Prithivivallabh - Review books and stories free download online pdf in Gujarati

પૃથિવીવલ્લભ - સમીક્ષા

પુસ્તકનું નામ:- પૃથિવીવલ્લભ

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ થયો હતો. તેમનું ઉપનામ ઘનશ્યામ વ્યાસ છે. જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા. ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી. મુનશીએ ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ લેખન કર્યું છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા, તેઓ બંધારણ સભાના સભ્ય રહ્યા અને આઝાદ ભારતના સૌપ્રથમ કૃષિપ્રધાન હતા. ઉત્તર પ્રદેશના બીજા રાજ્યપાલ તરીકેની ફરજ બજાવ્યા બાદ નહેરૂ સાથે મતભેદના લીધે સ્વતંત્ર પક્ષમાં જોડાયા. ૧૯૬૦માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધા બાદ પાછળથી તેમણે વિશ્વ હિંદુ પરિષદની સ્થાપનામાં અગ્રિમ ભૂમિકા ભજવી. સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે તેમણે ૧૯૧૨માં ભાર્ગવ અને ૧૯૨૨માં ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહ્યા. ૧૯૫૯માં તેમણે સમર્પણ માસિકનો પ્રારંભ કર્યો. કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા પાટણની પ્રભુતા જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. મારી કમલા, વેરની વસુલાત, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, પૃથિવીવલ્લભ, સ્વપ્નદ્રષ્ટા, લોપામુદ્રા, જય સોમનાથ, ભગવાન પરશુરામ, તપસ્વિની, કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૮ (અપૂર્ણ), કોનો વાંક, લોમહર્ષિણી, ભગવાન કૌટિલ્ય, પ્રતિરોધ, અવિભક્ત આત્મા એ તેમની નવલકથાઓ છે. બ્રહ્મચર્યાશ્રમ, ડૉ. મધુરિકા, પૌરાણિક નાટકો એ તેમનું નાટ્ય સાહિત્ય છે. ૧૯૮૮માં તેમના માનમાં ભારતના ટપાલ વિભાગ તરફથી ટપાલ ટિકિટ બહાર પડાઇ હતી.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : પૃથિવીવલ્લભ

લેખક : કનૈયાલાલ મુનશી

પ્રકાશક : ગૂર્જર પ્રકાશન

કિંમત : 180 ₹.

પૃષ્ઠ સંખ્યા : 172

 

બાહ્ય મૂલ્યાંકન:-

કવરપેજ આકર્ષક, ઉત્સુકતા સર્જક અને કથાસૂચક છે. બંદી બનેલા રાજાનું ચિત્ર પુસ્તકના કવરપેજ પર દર્શાવાયું છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

