Timirpanthi - Review books and stories free download online pdf in Gujarati

તિમિરપંથી - સમીક્ષા

પુસ્તકનું નામ:- તિમિરપંથી

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ ગુજરાતી ભાષાના લેખક અને કવિ છે. તેમનો જન્મ ૮ મે, ૧૯૪૭ના રોજ ભાવનગર જિલ્લાના નીંગાળામાં (હવે બોટાદ જિલ્લામાં) થયો હતો. તેમની પ્રથમ નવલકથા 'અગ્નિકન્યા' ૧૯૮૮માં પ્રકાશિત થઈ હતી, જે મહાભારત પર આધારિત હતી. 'ખોવાયેલું નગર' તેમનું બાળકો માટેનું પુસ્તક છે, જે ૧૯૮૦માં પ્રકાશિત થયું હતું. ધ્રુવ ભટ્ટના પુસ્તકોનો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે. તેમને તેમની નવલકથાઓ 'સમુદ્રાન્તિકે' અને 'તત્ત્વમસિ' માટે ખ્યાતિ મળી. તેમની અન્ય નવલકથાઓ 'અતરાપી', 'કર્ણલોક', 'અકૂપાર', 'લવલી પાન હાઉસ', 'તિમિરપંથી' અને 'ન ઈતિ' છે. 'ગાય તેના ગીત' અને 'શ્રુનવંતુ' તેમનો કવિતા સંગ્રહ છે. તેમના પુસ્તક 'તત્વમસિ' પરથી ગુજરાતી ચલચિત્ર રેવા ૨૦૧૮માં રજૂ થયું હતું. તેમની નવલકથા તત્વમસિ માટે તેમને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ૧૯૯૮-૯૯નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ૨૦૦૫માં તેમને દર્શક ફાઉન્ડેશન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગાય તેના ગીત માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને અતરાપી અને કર્ણલોક માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને પારિતોષિકો પ્રાપ્ત થયા હતા.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : તિમિરપંથી

લેખક : ધ્રુવ ભટ્ટ

પ્રકાશક : WBG Publication

કિંમત : 300 ₹.

પૃષ્ઠ સંખ્યા : 272

 

બાહ્ય મૂલ્યાંકન:-

કવરપેજ આકર્ષક, ઉત્સુકતા સર્જક અને કથાસૂચક છે. તમસમય વાતાવરણ પુસ્તકના કવરપેજ પર પણ ઉછળી આવે છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

લેખક શ્રી ધ્રુવ ભટ્ટની ‘તિમિરપંથી’ નવલકથા 2015માં પ્રગટ થઈ છે. આ નવલકથામાં કળાની અનોખી વાત રજૂ કરવામાં આવી છે. કળા પણ શાની? ચોરીની. ચોરીની કળા સાથે સંબંધ ધરાવતા લોકોની આ કથા લેખકે પોતાની આગવી શૈલીથી રજૂ કરી છે. 'એય કોણ છે? કોણ‌ છે તું?' સંવાદ સાથે નવલકથાની શરૂઆત થઈ છે. શહેરની એક શેરીમાં ચોર પ્રવેશ્યા હોય એ ઘટનાથી નવલકથા આરંભાઈ છે. સતી-વિઠ્ઠલની ચોરીથી આરંભાતી કથામાં આડોડિયાઓના જીવનનો અને સંઘર્ષનો પરિચય થતો જાય છે. તેમના દંગા, તેમની ચૌર્યકલાના પ્રસંગો ગૂંથાતા જાય છે. એક પછી એક ચોરીના પ્રસંગોનું રસપ્રદ આલેખન સર્જક કરતા જાય છે. ડી.વાય.એસ.પી. ખત્રીની દુકાનની લૂંટ અમદાવાદથી ડાકોર જાતિ ટ્રેનમાં વૈષ્ણવ સ્ત્રીઓની બંગડી ચોરી કરવાની ઘટના કે અમદાવાદમાંથી ચંદનના ઝાડ કાપીને લાકડું છેક જેસલમેરના ‘આજી’ સુધી પહોંચાડવાની ઘટના રસપ્રદ રીતે આલેખાઈ છે. સાથોસાથ લગ્ન પછી સતી દ્વારા નાનકી ડોશીનું કડું ચોરવાની ઘટનાને સામાજિક સંદર્ભે પરાક્રમ તરીકે સ્વીકારતો આ સમાજ એક નવી વાત લઈને આવે છે. ચૌર્યકળાના જાણકારો માટે પોતાની કાબિલિયત સિદ્ધ કરવાનો અવસર તેઓ ચૂકતા નથી.

