Karanghelo - Review books and stories free download online pdf in Gujarati

કરણઘેલો - સમીક્ષા

પુસ્તકનું નામ:- કરણઘેલો

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

નંદશંકર તુલજાશંકર મહેતા (૨૧ એપ્રિલ ૧૮૩૫ – ૧૭ જુલાઇ ૧૯૦૫) ગુજરાતી ભાષાના લેખક હતા. તેઓ તેમની નવલકથા કરણ ઘેલો માટે પ્રખ્યાત છે, જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કહેવાય છે. ૧૦ વર્ષની વયે તેમણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની શરુઆત કરી હતી. ૧૮૫૫માં નંદગૌરી સાથે લગ્ન બાદ તેઓ એ જ શાળામાં સહાયક શિક્ષક તરીકે જોડાયા. ૧૮૫૮માં શાળામાં મુખ્યશિક્ષક તરીકે નિમાયા અને પછીથી સુરતમાં ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજમાં પ્રિન્સીપાલ પદે નિમાયા, જે પદ તેમણે ૧૮૬૭ સુધી સંભાળ્યું. તેઓ અંકલેશ્વર ખાતે મામલતદાર તરીકે જોડાયા. ૧૮૮૦માં તેઓ કચ્છના દિવાનપદે રહ્યા અને ૧૮૮૩માં ગોધરામાં સહાયક પોલિટિકલ એજન્ટ તરીકે તેમની નિમણૂક થઈ. ૧૮૭૭માં તેમને રાય બહાદુરનો ખિતાબ મળ્યો. તેમણે ૧૮૬૩માં કરણ ઘેલો લખવાની શરુઆત કરી અને ૧૮૬૬માં પ્રકાશિત કરી. તેમણે આર.જી. ભંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકા અને અંગ્રેજી ત્રિકોણમિતિ પાઠ્યપુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. તેમણે અનેક સમાચારપત્રોમાં લેખો લખ્યા હતા. તેમનાં પુત્ર વિનાયક મહેતાએ તેમનું જીવનચરિત્ર લખ્યું છે.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : કરણઘેલો

લેખક : નંદશંકર તુલજાશંકર મહેતા

પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

કિંમત : 350 ₹.

પૃષ્ઠ સંખ્યા : 336

 

બાહ્ય મૂલ્યાંકન:-

કવરપેજ આકર્ષક, ઉત્સુકતા સર્જક અને કથાસૂચક છે. પુસ્તકના મુખપૃષ્ઠ પર નંદશંકર મહેતાનો ફોટો દર્શાવાયો છે. બેક કવર પેજ પર યશવંત શુક્લ લિખિત ટૂંકી પ્રસ્તાવના છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

‘કરણઘેલો’ એ લેખકની એકમાત્ર સાહિત્યકૃતિ, ગુજરાતી ભાષાની ઐતિહાસિક કથાવસ્તુવાળી પ્રથમ નવલકથા. તેને અત્યંત ઝડપી સફળતા મળી. આ પુસ્તક ઘણું પ્રસિદ્ધિ પામ્યું અને ૧૮૬૬થી ૧૯૩૪ દરમિયાન તેના ૯ પુનઃમુદ્રણ પ્રકાશિત થયા. તેને છેવટે પુનઃસજીવન કરી ૧૯૮૬ અને ૨૦૦૭માં છાપવામાં આવી. આ કૃતિ માટે લેખકને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રસેલસાહેબ પાસેથી પ્રેરણા મળી અને નમૂના મળ્યા વૉલ્ટર સ્કૉટ અને લૉર્ડ લિટનની ‘રોમાન્સ’ સ્વરૂપની કથાઓમાંથી. પાપનો ક્ષય થતો બતાવવો એ આ કથાનો હેતુ છે. એ માટે લેખકે ગુજરાતના છેલ્લા રજપૂત રાજા કરણ વાઘેલાના જીવનનું ર્દષ્ટાંત લીધું છે.

પાટણનો રાજા કરણ વાઘેલો એના પ્રધાન માધવની પત્ની રૂપસુંદરીને જોઈ એની પર મુગ્ધ થાય છે અને માધવને કોઈ બહાને પરગામ મોકલી એના ઘર પર હલ્લો કરીને રૂપસુંદરીનું હરણ કરે છે. એમાં માધવનો ભાઈ કેશવ લડતાં માર્યો જાય છે અને કેશવની પત્ની ગુણસુંદરી સતી થાય છે. સતી થતી વખતે તે કરણને શાપ આપે છે કે એનો સર્વનાશ થશે. માધવ એનું વેર લેવા દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને પાટણ પર ચઢાઈ કરવા પ્રેરે છે. કરણ પાટણ છોડીને ભાગે છે. અલાઉદ્દીન એની પત્નીને લઈ જાય છે. પાછળથી એની પત્ની એની છોકરીને પણ તેડાવે છે. કરણનું અપમૃત્યુ થાય છે. આ ઐતિહાસિક ઘટનાઓમાં લેખકે સમકાલીન વાતાવરણને વણ્યું છે અને પ્રસંગો અને પાત્રોનું ઉમેરણ કર્યું છે. એ પ્રથમ નવલકથા હોવાથી એમાં થોડી કચાશ છે. છતાં પ્રસંગવર્ણન તથા પાત્રનિરૂપણમાં લેખકની વૈયક્તિક શક્તિઓ દેખાય છે. આ નવલકથા લખવાનો હેતુ ‘વ્યભિચારની હાર અને મગરૂબીનો માર, પાપનો ક્ષય અને ધર્મનો જય’ આલેખવાનો છે. એમાં એમને થોડેવત્તે અંશે સફળતા મળી છે એમ કહી શકાય.

 

શીર્ષક:-

આખી કથા કરણ વાઘેલાની આસપાસ ગૂંથાઈ છે. કરણના મૂર્ખતાપૂર્ણ વ્યવહારો ઉડીને આંખે વળગે છે. તેથી શીર્ષક કરણઘેલો સર્વથા યોગ્ય જણાય છે.

 

પાત્રરચના:-

કરણ વાઘેલા, રૂપસુંદરી, માધવ, કેશવ, અલાઉદ્દીન ખીલજી વગેરે પાત્રોને લેખકે સારી રીતે ઉપસાવ્યા છે. આ ઐતિહાસિક ઘટનાઓમાં લેખકે સમકાલીન વાતાવરણને વણ્યું છે અને પ્રસંગો અને પાત્રોનું ઉમેરણ કર્યું છે. એ પ્રથમ નવલકથા હોવાથી એમાં થોડી કચાશ છે. છતાં પ્રસંગવર્ણન તથા પાત્રનિરૂપણમાં લેખકની વૈયક્તિક શક્તિઓ દેખાય છે.

 

સંવાદો/વર્ણન:-

કેટલાક સંવાદો જુસ્સા પ્રેરક છે જેમકે,

"આબરૂને વાસ્તે વિચાર રાખો મરવાની દહેશત છોડી દઈ બઈરાં જેવી ચાલ ચાલતાં શરમાઓ, અને દુનિયાની સઘળી વાત આબરૂ આગળ હલકી ગણીને ઢાલ તરવાર બાંધીને તૈયાર થઈ જાઓ, કોઈ શા માટે જવાબ દેતું નથી ?"

"તમારામાંથી કોઈને જુસ્સો કેમ આવતો નથી ? શું એવો વખત આવ્યો છે કે માણસો જીંદગી ઉપર એટલી બધી પ્રીતિ રાખે કે પોતાના રાજાની તરફથી પણ લડવાની ના કહે ? અરે ! શરમ છે તમને સઘળાને ! ધિક્કાર છે તમને ! ધુળ પડી તમારી જીંદગી ઉપર !”