'પૃથિવીવલ્લભ' ઇ.સ. ૧૯૨૦માં લખાયેલ છે, પૃથિવીવલ્લભનું વસ્તુ ગુજરાતને અડીને આવેલ માળવાના ઇતિહાસનું છે. પૃથિવીવલ્લભ એ સોલંકીયુગની જ પણ ધારાનગરીના રાજા મુંજ અને તૈલપના સંઘર્ષ અને મુંજ અને મૃણાલના પ્રેમની સુશ્ર્લિષ્ટ આકારની નવલકથા છે. આમ તો મુંજ તૈલપને અનેક વાર હરાવી ચૂક્યો છે. પણ તૈલપ સામંત ભિલ્લમરાજનો ઉપયોગ કરી મુંજને કેદમાં નાખે છે. કેદ ખાનામાં જ રસિક મુંજ અને તૈલપની બહેન મૃણાલવતીને પ્રેમ સધાય છે. મૃણાલ છે તો કઠોર વૈરાગ્યને બ્રહ્મચર્યને વરેલી પણ એની દમન પામેલી પ્રણયવૃત્તિ મુંજના પ્રેમ-દર્શનથી જાગી ઉઠે છે. મુંજ-મૃણાલનો પ્રેમ પ્રકાશ પામે છે. પણ અંતે તૈલપ અણનમ મુંજને હાથીના પગ નીચે કચડાવી મારી નાખે છે. 'ગતે મુંજે યશઃ પુંજે નિરાલંબા સરસ્વતી ' ઉદ્દગાર સાથે કથા પુરી થાય છે. મુંજ-મૃણાલની પ્રેમકથા સાથે રસનિધિ ભોજ અને વિલાસની પ્રેમકથા સમાંતરે ચાલે છે. જે સુખદ છે. મુનશીની આ નાટયાત્મક લઘુનવલ એક સુશ્ર્લિષ્ટ કલાકૃતિ છે. નગરીના રાજા મુંજના ચરિત્રનું કલ્પના મિશ્રિત ઇતિહાસરૂપે અહીં નિરૂપણ થયું છે. મુંજ એક વીર રાજા ઉપરાંત વિલાસી કવિ હતો. તેણે તૈલપને અનેક વખત પરાજય આપ્યો હતો, છેવટે સામંત ભિલ્લમરાજની છૂપી સહાયથી તૈલપના હાથે મુંજ કેદમાં પકડાય છે. તેમાં તેનાથી મોટી ઉંમરની વિધવા બહેન મૃણાલનો મોટો ફાળો હતો. મૃણાલનો મુંજ પ્રત્યેનો વેરભાવ છૂપા પ્રણય રૂપે ફૂલેફાલે છે. તૈલપને આ કિસ્સાની ખબર પડે છે. તૈલપ મૃણાલ અને મુંજનો પ્રણય સંબંધ સહન કરી શકતો નથી. કાતીલ યોજનાના એક ભાગ રૂપે તૈલપ કેદ પક્ડાયેલા મુંજને જાહેરમાં પોતાની બહેન મૃણાલની હાજરીમાં હાથીના પગ નીચે કચડીને મારી નાખવાની જાહેરાત કરે છે. સોળ દિવસ સુધી કેદ રાખી, ઘેર-ઘેર ભીખ મંગાવી હાથીના પગ નીચે કચડાવી નાખી તૈલપ જાણે પોતાના રાજકીય વેરની તૃપ્તિ અનુભવે છે. વાસ્તવમાં કાષ્ઠપિંજરમાં પુરાયેલો મુંજ મૃણાલના રસહીન જીવનને પ્રેમના આકર્ષણથી મઘમઘતું કરી મૂકવામાં સફળ થાય છે તે લેખક ખાસ દર્શાવે છે અને સૂચવે છે કે મુંજ મરીને પણ જીતી ગયો. આમ આ મુંજના વિજયની કથા બની રહે છે. સીધી વેગવંત ગતિવાળી આ કથા નાટયાત્મક નિરૂપણનો સુંદર નમૂનો બનેલી છે તેથી એના નાટ્યરૂપાંતર અને ચિત્રપટ કથા રૂપે થયેલા રૂપાંતર સફળ નીવડ્યા છે. મુનશીની આ એક આકર્ષક લઘુ નવલકથા બની છે. પૃથિવીવલ્લભ તો કલા અને લોકપ્રિયતાની દ્દષ્ટિએ પણ ઉચ્ચ નીવડી તેથી મુનશી મહાન ઐતિહાસિક નવલકથાકાર કહેવાય.

 

શીર્ષક:-

મુંજનું પ્રત્યેક પ્રસંગે અડગ૫ણું, આનંદિત૫ણું નવલકથાના શીર્ષકને સાર્થક કરતું રહયું. મુંજનું પાણી ઉતારવા જતાં મૃણાલ પોતે પાણી પાણી થઇ જાય છે. મુંજ પ્રત્યેક ૫ળને જીવનારો છે-આનંદ –ઉલ્લાસથી. મુનશી આ કૃતિમાં વર્ણન, સંવાદ, ઘટના, પ્રસંગઆલેખન કે પાત્રલેખન-પ્રત્યેક ક્ષણે મુંજને ‘પૃથિવીવલ્લભ’ ઠેરવવા સર્જનમાં સક્રિય સભાન રહયાં છે. વિચક્ષણ અને કુશાગ્ર એવા મુનશીની નેમ નવલકથાના આરંભથી લઇ અંત સુઘી એ જ રહી છે. નવલકથા પૂરી થયે ભાવક ૫ણ મુંજના જ પ્રભાવ હેઠળ રહે છે ને એને જ ‘પૃથિવીવલ્લભ’ તરીકે સ્વીકારે છે. આમ, આ શીર્ષક સર્વથા યોગ્ય લાગે છે.

 

પાત્રરચના:-

મુનશીની નવલકથાઓમાં સ્ત્રીપાત્રો પ્રતાપી અને જાજરમાન વ્યક્તિત્વ વાળાં હોય છે ખરાં, પણ છેવટે તે કોઈને કોઈ નરપુંગવ આગળ નમી પડે છે. વળી, આ મહાન પાત્રો તેમના સર્જકની પ્રણયભાવનાનું વિશિષ્ટ પણે નિર્વહણ કરે છે. સુખમાં ને દુ:ખમાં, વિજયમાં ને પરાજ્યમાં, સમરાંગણમાં ને સંવનનમાં, જીવનમાં ને મૃત્યુમાં પણ ક્ષમતા-સ્વસ્થતા જાળવી જાણતો મુંજ અમુક અંશે ભગવદ્ ગીતાના સ્થિતપ્રજ્ઞ જેવો લાગે છે. પ્રિયતમા મૃણાલને જાણે ભેટતો હોય એટલા જ આનંદથી મૃત્યુનેય સહજ-સ્વાભાવિક રીતે ભેટતો મુંજ મૃત્યુંજય બની રહે છે. પાત્રના પૂર્વજીવનની વિગતો,સ્વભાવની લાક્ષણિકતાઓ કે વ્યક્તિત્વની રેખાઓ દ્વારા સપ્રાણ તરવરિયાં ક્રિયાશીલ પાત્રોના સર્જન માટે તેઓ સામાન્યતઃ કથન અને સંવાદનો આશ્રય લે છે.

