Fareb - 2 books and stories free download online pdf in Gujarati

ફરેબ - ભાગ 2

( પ્રકરણ : 2 )

કશીશની જગ્યાએ કોઈ બીજી પત્ની હોત તો એ પણ ખળભળી ઊઠી હોત ! વાત જ એવી હતી ને ! કશીશ પોતાના પતિ અભિનવથી ચોરી-છુપે પોતાના પ્રેમી નિશાંતને મળવા માટે નિશાંતના ઘરે આવી હતી, અને તે નિશાંત સાથે પ્રેમભરી વાતોમાં મસ્ત હતી, ત્યાં જ કોઈ બંધ દરવાજા બહાર બુકે સાથે આ નનામી ચિઠ્ઠી મૂકી ગયું હતું.

નિશાંત એ ચિઠ્ઠી વાંચી ગયો હતો, પણ અત્યારે કશીશે નિશાંતના હાથમાંથી એ ચિઠ્ઠી લીધી ને એની પર નજર દોડાવી.

‘કશીશ ! તું અહીં પ્રેમમાં મસ્ત છે, જ્યારે બીજી તરફ તારી મોતની બાજી બિછાવવામાં આવી રહી છે.

‘એ બાજી કોણ બિછાવી રહ્યું છે ? એ નહિ જણાવું, પણ તને એટલી હિન્ટ જરૂર આપી દઉં છું કે, એ વ્યકિત તારી નજીકની, ખૂબ જ નજીકની છે !’

કશીશે ચિઠ્ઠી પરથી નજર ઉઠાવતાં વિચાર્યું, ‘તેની નજીકની વ્યકિતમાં અત્યારે સહુથી વધુ નજીક તો તેનો પતિ અભિનવ છે ! તો શું અભિનવ તેને મારી નાંખવા માટેની બાજી બિછાવી રહ્યો છે ? !’

‘કશીશ !’ કશીશના કાને નિશાંતનો અવાજ પડયો, એટલે કશીશે નિશાંત સામે જોયું. નિશાંતે પૂછયું : ‘શું તારા પતિને આપણી આ છુપી મુલાકાતોની ખબર પડી ગઈ છે ?’

‘ના...,’ પાછલાં કેટલાંક દિવસોની અભિનવની વાતો તેમ જ વર્તન કશીશની આંખો સામેથી સડસડાટ પસાર થઈ ગયા : ‘...એવું લાગતું તો નથી.’

‘તો..., તારી નજીકની વ્યકિતઓમાં બીજું કોણ છે ?’ નિશાંતે પૂછયું.

‘મારી મા નિરૂપમા અને બેનપણી અનુરાધા !’ કશીશ બોલી : ‘મારી મા નો તોે સવાલ જ નથી કે, એ મને મારી નાંખવાનો વિચાર સુધ્ધાં પણ કરે, તો અનુરાધા તે વળી શા કારણે મારું ખૂન કરવા જેટલી હદે જાય ? !’

‘હં !’ નિશાંતે કહ્યું, ત્યાં જ તેના મોબાઈલની ઘંટડી રણકી. નિશાંતે મોબાઈલ ફોન કાને ધર્યો. ‘હેલ્લો !’ નિશાંતે કહ્યું, ત્યાં જ મોબાઈલમાં સામેથી અવાજ આવ્યો : ‘નિશાંત ! હું અભિનવ બોલું છું. મને ઓળખ્યો ?’

‘હા-હા, કેમ નહિ ? !’ નિશાંતના કપાળે કરચલીઓ પડી. અત્યારે કશીશના પતિનો ફોન કેમ આવ્યો ? !

‘તું સાંજના છ વાગ્યે ફ્રી છેે ?’ સામેથી અભિનવનો અવાજ આવ્યો : ‘હું તારી ફોટોગ્રાફી જોવા માટે આવવા માંગું છું.’

‘હું ફ્રી જ છું. તમે ખુશીથી આવી શકો છો.’ નિશાંતે કમને કહ્યું.