 

શીર્ષક:-

નવલકથાનું શીર્ષક ‘તિમિરપંથી’ સૂચક છે. ‘તિમિરપંથી’નો એક અર્થ ‘અંધકારનો મુસાફર એવો પણ થાય અર્થાત્ જેના જીવનમાં ઉજાસ નથી તેવા મુસાફરો. આમ, કથા જેમની આસપાસ ગૂંથાઈ છે તે જ શીર્ષક છે, જે યોગ્ય જણાય છે.

 

પાત્રરચના:-

નવલકથાનું મુખ્ય કહી શકાય એવું એક પાત્ર સતી છે. નવલકથા જેમ જેમ આગળ વધતી જાય છે એમ એમ વાચકને નવલકથાના પાત્રોનો પરિચય થતો જાય છે. સતી, વિઠ્ઠલ, નારિયો નક્કી, તાપી, રઘુ નાયક, ખત્રી સાહેબ, પરમાર સાહેબ, રહીમ ઝૂંઝા, નાનકી, તેંદ્રા, છોટ્યો સીંગલ, વસ્યાક મુખી, વાબી, રાધી, હમીર, જુસો લંબો, ઈસો જાદુગર, સુલેમાન ડેંડો, અબુ પતંગિયો, નરસીં હવાલદાર, જર્દા દરોગો, ભાગુ, આજી, રમા, રસીલા અને બીજા કેટલાંય પાત્રો  આ નવલકથાને શોભાવી રહ્યા છે.

 

સંવાદો/વર્ણન:-

સતીનો પરિચય આપતા લેખક લખે છે. ‘સતી પાસે છે એટલી કળા પંથકમાં કોઈ પાસે ક્યાં છે? નજરની, શ્રવણની, શબ્દની, મૌનની, હાથની, ગતિની, અને રહસ્યોની, ગણી ન શકાય અને શીખ્યે આવડે પણ નહીં.’ બે વાક્યોમાં જ કેટલું બધું આવી ગયું!

નવલકથામાં કેટલાક ગમી ગયેલા સંવાદો:

"વાતની ગુપ્તતા જેટલી વધારે તેટલી જ તેના જળવાવાની શક્યતા ઓછી અને પ્રસારની ગતિ ઝડપી."

"ખરો કળાકાર ક્યારેક ક્ષણોમાં ઓગળી ગયાનો અનુભવ કરે છે."

"દુનિયા આખી જાણે છે કે ભાવ ક્યારેય વસ્તુના નથી હોતા. પરિસ્થિતિ અને ગરજના હોય છે."

"મંદિરના પૂજારીને ભગવાનની નહીં મૂર્તિની જરૂર છે."

"દુનિયામાં દંડ બધે સાચા ગુનેગારને જ અપાય છે તેવું નથી હોતું."

"આપના વિશે લોકો માને છે તે આપણે પણ માનવા માંડીએ ત્યારે વિદ્યા આપણને છોડી જવાની."

"પોતાનું કામ કરતાં રહીને પણ મુક્તિની શોધ કરવી તે જેવું તેવું સાહસ નથી. કબીર વણકર રહ્યા અને રઈદાસ ચમાર. અને બંને કરી શક્યા."

"માણસો પોતાને નવું જ્ઞાન લાધ્યું છે તેની ઘોષણા કરતાં જરા પણ મોડું કરતા નથી રખે બીજું કોઈ એ જ જ્ઞાન પોતાના કરતાં વહેલું જાહેર કરી દે!"

"નાત, જાત, ગામ, નગર, વાસ, સમાજ કે દેશ કે કોઈ પણ સમુદાયના, મોટાભાગના લોકો પોતાની જાતથી આગળનું કશું જોઈ કે વિચારી શકતાં નથી. કોઈક વીરલા જ પોતાને ઓળંગીને પેલે પારનું જોઈ શકે છે."

 

લેખનશૈલી:-

લેખકની શૈલી સાવ સાદી, સરળ છતાં રસાળ અને હૃદય સોંસરવી ઉતરી જાય તેવી છે. વાચકને પહેલેથી અંત સુધી જકડી રાખે તેવી છે. આલંકારિક ભાષાનો પ્રયોગ તત્વચિંતનની વાતોમાં વિશેષ જોવા મળે છે. લેખકની ભાષાકીય સુસજજતા ઉડીને આંખે વળગે એવી છે. કથનો, સંવાદો, વર્ણનો, પાત્રરચના - દરેકને ફુલ માર્કસ આપી શકાય. ચોરનાં અનેક સંસ્કૃત નામ અને તેનાં ગુજરાતી અર્થ, ચોરનાં પ્રકાર, છારા સમુદાયનાં સિદ્ધાંત, રિવાજ, આવડત, જોખમ, દુઃખ-દર્દ, ચોરીની રીત-પદ્ધતિ આ બધું એટલું બારીકાઈથી અને સુંદર રીતે કાગળ પર ઉતાર્યું છે કે આપણે વાર્તાની સાથે એકાકાર થઈ જઈએ છીએ.

 

વિશેષ મૂલ્યાંકન:-

ચોર અને તેના પ્રકારો વિશેની સર્જકની જાણકારી અદભૂત છે. ‘હટ્ટ ચૌરક’ (હાટ કે મેળાવડામાં ચોરી કરનાર) ‘કુસુમાલ’ (ફૂલ જેવી લોભામાની વસ્તુ ચોરનાર) ‘નક્તચારીન્’ (નિશાચર) ‘નાગરક’ (નગરના નિયમોને જાણનાર ચોર) ‘પટચ્ચર’ (જાહેરમાં લુંટનાર), ’માચલ’ (લક્ષ્મી મેળવવા ફરનારો) ‘કારુચોર’ (કારીગરીપૂર્વક- યોજનાબદ્ધ છાપો મારનાર) જેવા અનેક પ્રકારના ચોર વિશેની માહિતી તથા વિસરાતી જતી પરંપરા અને હુન્નર નવલકથાનું દસ્તાવેજી મૂલ્ય વધારે છે. તેમ છતાં ધ્રુવ ભટ્ટની નવલકથાઓમાં એક જ પ્રકારનું દર્શન અને રચનારીતિનું સામ્ય નવલકથાના આંતરસત્વને હાનિ પહોંચાડે છે.

નવલકથામાં એ પણ પ્રગટ થાય છે કે: ‘ચોરીના વ્યવસાયમાં પણ ગુરુ, જ્ઞાન, વિદ્યા, વણલખ્યું શાસ્ત્ર, નિયમો, રિવાજો વગેરે હોય. આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોના લક્ષણો, પૂર્વજો, સમાજ, વસાહત, ઇતિહાસ, વાર્તાઓ, પ્રાણીઓ, શસ્ત્રો, ગોત્રો વગેરે હોય, અને આ લોકોને હૃદય પણ હોય!  નવલકથામાં રહસ્યો છે, પ્રકૃતિનો પરિચય છે, આનંદ અને અચરજ પણ છે. આ બધું જ વાચક સમક્ષ સહજ રીતે પ્રગટ થતું રહે છે.

નવલકથાના અંતમાં સતીને નિશાળ ખોલવાનો વિચાર આવે છે ત્યારે એવું લાગે છે કે આ તિમિર પંથીઓ પોતાની જૂની છાપ ભૂંસી નવા ઉજાસમાં આવવા મથી રહ્યા છે. એ આ ચૌર્યકળાના બદલાતા જીવનનો સંકેત ગણી શકાય. એટલે જ નવલકથા જે પ્રશ્ન સાથે શરુ થઈ હતી “ એય કોણ છે? કોણ છે તું ?” નો ઉદગાર કથાના અંતમાં પુનરાવર્તન પામે છે અને એમાં તંદ્રામાં સરી જતી સતીને પોતે કોણ છે? એ પ્રશ્નનો જવાબ જડતો નથી. આખી નવલકથા આ બે ઉદગારોની વચ્ચે વિસ્તરી છે અને આ ‘તિમિરપંથીઓ’ અંધકારથી ઉજાસ ભણી ગતિ કરશે એ વાતનો સંકેત રચાય છે.

 

મુખવાસ:-

તમસના માર્ગને અજવાળનારા જયોતિર્ધરોની કથા એટલે 'તિમિરપંથી'.