સંવાદો/વર્ણન:-

બને તેટલા ઓછા શબ્દોમાં છટાદાર સંવાદ અને ગતિશીલ કથન દ્વારા પ્રભાવની એકાગ્રતા,ભાવની સઘનતા અને પ્રસંગ-નિરૂપણની રસાત્મકતા નાટ્યાત્મક રીતે સધાય તેવાં સંયત સક્ષમ ભાષાકર્મમાં લેખકની શક્તિ વિશેષ કળાય છે. મુંજના 'દિવ્ય' લોકોત્તર પ્રભાવની આભા રચવા માટે પ્રસંગોપાત્ત યોજાયેલાં પુરાકલ્પનો જુઓ :

- કારાવાસી મુંજ 'ઓરડીના અંધકારમાં શેષ પર શયન કરતા લક્ષ્મીવર જેવો' લાગે છે.

- નવોઢાની જેમ શરમાતી ગતયૌવના વિરૂપ મૃણાલના સંવનન પ્રસંગે 'નયનતેજના સુદર્શનચક્રથી મૃણાલનું રક્ષણ કરતો ધરણીધર સમો 'પૃથિવીવલ્લભ' તેની સમીપ આવી ઊભો રહે છે.

- પાદપ્રક્ષાલન પ્રસંગે મુંજ રાજસભામાં 'દેવ જેવો' આવે છે તે ક્ષણે 'રાજસભા માત્ર જંતુઓની હોય એવી' ભાસે છે.

- મૃત્યુની પળોમાં ગજરાજની ઊંચી-નીચી થતી સૂંઢ વચ્ચે 'હસતો, પ્રભાવકારી આંખો વડે ગર્વ દર્શાવતો પૃથિવીવલ્લભ કાલીનાગ નાથતા શ્રીકૃષ્ણસમો લોકોની નિશ્ર્ચલ ને સજલ આંખો આગળ' રમી રહે છે.

 

લેખનશૈલી:-

ઉપરોક્ત નવલકથાનું કથાવસ્તુ, પાત્રનિરુપણ, રસનિરુપણ, વર્ણનકળા, સંઘર્ષ, સંવાદ અને તેમની ભાષા પરની પ્રતિભાને સરળતાથી જોઈ શકાય. ઐતિહાસિક નવલકથાકાર ક.મા મુનશી અહીં ઐતિહાસિક કથાવસ્તુ પ્રયોજીને ગુજરાતના ઈતિહાસને પણ સરસ રીતે આપણી સમક્ષ મૂકી આપે છે. રસનિરુપણ, પાત્રનિરુપણ અને વર્ણનકળા જોતા ક.મા મુનશી વાચકોને સતત એકધારા કૃતિ સાથે જકડી રાખે છે. આમ 'પૃથિવીવલ્લભ' કૃતિમાં કેળવાયેલી ક.મા મુનશીની સર્જક પ્રતિભાનો અહીં સંપૂર્ણ પરિચય થાય છે. રસાળ છતાં મૂળ ગુજરાતી કહી‌ શકાય એવી ભાષા અહીં પ્રયોજાઈ છે. ક્યાંક ક્યાંક કથા સમજવા આપણે‌ સાર્થનો આધાર લેવો પડે એવું બને.

 

વિશેષ મૂલ્યાંકન:-

અગિયારમી આવૃત્તિ પ્રસંગે મુનશીની શ્રેષ્ઠ નવલકથા કઈ એ વિશે વિભિન્ન મંતવ્યો છે. પરંતુ અનેક વિવેચકોના મત પ્રમાણે 'પૃથિવીવલ્લભ' એમની શ્રેષ્ઠ નવલકથા છે. ૧૯૨૦ માં પ્રગટ થયેલી 'પૃથિવીવલ્લભ' જેટલી વખોડાઈ હતી તેટલી જ વખણાઈ પણ હતી. એક શતકમાં એની અગિયાર આવૃતિઓ ગુજરાતીમાં - અને એકથી વધુ આવૃત્તિઓ હિંદી, મરાઠી, બંગાળી, તામિલ, કન્નડ અને અંગ્રેજીમાં- પ્રગટ થઈ છે. ગ્રંથ તરીકે અને તખ્તા પર આ સર્વ એની સરસત્તાને અને સજીવતાને અંજલિરૂપ છે.

 

મુખવાસ:-

મૃત્યુને ભેટતા છતાં જીતતા પ્રેમની કથા એટલે 'પૃથિવીવલ્લભ'.

Share

NEW REALESED