‘ભલે, તો સાંજના બરાબર છ વાગ્યે મળીએ છીએ.’ અને સામેથી અભિનવે મોબાઈલ કટ કરી દીધો.

નિશાંતે કાન પરથી મોબાઈલ ખસેડતાં તેની તરફ જોઈ રહેલી કશીશને કહ્યું : ‘તારા પતિ અભિનવનો ફોન હતો ! એ સાંજના છ વાગ્યે મારી ફોટોગ્રાફી જોવા આવવાનો છે !’

‘ઓફ્‌ !’ કશીશના ચહેરા પર ચિંતા આવી ગઈ : ‘એટલે શું તું એને મળીશ ? ! તેં એને ના...’

‘..હું એને ના કેવી રીતના પાડી શકું ?’ નિશાંતે કહ્યું : ‘મારે એને મળવું તો પડશે જ ને !’

પળવાર કશીશ નિશાંત સામે જોઈ રહી, પછી બોલી : ‘નિશાંત, અભિનવ મારો પતિ છે ! એટલે.. એટલે શું તને નથી લાગતું કે, તું એની સાથે મુલાકાત કરીને, આગથી ખેલી રહ્યો છે ?’

નિશાંત હસ્યો. તેણે કશીશનો કોમળ, ગોળ-ગુલાબી ચહેરો પોતાના મજબૂત હાથોમાં લેતાં કહ્યું : ‘કશીશ ! તારા જેવા અણમોલ ફૂલને પામવા માટે મારે આગથી તો ખેલવું જ પડશે ને !’

કશીશ ઘડીભર નિશાંત સામે જોઈ રહી, પછી બોલી : ‘...અને આ ચિઠ્ઠીનું...’

‘...એને ફાડીને ફેંકી દે.’ નિશાંતે એ ચિઠ્ઠી હાથમાં લીધી અને એના ટુકડા કરીને હવામાં ઉડાવતાં કહ્યું : ‘જે કોઈ પણ તારી મોતની બાજી બિછાવતું હોય એને બિછાવવા દે. હું તારી સાથે જ છું. હિંમત છે કોઈની કે તને મારા હાથમાંથી ખેંચી જાય ! મજાલ છે કોઈની કે, તને મારી બાંહોમાંથી મોતના ખોળામાં ખેંચી જાય ? !’ અને નિશાંતે કશીશને પોતાની બાંહોમાં ખેંચી લીધી.

કશીશ નિશાંત અને અભિનવ તેમ જ તેના મોતની બાજી બિછાવવા અંગેની નનામી ચિઠ્ઠી વિશે વિચારી રહી.

અને ત્યારે કશીશને એ ખતરનાક હકીકતની ખબર નહોતી કે, થોડીક વાર પહેલાં તેણે નિશાંત સાથે જે પ્રેમભરી પળો માણી હતી, એના છુપી રીતના ફોટા પાડીને પ્રોફેશનલ ફોટોગ્રાફર કુમાર પોતાની મોટરસાઈકલમાં અહીંથી સરકી ચૂકયો હતો !

૦ ૦ ૦

સાંજના સાડા પાંચ વાગ્યા હતા. કશીશ અત્યારે ‘કૉફી ડે’માં તેની બેનપણી અનુરાધા સાથે કૉફી પીતી-વાત કરતી બેઠી હતી.

બપોરના નિશાંતના ઘરેથી નીકળીને કશીશ પાછી પોતાની ઑફિસે પહોંચી ગઈ હતી. પણ પછી ત્યાં તેનું મન કામમાં લાગ્યું નહોતું. તેણે પાંચ વાગ્યે જ અનુરાધાને મોબાઈલ કરીને અહીં મળવા બોલાવી લીધી હતી અને તે પોતે ઑફિસેથી વહેલી નીકળીને અહીં આવી પહોંચી હતી.

