને આપણી કેટલીક એફ.ડી.ઓ આ બધુ હવે કન્ફર્મ છે… જમીન તો આપણા આશ્રમ ટ્રસ્ટ પાસે છે જ એટલે હવે ડો. વિહાંગભાઈ અને ડો. પલ્લવીબહેને જે રકમ કહી હતી તે થઈ જ ગઈ છે… પ્રવિણ અને લક્ષ્મીની જે મોટી રકમ આવી શકે તે ગણીએ તો એ રકમમાંથી હોસ્પિટલનો નિભાવ કદાચ થઈ રહે… તેમ છતાં લક્ષ્મી પાસે હજી શેઠાણીની મિલકતનો નિર્ણય લેવાનો હક્ક છે જ.. એ પણ એક આશા છે…’
સ્વામીજીએ એક સ્મિત ભરી નજરે વિશ્વાસરાવજી સામે જોયું અને તરત કહ્યુ, ‘તમારામાં નામ પ્રમાણે ગુણ તો ચોક્કસ છે જ હો..! ચાલો તમને વિશ્વાસ છે એટલે સંપન્ન થઈ જશે… બાકી આપણે બધા તો નિમિત્ત માત્ર છીએ.ઈશ્વરની ઈચ્છા હશે એ રીતે બધું જ સરસ પાર પડશે. આપણા માટે સૌથી સદ્દભાગ્યની વાત એ છે કે ચાર વિદ્વાન ડોક્ટર્સનુ સમર્પણ સતત રહેશે.’

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા