Show time in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | શૉ ટાઈમ

Featured Books
Categories
Share

શૉ ટાઈમ

શૉ ટાઈમ

- રાકેશ ઠક્કર

OTT વેબસિરીઝ શૉ ટાઈમ માં ઈમરાન હાશમી અને નસીરુદ્દીન શાહ ઉપરાંત બીજા અનેક જાણીતા ચહેરા હોવાથી એનું મહત્વ વધી જાય છે. નિર્દેશક મધુર ભંડારકર પેજ 3, ફેશન અને હીરોઈન જેવી ત્રણ ફિલ્મો બૉલિવૂડ પર બનાવી ચૂક્યા છે, એના વિષે કશું નવું આપવાનું સરળ નથી ત્યારે કોરોના પછી બદલાયેલા માહોલના સંદર્ભો સાથે નિર્દેશક મિહિર દેસાઇ અને અર્ચિતકુમારે શૉ ટાઈમ વેબસિરીઝમાં બૉલિવૂડની વિવિધ બાબતોની નકલ સસ્તી રીતે કરવાને બદલે એને વાસ્તવિકતાની નજીક રાખી છે. એ માટે કેટલાક ફિલ્મી કલાકારોની મહેમાન ભૂમિકા રાખી છે. ફિલ્મી સ્ટાર્સના નખરાં, નેપોટિઝમ, ફિલ્મ રિવ્યુનું ખરીદ- વેચાણ, પૈસાનું મહત્વ જેવા પ્રાસંગિક મુદ્દા છે.

જાણીતા ફિલ્મ સ્ટુડિયો વિક્ટ્રી ના માલિક વિકટર ખન્ના (નસીરુદ્દીન શાહ) પોતાના જમાનમાં રોમેન્ટીક ફીલ્મોના એક સફળ નિર્માતા રહ્યા છે. તે ફિલ્મોને ધંધો નહીં પણ ધર્મ સમજીને બનાવતા હતા. પરંતુ છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ રહી એટલે સ્ટુડિયોનું સંચાલન પુત્ર રઘુ ખન્ના (ઈમરાન હાશમી) ને સોંપી દે છે. રઘુનો સફળતાનો મંત્ર એવો છે કે ફિલ્મની વાર્તાનો વિષય ગમે તે હોય એનાથી કમાણી સારી થવી જોઈએ. તે કહ છે કે,‘દો ઘંટે ફિલ્મ દેખો, ખાઓ, પિયો ઔર ખિસકો. તે ફિલ્મ સારી હોવાનું સાબિત કરવા સમીક્ષકોને રૂપિયા આપી રેટિંગ ખરીદે છે. એક નવી પત્રકાર મહિકા (મહિમા મકવાણા) એને પડકાર ફેંકે છે. રઘુના પિતા પણ સ્ટુડિયોનું સંચાલન મહિકાને સોંપી દે છે. અને બંને વચ્ચે જંગ શરૂ થાય છે.

ઈમરાન હાશમી ફિલ્મોમાં ખાસ પ્રભાવિત કરી રહ્યો નથી અને સફળતા મેળવી રહ્યો નથી ત્યારે OTT વેબસિરીઝ શૉ ટાઈમ માં પોતાના અભિનયથી એ વાત સાબિત કરવામાં સફળ થયો છે કે એનો સમય ફરી આવી શકે છે. તેની અંદરનો અભિનેતા બહાર આવી રહ્યો છે. શૉ ટાઈમ ના પાત્રમાં તે સંપૂર્ણ ઘૂસી ગયો છે. દંભી અને સ્વાર્થી રઘુ ની ભૂમિકા પ્રામાણિક્તાથી ભજવી છે. અગાઉ તેણે આવી ગ્રે શેડવાળી ભૂમિકા ભજવી છે પણ આ વખતે તેનાથી વધુ મહેનત કરી છે. તેની સિરિયલ કિસર ની ઇમેજનો નિર્માતા કરણ જોહરે ઉપયોગ કરી લીધો છે. ઈમરાન કેટલીક ફિલ્મોમાં નવા પ્રયોગ કરવામાં સફળ રહ્યો નથી. તેની એક અલગ પ્રકારના વલણની ઇમેજ વધુ લોકપ્રિયતા અપાવે છે.

મહિકા તરીકે મહિમા મકવાણા બહુ પ્રભાવિત કરી ગઈ છે. તેણે પોતાની યોગ્યતા સાબિત કરી છે. સલમાનની અંતિમ માં એની બહુ નોંધ લેવાઈ ન હતી. વેબસિરીઝમાં ઈમરાન અને નસીરુદ્દીન સામે તે આત્મવિશ્વાસથી કામ કરે છે. એના પાત્રને કારણે વાર્તામાં દર્શકો જોડાયેલા રહે છે.

ધ ડર્ટી પિક્ચર પછી ઈમરાન- નસીર સાથે દેખાયા છે. બંને વચ્ચે ફિલ્મ નિર્માણ બાબતે વાદ-વિવાદ બતાવાયો છે. એને જલદી પૂરો કરવામાં આવ્યો છે. નસીરની ભૂમિકા બહુ નાની રાખી છે. નસીર અનુભવી

રાજીવ ખંડેલવાલ એક સુપરસ્ટાર તરીકે જામે છે. વિજય રાજ નાની ભૂમિકાને ન્યાય આપે છે. ગ્લેમર સાથે મૌની રૉય પ્રભાવ ઊભો કરે છે. શ્રિયા સરનને ખાસ તક મળી નથી બધા કલાકારો નાની ભૂમિકામાં છાપ છોડી જાય છે.

લેખકોની ટીમે ફિલ્મોની અંદરની કોઈપણ વાતને બતાવવામાં સંકોચ રાખ્યો નથી. બોલિવૂડની બહારની અને અંદરની વ્યક્તિઓ વચ્ચેની એમાં બહસ છે. લેખકોએ દ્રશ્યોની કલ્પના કરવાને બદલે જેવી છે એવી ફિલ્મી દુનિયા સ્ક્રીનપ્લેમાં બતાવી છે. એમાં બહુ રસ ના ધરાવતા હોય એમને કદાચ જ ગમશે પણ બૉલિવૂડની ગોસિપ અને પડદા પાછળની હલચલ જાણવા ઇચ્છતા ચાહકોને જરૂર પસંદ આવશે અને મનોરંજન મળશે.

કેટલીક બાબતો ફિલ્મી પણ લાગશે. એક નવી પત્રકાર મહિકા ફિલ્મ સ્ટુડિયો પોતાના કબ્જામાં લે છે અને સારી રીતે ચલાવે છે એ વાત માની શકાય એવી લાગતી નથી. આઠ એપિસોડની શૉ ટાઈમ ના અત્યારે 4 એપિસોડ જ આપવામાં આવ્યા છે. બાકીના જૂન માસમાં આવશે. અત્યારે વેબસિરીઝને બે ભાગમાં રજૂ કરવાનો ટ્રેન્ડ અજીબ બની રહ્યો છે. કોઈ વેબસિરીઝ અડધી રજૂ થાય ત્યારે એના વિષે સંપૂર્ણ અભિપ્રાય મુશ્કેલ બની જાય છે.