આમ તો કશીશના અનુરાધા સાથેના બેનપણાં ખાસ જૂના નહોતાં. દસ-અગિયાર મહિના પહેલાં, અભિનવ સાથેના લગ્ન પછીના બીજા-ત્રીજા અઠવાડિયે અભિનવ સાથે તે એક લગ્નના રિસેપ્શનમાં ગઈ હતી, ત્યારે તેની અનુરાધા સાથે મુલાકાત થઈ હતી. અનુરાધા તેના જેટલી જ, પચીસેક વરસની હતી. અનુરાધા તેના જેટલી ખૂબસૂરત તો નહોતી, પણ અનુરાધાનો સ્વભાવ તેને મેળ ખાતો હતો અને એટલે તેઓ વરસો જૂની બેનપણી હોય એવી રીતના અવાર-નવાર મળતી રહેતી હતી અનેે એકબીજા સાથે મજાક-મસ્તી અને દિલની વાત કરતી રહેતી હતી.

અત્યારે કશીશે અનુરાધાને પોતાના દિલની વાત કહેવા જ બોલાવી હતી. ‘અનુરાધા !’ અત્યારે હવે કશીશે અનુરાધા સામે પોતાના દિલની વાત કહી : ‘હું પાછલા છ મહિનાથી નિશાંતના પ્રેમમાં પડી છું.’

‘શું બોલી રહી છે તું ? !’ અનુરાધા બોલી ઊઠી : ‘તેં ગઈકાલે મારી બર્થ ડે પાર્ટીમાં જે ફોટોગ્રાફર નિશાંતને બોલાવ્યો હતો, એ નિશાંતના પ્રેમમાં તું પડી છો ?’

‘હા, એને મળ્યા પછી હું એની દિવાની બની ગઈ છું.’ કશીશ બોલી : ‘હું તારાથી નહિ છુપાવું, પણ અભિનવથી ચોરી-છુપે હું નિશાંતને મળવા જતી-આવતી રહું છું.’

‘ગજબ છે, તું પણ..,’ અનુરાધા બોલી ઊઠી : ‘..છ મહિનાથી તારું નિશાંત સાથે ચકકર ચાલી રહ્યું છે, અને તેં મને કહ્યું પણ નહિ ? અરે ! ગઈકાલે તેં એને મારી બર્થ ડે પાર્ટીમાં ફોટા પાડવા બોલાવ્યો, ત્યારે પણ તેં મારી સાથે એની એક ફોટોગ્રાફર તરીકે જ ઓળખાણ કરાવી હતી !’

‘હું તને કહેવા-ન કહેવાની મૂંઝવણમાં હતી.’ કશીશ બોલી : ‘મને ખ્યાલ છે કે, તું અભિનવને પસંદ કરે છે. હું અભિનવ સાથે બેવફાઈ કરું એ વાત તને નહિ જ ગમે, એવું મને લાગ્યું, એટલે મેં તને નિશાંત સાથેના સંબંધ વિશે કહેવાનું ટાળ્યું હતું.’

‘પણ તો પછી આજે કેમ આ વિશે મને કહેવા બેઠી ? !’

‘આજે બપોરના લંચ અવરમાં હું નિશાંતને મળવા ગઈ હતી, અને ત્યારે....’ અને કશીશે અનુરાધાને પેલી ચિઠ્ઠી વિશે કહ્યું.

સાંભળીને થોડીક પળો સુધી અનુરાધા ચુપ રહી, પછી એણે પૂછયું : ‘તારું શું માનવું છે ? કોણે બુકે સાથે આવી ચિઠ્ઠી મૂકી હોઈ શકે ? !’

‘મને કંઈ સમજાતું નથી, એટલે તો મેં તારી સાથે વાત કરી.’ કશીશે નિશ્વાસ નાંખ્યો.

‘મને પણ કંઈ અંદાજ નથી આવતો કે, આવું કોણ કરી શકે !’ અનુરાધા બોલી : ‘જોકે, એટલું તો ચોકકસ છે કે, અભિનવ તને આટલો પ્રેમ કરે છે, અને તું એને અંધારામાં રાખીને નિશાંત સાથે આ રીતના ઇશ્ક લડાવી રહી છે, એ સારું તો નથી જ.’

