Chhappar Pagi - 65 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 65

છપ્પર પગી -૬૫

———————————

હોટેલ પર પહોંચી ફરીથી આ પાંચેય મિત્રો એરપોર્ટ પર પોતાના ચાર્ટર્ડ પ્લેનથી પરત જવા બેસવાની તૈયારી જ કરતા હોય છે એજ સમયે પ્રવિણ પર એક ફોન આવે છે, ફોન એટેન્ડ કરે છે… એ વિચારે છે કે લક્ષ્મીને ફોન કરી દઉં કે એ ત્યાથી ફ્લાઈટ પકડીને આવી જાય..? હું જ રોકાઈ જાઉં ? આ ચાર્ટર્ડ પ્લેન અને મિત્રોને છોડી દઉં ? પણ એકદમ જ બધુ થઈ રહ્યુ હતું એટલે એકદમ ટેન્શન જેવું થઈ જતાં પ્રવિણના હાથમાંથી ફોન નીચે પડી જાય છે અને ખરાબ રીતે ડેમેજ થઈ જાય છે અને ફોન કામ કરતો બંધ જ થઈ જાય છે. હવે લક્ષ્મીને ફોન થઈ શકે તેમ ન હતો…હવે પ્રવિણને એકદમ કંઈ ન સમજાયુ એટલે પ્લેન પર બોર્ડ થયેલ મિત્રોને જણાવ્યું, ‘ મારે માટે આ એક અનિવાર્ય ઈમરજન્સી કોલ છે એટલે દિલ્હી એકાદ દિવસ રોકાઈ જવું પડશે.. કામ પુરુ થયે પછીથી મુંબઈ જવા અન્ય ફ્લાઈટમાં જઈશ પરંતુ મને જે કોલ આવ્યો હતો તે વ્યક્તિ મારા માટે શ્રદ્ધા સ્થાને સૌ પ્રથમ છે. એમને મારી કદાપી જરૂરીયાત ન હોય શકે કે મને બોલાવી લે એટલે હું એમના કોલને એક સંકેત તરીકે લઉ છું. તમે પણ મારી આ શ્રદ્ધાને માન્યતા આપી સ્વીકારતા હોય તો હવે તમે પણ આ ચાર્ટર્ડ પ્લેનનો વિકલ્પ છોડી દો તો સારું, કોઈ બીજો વિકલ્પ કે કાલનો દિવસ પસંદ કરી લો તો…!’

પ્રવિણ કંઈ આગળ કહે તે પહેલાં એક મિત્રએ પુછ્યુ, ‘ કંઈ ઈમરજન્સી…!?’

પ્રવિણે કહ્યુ, ‘હા એક અંગત સંબંધી છે તેમને મેડીકલ ઈમરજન્સી છે એટલે મારે તો રોકાઈ જવું પડશે.’

બીજા મિત્રો પુરા વહેપારી હતા, શ્રદ્ધાથી વિશેષ તર્કસંગત વધારે વિચારે એવાં જ હતા પણ મિટીંગમા પ્રવિણની પ્રવૃત્તિઓ અને સેવાકિય કાર્યો બાબતે જાણ્યું પછીથી પ્રવિણ અંગે અભિપ્રાયો સંપૂર્ણ પણે બદલાઈ ગયા હતા. એટલે એ લોકોએ જવાબ આપ્યો, ‘જોડે આવ્યા છીએ તો જોડે જ જઈશું…’ ચાર્ટર્ડ પ્લેનને ખાલી જ રવાના કરી દે છે અને પ્રવિણ અને મિત્રો બનતી ત્વરાએ એરપોર્ટની બહાર જઈ ટેક્ષી હાયર કરી ફોર્ટિસ એસ્કોર્ટ હાર્ટ ઈન્સ્ટીટ્યુટ પર જવા નિકળી પડે છે… રસ્તામાં ફોન ચાલુ કરવા માટે પુરતો પ્રયત્ન કરે છે પરંતુ કામ કરતો નથી… નવો મોબાઈલ ઓન ધ વે લેવો એવો સમય બગાડવો યોગ્ય ન લાગ્યું અને વિચાર્યું કે એકવાર હોસ્પીટલ પહોંચી જવું પછી યોગ્ય નિર્ણય લઈ પછી લક્ષ્મીને મુંબઈ ફોન કરશે..

થોડી વારમાં હોસ્પીટલ પહોંચે છે કે તરત સ્વામીજી મળે છે. વિશ્વાસરાવજીને સિવિયર હાર્ટ એટેક આવ્યો હોવાથી, સ્વામીજી અને ડો. અભિષેકભાઈ એમને લઈને આ હોસ્પીટલ પર આવેલ હતા. ડો. અભિષેકભાઈ જોડે જ હતાં તેમછતાં શા માટે સ્વામીજીએ પ્રવિણને બોલાવી લીધા એ પ્રશ્ન ડો. અભિષેકભાઈને પણ થતો હતો પણ હાલ તો વિશ્વાસરાવજીને કેન્દ્રસ્થાને રાખીને આગળનો વિચાર કરવાનો હતો.