"માણસનું મન કેવું ચળ તથા અનિશ્ચિત છે ! જ્યાં સુધી તેને કોઈ વસ્તુ મળી નથી ત્યાં સુધી તેના ઉપર તેને અતિ ઘણો મોહ રહે છે, એને તે તેને મેળવવાને તન, મન, અને ધન સઘળું અર્પણ ​કરવાને તૈયાર થાય છે, અને મળ્યા પછી કેવું જતન કરી તેનો કેવો ઉપભેાગ કરીશ, તે વિના મારાથી એક ઘડી પણ જીવાશે નહી, અને આટલા દહાડા તે વગર ચાલ્યું એ કેવું આશ્ચર્ય, એવા અનેક વિચાર કરે છે. પણ તે એક વાર મળી એટલે તે તુચ્છ જેવી તેને દેખાય છે, તેની કિંમત પાણીના રેલાની પેઠે ઉતરી જાય છે, અને જે આઘેથી હીરો દેખાતો હતો તે પાસે આવવાથી એક કાચનો કડકો ઠર્યો તેથી તે બીજી નકામી વસ્તુઓમાં ભળી જાય છે."

લેખનશૈલી:-

શિષ્ટ અને પ્રાસાદિક ભાષા તથા પ્રૌઢિયુક્ત શૈલી આ નવલકથાનું એક સબળ અંગ છે. તો તાર્દશ અને જીવંત વર્ણનો બીજું. "કરણઘેલો " ગુજરાતની ઐતિહાસિક ભૂમિકા આધારિત વર્ણનાત્મક નવલકથા છે. લેખક તત્કાલીન સમાજ, પાટણની ભવ્ય વિરાસત, અસ્તાચળ તરફ જતો એ વૈભવ, રાજકીય ખટપટો - આ બધાને સવિસ્તર આલેખે છે. આજના માપદંડોથી આ વર્ણનો દુર્બોધ લાગે પણ નવલકથાની એ શરૂઆત હતી. એ પહેલાં સાહિત્ય એટલે કાવ્ય એવી જ વિભાવના હતી. મહાત્મા ગાંધીજીએ અડધો ડઝન જેટલાં ઉત્તમ ગુજરાતી પુસ્તકોની એક યાદી બનાવેલી, એમાં "કરણઘેલો"નો પણ સમાવેશ કરેલો. મહાત્માથી લઈ મુગ્ધ વાચક સુધી સહુ કોઈને સ્પર્શી જાય એવી આ કથા છે જે આજે પણ વાંચવી ગમે છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

તેમના પુત્ર અને ચરિત્ર કથાકાર વિનાયક મહેતા અનુસાર નંદશંકર મહેતા ગુજરાતની કોઈ એક ઐતિહાસિક ઘટના પર આધારિત નવલકથા લખવા માંગતા હતા. તેમણે ચાંપાનેરની પડતી અને સોમનાથના ધ્વંસ ઉપર નવલકથા લખવાનો વિચાર કર્યો હતો, પણ છેવટે તેમણે ૧૨૯૮માં અલાઉદ્દીન ખીલજી દ્વારા ગુજરાત પર થયેલા આક્રમણનો વિષય પસંદ કર્યો. આ આક્રમણ પછી ગુજરાત પર મુસ્લિમ રાજકર્તાઓનું શાસન શરૂ થયું. આ હારને કારણે કરણ વાઘેલાને "ઘેલો" (મૂર્ખ[) વિશેષણ મળ્યું. તેમણે પશ્ચિમ શૈલીમાં નવલકથા લખી હતી જેમાં તેણે વાર્તામાં વાર્તા વણી લેવાની સ્થાનીય શૈલીનો પ્રયોગ પણ કર્યો.