‘તને ખબર નથી, અનુરાધા, પણ અભિનવ સાથે પરણીને હું સુખી નથી.’ કશીશ બોલી : ‘એ સ્વાર્થી છે. એ પોતાની રીતે જ જીવવા માંગે છે, અને મને પણ એની રીતના જીવવા માટે મજબૂર કરે છે. એને જે પસંદ હોય એ જ મારે ખાવાનું-પીવાનું-અને પહેરવા-ઓઢવાનું ! એણે મારી પસંદ-નાપસંદની કયારેય પરવા કરી નથી-દરકાર લીધી નથી.’

અનુરાધા સાંભળી રહી.

કશીશના અવાજમાં દુઃખ-દર્દ આવી ગયું : ‘અભિનવ બસ પોતાના કામકાજમાં જ રચ્યો પચ્યો રહે છે, અને એટલે જ હું નિશાંત તરફ ઢળી ગઈ.’

‘પણ તને ખબર છે કે, તારું નિશાંત તરફ આ રીતના ઢળવું, અભિનવથી ચોરી-છુપે આ રીતના નિશાંતને મળવું એ તને મુશ્કેલીમાં મૂકી શકે એમ છે !’

‘હા, મને ખબર છે, પણ હું મારા દિલના હાથે મજબૂર છું. અભિનવ સાથે રહેવાનું મને ગમતું નથી, અને નિશાંતને મળ્યા વિના મારાથી રહેવાતું નથી.’ કશીશે ફરી એક નિશ્વાસ નાંખતાં કહ્યું : ‘સાચું કહું તને, અનુરાધા ! મને થાય છે કે..., મને થાય છે કે, હું અભિનવ પાસેથીે છુટાછેડા લઈને નિશાંતને પરણી જાઉં !’

‘પાગલ થઈ ગઈ છે, તું !’ અનુરાધા બોલી : ‘તું જેટલું ઝડપથી આ બોલી ગઈ, એટલું આ સહેલું નથી. લગ્ન એ તો જન્મો-જન્મનું બંધન છે. લગ્નના ફેરા ફરતી વખતે, ગળામાં મંગળસૂત્ર પહેરતી વખતે....’ અને અનુરાધાની નજર કશીશની ગરદન પર પડી અને તે એકદમથી પૂછી ઊઠી : ‘કશીશ ! તારું મંગળસૂત્ર કયાં ગયું ? !’

‘હેં, મારું મંગળસૂત્ર...? !’ અને કશીશનો હાથ તેના ગળા પર પહોંચી ગયો-મંગળસૂત્ર વિનાના ખાલી ગળા પર ફરી ગયો : ‘મારું મંગળસૂત્ર...’ અને તેની આંખોમાં ડર ડોકાઈ ગયો : ‘ઓહ, માય ગોડ !’

‘શું થયું ? !’

‘મારું મંગળસૂત્ર તો હું નિશાંતના ઘરે ભૂલી આવી છું.’ અને કશીશે કાંડા ઘડિયાળમાં નજર નાંખી ને એની આંખોમાંનો ડર બેવડાયો : ‘અત્યારે પોણા છ વાગ્યા, છ વાગ્યે તો અભિનવ નિશાંતના ઘરે એને મળવા પહોંચી જવાનો છે.’ કશીશના કપાળે પરસેવો ફૂટયો : ‘મેં મંગળસૂત્ર ઉતારીને નિશાંતના પલંગ પાસેની ટિપૉય પર જ મૂકયું હતું. જો અભિનવની નજર એ મંગળસૂત્ર પર પડશે તો ખાસ બનાવટ અને ડિઝાઈનવાળું એ મંગળસૂત્ર જોતાં જ અભિનવ ઓળખી જશે કે, એ મારું જ મંગળસૂત્ર છે ! અને તો પછી...તો પછી...’ અને ત્યાં જ કશીશના મોબાઈલની રીંગ વાગી ઊઠી. કશીશે મોબાઈલના સ્ક્રીન પર ઝળકી રહેલા સામેવાળી વ્યકિતના મોબાઈલ નંબર પર નજર નાંખી.