થોડીવાર બધા જ વેઈટીંગ લોન્જમાં બેસે છે, પછી કન્સલ્ટીંગ ડોક્ટર મળવા માટે બોલાવે છે. સ્વામીજી, પ્રવિણ અને ડો. અભિષેકભાઈ એમને સાંભળીને તરત નિર્ણય પર આવી જઈ બાયપાસ સર્જરી માટે સહમતી આપી દે છે. બધા રિપોર્ટ ચેક કરતા યોગ્ય લાગે છે એટલે સર્જરી કરવી અનુકૂળ હતી પણ બીજા દિવસે સવારે અગિયાર વાગે સમય નક્કી કરતા હતા પણ સ્વામીજીએ વહેલી સવારે પાંચ વાગ્યે થાય તો વધુ સારુ એવું સૂચન કર્યું અને ડોક્ટર્સ ટીમને પણ કોઈ વાંધો ન હતો એટલે હોસ્પીટલની બાજુની હોટેલમાં બધા રાતે થોડો આરામ કરવા જતા રહે છે.

હોટેલ પહોંચીને પ્રવિણે સ્વામીજીને કહ્યુ, ‘આપનાં ફોન પરથી લક્ષ્મીને એક ફોન કરી દઈએ.. મારો ફોન ખરાબ થઈ ગયો છે, આ શેડ્યુલ બદલાયું છે તો જણાવી દઉં..’

સ્વામીજીએ જણાવ્યુ, ‘ મે લક્ષ્મીને હોસ્પીટલ પહોંચીને ફોન કર્યો જ હતો… અને લક્ષ્મીના આગ્રહથી જ તમને અહીં બોલાવી લીધા છે.. એમણે મને જણાવ્યું હતું કે પ્રવિણ દિલ્હી જ છે તો એમને જોડે જ રાખો અને એનો આગ્રહ હતો કે હું જ તમને ફોન કરીને બોલાવી લઉં..’

તમે લોકો આવી ગયા હતા એટલે તરત જ મેં ટેક્સ્ટ મેસેજ કરી દીધો હતો કે “ પ્રવિણ ઈઝ વિથ મી નાઉ..’

એટલે ચિંતા કરવાની જરૂર નથી અને હાલ તે ધ્યાનમાં બેઠી હશે… કેમકે એમણે જ વળતો મેસેજ કર્યો હતો કે એ ફ્રી થઈને હવે પછી સામેથી કોલ કરશે.’

હોટેલ પર પ્રવિણના બાકી મિત્રો ડિનર માટે જતા રહે છે અને ડો. અભિષેકભાઈ, પ્રવિણ અને સ્વામીજી જોડે બેસીને થોડું ફ્રુટ્સ લઈ થોડું વહેલું સુઈ જવાની તૈયારી કરી રહ્યા હતા.. એટલી વારમાં તો પ્રવિણના મિત્રો ડિનર છોડીને પ્રવિણના રૂમમાં દોડી આવે છે…એકદમ હાંફળા ફાંફળા થયેલ મિત્રોને પ્રવિણ પૂછે છે કે શું થયું ? કેમ ડિનર છોડીને આવી ગયા ? કોઈ પ્રોબ્લેમ ?

‘પ્રોબ્લેમ…!? અરે પ્રોબ્લેમ તો આજે જતા રહ્યા હોત તો થાત..’ એમ એક મિત્રએ રડતાં રડતાં કહ્યુ અને પછીએ એ ચારેય મિત્રો પ્રવિણને ભેટીને એકદમ રડી પડ્યા.

પ્રવિણે બધાને શાંત રાખવા પ્રયત્ન કર્યો.તેમ છતાં બે ચાર મિનીટ્સ એ લોકો શૂન્યમનસ્ક બની રહ્યા અને પછી એક મિત્રએ પોતાનો મોબાઈલ કાઢી ન્યુઝ ચાલુ કરીને પ્રવિણને બતાવે છે અને કહે છે જો ભાઈ તું આ ..!

પ્રવિણ પણ એ વાઈરલ ન્યુઝ ક્લિપીંગ જોઈને એકદમ અચેતન જેવો બની જાય છે, થોડો સભાન થાય છે કે તરત જ બોલી ઉઠે છે… હે ઈશ્વર… તું કયા સ્વરુપે, ક્યારે અને કેમ તારું અસ્તિત્વ બતાવે છે એ જાણવું કે સમજવું અમારા જેવા પામર મનુષ્યો માટે બિલકુલ અકળ છે..!

એ પાંચેય મિત્રો મનોમન આ ઘટનાં પાછળનું શું રહસ્ય હોઈ શકે એ સમજી નથી શકતા પણ હવે કેમ રિએક્ટ કરવું એ ન સમજાયું પણ સૌને થયું કે આજે તો ખરેખર ઈશ્વરે બચાવી જ લીધાં છે… પણ કોને માધ્યમ બનાવીને બચાવ્યાં ? કોણ નિમિત્ત બન્યુ ?

વિશ્વાસરાવજીની સર્જરી ? સ્વામીજી નો ફોન ? લક્ષ્મી અહીં આવી જાય અને એ નિકળી જાય તેવો વિકલ્પ ઉભો ન થયો તે સંજોગ કે પછી…!?

સ્વામીજી કદાચ ઉંઘી ગયા હશે તો..! પણ પ્રવિણથી રહી શકાય તેમ હતું જ નહીં એટલે બાજુની રૂમમાંથી ડો. અભિષેકભાઈને બોલાવીને એ બધા સ્વામીજીની રૂમમાં જાય છે… ડો. અભિષેકભાઈ તો આ ઘટનાથી અજાણ જ હતા એમને પણ સ્વામીજીની જોડે જ આ વાત જણાવતા પ્રવિણે કહ્યુ, ‘સ્વામીજી આ ન્યુઝ ક્લિપીંગ…..’


( ક્રમશઃ )

લેખકઃ રાજેશ કારિયા