તેમને ઇતિહાસમાં રસ હતો અને આ નવલકથા માટે ઘણા ઐતિહાસિક દસ્તાવેજોનો ઉપયોગ કર્યો. જેમ કે સ્થાનીય ઇતિહાસ, ચારણ કથાઓ, જૈન વૃત્તાંત, ફારસી સ્ત્રોતો વગેરે. ગુજરાતના ભાટ અને ચારણો ખીલજીનું આક્રમણ, માધવનું વેર, કરણ વાઘેલાની હાર અને પાટણનું પતન વિષયો ઉપર શ્રુત કથાઓ કહેતા. તે સાથે ઘણાં સમકાલીન જૈન વૃત્તાંતો જેમકે મેરુતુંગ લિખિત પ્રબંધચિંતામણી (૧૩૦૫), ધર્મારણ્ય (૧૩૦૦ અને ૧૪૫૦ વચ્ચે) અને જીનપ્રભસૂરિ રચિત તીર્થકલ્પતરુ આ હુમલાનો ચિતાર આપે છે. ઈ.સ. ૧૪૫૫માં પદ્મનાભ લિખિત મધ્યકાલીન કૃતિ કાન્હડદે પ્રબંધમાં પણ આ આક્રમણનો ઉલ્લેખ છે.

નંદશંકર મહેતાએ કરણ વાઘેલાની મૂળ વાર્તા અને અન્ય ઐતિહાસિક ઘટનાઓ રાસમાળા નામના ગ્રંથમાંથી લીધી હતી. આ ગ્રંથ ચારણ કથાઓ, ફારસી લખાણો, જૈન વૃતાંતો, ગુજરતના લોકસાહિત્ય આદિનો સંગ્રહ છે. આ ગ્રંથ એલેકઝાન્ડર કિનલોક ફાર્બસે દલપતરામની મદદ વડે ૧૮૫૬માં પ્રસિદ્ધ કર્યો હતો.

દિલ્હીમાં ઘટેલી ઘટનાઓ માટે તેમણે ખીલજીના રાજ કવિ અમીર ખુશરોના ફારસી લખાણો અને ઝિઆઉદ્દીન બાર્નીના લખાણોનો ઉપયોગ કર્યો હતો. કરણ વાઘેલાના ખીલજી સાથેના બીજા સાથે યુદ્ધ અને તેની પુત્રી દેવળના અપહરણનો ઉલ્લેખ અમીર ખુશરોની કૃતિ મસનવી દેવલ દેવી ખીઝ ખાનમાં મળી આવે છે. આ કૃતિ ઈશ્કિયા તરીકે પ્રચલિત છે. દેવળ દેવી અને ખીઝ્ર ખાનના પ્રેમની વાત ૧૬મીએ સદીના ઇતિહાસકાર ફેરીશ્તાએ પણ લખી છે. વર્ણનો એ‌ આ કૃતિનું જમા પાસું છે તેમ‌ છતાં વર્ણનોમાં જ્યાં વિસ્તાર થાય છે, ત્યાં મર્યાદા ઊભી થાય છે. વિષયાન્તરો અને વિસંગતિઓને લઈને વસ્તુસંકલનામાં આવી જતી શિથિલતા, નિર્જીવ પાત્રાલેખન અને કૃત્રિમ સંવાદો આ કૃતિની બીજી મર્યાદાઓ છે. આમ છતાં આ કૃતિનું ઐતિહાસિક મૂલ્ય મોટું છે. એના પ્રભાવ હેઠળ પછીથી ગુજરાતી ભાષામાં ઐતિહાસિક નવલકથાઓ લખાતી થઈ હતી.

શિશિર કુમાર દાસ નોંધે છે કે આ વાર્તા પ્રાચીન સુરત શહેરની મહિમાના ગુણગાન કરનારી હોવાથી લોકપ્રિય બની. શ્રી મહેતા સુરતના રહેવાસી હતા. તેઓ એમ નોંધે છે કે પુસ્તક સવિસ્તર વર્ણનો ધરાવે છે, પણ વર્ણનની શૈલી એટલી રોચક નથી. તેઓ આ નવલકથાને ગુજરાતી ઐતિહાસિક નવલકથાની આધારશિલા માને છે. ૧૮૬૦ના સમયગાળાને વર્ણવતા ઑપન મેગેઝિનના અર્સિતા સત્તાર આ નવલકથાને "ગુજરાતથી આવેલી વસાહતી ક્ષણ" તરીકે ઓળખાવે છે.

 

મુખવાસ:- પ્રથમ ઐતિહાસિક ગુજરાતી નવલકથા એટલે "કરણઘેલો".