‘નિશાંતનો મોબાઈલ છે ? !’ અનુરાધાએ પુછયું.

‘ના.’ અને કશીશે મોબાઈલનું બટન દબાવ્યું અને ‘હું એક મિનિટ આવી !’ કહેતાં ખુરશી પરથી ઊભી થઈ અને ‘કૉફી ડે’ના કાચના દરવાજા તરફ આગળ વધી ગઈ. તે ‘કૉફી ડે’ના દરવાજાની બહાર નીકળીને મોબાઈલ પર વાત કરવા માંડી.

ખુરશી પર બેઠી-બેઠી અનુરાધા કાચમાંથી દેખાઈ રહેલી કશીશ તરફ જોઈ રહી. તે મનોમન બબડી : ‘કશીશ ! તું જો અભિનવની નજરે ન ચઢી હોત તો અભિનવ મારી તરફ જ આગળ વધી રહ્યો હતો. એ..., એ મારી સાથે જ પરણ્યો હોત.’ અને અનુરાધાએ બળબળતો નિસાસો નાંખ્યો : ‘હવે અભિનવ તારો પતિ બની ગયો છે. એ તારી પાછળ પાગલ છે. એ તને કોઈ હાલતે-કોઈ કાળે છુટાછેડા નહિ આપે. હવે અભિનવ સાથેનો તારો આ સંબંધ, તારો નાતો તારા મોત સાથે જ તૂટશે.’

અહીં અનુરાધા મનોમન આવું બબડી રહી હતી, તો ‘કૉફી ડે’ના કાચના દરવાજાની બહાર ઊભેલી કશીશ મોબાઈલ પર એકદમ ધીમા અવાજે વાત કરી રહી હતી : ‘...ઠીક છે. ભલે તો પછી આપણે વાત કરીએ છીએ.’ અને કશીશે સામેની એ વ્યકિત સાથેની વાત પતાવીને, ઝડપથી નિશાંતનો મોબાઈલ નંબર લગાવવા માંડયો. ‘જો હજુ અભિનવ નિશાંતને ઘરે ન પહોંચ્યો હોય તો નિશાંતને મારું મંગળસૂત્ર ટિપૉય પરથી લઈને છુપાવી દેવાનું કહી દઉં.’ અને તેણે મોબાઈલ કાને મૂકયો.

સામેથી રીંગ વાગી રહી હતી.

‘નિશાંત ફોન ઉઠાવ, જલદી!’ કશીશ બબડી, પણ સામેથી નિશાંતે મોબાઈલ ઉઠાવ્યો નહિ.

જોકે, સામે છેડે અત્યારે નિશાંતના મોબાઈલ પર કશીશે લગાવેલા આ મોબાઈલની રીંગ વાગી જ રહી હતી. અને અત્યારે અભિનવ સાથે પોતાની બિલ્ડીંગની સીડી ચઢી રહેલા નિશાંતને એ રીંગ સંભળાઈ જ રહી હતી.

નિશાંતે બીજા માળની સીડીના પગથિયા ચઢતાં-ચઢતાં મોબાઈલ ફોનના સ્ક્રીન પર જોયું

કશીશના નામ સાથે કશીશનો મોબાઈલ ફોન નંબર ઝળકતો જોઈને નિશાંતે તેની સાથે સીડીના પગથિયા ચઢી રહેલા અભિનવ સામે જોયું.

‘વાત કરી લે ને !’ અભિનવે કહ્યું.

‘...અગત્યનો નથી.’ નિશાંતે કહ્યું અને મોબાઈલની સ્વિચ ઑફ કરીને મોબાઈલ ખિસ્સામાં મૂકયો. ‘કશીશ કેમ છે ?’ નિશાંતે પૂછયું.

‘....મજામાં છે.’

‘...એને મારી યાદ આપજો.’

‘ચોકકસ !’ અભિનવે ત્રીજા માળ પર પહોંચતા કહ્યું.

‘આ તરફ...!’ કહેતાં નિશાંત લૉબીના ડાબી બાજુના છેલ્લા બંધ દરવાજા તરફ આગળ વધ્યો.

‘આ આખા બિલ્ડીંગમાં બીજું કોઈ રહેતું હોય એમ લાગતું નથી.’ અભિનવે કહ્યું.

‘હા.’ દરવાજાનું તાળું ખોલતાં નિશાંતે કહ્યું : ‘લગભગ નેવુ-સો વરસ જૂના આ બિલ્ડીંગમાં હું એકલો જ રહું છું.’

‘તારા લગ્ન થયા છે ?’

‘ના !’

‘તો તને આ બિલ્ડીંગમાં એકલું-એકલું નથી લાગતું ? !’

‘કયારેક લાગે છે, પણ આ મુંબઈ શહેરમાં મને સાવ ઓછા ભાડામાં આના સિવાય કોઈ બીજું મકાન ન મળ્યું, એટલે હમણાં તો અહીં રહી લઉં છું.’ અને નિશાંતે દરવાજાને ધકેલીને ખોલ્યો : ‘આવો, પધારો !’ અને અંદર દાખલ થઈને તે બાજુ પર હટયો.

અભિનવ અંદર, મોટા હોલ જેવા રૂમમાં દાખલ થયો, ત્યાં જ તેની નજર જમણી બાજુની દીવાલ પર લાગેલા, ઝાડ પર બેઠેલા પોપટ અને કાગડાના ફોટા પર પડી. ‘સરસ !’ અભિનવ બોલ્યો : ‘ઝાડ પર એકસાથે બેઠેલા પોપટ અને કાગડાનો આ ફોટો અદ્‌ભુત છે. કાગડો અને પોપટ જેવા બે પંખી એકસાથે ભાગ્યે જ જોવા મળે. ખરેખર આ પળને તસવીરમાં કેદ કરવી એ ફોટોગ્રાફરની કમાલ જ છે.’

‘...થૅન્કયૂ !’ અભિનવે તેને વખાણ્યો, એટલે નિશાંતે કહ્યું.

‘વાહ !’ અભિનવે બીજી દીવાલ પર લાગેલા માંજરી આંખોવાળી યુવતીના ફોટા તરફ જોતાં કહ્યું : ‘આ પણ ફેન્ટાસ્ટિક છે. શું આ યુવતી ખરેખર આટલી બધી ખૂબસૂરત હતી જ નિશાંત કે, પછી તારી ફોટોગ્રાફીની કમાલને કારણે આ આટલી બધી ખૂબસૂરત લાગી રહી છે.’

‘એ આટલી સુંદર હતી જ !’

‘તું નસીબદાર છે કે તને આવી ખૂબસૂરત યુવતીઓ ભટકાઈ જાય છે.’ અને અભિનવે સામે પડેલા પલંગની ઉપરની દીવાલ પર લાગેલા સિંહના ફોટા તરફ નજર દોડાવી,

બરાબર એ જ વખતે નિશાંતની નજર પલંગની ડાબી બાજુની ટિપૉય પર પડેલા કશીશના મંગળસૂત્ર પર પડી, ‘કશીશનું મંગળસૂત્ર અહીં ? ! હવે ? !’ અને તે મંગળસૂત્ર તરફ જોઈ રહ્યો. તે દોડીને કશીશનું એ મંગળસૂત્ર અભિનવની નજરે ન ચઢી જાય એવું કંઈ કરી શકે એમ નહોતો, તો પલંગની ઉપરના ફોટા પરથી અભિનવની નજર નીચે, ટિપૉય પર પડેલા કશીશના મંગળસૂત્ર સુધી પહોંચી જાય એવી પૂરેપૂરી શકયતા હતી !

(ક્રમશઃ)